કથા-કીર્તન

કથા-કીર્તન

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "કથા-કીર્તન" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૩૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, એક પ્રશ્ન કરીએ.” ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું જે, “હે મહારાજ ! પૂછો” પછી શ્રીજીમહારાજ ઘણીકવાર સુધી વિચારીને બોલ્યા જે, “આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચવિષય વિના રહી શકે નહિ, તે જેમ એ વિમુખ જીવને પંચવિષય છે તેમ હરિજનને પણ પંચવિષય છે પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે ? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે અને ભગવાનનાં ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનનાં અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચડ્યાં એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી અને નારદ-સનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેણે પણ એવા પંચવિષય વિના રહેવાતું નથી, તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મુકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિ સમે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે પણ પોતપોતાનાં સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતાં નથી, તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા, કીર્તન શ્રવણાદિક એવો જે ચારો, તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ, પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ-વિદેશ જાય છે પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે. એ સર્વ દ્રષ્ટાંત-સિદ્ધાંત કહ્યા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, ‘જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચવિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળમાત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથાવાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહિ ?’ અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે, ‘જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા-કીર્તનાદિકરૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી માળામાં વિરામ કરો છો ? કે બીજે જ્યાં-ત્યાં વિરામ કરો છો ? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહિ અને જેનું-તેનું ખેતર ખાઈને જ્યાં- ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો ? કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં-ત્યાં બેસીને વિરામ કરો છો ?’ એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો ?” પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા જે, “હે મહારાજ ! ભગવાનની કથા કીર્તનાદિકના વિષયી પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી.” તે વાર્તાને સાંભળીને શ્રીજીમહારાજ ઘણું પ્રસન્ન થયા.

2. ગઢડા પ્રથમ ૬૩ ( para.7)

એમ વાર્તા કરીને પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે, જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તો પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હઠે નહિ અને કચવાઈને પણ કરે નહિ, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ જે, ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટિ ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે, તો તે સ્વભાવને તત્કાળ મૂકે. અને ત્રીજું એ લક્ષણ જે, પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા-કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડીમાત્ર રહેવાય નહિ અને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધયોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય તો પણ તેનું અકલ્યાણ ન થાય, અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તો પણ તેના કલ્યાણમાં ફેર છે.”

3. ગઢડા પ્રથમ ૭૮ ( para.13)

પછી શાંતાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન સ્મરણ પણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે. એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહિ એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઊઠીને ખાવું, પીવું, દેહની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા-કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે.”

4. લોયા ૮ ( para.7)

