કુરાજી

કુરાજી

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "કુરાજી" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૭૮ ( para.15)

પછી વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય, પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરાજી થતા હોય, તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ ત્યારે જેને જે સાથે વૈર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય. તે સંતને પણ ખબર પડે પછી સંત તો તે સ્વભાવના વૈરી છે તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે. માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સૂધું દ્રઢ વૈર બાંધીને તેનું મૂળ ઊખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેને હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થી વધે અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે જે પોતાના હૃદયને વિષે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વૈર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે. માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું ઘટે છે. અને પોતાના અંતઃશત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે.”

2. સારંગપુર ૧૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે, ‘બે પ્રકારના ભગવાનના ભક્ત છે, તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બાહેર પણ ઘણો દીઠામાં આવે છે; અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિષે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી, અને પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બેય નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે. અને આત્મનિષ્ઠા ને વૈરાગ્યે યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે ? એ પ્રશ્ન છે. “ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી, તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો ? કેમ જે, એ તો દેહાભિમાની છે, માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચવિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિષે એવી પ્રીતિ નહિ રહે. તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને પ્રેમી કહીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગોપીઓ કાંઈ ભોળિયો નહોતી, એ તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી તો ડાહિયો હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડહાપણ હતું; અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વે યાદવમાં અતિશય ડાહ્યા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી, તે ગોપીઓની સમજણ જોઈને ગદ્ગદ્કંઠ થઈ ગયા. અને તે ઉદ્ધવજી એમ બોલ્યા જે, “ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો, તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો.” અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. અને તમે કહેશો જે, ‘ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી’, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે, એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે જે, ‘અમે તમારે અર્થે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી;’ અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડાં તોછડાં વચન બોલે જે, ‘જાણીએ હમણાં વિમુખ થઈ જશે.’ એવી જાતના જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે; અને ડહાપણે કરીને યુક્તિ યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવા દે નહિ અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહિ, અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. એવા જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહિ અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષ્યા, ક્રોધ કરે જ નહિ અને માન મત્સર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન, કર્મ, વચને કરીને કોઈ કાળે કરે નહિ. એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા; એવા ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો. તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહિ. અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય સહેજે એનાં હૈયામાં વર્તતા હતા. માટે એ ગોપીઓને વિષે તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના માહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. અને એવા ભક્તની રીત તો આમ છે જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહિ અને ભગવાનને વિષે એ પંચવિષયે કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહિ. અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણનાં જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહિ અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલાં તૃણ ઊગે જે પૃથ્વી જ દેખાય નહિ, તેમ જે આત્મનિષ્ઠા ને વૈરાગ્યે કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી, તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહિ રહે ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે, ‘મારે ભગવાનમાં લેશમાત્ર પ્રીતિ નથી,’ માટે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે. તે તો એમ જાણે છે જે, ‘મારા જીવાત્માને વિષે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે.’ એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે. તો પણ એની પ્રીતિના મૂળ ઊંડાં છે. તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે.”

3. લોયા ૬ ( para.14)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહિ અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તો પણ તે કરવું એવું તે શું છે ?” પછી એનો ઉત્તર પણ પોતે કર્યો જે, “અમે કોઈક વચન કહીએ ને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિષે ચિરકારી થવું કહેતાં તેમાં ઘણીક વાર લગાડવી, પણ તુરત માનવું નહિ. જેમ શ્રીકૃષ્ણભગવાને અર્જુનને કહ્યું જે, ‘અશ્વત્થામાનું માથું કાપી નાખો.’ પછી તે વચન અર્જુને ન માન્યું, તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઈએ તોપણ ન માનવું તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કહ્યા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું અને એ બે વચન ના માનીએ ને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા, પણ તેમાં રાજી ન કરવા.”

