નિશ્ચય

નિશ્ચય

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "નિશ્ચય" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીકૃષ્ણભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય, તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે, ‘ગોલોક, વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી,’ એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિયો છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ.”

2. ગઢડા પ્રથમ ૧૨ ( para.4)

હવે મહત્તત્વાદિક જે તત્ત્વ તેના લક્ષણ કહીએ તે સાંભળો જે, ચિત્તને અને મહત્તત્ત્વને અભેદપણે જાણવું અને જે મહત્તત્ત્વને વિષે સૂક્ષ્મરૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને સ્વચ્છ છે ને શુદ્ધસત્ત્વમય છે અને શાંત છે. હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ જે, અહંકાર જે તે ત્રિગુણાત્મક છે અને ભૂતમાત્ર, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિનું કારણ છે; અને એને વિષે શાંતપણું છે, ઘોરપણું છે અને વિમૂઢપણું છે. હવે મનનું લક્ષણ કહીએ છીએ જે, મન જે તે સ્ત્રી આદિક પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પરૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ જે, બુદ્ધિને વિષે પદાર્થમાત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્દ્રિયોને વિષે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિ વતે છે; અને જે બુદ્ધિને વિષે સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ એ રહ્યાં છે. અને શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાક્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ એ જે દશ ઇન્દ્રિયો તેમનું લક્ષણ તો એ છે જે, પોતપોતાના વિષયમાં પ્રવર્તવું.

3. ગઢડા પ્રથમ ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “એક હરિજન છે તે સંસારને તજીને નીસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે, એવો એક ત્યાગી ભક્ત છે; અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે. અને વળી બીજો ગૃહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે. એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે ?” પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઓલ્યો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નીસર્યો છે, તે કેવી રીતે શ્રેષ્ઠ છે ? અને ગૃહસ્થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે, તે કેવી રીતે ન્યૂન છે ?” પછી શ્રીજીમહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું, પણ સમાધાન થયું નહિ. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! તમે ઉત્તર કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ત્યાગી હોય અને તેને સારી પેઠે ખાવા મળે અને જો કાચી મતિવાળો હોય, તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી કરતા તો ગૃહસ્થ ઘણો સારો; કેમ જે, ગૃહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે, ત્યારે તે એમ વિચાર રાખે જે, ‘રખે મારે આમાંથી બંધન થાય !’ એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો જે, ‘જેણે સંસાર મુક્યો ને પાછી સંસારની વાસના રહે જ નહિ’. અને ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે, જો ગૃહસ્થના ધર્મ સચવાય તો; પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે. અને અનંત પ્રકારના સુખ-દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડુંઅવળું ડોલવા દે નહિ, અને એમ સમજે જે, ‘સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણિ અને કલ્પવૃક્ષ મળ્યો છે; અને ધન, દોલત, દીકરા, દીકરી એ તો સર્વ સ્વપ્નતુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે.’ એમ સમજે; અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહિ, એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે. અને સૌ કરતા ભગવાનના ભક્ત થાવું એ ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે.” એમ કહીને તે ઉપર શ્રીજીમહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવરાવ્યાં.

4. ગઢડા પ્રથમ ૧૮ ( para.2)

પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા જે, “એક વાત કહું તે સાંભળો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે, અને તે વિના તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ અને ભારતાદિક ઇતિહાસ; તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહિ. તે વાત કહીએ તે સાંભળો જે, ‘બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય, તો તેનો અમારે ખરખરો નહિ, અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય, તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય;’ એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે, ‘ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે ?’ પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગે કરીને અંતઃકરણને ગાફલતા રહે છે જે, ‘ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી.’ એવું ગાફલપણું રહે છે એટલો જ અંતઃકરણનો વાંક છે. અને ઝાઝો વાંક તો પંચ જ્ઞાનઇન્દ્રિયોનો છે. તેની વિગતિ કહીએ છીએ જે, એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન- ભોજન પ્રત્યે જુદા-જુદા સ્વાદ છે અને જુદા-જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગ પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તોય પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહિ અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહિ, તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે, તેનો ગણતા પણ પાર આવે નહિ. તેમજ એ જીવ શ્રોત્રદ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા-જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે; જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ પીવે અથવા દારૂ પીવે એવી છે; માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન, સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા-જુદા અનંત પ્રકારના છે, તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ-દારૂના જેવો છે; માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુધબુધને ભુલાડી દે છે. તેમ જ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા-જુદા છે; તે કોઈક ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ તથા દારૂ પીધે ભૂંડું થાય છે તેમ જ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તેમ જ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે; તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવી રીતે જેમ ભૂંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે; તેમ જ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે અને વર્તમાનની આડ્યે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય; અને તેમ જ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવા; તેમ જ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે, તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી રાખી છે તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી; અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમ જ તે મોટાપુરુષને ચઢ્યું એવું જે પુષ્પ, ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે એ પંચવિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર-અસારનો વિભાગ નહિ કરે અને તે નારદ, સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું ? તે સારુ એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય-અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાશે અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે. અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે, અને જો પંચઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી.

5. ગઢડા પ્રથમ ૨૧ ( para.3)

અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે અને એ અક્ષરધામને વિષે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટિ મુક્ત રહ્યા છે. તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને પુરુષોત્તમનારાયણ તે સર્વના સ્વામી છે ને અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે માટે આપણા સત્સંગી સર્વેને તો એમજ નિશ્ચય કરવો જે, ‘આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી, ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી.’ એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય માહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય, માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા.”

6. ગઢડા પ્રથમ ૨૩ ( para.2)

પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજીમહારાજ વાત કરવા લાગ્યા જે, “વાસુદેવ માહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે; કેમ જે, ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે એ ગ્રંથમાં કહી છે. અને ભગવાનના જે ભક્ત તે બે પ્રકારના છે. તેમાં એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે, પણ તે દેહાત્મબુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરે છે. અને બીજો તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તેથી પર ને ચૈતન્યરૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે, પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાળે, ને તે પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશે યુક્ત ભાસે; એવી રીતની સ્થિતિવાળો હોય. અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે તો પણ તેને માથે વિઘ્ન છે. અને જો એવી સ્થિતિમાં શિવજી નો’તા વર્તતા તો મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા, અને એવી સ્થિતિમાં બ્રહ્મા નો’તા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા, અને એવી સ્થિતિમાં નારદજી નો’તા વર્તતા તો પરણ્યાનું મન થયું, અને ઈન્દ્ર તથા ચંદ્રાદિક તેમને જો એવી સ્થિતિ નો’તિ તો કલંક લાગ્યા. અને ભગવાનનો ભક્ત હોય પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનને વિષે પણ પ્રાકૃત ભાવ પરઠાઈ જાય છે. જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નો’તો તો રાસક્રીડા સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે સંશય થયો અને શુકજી જો એવા ભક્ત હતા તો તેને કોઈ જાતનો સંશય થયો જ નહિ. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘મારે વિષે કોઈ દોષ અડી શકે નહિ તથા તે દોષ કાંઈ બાધ કરી શકે નહિ, તો જેને ભજને કરીને હું આવો થયો એવા જે ભગવાન તેને વિષે તો કોઈ માયિક દોષ હોય જ કેમ ?’ એમ દ્રઢપણે સમજે છે. અને એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની મૂર્તિને વિષે જ્યારે વૃત્તિને રાખે છે ત્યારે તે વૃત્તિના બે વિભાગ થાય છે; તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે અને બીજી તો જે ભજનનો કરનારો તેમાં રહે છે. અને ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે તે પ્રેમે યુક્ત રહે છે, અને ભજનના કરનારામાં જે વૃત્તિ રહે છે તે તો વિચારે યુક્ત રહે છે, અને તે વૃત્તિ જે તે ભજનના કરનારાને વિષે ભગવાનના ભજન વિના બીજા જે જે ઘાટ-સંકલ્પ થાય છે તે સર્વેને ખોટા કરી નાખે છે, તથા તે ભજન કરનારામાં જે દોષ તે સર્વેને ખોટા કરી નાખે છે; એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે. અને ઘડીક તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે ને ઘડીકમાં તો ચાળા ચૂંથતો ફરે તેને તો એવી સ્થિતિ થતી નથી. જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ, પછી વળી બીજે દિવસ અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાઈ નહિ; કાં જે, આગલા દિવસનું જળ આગલે દિવસ સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસ સુકાઈ જાય. અને જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય. તેમ ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં તથા શુભ ક્રિયાને વિષે તથા અશુભ ક્રિયાને વિષે સર્વ કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા રાખતા એવી દ્રઢ સ્થિતિ થાય છે.”

7. ગઢડા પ્રથમ ૨૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે, તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ? તો પ્રકૃતિપુરુષથી પર છે, અને જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. અને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે, અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ, એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય ; એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે, તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે, ને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે, અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટમાત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર્ય ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહિ, ને મગનો દાણો પરાણે પરાણે ચવાય, અને જો ઘણા લીંબુ ચૂસ્યાં હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહિ. તેમ ભગવાનનો નિશ્ચય અને માહાત્મ્યરૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતઃકરણ ને દશ ઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે એ જીવ મનરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, તેમ જ ચિત્તરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી, તેમ જ બુદ્ધિરૂપ પોતાની ડાઢ્યે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી, તેમ જ અહંકારરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી, તેમ જ પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચ કર્મઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો છે તે ડાઢ્યે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા, તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી, અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિષે જે અલ્પમતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિષે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહિ. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઇ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઇ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઇ જાય છે, ને જે એ ભગવાનને ઇર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઇર્ષ્યાવાન થઇ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્પે છે તે તો જેમ ‘સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે.’ તેમ ભગવાનને વિષે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઇ જાય છે.”

