કલ્યાણ

કલ્યાણ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "કલ્યાણ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીઆદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહિ. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિષે જે અહંબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિષે જે મમત્વબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિષે વૈરાગ્ય થાય છે.”

2. ગઢડા પ્રથમ ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીકૃષ્ણભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય, તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે, ‘ગોલોક, વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી,’ એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિયો છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ.”

3. ગઢડા પ્રથમ ૧૪ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રુતિમાં એમ કહ્યું છે જે, ‘अन्ते या मतिः सा गतिः’ એવી રીતે કહ્યું છે જે, ‘અંતકાળે ભગવાનને વિષે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય;’ એવો એ શ્રુતિનો અર્થ ભાસે છે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને સાક્ષાત્ ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અ કલ્યાણ થાય નહિ, તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થાતું નથી અને મરીને યમપુરીમાં જાય છે અને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે, અને ભગવાનનો ભક્ત હોય અને તેનું અકાળ મૃત્યુ થયું તે માટે શું તેનું અ કલ્યાણ થાશે ? અને તે પાપીનું શું કલ્યાણ થાશે ? નહિ જ થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો જે, ‘જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે.’ માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે, ‘મારું કલ્યાણ તો થઈ રહ્યું છે’, તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ તેની મતિમાં તો એમ વર્તે છે જે, ‘હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહિ થાય’, તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી. એનાં દર્શન કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે, તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું ? પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે; કેમ જે, ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે, ‘દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાનાં જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહિ, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહિ; એવો હોય તે હરિનો દાસ કહેવાય.’ ને જે હરિનો દાસ હોય ને દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય.”

4. ગઢડા પ્રથમ ૧૭ ( para.2)

તે સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે, “આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે, ‘વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે.’ તે કેવી રીતે વાત કરે છે ? તો એમ કહે છે જે, ‘ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે; અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે.’ એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઈત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત્ય રહિત વાત કરશો નહિ, સદા હિંમત્ય સહિત જ વાત કરજ્યો. અને જે એવી હિંમત્ય રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો. અને એવી હિંમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો.”

5. ગઢડા પ્રથમ ૧૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગને વિષે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી; તે માટે એ આત્મનિષ્ઠા આદિક જે ચારે ગુણ તે સિદ્ધ કરવા. શા માટે ? તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો જે, આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિષે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે, ‘માયાના ગુણે કરીને પરાભવ ન પમાય’ એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો; અને શ્રીહરિને વિષે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થાતી નથી. અને શ્રીહરિને વિષે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બેય હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચવિષયને વિષે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થાતી નથી, અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થાતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂર્લોક, ભુવર્લોક અને બ્રહ્માના ભુવન પર્યન્ત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થાતી નથી, કહેતાં બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થાતી નથી; અને આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેની સિદ્ધિ થાતી નથી, એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તેમને એક-બીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી.

6. ગઢડા પ્રથમ ૨૧ ( para.2)

પછી તે સર્વેને શ્રીજીમહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા જે, “સર્વે સાંભળો, એક વાર્તા કરીએ.” એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિષે અરુચિ તથા ભગવાનને વિષે માહાત્મ્યે સહિત એવી નિષ્કામભક્તિ, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા, પીતા, નાતા, ધોતા, ચાલતા, બેઠતા સર્વ ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું અને જો અંતરમાં સંકલ્પ-વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, વિષય, એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહિ અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહિ, કેમ જે આ જીવ છે તે ચોરાશી લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરીયો, જેટલી મીનડીયો, જેટલી વાનરીયો, એ આદિક જે જે ચોરાશીમાં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કઈ એણે સ્ત્રી નથી કરી ? સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમ જ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે; તેટલા માટે જેમ એ ચોરાશી લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા ચોરાશી લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમ જ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહિ અને એ દેહના સંબંધીને પોતાનાં સંબંધી માનવા નહિ; કેમ જે, ચોરાશી લાખ જાતના દેહ ધર્યાં તેનો સંબંધ રહ્યો નહિ, તો આ દેહનો સંબંધ પણ નહિ જ રહે. તે માટે દેહગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશય માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની ને પ્રાકૃત મતિવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે તેણે કરીને પશુનું પણ ક્લ્યાણ થાય છે, તો મનુષ્યનું કલ્યાણ થાય તેમા શું આશ્ચર્ય કહેવાય ? પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ.

7. ગઢડા પ્રથમ ૨૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે, તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ? તો પ્રકૃતિપુરુષથી પર છે, અને જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. અને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે, અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ, એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય ; એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે, તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે, ને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે, અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટમાત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર્ય ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહિ, ને મગનો દાણો પરાણે પરાણે ચવાય, અને જો ઘણા લીંબુ ચૂસ્યાં હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહિ. તેમ ભગવાનનો નિશ્ચય અને માહાત્મ્યરૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતઃકરણ ને દશ ઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે એ જીવ મનરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, તેમ જ ચિત્તરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી, તેમ જ બુદ્ધિરૂપ પોતાની ડાઢ્યે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી, તેમ જ અહંકારરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી, તેમ જ પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચ કર્મઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો છે તે ડાઢ્યે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા, તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી, અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિષે જે અલ્પમતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિષે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહિ. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઇ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઇ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઇ જાય છે, ને જે એ ભગવાનને ઇર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઇર્ષ્યાવાન થઇ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્પે છે તે તો જેમ ‘સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે.’ તેમ ભગવાનને વિષે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઇ જાય છે.”

8. ગઢડા પ્રથમ ૨૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે, “પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે, જે એમ સમજતો હોય જે, ‘આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય-ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે-ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજ-વીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય છે, તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે,’ એમ સમજે; પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહિ. અને ‘પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે’ એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય જે, ‘ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાંખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક-કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે.’ તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્યભાવ રહે છે. તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે; એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવના માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહિ, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવા જે, એના નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધાર રૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખ્યો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે, ‘હું મોટો થયો છું,’ પણ એ મોટો નથી અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટ્યપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડાં હોય તે મોટો; એમ જેમ જેમ અધિક સંપત્તિ જેને હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે, ‘આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારુ છે અને આ મેડી તો ઘણી સારી છે અને આ તુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારુ છે,’ એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે, એનું કલ્યાણ થશે કે નહિ થાય ? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનુંયે થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દહાડે આવતી નથી તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી; કાં જે, એ પાત્ર થયો નથી.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા.

9. ગઢડા પ્રથમ ૩૧ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનનાં વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિષે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ્ય છે, અને એવી રીતે દોષ જુવે ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ્ય દેખાય ખરી અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ્ય દેખાય ખરી. અને તે દોષને જોનારે ખોટ્ય કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહિ ? તે તો કલ્યાણકારી જ છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂઝે. જેમ શિશુપાળ એમ જ કહેતો જે, ‘પાંડવ તો વર્ણસંકર છે ને પાંચ જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે. અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે; કેમ જે, જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો ને મધના પૂડા ઉખેડયા તેણે કરીને એને મધુસૂદન કહે છે પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી, ને વર્ણસંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો તેણે કરીને શું એ ભગવાન થયો ?’ એવી રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો. પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો, માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો.”

10. ગઢડા પ્રથમ ૩૩ ( para.2)

તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય ? તે એવો એક ઉપાય કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહિ. તે આશરામાં ત્રણ ભેદ છે. એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહિ. અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરીએ પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે, તેની રીતને સમજતો હોય. અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે, તથા પુરુષ પ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટ પુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે, એ સર્વે રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય; એવી રીતે જેની દૃષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહિ, ને પોતાનો પણ ટાળ્યો ટળે નહિ અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહિ.”

11. ગઢડા પ્રથમ ૩૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે, “તમે પ્રશ્ન પૂછો કાં અમે પૂછીએ.” ત્યારે મુનિએ કહ્યું જે, “હે મહારાજ ! તમે પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ્ય કાઢે એવો છે, તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે ?” ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજીમહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ જે, એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો ઝાઝી છે; પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે; તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે તે સર્પની લાળ સરખો છે માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે ? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી.”

12. ગઢડા પ્રથમ ૩૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી,” એમ કહીને પછી પોતાના સાથળને વિષે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા જે, “આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભરી આવે છે; માટે જન્મભૂમિ તથા પોતાનાં સગાં સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભરતાં હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે.” પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે પોતાને આત્મારૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ ? ને તે આત્માનું સગું કોણ? ને તે આત્માની જાત પણ કઈ ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા છે, તે સર્વનું સગપણ સરખું જાણવું અને તે સગાંનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે ચોરાશી લાખ જાતના જે માબાપ તે અજ્ઞાને કરીને વીસર્યાં છે, તેમ આ મનુષ્ય શરીરના જે માબાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગાં સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે, ‘જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે,’ અને ‘આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે’ એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતીના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહિ અને એમ જાણે જે, ‘એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા છે જ નહિ’ અને એમ જાણે જે, ‘ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી.’ એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો-તેવો હોય તો પણ એ અમને ગમે છે. અને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી; અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ-વૈરાગ્યે યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહિ. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહિ અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહિ, એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ. અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમતિવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજૂરમાં રહે છે અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનનાં ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શનતુલ્ય છે અને એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન બોલો.”

13. ગઢડા પ્રથમ ૫૦ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું જે, “જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, તે કુશાગ્રબુદ્ધિ તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ? અથવા શાસ્ત્ર-પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ ?” પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક તો વ્યવહારમાં અતિ ડાહ્યા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહિ તથા કેટલાક શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહિ; માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે. ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે. એ ઉપર ભગવદ્ગીતાનો શ્લોક છે જે,

14. ગઢડા પ્રથમ ૫૦ ( para.5)

એ શ્લોકનો એમ અર્થ છે જે, ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારે યુક્ત વર્તે છે, કહેતાં ભગવાનનું ભજન નથી કરતા. અને જે ભગવાનના ભક્ત છે તે તો તે ભગવાનના ભજનને વિષે જાગ્યા છે, કહેતાં નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિષે જીવમાત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે, કહેતાં વિષયને ભોગવતા થકા જ વર્તે છે અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષયભોગને વિષે અંધકારે યુક્ત વર્તે છે, કહેતાં તે વિષયને ભોગવતા નથી, માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્રબુદ્ધિવાળા છે અને તે વિના તો સર્વ મૂર્ખ છે.”

15. ગઢડા પ્રથમ ૫૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાંઈ પ્રશ્ન પૂછો.” પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “દસ ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણના છે, માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ, તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે, તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય; માટે માયિક જે અંતઃકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા, એ રીતે તમારો પ્રશ્ન છે ?” પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું જે, “એ જ પ્રશ્ન છે, તેને હે મહારાજ ! તમે પુષ્ટ કરી આપ્યો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થરૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે અને જળ તો પૃથ્વીને હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે, માટે જળની દૃષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે માટે તેજની દૃષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી એકલું તેજ જ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે માટે તે વાયુની દૃષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહિ, એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્વિકાહંકાર અને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; એ સર્વે મહત્તત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહત્તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી એકલું મહત્તત્ત્વ જ છે. અને તે મહત્તત્ત્વ પણ પ્રધાન-પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે માટે એ પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્તત્ત્વ નથી એકલી એ પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટિ પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહામાયાની દૃષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી એકલી મહામાયા જ છે અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહાપુરુષની દૃષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી એકલો મહાપુરુષ જ છે અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર, તેના એક દેશમાંથી ઊપજે છે, માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે; તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને તે સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપે થઈ જાય છે, ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે, અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તેણે કરીને નથી થતું.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

16. ગઢડા પ્રથમ ૫૨ ( para.2)

પછી તે કથામાં એમ આવ્યું જે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર; એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે, તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા ? અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સાંખ્યશાસ્ત્ર છે તે ભગવાનને પંચવિશમા કહે છે અને ચોવિશ તત્ત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા તેમ જીવ, ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, માટે એને પણ ચોવિશ તત્ત્વ ભેળા જ ગણે છે અને જીવ, ઈશ્વરે સહિત એવા જે ચોવિશ તત્ત્વ તેને ક્ષેત્ર કહે છે ને પંચવિશમા જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવીશમા કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ, ઈશ્વરને પંચવિશમા કહે છે ને ચોવિશ તત્ત્વને પૃથક્ કહે છે, ને એ તત્ત્વથી પોતાના આત્માને પૃથક્ સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંતશાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્રશાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે, ‘એક જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન; એ ચતુર્વ્યૂહરૂપે થાય છે ને પૃથ્વીને વિષે અવતારનું ધારણ કરે છે અને તેને વિષે જે નવ પ્રકારની ભક્તિને કરે છે, તેનું કલ્યાણ થાય છે.’ એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે, તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાધ આવે જે, ‘સાંખ્ય શાસ્ત્રમાં જીવ-ઈશ્વરને તત્ત્વથી નોખા નથી કહ્યા. તે જ્યારે તત્ત્વનો નિષેધ કરીને તત્ત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પંચવિશમો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય.’ અને જો એકલે યોગશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે, તેને પરિછિન્ન સમજે પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે.’ અને જો એક વેદાંતશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘જે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે, પણ પ્રાકૃત કર ચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે.’ અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે, ‘જે ભગવાનના અવતારને વિષે ભક્તિ કહી છે તેને વિષે મનુષ્યભાવ આવે તથા એકદેશસ્થપણું સમજાઈ જાય, પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય.’ માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે, માટે એ ચારે શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની કહેવાય ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય ને ત્રણેને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય ને ચારેને મૂકીને જે પોતાની મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે બેય ભૂલા પડ્યા છે પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે.”

17. ગઢડા પ્રથમ ૬૨ ( para.8)

गांभीर्यं स्थैर्यमास्तिक्यं कीर्तिर्मानोऽनहंकृतिः ।। એ જે ઓગણચાળીશ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે, એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે, તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય તો જે, ‘ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, અને સર્વ થકી ભગવાનને જુદા જાણે, અને સર્વના નિયંતા જાણે ને સર્વના કર્તા જાણે અને એ સર્વના કર્તા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે. અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહિ, તે ગમે તેવા તરેતરેનાં શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહિ, એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય, માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. જેમ આપણાં નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે.”

18. ગઢડા પ્રથમ ૬૩ ( para.5)

એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. ‘જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો નીસરે નહિ, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નીસરે.’ તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પ રૂપનું ધારણ કરે છે; ‘જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય,’ તેમ ભગવાન પણ પોતાની સામર્થી છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જે, ‘ભગવાન કાંઈ સામર્થી કેમ પ્રગટ કરતા નથી ?’ પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થી ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટ્યપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના ? એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય, તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી, માટે એવી રીતે તત્ત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી.”

19. ગઢડા પ્રથમ ૬૩ ( para.7)

એમ વાર્તા કરીને પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે, જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તો પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હઠે નહિ અને કચવાઈને પણ કરે નહિ, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ જે, ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટિ ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે, તો તે સ્વભાવને તત્કાળ મૂકે. અને ત્રીજું એ લક્ષણ જે, પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા-કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડીમાત્ર રહેવાય નહિ અને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધયોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય તો પણ તેનું અ કલ્યાણ ન થાય, અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તો પણ તેના કલ્યાણમાં ફેર છે.”

20. ગઢડા પ્રથમ ૬૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું શરીર આત્મા તથા અક્ષર છે; એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્મા ને અક્ષરને વિષે કાંઈ હેય ઉપાધિ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા ને અક્ષર પણ માયા થકી પર છે, એવા જે આત્મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે. ને વિકારવાન છે અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે, માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર જે આત્મા ને અક્ષર; તેને વિષે અત્યંત વિલક્ષણપણું જોઈએ, તે કહો કેમ વિલક્ષણપણું છે ?” પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે, આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે ? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા ને અક્ષર તેને વિષે વ્યાપક છે ને એ બેય તો વ્યાપ્ય છે, અને ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે અને ભગવાન જે તે અતિસમર્થ છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીરી છે અને એ બેય જે તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન, તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દૃશ્ય એવા જે દેહ; એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દૃશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દૃશ્યરૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય; અને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે, અને વસ્તુતાએ તો રૂપવાન જે દૃશ્ય અને અરૂપ જે આત્મા એ બેય થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે. અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દૃશ્ય એ બેયના દ્રષ્ટા છે. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે, ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિષે મનુષ્ય જેવા જણાય છે, તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના-ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. અને અનંત ઐશ્વર્યને પામે છે અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા, તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિષે વર્તે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિષે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નીસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિદ્રઢ કરીને રાખજ્યો.”

21. ગઢડા પ્રથમ ૬૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્‌ભાગવતને વિષે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે. તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે. અને એમ જાણે છે જે, ‘ભગવાનને તો આકાર નથી.’ તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી, તે કયા શબ્દ ? તો જે, ‘ભગવાન અરૂપ છે, જ્યોતિઃસ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે.’ એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે, ‘શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે; અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, ‘શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કહ્યા છે, તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે પણ ભગવાન તો નિત્ય દિવ્યમૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે.’ અને તેજના પુંજરૂપ કહ્યા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહિ, માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે, પણ સમજુ હોય તે એમ જાણે જે, ‘અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે,’ તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રકટ થાય છે, તે જળ દેખાય છે ને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજુ હોય તે એમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મસત્તારૂપ જે, કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે અને શાસ્ત્રમાં એવા વચન હોય જે, ‘જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે.’ એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે ને ભગવાનને અરૂપ સમજે છે પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, જ્યારે શ્રીકૃષ્ણભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શનચક્રે કરીને કાપીને તેને વિષે રથને હાંકીને અને તેજઃપુંજને વિષે પ્રવેશ કરીને ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રીકૃષ્ણભગવાન દિવ્યમૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વ દિવ્ય ને માયા પરજે ચૈતન્ય તે રૂપે થતા હવા. અને જો દિવ્યરૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહિ. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા, એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે; અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે, અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટિ મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતાં હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ.”

22. ગઢડા પ્રથમ ૬૮ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થશે કે નહિ થાય ?” પછી સંત બોલ્યા જે, “એનું કલ્યાણ નહિ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિને વિષે નાસ્તિકપણું આવે અને સંતને વિષે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહિ રહે, એને તો જેનું ભજન-સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને એ ભગવાનનાં જે ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે, તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને અને કર્મે કરીને માનશે; પણ પરમેશ્વર વતે કરીને નહિ માને એવો પાકો નાસ્તિક થશે.”

23. ગઢડા પ્રથમ ૬૯ ( para.2)

પછી શ્રીવાસુદેવનારાયણની સંધ્યા આરતી થઈ રહી તે પછી નારાયણ ધૂન્ય કરીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ધર્મ તે કેનું નામ છે ? એનો શાસ્ત્રની રીતે કરીને ઉત્તર કરો અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો હોય તેને મારતા નહિ અને મારવા પણ દેતા નહિ, માટે શરણે આવ્યો જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે, તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી ?” પછી એનો ઉત્તર જેમ જેને ભાસ્યો તેમ તેણે કરવા માંડ્યો, પણ શ્રીજીમહારાજે આશંકા કરી એટલે કોઈથી ઉત્તર થયો નહિ. પછી મુનિ સર્વે બોલ્યા જે, “હે મહારાજ ! અમે એ જ તમને પ્રશ્ન પૂછીએ છીએ જે, યજ્ઞાદિકને વિષે પશુહિંસા સહિત ધર્મ કહ્યો છે. અને અહિંસારૂપ પણ ધર્મ કહ્યો છે માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હિંસાયુક્ત જે ધર્મ છે તે તો ધર્મ, અર્થ અને કામ પર છે, તે પણ હિંસાના સંકોચને અર્થે કહ્યો છે. અને અહિંસામય જે ધર્મ છે તે મોક્ષપરાયણ છે અને એ સાધુનો ધર્મ છે. અને હિંસામય જે ધર્મ છે તે તો રાગપ્રાપ્ત છે, પણ ક્લ્યાણને અર્થે નથી અને જે અહિંસારૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે, માટે ગૃહસ્થ અથવા ત્યાગી એ સર્વેને અહિંસારૂપ જે ધર્મ તે જ કલ્યાણને અર્થે કહ્યો છે. જેમ રાજા ઉપરિચરવસુ રાજ્યમાં હતા તો પણ અહિંસા ધર્મને વિષે રહ્યા હતા, તે માટે સાધુને તો મન, કર્મ, વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહિ અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહિ અને સર્વના દાસાનુદાસ થઈને રહેવું. અને ક્રોધે યુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે જે, ‘હજારો માણસને નિયમમાં વર્તાવવાં હોય તેને કેમ સાધુતા ગ્રહણ કર્યે ચાલે ?’ તો એનો ઉત્તર એ છે જે, રાજા યુધિષ્ઠિરનું હજારો ગાઉમાં રાજ્ય હતું તો પણ સાધુતા રાખી હતી અને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય, તેય વારીએ તોય પણ તે કર્યા વિનાનું રહેવાય નહિ; માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી, એવા તો ઘણાય હોય પણ સાધુ થવું એજ ઘણું દુર્લભ છે.”

24. ગઢડા પ્રથમ ૭૦ ( para.5)

ત્યારે ગામ જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય ?” ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય.” ત્યારે વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે૨, ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈક પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો જે, ‘હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય અથવા વાંઝિયો છું તે દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થાઉં, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે.’ એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો. અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય, માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહિ કાં જે, ઘરમાં દશ માણસ હોઈએ અને તે દશેયનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઊગરે તો શું થોડો છે? કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે ? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે, એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો શૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે. ત્યાં એક વાર્તા છે જે -

25. ગઢડા પ્રથમ ૭૦ ( para.6)

એક ગામમાં ચોર બહુ રહેતા હતા. તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો. તેને માર્ગને વિષે પગમાં કાંટો વાગ્યો તે પગ સોંસરો નીકળ્યો. તેણે કરીને પગ સૂણ્યો તે ચોરીએ ન જવાણું અને બીજા ચોર તો ચોરી કરવા ગયા. તે એક રાજાનો ખજાનો ફાડીને ઘણુંક ધન લઈ આવ્યા અને સૌએ માંહોમાંહી વહેંચી લીધું. તે પૈસા બહુ આવ્યા. તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો તેના મા, બાપ, સ્ત્રી અને સગાં સર્વે વઢવા લાગ્યા જે ‘તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું ને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા.’ એમ વાર્તા કરે છે ત્યાં રાજાનું લશ્કર આવ્યું. ને તે સર્વે ચોરને ઝાલીને શૂળીએ દીધા, તેને ભેળે એને પણ ઝાલીને શૂળીએ દેવા સારુ લઈ ગયા. ત્યારે તે સર્વે ગામને માણસે તથા સાધુએ સાખ પૂરી જે, ‘આ તો ચોરી કરવા નો’તો ગયો, એને તો કાંટો વાગ્યો હતો.’ ત્યારે તે ઊગર્યો, એમ સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. કાં જે, અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે, ‘તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૃંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહિ. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય; એ બે વર મને આપો.’ એમ મેં રામાનંદ સ્વામી પાસે માંગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહિ, તોય પણ પદાર્થ નાશવંત છે. માટે એ પદાર્થની ઈચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહિ. માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, તો અડગ નિશ્ચય થાય.” ઈત્યાદિક ઘણીક વાર્તા કરી છે પણ આ તો દિશમાત્ર લખી છે.

26. ગઢડા પ્રથમ ૭૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” પછી સોમલે ખાચરે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બીજા સર્વે અપરાધ માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા, માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહિ. અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે, તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહિ અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે, તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટિ સૂર્ય, ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિષે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રકટ થાય છે ત્યારે જે જે તત્ત્વનો અંગીકાર કરે છે. તે સર્વે તત્ત્વ બ્રહ્મરૂપ છે, કાં જે રામ કૃષ્ણાદિક અવતારને વિષે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દશ ઇન્દ્રિયો, પંચ પ્રાણ ઈત્યાદિક સર્વે તત્ત્વ મનુષ્યની પેઠે જણાય છે, પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી, તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું.”