4. ગઢડા મધ્ય ૨૭ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવું તમારે વિચારનું બળ રહે છે, તે શાને યોગે રહે છે ?”ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો ભગવાનનું માહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે, ‘જે રીતે ભગવાનનો કુરાજીપો થાય, તે સ્વભાવ રાખવો નથી.’ અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે, ‘સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કામ-ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે, તે એ તમારા જીવમાં રહ્યો છે. અને એવી રીતે કામ-ક્રોધાદિક ગુણને હઠાવે એવું જે જોર છે, તે પૂર્વજન્મનો સંસ્કાર છે. અને તમારું એટલું તો અમને જણાય છે જે, તમારે જે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આંટીમાં પ્રથમ તો આવી જવાય પણ અંતે જતાં એનાં બંધનમાં રહેવાય નહિ; બંધન ત્રોડીને નીકળાય ખરું.”

5. ગઢડા મધ્ય ૨૮ ( para.2)

પછી દવે પ્રાગજીએ કહ્યું જે, “શ્રીમદ્ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ ભાગવત તો સારુ જ છે, પણ સ્કંદપુરાણને વિષે શ્રીવાસુદેવમાહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી; કાં જે, એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાલ્મીકિ રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે. અને રઘુનાથજીને વિષે શરણાગતવત્સલપણું તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય, તો તેનો તત્કાળ ત્યાગ કરી દે; જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્યો, તો અતિ વહાલા હતા પણ તત્કાળ ત્યાગ કરી દીધો.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારી પ્રકૃતિ તો એવી નથી; અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરુષમાત્રને વિષે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી અને સીતાજી ને દ્રૌપદી, એવી કોઈ સ્ત્રીમાત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે, તે કહીએ છીએ જે, અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું, તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ થાય નહિ. અને જે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે, ‘થોડીક વાતમાં કુરાજી પણ ન થઉં, ને થોડીક વાતમાં રાજી પણ ન થઉં’ અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું, ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા-સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે, તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે જે, ‘જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું.’ એ જ મારે વિષે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટ્યપ શોભે નહિ.

6. ગઢડા મધ્ય ૨૮ ( para.3)

અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે, તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. અને જેનું રૂડું થાય છે, તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે અને જેનું ભૂંડું થાય છે, તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે, ‘ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારુ નથી જાણતો.’ અને સર્વ શાસ્ત્રનું પણ એ જ સાર છે જે, ‘ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું.’ અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. અને જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે, ને ભગવાનનો રાજીપો છે, ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે; કેમ જે, જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે, તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા છે, તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારુ જન્મોજન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે, તેમ જ તમારે પણ નિશ્ચય કરવો.” પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું જે, “હે મહારાજ ! અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે.” એમ કહીને સર્વે હરિભક્ત વિનતિએ સહિત શ્રીજીમહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે ? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દમાત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે, તે સર્વેને આ વાર્તા છે, તે જીવનદોરી રૂપ છે.”

7. ગઢડા મધ્ય ૩૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહિ અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહિ. અને અમે અહિંયા ટક્યા છીએ તે પણ અહિંયાંના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છીએ. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમારી પાસે રહે છે તો પણ તે લાખ ગાઉ છેટે છે અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે. માટે આ મૂળજી બ્રહ્મચારી છે, તે અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે અને બીજો કોઈ સેવા ચાકરી કરે, તો તે એવી ગમતી નથી. અને અમે જે જે વાર્તા કરીએ છીએ, તેને વિષે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે. અને અમે જે દિવસ થકી પ્રકટ થયા છીએ, તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવીએ છીએ. અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાયા વિના રહે જ નહિ, ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે અને તેનું દુઃખ તો અતિશય લાગે છે, પણ મહોબત જાણીને ઝાઝું કહેવાય નહિ. અને વળી સાધુ દાવો છે. માટે હૈયામાં સમજી રહીએ છીએ, પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે ઝાઝો દંડ થાય. માટે સર્વ મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈયો તેને અમે મોરથી જ કહી રાખ્યું છે જે, ‘સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત્ જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો મા.’ શા માટે જે, જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંઝિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે, ‘બધા સત્સંગને મૂકીને જતા રહીએ.’ માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે અને તેને ને અમારે આ લોક પરલોકમાં દ્રઢ મેળાપ રહે છે.”

