અખંડાનંદ

અખંડાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "અખંડાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. લોયા ૪ ( para.2)

પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “અનંતકોટિ બ્રહ્માંડ છે, તે બ્રહ્માંડને વિષે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે, તેવી ને તેવી જ દેખાય છે કે નથી દેખાતી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિષે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંતકોટિ પ્રધાનપુરુષ તે થકી અનંતકોટિ બ્રહ્માંડ ઉપજે છે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને તે અનંતકોટિ બ્રહ્માંડને વિષે પોતાના ભક્તને અર્થે અનંતરૂપે દેખાય છે.”

2. લોયા ૪ ( para.3)

પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીકૃષ્ણનારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે; અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક અનંતરૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું ? અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એકસરખી છે કે જુદી જુદી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનની મૂર્તિ તો સદા એકસરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઇએ ત્યાં તેવી પોતાની ઇચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પોતે તો સદા દ્વિભુજ છે તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંઈ ચાર ભુજ, ક્યાંઈ અષ્ટભુજ, ક્યાંઈ અનંત ભુજને દેખાડે છે, તથા મત્સ્ય-કચ્છાદિકરૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એકરૂપે જ વિરાજમાન રહે છે. અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે અંતર્યામીરૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા તેણે શુકજીને સાદ કર્યો ત્યારે સ્થાવર-જંગમ સર્વે જીવમાં રહીને સાદ કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર-જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે. તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગકળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગકળાના નિધિ છે, તે એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે તેમાં શું કહેવું ? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે ? કેમ જે, કોઈક ગોડિયો હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ! ને તેની યથાર્થ ખબર પડતી નથી તો ભગવાનમાં તો સર્વ યોગકળાઓ રહી છે, તે મહા આશ્ચર્યરૂપ છે. તેને જીવ કેમ જાણી શકે ? માટે ભાગવતમાં કહ્યું છે જે, ‘આટલા ભગવાનની માયાને તર્યા છે’ અને વળી એમ કહ્યું જે, ‘કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી.’ તેણે કરીને એમ જાણવું જે, એ ભગવાનની યોગકળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું? તો જે, ‘એ ભગવાન તે કેમ એમ કરતા હશે ?’ અને ભગવાનને એમ સમજે જે, ‘એ તો સમર્થ છે તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે.’ એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય અને કલ્યાણની રીતિ તો એકસરખી છે; પણ ભજનારા જે પુરુષ તેને વિષે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ; એ ત્રણ પ્રકારના ભેદ છે ને તેમની૨ શ્રદ્ધા અનંત પ્રકારની છે, તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે અને તે ભગવાન અતિસમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યન્ત કોઈ સમર્થ થતો નથી, એ સિદ્ધાંત છે.”

3. લોયા ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો”, ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચારને ઊપજ્યાનો હેતુ શો છે ?” પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે, “વૈરાગ્ય તો એમ ઊપજે જે, જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. તે કાળનું સ્વરૂપ તે શું ? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંબ પર્યન્ત સર્વ જીવના આયુષને જાણે અને એમ જાણીને પિંડ-બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે, ત્યારે વૈરાગ્ય ઊપજે. અને જ્ઞાન તો એમ થાય જે, જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ્ તથા ભગવદ્‌ગીતા તથા વાસુદેવમાહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઈત્યાદિક ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે, તો જ્ઞાન ઊપજે. અને ધર્મ તો એમ ઊપજે, જો યાજ્ઞવલ્ક્યસ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશરસ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઈત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે, તો ધર્મ ઊપજે ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઊપજે જે, ભગવાનની જે વિભૂતિયો છે તેને જાણે, તે કેમ જાણે ? તો ખંડ-ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિયો જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વિપાદિક ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય રૂપ જે ભગવાનની લીલા તેને માહાત્મ્યે સહિત સાંભળે તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર, તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે, તો ભગવાનને વિષે ભક્તિ ઊપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ જે સ્મૃતિયો તેનું શ્રવણ કરે તો ઊપજે, અને જ્યારે ધર્મને વિષે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય; એ ત્રણેય ઊપજે. એવી રીતે એ ચારને ઊપજ્યાના હેતુ છે.”