27. ગઢડા પ્રથમ ૭૧ ( para.4)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય; એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ્‌ભાગવત પુરાણ અને ભારત; એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે. માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય, તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે; માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો.” પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, “નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રકટ મળ્યા તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે, ત્યારે એને નિશ્ચય છે કે નથી ?” પછી મુનિ બોલ્યા જે, “ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે, ‘જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું,’ એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મસ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું; જે નિશ્ચયની ના પાડો છો ?” પછી મુનિ બોલ્યા જે, ‘જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે, માટે તેની પણ અરુચિ શા સારુ રાખે ? પણ ભગવાન વિના એને ઈચ્છે નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે, ને માયાપર છે, માટે એમાં શું દૂષણ છે, જે એને ઈચ્છે નહિ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રકટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો ?” પછી મુનિ બોલ્યા જે, “એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે, તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ?” પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિષે અલૌકિક દૃષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંત કોટિ જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય, તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તના ગાર્ય, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે; તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન, તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”

28. ગઢડા પ્રથમ ૭૨ ( para.3)

પછી મુનિ જે તે ભગવાનના રસિક કીર્તન ગાવા લાગ્યા. તેને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે અને વિમુખ જીવ હોય અથવા કાચોપોચો હરિભક્ત હોય તે તો તે ચરિત્રને વિષે દોષ પરઠે, જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પૂછ્યું જે, “ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રગટ થયા હતા, તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો ?’ એવી રીતે દોષ લીધો અને શુકજીએ તો સમજી-વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું જે, કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશય ગર્વ થયો તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાની ગાંઠ્યની દારૂગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તેમ ભગવાને કામદેવરૂપી શત્રુને લડ્યાનો સામાન મોરથી આપ્યો, તે શું ? તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. તેમાં પણ શરદઋતુને વિષે રાત્રિમાં કામદેવનું વધુ બળ થાય તથા સ્ત્રીના રાગરંગ, વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો; તેણે કરીને કામદેવનું અતિશય બળ વધે છે. એ સર્વે સામાન શ્રીકૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઊર્ધ્વરેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહિ. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનનાં ચરિત્ર ગાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહિ ત્યારે દોષ પરઠ્યો, માટે કોઈક એમ કહે જે, ‘તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાઓ છો ?’ તો તેને એમ કહેવું જે, ‘જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનનાં રસિક ચરિત્રને વિષે દોષ પરઠીએ, તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક-વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ, માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી. શા માટે જે, પરમહંસમાત્રના ગુરુ જે શુકજી તેણે ભગવાનનાં રસિક ચરિત્ર ગાયા છે માટે અમારે પણ જરૂર ગાવવા.’

29. ગઢડા પ્રથમ ૭૨ ( para.4)

અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિષે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે, ત્યારે સર્વ મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે અને જેમ મનુષ્યને વિષે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઈત્યાદિક માયિક સ્વભાવ હોય, તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે, પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્ર ગાઈને પરમ પદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ જ પ્રકૃતિપુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર-અક્ષરથી ન્યારા છે અને ભગવાનની મોટાઈ તો એવી છે જે, ‘જેના એક એક રોમનાં છિદ્રને વિષે અનંત કોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે’ એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે, ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહિ; તો મનુષ્યને તો રહે જ ક્યાંથી ? અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિષે રહ્યો છે અને સમુદ્રના જળને પીવે છે ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે. તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહિ અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ અને તે જ અગ્નિ દીવારૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે; તો પણ તે થકી જ આપણને સુખ થાય પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય. તેમ જ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય પણ જેના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે, એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહિ; માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય, તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે, પણ એમ ન સમજવું જે, ‘ભગવાન થઈને એમ શું કરતા હશે?’ અને ભગવાનનાં ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા, એ જ ભક્તનો ધર્મ છે અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે.”

30. ગઢડા પ્રથમ ૭૨ ( para.5)

પછી રોજકાના હરિભક્ત કાકાભાઈએ પૂછ્યું જે, “જેને માહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ? અને જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય જે, ‘ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહિ થાય ?’ અને જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય જે, ‘જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શ્યો સંશય છે ? હું તો કૃતાર્થ છું અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું.’ એમ સમજે તેને ભગવાનનો માહાત્મ્યે સહિત નિશ્ચય જાણવો.”

31. ગઢડા પ્રથમ ૭૩ ( para.6)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય તો એકલો ટકી શકે નહિ, અંતે જતા નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય, પછી એમ વિચારે જે, ‘હું તો આત્મા છું, સચ્ચિદાનંદરૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે માટે હું ક્યાં ? ને એ પિંડ-બ્રહ્માંડ ક્યાં ? અને મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર; તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે’ એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહિ. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિષે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી; તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનળ અગ્નિ તથા વિજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહિ અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહિ. અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા હશે તે જાણે છે અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણ્યામાં આવતો નથી અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે જે, ‘મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી.’ અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈ-ભાઈને મનમાં એમ સમજાવે છે જે, ‘બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ્ય નથી.’ તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે, મોટાપુરુષને વિષે જે નિર્દોષબુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે અને જે મોટાપુરુષને વિષે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિષે દોષબુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે; અને એ સત્સંગ કરે છે તોય પણ દુઃખિયો મટે નહિ. અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે જે, ‘જેટલા સંસારમાં મોહ ઉપજાવવાનાં પદાર્થ, ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે; તે કોઈમાં મહારાજને હેત નથી અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાનવાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે.’ અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તે પણ અમારા સ્વભાવને એમ ન જાણે અને છેટે રહે તે પણ એમ ન જાણે.

32. ગઢડા પ્રથમ ૭૫ ( para.2)

પછી સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો જે, “જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના એકોતેર પરિયાં ઉદ્ધરે છે.” એમ કહ્યું છે અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્વેષી પણ હોય, ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ કર્દમ ઋષિનો દેવહૂતિએ પતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો, તો પણ કર્દમ ઋષિને વિષે સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો અને માંધાતા રાજાની દીકરીઓ પચાસ, તે સૌભરિ ઋષિનું રૂપ જોઈને વરિયો, તેને કામનાએ કરીને સૌભરીને વિષે હેત હતું, તો તે સર્વેનું કલ્યાણ ઋષિના જેવું થયું. માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે એમ માને જે, ‘આપણું મોટું ભાગ્ય છે જે, ‘આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે.’ એવી રીતે ભક્તનું માહાત્મ્ય સમજીને હેત રાખે તો તે સર્વ કુટુંબીનું કલ્યાણ થાય, અને મરીને પિત્રી જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે જે, ‘આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે.’ એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિત્રીનું પણ કલ્યાણ થાય. અને જેમ જેમ વૈર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય અને જે ભગવાનના ભક્ત સંગાથે વૈરબુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય અને દેહ મૂકે ત્યારે પંચ મહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે, તે પણ તે જ કુંડમાં પડે છે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તે સર્વનું કલ્યાણ થાય છે.”

33. ગઢડા પ્રથમ ૭૭ ( para.2)

અને મુનિ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરતા હતા. પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના જ્ઞાનની ઓથ્ય લઈને જે ધર્મને ખોટા કરી નાંખે તેને અસુર જાણવો. અને ભગવાનના સ્વરૂપમાં તો એવા કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે. તે શ્રીમદ્‌ભાગવતને વિષે પ્રથમ સ્કંધમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કહ્યા છે. માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંધમાં કહ્યા એવા જે સાધુના ત્રીશ લક્ષણ તે આવે છે. માટે જેમાં ત્રીશ લક્ષણ સંતના ન હોય તેને પૂરો સાધુ ન જાણવો અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ ત્રીશ લક્ષણે યુક્ત હોય, માટે આજથી જે કોઈ પંચ વર્તમાનરૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી, વચનદ્રોહી છે. અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો. અને એમ કહેવું જે, ‘તમે તો અસુરનો પક્ષ લીધો છે તે અમે નહિ માનીએ.’ એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાંખવી.”

34. ગઢડા પ્રથમ ૭૭ ( para.3)

પછી સંતે પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! કોઈક ભગવાનનો અતિ દ્રઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે તેને પીડા થઈ આવે છે અને બોલ્યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી; અને કોઈક તો કાંઈ પાકો હરિભક્ત જણાતો ન હોય ને તે દેહ મૂકવાને સમે તો અતિસમર્થ જણાય છે ને અતિશય ભગવાનના પ્રતાપને જાણીને ને ભગવાનનો મહિમા મુખે કહીને સુખિયો થકો દેહ મૂકે છે; એનું શું કારણ છે ? જે સારો હોય તેનું અંતસમે સારુ ન દેખાય ને જેવો તેવો હોય તેનું અંતસમે સારુ દેખાય છે, એનું કારણ કહો એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશ, કાળ, ક્રિયા, સંગ, ધ્યાન, મંત્ર, દીક્ષા અને શાસ્ત્ર એ આઠ જેવા હોય તેવી પુરુષની મતિ થાય છે. તે જો સારા હોય તો સારી મતિ થાય છે અને ભૂંડા હોય તો ભૂંડી મતિ થાય છે અને પુરુષના હૃદયને વિષે પરમેશ્વરની માયાના પ્રેર્યા થકા ચારે યુગના ધર્મ વારાફરતી વર્તતા હોય, તે જો અંતસમે સત્યયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ બહુ શોભી ઊઠે અને ત્રેતા અને દ્વાપરનો ધર્મ આવે તો તેથી થોડું શોભે. અને કળિનો ધર્મ મૃત્યુ સમે આવે તો અતિશય ભૂંડું દેખાય. એમ અંત સમે સારુ નરસું તે તો કાળે કરીને છે અથવા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે. તેમાં જો અંતસમે જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતા ચાલતા દેહ મૂકે છે અને અંત સમે સ્વપ્ન અવસ્થા વર્તતી હોય તો ઝંખ્યા જેવું કાંઈ ને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્ત હોય તો પણ દેહ મૂકે અને અંત સમે સુષુપ્તિ અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તો પણ ઘેનમાં ને ઘેનમાં રહીને દેહ મૂકે, પણ સારુ કે નરસું કાંઈ બોલાય નહિ. અને અંતકાળે એ ત્રણ અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવા પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે, તે તો જેવી ઈશ્વરને સામર્થી હોય તેવી સામર્થી જણાવીને દેહ મૂકે છે અને એમ બ્રહ્મરૂપ થઈને ને સામર્થી જણાવીને દેહ મૂકવો તે ભગવાનના ભક્તને જ થાય છે પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહિ. એવી રીતે કાળે કરીને અંતસમે સારુ નરસું જણાય છે. અથવા અવસ્થાઓને યોગે કરીને સારુ-નરસું જણાય છે અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો-બોલતો દેહ મૂકે તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થતું નથી. વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા ભૂંડી રીતે દેહ મૂકે, પણ નરકે જ જાય. અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા ઝંખ્યા જેવું બોલીને દેહ મૂકે અથવા શૂન્યમૌન રહીને દેહ મૂકે પણ, તેનું કલ્યાણ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી, એમ ભગવાનના ભક્તને જાણવું. અને ભગવાનનો ભક્ત હોય તેને અંતસમે સ્વપ્નાદિકને યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય, પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદ વર્તતો હોય માટે નક્કી હરિભક્ત હોય ને અંતસમે લાવાઝંખા કરતો થકો દેહ મૂકે પણ એના કલ્યાણમાં લેશમાત્ર સંશય રાખવો નહિ.”

35. ગઢડા પ્રથમ ૭૮ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યન્ત સર્વને વિષે પૂર્વકર્મને પ્રધાન કહો છો, તે કયા શાસ્ત્રને મતે કહો છો ? તેનું કોઈ વચન ભણી દેખાડો, અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનો સંગ તેનું જ પ્રધાનપણું છે. માટે તમે કેવળ પૂર્વકર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો ને છાના નાસ્તિક છો કે શું? કેમ જે, નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી. અને નાસ્તિક તો વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસ જે ભારતાદિક તેને ખોટા જાણે છે ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને જ સાચા માને છે, માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે. અને જો પૂર્વકર્મે કરીને દેશાદિક આઠ ફરતા હોય તો મારવાડને વિષે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે, તેમને અર્થે સો હાથ ઊંડાં પાણી હતા તે ઉપરછલાં થયા નથી; અને જો પૂર્વકર્મને વશ દેશ હોય તો પુણ્યકર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ ને પાપીને અર્થે ઊંડાં ગયા જોઈએ, પણ એમ તો થતું નથી અને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળો હોય, પણ ઊંડાં પાણી ઉપજે, પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશકાળાદિક તો પૂર્વકર્મના ફેરવ્યા ફરે નહિ, તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહિ. અને ભૂંડા દેશકાળાદિક આઠ હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશ કાળાદિક આઠ તેનું સેવન કરવું. અને દેશ તો બારણે પણ સારો નરસો હોય અને પોતાનો દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય. તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિષે જીવ હોય ત્યારે શીલ, સંતોષ, દયા, ધર્મ ઈત્યાદિક જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિષે જીવ રહ્યો હોય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઈત્યાદિક ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે. અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વિગતિ એમ છે જે, જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહિ, ત્યારે તેનો સંગ થયો જાણવો. અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ઘાલીને મળે છે. પણ અંતરમાં તો તે સાથે લાખો ગાઉનું છેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય અને મન, કર્મ, વચને કરીને જે સંગ કરે તે જ સંગ કર્યો કહેવાય; માટે એવી રીતે મન, કર્મ, વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો, જેથી જીવનું કલ્યાણ થાય પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો.”

36. ગઢડા પ્રથમ ૭૮ ( para.4)

પછી મધ્યાહ્ન સમે શ્રીજીમહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાની સમીપે બોલાવ્યા અને એમ કહ્યું જે, “તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો.” પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે, તે સર્વે કલ્યાણકારી ભાસે, અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય, ક્યારેક શોક કરે, ઈત્યાદિક અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે જે, ‘પ્રભુની સર્વ ક્રિયા કલ્યાણને અર્થે છે.’ તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય, તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો.”

37. ગઢડા પ્રથમ ૭૮ ( para.15)

પછી વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય, પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરાજી થતા હોય, તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ ત્યારે જેને જે સાથે વૈર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય. તે સંતને પણ ખબર પડે પછી સંત તો તે સ્વભાવના વૈરી છે તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે. માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સૂધું દ્રઢ વૈર બાંધીને તેનું મૂળ ઊખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેને હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થી વધે અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે જે પોતાના હૃદયને વિષે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વૈર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે. માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું ઘટે છે. અને પોતાના અંતઃશત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે.”

38. ગઢડા પ્રથમ ૭૮ ( para.16)

પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈયે ને રહે છે તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે; તે કેમ સમજીએ તો રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તો પણ રહે; જો ભગવાનનું પૂરું માહાત્મ્ય સમજે તો. તે માહાત્મ્ય એમ સમજવું જે, ‘અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વય થકા પણ વ્યતિરેક છે. અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામીરૂપે વિરાજમાન છે અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી અને અનંત કોટિ બ્રહ્માંડને વિષે જે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય થાય છે અને તેને વિષે સુખ, દુઃખનો જીવોને સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે, જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ તો ઘોડાના આધાર છે. અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય જે, પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય; અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય, પણ એ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ એ સર્વેને પ્રકાશના દાતા છે. એવી અદ્‌ભૂત સામર્થી છે, તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે.’ એવી રીતે માહાત્મ્ય સમજે તો જેવી પાસે રહ્યે મર્યાદા રહે છે, તેવી ને તેવી છેટે જાય તો પણ રહે.”

39. સારંગપુર ૫ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને શ્રદ્ધા તથા હરિ ને હરિજનનાં વચનને વિષે વિશ્વાસ તથા ભગવાનને વિષે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે, તેમાં પણ જો એક માહાત્મ્ય અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ; એ ત્રણ દુબળાં હોય તો પણ મહા બળવાન થાય છે; અને માહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ દશ બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય, પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહિ, તેમ જેને માહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે. અને જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે. અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયામાં નથી, તો શમ દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે; તોય પણ નહિ જેવા જ છે. કેમ જે, અંતે નાશ પામી જશે માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે. તે માટે માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે.”

40. સારંગપુર ૬ ( para.4)

“હવે આ જીવના દેહને વિષે પણ ચાર વાણી કહીએ તે સાંભળો જે, એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિષે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે, ને એ જીવની જે ત્રણ અવસ્થા તેને વિષે સ્વતંત્ર થકા અનુસ્યૂત છે, એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે અવતાર ધારે છે ત્યારે એ જીવ જે તે, તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનનાં જે ધામ, ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક્ પૃથક્ કહી દેખાડે, એવી જે વાણી તેને પરાવાણી કહીએ. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે, તેને વૈખરી વાણી કહીએ. અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે, તેને મધ્યમા વાણી કહીએ. અને એ પદાર્થને ને વિષયને અંધધંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજ્યામાં ન આવે તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિષે એ ચાર વાણીનું રૂપ સમજ્યામાં આવે છે. અને સ્વપ્ન ને સુષુપ્તિને વિષે તો કોઈક સમાધિવાળાને એ ચાર વાણીનાં રૂપ સમજ્યામાં આવે, પણ બીજાને સમજ્યામાં આવતા નથી.”

41. સારંગપુર ૭ ( para.2)

અને શ્રીજીમહારાજે શ્રીમદ્‌ભાગવત પુરાણના પ્રથમ સ્કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી જે, ‘જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું.’ એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દસ ઇન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂંઠ્ઠી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બૂંઠ્ઠી થઈ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષયને વિષે ક્યાંઈ પ્રીતિ રહે નહિ અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે, પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોટે નહિ. જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય, તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વીંધિને માંહી પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નીસરે નહિ; અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીંતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે, પણ જેમ ફળ સોતું ભીંતને વિષે ચોંટી જાય છે તેમ ચોંટે નહિ, તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે, ઇન્દ્રિયો તે બૂંઠ્ઠીયો થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહિ અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિયો પાછી હઠે, એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતના સમાગમરૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું.”

42. સારંગપુર ૧૦ ( para.2)

અને સાધુ કીર્તન ગાતા હતા. તે કીર્તન રખાવીને શ્રીજીમહારાજે તે ગામના માણસ આગળ વાત કરી જે, “આ સંસારને વિષે ધર્મવાળા અને અધર્મી એ બે પ્રકારના માણસ છે. તેમાં ધર્મવાળા જે માણસ હોય, તે ચોરી તથા પરસ્ત્રીનો સંગ તથા ચાડીચુગલી એ આદિક સર્વે પાપનો ત્યાગ કરીને ને પરમેશ્વરથી ડરીને ધર્મમર્યાદામાં ચાલે છે. તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા કોઈ બીજા હોય પણ તે સર્વે વિશ્વાસ કરે ને તે જે બોલે તે વચન સૌને સત્ય જ ભાસે અને એવા જે ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે. અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્યમાંસનું ભક્ષણ, વટલવું, વટલાવવું એ આદિક જે સર્વે કુકર્મ તેને વિષે જ ભરપૂર હોય ને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરે જ નહિ ને એનાં સગાં હોય તે પણ કોઈ એનો વિશ્વાસ ન કરે અને એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમે જ નહિ અને જો કોઈ બીજો તે સંતનો સમાગમ કરે તો તેનો પણ દ્રોહ કરે. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને અધર્મીને માર્ગે ચાલવું જ નહિ અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો, તો નિશ્ચય જ એ જીવનું કલ્યાણ થાય એમાં કાંઈ સંશય નથી.” એટલી વાર્તા કરી તેને સાંભળીને તે ગામના કેટલાક માણસે શ્રીજીમહારાજનો આશ્રય કર્યો.

43. સારંગપુર ૧૩ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે, તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને પોતાના જીવાત્માને વિષે નિશ્ચય થયો હોય, તે તો કોઈ રીતે ટળે નહિ અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય, તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રને વિષે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કર્તાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત છે. માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો ? એ પ્રશ્નનો ઉત્તર કરો.” પછી સર્વે મુનિ બોલ્યા જે, “શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી. માટે હે મહારાજ ! એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે. કાં જે, શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કહ્યા હોય અને સંતના પણ કહ્યા હોય, માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિષે પણ મા, બેન, દીકરી અને સ્ત્રી તેની વિગતિ રૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે, તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. કેમ જે, શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે, તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી. એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહિ. કાં જે, શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનનાં ચરિત્ર છે, માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બારણે હોય જ નહિ. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે અને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહિ.”

44. સારંગપુર ૧૪ ( para.2)

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના ભક્ત હોય તે ભગવાનનાં ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી, એમ ભગવાને ગીતામાં કહ્યું છે; અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે ? એક તો બતાવો.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામા પડ્યા.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારુ પાડ્યા જે, ‘સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે;’ અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠધામમાં પહોંચ્યા; માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થયું, અને પડ્યો તો તે કહેવાય જે; જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્યદેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો. અને પોતાનાં કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવાં હતા, માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય, તે સારુ ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિષે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે, અને જડ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય. કેમ જે, ભગવાન તો અતિ સમર્થ છે તે જેમ કરે તેમ થાય, પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહિ. અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય તે સાધનકાળમાંથી જ પડે છે, તે તો યોગભ્રષ્ટ કહેવાય; પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો જેવા શ્વેતદ્વીપને વિષે મુક્ત છે તે સરખા છે, તે તો કોઈ કાળે પડતા નથી.”

45. સારંગપુર ૧૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે, ‘બે પ્રકારના ભગવાનના ભક્ત છે, તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બાહેર પણ ઘણો દીઠામાં આવે છે; અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિષે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી, અને પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બેય નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે. અને આત્મનિષ્ઠા ને વૈરાગ્યે યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે ? એ પ્રશ્ન છે. “ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી, તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો ? કેમ જે, એ તો દેહાભિમાની છે, માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચવિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિષે એવી પ્રીતિ નહિ રહે. તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને પ્રેમી કહીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગોપીઓ કાંઈ ભોળિયો નહોતી, એ તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી તો ડાહિયો હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડહાપણ હતું; અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વે યાદવમાં અતિશય ડાહ્યા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી, તે ગોપીઓની સમજણ જોઈને ગદ્ગદ્કંઠ થઈ ગયા. અને તે ઉદ્ધવજી એમ બોલ્યા જે, “ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો, તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો.” અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. અને તમે કહેશો જે, ‘ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી’, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે, એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે જે, ‘અમે તમારે અર્થે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી;’ અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડાં તોછડાં વચન બોલે જે, ‘જાણીએ હમણાં વિમુખ થઈ જશે.’ એવી જાતના જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે; અને ડહાપણે કરીને યુક્તિ યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવા દે નહિ અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહિ, અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. એવા જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહિ અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષ્યા, ક્રોધ કરે જ નહિ અને માન મત્સર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન, કર્મ, વચને કરીને કોઈ કાળે કરે નહિ. એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા; એવા ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો. તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહિ. અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય સહેજે એનાં હૈયામાં વર્તતા હતા. માટે એ ગોપીઓને વિષે તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના માહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. અને એવા ભક્તની રીત તો આમ છે જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહિ અને ભગવાનને વિષે એ પંચવિષયે કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહિ. અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણનાં જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહિ અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલાં તૃણ ઊગે જે પૃથ્વી જ દેખાય નહિ, તેમ જે આત્મનિષ્ઠા ને વૈરાગ્યે કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી, તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહિ રહે ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે, ‘મારે ભગવાનમાં લેશમાત્ર પ્રીતિ નથી,’ માટે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે. તે તો એમ જાણે છે જે, ‘મારા જીવાત્માને વિષે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે.’ એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે. તો પણ એની પ્રીતિના મૂળ ઊંડાં છે. તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે.”

46. સારંગપુર ૧૬ ( para.2)

પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘શ્રીનરનારાયણ ઋષિ જે તે બદરિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડનાં સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે.’ ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતા ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો તે શ્રીમદ્‌ભાગવતના પંચમ સ્કંધને વિષે જ છે જે, ‘એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા.’ કેવી રીતે ? તો આ ભરતખંડને વિષે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેષ જેનો એવા જે શ્રીનરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે. અને પોતાને વિષે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય એ આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિપ્રલય થાય ત્યાં સુધી બદરિકાશ્રમને વિષે રહ્યા છે; અને ભરતખંડને વિષે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે. અને તે પછી તે ભક્તજનના હૃદયને વિષે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષરબ્રહ્મમય એવું તેજ તેને વિષે સાક્ષાત્ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે.”

47. સારંગપુર ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય, તો એના હૃદયને વિષે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રકટ થઈ આવે છે અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિષે શ્રદ્ધાવાન થાય, તો વૈરાગ્ય, વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેને વિષે ગમે તેટલો મેઘ વરસે, પણ તેમાં તૃણાદિક ઊગતાં ન હોય અને તે જ ખારભૂમિને વિષે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય; અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળા વડ, પીંપળા આદિક વૃક્ષનાં બીજ આવ્યા હોય તે બીજ ઊગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિષે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઊઠે એમ ન હોય, ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિષે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગતવાર્તારૂપીઓ આવીને કાંપ ભરાય. પછી તે કાંપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યાં છે તે સર્વે ઊગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે, પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહિ. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે ને કાં તો રુવે ને કાં તો કોઈક સાથે વઢે ને કાં તો ઉપવાસ કરે; એ ચાર પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે. અને એમ કરતા જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહિ ને સ્વભાવ પણ ટળે નહિ; અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બેય ટળી જાય. માટે સમજુ હોય તે જ સુખી થાય છે. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલાઈ જાય; અને વીજળીના અગ્નિનો તો થોડોક ઝબકારો થતો હોય, પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય, તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે; અને સમજીને જે વૈરાગ્ય ને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે, તે થોડી હોય તો પણ નાશ ન પામે.”