8. ગઢડા પ્રથમ ૨૪ ( para.3)

પછી બ્રહ્માનંદસ્વામીએ પૂછ્યું જે, “કોઈ વિષયમાં પણ પોતાનાં ઇન્દ્રિયો તણાતાં ન હોય, ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય, ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પણ હરિભક્તમાં મોટી ખોટ્ય છે, જે પોતાનું મન સ્થિર થયું છે, ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે, તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી, જે, ‘હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિષે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે; અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ-ક્રોધાદિ સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ-સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે માટે મારું મોટું ભાગ્ય છે’. એવો વિચાર નથી કરતો ને આઠો પહોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ્ય છે. જેમ બાળકના હાથમાં ચિંતામણિ દીધો હોય તેનું તેને માહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેફ રહેતો નથી જે, ‘મારું પૂર્ણકામપણું થયું છે’ એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે, ‘આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો-તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે,’ એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

9. ગઢડા પ્રથમ ૨૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે, “સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે, અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે, માટે એ બે વાનાં તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવાં, અને એ બે માં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તે તેને તેજ અતિશય દેખાણું; તે તેજને જોઇને ચીસ પાડવા માંડી ને કહ્યું જે, ‘હું બળું છું’ માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને, તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે અને અમે તે હરિભક્તને સમજાવ્યું જે, ‘તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી; ને આ લાડકીબાઇ નામ અને ભાટનો દેહ તે તું નથી અને અછેદ્ય, અભેદ્ય એવો જે આત્મા, તે તારું સ્વરૂપ છે.’ પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે, ‘ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો.’ અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે; અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિષે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે, અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે; ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિષે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે અને કડાકા અતિશય થાય છે, તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહા શૂરવીર હતા, તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહિ, માટે એમ બોલ્યા જે, ‘હે મહારાજ ! આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો.’ એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિષે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી; તે સારુ દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે; એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે અને બીજો પ્રકાર એ છે જે, ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે ? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય, અને તે ભગવાનને વિષે વૃત્તિ ક્યારે જોડાય ? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીશ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહિ અને તે વીશે કોશનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહિ; તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાય જાય છે, તેમ જ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમ જ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિષે ફેલાઈ જાય છે, તેમ જ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિયો પણ પોતપોતાના વિષયને વિષે હજારો પ્રકારે ફેલાઈ જાય છે; એવી રીતે દશે ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું ચિંતવન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે ‘હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું,’ એવું જ અભિમાન ધરે, ત્યારે એની એક વાસના થઈ જાણવી.

10. ગઢડા પ્રથમ ૩૧ ( para.4)

ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું જે, ‘હે મહારાજ ! મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહિ, પણ જેવો-તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ તમે સમજો છો તેમ નાનપ્ય-મોટયપ નથી. મોટ્યપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે. અને એ બે વાનાં જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટ્યપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિષે છે. કેમ જે, આજ જે સર્વ હરિભક્ત છે. તે એમ સમજે છે જે, ‘અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ.’ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહસ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહિ અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે.”

11. ગઢડા પ્રથમ ૫૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાંઈ પ્રશ્ન પૂછો.” પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “દસ ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણના છે, માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ, તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે, તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય; માટે માયિક જે અંતઃકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા, એ રીતે તમારો પ્રશ્ન છે ?” પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું જે, “એ જ પ્રશ્ન છે, તેને હે મહારાજ ! તમે પુષ્ટ કરી આપ્યો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થરૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે અને જળ તો પૃથ્વીને હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે, માટે જળની દૃષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે માટે તેજની દૃષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી એકલું તેજ જ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે માટે તે વાયુની દૃષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહિ, એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્વિકાહંકાર અને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; એ સર્વે મહત્તત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહત્તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી એકલું મહત્તત્ત્વ જ છે. અને તે મહત્તત્ત્વ પણ પ્રધાન-પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે માટે એ પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્તત્ત્વ નથી એકલી એ પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટિ પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહામાયાની દૃષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી એકલી મહામાયા જ છે અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહાપુરુષની દૃષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી એકલો મહાપુરુષ જ છે અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર, તેના એક દેશમાંથી ઊપજે છે, માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે; તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને તે સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપે થઈ જાય છે, ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે, અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તેણે કરીને નથી થતું.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

12. ગઢડા પ્રથમ ૫૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન-ઉત્તર કરીએ,” એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો હું પ્રશ્ન પૂછું છું જે, “શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે ?” પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાની છે તે તો બ્રહ્મસ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તો પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી, તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારુ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિષે મોટી ખોટ છે અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિષે દ્રઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહિ અથવા તેની આગળ દીનવચન બોલાય નહિ તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટ્યે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે જે, ‘પાણી ઘણું થશે’ અને જો ઉપરથી રણકતો હોય ને માંહી કાપે ત્યારે અગ્નિ ઝરે તો સલાટ એમ કહે જે, ‘કૂવામાં પાણી થશે તો અર્ધા કોશનું કે પા કોશનું થશે પણ વધુ નહિ થાય.’ તેમ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો કહેવાય, પણ જેવું અર્ધા કોશનું કે પા કોશનું પાણી થયું એવો મોટો થાય, પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહિ, તો એ પુરુષના હૃદયને વિષે પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણનારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે.”

13. ગઢડા પ્રથમ ૫૬ ( para.5)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે’ એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તો પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઈત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે. તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં.’ એમ વિગતિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર, તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધનસિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભકતોના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘ગમે તેવો પાપી હોય ને અંતસમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ?’ એમ માહાત્મ્ય સમજે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”

14. ગઢડા પ્રથમ ૫૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, ‘આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે,’ તથા આસ્તિકપણું હોય તથા ભગવાનનાં જે ઐશ્વર્ય તેને જાણે જે, ‘આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરુષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવિશ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કર્તા જાણે નહિ, એક ભગવાન પુરુષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે.’ એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે નિશ્ચય તે જ પરમેશ્વરને વિષે અસાધારણ સ્નેહનું કારણ છે.”

15. ગઢડા પ્રથમ ૬૧ ( para.4)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારુ ભગવાન જ પ્રેરે છે જે, ‘એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે ?’ એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુવે છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. “જેમ વામનજીએ બળિરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ચૌદ લોકના બે પગલા કર્યા અને ત્રીજા પગલા સારુ તે બળિરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું તો ભગવાને એને વગર વાંકે બાંધ્યો, તો પણ ભક્તિ થકી પડ્યો નહિ. ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા. અને ભગવાને તો બળિરાજાને ક્ષણમાત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે, તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળિને દરવાજે ઊભા છે અને બળિરાજાની દૃષ્ટિ થકી પળમાત્ર પણ ભગવાન છેટે થતા નથી.” એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહેશું, અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જશે. શા માટે જે પોતે, ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે. તે જેની પોતાને વિષે અતિદ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે, ‘ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પળ માત્ર મારાથી છેટે નહિ રહે.’ એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહિ.”

16. ગઢડા પ્રથમ ૬૨ ( para.8)

गांभीर्यं स्थैर्यमास्तिक्यं कीर्तिर्मानोऽनहंकृतिः ।। એ જે ઓગણચાળીશ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે, એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે, તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય તો જે, ‘ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, અને સર્વ થકી ભગવાનને જુદા જાણે, અને સર્વના નિયંતા જાણે ને સર્વના કર્તા જાણે અને એ સર્વના કર્તા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે. અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહિ, તે ગમે તેવા તરેતરેનાં શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહિ, એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય, માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. જેમ આપણાં નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે.”

17. ગઢડા પ્રથમ ૬૨ ( para.9)

પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષ્યા તો દિવસે-દિવસે વધતાં જાય છે, તેનું શું કારણ હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન પાસે એક અમૃત લાવીએ અને શિંગડિયો વછનાગ લાવીએ અને દૂધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ, અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ, તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે પણ પલટાઈ જાય નહિ, તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહિ. પછી એ કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે જે, ભગવાન સર્વમાં અંતર્યામીરૂપે કરીને રહ્યા છે; તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થી જણાવે છે. માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે, ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે, જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકીને પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો પણ તેણે જો પ્રહ્લાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિંહરૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો, એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહિ. કાં જે, ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુઃખવવો નહિ અને જો અહંકારને વશ થઈને જેને તેને દુઃખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહિ. પછી ગમે તે દ્વારે પ્રકટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે, તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશમાત્ર અભિમાન રાખવું નહિ અને એક કીડી જેવા જીવને પણ દુઃખવવો નહિ એજ નિર્માની સાધુનો ધર્મ છે.”

18. ગઢડા પ્રથમ ૬૩ ( para.2)

પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થી દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થી ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય. અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહિ, ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે જે, ‘હું આટલા દહાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી.’ એવી રીતે ભગવાનમાં દોષ પરઠે. અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિષે પરઠે જે, ‘જેમ મારે વિષે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિષે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે.’ એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી, એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય.”

19. ગઢડા પ્રથમ ૬૩ ( para.3)

પછી પરમચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે જે, ‘મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે તે નારદ, સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે અને જે બાઈઓ હરિભક્ત છે, તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રુક્મિણી, લક્ષ્મી, પાર્વતી એવી છે અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું.’ એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે, એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો.”

