અપમાન

અપમાન

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "અપમાન" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૨૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે, “પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે, જે એમ સમજતો હોય જે, ‘આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય-ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે-ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજ-વીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય છે, તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે,’ એમ સમજે; પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહિ. અને ‘પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે’ એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય જે, ‘ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાંખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક-કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે.’ તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્યભાવ રહે છે. તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે; એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવના માન- અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહિ, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવા જે, એના નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધાર રૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખ્યો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે, ‘હું મોટો થયો છું,’ પણ એ મોટો નથી અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટ્યપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડાં હોય તે મોટો; એમ જેમ જેમ અધિક સંપત્તિ જેને હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે, ‘આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારુ છે અને આ મેડી તો ઘણી સારી છે અને આ તુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારુ છે,’ એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે, એનું કલ્યાણ થશે કે નહિ થાય ? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનુંયે થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દહાડે આવતી નથી તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી; કાં જે, એ પાત્ર થયો નથી.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા.

2. ગઢડા પ્રથમ ૬૧ ( para.3)

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “જે આત્મનિષ્ઠા હોય તે અંતસમે કેટલી સહાય કરે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતાં આવડતું હોય તે તરી જાય ને જેને તરતાં ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે, તેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ, તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય, પણ મૃત્યુસમય તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસનારૂપી વહાણનું કામ પડે છે, માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ અંતસમે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી, તે સારુ ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી.”

3. ગઢડા પ્રથમ ૬૨ ( para.9)

પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષ્યા તો દિવસે-દિવસે વધતાં જાય છે, તેનું શું કારણ હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન પાસે એક અમૃત લાવીએ અને શિંગડિયો વછનાગ લાવીએ અને દૂધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ, અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ, તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે પણ પલટાઈ જાય નહિ, તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહિ. પછી એ કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે જે, ભગવાન સર્વમાં અંતર્યામીરૂપે કરીને રહ્યા છે; તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થી જણાવે છે. માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે, ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે, જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકીને પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો પણ તેણે જો પ્રહ્લાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિંહરૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો, એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહિ. કાં જે, ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુઃખવવો નહિ અને જો અહંકારને વશ થઈને જેને તેને દુઃખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહિ. પછી ગમે તે દ્વારે પ્રકટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે, તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશમાત્ર અભિમાન રાખવું નહિ અને એક કીડી જેવા જીવને પણ દુઃખવવો નહિ એજ નિર્માની સાધુનો ધર્મ છે.”

4. ગઢડા પ્રથમ ૭૨ ( para.6)

પછી વળી કાકાભાઈએ પૂછ્યું જે, “ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઈત્યાદિક છે તે આત્માને વિષે માને નહિ અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઈત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિષે માને નહિ અને પોતાના શરીરને વિષે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિષે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે; અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશમાત્ર ન હોય, એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે જે, ‘મોટા થઈને વગર વાંકે આમ શીદ કરતા હશે’ એવા લક્ષણ હોય તેને મધ્યમ ભક્ત જાણવો અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનને વિષે પ્રીતિ હોય અને જગતના વ્યવહારને વિષે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિષે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણવો.”

5. ગઢડા પ્રથમ ૭૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપત્કાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહિ. અને ઝાઝી સંપત્ કે આપત્ આવે એની વાત શી કહેવી? પણ આ દાદાખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે.” પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો તે પણ સમજીને રહે છે જે, જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય અને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહિ, એટલા માટે હર્ષ-શોક જેવું થઈ આવે છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આપણે તો શ્રીકૃષ્ણનારાયણના દાસ છીએ તે શ્રીકૃષ્ણનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું. અને એ શ્રીકૃષ્ણભગવાનની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે અને એ ભગવાન આપણને હાથીએ બેસારે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસારે તો ગધેડે બેસીને પણ રાજી રહેવું. અને એ ભગવાનના ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિ અને એ ભગવાનની ઈચ્છાએ કરીને જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું, પછી એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ અથવા એની ઈચ્છાએ કરીને સર્વે સત્સંગી મટી જાઓ, પણ કોઈ રીતે હર્ષ-શોક મનમાં ધારવો નહિ, એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે છે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં, એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહિ.”