48. સારંગપુર ૧૮ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભાદિક શત્રુ હોય નહિ અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. પછી જ્યારે યુવા અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જો જે સંતને વિષે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય, એવા સંતનો સમાગમ રાખે તો યુવા અવસ્થારૂપી સમુદ્રને તરી જાય છે; અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે, તેનું તો કારણ એ છે જે, મોટાપુરુષ હોય તેને વિષે જે જે જાતના દોષ પરઠે, તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. અને જો મોટાપુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે, મોટાપુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે અને મોટાપુરુષ તો નિર્દોષ છે, અને મને દોષ જણાણો તે તો મારી કુમતિએ કરીને જણાણો છે;’ એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે, તો તે પુરુષની મલિનતા મટી જાય છે.”

49. કારિયાણી ૧ ( para.5)

પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાન તો મન-વાણી થકી પર છે અને ગુણાતીત છે, તેને માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તે કેમ પામે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એનાં ઇન્દ્રિયો અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે, ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે; અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે, ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય અને જીવ; એ સર્વેને ભગવાન પ્રકાશે છે, અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. અને પ્રધાનમાંથી મહત્તત્ત્વ થયું અને મહત્તત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયા, તેમને પણ જે ભગવાને પ્રકાશ્યાં છે અને એ સર્વે તત્ત્વે મળીને રચ્યો એવો જે વિરાટ, તેને પણ ભગવાન પ્રકાશે છે. અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે જીવ અને ઈશ્વર એ બેય જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે. અને જ્યારે એ જીવ ને ઈશ્વર બેય નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે, અને જે કાળ તે એ માયાદિક તત્ત્વને નામ રૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે એવો જે કાળ, તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે, એવા જે ભગવાન તે જે તે એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે ? એ તમારો પ્રશ્ન કે નહિ?” ત્યારે સૌએ કહ્યું જે, “હે મહારાજ ! એજ પ્રશ્ન છે” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો એમ ઉત્તર છે જે, એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાના અર્થે નથી, કાં જે, શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે - “बुद्धीन्द्रियमनः प्राणान् जनानामसृजत्प्रभुः। मात्रार्थं च भवार्थं च ह्यात्मनेऽकल्पनाय च ।।” એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ‘સર્વે જનનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા, તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે.’ માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે. તે પણ જીવને અર્થે કરે છે; કાં જે, નાના પ્રકારની સંસૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે. એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન, તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે ? એ તો આવે જ.” એમ શ્રીજીમહારાજે કહ્યું.

50. કારિયાણી ૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ન પૂછીએ છીએ.” પછી મુનિ બોલ્યા જે, “પૂછો મહારાજ !” પછી શ્રીજીમહારાજે પૂછ્યું જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે, તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી ? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે, ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે ? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થી હોય અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિષે પણ એટલું અસમર્થપણું આવે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે ? એ પ્રશ્ન છે.” પછી મોટા મોટા સંત હતા તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજીમહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે, “હે મહારાજ ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે, ભગવાનને વિષે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે, અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે અને દેહધારી છે, માટે ભગવાન પણ સ્થૂળભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે, અને પોતાની સામર્થીને છપાડીને તે ભક્ત સંગાથે પુત્રભાવે વર્તે છે અથવા સખાભાવે વર્તે છે અથવા મિત્રભાવે વર્તે છે અથવા સગાંસંબંધીને ભાવે વર્તે છે, તેણે કરીને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તને ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમીભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે, ને ધર્મનું સ્થાપન પણ કરે છે. હવે એમાં આશંકા થતી હોય તો બોલો.” પછી મુનિએ કહ્યું જે, “હે મહારાજ ! યથાર્થ ઉત્તર થયો.”

51. કારિયાણી ૭ ( para.5)

પછી શ્રીજીમહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવા જે, “આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિષે કેવી દશા વર્તતી હોય ?” પછી જેને જેવો ભાસ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજીમહારાજ પ્રત્યે બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે ચોવિશ તત્ત્વ, તે સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષરબ્રહ્મના તેજમાં અદૃશ્ય થઇ જાય છે અને પછી એકલું સચ્ચિદાનંદ (ચિદ્ઘન) જે તેજ તે રહે છે અને તે તેજને વિષે દિવ્યમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ, તે અખંડ વિરાજમાન રહે છે. અને તે જ પોતે દિવ્યમૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિષે સર્વ જનને નયનગોચર થકા વિચરે છે. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે, તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે, પણ એ માયિક ગુણે યુક્ત નથી; એ તો સદા ગુણાતીત દિવ્યમૂર્તિ જ છે. અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્યસ્વરૂપ તેને જે વેદાંતશાસ્ત્ર છે તે નિર્ગુણ, અછેદ્ય, અભેદ્ય, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે, તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિષે એક રૂપે કરીને જ વિરાજમાન છે; પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી, સદા દિવ્યરૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિષે જે દ્રઢનિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે, ‘પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિપુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે, તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહિ’. એ સિદ્ધદશાનું લક્ષણ છે.”

52. કારિયાણી ૧૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યન્ત ટાઢ-તડકાને તથા ભૂખ-તરસને સહન કરીને મહાતપ કર્યું, અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાનાં દેહ, ઇન્દ્રિયોને દમીને તપ કરે છે, માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ, તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીદ ટાળવાને ઈચ્છે ? અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ જે, ‘મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચવિષય સંબધી ભોગસુખ તે નથી જોઈતાં, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે.’ અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે, ‘પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી.’ એવી રીતે ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહિ. અને જે જીવ ભગવાનને સર્વ કર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદ્ગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો; કાં જે, ભગવાન વિના બીજા જે કાળ, કર્માદિક તેને એ કર્તા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહિ, ને ભૂલ્યમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહિ. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિપુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રીપુરુષોત્તમનારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો.”

53. લોયા ૧ ( para.9)

ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અતિશય દૃઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી અતિશય અસંગી માને; અને એ દેહ-ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિષે ન માને તો પણ પંચ વર્તમાનના નિયમમાં લેશમાત્ર ફેર પડવા દે નહિ. અને પોતે બ્રહ્મસ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહિ, સ્વામી-સેવકપણે કરીને ભગવાનની દૃઢ ઉપાસના કરે. અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યૂતપણે વ્યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિષે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રીકૃષ્ણનારાયણ તે શુભ-અશુભ સર્વ ક્રિયાને કર્તા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે; અને તે ભગવાનનાં જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે, ‘આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઈત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંતકોટિ એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વના સ્વામી છે;’ એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિષે શ્રવણાદિક ભક્તિને દૃઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે. એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ.”

54. લોયા ૨ ( para.2)

પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું”. ત્યારે મુનિ બોલ્યા જે, “હે મહારાજ ! પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય ?” પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી બીજા પરમહંસ બોલ્યા જે, “હે મહારાજ ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે, તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે, ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે ચાર પ્રકારના હરિભક્તની વિક્તિ એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો; એ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે એ ચાર પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ. તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ તેના વચનને વિષે અતિશય વિશ્વાસને પામ્યો છે; માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહિ અને એમ જાણે જે, ‘મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું.’ અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય, તે એમ માને જે, ‘હું તો બ્રહ્મસ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું;’ માટે એને પણ મૃત્યુનો ભય હોય નહિ. અને શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહિ, માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહિ. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશમાત્ર પણ હોય નહિ. અને ચોથો જે પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહિ ને એક પોતાના પતિને વિષે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિષે જ પ્રીતિ રાખે. માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશમાત્ર હોય નહિ. અને એ ચાર અંગ માંહિલું એક પ્રધાન હોય ને બીજા ત્રણ ગૌણ હોય તો પણ જન્મ-મૃત્યુના ભય થકી તરે છે; અને ચાર માંહિલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહિ.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, “એ ચાર માંહિલાં જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો.” પછી પરમહંસ સમગ્રને જે જે અંગ વર્તતા હતા તે કહ્યા અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતા હતા તે કહ્યા; તે સાંભળીને શ્રીજીમહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ચાર અંગમાંથી જેને શૂરવીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો.” પછી જેને જેને શૂરવીરનાં અંગ વર્તતા હતા, તે સર્વે શ્રીજીમહારાજના ચરણારવિંદને છાતીમાં લઈને પગે લાગ્યા.

55. લોયા ૪ ( para.3)

પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીકૃષ્ણનારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે; અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક અનંતરૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું ? અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એકસરખી છે કે જુદી જુદી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનની મૂર્તિ તો સદા એકસરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઇએ ત્યાં તેવી પોતાની ઇચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પોતે તો સદા દ્વિભુજ છે તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંઈ ચાર ભુજ, ક્યાંઈ અષ્ટભુજ, ક્યાંઈ અનંત ભુજને દેખાડે છે, તથા મત્સ્ય-કચ્છાદિકરૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એકરૂપે જ વિરાજમાન રહે છે. અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે અંતર્યામીરૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા તેણે શુકજીને સાદ કર્યો ત્યારે સ્થાવર-જંગમ સર્વે જીવમાં રહીને સાદ કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર-જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે. તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગકળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગકળાના નિધિ છે, તે એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે તેમાં શું કહેવું ? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે ? કેમ જે, કોઈક ગોડિયો હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ! ને તેની યથાર્થ ખબર પડતી નથી તો ભગવાનમાં તો સર્વ યોગકળાઓ રહી છે, તે મહા આશ્ચર્યરૂપ છે. તેને જીવ કેમ જાણી શકે ? માટે ભાગવતમાં કહ્યું છે જે, ‘આટલા ભગવાનની માયાને તર્યા છે’ અને વળી એમ કહ્યું જે, ‘કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી.’ તેણે કરીને એમ જાણવું જે, એ ભગવાનની યોગકળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું? તો જે, ‘એ ભગવાન તે કેમ એમ કરતા હશે ?’ અને ભગવાનને એમ સમજે જે, ‘એ તો સમર્થ છે તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે.’ એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય અને કલ્યાણની રીતિ તો એકસરખી છે; પણ ભજનારા જે પુરુષ તેને વિષે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ; એ ત્રણ પ્રકારના ભેદ છે ને તેમની૨ શ્રદ્ધા અનંત પ્રકારની છે, તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે અને તે ભગવાન અતિસમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યન્ત કોઈ સમર્થ થતો નથી, એ સિદ્ધાંત છે.”

56. લોયા ૫ ( para.7)

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર, એ ત્રણે હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો-અંતઃકરણ જીતાય કે એ બે માંથી એકે વાનું હોય તો પણ જીતાય? અને જો એમ કહેશો જે, ‘એ ત્રણે વાનાં ભેળા હોય તો જીતાય’, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી ? અને શાસ્ત્રમાંથી શી યુક્તિ શીખવી ? અને પોતાને વિચારે કરીને શી યુક્તિ શીખવી? તે કહો.” ત્યારે એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું માહાત્મ્ય સમજવું. અને સંતથી એમ શીખવું જે, જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે જે, ‘આવી રીતે નેત્રની દૃષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્યવાર્તા ન સાંભળવી,’ ઈત્યાદિક જે યુક્તિ તે સંતથી શીખવી. અને તે સંતે શીખાવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી, ને તેમ વર્તવા લાગવું. એમ ત્રણે વાનાંએ કરીને ઇન્દ્રિયો-અંતઃકરણ જીતાય છે.”

57. લોયા ૬ ( para.6)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય તો પણ તેને ભેળે ના’વા જવું નહિ, ને પાસે પથારી કરવી નહિ, ને તેની વાત પણ ન સાંભળવી ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “જે સંત હિંમત રહિત વાત કરતો હોય જે, ‘શું એક જન્મે કરીને નિષ્કામાદિક ગુણ આવે છે ? એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહિ તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય, પણ આ જ દેહે કરીને શું કલ્યાણ થાય છે ?’ એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. અને જે એમ કહેતો હોય જે, ‘આ ને આ દેહે કરીને કૃતાર્થ થયા છીએ. ને કામ, ક્રોધ, મદ, મત્સર, માન ઈત્યાદિક દોષનો શો ભાર છે ? ભગવાન ને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખીશું.’ એમ જે કહેતો હોય ને તે કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય, તેનો સંગ સર્વ પ્રકારે કરવો.”

58. લોયા ૬ ( para.13)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કયે ઠેકાણે ભગવાનનાં દર્શનાદિકને વિષે તથા સંતને વિષે હેત ન રાખવું ને કયે ઠેકાણે રાખવું ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઈએ જે, ‘બુરાનપુર તથા કાશીએ કોણ જશે ?’ ત્યારે કોઈ બોલે નહિ ત્યારે તે સભામાંથી પોતે ઊઠીને અમને એમ કહેવું જે, ‘કહો તો હે મહારાજ ! હું જાઉં.’ એમ કહીને અમારી આજ્ઞા લઈને ત્યાં જવું. એવે ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારા દર્શનાદિકનું તથા સંતસમાગમનું હેત પણ ન રાખવું. અને અમે તથા સંત તે જેને કચવાણા હોઈએ ને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય ને તે શોકે કરીને રોતો હોય ને તે પાસે કોઈ એકડમલ વિમુખ જેવો આવી સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે ત્યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુ હેત જણાવે અને એમ કહે જે, ‘હું તો એનો વેચાણ છું ને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ન આવે, એ તો મારા કલ્યાણના કરતલ છે.’ એવી રીતે તે ઠેકાણે અતિશય હેત જણવે.”

59. લોયા ૭ ( para.2)

અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજીમહારાજને આપ્યું. પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રુતિમાં કહ્યું છે જે, ‘ऋते ज्ञानान्न मुक्तिः ।’ ‘तमेव विदित्वातिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ।’ એ શ્રુતિમાં એમ કહ્યું જે, ‘ભગવાનનું સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે.’ ત્યારે શાસ્ત્રમાં જે બીજા સાધન કલ્યાણને અર્થે બતાવ્યાં છે, તેનું શું પ્રયોજન છે ? કેમ જે, કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે.” એવા પ્રશ્નને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાન તે જાણવાનું નામ છે.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી જે, “જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે, તેણે કરીને સર્વેનું કલ્યાણ થતું નથી.”

60. લોયા ૭ ( para.3)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા, તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમ જ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્યે પ્રત્યક્ષ દીઠા હતા; તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે ?” ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માન્તરે કલ્યાણ થાય છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માન્તરે કલ્યાણ થાય છે, કાં જે, જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે; માટે બેયનું બીજબળ બરોબર થાય છે ને બેયનું જન્માન્તરે કલ્યાણ પણ બરોબર છે. કેમ જે, શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂઘ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સૂઘ્યા જ કહેવાય. અને જિહ્વાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે અને અંતઃકરણ-ઇન્દ્રિયો પર જે જીવસત્તા-તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો ? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિષે સ્થાવર-જંગમરૂપ જે વિશ્વ, તે સાવકાશે કરીને રહ્યું છે અને સંકર્ષણરૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્નરૂપે કરીને જગતની સ્થિતિ કરે છે તથા મત્સ્ય-કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જે, જેમાં અંતઃકરણ-ઇન્દ્રિયો નથી પૂગતાં, કેવળ અનુભવજ્ઞાને કરીને જ જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે, ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે; માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો ?” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “જે ભગવાનના સ્વરૂપને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ; એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય; એમ કહીએ છીએ.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવા જે ભગવાન તે તો શ્રીકૃષ્ણ છે. તે તો પોતે પોતાને એમ કહે છે જે, ‘यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरूषोत्तमः।।’ ‘विष्टभ्याहमिदं कुत्स्नमेकांशेन स्थितो जगत्’ ‘मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय ! । मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ।।’ ‘पश्य मे पार्थ ! रूपाणि शतशोऽथ सहस्त्रशः । नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।।’ ઈત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો- અંતઃકરણ થકી અગોચર કહે છે, માટે ભગવાનને તત્ત્વે કરીને સમજવા તે તો એમ છે જે, ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ; એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ-મૃત્યને પણ ન તરે અને કોઈક સાધને કરીને બ્રહ્મસ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, “नैष्कर्म्यमप्यच्युतभाववर्जितं न शोभते ज्ञानमलं निरञ्जनम्” તથા ગીતામાં કહ્યું છે જે, “कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः । अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ।।” અકર્મ જે જ્ઞાન તેને વિષે પણ જાણવું રહ્યું છે તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું ? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન-પુષ્પાદિક નાના પ્રકારની પૂજાસામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપથકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન-પુષ્પ, શ્રવણ-મનનાદિકે કરીને કરે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समःसर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. અને “भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ।।” એ વ્યાપ્ય એવી જડ પ્રકૃતિ છે. અને “अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ! ययेदं धार्यते जगत् ।।” એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે, તે કેવા છે? તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિષે વ્યાપક એવી જૈ ચૈતન્ય પ્રકૃતિ તે બેયના આધાર છે. જેમ આકાશ છે તે પૃથિવ્યાદિક ચાર તત્ત્વનો આધાર છે અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે તથા જળ, તેજ અને વાયુની સંકોચ-વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે અને પૃથિવ્યાદિ તત્ત્વની સંકોચ-વિકાસ અવસ્થા તે બેય આકાશને વિષે થાય છે, તેમ એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ ભગવાનની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે ને એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા તે ભગવાનને વિષે છે. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે. ત્યાં શ્રુતિયો છે-

61. લોયા ૧૦ ( para.7)

પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એ ત્રણ પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપ-કુરૂપ પણ જણાય અને વિકાર તો થાય નહિ, ત્યારે તેને કયો વેગ જાણવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, પછી તે મનને કરીને તે પદાર્થને વિષે અત્યંત દોષ જણાય છે. તે દોષનો મનમાં વિચાર થઇને જીવમાં તે દોષ પ્રવેશ કરે છે અને જીવથી પર જે સાક્ષી તેણે પણ તે દોષનું પ્રમાણ કર્યું છે, તેણે કરીને એ દોષની અતિ દ્રઢતા થઇ છે. માટે પદાર્થને વિષે જ્યારે ઇન્દ્રિયની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ ભેળે મન તથા જીવ એ બેય આવે છે, પણ જીવમાં જે અતિશય દોષની દ્રઢતા છે તે દોષની સેડ્ય મન-ઇન્દ્રિયોને વિષે સોંસરી નીસરે છે; માટે તે પદાર્થ યથાર્થ દેખાય ને જાણ્યામાં આવે, પણ તેને વિષે અત્યંત અભાવ આવી જાય છે. જેમ દૂધ-સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાંખી હોય ને તેને નાંખતાં દીઠી હોય, પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું જ દેખાય, પણ તેનો અતિ અભાવ હૈયામાં વર્તે છે; કેમ જે, એણે એમ જાણ્યું છે જે, ‘એને પીવે તો તત્કાળ પ્રાણ જાય.’ તેમ જેને એમ સમજાયું જે, ‘આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે અને આ લોક પરલોકને વિષે પરમ દુઃખદાયી છે ને સ્ત્રીની પ્રાપ્તિ તો મને સર્વે પશુ આદિક જન્મને વિષે અનંતવાર થઇ છે, અને હજી જો પરમેશ્વરને નહિ ભજુ તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે, માટે એ વાત દુર્લભ નથી, અને ભગવાન ને ભગવાનના સંત તેનો સંગ તે તો મહાદુર્લભ છે અને એ દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિષે એ સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે,’ એવું જાણીને જે હૈયામાં દોષની દ્રઢતા થઇ છે તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઇ જાય તો પણ વિકાર થાય નહિ.

62. લોયા ૧૧ ( para.2)

પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીમદ્‌ભાગવત તથા ભગવદ્‌ગીતા એ આદિક જે સત્શાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર કરીએ છીએ જે, અસત્પુરુષની એમ સમજણ છે જે, આ વિશ્વને વિષે સ્થાવર-જંગમરૂપ એવી જે સ્ત્રી-પુરુષની સર્વે આકૃતિઓ, તે જે તે વિરાટરૂપ એવા જે આદિપુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઊપજી છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. તે સારુ જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષરૂપ એવી ઉત્તમ-નીચ જે જે આકૃતિઓ તેને વિષે આસક્ત થાય, ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિષે ધ્યાન કરવું, તો એને સદ્ય સમાધિ થાય; અને તે આકૃતિને વિષે જો મન દોષને કલ્પે, તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જે, ‘સમગ્ર જગત તે બ્રહ્મ છે,’ એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો. એવી રીતે જે સત્શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે. અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસૃતિ છે.”

63. પંચાળા ૨ ( para.4)

અને એમ સમજવું જે, એ ભગવાન જેવા તો ભગવાન જ છે; ને બીજા જે પ્રકૃતિપુરુષાદિક છે તે તો એના ભક્ત છે અને એનું ધ્યાન કરે છે, માટે એ ભગવાન રૂપ છે. જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાન રૂપ જાણે છે, તેમ એ પ્રકૃતિપુરુષાદિક પણ ભગવાનરૂપ છે અને એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ તે જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરૂદ્ધરૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે, તે ધ્યાન કરવા યોગ્ય છે.’ એમ સમજે તો એ યોગમાર્ગ તે અતિશય નિર્વિઘ્ન છે ને શ્રેષ્ઠ છે. અને સાંખ્યવાળા છે તેમાં એ દોષ છે જે, એ સાંખ્યવાળા હોય તે એમ કહે છે જે, ‘અંતઃકરણે કરીને તથા ઇન્દ્રિયે કરીને જે જે ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વ મિથ્યા છે અને અનુભવે કરીને જે ગ્રહણ કર્યામાં આવે છે તે સત્ય છે.’ એવી રીતે આકારમાત્રને મિથ્યા કરે છે તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે તથા અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, એમના રૂપને પણ મિથ્યા કરે છે અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે; એવો એ મોટો દોષ છે. માટે એ સાંખ્યવાળા એમ સમજે તો ઠીક જે, સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિપુરુષથી જે જે ઊપજ્યું તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું.’ એવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે, નહિ તો શાસ્ત્રને ભણે-સાંભળે પણ આવડે નહિ. અને છે તો એમ જે, પ્રથમ સાંખ્યવિચારે કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે; તે કહ્યું છે જે, “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” તથા “आत्मारामाश्च मुनयो निर्ग्रंथा अप्युरुक्रमे । कुर्वन्त्यहैतुकीं भक्तिमित्थंभूतगुणो हरिः।।” “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्।।” એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે. કાં જે, એ સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે જે કાંઈ પંચ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષયભોગ છે, તેને અતિશય તુચ્છ જાણે છે; માટે એ કોઈ પદાર્થને વિષે આશ્ચર્ય પામે નહિ તથા બંધાય નહિ. અને એની પાસે કોઈ આવીને એમ કહે જે, આ પદાર્થ તો બહુ જ રૂડું છે.’ ત્યારે તેને એમ વિચારે જે, ‘ગમે તેવું સારુ હશે પણ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે ને ઇન્દ્રિયો-અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે નાશવંત છે.’ એવી એ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે. એવો જે સાંખ્યવાળો તેને યોગમાર્ગે કરીને ભગવાનની જે ઉપાસના, ધ્યાન, ભક્તિ તે કરવા; અને એમ ન કરે તો એને વિષે અતિ ન્યૂનતા કહેવાય છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે, તે અમે યથાર્થ વિચારીને કહ્યો છે. અને જે આધુનિક યોગવાળા ને સાંખ્યવાળા છે તેમણે તો એ બેય માર્ગને બગાડી નાંખ્યા છે. જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે, ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના આકાર તથા રામકૃષ્ણઆદિક અવતારના આકાર તે સર્વેને તુલ્યપણે જાણે છે. અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભેળે તીર્થ, વ્રત, પ્રતિમા, યમ, નિયમ, બ્રહ્મચર્યાદિક ધર્મ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા રામકૃષ્ણાદિક અવતાર; એ સર્વેનું ખંડન કરે છે. માટે આધુનિક જે સાંખ્યવાળા ને યોગવાળા તે બેય માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે.”