20. ગઢડા પ્રથમ ૬૩ ( para.4)

એમ કહીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “તત્ત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્ત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો, જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે. જે, પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. ‘જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલિયો હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીયો રહેવાની હોય અને બાગબગીચા ને ઘોડા, વેલ્યો, ઘરેણાં; એ આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય, ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય.’ તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી, તો જેના નાભિકમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટપુરુષ તેમના વૈભવનો પાર તો ક્યાંથી પમાય ? અને એવા અનંતકોટિ જે વિરાટપુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જેને વિષે એવા અનંતકોટિ બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઊડતાં ફરે છે, એવું એ ભગવાનનું ધામ છે, અને તે ધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્યરૂપે કરીને સદા વિરાજમાન છે અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટ્યનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટ્યપ સમજે. અને જે થકી જે મોટો હોય તે થકી તે સૂક્ષ્મ હોય અને તે તેનું કારણ પણ હોય. ‘જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે. અને તે થકી સૂક્ષ્મ પણ છે અને જળ થકી તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે.’ એવી રીતે અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ અને અક્ષર એ સર્વે એક બીજાથી મોટા છે અને એક બીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે, પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે; જેના એક એક રોમને વિષે અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં જ ફરે છે. ‘જેમ કોઈ મોટો હસ્તી હોય, તેના શરીર ઉપર કીડી ચાલી જાતી હોય તે કશી ગણતીમાં આવે નહિ’, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. ‘જેમ ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય અને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય ને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય અને સાપને મધ્યે સમળા હોય તે મોટા દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડા ને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય અને પૃથ્વીનું કારણ જે જળ તે તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે.’ એવી રીતે જળનું કારણ તે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અને અહંકારનું કારણ મહત્તત્ત્વ છે, મહત્તત્ત્વનું કારણ પ્રધાન અને પુરુષ છે અને પ્રધાન અને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ ને બ્રહ્મ છે અને એ સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એ અક્ષરની સંકોચ અને વિકાસ અવસ્થા થાતી નથી, સદાય એકરૂપ રહે છે. અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. ‘જેમ ચોવિશ તત્ત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે અને તે વિરાટપુરુષ જે તે કર-ચરણાદિકે કરીને યુક્ત છે પણ તેની મૂર્તિ અતિશય મોટી છે, માટે નજરે આવતી નથી. અને તેની નાભિમાંથી થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા સો વર્ષ લગી ચાલ્યા; પણ તેનો અંત ન આવ્યો અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટપુરુષનો પાર કેમ આવે? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી.’ તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહિ, તે શા માટે જે, એવા એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઊડતાં જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે, અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંતકોટિ બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિષે અન્વયપણે રહ્યા છે. અને તે અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંતકોટિ મુક્ત તે એ ભગવાનની સેવાને વિષે રહે છે. અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્યના જેવો પ્રકાશ છે, માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય ! એવા અતિ સમર્થ જે ભગવાન, તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિપુરુષરૂપે થાય છે અને પછી પ્રધાનપુરુષરૂપે થાય છે અને પછી પ્રધાનમાંથી થયા જે ચોવિશ તત્ત્વ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વે કરીને સરજાણા જે વિરાટપુરુષ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવમાં પ્રવેશ કરીને તે તે રૂપે થાય છે.

21. ગઢડા પ્રથમ ૬૩ ( para.5)

એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. ‘જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો નીસરે નહિ, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નીસરે.’ તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પ રૂપનું ધારણ કરે છે; ‘જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય,’ તેમ ભગવાન પણ પોતાની સામર્થી છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જે, ‘ભગવાન કાંઈ સામર્થી કેમ પ્રગટ કરતા નથી ?’ પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થી ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટ્યપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના ? એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય, તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી, માટે એવી રીતે તત્ત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી.”

22. ગઢડા પ્રથમ ૬૩ ( para.7)

એમ વાર્તા કરીને પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે, જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તો પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હઠે નહિ અને કચવાઈને પણ કરે નહિ, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ જે, ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટિ ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે, તો તે સ્વભાવને તત્કાળ મૂકે. અને ત્રીજું એ લક્ષણ જે, પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા-કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડીમાત્ર રહેવાય નહિ અને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધયોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય તો પણ તેનું અકલ્યાણ ન થાય, અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તો પણ તેના કલ્યાણમાં ફેર છે.”

23. ગઢડા પ્રથમ ૬૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ન પૂછીએ છીએ,” ત્યારે મુનિએ કહ્યું જે, “પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઓગણતેરા કાળમાં અમને એક મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્યારે એમ ભાસતું જે, અમે પુરુષોત્તમ પુરીને વિષે જઈને શ્રીજગન્નાથજીની મૂર્તિને વિષે પ્રવેશ કરીને રહ્યા છીએ અને તે મૂર્તિ તો કાષ્ઠની જણાય પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળકપટ સર્વ દેખતા. અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે, ‘શુકજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા.’ માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે, માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય, તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે તેમાં પોતે સાક્ષાત્ પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે ‘જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખી જોઈએ, અને તેમ જ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખી જોઈએ, તે તો એ ભક્ત લેશમાત્ર રાખતો નથી; અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે, ‘મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિષે હું અખંડ નિવાસ કરીને રહું છું.’ અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલફતૂર કરે છે, પણ લેશમાત્ર ભગવાનનો ડર રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નથી ? એ પ્રશ્ન છે.” ત્યારે પરમહંસ બોલ્યા જે, “જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી.”

24. ગઢડા પ્રથમ ૬૮ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થશે કે નહિ થાય ?” પછી સંત બોલ્યા જે, “એનું કલ્યાણ નહિ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિને વિષે નાસ્તિકપણું આવે અને સંતને વિષે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહિ રહે, એને તો જેનું ભજન-સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને એ ભગવાનનાં જે ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે, તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને અને કર્મે કરીને માનશે; પણ પરમેશ્વર વતે કરીને નહિ માને એવો પાકો નાસ્તિક થશે.”

25. ગઢડા પ્રથમ ૭૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટા મોટા પરમહંસ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો.” ત્યારે ગામ રોજકાના હરિભક્ત કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “અંતરને માંહીલી કોરે એક કહે છે જે, ‘વિષયને ભોગવીએ,’ અને એક તેની ના પાડે છે, તે ના પાડે છે તે કોણ છે ને હા પાડે છે તે કોણ છે ?” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “ના પાડે છે તે જીવ છે ને હા પાડે છે તે મન છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, આ આપણે છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી, તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો જે, “આ તારી મા ને આ તારો બાપ, ને આ તારો કાકો, ને આ તારો ભાઈ, ને આ તારો મામો, ને આ તારી બેન, ને આ તારી મામી, ને આ તારી કાકી, ને આ તારી માશી, ને આ તારી ભેંસ, ને આ તારી ગાય, ને આ તારો ઘોડો, ને આ તારું લૂગડું, ને આ તારું ઘર, ને આ તારી મેડી, ને આ તારું ખેતર, ને આ તારા ઘરેણાં’ ઈત્યાદિક, જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે, તે કેવી રીતે રહ્યા છે ? તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે, તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે. તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ ને તેના રૂપ તે પંચવિષયે સહિત રહ્યાં છે અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની ને વિષય ખંડનની ને જગતમિથ્યાની વાર્તા કરી. તે સંતની વાર્તા ને તે સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યાં છે. તે એ બે લશ્કર છે ને સામસામા ઊભા છે; ‘જેમ કુરુક્ષેત્રને વિષે કૌરવ ને પાંડવના લશ્કર સામસામા ઊભા હતા ને પરસ્પર તીર ને બરછી ને બંદૂક ને તોપ ને જંજાળોની લડાઈ થતી હતી અને કોઈ તરવારે લડતા હતા ને કોઈક ગદાએ લડતા હતા ને કોઈક બથોબથ લડતા હતા, ને તેમાં કોઈનું માથું ઊડી ગયું ને કોઈ સાથળ કપાઈ ગયો. એમ કચ્ચરઘાણ ઊડતો હતો.’ તેમ આ જીવના અંતઃકરણમાં પણ જે કુસંગીના રૂપ છે તે પંચવિષયરૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને વળી જે આ સંતના રૂપ છે તે પણ ‘ભગવાન સત્ય ને જગત મિથ્યા ને વિષય ખોટા’ એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે. તે જ્યારે કુસંગીનું બળ થાય છે, ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા થઈ આવે છે અને જ્યારે આ સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા નથી થતી. એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે. તે જેમઃ “यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ।।” એ શ્લોકમાં કહ્યું છે જે, “જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે ત્યાંજ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે.’ તેમ જેની કોરે આ સંતમંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખવો.”

26. ગઢડા પ્રથમ ૭૦ ( para.5)

ત્યારે ગામ જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય ?” ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય.” ત્યારે વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે૨, ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈક પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો જે, ‘હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય અથવા વાંઝિયો છું તે દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થાઉં, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે.’ એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો. અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય, માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહિ કાં જે, ઘરમાં દશ માણસ હોઈએ અને તે દશેયનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઊગરે તો શું થોડો છે? કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે ? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે, એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો શૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે. ત્યાં એક વાર્તા છે જે -

27. ગઢડા પ્રથમ ૭૦ ( para.6)

એક ગામમાં ચોર બહુ રહેતા હતા. તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો. તેને માર્ગને વિષે પગમાં કાંટો વાગ્યો તે પગ સોંસરો નીકળ્યો. તેણે કરીને પગ સૂણ્યો તે ચોરીએ ન જવાણું અને બીજા ચોર તો ચોરી કરવા ગયા. તે એક રાજાનો ખજાનો ફાડીને ઘણુંક ધન લઈ આવ્યા અને સૌએ માંહોમાંહી વહેંચી લીધું. તે પૈસા બહુ આવ્યા. તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો તેના મા, બાપ, સ્ત્રી અને સગાં સર્વે વઢવા લાગ્યા જે ‘તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું ને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા.’ એમ વાર્તા કરે છે ત્યાં રાજાનું લશ્કર આવ્યું. ને તે સર્વે ચોરને ઝાલીને શૂળીએ દીધા, તેને ભેળે એને પણ ઝાલીને શૂળીએ દેવા સારુ લઈ ગયા. ત્યારે તે સર્વે ગામને માણસે તથા સાધુએ સાખ પૂરી જે, ‘આ તો ચોરી કરવા નો’તો ગયો, એને તો કાંટો વાગ્યો હતો.’ ત્યારે તે ઊગર્યો, એમ સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. કાં જે, અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે, ‘તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૃંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહિ. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય; એ બે વર મને આપો.’ એમ મેં રામાનંદ સ્વામી પાસે માંગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહિ, તોય પણ પદાર્થ નાશવંત છે. માટે એ પદાર્થની ઈચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહિ. માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, તો અડગ નિશ્ચય થાય.” ઈત્યાદિક ઘણીક વાર્તા કરી છે પણ આ તો દિશમાત્ર લખી છે.