6. ગઢડા પ્રથમ ૭૮ ( para.26)

એવી રીતે સર્વ મુનિના પ્રશ્નોના ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ સર્વેને પૂછતા હવા જે, “કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે, એમાંથી જેને જે અતિશય જીત્યામાં આવ્યા હોય તે સર્વે કહો.” પછી જેને જે વાતની અતિશય દ્રઢતા હતી તે તેવી રીતે બોલ્યા. તે મુનિના વચન સાંભળીને શ્રીજીમહારાજ અતિશય રાજી થયા અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી; એ ચાર જણાને રાજી થઈને હૃદયને વિષે ચરણારવિંદ દીધા અને એમ બોલ્યા જે, “જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક જે મોટેરા છે તે ભેળા આ ચાર પણ છે; માટે એમનું કોઈને અપમાન કરવા દેશો મા.” એમ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભલામણ કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા.

7. સારંગપુર ૧૦ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનનાં ધામ તેને બાહ્યદૃષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે અને આત્મદૃષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. માટે બાહ્યદૃષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે અને આત્મદૃષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય જે, ‘મારા ચૈતન્યને વિષે ભગવાન સદાય વિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે’ અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે, તો તે સંત થકી ભગવાન તથા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી. અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, ‘મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.’ ને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે અને જેને આવી સમજણ તો આવી શકે નહિ, ને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે ને તે સંત નિત્ય પાંચ ખાસડાં મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહિ, જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહિ, તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે.”

8. લોયા ૧૦ ( para.9)

અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે જે, ‘द्युपतय एव ते न ययुरन्तमनन्ततया त्वमपि ।’ ઈત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કર્યો છે. એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે, તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેણે કરીને કાંઈ લેશમાત્ર પણ તેનું મન વિકાર ને પામે નહિ અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઈતા હોય તેને ગ્રહણ કરે પણ તે વિષયને આધીન થઇ જાય નહિ, સ્વતંત્રપણે ગ્રહણ કરે જેમ કરોળિયો પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે, તેમ એવો જે જ્ઞાની તે પોતાની ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે. અને એવો જે હોય તે રાજ્યમાં હોય તો પણ વનમાં છે અને વનમાં હોય તો પણ તેને રાજ્ય કરતા વધતો આનંદ છે. અને એવો જે જ્ઞાની તે રાજ્યમાં રહ્યો હોય ને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતાં હોય ને સમૃદ્ધિએ યુક્ત હોય તેણે કરીને પોતાને કાંઈ એમ ન માને જે, ‘હું બહુ મોટો થઈ ગયો.’ અને તે રાજ્યનો નાશ થઈ જાય ને હાથમાં મૃત્તિકાનું પાત્ર લઈને ઘરોઘર માગી ખાય, તેણે કરીને એમ ન માને જે, ‘હું હવે તો ગરીબ થઈ ગયો;’ કેમ જે, તે તો પોતાના કેફમાં મહાઅલમસ્ત રહે. તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે; તે માટે એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વને વિષે સમબુદ્ધિ વર્તે છે તથા માન- અપમાનને વિષે સમબુદ્ધિ વર્તે છે અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી; કેમ જે, એની દૃષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે ને માયિક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે. જેમ કોઈક પુરુષ પ્રથમ કંગાલ હોય ને પછી તેને રાજ્ય મળે ત્યારે તેની દૃષ્ટિ મોટી થાય છે અને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિશરી જાય ને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે, તેમ એવા જ્ઞાનીને સર્વે પદાર્થમાત્ર તુચ્છ થઈ જાય છે ને એવા જ્ઞાનને વિષે એની વિશાળ દૃષ્ટિ થાય છે અને એવી રીતે જે સમજ્યો છે તે સુખિયો છે. તથા જે વિશ્વાસી હોય કહેતાં એમ સમજતો હોય જે, ‘આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી.’ એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે. એ બે જણ જ સુખિયા છે, ને એ વિના જે બીજા છે તે સુખિયા નથી. ત્યાં શ્લોક છે : “यश्च मूढतमो लोके यश्च बुद्धेः परं गतः । तावुभौ सुखमेधेते क्लिश्यत्यन्तरितो जनः ।।” તથા ભગવદ્‌ગીતામાં કહ્યું છે જે - “विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः। रसवर्जं रसोऽप्यस्य परं द्रष्ट्वा निवर्तते ।” એવી રીતે જેની અલૌકિક દૃષ્ટિ થાય છે, તેને પરમેશ્વર વિના સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય છે અને આ બે શ્લોક છે તેનો પણ એકસરખો ભાવ છે.”