64. પંચાળા ૪ ( para.4)

અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે, ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે. તે જ્યારે સત્યયુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવરદા હોય, ત્યારે એ ભગવાન પણ લાખ વર્ષ જ દેહ રાખે; અને તે સત્યયુગના માણસ મનોવાંછિત ભોગને ભોગવે, ત્યારે ભગવાન પણ તેમ જ ભોગને ભોગવે પણ અધિકપણે ન વર્તે. અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને દસ હજાર વર્ષની આવરદા હોય, ત્યારે ભગવાન પણ તેટલા વર્ષ દેહ રાખે. અને દ્વાપર યુગમાં હજાર વર્ષની આવરદા હોય ને દસ હજાર હાથીનું બળ માણસમાં હોય છે, ત્યારે ભગવાનનું પણ એટલું બળ ને એટલી આવરદા હોય છે. અને કળિમાં દેહ ધારણ કરે ત્યારે કળિ પ્રમાણે આયુષ્ય ને બળ તેનું ભગવાન ધારણ કરે છે. અને જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે ને બાળ, યૌવન, વૃદ્ધ અવસ્થા થાય છે ને મૃત્યુને પામે છે; તેમ જ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. અને જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઇર્ષ્યા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભય, શૂરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિક સ્વભાવ છે; તેમ તેવા જ એ સર્વે સ્વભાવ મનુષ્યદેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. તે એ મનુષ્ય સ્વરૂપ પણ ભગવાનનું સર્વ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે અને મૂળ જે દિવ્યરૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે. તે એ બેય રૂપનું જેણે યથાર્થ શ્રવણ-મનન કરીને દઢ નિશ્ચય કર્યો હોય, તેને તો કોઈ રીતે સંશય થાય નહિ; અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે. અને એ જ દિવ્યરૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે, ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તતા હોય; પણ જે બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું જે, ‘એમાં કામ છે તે બીજા મનુષ્યના જેવો નથી તથા ક્રોધ, લોભ, સ્વાદ, માન ઇત્યાદિક મનુષ્યના સ્વભાવ તે એ ભગવાનમાં છે, પણ બીજા માણસ જેવા તો નથી; એમાં કાંઇક દિવ્યભાવ છે, તે બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે; તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય કરે છે. જેમ શંકરાચાર્યે શૃંગારરસની વાર્તા જાણ્યાને અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તે રાજાના જેવા જ સર્વે શૃંગારાદિક ભાવ ને દેહની ચેષ્ટા તે હતી, પણ તે રાજાની રાણી બુદ્ધિવાળી હતી. તેણે એમ જાણ્યું જે, ‘મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો, માટે આ દેહને વિષે કોઈક બીજે જીવે પ્રવેશ કર્યો છે.’ તેમ મનુષ્યરૂપ એવા જે તે ભગવાન, તેને વિષે દિવ્યભાવ જણાય છે; તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે. ત્યારે તમે કહેશો જે, ‘કાંઇક દિવ્યભાવ જાણ્યામાં આવ્યો, તેણે કરીને મનુષ્યને ભગવાનપણાનો નિશ્ચય થયો, ત્યારે ઘણો દિવ્યભાવ જણાવે તો તો બહુ માણસને નિશ્ચય થાય.’ તો એનું તો એમ છે જે, આ સૂર્ય છે તેને સર્વ શાસ્ત્રમાં કહ્યા છે જે, ‘એ નારાયણ છે,’ ને તે એ સૂર્ય સર્વ મનુષ્યને દૃષ્ટિગોચર પણ છે ને નિત્ય એનું દર્શન મનુષ્યમાત્ર કરે છે, તો પણ એને દર્શને કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થતો જે, ‘મારું કલ્યાણ થયું;’ અને મનુષ્યપણે રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ-શુકાદિક સંત તેના દર્શન કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે જે, ‘મારું કલ્યાણ નિશ્ચય થયું.’ ને હું કૃતાર્થ થયો છું અને તે ભગવાન ને સંત, તેમાં તો કાંઇ પ્રકાશ છે નહિ, દીવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે, તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે. તથા અગ્નિ છે તે પણ સાક્ષાત્ ભગવાન છે; કાં જે ભગવાને કહ્યું છે

65. પંચાળા ૪ ( para.6)

એવો જે અગ્નિ તેના પણ સર્વને દર્શન છે, પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી અને ભગવાનને ને સંતને દર્શને કરીને થાય છે. તેનું શું કારણ છે જે, ‘મનુષ્યને ને સૂર્ય-અગ્નિને વિજાતિપણું છે,’ માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો; કાં જે, એ અગ્નિનો સ્પર્શ કરે તો બળી મરે. તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલા મંત્રે કરીને તેડ્યા ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા, તે મનુષ્યરૂપે જેવા કુંતાજી હતા તેવા જ સૂર્ય થઇને આવ્યા ત્યારે તેના અંગસંગનું સુખ આવ્યું ને કર્ણરૂપ ગર્ભ રહ્યો; પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશે સહિત આવ્યા હોત તો કુંતાજી બળી મરત ને સ્પર્શનું સુખ પણ ન આવત. તથા સત્રાજિત યાદવ પાસે સૂર્ય આવતા તે પણ માણસ જેવા થઇને આવતા. અને જ્યારે એ સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્યા ત્યારે શું આકાશમાં નહોતા ? આકાશમાં પણ હતા ને બીજે રૂપે એના એ જ સૂર્ય કુંતાજી ને સત્રાજિત પાસે આવ્યા; અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વે એમાં છે ખરો, પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઇને આવ્યા છે. તેમ એ જે ભગવાન છે તે પોતે પોતાના દિવ્યભાવ સહિત જ જીવને જો દર્શન આપે, તો મનુષ્યને ઠીક ન પડે અને એમ જાણે જે, ‘આ તે શું ભૂત હશે કે શું હશે ? માટે એ ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા જ થઇને દર્શન આપે છે અને પોતે પોતાના ધામમાં પણ વિરાજમાન છે; ત્યારે તે મનુષ્યને દર્શનમાં, સ્પર્શમાં તથા નવ પ્રકારની ભક્તિ કર્યામાં આવે છે. અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય ને દિવ્યભાવે વર્તે, તો મનુષ્યને પોતામાં હેત થાય નહિ ને સુવાણ ન પડે. શા માટે ? તો મનુષ્ય-મનુષ્યને વિષે હેત થાય છે ને સુવાણ થાય છે, પણ પશુને ને મનુષ્યને હેત-સુવાણ્ય થતી નથી અને પશુ-પશુને પરસ્પર હેત ને સુવાણ્ય થાય છે; કેમ જે, સજાતિ-સજાતિમાં હેત થાય, પણ વિજાતિમાં થાય નહિ. તેમ ભગવાન પોતાના દિવ્યભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારુ માણસ જેવા જ ભગવાન થાય છે પણ દિવ્યભાવ જણાવતા નથી; અને દિવ્યભાવ જણાવે તો વિજાતિપણું થાય, માટે ભક્તને પોતામાં હેત ને સુવાણ્ય થાય નહિ. તે સારુ મનુષ્યરૂપે એ ભગવાન થાય છે ત્યારે પોતાનો દિવ્યભાવ છે તેને છુપાવી રાખવો તે ઉપર જ પોતાની દૃષ્ટિ રહે છે અને છુપાવતે છુપાવતે કદાચિત્ પોતે કોઈક કાર્યમાં ઉતાવળા થઇ જાય છે, ત્યારે દિવ્યભાવ જણાઈ આવે છે. અને ક્યારેક પોતે પોતાની ઇચ્છાએ કરીને પણ પોતાના કોઈ ભક્તને જણાવે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાન ભીષ્મને મારવાને ઉતાવળા થયા ત્યારે મનુષ્યભાવ ભૂલી ગયા ને પોતામાં દિવ્યભાવ આવ્યો, તેણે કરીને પોતાના ભારને પૃથ્વી સહન કરવા સમર્થ ન થઇ. તથા અર્જુનને દિવ્યભાવ દેખાડ્યો તે પોતાની ઇચ્છાએ દેખાડ્યો, પણ તે દિવ્યભાવે૧ કરીને અર્જુનને સુખ ન થયું ને બહુ વ્યાકુળ થઇ ગયા. પછી શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું મનુષ્યપણે દર્શન અર્જુનને આપ્યું, ત્યારે અર્જુનને સુખ થયું. ત્યારે કહ્યું જે- “दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन । इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ।।” માટે મનુષ્યપણે કરીને ભગવાન વર્તે તો જ જીવને સાનુકૂળ પડે, નહિ તો ન પડે. તે સારુ એ ભગવાન મનુષ્યપણે વર્તે છે ત્યારે જે આવી રીતે નથી સમજતો, તેને મનુષ્યભાવ દેખીને અવળું પડે છે. અને જો એ ભગવાન દિવ્યભાવે જ વર્તે, તો મન-વાણીને અગોચર હોય તે જીવના જાણ્યામાં આવે નહિ. માટે એ બે પ્રકારે ભગવાનને શાસ્ત્રમાં કહ્યા છે, તેવી રીતે જેણે યથાર્થ જાણ્યા હોય તેને સંશય ન થાય અને જો એમ ન સમજે તો સંશય જરૂર થાય. અને જે એમ કહે છે જે, ‘મેં ભગવાનને જાણ્યા છે ને મને નિશ્ચય છે,’ ને જો તે આ વાતને સમજ્યો નથી, તો તેનો નિશ્ચય કાચો છે. જેમ કોઈક પુરુષ શ્લોક શીખ્યો હોય તથા કીર્તન શીખ્યો હોય ને તેને પૂછીએ જે, ‘તને આ શ્લોક તથા કીર્તન આવડ્યો ?’ ત્યારે કહે જે, ‘આવડ્યો,’ ને કંઠથી મુખપાઠે કહી દેખાડે; પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક-કીર્તનને ભૂલી જાય. ત્યારે એ તે શું જે, એને જ્યારે એ શીખ્યો હતો ત્યારે જ એને એટલો આવડ્યો નહોતો; કેમ જે, શ્રવણ-મનને કરીને એનો દ્રઢ અભ્યાસ થઇને એના જીવમાં એ શ્લોક-કીર્તન ચોંટી નહોતો ગયો. અને કોઈક વાતનો બાળકપણામાં જ એવો અધ્યાસ થયો હોય છે, તો એ યુવા થાય, વૃદ્ધ થાય તો પણ તે વાતનું જ્યારે કામ પડે ત્યારે સાંભરી આવે છે. તેમ એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એના નિશ્ચયમાં કસર રહી ગઈ હતી, અને જો કસર ન રહી હોત ને આવી રીતે પ્રથમથી જ શ્રવણ કરીને ને તેનું મનન કરીને તેનો દ્રઢ અધ્યાસ એના જીવમાં થયો હોત તો એને કોઈ દિવસ સંશય થાત જ નહિ.”

66. પંચાળા ૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે ઝાઝી વાર સુધી વિચાર કર્યો ને સર્વે શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું જે, ‘શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઈ નથી થયો.’ કેમ જે, બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે, તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિષે દેખાડ્યો. કેવી રીતે ? તો પ્રથમ પોતે દેવકી થકી જન્મ્યા ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારીને ચતુર્ભુજરૂપે દર્શન દીધું, તેણે કરીને લક્ષ્મપતિ જે વૈકુંઠનાથ, તેનો ભાવ પોતામાં જણાવ્યો. તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું, તેણે કરીને સહસ્ત્રશીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું. તથા અક્રૂરને યમુનાના ધરામાં દર્શન દીધા, તેણે કરીને શેષશાયીપણું જણાવ્યું. તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું જે, ‘पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्त्रशः ।’ એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું. તથા પોતે શ્રીકૃષ્ણે કહ્યું જે, “यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः। अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरूषोत्तमः ।।” એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું. તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતે જ હતા. અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમાપુરુષરૂપે દર્શન કરાવ્યું. તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ, તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો. તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિષે તથા ભાગવતમાં એ શ્રીકૃષ્ણને જ કહ્યા છે. તે માટે એ શ્રીકૃષ્ણના અવતારને વિષે તો ભિન્ન ભિન્નપણે રહી જે એ જ ભગવાનની મૂર્તિઓે તથા શક્તિઓ, ઐશ્વર્ય તે સમગ્ર છે, માટે એ અવતાર તે બહુ મોટો થયો છે. અને બીજી મૂર્તિને વિષે થોડું ઐશ્વર્ય છે ને એને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય છે; માટે કૃષ્ણાવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે. અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે, ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય-શક્તિઓ જણાવી; માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે. એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અચળ મતિ હોય ને એ મતિ કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય, ને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત્ કાંઇક અવળું વર્તાઇ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહિ; એનું ક્લ્યાણ જ થાય. માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો, તે પણ એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા ભગવાનને વિષે રાખશો તો કદાચિત્ કાંઈક અવળું વર્તાઇ જશે, તો પણ અંતે કલ્યાણ થશે.” એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજીમહારાજને વિષે સર્વકારણપણું જાણીને ઉપાસનાની દ્રઢતા કરતા હવા.

67. પંચાળા ૭ ( para.3)

એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણ તેની મૂર્તિને વિષે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગભાગ સમજવો નહિ ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી; પણ તેથી કાંઇ પૃથક્ ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિષે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે ? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય જે, ‘આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકારરૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય-ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે;’ એવી જાતની જેને દ્રઢ મતિ હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્યમૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિષે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે, ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્યસ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશમાત્ર ફેર સમજતા નથી; અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા, તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તેને માયાની નિવૃત્તિ થઇ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને કદાચિત્ કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધકર્મને યોગે કરીને કાંઇ અવળું વર્તાઇ જાય, તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા-નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ને મહાત્યાગી હોય, તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે, ‘જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે,’ એવી દ્રઢ ગ્રંથી હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય, તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે, તોપણ તેને સંશય થાય નહિ. કેમ જે, એ તો એમ સમજ્યો છે જે, ‘ભગવાન તો સદા સાકાર જ છે, પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે; એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્યનિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત, તે શ્રીજીમહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દ્રઢતા કરતા હવા.

68. ગઢડા મધ્ય ૧ ( para.8)

માટે આ વચન જે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમસિદ્ધાંત છે જે, જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું, ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહિ અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી જે, ‘હું આત્મા છું, પણ દેહ તે હું નહિ.’ એક તો એ વિચાર દ્રઢ કરવો. અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે, તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું, ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશયપણે સમજવું. તે એમ વિચારવું જે, ‘પંચવિષય છે, તે તો ભગવાનના કર્યા થયા છે. માટે ભગવાનમાં તો એથી અતિ ઝાઝું સુખ છે. શા માટે જે, શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી જ સુખ હોય, પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી જ રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય, પણ બીજું ન હોય, તેમ જ રૂપમાં રૂપ સંબંધી જ સુખ હોય; તેમ જ રસ ને ગંધ તેમાં પણ પોતપોતા સંબંધી જ સુખ હોય, પણ એક વિષયમાં પંચવિષયનું સુખ ભેળું ન આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યાં છે, તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણકામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણકામ કરે છે. અને માયિક જે વિષયસંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે.’ એવો જે ભગવાનના સ્વરૂપના માહાત્મ્યનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. એ જે ત્રણ વિચાર કહ્યા તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહિ; જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે અને તેવી જ રીતે પશુ, પક્ષી, લાકડા, છાણા, પથરા, સુવર્ણ; એ સર્વને તુલ્યપણે જુએ, પણ સારુ પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચવિષયને વિષે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિષે ભેદ રહે નહિ, એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તે શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે, ‘समलोष्टाश्मकाञ्चनः’ એવા જેના લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્ત્વે કરીને જાણ્યું છે અને એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવો અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः’ માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વ્હાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાહ્યાને જ આવે એમ નથી, જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય અને ડાહી હોય ને તે વ્યભિચારિણી હોય. માટે ડાહ્યાભોળાનો કાંઈ મેળ નથી, એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી તે તો જાણે જે એક દિવસે જ એમ કરી લઉં ને નિર્મોહી થઉં, એમ ઉતાવળે એ કામ થતું નથી, એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથરો નાખ્યો હોય તેમાં પાણી સિંચતાં સિંચતાં દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી એને વિષે આકળા થઈને અકળાઈ જવું નહિ. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે, ‘अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ।’ માટે એમ વિચારવું જે, ‘આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતા જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે, પણ ભગવાનના ભક્ત છીએ તે નરકચોરાશીમાં તો જવું નથી.’ એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો અને જ્યાં સુધી સારા ને નરસા; એ બે વિષય તુલ્ય ન જણાય, ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધનદશામાં કહેવાય અને જ્યારે સારા-નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધદશાને પામ્યો જાણવો. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે, ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ; એ સર્વે ગ્રંથનો એ જ ગલિતાર્થ છે. આ જે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દ્રઢ કરીને રાખજ્યો.”

69. ગઢડા મધ્ય ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ,” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય, તેને એમ વિચાર કરવો જે, આ દેહ છે તેને વિષે જીવ રહ્યો છે અને ઇન્દ્રિયો અંતઃકરણ છે, તે જીવ સાથે વળગી રહ્યાં છે અને ઇન્દ્રિયો ને અંતઃકરણ છે, તે બાહેર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે. તે અજ્ઞાને કરીને જીવ, ઇન્દ્રિયો-અંતઃકરણ ને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગત્યે જીવ ઇન્દ્રિયો-અંતઃકરણ થકી નોખો છે. અને પંચવિષય છે, તે અંતઃકરણ થકી નોખા છે; પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિષે પંચવિષયની એકતા જણાય છે. અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે, પણ અંતઃકરણમાંથી નથી થતી. જેમ અતિશય તડકો હોય અથવા ટાઢ હોય તેનો પ્રથમ બાહેર ઇન્દ્રિયોને સંબંધ થાય છે, પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને માંહિલી કોરે તેનો પ્રવેશ થાય છે, પણ એની ઉત્પત્તિ માંહિલી કોરેથી નથી; એ તો બાહેરથી ઉત્પન્ન થઈને માંહિલી કોરે પ્રવેશ કરે છે; તેમ પંચવિષય છે, તે પ્રથમ અંતઃકરણમાંથી ઊપજતા નથી, એ તો પ્રથમ ઇન્દ્રિયોને બાહેર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બાહેર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય પણ કેવળ વાર્તા સાંભળ્યે કરાર થાય નહિ. અને જેમ ક્ષુધા-પિપાસા લાગી હોય તે ખાધે-પીધે જ નિવૃત્તિ થાય પણ અન્નજળની વાત કર્યે નિવૃત્તિ ન થાય, તેમ પંચવિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય.

70. ગઢડા મધ્ય ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા જે, “મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડ્યાના બે ઉપાય છે; તે કહીએ છીએ જે, એક તો રસિકમાર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન, એ બે મોટ્યપ પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે. અને મોટા આચાર્ય થયા તેમણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણાને થયો છે અને સારુ તો કોઈકનું થયું છે. કાં જે, રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ; તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અગોઅંગનું વર્ણન થાય, ત્યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે ? અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે જે, સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય. અને રાધિકાજી, લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહિ અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય; માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયે પ્રકારે મોહ ન થાય ? એ તો થાય જ. અને લેશમાત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો. માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે. અને બ્રહ્મજ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે જે, ‘જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિપુરુષરૂપે થાય છે અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મા, વિષ્ણુ, શિવરૂપે થાય છે ને પછી તે જ બ્રહ્મ સ્થાવર-જંગમરૂપે થાય છે અને તે સ્થાવર-જંગમરૂપ જે આકાર તેને વિષે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે.’ એવી રીતે બ્રહ્મજ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે, ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો. માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મજ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય, એ મોટું વિઘ્ન છે. કાં જે, સમજી સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું, માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો. અને એ બે માર્ગ છે, તે કલ્યાણના છે અને એ બેમાં વિઘ્ન પણ અતિ મોટા છે. માટે જે ક્લ્યાણને ઈચ્છતો હોય તેને કેમ કરવું ? એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કરો.” પછી સર્વે પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો.

71. ગઢડા મધ્ય ૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે,”કીર્તન રાખો, હવે ભગવદ્વાર્તા કરીએ.” પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે છે જે, ‘ગંગાજીનું પાણી ને બીજું પાણી; એ બેય સરખા જણાય છે અને શાલગ્રામ ને બીજા પાણા; તે સરખા જણાય છે અને તેમ જ તુલસી ને બીજા ઝાડ; તે સરખા જણાય છે અને બ્રાહ્મણ ને શુદ્ર તે પણ સરખા જણાય છે અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન; તે બે સરખા જણાય છે અને એકાદશીને દિવસ ભૂખ્યા રહ્યા ને બીજે દિવસ ભૂખ્યા રહ્યા; એ બેય સરખા જણાય છે અને સાધુ ને અસાધુ; એ બેય સરખા જણાય છે. તે માટે આ વિધિનિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાયા તેણે શા સારુ શાસ્ત્રમાં કહ્યો હશે ? એમ દુષ્ટ મતિવાળા જે જીવ છે, તે કહે છે. માટે સર્વ સંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ જે, એ વિધિનિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કહ્યો છે, તે સાચો છે કે કલ્પિત છે ? તે પ્રશ્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો.” પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્યા જે, “વિધિનિષેધનો ભેદ સત્ય છે અને એમ ન હોય તો સ્વર્ગ-નરક કેને માથે કહેવાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નાના છે, પણ સારી દિશ ઉપર સમજે છે.” એમ કહીને શ્રીજીમહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો જે, “મોટાપુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે, તે સર્વે સત્ય છે. ત્યાં દૃષ્ટાંત છે જે, જેમ કોઈક મોટો શાહુકાર હોય ને તે કોઈને હૂંડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી પણ રૂપિયા સાચા છે. તે જ્યારે હૂંડી જે શાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે એ હૂંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે, તેમ મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિનિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે; જેમ હૂંડીમાંથી રૂપિયા નીસરે છે તેમ. અને જે સમર્થ શાહુકારે હૂંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે, તેને મૂર્ખ જાણવો અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીક ઈત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહા પાપિષ્ઠ જાણવો. અને વળી જે નાસ્તિક મતિવાળા હોય તેને એમ સમજાય છે જે, ‘બીજા પાણામાં ને ઠાકોરજીની મૂર્તિમાં શો ફેર છે ? સર્વે પાણા એકસરખા છે, અને પરણેલી સ્ત્રી ને ન પરણેલી સ્ત્રી; તેમાં શો ફેર છે ? સર્વે સ્ત્રી સરખી છે, અને ઘરની સ્ત્રી ને મા-બેન તેમાં શો ફેર છે ? સર્વેનો સરખો જ આકાર છે, અને રામ કૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે; માટે અધિક ન્યૂનભાવ તો માણસે કલ્પીને ઊભો કર્યો છે, પણ શું કરીએ ? માણસ ભેળું રહેવું તે માણસની હાયે હા કહી જોઈએ, પણ વિધિનિષેધનો માર્ગ છે, તે ખોટો છે.’ એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે. માટે જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપીષ્ટ જાણવો ને નાસ્તિક જાણવો અને એને ચાંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહિ.”

72. ગઢડા મધ્ય ૮ ( para.8)

એ શ્લોકનો અર્થ એ છે જે, ‘આ સંસારને વિષે ભગવાનના અંશ જે જીવ છે, તે તો મને સહિત જે પંચજ્ઞાનઇન્દ્રિયો તેને પંચવિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે; અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઇચ્છા હોય ત્યાં લઇ જાય છે.’ માટે આપણે સર્વે ઇન્દ્રિયોના દોર્યા દોરાતાં નથી, તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને ચાર વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અઢાર પુરાણ, ભારત, રામાયણ અને નારદપંચરાત્ર; એ આદિક સર્વ શાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે, ‘યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે, સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાનયજ્ઞ કરતા રહેજ્યો અને એમ ને એમ જ્ઞાનયજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય, એ જ જ્ઞાનયજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાનયજ્ઞ કરતા કરતા જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે, એવું થવાય ત્યારે જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો અને જ્યાં સુધી એવું ન થવાય, ત્યાં સુધી એટલું અધુરું જાણવું. અને નિરન્નમુક્ત જેવા થવાની અતિશય ઇચ્છા રાખવી, પણ શ્રદ્ધારહિત થવું નહિ અને પોતાને વિષે અપૂર્ણપણું માનવું નહિ ને ભગવાનની પ્રાપ્તિ થઇ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને ને સાવધાન થઇને જ્ઞાનયજ્ઞ કર્યા કરવો.”

73. ગઢડા મધ્ય ૯ ( para.5)

એ શ્લોકનો એ અર્થ છે જે, ‘હે અર્જુન ! સર્વ ધર્મને તજીને તું એક મારા જ શરણને પામ્ય, તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ મા.’ એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિષે અનંત દોષ થયા તો પણ લેશમાત્ર મનમાં ઝાંખા થયા નહિ અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહિ તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો તેણે કરીને એમ જાણ્યું જે, ‘મારું કોઈ કાળે કલ્યાણ નહિ થાય.’ પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રીકૃષ્ણભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહિ. પછી શ્રીકૃષ્ણભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કાંઈક વિશ્વાસ આવ્યો; તોય પણ અર્જુન જેવા નિઃસંશય થયા નહિ. માટે બુદ્ધિમાનને તો ભગવત્સ્વરૂપનું બળ અતિશય રાખ્યું જોઈએ. એ બળ જો લેશમાત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે. તે પણ શ્રીકૃષ્ણભગવાને કહ્યું છે જે,

74. ગઢડા મધ્ય ૯ ( para.7)

એ શ્લોકનો એ અર્થ છે જે, ‘ભગવત્સ્વરૂપના બળનો લેશમાત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે.’ જેમ અર્જુને ભારતી લડાઈ કરી ત્યારે તેને વિષે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઇ તે ભગવત્સ્વરૂપના બળને પ્રતાપે થઇ. માટે જેને સર્વથી ભગવત્સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને તે જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ્ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે જે, ‘શ્રુતિ-સ્મૃતિના ધર્મને કાંઇક તજાય તો તેની ચિંતા નહિ, પણ ભગવાનનો આશ્રય તજવો નહિ.’ અને કોઈક એમ જાણે જે, ‘આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઇ જાય.’ પણ આ વાર્તા કાંઇ ધર્મને ખોટા કર્યા સારુ નથી; આ તો એટલા સારુ છે જે, દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, ઉપદેશ અને દેવતા એટલાં વાનાં શુભ ને અશુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઇક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહિ અને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠામાં કાચ્યપ હોય, તો જે દિવસ ધર્મમાંથી ચળી જવાય તે દિવસ તે એમ જાણે જે, ‘હું નરકમાં પડી ચૂક્યો.’ માટે જેને ભગવત્સ્વરૂપનુ બળ તે જ પાકો સત્સંગી છે અને એ વિના બીજા તો ગુણબુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે, તો સાંભળીને એમ કહે જે, ‘આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહિ. આ વાર્તા તો ‘न भूतो न भविष्यति’ એવી છે. અને અતિશય ઝીણી વાર્તા થાય છે, તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે, એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પૂણ્યનો પાર આવે એમ નથી. એવું જાણી સત્સંગી હોય તેને પોતાને વિષે કૃતાર્થપણું માન્યું જોઇએ. અને જેને ભગવાનને વિષે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય, તો પણ તેને તો કાંઇ કરવું રહ્યું નથી, પણ જેને પરમેશ્વરને વિષે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજ્યો જોઇએ. માટે જે ડાહ્યો હોય તેને તો આ વાર્તા સમજી-વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો, એ જ મત અતિ સારમાં સાર છે.”