28. ગઢડા પ્રથમ ૭૧ ( para.4)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય; એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ્‌ભાગવત પુરાણ અને ભારત; એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે. માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય, તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે; માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો.” પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, “નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રકટ મળ્યા તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે, ત્યારે એને નિશ્ચય છે કે નથી ?” પછી મુનિ બોલ્યા જે, “ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે, ‘જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું,’ એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મસ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું; જે નિશ્ચયની ના પાડો છો ?” પછી મુનિ બોલ્યા જે, ‘જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે, માટે તેની પણ અરુચિ શા સારુ રાખે ? પણ ભગવાન વિના એને ઈચ્છે નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે, ને માયાપર છે, માટે એમાં શું દૂષણ છે, જે એને ઈચ્છે નહિ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રકટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો ?” પછી મુનિ બોલ્યા જે, “એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે, તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ?” પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિષે અલૌકિક દૃષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંત કોટિ જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય, તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તના ગાર્ય, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે; તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન, તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”

29. ગઢડા પ્રથમ ૭૨ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! કાલ્યને દિવસ તમે દાદાખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય ને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. અને જે ગરીબને કલપાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહિ અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે, ‘જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ.’ માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય, પણ ગરીબ માત્રને લેશમાત્ર દુઃખવવો નહિ અને જો ગરીબને દુઃખવે તો તેનું કોઈ પ્રકારે સારુ થાય નહિ અને જો ગરીબને દુઃખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે. અને તેમ જ કોઈકને માથે જુઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે; અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું પણ તેને ફજેત કરવો નહિ અને તેમ જ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મ ભંગ કરાવે તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે, તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કઈ ? તો એક તો પોતાને શરણે આવી હોય અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત-ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી, એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિષે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી.”

30. ગઢડા પ્રથમ ૭૨ ( para.5)

પછી રોજકાના હરિભક્ત કાકાભાઈએ પૂછ્યું જે, “જેને માહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ? અને જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય જે, ‘ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહિ થાય ?’ અને જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય જે, ‘જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શ્યો સંશય છે ? હું તો કૃતાર્થ છું અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું.’ એમ સમજે તેને ભગવાનનો માહાત્મ્યે સહિત નિશ્ચય જાણવો.”

31. ગઢડા પ્રથમ ૭૨ ( para.6)

પછી વળી કાકાભાઈએ પૂછ્યું જે, “ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઈત્યાદિક છે તે આત્માને વિષે માને નહિ અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઈત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિષે માને નહિ અને પોતાના શરીરને વિષે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિષે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે; અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશમાત્ર ન હોય, એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે જે, ‘મોટા થઈને વગર વાંકે આમ શીદ કરતા હશે’ એવા લક્ષણ હોય તેને મધ્યમ ભક્ત જાણવો અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનને વિષે પ્રીતિ હોય અને જગતના વ્યવહારને વિષે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિષે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણવો.”

32. ગઢડા પ્રથમ ૭૩ ( para.7)

અને આ વાત સમજાય પણ તેને, જેને આત્મનિષ્ઠા હોય અને તે આત્માને વિષે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહિ, માટે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિષે વાસના રહેતી નથી અને વાસના ટળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ-દુઃખને ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે. અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે, તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્ દર્શન થાય છે ત્યારે બુઠિયો થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યાં હોય ને દાંત અતિશય અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહિ અને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહિ, તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના વિષયસુખને વિષે આનંદ થાય નહિ અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે અને વાસના ટળવી એ પણ કામ અતિશય ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે. એ સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે : તેમાં એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે અને કાં તો કોઈક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે ત્યારે કોટિ કોટિ સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિષે ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે, એટલે ઉપાસનાનો ભંગ થયો, માટે પ્રત્યક્ષ મૂર્તિને વિષે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ, તો સર્વે કામ સરે. અને અમે પણ એમ દ્રઢ નિશ્ચય કર્યો છે જે, ‘કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશમાત્ર અંતરાય રાખે નહિ તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહિ.”

33. ગઢડા પ્રથમ ૭૫ ( para.3)

પછી નાજે ભક્તે પ્રશ્ને પૂછ્યો જે, “ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચયવાળો હોય અને એક તો થોડા નિશ્ચયવાળો હોય અને ઉપરથી તો બેય સારા દેખાતા હોય તે બે કેમ ઓળખ્યામાં આવે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિ ને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય, તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો. અને એમાંથી જો એકેય વાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ માહાત્મ્ય વિનાનો છે અને એ ચાર વાનાં સંપૂર્ણ હોય તે માહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય જાણવો.”

34. ગઢડા પ્રથમ ૭૭ ( para.2)

અને મુનિ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરતા હતા. પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના જ્ઞાનની ઓથ્ય લઈને જે ધર્મને ખોટા કરી નાંખે તેને અસુર જાણવો. અને ભગવાનના સ્વરૂપમાં તો એવા કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે. તે શ્રીમદ્‌ભાગવતને વિષે પ્રથમ સ્કંધમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કહ્યા છે. માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંધમાં કહ્યા એવા જે સાધુના ત્રીશ લક્ષણ તે આવે છે. માટે જેમાં ત્રીશ લક્ષણ સંતના ન હોય તેને પૂરો સાધુ ન જાણવો અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ ત્રીશ લક્ષણે યુક્ત હોય, માટે આજથી જે કોઈ પંચ વર્તમાનરૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી, વચનદ્રોહી છે. અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો. અને એમ કહેવું જે, ‘તમે તો અસુરનો પક્ષ લીધો છે તે અમે નહિ માનીએ.’ એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાંખવી.”

35. ગઢડા પ્રથમ ૭૮ ( para.4)

પછી મધ્યાહ્ન સમે શ્રીજીમહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાની સમીપે બોલાવ્યા અને એમ કહ્યું જે, “તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો.” પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે, તે સર્વે કલ્યાણકારી ભાસે, અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય, ક્યારેક શોક કરે, ઈત્યાદિક અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે જે, ‘પ્રભુની સર્વ ક્રિયા કલ્યાણને અર્થે છે.’ તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય, તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો.”

36. ગઢડા પ્રથમ ૭૮ ( para.5)

પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાન અને ભગવાનના સંત તેને વિષે દોષબુદ્ધિ ન આવે તેનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવો પ્રથમ કહ્યો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષબુદ્ધિ આવે નહિ; અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહિ.”

37. ગઢડા પ્રથમ ૭૮ ( para.23)

પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદ્વાસના કેમ ટળતી નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણ્યું નથી એટલે અસદ્વાસના ટળતી નથી.”

38. ગઢડા પ્રથમ ૭૮ ( para.24)

પછી મોટા યોગાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે, તો પણ ભગવાનને વિષે ને ભગવાનની કથાને વિષે હેત કેમ થતું નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનું જેવું માહાત્મ્ય છે, તેવું એને સમજ્યામાં આવ્યું નથી, અને જો યથાર્થ ભગવાનનું માહાત્મ્ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહિ, ને એક ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનની કથા કીર્તન, તેને વિષે જ અચળ હેત થાય છે.”

39. સારંગપુર ૩ ( para.4)

પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરી વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિષે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભારવાનો જે અધ્યાસ રાખવો તેને નિદિધ્યાસ કહીએ અને તે વાર્તા જેવી હોય તેવી ને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઈદં સાંભરી આવે તેને સાક્ષાત્કાર કહીએ અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિક કર્યું હોય તો આત્મસ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ, મનન, નિદિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે, પણ મનન અને નિદિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિદિધ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય અને તે દર્શન તો કેવળ શ્રવણમાત્ર સરખું કહેવાય અને જેણે ભગવાનના અંગઅંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિદિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજ સહેજે સાંભરી આવતું હશે અને જે અંગનું દર્શન માત્ર જ થયું હશે તો તે અંગને સંભારતો હશે તો પણ નહિ સાંભરતું હોય. અને કેટલાક હરિભક્ત કહે છે જે, ‘અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભારીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે ?’ તેનું પણ એ જ કારણ છે જે, ભગવાનની મૂર્તિના દર્શનમાત્ર કરે છે પણ મનન ને નિદિધ્યાસ નથી કરતો માટે કેમ ધાર્યામાં આવે? કાં જે, જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દૃષ્ટિમાત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્રે સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભારી ન રાખ્યું હોય તો તે વીસરી જાય છે તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનન ને નિદિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભરે ? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિદિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય, નહિ તો આખી ઉંમર દર્શન-શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહિ.”

40. સારંગપુર ૧૦ ( para.2)

અને સાધુ કીર્તન ગાતા હતા. તે કીર્તન રખાવીને શ્રીજીમહારાજે તે ગામના માણસ આગળ વાત કરી જે, “આ સંસારને વિષે ધર્મવાળા અને અધર્મી એ બે પ્રકારના માણસ છે. તેમાં ધર્મવાળા જે માણસ હોય, તે ચોરી તથા પરસ્ત્રીનો સંગ તથા ચાડીચુગલી એ આદિક સર્વે પાપનો ત્યાગ કરીને ને પરમેશ્વરથી ડરીને ધર્મમર્યાદામાં ચાલે છે. તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા કોઈ બીજા હોય પણ તે સર્વે વિશ્વાસ કરે ને તે જે બોલે તે વચન સૌને સત્ય જ ભાસે અને એવા જે ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે. અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્યમાંસનું ભક્ષણ, વટલવું, વટલાવવું એ આદિક જે સર્વે કુકર્મ તેને વિષે જ ભરપૂર હોય ને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરે જ નહિ ને એનાં સગાં હોય તે પણ કોઈ એનો વિશ્વાસ ન કરે અને એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમે જ નહિ અને જો કોઈ બીજો તે સંતનો સમાગમ કરે તો તેનો પણ દ્રોહ કરે. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને અધર્મીને માર્ગે ચાલવું જ નહિ અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો, તો નિશ્ચય જ એ જીવનું કલ્યાણ થાય એમાં કાંઈ સંશય નથી.” એટલી વાર્તા કરી તેને સાંભળીને તે ગામના કેટલાક માણસે શ્રીજીમહારાજનો આશ્રય કર્યો.