9. ગઢડા મધ્ય ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજીમહારાજ એમ બોલતા હવા જે, “હે સંતો ! જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો, તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે, તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટ્યપ વધારવા સારુ નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે, ‘આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય,’ તે સારુ કરીએ છીએ. અને આ જે વાત છે, તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે, મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે, આ સંસારને વિષે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ એ જે પંચવિષય તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચવિષય તથા નરસા પંચવિષય તે બેય સમ વર્તે છે. અને રાજા તથા રંક તે પણ સમ વર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમ વર્તે છે અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારાં વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાખે તે બેય સમ વર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બેય પણ સમ વર્તે છે. તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બેય સમ વર્તે છે અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું, બધાય હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંતઃકરણને વિષે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે, તેનો પણ ભાર નથી જણાતો; જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા ને સોનામહોરની વાંસળી કેડ્યે બાંધી હોય તેનો ભાર જણાય છે, તેમ ભાર નથી જણાતો. અને મારે વિષે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારે વિષે જ્ઞાન છે જે ‘હું બ્રહ્મ છું,’ તેનો પણ ભાર નથી જણાતો. અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણીજાણીને કરું છું. અને જે જે પદાર્થને વિષે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિષે પથરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિષે રહે ને પછી પાછો પૃથ્વીને વિષે આવીને પડે છે; અને જેમ પૂંછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે ને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પડી જાય; અને જેમ કોઈક પુરુષ સૂઝે એટલો બળિયો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય અને તે પુરુષને દશવીશ કાગદી લીંબુ ચુસાવ્યાં હોય, પછી તે શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે, તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે. તે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે ? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિષે જે આકાશ છે તેને વિષે વર્તે છે અને તે હૃદયાકાશને વિષે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિષે આકાશમાં વાદળાં છાઈ રહ્યાં હોય તેમ મારા હૃદયને વિષે એકલું તેજ વ્યાપી રહ્યું છે.

10. ગઢડા મધ્ય ૨૨ ( para.2)

ત્યારે શ્રીજીમહારાજ સાધુ પ્રત્યે બોલ્યા જે, “એક વાર્તા કરીએ તે સાંભળો જે, જેમ બે સેના હોય; ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેયના નિશાન સામસામા રોપ્યાં હોય, પછી બેયના મનમાં એમ હોય જે, ‘આપણું નિશાન છે, તે એનાં નિશાનને ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ.’ પણ એવો વિચાર નથી થતો જે, ‘એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકનાં માથાં પડશે ને લોહીની નદી ચાલશે.’ તેનો તો એને ભય નથી; કાં જે, શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહિ. અને જે કાયર છે તે તો ભાગ્યાના હજારો વિચાર કરે છે અને એમ પણ વિચાર કરે છે જે, ‘આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન, હથિયાર હશે તે લૂંટી લઈશું.’ અને તે બેય રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટવાનો પણ લોભ નથી; પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી, એવો જ એક સંકલ્પ છે. એ તો દ્રષ્ટાંત છે; એનું સિદ્ધાંત તો એ છે જે, નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે અને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે, તેને તો આ સંસારને વિષે માન થાઓ અથવા અપમાન થાઓ, દેહને સુખ થાઓ અથવા દુઃખ થાઓ, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી જે, ‘આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે.’ એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. એ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે, ‘આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વચમાં ક્યાંઈ લોભાવું નથી.’ અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે, તેને તો પ્રભુ ભજ્યામાં હજાર જાતના ઘાટ થાય છે જે, ‘જો કરડાં વર્તમાન થશે તો નહિ નભાય ને સુગમ વર્તમાન હશે તો નભાશે.’ અને વળી એવો પણ વિચાર કરે જે, ‘આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખિયા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું.’ એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો. અને શૂરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ-બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય.”

11. ગઢડા મધ્ય ૨૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીકૃષ્ણભગવાનના સ્વરૂપને વિષે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય જે, ‘પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય ને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય અને તેવા સમામાં કાંઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નીસરે, તો જાણીએ એકે ગાઉ પણ ચાલ્યો નથી, એવો સાવધાન થઈને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય. અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વ દુઃખ થકી રહિત થઈ જાય. અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઈ ગયો એવો જણાતો હોય અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગ જ નથી થયો. એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય.’ એવી જાતના જેને વિષે લક્ષણ હોય તેને એ ભગવાનને વિષે દ્રઢ આસક્તિ થઈ જાણવી.”

