વચનામૃત ૮ : ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીઆદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહિ. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિષે જે અહંબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિષે જે મમત્વબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિષે વૈરાગ્ય થાય છે.”

।। ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ।।૮।।