8. ગઢડા મધ્ય ૪૫ ( para.3)

પછી તે જ દિવસ સાંયકાળે વળી સભા કરીને વિરાજમાન થયા. પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,” સાત્વિક કર્મ કરીને દેવલોકમાં જાય છે અને રાજસ કર્મ કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે ને તામસ કર્મ કરીને અધોગતિને પામે છે. તેમાં કોઈ એમ આશંકા કરે જે, ‘રાજસ કર્મ કરીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે, ત્યારે તો સર્વ મનુષ્યને સુખ-દુઃખ સરખું જોઈએ.’ તો એનો ઉત્તર એમ છે જે, એક રજોગુણ છે, તેના દેશકાળાદિકને યોગે કરીને અનંત પ્રકારના ભેદ થાય છે. માટે રાજસકર્મનો એક સરખો નિર્ધાર રહેતો નથી; એ તો જેવા દેશ, કાળ, સંગ અને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે. તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આ ને આ દેહે મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે અને ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ ને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે. અને ભગવાન ને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે; અને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે. માટે જે સમજુ હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જે, ‘ભગવાન ને ભગવાનના સંત જે જે પ્રકારે આપણી ઉપર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તવું.’ અને ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે, ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે; અને સૂર્ય ચંદ્રાદિક જે પ્રકાશમાન છે, તેણે પણ ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યો હશે, ત્યારે એવા પ્રકાશને પામ્યા છે; અને દેવલોક, મૃત્યલોકને વિષે જે જે સુખિયા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખિયા છે. માટે જે પોતાના આત્માનું રૂડું થવાને ઈચ્છે તેને તો સદ્‌ગ્રંથને વિષે કહ્યા જે સ્વધર્મ, તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો.”

9. ગઢડા મધ્ય ૫૫ ( para.2)

પછી તે મુનિ કીર્તનભક્તિ કરી રહ્યા, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું; તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો. તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે, તેવી વાર્તા કહીએ છીએ તે સાંભળો જે, જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવમંદિર હોય ત્યાં દર્શને જવું, કથાવાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું; એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મૂકીને નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહિ અને વનમાં જ રહેવું ગમતું. અને બીક તો લેશમાત્ર લાગતી જ નહિ અને વનને વિષે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઈત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહિ; એવી રીતે મહાવનને વિષે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિષે ફરતા ફરતા શ્રીરામાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી શ્રીરામાનંદ સ્વામી જ્યારે અંતર્ધાન થયા તે કેડે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી. પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મુવા ટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સહુને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે; તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયિક પદાર્થમાત્ર છે, તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વિક્તિ નથી જણાતી જે, ‘આ સારુ પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે.’ જેટલાં માયિક પદાર્થમાત્ર છે, તે તો સર્વે એક સરખા જણાય છે. જેમ કાખના મુવાળા છે, તેમાં સારો કયો ને નરસો કયો ? તે તો સારો-નરસો સહુ એક પાડમાં છે; તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખા છે. અને કાંઈક સારુ-નરસું જે કહીએ છીએ, તે તો ભગવાનના ભક્તને સારુ લગાડવાને અર્થે કહીએ છીએ જે, આ સારુ ભોજન છે, આ સારુ વસ્ત્ર છે, આ સારુ ઘરેણું છે, આ સારુ ઘર છે, આ સારુ ઘોડું છે, આ સારાં પુષ્પ છે; તે ભક્તને સારુ લાગે તે સારુ કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે, તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરે અને વાણી તે ભગવાનના યશને જ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે; એમ ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ. જેમ કોઈક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય, અને તે રાજા સાઠ્ય-સિત્તેર વર્ષનો થાય ને પછી તેનો દીકરો મરી જાય, ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય; તેમ અમારે પણ ખાતાં-પીતાં, ઘોડે ચઢતાં, રાજી- કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે.