12. ગઢડા મધ્ય ૫૨ ( para.2)

અને પોતાની આગળ મુનિમંડળ ઝાંઝ-મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. તે જ્યારે કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, હવે વાર્તા કરીએ તે સાંભળો જે, આ સંસારને વિષે ગૃહસ્થાશ્રમી ને ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે. તે જે ગૃહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણરૂપ હોય અને જે ત્યાગીને શોભા હોય તે ગૃહસ્થને દૂષણરૂપ હોય; તેને બુદ્ધિમાન હોય તે જાણે, પણ બીજો જાણી શકે નહિ. માટે તેની વિક્તિ કહીએ છીએ જે, જે ગૃહસ્થાશ્રમી છે તેને ધન-દોલત, હાથી-ઘોડા, ગાય-ભેંસ, મેડી-હવેલી, સ્ત્રી-છોકરા, ભારે ભારે વસ્ત્ર-આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે; અને એ જ જે સર્વે પદાર્થ તે જે ત્યાગી હોય તેને દોષરૂપ છે. અને ત્યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉઘાડું એક કૌપીનભર રહેવું, માથામાં ટોપી ઘાલવી, દાઢી-મૂછ મૂંડાવી નંખાવવી, ભગવા વસ્ત્ર રાખવા, અને કોઈ ગાળો દે ને કોઈ ધૂળ નાખે તે અપમાનને સહન કરવું, એ જ ત્યાગીને પરમ શોભારૂપ છે. અને એ ત્યાગીની જે શોભા તે જ ગૃહસ્થને પરમ દોષરૂપ છે. માટે આ સંસારમાંથી જે નીસર્યો ને ત્યાગી થયો તેને તો એમ વિચારવું જે, ‘હું કયા આશ્રમમાં રહ્યો છું ?’ એમ બુદ્ધિમાન હોય તેને વિચાર કરવો, પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના કોઈ ચાળે ચડી જવું નહિ. અને જે સમજુ હોય તેને કોઈક વઢીને કહે ત્યારે સામો ગુણ લે અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે તે મુંઝાઈ જાય. અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મુંઝાતા નથી, તો એમની સાથે અમારે ઘણું બને છે. અને વળી જે શ્રદ્ધાએ સહિત સેવા-ચાકરી કરે તે અમને ગમે; અને શ્રદ્ધા વિના તો કોઈ જમ્યાનું લાવે તો તે જમ્યાનું ગમે નહિ અને વસ્ત્ર લાવે તો તે વસ્ત્ર ઓઢવું ગમે નહિ અને પૂજા લાવે તો પૂજા ગમે નહિ અને શ્રદ્ધાએ કરીને કરે તે અતિશય ગમે. અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે ને તેની ઉપર ઈર્ષ્યા કરે, તો તે અમને ન ગમે. માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે.”

13. ગઢડા મધ્ય ૬૧ ( para.3)

અને વળી જે કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય ને તે જ્યારે સભામાં આવે, ત્યારે તેને આદર કરીને સર્વ સભાને મોઢા આગળ બેસાર્યો જોઈએ; અને એ વ્યવહાર છે, તે જ્ઞાની હોય, ત્યાગી હોય, તેને પણ રાખ્યો જોઈએ અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે. જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા, તે રાજાનું સન્માન થયું નહિ. પછી તે રાજાને રીસ ચડી, તે મરેલ સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો. પછી તે ઋષિના પુત્રે શાપ દીધો, તેણે કરીને તે રાજાનું સાત દિવસમાં મૃત્યુ થયું. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઊભા ન થયા અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું. પછી દક્ષને રીસ ચડી, તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. પછી નંદીશ્વર ને ભૃગુઋષિ તેને સામસામા શાપ થયા. પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મુવા અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમ્યું અને દક્ષનું મુખ બકરાનું થયું. માટે ગૃહસ્થ તથા ત્યાગી એ સૌને એ રીત રાખવી જે, ‘સંસારવ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહિ;’ અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય અને ભજન-સ્મરણમાં પણ વિક્ષેપ થાય. માટે આ વાર્તા સત્સંગી ગૃહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કરીને રાખજો.”