75. ગઢડા મધ્ય ૧૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્‌ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ્‌ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે અને દ્વિતીય સ્કંધમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે, ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે, પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી. કાં જે, ભગવાન થકી જ સર્વ સ્થાવર-જંગમ સૃષ્ટિ થાય છે, તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય ? જેમ આકાશ નિરાકાર છે, તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી, તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે, તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં ‘અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; એ ત્રણનો જે આધાર છે, તે ભગવાનનું સ્વરૂપ છે,’ એમ કહ્યું છે. તેની વાત કરીએ તે સાંભળો, અધ્યાત્મ જે વિરાટપુરુષના ઇન્દ્રિયો અને અધિભૂત જે તેના પંચ મહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા; એ સર્વે વિરાટને વિષે આવ્યા, તો પણ વિરાટ ઉભો ન થયો. પછી વાસુદેવ ભગવાને પુરુષરૂપે થઇને જ્યારે વિરાટપુરુષને વિષે પ્રવેશ કર્યો ત્યારે વિરાટપુરુષ ઊભા થયા. તે ભગવાન વિરાટપુરુષના જે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; તેને વિષે તદાત્મકપણે કરીને વર્તે છે અને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે. અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશસ્વરૂપે તો અરૂપ છે ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે, તે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રીકૃષ્ણ ભગવાન ને અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનું ખાંડવ વન બાળવા ગયો, ત્યારે તેજ અગ્નિ જ્વાળારૂપ થઇને સમગ્ર વનમાં વ્યાપ્યો. તેમ જ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છે, ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે. અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો અને વાત પણ એવી રીતે કરવી જે, ‘કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહિ.’ અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો, જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય. અને બીજાને પણ એવી વાત કરવી, જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય.

76. ગઢડા મધ્ય ૧૦ ( para.6)

હવે યોગશાસ્ત્રનો મત કહીએ તે સાંભળો. યોગનો મત એમ છે જે, જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દૃષ્ટિ સ્થિર કરવી. તે દૃષ્ટિ સ્થિર કરવા સારુ ભગવાનની પ્રતિમા અથવા બીજું કાંઇ પદાર્થ હોય તેમાં પ્રથમ દૃષ્ટિને ઠરાવવી. પછી એક ને એક આકાર જોતા થકા દૃષ્ટિ સ્થિર થઇ જાય ત્યારે તે ભેળુ અંતઃકરણ પણ સ્થિર થાય છે. અને જ્યારે અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી. તેમાં ધારણ કરનાર યોગીને પ્રયાસ ન પડે, સુખે ધરાય છે. અને જો પ્રથમથી અભ્યાસ કરીને અંતઃકરણ સ્થિર ન કરે તો જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજા પણ કેટલાક ટિખળ આડાં આવીને ઊભા રહે. માટે યોગશાસ્ત્રનો એ સિદ્ધાંત છે જે, ‘પ્રથમ અભ્યાસ કરીને વૃત્તિ સ્થિર કરવી ને પછી ભગવાન સંગાથે જોડવી.’ એમ જાણવું એ યોગશાસ્ત્ર સંબંધી જ્ઞાન છે. એવી રીતે એ બે શાસ્ત્રને મતે કરીને જે સમજણ દ્રઢ કરવી, તેનું નામ જ્ઞાન છે. હવે ભક્તિની રીત તો એમ છે જે, જ્યારે સમુદ્રમંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નીસર્યા. પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઇને વિચાર કર્યો જે, ‘વરવા યોગ્ય કોણ છે ? તેને હું વરું.’ પછી જ્યાં તપાસીને જોયું ત્યાં તો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહિ ને જેમાં કાંઇક ગુણ તેમાં રૂપ નહિ. એવી રીતે ઘણાકને વિષે મોટા મોટા કલંક દીઠા. પછી દેવતા માત્ર તથા દૈત્ય માત્ર તેને કલંકના ભર્યા દેખીને સર્વ ગુણે કરીને સંપૂર્ણ અને સર્વ દોષે રહિત ને સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને જ દીઠા ત્યારે લક્ષ્મીજીને ભગવાનને વિષે દ્રઢ ભક્તિ થઇ. પછી અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાળા પહેરાવી ને ભગવાનને વર્યાં. માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા ને પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો તેનું જ નામ ભક્તિ છે.”

77. ગઢડા મધ્ય ૧૦ ( para.7)

એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ; એને વિષે પરમેશ્વરને વિષે પ્રીતિ થવાનું કેને વિષે અધિક દૈવત આવ્યું ? તે સમજાણું નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભક્તિને વિષે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી અને ભક્તિ તો અતિ દુર્લભ છે. તે ભક્તિવાળાનાં લક્ષણ આવા હોય છે જે, જ્યારે જીવોના કલ્યાણ અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિષે વિચરે છે, ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માયિક જેવા હોય, તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે દેવકીવસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોવર્ધન તોળ્યો તથા કાળીયનાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યો તથા અક્રૂરજીને યમુનાના જળને વિષે દર્શન દીધું તથા મલ્લ, હસ્તિ, કંસાદિ દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. તેમ જ રામાવતારને વિષે ધનુષ ભાંગ્યું તથા રાવણાદિક દુષ્ટને મારીને સર્વ દેવતાનું કષ્ટ નિવારણ કર્યું, ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનનાં દિવ્ય ચરિત્ર કહેવાય. અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતાં રોતાં ઘેલા જેવા થઇ ગયા તથા કૃષ્ણાવતારમાં કાળયવનની આગળ ભાગ્યા તથા જરાસંઘની આગળ હાર્યા ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઇ વસ્યા ઇત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિષે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે જે, “जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ।।” એ શ્લોકનો એમ અર્થ છે જે, ‘હે અર્જુન ! મારા જન્મ ને કર્મ તે દિવ્ય છે, તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે.’ માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત ને અભક્ત બેયને દિવ્ય જણાય, પણ જ્યારે મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિષે જેને દિવ્યપણું જ જણાય પણ કોઈ રીતે ભગવાનનાં તે ચરિત્રમાં અભાવ આવે નહિ, એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય; અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. અને એ શ્લોકમાં કહ્યું જે ફળ તે આવા ભક્તને જ થાય છે. અને જેમ ગોપીઓ ભગવાનનાં ભક્ત હતા તે કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધો જ નહિ અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી, એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી શુકજીએ ભગવાનનું સમર્થપણું દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેઠે દિવ્ય જાણે પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહિ, એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે. અને એક બે જન્મને સુકૃતે કરીને એવી ભક્તિ ન આવે એ તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે, ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે. અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થકી અધિક છે અને જેના હૃદયને વિષે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિષે પ્રીતિમાં શું બાકી છે ? કાંઇ બાકી નથી.”

78. ગઢડા મધ્ય ૧૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક વાત કરીએ છીએ તે સર્વ સાંભળો, અને આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું, તે એકને વિષે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે. તે કહીએ છીએ જે, દેહને વિષે જે જીવ છે, તે એમ જાણે છે જે, ‘કામ-ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે, તે મારા જીવ સાથે જડાણી છે.’ એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિષે મુખ્ય હોય, તે પ્રકૃતિને યોગે કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઈત્યાદિક કુલક્ષણે યુક્ત માને છે. પણ જીવને વિષે તો એ એકે કુલક્ષણ છે નહિ. એ તો જીવે મૂર્ખાઈએ કરીને પોતાને વિષે માની લીધા છે. માટે જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કાંઈક પોતાને વિષે પુરુષાતન રાખવું પણ છેક નાદાર થઈને બેસવું નહિ; અને એમ વિચાર કરવો જે, ‘જેમ આ દેહમાં ચાર અંતઃકરણ છે, દશ ઇન્દ્રિયો છે, પંચ પ્રાણ છે, તેમ હું જીવાત્મા છું તે પણ આ દેહને વિષે છું, તે સર્વ થકી અધિક છું ને એ સર્વનો નિયંતા છું.’ પણ એમ ન માનવું જે, ‘હું તો તુચ્છ છું ને અંતઃકરણ, ઇન્દ્રિયો તો બળવાન છે.’ જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય, પછી એના ઘરનાં મનુષ્ય હોય, તે પણ તેનું વચન માને નહિ. પછી એ વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ માને નહિ. પછી દેશના મનુષ્ય એ વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ એનો હુકમ માને નહિ. પછી તે રાજા ગ્લાનિ પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ ઉપર હુકમ ચલાવે નહિ. તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરનાં મનુષ્યને ઠેકાણે અંતઃકરણ છે ને ગામના ને દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે. તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે ને પછી અંતઃકરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાને ઈચ્છે ત્યારે અંતઃકરણ એનું કહ્યું કરે નહિ અને ઇન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઇન્દ્રિયો પણ એને વશ રહે નહિ. પછી એ જીવ કાયાનગરને વિષે રાજા છે તો પણ રાંકની પેઠે ઓશિયાળો થઈ રહે છે. અને જ્યારે રાજા નાદાર થાય ત્યારે તેના નગરને વિષે મનુષ્ય હોય તે સાંઢ થઈને બેસે છે ને રાજાનું લેશમાત્ર ચાલવા દે નહિ; તેમ આ જીવના કાયાનગરને વિષે પણ જે કામાદિક રાજા નથી તે રાજા થઈને બેસે છે અને એ જીવનું લેશમાત્ર ચાલવા દેતા નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને એવું નાદારપણું રાખવું નહિ ને જે પ્રકારે પોતાનાં ઇન્દ્રિયો ને અંતઃકરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો. જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે, પણ રૈયતનો દબાવ્યો દબાય નહિ. અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને તેને મારવા જ માંડે, પછી પોતાનો દેશ હોય તે ઉજ્જડ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહિ તેણે કરીને પોતે દુઃખિયો થકો વર્તે; એવી રીતે રાજનીતિ જાણ્યા વિના બે વાતે બગાડ થાય છે, તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહિ.”

79. ગઢડા મધ્ય ૧૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “ કલ્યાણને ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ રાજનીતિ એમ ભણવી જે, પ્રથમ તો ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે જાણવું. પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્યવાર્તા હોય તે સાંભળવા દેવી નહિ. તેમ જ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે; અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે; અને રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે; અને નાસિકા તે ભગવાનનાં પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે, પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહિ. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિષે હુકમ કોઈ ફેરવે નહિ. અને એવી રીતે પુરુષપ્રયત્ને યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરુષપ્રયત્નરૂપ જે ઉપાય છે, તેને સાવધાન થઈને કરે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે, તે સર્વે પુરુષપ્રયત્નરૂપી સાધનને વિષે આવે છે; માટે પુરુષપ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે.”

80. ગઢડા મધ્ય ૧૩ ( para.3)

અને તે તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે; અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે, પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્ર ભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠાં છે; તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રકટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંઈ આસક્તિ રહે જ નહિ. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહિ, સહજે જીતાઈ જશે. અને એ જે એકરસ તેજ છે, તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ; અને એ પ્રકાશને વિષે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્ત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિકરૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિષે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિષે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે,

81. ગઢડા મધ્ય ૧૩ ( para.7)

અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે; અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધાન થાય છે, ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિષે પડી રહે છે. તે જેમ શ્રીકૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રુક્મિણીજી બળી મૂવા તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિષે બળી ગયો, એમ પણ થાય; અને ક્યારેક તો હાડમાંસ સહિત દિવ્યભાવ પામીને કાંઈ રહે નહિ, અંતર્ધાન થઈ જાય. અને જ્યારે પ્રકટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે ને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રકટ થઈ આવે છે, એમ એ ભગવાનના જન્મ ને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે, તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિષે નહિ થાય; ને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહિ. અને તમે એમ કહેશો જે, ‘અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે, તો પણ પ્રાણઇન્દ્રિયો કેમ લીન નથી થતા?” તો એ તો પરમેશ્વરની ઈચ્છાએ એમ રહ્યું છે, એમ સમજવું. પણ તેને કાંઈ કરવું રહ્યું નથી, એ તો કૃતાર્થ છે અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત્ જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાદ અને નિઃસ્નેહ, એમાં કાંઈક થોડી ઘણી કાચ્યપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહિ. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો.

82. ગઢડા મધ્ય ૧૩ ( para.8)

અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધકર્મને વશ થઈને જો કોઈક નીચ ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્રાસુરની પેઠે જ્ઞાન જાય નહિ તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહિ. એવું આ જ્ઞાનનું અતિશય માહાત્મ્ય છે. અને નારદ, સનકાદિક ને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. અને આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ. અને સદ્‌ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે, ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાના બુદ્ધિબળે કરીને સદ્‌ગ્રંથોમાંથી પણ સમજાતી નથી. અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજ્યામાં આવ્યું છે તેને જો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળને વિષે દૃષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહિ; અને કોઈકને વર કે શાપ દે નહિ અને કોઈ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા; અને કોઈ ઠેકાણે નિર્ભય રહે ને કોઈ ઠેકાણે બીવે પણ ખરા; પણ તેણે કરીને પોતે કાંઈ હર્ષ શોક મનમાં લાવે નહિ. અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહિ, પણ કદાચિત્ ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહિ. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. અને એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય; જુઓને, અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈકને વઢીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, તેનું એ જ પ્રયોજન છે જે, ‘કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારુ થાય.’ માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજ્યો અને ‘જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે,’ એમ જાણજ્યો અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજ્યો જે, ‘અક્ષરરૂપ જે તેજ તેને વિષે જે મૂર્તિ છે, તેને મહારાજ દેખે છે.’ એમ જાણશો તો પણ તમારે મારે વિષે હેત રહેશે, તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્યે નવી ને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશો મા. આજ છે તેવી જ કાલ નવી રાખજ્યો અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવી ને નવી રાખજ્યો. અને જે જે ભગવાનની વાત કરો તે તે વાતને વિષે આ વાતનું બીજ લાવજ્યો, એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે, દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી, તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હવા જે, ‘જે તેજને વિષે મૂર્તિ કહી તે જ આ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે.’

83. ગઢડા મધ્ય ૧૫ ( para.3)

પછી શ્રીજીમહારાજે વળી પ્રશ્ન કર્યો જે, “ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન અને માહાત્મ્યે સહિત પરમેશ્વરની ભક્તિ; એ ચાર વાનામાંથી કોઈ કાળે પડે નહિ એવો જે હોય, તેને શે લક્ષણે કરીને ઓળખવો ?” પછી સર્વે સંતે જેને જેવું સમજાણું તેણે તેવું કહ્યું પણ તે કોઈથી યથાર્થ કહેવાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે, કોઈની છાયામાં તો દબાય જ નહિ અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોઈએ હાંસી મશ્કરી થાય નહિ અને તેને કોઈએ હળવું વેણ પણ કહેવાય નહિ; એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહિ. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય, તો પણ તેને કલ્યાણનો ખપ હોય માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહિ.”

84. ગઢડા મધ્ય ૧૬ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એક તો અર્જુનની પેઠે જે સ્વરૂપનિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે જે ધર્મનિષ્ઠા; એ બે નિષ્ઠા છે, તેમાંથી જે સ્વરૂપનિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોળી પડી જાય છે અને જે ધર્મનિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપનિષ્ઠા મોળી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જે, જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોળી ન પડે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૃથ્વીનો ને ધર્મનો શ્રીમદ્‌ભાગવત ના પ્રથમ સ્કંધને વિષે સંવાદ છે, તેમાં એમ કહ્યું છે જે, ‘સત્ય શૌચાદિક જે કલ્યાણકારી એવા ઓગણચાળીશ ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે.’ માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે, તે સારૂ ભગવાનને ધર્મધુરંધર કહ્યા છે. અને વળી, શ્રીમદ્‌ભાગવત ના પ્રથમ સ્કંધને વિષે શૌનકાદિક ઋષિએ સૂત પુરાણીને પૂછ્યું છે જે, ‘ધર્મના બખતરરૂપ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અંતર્ધાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો?’ માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે. તે સારુ જે ભગવાનની મૂર્તિને વિષે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે, એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે સ્વરૂપનિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહજે જ રહે અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો સ્વરૂપનિષ્ઠા મોળી પડી જાય છે. તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપનિષ્ઠા જ દ્રઢ કરીને રાખવી, તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે.”

85. ગઢડા મધ્ય ૧૬ ( para.4)

પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે, “માંદાને તો કરીનો નિયમ હોય જે, આટલા દિવસ જ કરી રાખવી, તેમ કલ્યાણના સાધનનો પણ કોઈ નિયમ છે કે નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને શ્રદ્ધા મંદ હોય તેને તો ઘણેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. તે ભગવદ્‌ગીતામાં કહ્યું છે જે, ‘अनेकजन्म संसिद्धस्ततो याति परां गतिम् ।’ એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ‘અનેક જન્મે કરીને સંસિદ્ધ થયો જે યોગી તે જે તે પરમપદને પામે છે,’ એ મંદ શ્રદ્ધાવાળાનો પક્ષ છે. અને જેને બળવાન શ્રદ્ધા હોય તે તો તત્કાળ સિદ્ધ થાય છે, તે પણ ગીતામાં કહ્યું છે,

86. ગઢડા મધ્ય ૧૬ ( para.8)

પછી શ્રી ગુરુચરણરતાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જ્યારે મંદ શ્રદ્ધાવાળાનું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી તે ક્યાં રહેતો હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સુંદર દેવલોક હોય ત્યાં જઈને તે રહે છે. અને જ્યારે એ ભગવાનનું ધ્યાન કરતો ત્યારે એ ભક્ત ભગવાન સામું જોતો, ત્યારે ભગવાન પણ તે ભક્ત સામું જોતા. પછી ભગવાનનું ધ્યાન કરતા થકા જે જે વિષયનું એણે ચિંતવન કર્યું હતું અને જે જે વિષયમાં એ ભક્તને હેત હતું, તે ભગવાન સર્વે નજરે જોઈને અને એ દેહ મૂકે ત્યારે એને જેવા ભોગ વહાલા છે, તેવા ભોગ જે લોકમાં છે તે લોકમાં એ ભક્તને પહોંચાડે છે. અને કાળને એમ આજ્ઞા કરે છે જે, ‘એ ભક્તના ભોગને તું ખંડન કરીશ મા.’ માટે તે નિરંતર દેવલોકમાં રહ્યો થકો ભોગને ભોગવે છે. પછી મૃત્યુલોકમાં આવીને અનેક જન્મે કરીને મોક્ષને પામે છે.”

87. ગઢડા મધ્ય ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે, તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે ? તો ‘જેને પરમેશ્વરની ભક્તિ નહિ અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્તવત્સલ છે, પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહિ.’ તે એવા તો આ સંસારમાં બે મત છે- એક તો નાસ્તિકનો ને બીજો શુષ્ક વેદાંતીનો; એ બે અતિ કુસંગ છે. અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાળે છૂટકો થાય તથા બાળહત્યા, ગૌહત્યા, સ્ત્રીહત્યા, ઈત્યાદિક જે મોટા પાપ, તેના કરનારાનો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો; પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઈ કાળે છૂટકો થાય નહિ. શા માટે જે, એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે, ‘રામચંદ્રજી ને શ્રીકૃષ્ણભગવાન એ તો રાજા હતા અને શ્રીકૃષ્ણે દૈત્ય માર્યા તથા પરસ્ત્રીના સંગ કીધા; માટે ત્રીજા નરકમાં પડ્યા છે.’ એવી રીતે અધમઉદ્ધારણ ને પતિતપાવન એવા જે શ્રીકૃષ્ણભગવાન તેને વિષે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે, તે જ્યારે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રકટે ત્યારે તે ભગવાન થાય. એવી રીતે અનંત ભગવાન માન્યા છે, પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી; જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે. માટે એ મત છે, તે વેદથી વિરુદ્ધ છે.

88. ગઢડા મધ્ય ૧૮ ( para.4)

અને સાચા જ્ઞાની જે નારદ, સનકાદિક, શુકજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન, નામ રટન અને કીર્તન તેને કરે છે; અને શ્વેતદ્વીપને વિષે જે નિરન્નમુક્ત છે, તે તો બ્રહ્મસ્વરૂપ છે અને કાળના પણ કાળ છે, તે પણ પરમેશ્વરનું ધ્યાન, નામ રટન, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે અને પોતે અક્ષરસ્વરૂપ છે, તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે; અને બદરિકાશ્રમને વિષે જે ઉદ્ધવ ને તનુઋષિ આદિક મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને એ શુષ્ક વેદાંતી તો કેવળ દેહાભિમાની જીવ છે, તો પણ ભગવાનનું ધ્યાન, સ્મરણ કે વંદન કરતા નથી. અને નારદ સનકાદિક ને શુકજી તેમની જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે, તથા શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત તેને વિષે જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે, તથા બદરિકાશ્રમવાસી જે ઋષિ તેમા જેવી સામર્થી છે ને જ્ઞાન છે, તેના કોટિમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતીને વિષે સામર્થી પણ નથી ને જ્ઞાન પણ નથી, તો પણ પરમેશ્વરના સમોવડિયા થઈને બેઠા છે. માટે એ પાકા અજ્ઞાની છે અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે અને એ તો કોટિ કોટિ કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે, તો પણ એનો છૂટકો નહિ થાય. અને એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ છે. અને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતી તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતીનો સંગ કરવો જ નહિ.”

89. ગઢડા મધ્ય ૨૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે, તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે, તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે, કાં ભગવાનના સંતના ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તા હર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ, તેનું જેવું માહાત્મ્ય જાણે છે, તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈએ સમજવું બાકી રહ્યું નહિ. તે આ વાર્તા એકવાર કહ્યે સમજો અથવા લાખવાર કહ્યે સમજો; આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો; પણ એ વાત સમજે જ છૂટકો છે. અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું માહાત્મ્ય છે, તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહિ. જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ અને પરાશરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડયા, તો પણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત; તેનો પરોક્ષના જેવો જો માહાત્મ્યે યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડયા નહિ. માટે સર્વ શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે.”

90. ગઢડા મધ્ય ૨૨ ( para.3)

પછી શ્રીજીમહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી જે, “અમે અમદાવાદમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા, ત્યારે હજારો માણસનો મેળો ભરાયો હતો. પછી જ્યારે શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી અને અમદાવાદના બ્રાહ્મણો ચોરાશી જમી રહ્યા; પછી અમે સાબદા થઈને ચાલી નીસર્યા, તે જેતલપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો જે, ‘જેટલાં માણસ દેખ્યાં છે ને જેટલી પ્રવૃત્તિ દેખી છે, તેને ટાળી નાખવી.’ પછી તેને વિસાર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું, તેણે કરીને શરીરે પણ માંદા થઈ ગયા. પછી ત્યાં થકી ધોળકે જઈને રાત રહ્યા અને ધોળકાના ચાલ્યા એ ને એ વિચારમાં ગામ કોઠ્યને પાસે ગણેશ ધોળકાની રાણ્યોમાં જઈને રાત રહ્યા. તે વિચાર એવો કરવા માંડ્યો જે, દેહની સ્મૃતિ ન રહી. પછી વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિને વિસારી મેલી ને જેવા અમે કાંકરીએ તળાવ ઉતર્યા નહોતા ને મેળો પણ ભરાયો નહોતો ને ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો, તેવી રીતે સર્વ ઘાટ ટાળી નાખ્યા. અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતર્દૃષ્ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા અને દેવતા સંબંધી જે ભોગ છે, તે દેખાવા માંડ્યા ને અનંત પ્રકારના વિમાન ને અનંત પ્રકારની અપછરા ને અનંત પ્રકારના વસ્ત્ર ને અનંત પ્રકારના અલંકાર તે જેમ અહીં મૃત્યુલોકને વિષે છે, તેમ જ ત્યાં દેખાવા લાગ્યા; પણ અમારા અંતરમાં તો એક ભગવાન વિના બીજું કાંઈ ગમ્યું નહિ. ને જેમ અહીંના પંચવિષય તે અમને તુચ્છ ભાસ્યા ને તેમાં અમારું મન લોભાયુ નહિ, તેમ જ દેવલોક, બ્રહ્મલોક પર્યન્ત અમારું મન ક્યાંય લોભાયું નહિ; તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા જે, ‘તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા; કેમ જે, તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી.’ પછી તેમનાં વચન સાંભળીને અમારે હૈયાને વિષે સુધી હિંમત આવી. પછી અમે મનને કહ્યું જે, તારું જેવું રૂપ છે, તેવું હું જાણું છું. જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ ઘડ્યો તો તારા ભૂકા કરી નાંખીશ. તેમ જ બુદ્ધિને કહ્યું જે, ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે. તેમ જ ચિત્તને કહ્યું જે, ભગવાન વિના બીજું ચિંતવન કર્યું તો તારા પણ ભૂકા કરી નાંખીશ તેમ જ અહંકારને કહ્યું જે, ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાંખીશ. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી તેમ જ દેવલોક બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. અને જ્યારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો. એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું.” એમ શ્રીજીમહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું ને પોતે તો સાક્ષાત્ શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે.