અને ત્યાર પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જેની ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાને ટાળ્યાના પૃથક્ પૃથક્ કયા ઉપાય છે?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, “ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાળ્યાનો એ ઉપાય છે જે, નાસિકાગ્ર દૃષ્ટિ રાખે ને આડુંઅવળું જુવે નહિ, ભણવું હોય તો ભણ્યા કરે તથા ભજન-સ્મરણ કર્યા કરે. અને એમ કરતા સ્ત્રી-આદિક દેખાય જાય ને અયોગ્ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉઘાડા રાખીને મેષોન્મેષે રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બળે ને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યન્ત જોઈ રહે, ત્યારે તેની દૃષ્ટિ ચંચળ હોય તો પણ વશ થઈ જાય છે. અને નાસિકા ઇન્દ્રિય છે તે કોઈનું શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતું હોય તેનો ગંધ લે ત્યારે તે ન ગમે. ત્યારે તેનો એમ વિચાર કરે જે, ‘મારો દેહ પણ ઉપરથી સારો છે પણ માંહિ તો રુધિર, માંસ, હાડકાં છે તથા પેટમાં મળ, મૂત્ર, આંતરડાં છે.’ એમ વિચારે તો નાસિકાની ચંચળતા ટળે. અને કાનની ચંચળતા એમ ટળે જે, કોઈ રમુજ થતી હોય અથવા ભવાઈ થતી હોય, તો તેને સાંભળ્યામાં હેત થાય ને ભગવાનની કથા-કીર્તન સાંભળ્યામાં નિદ્રા આવે, ત્યારે ઊભા થવું ને નિદ્રા-આળસને ટાળવી ને ભગવાનની કથા સાંભળ્યામાં શ્રદ્ધા રાખવી ને હેત રાખવું, તો કાન જીતાય. અને ત્વચા ઇન્દ્રિયને એમ જીતે જે, જાણી-જાણીને ટાઢ, તડકો વરસાદ; તેને ખમવો ને ગોદડી હોય તે ઉશીકે મૂકી રાખવી ને સારી પેઠે ટાઢ વાય ત્યારે ઓઢવી તથા જ્યાં ત્યાં પડી રહેવું, એમ કરીને ત્વચાને બાળી નાખે; એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની ચંચળતા ટળે. અને હાથની ચંચળતા એમ ટળે જે, જ્યારે હાથ નવરા હોય, ત્યારે હાથમાં માળા રાખીને શ્વાસોચ્છવાસે ભગવાનનું નામ લઈને તે માળા ફેરવવી, પણ ઉતાવળી લહરકે માળા ન ફેરવવી. અને કેટલાક એમ કહે છે જે, ‘મને કરીને તો નામ વધુ લેવાય,’ એ વાત ખોટી છે; જેટલાં જીભે લેવાય તેટલા જ મને કરીને લેવાય છે; એમ કરે તો હાથની ચંચળતા ટળે. અને પગ ચંચળ હોય તો આસનને જીતવું૧; તો પગ જીતાય. અને શિશ્ન ચંચળ હોય તો જેમ ઝીણી ખસ હોય કે રાતી દાદર હોય, તેને ખંજોળીએ તો લોહી નીકળે ત્યાં સુધી ખરજ ટળે નહિ અને જો ન ખંજોળીએ તો તે એમ ને એમ બળી જાય, તેમ શિશ્ન ઇન્દ્રિયમાં ચળ આવે તો પણ તેને હાથે કરીને અડે જ નહિ. અને જો શિશ્નમાં વાયુ ભરાતો હોય તો આહાર થોડો કરે ને ઉપવાસ કર્યા કરે ને દેહને બળહીન કરી નાખે તો શિશ્ન જીતાય. અને જિહ્વા ઇન્દ્રિયને જીતવી હોય તો જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ન આપવી અને આહાર યુક્ત કરવો, તો જિહ્વાની ચંચળતા ટળે. અને વાણી ચંચળ હોય તો એમ ટળે જે, મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય, તે વચમાં પોતે ડહાપણ કરીને બોલવું નહિ અને જો વચમાં બોલાઈ જાય તો પંચવીશ માળા ફેરવવી; તો વાણીની ચંચળતા ટળી જાય.”

5. પંચાળા ૩ ( para.4)

અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞરૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું ? તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ; એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક્ જાણે છે જે, ‘એ મારે વિષે કોઈ દિવસ હોય નહિ. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું; અને એ ક્ષેત્ર તો અતિમલિન છે, જડ છે, નાશવંત છે.’ અને દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિષે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે, “तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ।। उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।।” એમ સમજીને ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાંખીને ભગવાનને વિષે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એનાં મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ન માનવા; વૈરી માનવા અને એનો ગુણ ન લેવો, ‘જે એ ભગવાનની ભક્તિને વિષે ઉપકાર કરે છે.’ કેમ જે; નેત્રે કરીને ભગવાનનાં દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનનાં કથા-કીર્તન કહેવાય છે તથા જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે; ઈત્યાદિક ભગવાનની ભક્તિને વિષે ઉપયોગી છે, એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો, એને તો વૈરી જ જાણવાં; કાં જે, શું જાણીએ એ ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ માનતાં થકા સ્ત્રીઆદિકના દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચ ઇન્દ્રિયોરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય, તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહિ ને વિશ્વાસ પણ કરે નહિ; અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે, તેમ જો ઇન્દ્રિયોરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટાં મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઈંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે, પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો-અંતઃકરણને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી; પણ એને વિષે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકને વિષે સુખ મનાવતે થકે જો સ્ત્રીઆદિકને વિષે કાંઈક સુખ મનાવી દે તો એનું કર્યું- કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપ થયે થકે જે ભગવાનને વિષે હેત થાય તે ઠીક છે; એમ અમારો સિદ્ધાંત છે. અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જે, ‘ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી;’ એમ ઇન્દ્રિયો-અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવાં એ પણ સમજણ ઠીક છે.”