14. ગઢડા અંત્ય ૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે,”અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહિ; ને એમનો અભાવ આવવા દેવો નહિ અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહના સગાંસંબંધીને વહાલા રાખવા નહિ. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ, ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિષે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાને વિષે રહે છે. તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે, ‘હું રખે મરીને ભૂત પ્રેત થઉં કે રખે ઈન્દ્રલોકને જ પામું કે રખે બ્રહ્મલોકને જ પામું.’ એવી આશંકા મનમાં રાખવી નહિ. કેમ જે, જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહિ. અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિષે દ્રઢ કરીને રાખવું. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઊખડે નહિ, તેમ ભગવાનનના ચરણારવિંદને વિષે પોતાના મનને દ્રઢ રાખવું. અને એવી રીતે જે ભગવાનના ચરણારવિંદને વિષે પોતાના મનને રાખે; તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો છતે દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને સર્વે સભાને ઊઠવાની આજ્ઞા કરી.

15. ગઢડા અંત્ય ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ હરિભક્તને કહ્યું જે, “જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વને કહીએ, તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે, પોતાના હૃદયને વિષે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. જેમ રાજાના ચાકર છે, તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થકા કોઈ ચોરચકારને રાજા પાસે જવા દેતા નથી. અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે, ‘કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાંખીએ, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહિ.’ એવી રીતે હિંમત સહિત ઢાલ, તરવાર બાંધીને ઊભા રહે છે. તેમ આ સર્વે સંત છે તે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા રહે છે અને એ જાણપણાને માંહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે અને તે ભગવાન ભેળુ પોતાના હૃદયને વિષે ધન, સ્ત્રી આદિક જે માયિક પદાર્થ તેને પેસવા દેતા નથી. અને કોઈ જોરે કરીને માયિક પદાર્થ હૃદયમાં પેસવા આવે તો તેનો નાશ કરી નાખે છે, પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઊભા રહે છે. અને હાનિ, વૃદ્ધિ, સુખ, દુઃખ, માન, અપમાન આદિક અનંત જાતના વિઘ્ન આવે, તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી. ત્યારે કોઈ આશંકા કરે જે, ‘ત્યાંથી ડગતા નથી ત્યારે દેહની ક્રિયા જે ખાનપાનાદિક તેને કેમ કરતા હશે ? તો તે દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે, જેમ પાણિયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે, ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સૂરત રાખે જે, ‘રખે કૂવામાં પડી જાઉં !’ અને બીજી વૃત્તિએ કરીને કૂવામાંથી પાણી સિંચે છે. વળી બીજું દૃષ્ટાંત-જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય, ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય ત્યાં પણ સૂરત રાખે અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સૂરત રાખે અને દોડતાં થકા વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથરો આવે ત્યાં પણ સૂરત રાખે. એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી.” એવી રીતે શ્રીજીમહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા જે, “તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વહાલા થવા દેવા નહિ. એ વાતની અતિશય સાવધાની રાખવી. અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે ચોરચકાર જઈ પૂગે, ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય. તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિષે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન, સ્ત્રી આદિક બીજા પદાર્થ પણ પેસી જાય, ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાને ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો, તેને વિષે સાવધાન થઈને રહેવુ અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહિ.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાનાં વચન કહ્યા.

16. ગઢડા અંત્ય ૧૪ ( para.12)

પછી આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “મનમાં તો એમ નિશ્ચય છે જે, દેહ પર્યન્ત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે; તો પણ એમ જાણીએ છીએ જે, પરમેશ્વરને ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મૂંઝાય પણ નહિ; તથા વાંક વિના પણ પરમેશ્વર ને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે; ત્યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે. અને ત્રીજો પ્રકાર એ છે જે, જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશમાત્ર ફેર પડે તો અતિશય દુઃખાઈ જાય ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે. અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુઃખાય ને ત્રાસ પામે. ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે જે, ‘આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહિ.”

