વચનામૃત ૫ : ધ્યાનના આગ્રહનું

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું, અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિષે ન દેખાય તો પણ ધ્યાન કરવું; પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહિ. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે.”

।। ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ।।૫।।