10. ગઢડા અંત્ય ૨૨ ( para.4)

અને સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે, ભગવાન ને ભગવાનના ભક્તને વિષે દોષબુદ્ધિ થાય ને તે દોષબુદ્ધિએ કરીને ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાઈ જાય. માટે કોટિ ગૌહત્યા કરી હોય તથા મદ્ય-માંસનું ભક્ષણ કર્યું હોય તથા અસંખ્ય ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય, તે એ પાપ થકી તો કોઈ કાળે છૂટકો થાય, પણ ભગવાન ને ભગવાનના ભક્તનો જે દ્રોહી તેનો તો કોઈ કાળે એ પાપ થકી છૂટકો ન થાય. અને તે પુરુષ હોય તો રાક્ષસ થઈ જાય ને સ્ત્રી હોય તો રાક્ષસી થઈ જાય. પછી તે કોઈ જન્મમાં અસુર મટીને ભગવાનનો ભક્ત થતો નથી. અને જેણે ભગવાનના ભક્તનો દ્રોહ આદર્યો હોય ને પરિપક્વ દ્રોહબુદ્ધિ થઈ હોય તેની તો કોઈ યોગે કરીને દ્રોહબુદ્ધિ ટળે નહિ. અને દ્રોહ કર્યાની સાધન દશામાં હોય ને એમ જાણે જે, ‘ભગવાન ને ભગવાનના ભક્તનો મેં દ્રોહ કર્યો એ મોટું પાપ કર્યું, માટે હું તો અતિશય નીચ છું અને ભગવાન ને ભગવાનના ભક્ત તે તો બહુ મોટા છે.’ એવી રીતે જે ભગવાનનો ને ભગવાનના ભક્તનો ગુણ લે અને પોતાને વિષે દોષ જુએ, તો ગમે તેવા મોટા પાપ કર્યા હોય તોપણ તે નાશ પામે છે. અને ભગવાન પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાજી થાય છે ને દુઃખાય છે, તેવા કોઈ પાપે કરીને દુઃખાતા નથી. અને જ્યારે વૈકુંઠલોકમાં જય-વિજયે સનકાદિકનું અપમાન કર્યું ત્યારે ભગવાન તત્કાળ સનકાદિક પાસે આવ્યા ને સનકાદિક પ્રત્યે એમ બોલ્યા જે, “તમારા જેવા સાધુ છે તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે. માટે તમે જય-વિજયને શાપ દીધો એ બહુ સારુ કર્યું, અને તમારા જેવા ભગવદીય બ્રાહ્મણ તેનો તો જો મારો હાથ દ્રોહ કરે તો તે હાથને પણ હું કાપી નાંખું તો બીજાની શી વાત કહેવી ?” એવી રીતે વૈકુંઠનાથ ભગવાન સનકાદિક પ્રત્યે બોલ્યા, ને જય-વિજય હતા તે ભગવદીયના અપરાધરૂપી જે પાપ તેણે કરીને દૈત્ય થયા. એવી રીતે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે તે સર્વે મોટી પદવીમાંથી પડી ગયા છે, તે શાસ્ત્રમાં વાત પ્રસિદ્ધ છે. માટે જેને પોતાનું રૂડું ઈચ્છવું તેણે ભગવાનનાં ભક્તનો દ્રોહ કરવો નહિ ને જો જાણે-અજાણે કાંઈક દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગી સ્તુતિ કરીને જેમ તે રાજી થાય તેમ કરવું.”