17. ગઢડા અંત્ય ૨૧ ( para.4)

અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ એ અતિશય દૃઢ નહિ હોય તે તો અંતે જાતાં ઢીલો પડ્યા વિના નહિ જ રહે. જેમ મીણે પાયેલ દોરો હોય અને તે શિયાળામાં ને ચોમાસામાં તો અક્કડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય. તેમ અહીંયા હરિભક્તને સર્વે પ્રકારે સુખ રહે ને સત્સંગમાં પણ સન્માન થતું રહે, તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે સૂધાં આકરાં જણાય; પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ને દેહે કરીને પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલાં થઈ જાય. તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની મેળે મનમાં ઓશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હઠી જાય છે. પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દૃઢપણે કરવો, પણ દેહ તથા દેહના સંબંધી તે સંગાથે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહિ. જેમ સોનાનો દોરો કર્યો હોય તે છયે ઋતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહિ, તેમ જેનો દૃઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હઠે નહિ. એવા જે દૃઢ સત્સંગી વૈષ્ણવ છે, તે જ અમારે સગાંવહાલા છે ને તે જ અમારી નાત છે ને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે ને શ્રીકૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, એમ અમારો નિશ્ચય છે. અને તમારે પણ તેમ જ નિશ્ચય રાખ્યો જોઈએ. શા માટે જે, તમે સર્વે અમારે આશ્રિત થયા છો માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ. ને મિત્ર પણ તેને જ જાણવો જે, ‘પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે.’ એ જ મિત્રનું લક્ષણ છે, તે સમજી રાખજ્યો.”

18. ગઢડા અંત્ય ૨૨ ( para.4)

અને સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે, ભગવાન ને ભગવાનના ભક્તને વિષે દોષબુદ્ધિ થાય ને તે દોષબુદ્ધિએ કરીને ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાઈ જાય. માટે કોટિ ગૌહત્યા કરી હોય તથા મદ્ય-માંસનું ભક્ષણ કર્યું હોય તથા અસંખ્ય ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય, તે એ પાપ થકી તો કોઈ કાળે છૂટકો થાય, પણ ભગવાન ને ભગવાનના ભક્તનો જે દ્રોહી તેનો તો કોઈ કાળે એ પાપ થકી છૂટકો ન થાય. અને તે પુરુષ હોય તો રાક્ષસ થઈ જાય ને સ્ત્રી હોય તો રાક્ષસી થઈ જાય. પછી તે કોઈ જન્મમાં અસુર મટીને ભગવાનનો ભક્ત થતો નથી. અને જેણે ભગવાનના ભક્તનો દ્રોહ આદર્યો હોય ને પરિપક્વ દ્રોહબુદ્ધિ થઈ હોય તેની તો કોઈ યોગે કરીને દ્રોહબુદ્ધિ ટળે નહિ. અને દ્રોહ કર્યાની સાધન દશામાં હોય ને એમ જાણે જે, ‘ભગવાન ને ભગવાનના ભક્તનો મેં દ્રોહ કર્યો એ મોટું પાપ કર્યું, માટે હું તો અતિશય નીચ છું અને ભગવાન ને ભગવાનના ભક્ત તે તો બહુ મોટા છે.’ એવી રીતે જે ભગવાનનો ને ભગવાનના ભક્તનો ગુણ લે અને પોતાને વિષે દોષ જુએ, તો ગમે તેવા મોટા પાપ કર્યા હોય તોપણ તે નાશ પામે છે. અને ભગવાન પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાજી થાય છે ને દુઃખાય છે, તેવા કોઈ પાપે કરીને દુઃખાતા નથી. અને જ્યારે વૈકુંઠલોકમાં જય-વિજયે સનકાદિકનું અપમાન કર્યું ત્યારે ભગવાન તત્કાળ સનકાદિક પાસે આવ્યા ને સનકાદિક પ્રત્યે એમ બોલ્યા જે, “તમારા જેવા સાધુ છે તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે. માટે તમે જય-વિજયને શાપ દીધો એ બહુ સારુ કર્યું, અને તમારા જેવા ભગવદીય બ્રાહ્મણ તેનો તો જો મારો હાથ દ્રોહ કરે તો તે હાથને પણ હું કાપી નાંખું તો બીજાની શી વાત કહેવી ?” એવી રીતે વૈકુંઠનાથ ભગવાન સનકાદિક પ્રત્યે બોલ્યા, ને જય-વિજય હતા તે ભગવદીયના અપરાધરૂપી જે પાપ તેણે કરીને દૈત્ય થયા. એવી રીતે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે તે સર્વે મોટી પદવીમાંથી પડી ગયા છે, તે શાસ્ત્રમાં વાત પ્રસિદ્ધ છે. માટે જેને પોતાનું રૂડું ઈચ્છવું તેણે ભગવાનનાં ભક્તનો દ્રોહ કરવો નહિ ને જો જાણે-અજાણે કાંઈક દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગી સ્તુતિ કરીને જેમ તે રાજી થાય તેમ કરવું.”