41. સારંગપુર ૧૨ ( para.2)

પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સાધુને વિષે કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય એવા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો આત્મનિષ્ઠા અને બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ ત્રણ ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને પાછા જાય પણ ખરા. માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે છે અને એ ત્રણ ગુણ તો અખંડ રહે છે.”

42. સારંગપુર ૧૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “દેહની ને આત્માની નોખી વિક્તિ સમજાણી હોય તોય પણ તે વિક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેહ આત્માની વિક્તિ એકવાર ચોખી સમજાણી હોય તો પછી ભુલાય નહિ; અને એમ માને જે, ‘હું દેહ છું,’ તો પણ દેહ પોતાનું રૂપ મનાય જ નહિ,’ અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહિ. અને એમ જણાય છે જે, આત્મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે; એ તો ખોટો ખોટો મનમાં ભ્રમ પડે છે, પણ દેહાભિમાન તો આવતું જ નથી. અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ ને અખંડ રહે છે.”

43. સારંગપુર ૧૩ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે, તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને પોતાના જીવાત્માને વિષે નિશ્ચય થયો હોય, તે તો કોઈ રીતે ટળે નહિ અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય, તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રને વિષે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કર્તાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત છે. માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો ? એ પ્રશ્નનો ઉત્તર કરો.” પછી સર્વે મુનિ બોલ્યા જે, “શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી. માટે હે મહારાજ ! એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે. કાં જે, શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કહ્યા હોય અને સંતના પણ કહ્યા હોય, માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિષે પણ મા, બેન, દીકરી અને સ્ત્રી તેની વિગતિ રૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે, તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. કેમ જે, શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે, તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી. એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહિ. કાં જે, શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનનાં ચરિત્ર છે, માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બારણે હોય જ નહિ. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે અને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહિ.”

44. કારિયાણી ૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો નિશ્ચય થાય છે, તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે ?” ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વેનું કારણ છે, ને સર્વથી મોટી છે. માટે તે બુદ્ધિ મનને વિષે રહી છે, ચિત્તને વિષે રહી છે, અહંકારને વિષે રહી છે, શ્રોત્રને વિષે રહી છે, ચક્ષુને વિષે રહી છે, ઘ્રાણને વિષે રહી છે, જીહ્વાને વિષે રહી છે, વાણીને વિષે રહી છે, ત્વચાને વિષે રહી છે, હાથને વિષે રહી છે, પગને વિષે રહી છે, શિશ્નને વિષે રહી છે, ગુદાને વિષે રહી છે; એવી રીતે બુદ્ધિ જે તે નખશિખા પર્યન્ત આ શરીરને વિષે વ્યાપીને રહી છે. અને તે બુદ્ધિને વિષે જીવ રહ્યો છે, પણ તે જીવ જણાતો નથી અને એકલી બુદ્ધિ જણાય છે. ત્યાં દ્રષ્ટાંત છે; જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે, તે વાયુએ કરીને વધે છે ને ઘટે છે, અને તે અગ્નિની જ્વાળા વધતી-ઘટતી જણાય છે, પણ વાયુ જણાતો નથી. અને જેમ અગ્નિ લઈને છાણામાં મૂકીએ ને તે છાણામાં સળગવા માંડે તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ તે ધુમાડો ઊંચો ચડવા માંડે, તે ધુમાડો જ ઊંચો ચડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી. અને જેમ આકાશને વિષે વાદળાં ચાલે છે, તે વાયુએ કરીને ચાલે છે, તે વાદળાં ચાલતાં જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી. તેમ જ્વાળા, ધુમાડો ને વાદળાં, તેને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો. તે જીવ કેવો છે ? તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે અને તે બુદ્ધિમાં નિશ્ચયની વિગતિનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે; અને મનના સંકલ્પને જાણે છે અને તે મનના સંકલ્પની વિગતિનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે; અને ચિત્તના ચિંતવનને જાણે છે અને તે ચિત્તની ચિંતવનની વિગતિ કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે; અને અહંકારની અહંમતિને જાણે છે અને તે અહંમતિની વિગતિના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે. એવી રીતે જે ચાર અંતઃકરણ ને દસ ઇન્દ્રિયો તેના જે વિષય ને તે વિષયની વિગતિના કરનારા જે દેવતા એ સર્વેને એકકાળાવછિન્ન જાણે છે. એવો જે જીવ તે જીવ જે તે એકદેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે, અને અતિશય સૂક્ષ્મ જણાય છે, તે બુદ્ધિએ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે, પણ જ્યારે એ જીવને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને વિષય તેના પ્રકાશકપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે, તે બુદ્ધિએ રહિત છે. અને અનુમાને કરીને જણાય છે પણ સાક્ષાત્કાર નથી જણાતો. ત્યાં દ્રષ્ટાંત છે- જેમ કોઈક દશ મણની તરવાર હોય, તેને જોઈને માણસ અનુમાન કરે જે, ‘એ તરવારનો ઉપાડનારો બહુ મોટો હશે!’ તેમ એ સર્વ દેહ, ઇન્દ્રિયાદિકને એકકાળે પ્રકાશે છે, માટે એ જીવ બહુ મોટો છે; એવી રીતે અનુમાને કરીને જણાય છે.” એવી રીતે શ્રીજીમહારાજે ઉત્તર કર્યો.

45. કારિયાણી ૧ ( para.3)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એમાં તે શું ઉત્તર થયો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એમાં તો એ ઉત્તર થયો જે, “જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું. તે કેવી રીતે થાય છે? તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, પછી મનમાં નિશ્ચય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય થાય છે.” એમ શ્રીજીમહારાજે કહ્યું.

46. કારિયાણી ૧ ( para.4)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું જે, “હે મહારાજ ! ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય ? ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો જે, આ જગતને વિષે જે જે પદાર્થ છે તે દીઠામાં, સાંભળ્યામાં, સૂંઘ્યામાં, અડ્યામાં આવે છે તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે, અને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે, અને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે, અને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે; એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કોઈ સંશય ન થાય, તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. અને સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણના જે કાર્ય છે, તેમાં આળસ, નિદ્રાદિક તમોગુણનું કાર્ય છે, અને કામ-ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે; અને શમદમાદિક સત્ત્વગુણનું કાર્ય છે; એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કોઈ સંશય ન થાય, તો એને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થકા વિચર્યા ને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય ખબર ન રહી; એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય તેમાં કોઈ સંશય ન થાય, તો એને જીવને વિષે નિશ્ચય જાણવો. ત્યાં દ્રષ્ટાંત છે; “જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાનાં નાંગળ હોય, તેને સમુદ્રમાં નાંખે, તે જો ધરતી લગણ ન પૂગ્યો હોય ને તેને જો તરત તાણી લે તો ઝાઝી મહેનત ન પડે ને તરત નીસરી આવે, અને તેને ધરતી લગણ જવા દઈને તાણે તો ઘણી મહેનતે નીસરે, અને જો ધીરે ધીરે જવા દે ને ધરતીમાં ખૂંતે ને ભરાઈ જાય તો પાછો તે તાણ્યો તણાય નહિ ને નીસરે પણ નહિ. એમ જેને જીવને વિષે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહિ.” એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા ઘણીક કરી, પણ આતો દિશમાત્ર લખી છે.

47. કારિયાણી ૨ ( para.2)

અને શ્રીજીમહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્નઉત્તર કરતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ”. ત્યારે સર્વે બોલ્યા જે, “પૂછો મહારાજ”, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એકની બુદ્ધિ તો એવી છે જે, જે દહાડાથી સત્સંગ કર્યો હોય તે દહાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહિ, ટળી જાય. પણ એમ ને એમ ગુણ-અવગુણ આવ્યા કરે, પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહિ. શા માટે જે, એને બુદ્ધિ છે, તે એમ જાણે જે, ‘આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી,’ એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે, સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી. અને બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેયનો સરખો છે, પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો, તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે ? એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ”. પછી શિવાનંદ સ્વામીએ એનો ઉત્તર કરવા માંડ્યો પણ ઉત્તર થયો નહિ. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા જે, “એની બુદ્ધિ શાપિત છે”. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ઠીક કહે છે એનો ઉત્તર એ જ છે, જે કોઈ જગતમાં કહેતા નથી જે, ‘એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે.’ એમ મોટા સંતને દુખવ્યા હોય અથવા કોઈ ગરીબને દુખવ્યા હોય અથવા મા બાપની ચાકરી ન કરી હોય, તે માટે એમણે શાપ દીધો હોય, તેણે કરીને એની બુદ્ધિ એવી છે.”

48. લોયા ૧ ( para.6)

અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ; એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે અને પછી તેવો પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈક દુષ્ટ જીવ દ્રોહ કરતા હોય તેનું કાંઈ ભૂંડું ન થાય ત્યારે તેને નિશ્ચય રહે નહિ, એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ. અને મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનનાં શુભ-અશુભ એવા મનુષ્ય ચરિત્રને દેખે ત્યારે તેમાં મોહ થાય ને નિશ્ચય રહે નહિ, તેને મધ્યમ જ્ઞાનવાળો કહીએ. અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે જે, ભગવાનને ગમે તેવી શુભ-અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ થાય નહિ ને નિશ્ચય જાય નહિ તથા જેણે પોતાને નિશ્ચય કરાવ્યો હોય ને તે જ વળી કહે જે, ‘એ ભગવાન નથી.’ ત્યારે તેને એમ જાણે જે, ‘એનું માથું ફર્યું છે.’ એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ. અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય અને મધ્યમ જ્ઞાનવાળો બે-ત્રણ જન્મે કરીને સિદ્ધ થાય અને ઉત્તમ જ્ઞાનવાળો તે જ જન્મે કરીને સિદ્ધ થાય.” એવી રીતે વાર્તા કરી.

49. લોયા ૧ ( para.7)

ત્યાર પછી મોટા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ હોય તો પણ અંતરમાં કૃતાર્થપણું મનાતું નથી, તેનું શું કારણ છે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન ઈત્યાદિક જે શત્રુ તેણે કરીને જેનું અંતઃકરણ દગ્ધ વર્તતું હોય ને તેને નિશ્ચય હોય, તો પણ પોતાને કૃતાર્થ માને નહિ.”