6. ગઢડા મધ્ય ૪૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર; એ બેયને વિષે તો ઘણો ફેર છે. પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે, તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે; કેમ જે, માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે, તે તો અનંતકોટિ કલ્પ સુધી નરકચોરાશીને વિષે ભમે છે. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે, તે તો કાળ, કર્મ ને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા-કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું.”

7. ગઢડા મધ્ય ૬૬ ( para.9)

પછી શ્રીજીમહારાજે શુકમુનિને પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો, તેને જીવતા શી પ્રાપ્તિ થાય છે અને મૂવા કેડ્યે શી પ્રાપ્તિ થાય છે ?” પછી શુકમુનિ બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે, તેને જીવતે તો ભગવાનનાં કથા-કીર્તન કરતા થકા જ દિવસ ને રાત્રિ વીતે છે અને ત્રણે અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત્ દર્શન થાય છે અને ભગવાન વિના અન્ય પદાર્થમાત્રને વિષે વૈરાગ્ય થાય છે અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિષે રહેવાય છે અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે. જેમ ભગવાને બ્રહ્માને કહ્યું છે જે, ‘હે બ્રહ્મા ! જેવો હું છું ને જેવો મારો મહિમા છે ને જેવા મારા ગુણ ને કર્મ છે, તેવું મારા અનુગ્રહ થકી તને વિજ્ઞાન થાઓ.’ એવું જે બ્રહ્માને કહ્યું છે, તેમ જે પોતાના અનન્ય ભક્ત હોય તે સર્વને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે. અને જેમ ભગવાન કાળ, કર્મ ને માયા થકી રહિત છે તેમ જ ભગવાનના ભક્ત પણ કાળ, કર્મ ને માયા થકી રહિત થાય છે ને અખંડ ભગવાનની સેવાને વિષે રહે છે; એવી દેહ મૂક્યા કેડ્યે પ્રાપ્તિ થાય છે. એ જ એ પ્રશ્નનો ઉત્તર છે.”

8. ગઢડા અંત્ય ૩૫ ( para.6)

પછી શુકમુનિએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા જે, (૧). “પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે, ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે. સદાય દિવ્ય સાકારમૂર્તિ સમજે. અને ગમે એટલાં પુરાણ, ઉપનિષદ્, વેદ ઈત્યાદિક ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે જે, ‘કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી, ને કાં તો એમાં કેમ કહ્યું હશે ! પણ ભગવાન તો સદા સાકાર જ છે.’ અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દૃઢ ન કહેવાય. અને સાકાર ન હોય તેને વિષે આકાશની પેઠે કર્તાપણું ન કહેવાય તથા એક દેશને વિષે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે ને સદા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે; એક તો એ લક્ષણ હોય. (૨). તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને એ ભગવાનનું જે નામસ્મરણ ને કથા-કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. (૩). તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહિ અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ ભક્તના સંગનો ત્યાગ ન કરે. અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે, તો સાધુનો અભાવ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે. એમ ને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. (૪). તથા સારુ વસ્ત્ર, સારુ ભોજન, સારુ જળ તથા જે જે કોઈ સારુ પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે જે, ‘આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક,’ અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય, એવો હોય. (૫). તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે, ‘આ તો કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહિ, ને આ તે કોણ જાણે કેવોય હશે ? એનું તો કાંઈ કળાતું નથી.” એવો ન હોય ને જેવો એ માંહી-બાહેર હોય તેને સર્વે જાણે જે, ‘આ તે આવો છે.’ એવો જે સરલ સ્વભાવવાળો હોય. (૬). અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય, એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. ૬. આવે છો લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત્ ભગવાન વિરાજમાન છે એમ જાણવું. અને એવા સાધુનો દ્રોહ કર્યો તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે.”

(કુલ: 8)