19. ગઢડા અંત્ય ૨૮ ( para.3)

પછી શ્રીજીમહારાજને સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે, તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજે ઉત્તર કર્યો જે, “એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચ્યપ રહી ગઈ છે. તે શું? તો કોઈકને સ્વાદે કરીને સારુ સારુ ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે ત્યારે તેનું અંતર પાછું પડી જાય તથા કામનો ઘાટ રહી ગયો હોય ને તેને ખોદે તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે ને કહે જે, ‘આ તારું ધન, માલ, ખેતર, વાડી તે કોઈકને આપી દે.’ ત્યારે તે વચન પાળે નહિ, તેણે કરીને પાછો પડી જાય. તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદે ને અપમાન કરે, ત્યારે તેણે કરીને પણ પાછો પડી જાય છે. એવી રીતે નિશ્ચય હોય ને જે જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય છે. અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જ એ અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહિ. અને એ અવગુણ હમણાં પણ જેમાં જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જુવે તો જણાઈ આવે જે, ‘આવી રીતને અંગે હું કાચો છું, તે જો મને પાળ્યાનું કહેશે તો હું વિમુખ થઈશ.’ એમ યથાર્થ જાણે.”

20. ગઢડા અંત્ય ૨૮ ( para.4)

પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરોખાચર એ ત્રણને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં ક્યો અવગુણ છે?” ત્યારે એ ત્રણેએ કહ્યું જે, “હે મહારાજ ! માનરૂપ દોષ છે, માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈક મુંઝવણ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પૂછીએ છીએ જે, “द्युपतय एव ते न ययुरन्तमनन्ततया ।” એવી રીતે માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય ? અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે. કેમ જે, ગવર્નર સાહેબને જાણ્યો છે જે, એ સમગ્ર પૃથ્વીનો પાદશાહ છે ને બળિયો છે ને જો તેનો એક ગરીબ સરખો હમેલિયો આવ્યો હોય, તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને, ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે જે, તે રાજાએ એમ જાણ્યું છે જે, બળિયો જે ગવર્નર સાહેબ તેનો એ હમેલિયો છે’ અને જેથી જે બળિયો, તેની આગળ માન રહે નહિ, તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય-સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેને સંતની આગળ માન કેમ રહે?” પછી બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે, “હે મહારાજ! તમે ઠીક કહો છો. જો એમ માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ તે સંતની આગળ થાય જ નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જુઓને, ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાહ્યા હતા ! પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિષે હેતવાળી જે વ્રજની ગોપીઓ તેના ચરણની રજને પામ્યા સારુ વનવેલીનો અવતાર માગ્યો ! તે કહ્યું છે જે- “आसामहो चरणरेणुजुषामहं स्यां वृन्दावने किमपि गुल्मलतौषधीनाम्। या दुस्त्यजं स्वजनमार्यपथं च हित्वा भेजुर्मुकुन्दपदवीं श्रुतिभिर्विमृग्याम् ।।” તથા બ્રહ્માએ પણ કહ્યું જે, “अहो ! भाग्यमहो ! भाग्यं नन्दगोपव्रजौकसाम् । यन्मित्रं परमानंदं पूर्णं ब्रह्म सनातनम् ।।” એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું માહાત્મ્ય જાણતા હતા તો એવી રીતે બોલ્યા, તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ રહે જ નહિ ને તેની આગળ દાસાનુદાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહિ. અને એમ મનમાં થાય નહિ જે, ‘હવે તો ક્યાં સુધી ખમીએ ? આપણ તો આપણે ઘેર બેઠા થકા જ ભજન કરીશું.’ તે માટે એમ માહાત્મ્ય સમજે તો માન ટળે.” એવી રીતે વાર્તા કરી.

21. ગઢડા અંત્ય ૩૫ ( para.2)

પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તનો દૃઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપત્કાળ આવી પડે ને દેહને સુખ-દુઃખ, માન- અપમાન દેશકાળનું વિષમપણું ઈત્યાદિકે કરીને જાય નહિ, તે કેમ જણાય જે, ‘એને એવો આશ્રય છે ? અને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભક્તને એક ભગવાનને વિષે જ મોટ્યપ હોય ને ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય ને ભગવાન વિના બીજા સર્વેને તુચ્છ જાણતો હોય, તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે, ત્યારે જે મૂંઝાય નહિ ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહિ ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ જ સરલપણે વર્તે. એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપત્કાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે.”

(કુલ: 30)