4. ગઢડા મધ્ય ૧૬ ( para.4)

પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે, “માંદાને તો કરીનો નિયમ હોય જે, આટલા દિવસ જ કરી રાખવી, તેમ કલ્યાણના સાધનનો પણ કોઈ નિયમ છે કે નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને શ્રદ્ધા મંદ હોય તેને તો ઘણેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. તે ભગવદ્‌ગીતામાં કહ્યું છે જે, ‘अनेकजन्म संसिद्धस्ततो याति परां गतिम् ।’ એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ‘અનેક જન્મે કરીને સંસિદ્ધ થયો જે યોગી તે જે તે પરમપદને પામે છે,’ એ મંદ શ્રદ્ધાવાળાનો પક્ષ છે. અને જેને બળવાન શ્રદ્ધા હોય તે તો તત્કાળ સિદ્ધ થાય છે, તે પણ ગીતામાં કહ્યું છે,

5. ગઢડા મધ્ય ૧૬ ( para.9)

પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે, “તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત્કથાવાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઈત્યાદિક જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારુ સ્નાનાદિક જે પોતાની દેહક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે. અને કાગળ લખીને અમે કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આકળો થઈ જાય. અને મોટો માણસ હોય તો પણ ભગવાનનાં દર્શન સારુ બાળકની પેઠ્યે આકળાઈ કરવા માંડે. એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો. અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે. અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેના ઇન્દ્રિયો વિષય સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય, તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઈ જાય જે, ‘આની ઇન્દ્રિયોના વિષય સન્મુખ તીક્ષ્ણ વેગ છે.’ અને ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે, જેમ વાયુ દેખાય નહિ પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે, વાયુ વાય છે. તેમ ઇન્દ્રિયોની વૃત્તિયો દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે અને જો કપટે કરીને ઢાંકવા જાય, તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે. માટે જેની ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહિ.”

6. ગઢડા મધ્ય ૧૬ ( para.11)

પછી વળી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો ભગવાનનું માહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે. જેમ પાણી પીવાનું વાસણ મૃત્તિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહિ અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય; તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તનાદિકનું માહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું માહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે.”

7. ગઢડા અંત્ય ૧૮ ( para.4)

પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! આ જીવને પૂર્વજન્મના જે કર્મ તે કર્મનું જોર ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ જીવને જ્યારે સત્પુરુષનો સંગ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વકર્મ સંબંધી જે વાસના તે જૂની થતી જાય. પછી એને જન્મમરણ ભોગવાવે એવી તે વાસના રહે નહિ. જેમ ત્રણ વર્ષની તથા ચાર વર્ષની જે જૂની ડાંગર થઈ, પછી તે જમ્યામાં તો આવે ખરી પણ વાવે તો ઊગે નહિ, તેમ પૂર્વકર્મની વાસના છે તે જીર્ણ થાય ત્યારે જન્મમરણને ભોગવાવે એવી રહે નહિ. ત્યારે કોઈક એમ પૂછશે જે, ‘વાસના જીર્ણ થઈ કેમ જણાય ?’ ત્યાં દૃષ્ટાંત-જેમ કોઈક પુરુષો ઢાલો, તરવારો લઈને સામસામા લડાઈ કરતા હોય, તે જ્યાં સુધી સામસામા એમ ને એમ ઊભા રહે ત્યાં સુધી એ બેયનું બળ બરોબર જણાય અને જ્યારે એક જણાનો પગ પાછો હઠ્યો ત્યારે એ હાર્યો કહેવાય. તેમ ભગવાનનો જે ભક્ત હોય તેને ભગવાન સંબંધી ને વિષય સંબંધી જે સંકલ્પ તે જ્યાં સુધી તુલ્યપણે વર્તતા હોય ત્યાં સુધી એમ જાણવું જે, ‘વાસના બળવાન છે.’ અને જ્યારે ભગવાન સંબંધી જે સંકલ્પ તે વિષય સંબંધી સંકલ્પને હઠાવી દે ત્યારે એમ જાણવું જે, ‘વાસના જીર્ણ થઈ ગઈ છે.”

(કુલ: 7)