91. ગઢડા મધ્ય ૨૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું, તે મન જીવ થકી જુદું ન દેખાયું; મન તો જીવની જ કોઈક કિરણ છે, પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું જે, જેમ ઉનાળામાં લૂક હોય તથા જેમ શિયાળામાં હિમ હોય, તેવું મનનું રૂપ દેખાયું. અને જેમ માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે; તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે, ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થાય છે અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લૂક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે, ત્યારે જીવને અતિશય દુઃખિયો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે; એ તે લૂક લાગીને મરે તેમ જાણવું. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે અને જીવને સુખિયો કરીને કલ્યાણના માર્ગથી પાડી નાખે છે; એ તે હિમાળાનો વા આવે ને મરે તેમ જાણવું. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહિ અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહિ, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. અને એવું મન થવું એ કાંઈ થોડી વાત નથી. અને મનનો તો કેવો સ્વભાવ છે? તો જેમ બાળક હોય તે સર્પને, અગ્નિને તથા ઉઘાડી તરવારને ઝાલવા જાય, તે જો ઝાલવા ન દઈએ તો પણ દુઃખી થાય અને જો ઝાલવા દઈએ તો પણ દુઃખી થાય; તેમ જો મનને વિષય ભોગવવા ન દઇએ તો પણ દુઃખી થાય ને જો ભોગવવા દઈએ તો પણ વિમુખ થઈને અતિશય દુઃખી થાય. માટે જેનું મન ભગવાનને વિષે આસક્ત થયું છે ને વિષયને યોગે કરીને ટાઢું-ઊનું થતું નથી તેને જ સાધુ જાણવા.”

92. ગઢડા મધ્ય ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાનાં સગાં વહાલા હોય તેનો પણ ત્યાગ કરવો. અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહિ; જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો. અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતામાં જ અવગુણ ભાસે. અને જે બીજામાં અવગુણ જુવે અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ; તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું. અને જો ભક્તિને વિષે સહાયરૂપ થતા હોય તો તો એ ઠીક છે, એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિષે પ્રેમ પણ અતિશય હતો, પણ જ્યારે પોતામાં ગુણ માન્યો અને શ્રીકૃષ્ણભગવાનને વિષે અવગુણ માન્યો, ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી શ્રીકૃષ્ણભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી. પછી શ્રીદામાનો શાપ થયો, તેણે કરીને ગોલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો; એવા મહા મોટા લાંછનને પામ્યા. અને શ્રીદામા હતો તેણે પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠ્યો તો રાધિકાનો શાપ પામીને દૈત્ય થવું પડ્યું. અને એ ધામમાંથી તો પડવાની રીત નથી ને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી, તો પણ ભગવાને એમ જણાવ્યું જે, ‘રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય, તો બીજાની શી ગણતી?’ માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો. એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય અને તે વિના તો ઝાઝી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હઠતો જાય અને અંતે જાતાં નિશ્ચય વિમુખ થાય. અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે જે, જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવળું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે અને જેને શિખામણની વાત કહે ને અવળું લે, તો તે ઉપર હેત થતું નથી; તેમ જ ભગવાનની પણ રીત છે જે, જેને શિખામણની વાત કહે ને સવળું લે, તો તે ઉપર હેત થાય છે પણ જે અવળું લે તે ઉપર થતું નથી.”

93. ગઢડા મધ્ય ૨૭ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પ્રથમ આવરણ થઈ જાય એવી કાચ્યપ રહે છે, તે શાને યોગે રહે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશકાળાદિક જે આઠ છે, તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે, તેવું જ એક એકમાં છે. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત-દુષ્કૃત થાય તો વેદ, શાસ્ત્ર ને પુરાણ તેને વિષે વિધિનિષેધના ભેદ કહ્યા છે જે, ‘આ કરવું ને આ ન કરવું’ તે સર્વ ખોટું થઈ જાય; તે એ મોટાના કરેલાં શાસ્ત્ર તો ખોટા થાય જ નહિ. અને જય વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ, કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહ્લાદને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહિ અને જો સનકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય, જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે. અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહિ અને જો કોઈ ઉપર મલિન ઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઈ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુઃખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે, ‘ભગવાન સર્વાંતર્યામી છે, તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે. માટે જેને અમે દુઃખવ્યો તેના જ અંતરમાં વિરાજમાન હશે, ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો.’ એમ જાણીને તેને પગે લાગીને તેને કાંઈક જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ અને વળી અમે વિચારીને જોયું જે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહિ; ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે, તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવના કલ્યાણ થશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખ્યે પણ કેમ ઠીક પડે ? એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યા જોઈએ, તુલસી લાવ્યા જોઈએ, ભાજીતરકારી લાવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ. માટે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મૂઠી વાળીને બેસી રહે, તેણે ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિએ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય, એટલે પછવાડેથી અંધપરંપરા ચાલે. તે સારુ અમે મંદિર કરાવ્યા છે; તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારુ કરાવ્યા છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહિ. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી, એ અમારો સિદ્ધાંત છે.”

94. ગઢડા મધ્ય ૨૮ ( para.3)

અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે, તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. અને જેનું રૂડું થાય છે, તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે અને જેનું ભૂંડું થાય છે, તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે, ‘ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારુ નથી જાણતો.’ અને સર્વ શાસ્ત્રનું પણ એ જ સાર છે જે, ‘ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું.’ અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. અને જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે, ને ભગવાનનો રાજીપો છે, ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે; કેમ જે, જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે, તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા છે, તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારુ જન્મોજન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે, તેમ જ તમારે પણ નિશ્ચય કરવો.” પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું જે, “હે મહારાજ ! અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે.” એમ કહીને સર્વે હરિભક્ત વિનતિએ સહિત શ્રીજીમહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે ? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દમાત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે, તે સર્વેને આ વાર્તા છે, તે જીવનદોરી રૂપ છે.”

95. ગઢડા મધ્ય ૩૨ ( para.3)

અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મસ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે; ને એણે કરીને જ એ જીવ છે, તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે. અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ તે તો ભગવાનની ભક્તિનાં સહાયરૂપ ઉપકરણ છે, પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી. અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તોપણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે, એટલો ધર્માદિક થકી ભક્તિને વિષે વિશેષ છે. તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિષે કોઈ વિઘ્ન થતું નથી અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાદિકે કરીને ભક્તિને વિષે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી. અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ જો ભૂંડા દેશ, કાળ, ક્રિયા ને સંગ છે, તેને વિષે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય, તેનું પણ અંતર ડોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે. માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ, રૂડી ક્રિયા તેને વિષે સદા પ્રવર્તવું, પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો જ નહિ.”

96. ગઢડા મધ્ય ૩૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો, પ્રશ્ન-ઉત્તર કરીએ તો આળસ મટે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું જે, આ જીવને વિષે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ આદિક ચોવિશ તત્ત્વ તે રહ્યા છે, તે એ તત્ત્વ જડ છે કે ચૈતન્ય છે ?” પછી પરમહંસે કહ્યું જે, “એ તત્ત્વ ચૈતન્ય તો ખરા.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે એ તત્ત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિષે જીવ છે, તે ભેળા ચોવિશ તત્ત્વના પણ ચોવિશ જીવ થયા. ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે ને જે પાપ કરશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે. ત્યારે સુખ-દુઃખનું જે ભોક્તાપણું, તે એક જીવને વિષે જ નહિ કહેવાય અને સંચિત, પ્રારબ્ધ ને ક્રિયમાણ એ ત્રણ પ્રકારના જે કર્મ તે પણ એક જીવને જ નહિ કહેવાય. અને નારદાદિક જે પૂર્વે મુક્ત થયા છે, તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે, પણ તે ભેળા ચોવિશ તત્ત્વના જીવ તો મુક્ત થયા કહ્યા નથી.” એવી રીતે આશંકા કરીને તત્ત્વને નિર્જીવ કરી દેખાડ્યા. પછી તેમાં જે જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા. તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એનો ઉત્તર અમે કરીએ જે, એ તત્ત્વ જે તે કાર્ય-કારણ ભેદે કરીને બે પ્રકારના છે; તેમાં કારણરૂપ જે તત્ત્વ છે, તે ચૈતન્ય છે ને કાર્યરૂપ જે તત્ત્વ છે, તે જડ છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિષે રહ્યો છે ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણમાં તદાત્મકપણે મળ્યો છે; તેણે કરીને એ દેહાદિક ચૈતન્ય જેવા જણાય છે, પણ એ તો જડ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે જડ એવા જે તત્ત્વ તે પડ્યા રહે છે. અને એ ચોવિશ તત્ત્વ છે, તે માયામાંથી થયા છે; માટે માયારૂપ છે ને જડ છે. અને દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણરૂપે જુદા જુદા જણાય છે, તે તો જેમ એક પૃથ્વી છે તે જ ત્વચા, માંસ, મજ્જા, અસ્થિ ને સ્નાયુ એ પાંચ રૂપે થઈ છે ને કાચરૂપે પણ કરનારાની કીંમતે થઈ છે, તેમ એ માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને એ દેહાદિક રૂપ જુદે જુદે પ્રકારે જણાય છે.”

97. ગઢડા મધ્ય ૩૫ ( para.2)

પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા જે, “આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહિ. ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે. ને તે વિચાર કરીને જે નિર્ધાર કર્યો છે, તે કહું છું જે, હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત્ દેખતો ને હમણે પણ દેખું છું. તે આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે. ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિષે મને આત્માનું ક્ષણમાત્ર પણ વિસ્મરણ થતું નથી. પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે; એવું આત્મદર્શન તો પૂર્વના ઘણાક જન્મના સત્સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને થાય છે અને બીજો તો એ આત્માનો વિચાર સો વર્ષ પર્યન્ત કરે તો પણ આત્માનું દર્શન થાય નહિ. એ તો ક્યારે થાય ? તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી; અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે, એવી તો આશા કોઈને રાખવી નહિ. અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનનાં ચરિત્ર ગાવવા-સાંભળવા ને ભગવાનનું નામસ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એ તો જેમ વા’ણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે. અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું, તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ, તેમાં તો એટલું જ પ્રયોજન છે જે, ‘જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિષે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિષે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિષે કોઈ વિધ્ન ન થાય.’ એટલું જ પ્રયોજન છે, પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય, એમ તો માનવું નહિ.

98. ગઢડા મધ્ય ૩૫ ( para.3)

અને વળી જગતમાં એમ વાર્તા છે જે, ‘મન હોય ચંગા તો કથરોટમાં ગંગા,’ એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહિ અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહિ. અને એવી રીતે સ્ત્રી-પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહિ. તે આ વાર્તા તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય રાખવો નહિ. તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય ? તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કહ્યા છે તેમાં રહે, તો એણે ધર્મમાં રહેવાય. અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં વર્તે, તો એણે ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં રહે ને યુવા અવસ્થાવાળી જે પોતાની મા, બોન ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દૃષ્ટિ માંડીને ન જુવે, તો એણે ધર્મમાં રહેવાય. એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામસ્મરણ કરવું, એ ચાર વાનાં જ જીવના અતિશય કલ્યાણને અર્થે છે. અને આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો, તે અમે જ્યાં જ્યાં ઉત્સવ-સમૈયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ, બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી, બાઈ-ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગવરાવ્યાં હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર - લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતવન કરવું. અને જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામસ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને ધારી, ત્યારે દેહમાં જે મંદવાડનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ. પણ એ ઘણાય આત્માને દેખતા હતા, તોય પણ તેણે કરીને કાંઈ સિદ્ધિ થઈ નહિ. અને વળી પરોક્ષ જે શ્રીકૃષ્ણ - રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમનાં જે ચરિત્ર તે જ્યાં જ્યાં કહ્યા હોય તેને પણ સાંભળવા અને ગાવવા. અને એ ચાર વાનાંની દ્રઢતા થાય તેને અર્થે અમેશ્રીમદ્‌ભાગવતઆદિક આઠ ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે; માટે એ ગ્રંથને સાંભળવા ને ભણવા ને એ ચાર વાનાંની જ વાર્તા કરવી.

99. ગઢડા મધ્ય ૩૫ ( para.4)

અને વળી ભગવાનની મૂર્તિની ઉપાસના ને ભગવાનનાં ચરિત્ર ને ભગવાનનું નામસ્મરણ; એ ત્રણ વાનાં વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે. અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનનાં ચરિત્રને ગાતો-સાંભળતો હોય ને ભગવાનનું નામસ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવાને ઈચ્છે એવો જાણવો ને તેને ચંડાળ જેવો જાણવો. માટે એ ચાર વાનાંએ કરીને જ જીવનું કલ્યાણ જરૂર થાય છે, પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જે, જેણે કરીને કલ્યાણ થાય. અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુના જે કાવ્ય-કીર્તન તે ગાવવા ને સાંભળવા તથા ભગવાનના અવતાર-ચરિત્રે યુક્ત એવા કાવ્ય-કીર્તન બીજા કવિના હોય તો તેને પણ ગાવવા ને સાંભળવા; પણ કબીર ને અખાનાં જે કાવ્ય કીર્તન હોય તથા એ જેવા જેના જેના કાવ્ય-કીર્તન હોય તેને ગાવવા નહિ ને સાંભળવા પણ નહિ. અને તમારે સર્વેને મારે વિષે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં, તો જેમ સર્વેને કૂવામાં નાંખીને ઉપરથી પાણાની શિલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહિ, તેમ તમે પણ મારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચઢી જાઓ તો એમાં મારું શું સારુ થાય ? માટે આ વાર્તા તમારા કલ્યાણની છે, તે મેં તમને હેતે કરીને કહી છે, તે સારુ તમો સર્વે હવે આવી જ રીતે સમજીને દ્રઢપણે વર્તજ્યો.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો તમે સર્વે આ અમે વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક એક આવીને મારે પગે અડીને સમ ખાઓ ને એવી પ્રતિજ્ઞા કરો જે, ‘અમારે દ્રઢ પણે એમ જ વર્તવું છે.” પછી સર્વે પરમહંસ તથા સત્સંગી રાજી થકા ઊઠીને શ્રીજીમહારાજના ચરણકમળનો સ્પર્શ કરીને નમસ્કાર કરીને પાછા બેઠા. પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું, ત્યારે બાઈઓએ પણ છેટે ઊભી રહીને એમ વર્તવાનો નિશ્ચય કરીને સમ ખાધા. પછી શ્રીજીમહારાજ પ્રસન્ન થકા પોતાને ઉતારે પધાર્યા.

100. ગઢડા મધ્ય ૪૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા જે, “જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી; તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારુ ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે, ‘જેમાં પોતાને માન જડે તે જ કરવું સારુ લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ.’ અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે, ‘મારા જ મોઢાનું લોહી છે, તેમાં હું સ્વાદ માનું છું.’ તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે જે સાધન કરે છે, તે માનને વશ થઈને કરે છે; પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી અને ભગવાનની ભક્તિ કરે છે, તેમાં પણ માનનો સ્વાદ આવે છે, ત્યારે કરે છે; પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મીયાંજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી.” પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી જે, ‘कनक तज्यो कामिनी तज्यो, तज्यो धातुको संग । तुलसी लघु भोजन करी, जीवे मानके रंग ।।’ એ સાખીને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે, તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો.”

101. ગઢડા મધ્ય ૫૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે, ‘અષ્ટાંગયોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થઉં છું;’ એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતા સત્સંગ અધિક થયો. તે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય ?” પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ છે. જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે ને મૂછો તાણે તો પણ અભાવ આવે નહિ અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહિ; શા માટે જે, એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધિ થઈ ગઈ છે; એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે, તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે, “यस्यात्मबुद्धिः कुणपे त्रिधातुके स्वधीः कलत्रादिषु भौम इज्यधीः । यत्तीर्थबुद्धिः सलिले न कर्हिचिज्जनेष्वभिज्ञेषु स एव गोखरः ।।” એ શ્લોકને વિષે એ વાર્તા યથાર્થ કહી છે.”

102. ગઢડા મધ્ય ૫૭ ( para.4)

અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિષે પ્રીતિ કરે છે, તે તો અતિશય તુચ્છ બુદ્ધિવાળો છે. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે; તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિષે સુખને માનીને તુચ્છ પદાર્થને વિષે પ્રીતિને કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય, ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય, તે તો કેવળ મિનડીયો ભક્ત છે; અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહિ. અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે, ‘શૂરવીર હોય તે લડવા સમે શત્રુ સન્મુખ ચાલે પણ બીવે નહિ, તે શૂરવીર સાચો. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો અને ગાંઠે ધન હોય ને તે ખરચ્યા-વાવર્યામાં કામ ન આવ્યું, તે વૃથા છે; તેમ મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું ?’ એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે કાંઈક થોડી-ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહિ.” એમ કહીને શ્રીજીમહારાજે તુલસીદાસજીનાં ત્રણ પદ ગવરાવ્યાં. તે ત્રણ પદનાં નામ : એક તો ‘જ્યાકિ લગન રામ સોં નાહિં’ તથા બીજું ‘એહી કહ્યો સુનુ વેદ ચહું’ તથા ત્રીજું ‘જ્યાકું પ્રિય ન રામ વૈદેહી’ એ ત્રણ પદ ગવરાવીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે. તે કરતા કરતા જો કાંઈક અધુરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તો પણ મરીને નરકચોરાશીમાં જવું નથી કે કોઈ ભૂત-પ્રેત થવું નથી; સૂધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો પણ ઈન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે, પણ એથી ઉતરતો નહિ આવે. માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું.” એમ કહીને શ્રીજીમહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા તે ભેળે જમવા પધાર્યા.

103. ગઢડા મધ્ય ૫૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ચાર વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે, ‘ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે.’ અને ભગવાનના જે સાધુ છે, તે તો ભવ-બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું, જેવું હેત સ્ત્રી ઉપર છે, કે પુત્ર ઉપર છે, કે માબાપ ને ભાઈ ઉપર છે, તેવું હેત રાખવું; તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અને પોતાનાં જે સ્ત્રી-પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળાં હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી; અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેણે લગારેક કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહિ. એવી જેની વૃત્તિ છે, તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે, તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહિ. ત્યારે એનું કલ્યાણ પણ થાય નહિ. અને સંતનો મહિમા તો પ્રથમ કહ્યો એવો મોટો છે. તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે, ‘મારું કલ્યાણ થશે કે નહિ થાય ?’ તેનું શું કારણ છે ? તો એ જીવને પૂર્વજન્મને વિષે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી, ને તેમની સેવા પણ તેણે કરી નથી; એને તો આ જન્મમાં જ નવો આદર છે, તે આગલ્યા જન્મમાં ફળશે. અને જેને પૂર્વ જન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે, તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહિ અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહિ; અને કામ, ક્રોધ, લોભ સંબંધી ઘાટ તો કદાચિત્ રહે પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહિ, તે કોઈકને વચને કરીને ન મટે એમાં શું કહેવું ? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે, તો પણ ડગમગાટ થાય નહિ. અને તેની દ્રઢતા તો જેવી નાથભક્તની છે, કે જેવી વિષ્ણુદાસની હતી, કે જેવી હિમરાજ શાહની હતી, કે જેવી કાશીદાસને છે, કે જેવી ભાલચંદ્ર શેઠને હતી, કે જેવી દામોદરને છે; એવી દ્રઢતા હોય ત્યારે જાણવું જે, આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે.”

104. ગઢડા મધ્ય ૬૦ ( para.3)

અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાંખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય, તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે, ‘તેના બ્રહ્મહત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે;’ એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસમું લાગે અને તેની વૈરભાવે આંટી પડી જાય તે જીવે ત્યાં સુધી ટળે નહિ, એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મે યુક્ત હોય, ત્યાગે યુક્ત હોય, તપે યુક્ત હોય તે સર્વે વૃથા છે; અને બીજા પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહિ. અને આ સંસારને વિષે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે તે વેશ્યા સરખી ભૂંડી કહેવાય; તેમ આ સંસારને વિષે જે એવો પુરુષ હોય જે, ‘આપણે તો બધાય સાધુ સરખા છે, કેને સારો-નરસો કહીએ ?’ તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જે પુરુષ એમ જાણે જે, ‘આપણ કાંઈક અવળું-સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે;’ એવી રીતે પોતાની સારપ્ય રાખ્યા સારુ ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈક ઘસાતું બોલે ને તેને સાંભળી રહે, તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જેવા પોતાનાં સગાં વહાલા હોય અથવા માબાપ હોય તેનો પક્ષ રહે છે, તેવો ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખવો. અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય, પણ આંટી રાખે નહિ; તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “હું તો દત્તાત્રેય, જડભરત, નારદ અને શુકજી તે સરખો દયાવાળો છું. અને પૂર્વદેશમાં એક સમે નાગડા વેરાગીની જમાત ભેળો હતો. તે મને સર્વે વેરાગીએ કહ્યું જે, ‘તાંદળજાની લીલી ભાજી તોડો.’ ત્યારે મેં કહ્યું જે, ‘એમાં તો જીવ છે, તે અમે નહિ તોડીએ.’ પછી એક જણે તરવાર ઉઘાડી કરીને ડારો કર્યો, તો પણ અમે લીલી ભાજી ન તોડી, એવો અમારો દયાવાળો સ્વભાવ છે; તો પણ જો કોઈક ભગવાનના ભક્તને ક્રૂર દૃષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગો વહાલો હોય તોય પણ જાણીએ જે, ‘તેની આંખ ફોડી નાંખીએ અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુઃખવે તો તે હાથને કાપી નાંખીએ;’ એવો તેનો અભાવ આવે છે, પણ ત્યાં દયા નથી રહેતી. અને એવો જેને ભગવાનનો ને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય.”

105. ગઢડા મધ્ય ૬૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી, તેમને બોલાવીને કહ્યું જે, “તમે અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ અયોધ્યાપ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સંસારને વિષે એવો પુરુષ હોય જે, આઠો પહોર તો સંસારની વિટંબણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય-અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય, અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય, ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે. એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમે એ ભજનના કરનારાના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય, તે એવી રીતે એક ઘડી કે અર્ધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ને ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ તે એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય. એનો એ જ ઉત્તર છે.”

106. ગઢડા મધ્ય ૬૨ ( para.3)

પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. એનો એ જ ઉત્તર છે.”

107. ગઢડા મધ્ય ૬૨ ( para.4)

એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા હવા જે, “અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે, જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે શુકજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું. એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરી રાખીએ છીએ અને એ ત્રણ અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ ત્રણ અંગવાળાનાં જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે, એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ત્રણ ગુણ, પંચવિષય એ આદિક જે માયાનું ટોળું તે છે. અને એ બેના મધ્યને વિષે જે વિચાર રહે, તે વિચાર જ્ઞાનસ્વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિષે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે, તેમ સ્થિર થઈને રહે છે. ને તે વિચાર દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; એમને આત્મા સંગાથે એક થવા દેતો નથી અને તે વિચાર પણ આત્મા સંગાથે એક થતો નથી. અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે. અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય, ત્યારે વરતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે. ને પછી આ ગઢડા જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે. અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે. ને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે, તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે. ને પછી ઇન્દ્રિયોની ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિષે લીન થઈ જાય છે, ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. અને એ વિચાર છે, તે જ્યારે આ જીવ સંગાથે મળે છે, ત્યારે તે જીવના હૃદયને વિષે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે ને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે. અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે, ‘હું આત્મા છું અને મારે વિષે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે.’ અને એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે.

108. ગઢડા મધ્ય ૬૪ ( para.3)

પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે, તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય ? જે આટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખડો કરે છે ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન શ્રીકૃષ્ણપુરુષોત્તમ છે, તે તો રાજાધિરાજ છે અને અખંડમૂર્તિ છે અને પોતાનું અક્ષરધામરૂપી જે તખત તેને વિષે સદા વિરાજમાન છે. અને તે અક્ષરધામને આશ્રિત અનંતકોટિ બ્રહ્માંડ રહ્યા છે. તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડાં હોય, તેમાંથી એક-બે ગામ ઉજ્જડ થયા હોય અથવા વસ્યાં હોય પણ તે તો તે રાજાની ગણતીમાં પણ ન હોય; તેમ શ્રીકૃષ્ણભગવાન તે અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે, તે બ્રહ્માંડોનો કાંઈ એક સામટો પ્રલય થતો નથી અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી. અને તે શ્રીકૃષ્ણભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથન માત્ર છે અને એ શ્રીકૃષ્ણ તો સદા અજન્મા છે. અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ છે, તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે અને વ્યતિરેકપણે તો ચાર ભૂત થકી પર છે, તેમ જ શ્રીકૃષ્ણભગવાનનું અક્ષરધામ છે. અને તે ધામને વિષે ભગવાન અખંડ વિરાજમાન રહે છે. અને તે ધામમાં રહ્યા થકા અનંતકોટિ જે બ્રહ્માંડ છે તેને વિષે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈક સિદ્ધપુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાઉ દેખે ને હજારો ગાઉની વાર્તાને સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે જ્યાં જેમ જણાવું ઘટે ત્યાં તેમ જણાય છે અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે. અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે, તે તો પોતાની યોગકળા છે. જેમ રાસમંડળને વિષે જેટલી ગોપીઓ તેટલા જ પોતે થયા. માટે એક ઠેકાણે રહ્યાં થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું યોગકળાએ કરીને વ્યાપકપણું છે; પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી. અને જે ભગવાનની યોગમાયાએ કરી પચાસ કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે, તે પ્રલય કાળને વિષે પરમાણુરૂપ થઈ જાય છે અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિષે પરમાણુમાંથી પચાસ કરોડ યોજન થાય છે. અને ચોમાસું આવે છે ત્યારે ગાજ-વીજ ને મેઘની ઘટા થઈ આવે છે. એ આદિક સર્વે આશ્ચર્ય તે ભગવાનની યોગમાયાએ કરીને થાય છે.