50. લોયા ૧ ( para.8)

પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એ કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ કામાદિક શત્રુ તો તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે. જેમ ધર્મરાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત-દિવસ તૈયાર રહે છે, તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે અને અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે. તેમાં ઇન્દ્રિયોને કૃચ્છ્ચાંદ્રાયણે કરીને દંડ દે અને અંતઃકરણને વિચારે કરીને દંડ દે, તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશ્ચયે કરીને સંપૂર્ણ કૃતાર્થ માને.”

51. લોયા ૧ ( para.10)

પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ક્યારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશય સમજાય છે ને ક્યારેક તો અતિશય સમજાતો નથી, તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સંત છે તે તો ધર્મવાળા છે, તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે, પછી જે દેહાભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહિ ને સામો તે સંતનો અવગુણ લે; માટે જ્યાં સુધી એને દુઃખાડીને કહે નહિ ત્યાં સુધી માહાત્મ્ય રહે ને જ્યારે હિતની વાત પણ દુઃખાડીને કહે ત્યારે અવગુણ લે ને માહાત્મ્ય ન જાણે. અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી. જેમ કામાદિક દોષના પાપ-નિવારણ છે, તેમ સંતના દ્રોહનું પાપ-નિવારણ છે નહિ. ને જેમ કોઈને ક્ષય રોગ થાય તેને ટાળ્યાનું કોઈ ઔષધ નથી, તે તો નિશ્ચય મરે; તેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો ક્ષયરોગ થયો જાણવો, તે તો પાંચ દિવસ મોડો-વહેલો નિશ્ચય વિમુખ થશે. અને વળી જેમ મનુષ્યના હાથ, પગ, નાક, આંખ્ય, આંગળીઓ એ આદિક જે અંગ તે કપાય તો પણ એ મનુષ્ય મૂઓ કહેવાય નહિ, અને જ્યારે ધડમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મૂઓ કહેવાય; તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું. અને બીજા વર્તમાનમાં કદાચિત્ ફેર પડે તો અંગ કપાણું કહેવાય પણ તે જીવે ખરો, કહેતાં તે સત્સંગમાં ટકે ખરો; અને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ જ થાય, એ એનું માથું કપાણું જાણવું.”

52. લોયા ૨ ( para.2)

પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું”. ત્યારે મુનિ બોલ્યા જે, “હે મહારાજ ! પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય ?” પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી બીજા પરમહંસ બોલ્યા જે, “હે મહારાજ ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે, તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે, ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે ચાર પ્રકારના હરિભક્તની વિક્તિ એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો; એ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે એ ચાર પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ. તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ તેના વચનને વિષે અતિશય વિશ્વાસને પામ્યો છે; માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહિ અને એમ જાણે જે, ‘મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું.’ અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય, તે એમ માને જે, ‘હું તો બ્રહ્મસ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું;’ માટે એને પણ મૃત્યુનો ભય હોય નહિ. અને શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહિ, માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહિ. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશમાત્ર પણ હોય નહિ. અને ચોથો જે પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહિ ને એક પોતાના પતિને વિષે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિષે જ પ્રીતિ રાખે. માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશમાત્ર હોય નહિ. અને એ ચાર અંગ માંહિલું એક પ્રધાન હોય ને બીજા ત્રણ ગૌણ હોય તો પણ જન્મ-મૃત્યુના ભય થકી તરે છે; અને ચાર માંહિલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહિ.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, “એ ચાર માંહિલાં જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો.” પછી પરમહંસ સમગ્રને જે જે અંગ વર્તતા હતા તે કહ્યા અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતા હતા તે કહ્યા; તે સાંભળીને શ્રીજીમહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ચાર અંગમાંથી જેને શૂરવીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો.” પછી જેને જેને શૂરવીરનાં અંગ વર્તતા હતા, તે સર્વે શ્રીજીમહારાજના ચરણારવિંદને છાતીમાં લઈને પગે લાગ્યા.

53. લોયા ૩ ( para.2)

તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન તથા સંત તેનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.” એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદોખાચર તથા માંચોભક્ત તથા મૂળજીબ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશના આહીર પટેલ સામત તથા ગામ માનકૂવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઈત્યાદિક જે સત્સંગી; તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું; તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ પણ કહ્યું જે, ‘જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનનાં વચનમાં ફેર પાડે નહિ, ને જેમ કહે તેમ કરે.” તે ઉપર પોતાની વાત કરી જે, “અમારો સ્વભાવ કેવો હતો? તો, ‘ગોદોહનમાત્ર એક સ્થાનકમાં રહેવાય, પણ વધુ રહેવાય નહિ.’ એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રીરામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું જે, ‘જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે.’ એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું; ત્યારે અમે થાંભલાને બાથ લીધી, ત્યાર પછી તેમણે કહ્યું જે, ‘મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો.’ પછી અમે સ્વામીના દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ.” અને પછી સુંદરજી સુતાર અને ડોસા વાણિયા ની વાત કરી અને વળી, “જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે.” એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી અને પ્રહ્લાદની વાર્તા કરી જે, પ્રહ્લાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, “હે મહારાજ ! હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો; ને તમે જ્યારે મારા ઇન્દ્રિયોરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ.’ માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે. અને ભગવાન અને સંત તેનું માહાત્મ્ય બહુ જાણે.” તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી. “અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય; ઈત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે, ‘ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહિ. એ તો ભગવાનના ધામને જ પામે;’ અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સૂધી સારી પેઠે પડે અને ચંદનનાં લાકડામાં સંસ્કારે યુક્ત બળે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય.’ એ બેની વિક્તિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાન ને સંતનો માહાત્મ્યે સહિત નિશ્ચય છે એમ જાણવું. અને એવા નિશ્ચયવાળો જે હોય, તે જરૂર બ્રહ્મમહોલમાં જ પુગે; પણ બીજે ક્યાંઈ કોઈ ધામમાં ઓરો રહે નહિ.”

54. લોયા ૫ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે, “કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય?” પછી પરમહંસ વતે એનો ઉત્તર ન થયો, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “પંચવર્તમાન સંબંધી પોતામાં કાચ્યપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચ્યપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અ નિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો ત્યારે તે નિષ્કપટ કહેવાય અને એ માંહીલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે, તેને કપટી જાણવો.”

55. લોયા ૫ ( para.4)

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “દંભે કરીને વર્તમાન પાળે ને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાન ને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય ત્યારે તેને એમ કેમ કળીએ જે એનો દંભે કરીને વર્તમાન ને નિશ્ચય છે ?” ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ વતે ન થયો, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય, નહિ તો ન કળાય.”

56. લોયા ૫ ( para.5)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો નિશ્ચય તથા વર્તમાન તે બેમાંથી કેવો ઘાટ હોય તે પાડે અને કેવો ઘાટ હોય તો પણ ન પાડે ? અને તેનો અવધિ હોય તે કેવો જે, ક્યાં સુધી એ ઘાટ રહે તે ધર્મમાંથી પાડે ને ભગવાનના નિશ્ચયમાંથી પાડે ?” ત્યારે એનો ઉત્તર પણ પરમહંસ વતે થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ઘાટને ટાળ્યાનું જતન કરે તો પણ ટળે નહિ એવો જે કાંઈક ધર્મ પાળ્યામાં અયોગ્ય ઘાટ રહેતો હોય અને તે ઘાટ પંદર દિવસ તથા મહિના સુધી ન થાય ને વળી કોઈક દિવસ પ્રગટ થઈ આવે, એવો જે ઘાટ તે ધર્મમાંથી પાડે; અને એમ જ ભગવાનના નિશ્ચયમાં પણ જાણવું. અને જે ઘાટ થયો ને તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને તે ઘાટ થાય નહિ, એવો જે ઘાટ તે એ બેમાંથી પાડી શકે નહિ.”

57. લોયા ૬ ( para.3)

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે જે, એક રાખ્યે કરીને સર્વે ધર્મ રહે ? અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા; એ આદિક સાધન છે તેમાં એવું એક સાધન કયું છે જે, આપત્કાળ હોય ને સર્વે જાય ને જો એક રહે તો સર્વે રહે ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે, નિશ્ચય રહે તો સર્વે આવે.”

58. લોયા ૬ ( para.4)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કેવી મતિ એક પ્રકારની રાખ્યે રૂડું થાય ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય ? અને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ન ફેરવીએ તો ભૂંડું થાય ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહિ. ભગવાનનું માહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય ને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય, અને પોતે પોતાના મનને જાણ્યે જે મતિમાં નિશ્ચય કર્યો હોય જે, ‘મારે આમ કરવું છે.’ તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી ને સંત કહે જે, ‘અહીં બેસવું નહિ ને આ કરવું નહિ,’ તો તે ઠેકાણે બેસવું નહિ ને તે કરવું નહિ એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય ને એ મતિને ફેરવે નહિ ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય.”

59. લોયા ૬ ( para.5)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય અને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય ને તેને પાસે બેસીએ ને વાત સાંભળીએ તો દોષ લાગે ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે, તો તે ભગવાનનો ને સંતનો અવગુણ જરૂર લે. પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે. એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખવો અને રાખે તો ભૂંડું થાય.”

60. લોયા ૬ ( para.6)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય તો પણ તેને ભેળે ના’વા જવું નહિ, ને પાસે પથારી કરવી નહિ, ને તેની વાત પણ ન સાંભળવી ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “જે સંત હિંમત રહિત વાત કરતો હોય જે, ‘શું એક જન્મે કરીને નિષ્કામાદિક ગુણ આવે છે ? એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહિ તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય, પણ આ જ દેહે કરીને શું કલ્યાણ થાય છે ?’ એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. અને જે એમ કહેતો હોય જે, ‘આ ને આ દેહે કરીને કૃતાર્થ થયા છીએ. ને કામ, ક્રોધ, મદ, મત્સર, માન ઈત્યાદિક દોષનો શો ભાર છે ? ભગવાન ને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખીશું.’ એમ જે કહેતો હોય ને તે કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય, તેનો સંગ સર્વ પ્રકારે કરવો.”