11. ગઢડા અંત્ય ૨૫ ( para.5)

પછી શ્રીજીમહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછાવ્યો જે, “હે મહારાજ! કયા ગુણે કરીને તમે રાજી થાઓ ને ક્યા દોષે કરીને કુરાજી થાઓ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આટલા તો વચનમાં દોષ છે. તે કયા ? તો પોતાના અંતરમાં કાંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું જે, ‘હે મહારાજ ! તમે કહો તો હું આવી રીતે વર્તું;’ પણ વારંવાર ન કહેવું જે, ‘હે મહારાજ ! હું આમ વર્તું કે આમ વર્તું, તે તમે કેમ મને કહેતા નથી ?’ તે ન ગમે. અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે ને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. અને હું કોઈની આગળ વાત કરતો હોઉં ને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. અને ભગવાનનું ધ્યાન કરવું, તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઈત્યાદિક જે જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાંખે જે, ‘ભગવાન કરાવશે તો થશે,’ તે ન ગમે. અને ‘આમ હું કરીશ’, આમ હું કરીશ. એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે. અને જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય તે તો અતિશય ન ગમે. અને બીજા વ્યાવહારિક કામ કરવા હોય તેમાં તો લાજ તથા આળસ ન હોય ને ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવવા; તેમાં લાજ રાખે ને આળસ રાખે તે ન ગમે. અને ત્યાગનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાવે તે ન ગમે. અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે, પણ પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે, તે ન ગમે. તથા કોઈક મોટા તે સભામાં બેઠા હોય ને તેને કૂણી મારીને માગ કરીને પોતે બેસે, તે ન ગમે. અને બાઈ માણસ હોય ને તે પોતાનાં અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે, તે ગમે. તથા ચાલે ત્યારે નીચી દૃષ્ટિ રાખીને ચાલે પણ ફાટી દૃષ્ટિ રાખે નહિ, તે ગમે. અને અમારા દર્શન કરતા હોય ને કોઈક બાઈ-ભાઈ આવે અથવા કૂતરું નીસરે કે ઢોર નીસરે કે કાંઈક ખડખડે, તેની સામું વારંવાર દર્શન મૂકીને જુવે, પણ એકદૃષ્ટિએ દર્શન ન કરે, તેની ઉપર તો એવી રીસ ચડે જે, ‘શું કરીએ ? સાધુ થયા, નહિ તો એનુ કાંઈક તાડન કરીએ.’ પણ તે તો થાય નહિ; કેમ જે સાધુને કોઈનું તાડન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે. અને જે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહિ, તે ન ગમે. અને માન તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું તે શું ? તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહિ. એ ત્રણ વાનાં તો અતિશય ભૂંડા છે. અને હરિભક્તને માંહોમાંહી બરોબરિયાપણું રહે, પણ એક એકનો ભાર ન આવે એ પણ અતિશય ભૂંડું છે.”

12. ગઢડા અંત્ય ૨૬ ( para.3)

પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ; પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન ન કરી શકે, તે પુરુષ કેવો હોય ? તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, “આ લોકમાં જે સારુ-નરસું કર્મ કરે છે, તેનું જે સારુ-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે,’ એવી દૃઢ મતિ જેને હોય તથા લાજ હોય જે, ‘ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું ?” એવો જે હોય, તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીઆદિક તે બંધન કરી શકે નહિ. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી-ધનાદિક પદાર્થનો યોગ થાય, તો પણ એ ડગે નહિ. અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે, ‘હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું,’ એવું અંગ હોય; તથા બીજું એમ હોય જે, ‘ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે જે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે.’ એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારુ જે, ‘આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે અને એમ સમજે જે, ‘હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે.’ એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથી હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહિ. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય, તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે.”

13. ગઢડા અંત્ય ૨૯ ( para.3)