109. ગઢડા મધ્ય ૬૪ ( para.4)

એવા જે શ્રીકૃષ્ણભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે જે, બીજા અવતારને વિષે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે અને શ્રીકૃષ્ણભગવાનને વિષે તો સર્વે કળાઓ છે. માટે એ શ્રીકૃષ્ણભગવાન તો રસિક પણ છે, ને ત્યાગી પણ છે, ને જ્ઞાની પણ છે, ને રાજાધિરાજ પણ છે, ને કાયર પણ છે, ને શૂરવીર પણ છે, ને અતિશય કૃપાળુ પણ છે, ને યોગકળાને વિષે પ્રવીણ છે, ને અતિશય બળિયા પણ છે, ને અતિશય છળિયા પણ છે, માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રીકૃષ્ણભગવાન જ છે. અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંતકોટિ બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની સો વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય, તેણે કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી. માટે પ્રલયકાળમાં શા સારુ કલ્યાણ કર્યું જોઈએ ? સર્વે બ્રહ્માંડ વસે જ છે તો ! એવી રીતે એ પ્રશ્નનું સમાધાન છે.” એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજીમહારાજે કરી. તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે, એ જ જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે.

110. ગઢડા મધ્ય ૬૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, ભગવાનની વાર્તા કરીએ.” ત્યારે તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે, તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિઃશંક વર્તે છે. અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઈને આ સંસારને વિષે જે અખતરડાહ્યા મનુષ્ય છે તે પરમેશ્વરને વિષે દોષ પરઠે છે અને એમ જાણે જે, ‘ આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતા પણ વધુ સંસારને વિષે આસક્તિ છે.’ એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી; એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિષે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી, તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણભગવાન, તેને માયા ને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં તે શું કહેવું ? એ તો રહેવાય જ. અને આત્મનિષ્ઠાવાળા જે સંત, તેને આત્મનિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બેય હોય તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય, પણ જો તેને ભગવાનને વિષે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારાં થઈ જાય છે, તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન છે તથા વૈરાગ્ય છે, તે તો નકારું જ છે ને સદા અ કલ્યાણકારી જ છે. એમ જાણીને શુકદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ્ ભાગવતને ભણતા હવા અને શ્રીકૃષ્ણભગવાનને વિષે દ્રઢ ભક્તિને કરતા હવા. માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિષે ભક્તિ ન હોય તો એ એને મોટું દૂષણ છે. અને જેને ભગવાનને વિષે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય, તો જેવી ભગવાનને વિષે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિષે પણ પ્રીતિ થઈ જાય. માટે એ ભક્તિમાર્ગવાળાને પણ મોટું દૂષણ છે. અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે; માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાણું છે, તે સારુ કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ભગવાનને વિષે ભક્તિ; એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય.”

111. ગઢડા મધ્ય ૬૬ ( para.3)

એમ કહીને પછી શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા હવા જે, “ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણાક સાધને કરીને ભગવાન પમાય છે ? ત્યારે તમે એમ કહેશો જે, ‘જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ એ ચાર સાધને કરીને પમાય છે.’ તે જ્યારે એ ચાર સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે એક ભગવાનના આશ્રયે કરીને જ કલ્યાણ થાય એવા અનન્યભાવનો નિર્ધાર રહ્યો નહિ.” પછી નિત્યાનંદ સ્વામીએ બહુ પ્રકારે ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ કલ્યાણ તો એક ભગવાનના આશ્રયે કરીને જ છે. પણ ભગવાન છે, તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેવ પાળે છે તથા કાળ-માયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ, તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને એ ભગવાનની આજ્ઞા છે, તે દ્રઢ કરીને માનવી; એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. તે સારુ સાધન સર્વે અતિ દ્રઢ કરીને રાખવા. એટલે એક ભગવાન વતે જ કલ્યાણ છે. અને એ સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે; એ જ એ પ્રશ્નનો ઉત્તર છે.”

112. ગઢડા મધ્ય ૬૬ ( para.4)

પછી શ્રીજીમહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછતા હવા જે, “આ દેહને વિષે જીવ છે, તે સાકાર છે કે નિરાકાર છે ?” પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “જીવ તો સાકાર છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “જો જીવ સાકાર હોય તો તે કર-ચરણાદિકે યુક્ત થયો; ત્યારે દશમસ્કંધને વિષે વેદસ્તુતિના અધ્યાયમાં એમ કહ્યું છે જે, ‘ભગવાન જે તે જીવના કલ્યાણને અર્થે તે જીવના બુદ્ધિ, ઇન્દ્રિય, મન ને પ્રાણ, તેને સૃજતા હવા.’ તે જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ સૃજ્યાનું શું કામ છે ? માટે એવી રીતના શાસ્ત્રના વચનને જોતા એમ જ નિર્ધાર થાય છે જે, જીવ જે તે સ્વરૂપ-સ્વભાવે કરીને તો સત્તામાત્ર છે ને ચૈતન્ય વસ્તુ છે અને અનાદિ અજ્ઞાનરૂપ એવું જે કારણ શરીર તેણે યુક્ત છે. અને જેમ ચમકપાણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોટી રહે છે, તેમ એ જીવનો પણ ચોટવાનો સ્વભાવ છે, તે માયિક એવા જે સ્થૂળ ને સૂક્ષ્મ એ બે શરીર, તે સાથે ચોટે છે અને એ જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિષે પોતાપણું માને છે, પણ વસ્તુગતે તો એ જીવ શરીર જેવો નથી.”

113. ગઢડા મધ્ય ૬૭ ( para.2)

તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ જે, ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં શો અંતરાય રહે છે, જેણે કરીને સ્વામી-સેવકપણાનો નાતો રહે છે ? કેમ જે, એ ભગવાનનો ભક્ત છે, તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે ને કાળ, કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે, તેવો જ થાય છે. માટે એમાં શો ભેદ રહે છે, જેણે કરીને સ્વામી-સેવકપણું રહે છે ? એ પ્રશ્ન છે.” પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે સંતે કહ્યું જે, “હે મહારાજ ! તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એમ છે જે, ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય જે, ભગવાન આટલી સામર્થીએ યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખસ્વરૂપ છે; એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થી તે એ ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થી અને ભગવાનનું સુંદરપણું ઈત્યાદિક જે પ્રતાપ, તે એ ભક્તને ભગવાનને વિષે અતિશય જણાય છે; ત્યારે એ ભક્ત એમ જાણે છે જે, ‘મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય ને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે, તો પણ ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય-અપાર દેખાય છે.’ માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે જે, ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ ને સામર્થી તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ; એ પામતા નથી અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થીએ કરીને અપાર છે. અને એ ભગવાનને ભજીને અનંતકોટિ વૈષ્ણવ ભગવાન સરખા થયા છે, તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય, તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે જે, તે સમુદ્ર તો અગાધ છે, તેમ જ ભગવાનનો મહિમા પણ અતિશય-અપાર છે; માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારુ જે જે ભગવાનના ભક્ત બ્રહ્મસ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દૃઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, તો પણ સ્વામી-સેવકપણું રહે છે; એ જ એ પ્રશ્નનો ઉત્તર છે.”

114. વરતાલ ૧ ( para.6)

પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, “મનમાં સંકલ્પ-વિકલ્પ ટાળવાનો ઉપાય કરે અને જો મનને ન જીતી શકે, તો તેની શી ગતિ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કૌરવને ને પાંડવને યુદ્ધ કરવાનો પ્રારંભ થયો ત્યારે કૌરવ ને પાંડવે વિચાર્યુ જે, ‘આપણે એવે ઠેકાણે યુદ્ધ કરીએ જે, તે યુદ્ધમાં જે કોઈ મરે તો પણ તેના જીવનું રૂડું થાય.’ એવું વિચારીને કુરુક્ષેત્રને વિષે યુદ્ધ કર્યું. પછી જીત્યા તેનું પણ સારુ થયું ને એ સંગ્રામમાં મરાયા તેને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ ને રાજ્ય થકી પણ અધિક સુખને પામ્યા. તેમ જે મન સાથે લડાઈ આદરે અને જો મનને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય, અને જો મન આગળ હારે તો પણ યોગભ્રષ્ટ થાય. તે પછી એક જન્મે અથવા બે જન્મે અથવા ઘણે જન્મે પણ અંત્યે જાતો એ એકાંતિક ભક્ત થાય, પણ એણે દાખડો કર્યો તે છૂટી ન પડે. માટે બુદ્ધિવાન હોય તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વૈર બાંધવું. પછી એ મનને જીતશે તો પણ સારુ છે ને એ મનથી હારશે તો પણ યોગભ્રષ્ટ થશે; તેમાં અંત્યે જાતાં સારુ છે. તે માટે જે કલ્યાણને ઈચ્છે તેને તો મન સાથે જરૂર વૈર બાંધવું.”

115. વરતાલ ૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભક્તિમાર્ગને વિષે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન તે કયું છે જે, એક સાધનને કર્યા થકી જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિષે આવી જાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ત્રીશ લક્ષણે યુક્ત એવા જે સંત, તેનો જે સંગ, તે મન-કર્મ-વચને કરીને રાખે, તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે.”

116. વરતાલ ૬ ( para.2)

પછી ચીમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવ જ્યારે પ્રથમ પ્રલયકાળે કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે લીન હતા, પછી સૃષ્ટિસમયને વિષે એ જીવોને સ્થૂળ, સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિકરૂપ જે વિચિત્રપણું થયું, તે કર્મે કરીને થયું ? અથવા ભગવાનની ઈચ્છાએ કરીને થયું ? અને જો કર્મે કરીને થયું, એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું, એમ કહીએ તો ભગવાનને વિષે વિષમપણું ને નિર્દયપણું આવે; માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ન તમને પૂછતા આવડયો નહિ. કેમજે, જે કારણ શરીર છે તેને વિષે સ્થૂળ, સૂક્ષ્મ એ જે બે દેહ, તે બીજવૃક્ષન્યાયે કરીને રહ્યા છે, માટે એને કારણ શરીર કહે છે. અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે ને અનાદિ છે ને સંચિત કર્મે યુક્ત છે. અને જેમ બીજને ફોતરાને નિત્ય સંબંધ છે અને ભૂમિને ને ગંધને જેમ નિત્ય સંબંધ છે, તેમ જીવને ને કારણ શરીરને નિત્ય સંબંધ છે અને જેમ પૃથ્વીને વિષે બીજ રહ્યાં છે. તે વર્ષાકાળે જળના યોગને પામીને ઊગી નીસરે છે, તેમ માયાને વિષે કારણ શરીરે યુક્ત થકા રહ્યા એવા જે જીવ, તે ઉત્પત્તિકાળને વિષે ફળપ્રદાતા એવા જે પરમેશ્વર, તેની દૃષ્ટિને પામીને પોતપોતાનાં કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. અને નાસ્તિક એવા જે જૈન છે તે તો કેવળ કર્મને જ કર્તા કહે છે, પણ પરમેશ્વરને કર્મફળપ્રદાતા નથી કહેતા. તે નાસ્તિકનો મત ખોટો છે. માટે એકલું કાળનું જ બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું કર્મનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, એ તો જે સમે જેનું પ્રધાનપણું હોય તે સમે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય, પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહિ. કેમ જે, જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સત્યયુગ, તેને વિષે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા અને સર્વે બ્રાહ્મણ હતા અને મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પમાત્રે કરીને જ પુત્રની ઉત્પત્તિ થતી અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા અને જેટલાં મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું જ ભજન કરતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહિ, જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને જ્યારે દ્વાપરયુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગસંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને એવી રીતે જે સત્યયુગ, ત્રેતાયુગની રીત તે સર્વે સત્યયુગ, ત્રેતાયુગમાં ન હોય, એ તો પ્રથમ સત્યયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતી. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનપણે પ્રવર્તે, ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે. અને જ્યારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એકકાળે મરાઈ જાય છે; ત્યારે શું બધાયનું એક ભેળે શુભ કર્મ ખૂટી ગયું ? એ તો અશુભ કાળની જ અતિશય સામર્થી છે, તેણે જીવના શુભ કર્મના બળને હઠાવી દીધું. માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહિ, કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય ને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને જ સર્વ થાય છે, એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણાક મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે, ત્યારે કળિયુગને વિષે પણ સત્યયુગ થાય છે. એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય, પણ કાળનું જોર કહ્યું ન હોય. તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કેવળ કર્મને જ સર્વકર્તા કહે છે, પણ એમ નથી જાણતા જે, એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કહ્યું નથી. અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રકટ થાય છે જે, ‘આ દેહે કરીને તો પાત્ર-કુપાત્ર જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય, તે સર્વનું કલ્યાણ કરવું છે.’ ત્યારે કાળનું ને કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહિ, ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સામર્થ્ય રહે છે. તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના, તેણે ભગવાનને ઝેર પાયું. તેને શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા તે ભગવાનને મારવા આવ્યા હતા, તેને પણ શ્રીકૃષ્ણ ભગવાન પરમપદ આપતા હવા. ને બીજા પણ જે જે ભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું.”

117. વરતાલ ૧૦ ( para.2)

તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઇ આવ્યા. તેણે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવનું કલ્યાણ કેમ થાય ?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “આ પૃથ્વીને વિષે રાજારરૂપ ને સાધુરૂપ; એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજારૂપે જ્યારે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો તે ઓગણચાળીશ લક્ષણે યુક્ત હોય અને જ્યારે સાધુરૂપે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો ત્રીશ પ્રકારને લક્ષણે યુક્ત હોય. અને જે રાજારૂપે ભગવાન હોય તે તો ચોસઠ પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ, દામ, ભેદ, દંડ; એ ચાર પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય તથા શૃંગાર આદિક જે નવ રસ તેણે યુક્ત હોય. અને તે ભગવાન જ્યારે સાધુરૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહિ. અને જે રાજારૂપે ભગવાન હોય તેને જો આપત્કાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે અને ચોર હોય તેને ગરદન પણ મારે અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુરૂપે ભગવાન હોય તે તો અતિશય અહિંસા પર વર્તે, તે લીલા તૃણને પણ તોડે નહિ અને કાષ્ઠની તથા ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહિ. માટે સાધુરૂપ જે ભગવાનની મૂર્તિ અને રાજારૂપ જે ભગવાનની મૂર્તિ એ બેની રીતિ એક હોય નહિ. અને શ્રીમદ્‌ભાગવતના પ્રથમ સ્કંધને વિષે પૃથ્વી ને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રીકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેના ઓગણચાળીશ લક્ષણ કહ્યા છે. અને એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાન ને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય, કપિલ આદિક ભગવાનના અવતાર તેના ત્રીશ લક્ષણ કહ્યા છે. માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તે તે લક્ષણે કરી તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો, ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી, એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિષે દ્રઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી. તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે.”

118. વરતાલ ૧૧ ( para.3)

એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જીવ તો અવિનાશી કહ્યો છે, તેનો નાશ તે કેમ જાણવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પર્વતનું કે બીજું એવું જ જે કોઈક જડ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહિ, એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો. અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહિ. કેમ જે, માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષ્યા, ને દ્રોહ એનો આધાર છે અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાનના ભક્તને જો બિવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. અને અમારો તો એ સ્વભાવ છે જે, બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે, તે તો અમને દીઠો જ ગમે નહિ અને આ લોકમાં ને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજે બે પદ ગવરાવ્યાં જે, “મારા હરજી શું હેત ન દીસે રે તેને ઘેર શીદ જઈએ.” એક તો એ અને બીજું જે, “મારા વહાલાજી શું વહાલપ દીસે રે તેનો સંગ કેમ તજીએ.” અને પછી એ બે પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરીને એમ કહ્યું જે, “એ બે પદમાં વાર્તા છે તેને નિત્ય ગાઈને સંભારી રાખવી.”

119. વરતાલ ૧૧ ( para.5)

પછી શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “બ્રહ્મસ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો ત્રણ શરીર ને ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય અને ચૌદે ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિષે એકે માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહિ. અને જ્યારે એને મોટાપુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટાપુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મસ્વરૂપને વિષે સ્થિતિ પણ ન થાય ને આત્માને વિષે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો, તે વિરોધ ટળે તે ઉપાય કહો.” પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે, પૃથ્વીને વિષે જે ભગવાનનો અવતાર, તેને મળેલા જે સંત, તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય, ત્યારે એ સત્પુરુષને વિષે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહિ. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહિ; અને તેના વચન પણ સત્ય મનાય, એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.”

120. વરતાલ ૧૨ ( para.2)

અને તે સમે શ્રીજીમહારાજ અંતર્દૃષ્ટિ કરીને બહુ વાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે હરિભક્તની સભા સામું કરુણાકટાક્ષે કરી જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે, તે સર્વે સાવધાન થઈને સાંભળો જે, અનંત કોટિ સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે શ્રીપુરુષોત્તમ ભગવાન સદા દિવ્યમૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે; ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સત્સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે, તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિષે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે, તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યોત૨ જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો, અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. અને તે જ ભક્તને જો ક્યારેક અસત્ દેશ, અસત્ કાળ, અસત્ સંગ અને અસત્ શાસ્ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનનાં ચરિત્રને વિષે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો, પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ્ય હોય તે એ જીવને ઝાઝી નડતી નથી; પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષનાં મૂળ કપાણાં ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય, તેમ જેને ભગવાનને વિષે કોઈ રીતે દોષબુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહિ. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય જે, ‘શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહિ થાય ? અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ, કે રાજા થઈશ, કે ભૂત થઈશ ?’ જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. અને જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું ક્લ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે.’ માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિષે કૃતાર્થપણું માનવું, એ વાત સર્વે ખબડદાર થઈને રાખજ્યો.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા,’ એ માહાત્મ્યનું કીર્તન ગાવો. પછી તે કીર્તન ગાયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં ક્હ્યું છે જે, “अहो अमी देववरामरार्चितं पादाम्बुजं ते सुमनःफलार्हणम्। नमन्त्युपादाय शिखाभिरात्मनस्तमोपहत्यै तरुजन्म यत्कृतम् ।।” એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું. અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો, તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહિ. જેમ રાજા હોય તે નપુંસક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહિ; અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહિ. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા, ભાગવત જેવા સદ્‌ગ્રંથ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થતું અને વળી જેમ દૂધ ને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી, પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય. તેમ માહાત્મ્ય સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા, ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી, એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે.”

121. વરતાલ ૧૩ ( para.2)

તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઇ શ્રીજીમહારાજ પાસે આવ્યા હતા. તેણે પૂછ્યું જે, “હે મહારાજ! આ સમાધિ તે કેમ થતી હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. તે ભગવાન જ્યારે રાજારૂપે હોય ત્યારે તો ઓગણચાળીશ લક્ષણે યુક્ત હોય અને દત્ત, કપિલ જેવા સાધુરૂપે હોય ત્યારે તો ત્રીશ લક્ષણે યુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય, પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીને વિષે સર્વે પથરા છે તેમ ચમકપાણ પણ પથરો છે, પણ ચમકપાણમાં સહજે એવો ચમત્કાર રહ્યો છે જે, ‘ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજારૂપે છે ને સાધુરૂપે છે, તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેના ઇન્દ્રિયો ભગવાન સામાં તણાઈ જાય છે, ત્યારે સમાધિ થાય છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વેને સમાધિ થઈ હતી અને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું. તેવી રીતે જે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે તે સમયમાં ભગવાનની મૂર્તિને વિષે એવો ચમત્કાર જરૂર હોય, તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનનાં દર્શન કરે તેની ઇન્દ્રિયો સર્વે ભગવાન સામા તણાઈ જાય અને તત્કાળ સમાધિ થાય. અને કોઈક સમયમાં ભગવાનને ઘણાક જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે, તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે ?”

122. વરતાલ ૧૫ ( para.2)

તે સમામાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! દૈવી ને આસુરી; એ બે પ્રકારના જીવ છે. તે અનાદિ કાળના છે કે કોઈક યોગે કરીને થયા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે પ્રથમ તો પ્રલયકાળે માયાને વિષે લીન થયા હતા; પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે તે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઊપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવી ને આસુરીને સંગે કરીને દૈવી ને આસુરી થાય છે અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુરભાવને વિષે ને દૈવીભાવને વિષે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા. તેણે સત્પુરુષ એવા જે સનકાદિક, તેનો દ્રોહ કર્યો ત્યારે અસુરભાવને પામી ગયા અને પ્રહ્લાદજી દૈત્ય હતા તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો, તો પરમ ભાગવત સંત કહેવાયા. માટે મોટાપુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે અને જે ઉપર મોટાપુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે; પણ બીજું દૈવી-આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહિ, અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું.”

123. વરતાલ ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચકર્મ ઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારે એકસરખો વ્યવહાર છે; પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. માટે જ્ઞાનીને જિતેન્દ્રિય ક્હ્યા છે, તે કેવી રીતે જાણવા ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જિતેન્દ્રિય થાય એમ જણાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચવિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે, માટે જિતેન્દ્રિયપણું કેમ છે ?” પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “એનો ઉત્તર તો એમ છે જે, શબ્દાદિક જે પંચવિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે. અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે અને માયિક જે પંચવિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે. અને એમ જાણે ત્યારે એને પંચવિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિષે વૈરબુદ્ધિ થાય છે. પછી જે સાથે જેને વૈર થયું તેને, તેને વિષે કોઈ રીતે પ્રીતિ થાય જ નહિ. એમ સમજીને જ્યારે પંચવિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય, તે જિતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ-કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચવિષયમાં આસક્ત થાય નહિ, એવો હોય તે જિતેન્દ્રિય કહેવાય.”

124. વરતાલ ૧૮ ( para.3)

અને સર્વે જે આચાર્ય થયા છે, તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિમ્બાર્ક ન કહેવાય, વિષ્ણુસ્વામી ન કહેવાય, વલ્લભાચાર્ય ન કહેવાય; કેમ જે, એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહિ તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી. કેમ જે, વ્યાસજી તો વેદના આચાર્ય છે, ને પોતે ભગવાન છે. માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું. અને તે જે વ્યાસજી તેણે જીવના ક્લ્યાણને અર્થે વેદનો૨ વિભાગ કર્યો ને સત્તર પુરાણ કર્યા ને મહાભારત કર્યું, તો પણ તે વ્યાસજીના મનમાં એમ થયું જે, ‘જીવના કલ્યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો.’ ને તેણે કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. તે પછી સમગ્ર વેદ, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તેનું સાર એવું જે શ્રીમદ્‌ભાગવત પુરાણ તેને વ્યાસજી કરતા હવા. તે ભાગવતને વિષે સર્વ અવતાર કરતા શ્રીકૃષ્ણ ભગવાનને જ અધિકપણે કહ્યા છે ને સર્વ અવતારના ધરનારા જે છે તે જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે. અને એ શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે ગુણવિભાગના અધ્યાયમાં કહ્યું છે જે, ‘હું નિર્ગુણ છું ને મારા સંબંધને જે પામે છે તે પણ નિર્ગુણ થાય છે.’ માટે કામભાવ, દ્વેષભાવ, ભયભાવ, સંબંધભાવ, સ્નેહભાવ; એમાંથી જે જે ભાવે કરીને એ શ્રીકૃષ્ણ ભગવાનને જે જીવ આશર્યા તે નિર્ગુણ થઈ ગયા. માટે એ શ્રીકૃષ્ણ ભગવાન તે નિર્ગુણ છે. એવી રીતે વ્યાસજીએ શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા છે. અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે જે, ‘સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર, તે જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે ને બીજા જે અવતાર તે એના છે.’ અને જો એ શ્રીકૃષ્ણ ભગવાનને નિર્ગુણ નહિ કહે ને શુદ્ધ સત્ત્વાત્મક કહેશે, તો તેને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી ને તેને વિષે મોટો બાધ આવશે; કેમ જે, ગોપીઓએ શ્રીકૃષ્ણને ભગવાન ન જાણ્યા ને કામભાવે કરીને એ જ શ્રીકૃષ્ણ ભગવાનને ભજ્યા, તેણે કરીને તે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ, ત્યારે તે શ્રીકૃષ્ણ ભગવાનને શુદ્ધ સત્ત્વાત્મક કેમ કહેવાય ? માટે શ્રીકૃષ્ણ ભગવાન તો નિર્ગુણ જ છે. તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે અર્જુન પ્રત્યે કહ્યું છે જે,

125. અમદાવાદ ૩ ( para.4)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મૂળજી બ્રહ્મચારી ને રતનજી; એ અતિશય ક્યાં ડાહ્યા છે ? પણ કલ્યાણનો ખપ અતિશય છે. માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે ખરું. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાઈ-ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે, તેવા તો પરમહંસ તથા સાંખ્યયોગી ને કર્મયોગી સત્સંગી; તે પણ અમારા ગમતામાં નથી વર્તતા. કેમ જે, અયોધ્યાવાસીએ તો અતિશય જ સત્સંગ પરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે. માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી. અને એ અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે. માટે કોઈક કપટી હશે તો એમને છેતરી જશે, તે સારુ એમને કોઈક કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને કહ્યે કરવા દેવું નહિ. એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી, એમ અમારી આજ્ઞા છે.”