61. લોયા ૬ ( para.8)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ન કરવો ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “વર્તમાન પણ સુધાં સારાં પાળતો હોય ને નિશ્ચય સુધો હોય ને તે પાસે આપણ રહેતા હોઈએ ને આપણને ટોકે નહિ ને પંપોળીને રાખે ને જાપરો રાખે, તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોકવ્યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલોચપો રાખે નહિ ને તે લોકવ્યવહારે મોટો ન કહેવાતો હોય તો પણ તેનો સંગ કરવો.”

62. લોયા ૧૦ ( para.11)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય, તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતઃકરણરૂપ માયા તે સંકલ્પ-વિકલ્પરૂપે કરીને કેમ દુઃખ આપે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય, તેને તો અંતઃકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી; અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તો તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહિ અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહિ. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે, તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણરૂપ માયા રાખે નહિ અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે; અને જેના જીવને વિષે એવા આશરામાં કાંઈ કાચ્યપ હોય, તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે. અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહિ થાય. માટે એનો ઉત્તર એ જ છે જે, “જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી.”

63. લોયા ૧૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે, “ભગવાનનો નિશ્ચય બે પ્રકારનો છે; એક સવિકલ્પ ને બીજો નિર્વિકલ્પ. અને તે બેમાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ; એ ત્રણ પ્રકારના ભેદ છે. તે બે મળીને છ ભેદ થયા તેના લક્ષણ પૃથક્ પૃથક્ કરીને કહો.” પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ જે, ભગવાન જે તે અન્ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિષે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનનો નિશ્ચય રહે, પણ જો વધારો કરે તો ન રહે. અને મધ્યમ ભેદ તો એ જે, મનુષ્ય થકી બમણા કામાદિકને વિષે અધિક પ્રવર્તે ત્યાં સુધી પણ નિશ્ચય રહે. અને ઉત્તમ ભેદ તો એ જે, ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય, માંસ, પરસ્ત્રી, ક્રોધ, હિંસા ઈત્યાદિક ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહિ; કેમ જે, એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે, ‘ભગવાન તો સર્વના કર્તા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોક્તા છે. માટે જે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતારૂપે કરીને સર્વને વિષે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે, તો એ તો કાંઈક થોડીક એવી નીચ જેવી ક્રિયા કરી તેણે કરીને એમને કાંઈ બાધ નથી; કેમ જે, એ તો સર્વકર્તા છે.’ એવી રીતે ભગવાનને વિષે સર્વેશ્વરપણું જાણે, માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો ભગવદ્ભક્ત કહીએ.

64. લોયા ૧૨ ( para.3)

અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો ? તો ભગવાનને સર્વ શુભ-અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે, સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે; કેમ જે, એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે ? તો આકાશની પેઠે સર્વને વિષે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિષે જ થાય છે.’ એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિષે જાણે. જેમ રાસપંચાધ્યાયીમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો જે, ‘ધર્મરક્ષક ભગવાનનો અવતાર, તેણે પરદારાનો સંગ કેમ કર્યો ? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો જે, ‘શ્રીકૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે, તે જે જે શુભ-અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે.’ એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે, તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શ્વેતદ્વીપને વિષે રહ્યા જે ષટ્ ઊર્મિએ રહિત એવા નિરન્નમુક્ત, તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે, તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમનારાયણનું ધામરૂપ અક્ષર, તે રૂપ પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.”

65. લોયા ૧૨ ( para.4)

ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એવી રીતે નિશ્ચયના ભેદ તે શાણે કરીને થયા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિષે દેશ, કાળ, સંગ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્રાદિકનું જે શુભ-અશુભપણું તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મંદ-તીક્ષ્ણપણું તેણે કરીને એવા ભેદ પડી જાય છે. માટે સારા દેશાદિકને સેવવા તથા વક્તા પણ સુધો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય, તે સમે તે થકી જ્ઞાન સાંભળવું.”

66. લોયા ૧૨ ( para.5)

ત્યારે વળી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કદાચિત્ કોઈક યોગે કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય તેને પાછો વળી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે નહિ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઊપજે તથા રૂડા દેશાદિક પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય, નહિ તો જન્માન્તરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે.”

67. લોયા ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ પોતાની મેળે બોલ્યા જે, “જુવોને, ભગવાનની માયાનું બળ કેવું છે ! જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે; કેમ જે, પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે !” એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે; માટે સૂઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહિ; તે શાણે કરીને થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચવિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો માહાત્મ્યે સહિત યથાર્થ નિશ્ચય હોય, એવાને સૂઝે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહિ; અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશય અભાવ ન થયો હોય, તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે, ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચવિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે.”

68. લોયા ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું. અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજ્યો.” એમ કહીને બોલ્યા જે, “ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. તે નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કહેતા બીક લાગે છે જે, ‘શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે ? ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને ત્રૂટી જાય તો તે મૂળગેથી જાય.’ અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે. અને આ વાત સમજે નહિ ત્યાં લગણ તેના નિશ્ચયમાં પણ કાચ્યપ ઘણી રહે છે. તે સારુ વાત કરીએ છીએ જે, ભગવાને વરાહનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ તે અતિ કુરૂપ કહેવાય તથા મત્સ્યાવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું તથા કચ્છાવતાર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું તથા નૃસિંહાવતાર ધાર્યો ત્યારે વાઘના જેવું ભયાનક રૂપ હતું તથા વામનાવતાર ધાર્યો ત્યારે તે વામનરૂપના હાથપગ ટૂંકા ને કેડ્ય ધીંગી ને શરીર ધીંગુ એવા ટૂંકડા હતા તથા વ્યાસાવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા ને શરીરમાં મુવાળા ઘણા હતા ને શરીર ગંધાતું હતું, ઈત્યાદિક જે ભગવાને આકૃતિયો ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે જે મળ્યા તેમણે તેવા તેવા રૂપનું ધ્યાન કર્યું છે અને તે ધ્યાને કરીને તે તે ભગવાનના રૂપને પામ્યા છે. તેમાં જે વરાહને મળ્યા તે શું ધામને વિષે ભગવાનને વરાહરૂપ જ દેખે છે ? અને મત્સ્યજીને મળ્યા તે શું ધામને વિષે મત્સ્યરૂપ જ દેખે છે ? અને કૂર્મને મળ્યા તે શું ધામને વિષે કૂર્મરૂપ જ દેખે છે ? અને નૃસિંહને મળ્યા તે શું ધામને વિષે નૃસિંહરૂપ જ દેખે છે ? અને હયગ્રીવને મળ્યા તે શું ધામને વિષે ઘોડારૂપ જ દેખે છે ? અને જેણે વરાહને પતિભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈ ? ને સખાભાવે ભજ્યા તે શું ભૂંડ થયો ? અને મત્સ્યને પતિભાવે ભજ્યા તે શું માછલી થઈ ? ને સખાભાવે ભજ્યા તે શું માછલો થયો ? અને કૂર્મને પતિભાવે ભજ્યા તે શું કાચબી થઈ? ને સખાભાવે ભજ્યા તે શું કાચબો થયો ? નૃસિંહને પતિભાવે ભજ્યા તે શું સિંહણ થઈ? ને સખાભાવે ભજ્યા તે શું સિંહ થયો ? અને હયગ્રીવને પતિભાવે ભજ્યા તે શું ઘોડી થઈ? ને સખાભાવે ભજ્યા તે શું ઘોડો થયો? માટે જો ભગવાનનું મૂળરૂપ વરાહાદિક જેવું જ હોય તો તો તે તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને તદાકારપણું થાય. ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ, પણ એ વાત એમ નથી.

69. લોયા ૧૮ ( para.3)

ત્યારે તમે કહેશો જે, ‘તે ભગવાનનું કેવું રૂપ છે ?’ તો કહીએ છીએ જે, ‘ભગવાન તો સચ્ચિદાનંદરૂપ છે ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટિ કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે અને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે. રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશય સુખસ્વરૂપ છે અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે અને આ લોક-પરલોક સંબંધી જે પંચવિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે; એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. અને તે જ ભગવાન મત્સ્ય-કચ્છ-વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા; તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત જ મત્સ્ય-કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અને જે કાર્ય નિમિત્તે જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે; “भूभारः क्षपितो येन तां तनूं विजहावजः । कण्टकं कण्टकेनैव द्वयं चापीशितुः समम् ।।” જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાનરૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો. અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાને ઈચ્છ્યા, પણ તે સિંહને કોણ મારે? પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા. ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું. પછી બેય જણે દેહ મૂક્યો. તેણે કરીને શિવ શરભેશ્વર મહાદેવ થયા અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહી શીલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્ય-કૂર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડાક મત્સ્ય-કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજ્યંતીમાળા, પીતાંબર વસ્ત્ર, કિરીટ-મુકુટ, શ્રીવત્સનું ચિહ્ન, ઈત્યાદિક ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે. અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્મસમયમાં વસુદેવ-દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અક્રૂરને ચતુર્ભુજરૂપે દર્શન જળને વિષે દીધું તથા રુક્મિણીને મૂર્ચ્છા આવી ત્યારે પણ ચતુર્ભુજરૂપે દર્શન દીધું અને અર્જુને પણ એમ કહ્યું જે, ‘तेनैव रूपेण चतुर्भुजेन सहस्त्रबाहो भव विश्वमूर्ते!’ માટે અર્જુન પણ ચતુર્ભુજરૂપ દેખતા અને યાદવાસ્થળી કરીને પીંપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર સહિત દીઠું. અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટિ કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે, તેને વિષે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. તે જેને ધ્યાન, ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે, પણ મશાલ-દીવાનું કામ પડતું નથી. અને એવો પ્રકાશ એ ભગવાનને વિષે છે ને નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે જે, ‘એવો પ્રકાશવાન હું આ ભક્તને દેખાઉં’, તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત, એ ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે, એવા પરમભાવે સહિત ભગવાનને દેખે છે. અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, “अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।।” માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમભાવને જાણ્યા વિના ભગવાનને વિષે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે, તે મનુષ્યભાવ તે શું ? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક અંતઃકરણના ભાવ છે તથા હાડ, ચામ, મળ, મૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઈત્યાદિક જે મનુષ્યભાવ તે સર્વે ભાવને ભગવાનને વિષે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે. અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્યમૂર્તિ છે ને ભગવાનને વિષે તો એ મનુષ્યભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્યભાવને ટાળીને દેવભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાનપુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિપુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યનાં વચનને સંભારીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું, ‘જે તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો.’ ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે ભગવાનને વિષે જેને દિવ્યભાવ છે તેનો પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે, ‘આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો.’ તે શું એ પ્રથમ ભગવાનને નો’તો દેખતો ? દેખતો તો હતો, પણ મનુષ્યભાવે સહિત દેખતો હતો અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે તે દિવ્યભાવ સહિત દર્શન કર્યું, ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિષે એવો દિવ્યભાવ ન સમજે ત્યારે એને વાતેવાતે ધોખો થાય ને ગુણ-અવગુણ લીધા કરે છે જે, ‘આનીકોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી.’ એવી રીતે ગુણ-અવગુણ પરઠ્યા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિષે તો મનુષ્યભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિષે પણ મનુષ્યભાવ ન પરઠવો. કાં જે, દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા-લૂલા જ રહે છે ? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે, તેને મૂકીને દિવ્યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિષે મનુષ્યભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિષે કેમ પરઠાય ? અને આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજવી છે અને સૂઝે તો સો વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છુટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી, એમ અમારી આજ્ઞા છે; તેને ભુલશો મા, જરૂર ભુલશો મા.” એમ કહીને શ્રીજીમહારાજ સર્વે હરિભક્તને ‘જય સ્વામિનારાયણ’ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે શ્રીજીમહારાજની વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત તે શ્રીજીમહારાજને સર્વ અવતારના કારણ અવતારી જાણીને દિવ્યભાવની અતિશય દ્રઢતા કરતા હવા.