ત્યારે શુકમુનિએ આશંકા કરી જે, “હે મહારાજ ! એ મંદ વૈરાગ્યવાળો ત્યાગી છે તે સંત થકી ભગવાનના માહાત્મ્યની વાત સાંભળે ને પછી તો તે મનમાં વિચાર કરે, તો શું એને તીવ્ર વૈરાગ્ય ન આવે? અને પ્રથમથી જ તીવ્ર વૈરાગ્ય તો કોઈકને પ્રારબ્ધ યોગે કરીને હશે; અને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે જે, આને વૈરાગ્ય ન હતો ને પછી થયો; ત્યારે એનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો એમ ઉત્તર છે જે, પોતાને વિચારે તથા કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહિ. અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચાર ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ, તેની સાથે એને અતિશય હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે, ત્યારે તો તે જુવે, સાંભળે, બોલે ઈત્યાદિક જે જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે કરે, પણ તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહિ. અને તે સંતની મરજીથી બાહેર વર્ત્યામાં તેના મનને વિષે નિરંતર ભય વર્તે જે, ‘જો હું એમની મરજી પ્રમાણે નહિ વર્તું તો એ મારી સાથે હેત નહિ રાખે.’ તે સારુ નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે. માટે જો એવું સંત સાથે હેત થયું હોય, તો વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. અને જુઓને આપણા સત્સંગમાં બાઈ-ભાઈ-પરમહંસ એ સર્વેને અમારી ઉપર હેત છે તો મોટેરી બે ત્રણ બાઈયો છે તે બરોબર બીજી સર્વે બાઈયો વર્તમાન પાળે છે. કેમ જે, એે મનમાં એમ જાણે છે જે, ‘જો અમે ખબડદાર થઈને વર્તમાન નહિ પાળીએ તો મહારાજનું હેત અમારી ઉપર નહિ રહે ને કુરાજી થશે.’ તથા પરમહંસમાં પણ એમ છે તથા બીજા જે સત્સંગી તથા બ્રહ્મચારી તથા પાળા, એ સર્વેમાં પણ એમ છે. તથા દેશદેશના હરિભક્ત બાઈ ભાઈ છેટે રહ્યાં છે તે પણ વર્તમાનમાં ખબડદાર વર્તે છે અને એમ જાણે છે જે, ‘જો આપણ સારી પેઠે નહિ વર્તીએ તો મહારાજ કુરાજી થશે.’ માટે અમારે વિષે હેતે કરીને બંધાણા થકા સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે, પણ વૈરાગ્ય તો કોઈકને થોડો હશે ને કોઈકને ઝાઝો હશે, તેનો કાંઈ મેળ છે નહિ. અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા ને તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણાં સર્વેની વૃત્તિઓ છે તેવી ન રહેત. ત્યારે તો જે તીવ્ર વૈરાગ્યવાળા હોય તે ધર્મમાં રહે તથા તેની સાથે જેણે પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય, તે ધર્મમાં રહે તથા જે સત્સંગનો યોગ રાખે ને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમ કહ્યા છે તે પ્રમાણે વર્તે, તો ધર્મમાં રહે અને એ વિના બીજાનું તો કાંઈ ઠીક રહે નહિ. માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો આ અમે કહ્યો એ જ ઉત્તર છે.”

14. ગઢડા અંત્ય ૩૦ ( para.3)

અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે, ‘આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે.’ ને સુખ-દુઃખ, રાજીપો- કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે; એવો વૈરાગ્ય કહ્યો. અને બીજું એમ જે, આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે. અને ત્રીજું એમ જે, અમારા મનમાં પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી ? અને એમ જાણું છું જે, ટળી તો ગઈ છે ત્યારે તે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે? ત્યારે રખે ન ટળી હોય ! એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. અને ચોથું એમ જે, મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત; એ જે સર્વ છે તેને પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નહિ ? અને આની વાસના ટળી છે, ને આને આની નથી ટળી. એમ સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. અને પાંચમું એમ જે, જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય ને દેહ પડી જાય. માટે એમ જાણીએ છીએ જે, ‘મનને ઉદાસી ન કરવું.’ કેમ જે, ભલા અમારે યોગે કરીને આ સર્વે બાઈ-ભાઈ, પરમહંસ રાજીપે બેઠાં ભગવદ્‌ભક્તિ કરે છે, તો એ ઠીક છે. અને ભગવદ્‌ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે જે, મરી તો સર્વને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે. એમ નિરંતર અનુસંધાન રહે છે.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ શ્રીપુરુષોત્તમનારાયણ છે.

(કુલ: 19)