126. ગઢડા અંત્ય ૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન વૈરાગ્યે યુક્ત હોય ને વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય, તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહિ, ત્યાં સુધી બાધિતાનુવૃત્તિ રહી જાય છે. તેણે કરીને વિચારમાં એમ રહે છે જે, ‘રખે મારે મા, બાપ, સ્ત્રી, છોકરા, દ્રવ્ય, કુટુંબ, દેહ, ગેહ એમને વિષે પ્રીતિ રહી ગઈ હોય નહિ ?” એમ બીતો રહે છે. જેમ કોઈક શૂરવીર પુરુષ હોય તેણે પોતાના સર્વ શત્રુ મારી નાંખ્યા હોય તો પણ તે મરેલ શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે તથા સ્વપ્નમાં તે શત્રુને દેખે ત્યારે બી જાય છે. તેમ તે જ્ઞાની ભક્તને પણ જે જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાંખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાનુવૃત્તિએ કરીને અંતરમાં માયિક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધનકલત્રાદિક પદાર્થની કોઈક સમે સ્મૃતિ થઈ આવે છે ત્યારે મનમાં બી જવાય છે જે ‘રખે મને બંધન કરે !’ એવી રીતે જે પદાર્થ અંતરમાંથી અસત્ય કરી નાખ્યા તે પદાર્થની સ્મૃતિ થઈ આવે તેને બાધિતાનુવૃત્તિ કહીએ. તે બાધિતાનુવૃત્તિ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે ને એ પુરુષને ખાધા પીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુઃખની કશી ખબર રહેતી નથી. અને જ્યારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બારણે નીસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે તો બાધિતાનુવૃત્તિ રહે ખરી. માટે તે હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમો થાય ત્યારે બાધિતાનુવૃત્તિને યોગે કરીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને તે સમામાં જે બોલાય તે પણ બરલ્યા જેવું બોલાય અને ‘ઓય બાપ, ઓય મા’ એવા વચન પણ બોલાય. ત્યારે જે આ બાધિતાનુવૃત્તિના મર્મને ન સમજતો હોય તેના હૃદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય જે, ‘આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો ને અંતકાળે આમ કેમ બરલે છે ?’ અને જે અવગુણ લેવાય છે, તે બાધિતાનુવૃત્તિનો મર્મ જાણ્યા વિના લેવાય છે. અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય ને તે અંત સમે બોલતા ચાલતા ખબડદાર થકા દેહને મેલે છે અથવા કોઈક સિપાઈ ને રજપૂત હોય ને તેને શરીરમાં ઘા વાગે એટલે ખબડદાર થકા ને બોલતા ચાલતા મરી જાય છે. માટે ભગવાનથી વિમુખ હોય ને તે ખબડદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે? તેનો તે નરકમાં જ નિવાસ થાય છે. અને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું નામ-સ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાનુવૃત્તિને યોગે કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ એ ભગવાનનો ભક્ત ભગવાનનાં ચરણારવિંદને જ પામે છે.”

127. ગઢડા અંત્ય ૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપાદૃષ્ટિ કરીને બોલતા હવા જે, “ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધા ભક્તિ, તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારુ ન કરે, તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. અને ભગવાનની ભક્તિ કરતા થકા કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહિ. અને જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે, જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ્ય પડી, પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂર્ખો છે. કેમ જે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કૂવામાં પડ્ય.’ ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું ? માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમ જ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે. ને જીવ ને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે, ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારુ પોતે ઊભરાઈને અગ્નિને ઓલવી નાખે છે. એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે, તેમ જ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહિ. જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે. તે કેમ સમજાવે ? તો જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે, ‘ભગવાનની ભક્ત કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું.’ પછી તેના સર્વ અંગનું ચિંતવન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિષે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિષે પણ ખોટો ઘાટ ઘડે; ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય તો તો મનનું કહ્યું ન માને ને અતિશય દાઝ થાય, તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે નહિ. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહ્યું માને. ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવી કરાવીને કલ્યાણના માર્ગથી પાડી નાંખે. તે સારૂ કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે, તો તેને સંઘાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશય વૈર થઈ જાય છે. પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહિ. અને મન છે તે તો જીવનું મિત્ર જ છે, તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહિ. અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહિ. અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો પણ એકલા મનનો વાંક સમજવો નહિ. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશમાત્ર અડી શકે નહિ અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે.”

128. ગઢડા અંત્ય ૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે,”અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહિ; ને એમનો અભાવ આવવા દેવો નહિ અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહના સગાંસંબંધીને વહાલા રાખવા નહિ. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ, ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિષે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાને વિષે રહે છે. તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે, ‘હું રખે મરીને ભૂત પ્રેત થઉં કે રખે ઈન્દ્રલોકને જ પામું કે રખે બ્રહ્મલોકને જ પામું.’ એવી આશંકા મનમાં રાખવી નહિ. કેમ જે, જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહિ. અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિષે દ્રઢ કરીને રાખવું. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઊખડે નહિ, તેમ ભગવાનનના ચરણારવિંદને વિષે પોતાના મનને દ્રઢ રાખવું. અને એવી રીતે જે ભગવાનના ચરણારવિંદને વિષે પોતાના મનને રાખે; તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો છતે દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને સર્વે સભાને ઊઠવાની આજ્ઞા કરી.

129. ગઢડા અંત્ય ૧૧ ( para.4)

પછી શ્રીજીમહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “ગમે તેવા ભૂંડા દેશ, કાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહિ, એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય જે, જે સમજણે કરીને એવી રીતની એને દ્રઢતા આવે છે જે, તેને વિષે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી ?” પછી મોટા મોટા સંત હતા તેમાં જેવું જેને ભાસ્યું તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, જીવને જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહિ. અને ગમે તેવા દેશ, કાળાદિક ભૂંડા આવે તેણે કરીને એ ભગવાન અને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહિ.”

130. ગઢડા અંત્ય ૧૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જે, “જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહિ જે, ‘હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું.’ એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહિ. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈ રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય, તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે, તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહિ, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહિ. અને અનંત બ્રહ્મહત્યા કરી હોય, ને અનંત બાળહત્યા કરી હોય, ને અનંત સ્ત્રીહત્યા કરી હોય, ને અનંત ગૌહત્યા કરી હોય, ને અનંત ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કહ્યા છે. પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કહ્યો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે અને જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટિ કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાંખે, પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે જે, ‘જીવનો નાશ કેમ થતો હશે ?’ તો ત્યાં દૃષ્ટાંત-જેમ હીજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવળ વૃંદલ કહેવાય. તેમ જે ભગવાન ને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય જે, ‘કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી જ શકે નહિ.’ માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહિ. અને વળી પોતાના દેહના જે સગાંસંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહિ. જેમ દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાનાં દેહના જે સગાં સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાળ પડી છે, માટે તેમાં હેતના કરનારાનું જરૂર અ કલ્યાણ થાય છે. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહના જે સગાં સંબંધી હોય તે સાથે હેત રાખવું નહિ. એમ સંસારમાંથી નિસ્પૃહ થઈને ભગવાનનાં ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહિ અને આ જે વાત તે કરામત જેવી છે.” એમ કહીને શ્રીજીમહારાજે વાર્તાની સમાપ્તિ કરી.

131. ગઢડા અંત્ય ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય ? તો ઇન્દ્રિયો, અંતઃકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ; ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે; ને પંચ વર્તમાનમાં દૃઢ રહેતા હોય; ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા; કેમ જે, એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહિ. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી. અને એવા સાધુગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી.”

132. ગઢડા અંત્ય ૨૭ ( para.7)

અને તે પછી વડોદરાવાળા નાથભક્તે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “જેને ભગવાનનો દૃઢ નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્ત તેના જે સંબંધી તેનું કલ્યાણ તે ભક્તના સંબંધે કરીને છે કે નથી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો એનાં સંબંધીને તથા એના પિત્રીને એને વિષે હેત હોય તો એનું ક્લ્યાણ થાય ને હેત ન હોય તો ન થાય. અને જો સંબંધી પણ ન હોય ને જો તેને એ ભક્તને વિષે હેત હોય તો તેનું પણ સારુ થાય. કેમ જે, એને મુવાટાણું થાય ત્યારે તે ભક્ત તેને સાંભરી આવે અને તે ભક્તની વૃત્તિ તો ભગવાન સાથે નિરંતર લાગી છે ને તે ભક્તનું તેને સ્મરણ થાય, માટે તેનું કલ્યાણ થાય છે.”

133. ગઢડા અંત્ય ૩૧ ( para.2)

અને વાજાં વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા. તે ‘हरि मेरे हालरकी लकरी’ એ કીર્તન ગાઈ રહ્યા ત્યારે મહારાજે કહ્યું જે, ‘जमुना के तीर ठाडो’ એ કીર્તન ગાઓ.” પછી એ કીર્તન ગાવવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજીમહારાજ બહુ વાર વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “હવે કીર્તન રાખો. અમે આ એક વાર્તા કરીએ છીએ, તે છે તો થોડીક, પણ ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે. ને તે વાત કોઈ દિવસ અમે કરી નથી.” પછી વળી નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “કોટિ-કોટિ ચંદ્રમા, સૂર્ય, અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે ને તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિષે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે અને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે. અને એ ભગવાન કેવા છે ? તો ક્ષર-અક્ષર થકી પર છે ને સર્વકારણના પણ કારણ છે ને અક્ષરરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને એવા જે એ ભગવાન તે જ પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રકટ પ્રમાણ થકા તમારી સર્વેની દૃષ્ટિને ગોચર સાક્ષાત્પણે વર્તે છે. માટે તે જે ધામમાં રહી મૂર્તિ ને આ પ્રકટ શ્રીકૃષ્ણની મૂર્તિ તેમાં અધિકપણે સાદૃશ્યપણું છે. તે શ્રીકૃષ્ણની જે મનુષ્યરૂપ મૂર્તિ તેના ધ્યાનનો કરતલ જે હોય તેની જે દૃષ્ટિ તે ભગવાનના રૂપ વિના બીજારૂપ વિષયમાત્રમાં અતિશય વૈરાગ્યને પામીને તે ભગવાનના રૂપમાં જ લુબ્ધ થાય, ત્યારે તેને તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને ધામની મૂર્તિ તે બેયમાં લગાર પણ ભેદ ન જણાય. અને તે મૂર્તિ ને આ મૂર્તિના રૂપ, અવસ્થા તે બરાબર જણાય. તથા તે મૂર્તિ જેટલી ઊંચી છે ને જેટલી પુષ્ટ છે તેવી ને તેવી જ આ મૂર્તિ પણ જણાય છે, પણ તેમાં ને આમાં એક રોમનો પણ ફેર ન જણાય. અતિશય એકપણું જણાય. એવી રીતે તેમાં ને આ મૂર્તિમાં ફેર લગાર પણ નથી. તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે. એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ બાહેર કરે ત્યારે તો તેમાં ને એમાં લગાર ફેર નથી. ને તે જ મૂર્તિને ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે પોતાના નેત્રમાં જુવે ત્યારે તે જ મૂર્તિ પ્રથમ જણાતી તેવી ન જણાય ને નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. પછી વળી એ ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે કંઠથી હેઠે સુધી માંહિલી કોરે ધ્યાને કરીને જુવે ત્યારે એ જ મૂર્તિને મોરે બે પ્રકારે દેખતો તેમ ન દેખે ને તે જ મૂર્તિને બહુ જ મોટી, બહુ જ ઊંચી, બહુ જ જાડી, ને બહુ જ ભયંકર એવી દેખે; જેમ મધ્યાહ્ન કાળનો સૂર્ય હોય ત્યારે છાયા પુરુષના શરીર બરોબર હોય ને તે જ સૂર્યને આથમ્યા ટાણું થાય ત્યારે છાયા મોટી લાંબી થાય, પણ પુરુષના શરીર પ્રમાણે નથી રહેતી. તેમ તે મૂર્તિ પણ પૂર્વે કહી તેવી મોટી થાય. પછી એ મૂર્તિને હૃદયને વિષે રહી જે બુદ્ધિ, તે બુદ્ધિને વિષે જુવે તથા તે બુદ્ધિમાં રહ્યો જે પોતાનો જીવ તેને વિષે જુવે ત્યારે તે જ મૂર્તિને અંગુષ્ઠમાત્ર પરિમાણે જુવે અને દ્વિભુજ જણાય કે ચતુર્ભુજ જણાય, પણ મોરે ત્રણ પ્રકારે દેખી તેવી ન દેખાય. અને પછી વળી એ ધ્યાનના કરતલને પ્રતિલોમપણે પોતાના જીવથી પર કોટિ કોટિ સૂર્ય-ચંદ્ર-અગ્નિના તેજના સમૂહને વિષે એ મૂર્તિ જણાય છે. તે જેવી દૃષ્ટિ આગળ જણાતી હતી તેવી જ રીતની જણાય છે, પણ લગાર ફેર નથી જણાતો. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિષે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે, એ બેમાં ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમ જ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. અને પૂર્વે જે મૂર્તિમાં ફેર પડ્યો તે તો ગુણમય એવા જે સ્થાનક તેણે કરીને પડ્યો. તે નેત્રમાં સત્ત્વગુણ ને કંઠમાં રજોગુણ ને બુદ્ધિમાં રહ્યો જે જીવ, તે પણ ગુણમય છે.” એમ વાર્તા કરીને પછી બોલ્યા જે, “મોરે ગાતા હતા તે કીર્તન ગાઓ.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપના નિરૂપણની વાર્તા પરોક્ષપણે કરીને કહી.

134. ગઢડા અંત્ય ૩૪ ( para.2)

પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન વિના બીજા માયિક પદાર્થમાત્રને વિષે વાસના ન રહે ને એક ભગવાનને વિષે જ વાસના રહે, તેના બે સાધન જણાય છે. એક તો ભગવાનને વિષે પ્રીતિ ને બીજો જ્ઞાને સહિત વૈરાગ્ય, એ બે સાધન છે. તે એ બે સાધન તો જેને અતિશયપણે ન વર્તતા હોય ને ભગવાનનો નિશ્ચય ને વિશ્વાસ તો હોય, એવાને પણ એક ભગવાનની જ વાસના રહે, ને બીજા પદાર્થની વાસના ન રહે એવો ત્રીજો કોઈ ઉપાય છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ન ખરો ને એ બે સાધને કરીને જ એક ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરું. અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ન ટળે. માટે જીવતે દુઃખિયો વર્તે ને ભગવાનનો નિશ્ચય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે. અને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ટાળ્યાના જેમ એ બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે. તે શું ? તો જેના જેવા નિયમ કહ્યા છે તેમાં સાવધાન પણે વર્તે. તે નિયમ કયા ? તો એક તો સ્વધર્મ સંબંધી નિયમ. તે કેમ ? તો જેમ આત્મનિવેદી સાધુ-બ્રહ્મચારીના નિયમ છે, તેમ જ આત્મનિવેદી ન હોય તો પણ સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે, તથા સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ રાખે. એવી રીતે પંચવિષયના ત્યાગ સંબંધી નિયમને દૃઢપણે સાવધાન થકો પાળે, તથા ભગવાન ને ભગવાનના ભક્ત તેની દેહે કરીને પરિચર્યા કરે, તથા ભગવાનની કથા સાંભળે ઈત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે, ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે. એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય ને ભગવાનને વિષે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ને અતિશય બળિયો થઈ જાય ને એને પદાર્થમાં અશુભ વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે.”

135. ગઢડા અંત્ય ૩૪ ( para.3)

પછી વળી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જે ક્રોધ છે તે શામાંથી ઉત્પન્ન થાય છે ? તો પોતાને જે પદાર્થની કામના હોય તથા જેમાં પોતે મમત્વ બાંધ્યો હોય ને તેનો ભંગ કોઈક કરે ત્યારે તેને તેમાંથી ક્રોધ ઊપજે છે; ને કામના જે ઈચ્છા તેનો ભંગ થયો, ત્યારે તે કામ હતો તે ક્રોધરૂપે પરિણામને પામે છે. માટે એનો તો એવો સ્વભાવ જ થયો જે, એમાં ક્રોધ ઊપજે. અને એમ થાય તો પણ ક્રોધ ન ઊપજે એમ છે કે નહિ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે મોટા સાધુ છે તેમણે ભગવાનની આજ્ઞાએ કરીને અથવા શાસ્ત્રદૃષ્ટિએ કરીને માહાત્મ્ય જાણીને પોતાની ઈચ્છાએ કરીને અનેક જીવોને ધર્મમર્યાદામાં રખાવવા અને ભગવાનને માર્ગે ચઢાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈચ્છ્યો હોય, ને તેમાં પ્રવર્ત્યા હોય; અને કોઈક જીવ ધર્મમર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે, ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઊપજી આવે. કેમ જે, પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો. માટે ધર્મ-મર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે, તો મર્યાદાનો ભંગ થતો જાય ને તે જીવનું સારુ ન થાય. માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક ને એમાં કાંઈ બાધ નહિ. કેમ જે, એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશરીને હજારો માણસ રહ્યાં હોય, તેને કાંઈક રીસ કરીને કહ્યા વિનાનું કેમ ચાલે ? અને ક્રોધ તો ત્યારે ન થાય જે, ‘જેમાંથી ક્રોધ થાય તેનો ત્યાગ કરી દે અને એકાએકી વનમાં ફરતો રહે ત્યારે ક્રોધ ન થાય, પણ એમ તો એમનાથી કેમ કરાય ? કેમ જે, એમણે તો અનેક જીવને વાર્તા કરીને ભગવત્સન્મુખ કરવા ને તેનું જે કલ્યાણ થાય, તેનું જે મહાફળ તે શાસ્ત્ર દૃષ્ટિએ કરીને સમજ્યું છે તથા એવી રીતની જે ભગવાનની આજ્ઞા તેનું માહાત્મ્ય જાણ્યું છે. માટે ક્રોધ થાય તો પણ એ જે પોતાનો શુભ સંકલ્પ તેનો ત્યાગ કરે જ નહિ. અને વળી જેને કોઈક મોટા સાધુ સંગાથે હેત થયું હોય ને તેને વિષે પોતાના કલ્યાણ થવા રૂપ સ્વાર્થ માન્યો હોય ને એમ જાણતો હોય જે, ‘આ સાધુથી જ મારું સારુ થશે.’ એવો જે હોય તેને ક્રોધનો સ્વભાવ હોય તો પણ મોટા સાધુ ઉપર એને કોઈ દિવસ ક્રોધ ન થાય ને એ ક્રોધને મૂકી જ દે, એમ પણ ક્રોધ જાય છે. અને પદાર્થના લેણદેણ સારુ તે તુચ્છ પદાર્થને અર્થે જે સાધુ સંગાથે ક્રોધ કરે છે, તેને તો સાધુનું માહાત્મ્ય તથા સાધુનો જે આવી રીતનો માર્ગ તે સમજાયો જ નથી ને સમજાયો હોય તો તુચ્છ પદાર્થ સારુ ક્રોધ કરે નહિ. અને બુદ્ધિવાન હોય, સમજુ હોય ને તુચ્છ પદાર્થ સારુ સાધુ સંગાથે ક્રોધ કરે તો તેની બુદ્ધિ રાજાના કામદારના જેવી વ્યાવહારિક જાણવી, પણ સાધુપણાની બુદ્ધિ એને આવી જ નથી, એમ સમજવું.”

136. ગઢડા અંત્ય ૩૫ ( para.5)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતા અધિક પાપ કહ્યું છે, તેનું શું કારણ છે ? તો એ સાધુના હૃદયને વિષે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે. માટે સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે. કેમ જે, સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુઃખાય છે; ત્યારે એ ભગવાનના દ્રોહનું અધિક પાપ છે. માટે સંતના દ્રોહનું સર્વ કરતા અધિક પાપ કહ્યું છે. અને કંસ, શિશુપાલ, પૂતના એ આદિક જે દૈત્ય; તેમણે ભગવાનનો દ્રોહ કર્યો ને તેનું પણ ભક્તની પેઠે ભગવાને કલ્યાણ કર્યું તેનો શો અભિપ્રાય છે ? જે, એ દૈત્યે વૈરબુદ્ધિએ કરીને પણ ભગવાનનું ચિંતવન કર્યું ત્યારે ભગવાને એમ જાણ્યું જે, ‘વૈરબુદ્ધિએ કરીને પણ એ દૈત્યે મારું ચિંતવન કર્યું ને મારા સંબંધને પામ્યા, માટે મારે એનું કલ્યાણ કરવું.’ એવી રીતે એને વિષે ભગવાનની દયાનું અધિકપણું જાણવું. અને વળી એમ જાણવું જે, ‘એ વૈરબુદ્ધિએ કરીને આશર્યા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું, તો જે ભક્ત ભક્તિએ કરીને એનો આશરો લેશે ને ભગવાનને ભક્તિએ કરીને રાજી કરશે તેનું ભગવાન કેમ કલ્યાણ નહિ કરે ? કરશે જ.’ એવી રીતે ભગવાનની દયાનું અધિકપણું જણાવીને મનુષ્યને ભગવાનની ભક્તિમાં પ્રવર્તાવવા, એવો અભિપ્રાય શાસ્ત્રના કરનારાનો છે. પણ એમ નથી જે, ‘દૈત્યની પેઠે ભગવાનનું અણગમતું કરવું. માટે ભગવાનની ઉપર વૈરભાવ રાખીને જે ભગવાનનો દ્રોહ કરે ને અણગમતું કરે, તેને તો દૈત્ય જ જાણવા. અને એ પક્ષ તો દૈત્યનો છે અને જેમ ભગવાનનું ગમતું હોય તે પ્રમાણે જ વર્તવું, ને ભક્તિ કરવી, ને ભગવાન ને ભગવાનના ભક્તને રાજી કરવા, એવો ભગવાનના ભક્તનો પક્ષ છે.”

137. ગઢડા અંત્ય ૩૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો જે, “આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે જે, જેને વિષે એ પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહિ? તે કહો. તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જે, જેણે કરીને તેમાંથી નિશ્ચય પડી જાય ? તે પણ કહો.” પછી સર્વેએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે, શ્રીપુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકારમૂર્તિ સમજવા, ને તેના જ સર્વે અવતાર છે, એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો, ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી, ને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો, એ કલ્યાણનું અસાધારણ સાધન છે. અને એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી. અને એ સાધનને વિષે મોટું વિઘ્ન એ છે જે, ‘શુષ્કવેદાંતીનો સંગ કરવો.’ અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય ? તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને, તેને વિષે હેત થાય. અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે, જેમ કોઈકે કાળમાં અન્ન આપીને જિવાડ્યો હોય તેની ઉપર હેત થાય, એવી રીતે જે જેણે ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય. તેમ તે શુષ્ક વેદાંતી તે એને એમ ગુણ દેખાડે જે, ‘આત્મા છે તેને જન્મમરણ નથી ને તે નિરાકાર છે અને તે ગમે એટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે.’ એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાંખે ત્યારે એને એ મોટું વિઘ્ન થયું. કેમ જે, ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો. માટે એ શુષ્ક વેદાંતીનો સંગ ક્યારેય ન કરવો, અને એ શુષ્ક વેદાંતી તો મહાઅજ્ઞાની છે, ને ભગવાનના ભક્તિમાર્ગમાં એવું મોટું કોઈ વિઘ્ન નથી.”

138. ગઢડા અંત્ય ૩૭ ( para.3)

હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ જે, ‘ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ, મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે, તે કોઈનો નથી. અને ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્યપણું નથી ચાલતું, એવા ભગવાન છે. ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ નથી. અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે, તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે, ને તે સર્વમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્યમૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે, ને ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે, એવું ભગવાનનું સ્વરૂપ છે. અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિષે રહ્યા થકા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિષે રહ્યા જે સર્વે જીવના સમૂહ, તેમને વિષે તેમના યથાયોગ્ય કર્મફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. અને સર્વ જીવના જીવન છે, ને એ વિના એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થતો. અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે, જેમ કોઈક સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયા બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે, તેમ ભગવાન એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગકળાને સામર્થ્યે કરીને સર્વે ક્રિયાને કરે છે. અને જેમ અગ્નિ જે તે કાષ્ઠને વિષે ને પાષાણને વિષે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે ને કાષ્ઠ પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે, તેમ ભગવાન સર્વ જીવને વિષે રહ્યા છે, તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે. અને એવી રીતના અનંત ઐશ્વર્યે યુક્ત એવા જે એ ભગવાન, તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે.’ તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય, ને તે ભગવાનની ભક્તિ કરી હોય, ને તે જ્ઞાન-ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય, તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહિ. અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિષે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વીસરી જાય નહિ. જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વીસરતું નથી તેમ. અને આ વાર્તા શા સારુ કરીએ છીએ ? તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે, પણ કદાચિત્ દેશ, કાળ, પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું ક્લ્યાણ થાય અને એને એવો દૃઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય જે, ‘મારું ક્યારેય અ કલ્યાણ થશે.’ અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે ને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે. કેમ જે, કોઈક દિવસ બાહેર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય, તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારુ થાય, માટે આ વાર્તા કરી છે.”

139. ગઢડા અંત્ય ૩૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે, એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે, તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદરૂપ છે. અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન, તે જે તે, તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર, તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે. ને તમારા ઈષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન; તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.”

(કુલ: 299)