70. પંચાળા ૧ ( para.6)

અને આવી રીતે અમારો વિચાર તે તમારા સર્વેના વિચાર કરતા અમને અધિક જણાયો છે, તે સારુ આ અમારા વિચારને અતિ દ્રઢપણે કરીને હૈયામાં સૌ રાખજ્યો અને આ વિચાર વિના તો જો રમણીય પંચવિષયમાં વૃત્તિ ચોંટી હોય તેને અતિ બળે કરીને ઉખાડે ત્યારે માંડ માંડ ઉખડે અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચ્યામાં લેશમાત્ર પ્રયાસ પડે નહિ, સહજે જ વિષયની તુચ્છતા જણાઈ જાય છે. અને આ જે વાર્તા છે તે જેને ઝાઝી બુદ્ધિ હોય ને ઝાઝા સુખના લોભને ઈચ્છે તેને સમજાય છે. જેમ કોડી કરતા પૈસામાં વધુ માલ છે ને તેથી રૂપિયામાં વધુ માલ છે; ને તેથી સોનામહોરમાં વધુ માલ છે ને તેથી ચિંતામણિમાં વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચવિષયનું સુખ છે, તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. માટે જે બુદ્ધિવાળો હોય ને જેની દૃષ્ટિ પૂગે તેને આ વિચાર હૃદયમાં ઠરે છે. અને આ વિચાર જેના હૃદયમાં દ્રઢ ઠર્યો હોય ને તે વનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે જે, ‘હું અનંત માણસ તથા રાજ્ય સમૃદ્ધિએ વિટાણો છું;’ એમ સમજે, પણ દુઃખિયો ન માને. અને ઇંન્દ્રના લોકમાં હોય તો જાણે જે, ‘વનમાં બેઠો છું’, પણ તે ઈન્દ્રના લોકના સુખે કરીને સુખિયો ન માને, તે સુખને તુચ્છ જાણે. તે સારુ આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજ્યો જે, ‘હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચવિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી.’ એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજ્યો. અને આ તો જે અમારો સિદ્ધાંત છે, તે તમને સર્વેને કહ્યો છે; માટે દ્રઢ કરીને રાખજ્યો.”

71. પંચાળા ૩ ( para.4)

અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞરૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું ? તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ; એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક્ જાણે છે જે, ‘એ મારે વિષે કોઈ દિવસ હોય નહિ. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું; અને એ ક્ષેત્ર તો અતિમલિન છે, જડ છે, નાશવંત છે.’ અને દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિષે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે, “तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ।। उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।।” એમ સમજીને ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાંખીને ભગવાનને વિષે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એનાં મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ન માનવા; વૈરી માનવા અને એનો ગુણ ન લેવો, ‘જે એ ભગવાનની ભક્તિને વિષે ઉપકાર કરે છે.’ કેમ જે; નેત્રે કરીને ભગવાનનાં દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનનાં કથા-કીર્તન કહેવાય છે તથા જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે; ઈત્યાદિક ભગવાનની ભક્તિને વિષે ઉપયોગી છે, એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો, એને તો વૈરી જ જાણવાં; કાં જે, શું જાણીએ એ ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ માનતાં થકા સ્ત્રીઆદિકના દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચ ઇન્દ્રિયોરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય, તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહિ ને વિશ્વાસ પણ કરે નહિ; અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે, તેમ જો ઇન્દ્રિયોરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટાં મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઈંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે, પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો-અંતઃકરણને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી; પણ એને વિષે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકને વિષે સુખ મનાવતે થકે જો સ્ત્રીઆદિકને વિષે કાંઈક સુખ મનાવી દે તો એનું કર્યું- કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપ થયે થકે જે ભગવાનને વિષે હેત થાય તે ઠીક છે; એમ અમારો સિદ્ધાંત છે. અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જે, ‘ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી;’ એમ ઇન્દ્રિયો-અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવાં એ પણ સમજણ ઠીક છે.”

72. પંચાળા ૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય અને ભજન સ્મરણ કરતો હોય અને પછી ભગવાનનાં મનુષ્યચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઇ જાય છે તેનું શું કારણ છે?” પછી એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ ઝાઝી વાર સુધી વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, વેદ, પુરાણ, મહાભારત, સ્મૃતિઓ ઇત્યાદિક જે શાસ્ત્ર તેને વિષે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળરૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહ્યું છે જે, ભગવાન કેવા છે ? તો આ ચક્ષુઇન્દ્રિયે કરીને દીઠામાં આવે છે જે યત્કિંચિત્ રૂપ, તે જેવું તેમનું રૂપ નથી; અને શ્રવણે કરીને સાંભળ્યામાં આવે છે જે કાંઇ શબ્દમાત્ર, તે જેવો એ ભગવાનનો શબ્દ નથી; અને ત્વચાએ કરીને સ્પર્શમાં આવે છે જે સ્પર્શ, તે જેવો એનો સ્પર્શ નથી; અને નાસિકાએ કરીને સૂંઘ્યામાં આવે છે જે સુગંધ, તે જેવો એનો સુગંધ નથી; અને જિહ્વાએ કરીને વર્ણન કર્યામાં આવે એવા પણ એ ભગવાન નથી અને મનનાં સંકલ્પમાં આવે એવા નથી તથા ચિત્તના ચિંતવનમાં આવે એવા નથી તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા નથી તથા અહંકારે કરીને અહંપણું ધરાય એવા નથી જે, ‘એ ભગવાનનો હું છું, ને એ મારા છે.’ એવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર એ ભગવાન રહ્યા છે. અને એ ભગવાનનું જેવું રૂપ છે, તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંબ પર્યન્ત કોઈનું રૂપ નથી જે જેની એને ઉપમા દઇએ; તથા એનો જેવો શબ્દ છે, તેવો બીજો આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી જે જેની એને ઉપમા દઇએ; અને એ ભગવાનનો જેવો સુગંધ છે, તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી જે જેની એને ઉપમા દઇએ; તથા એ ભગવાનનો જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી જે જેની એને ઉપમા દઇએ; તથા એ ભગવાનમાં જેવો રસ છે, તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી જે જેની એને ઉપમા દઇએ. અને એ ભગવાનનું જેવું ધામ છે, તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી જે જેની એને ઉપમા દઇએ; તે સપ્તદ્વીપ ને નવ ખંડમાં જે જે સ્થાનક છે તથા મેરુ ઉપર ઘણીક શોભાએ યુક્ત બ્રહ્માદિકનાં સ્થાનક છે તથા લોકાલોકાચળને વિષે ઘણાક સ્થાનક છે, તથા ઇન્દ્ર, વરુણ, કુબેર, શિવ, બહ્મા એનાં જે સ્થાનક છે તથા બીજા પણ ઘણાક સ્થાનક છે, એ સર્વે માંહિલું એવું એકે સ્થાનક નથી જે જેની ભગવાનના ધામને ઉપમા થાય. અને એ ભગવાનના ધામને વિષે રહ્યા જે ભગવાનના ભક્ત તેને જેવું સુખ છે, તેવું આ બ્રહ્માંડમાં કોઈ સુખ છે નહિ જેની એને ઉપમા દઇએ. અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી જેની એને ઉપમા દઇએ; કેમ જે, આ બ્રહ્માંડમાં જેટલા પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે અને ભગવાન છે તે દિવ્ય છે ને અમાયિક છે; માટે બેયને વિષે અતિશય વિલક્ષણપણું છે, તે સારુ એને ને એને સાદૃશ્યપણું કેમ થાય ? જેમ મનુષ્યને કહીએ જે, ‘આ માણસ ભેંસ જેવો છે, સર્પ જેવો છે, ચરકલા જેવો છે, ગધેડા જેવો છે, કૂતરા જેવો છે, કાગડા જેવો છે, હાથી જેવો છે, એવી ઉપમા મનુષ્યને સંભવે નહિ; કેમ જે, મનુષ્ય થકી એ બીજા જે સર્વે તે વિજાતીય છે. અને મનુષ્ય-મનુષ્યમાં પણ અતિશય સાદૃશ્યપણું નથી, જેની ઉપમા એમ દઇએ જે, આ તે આ જેવો જ છે.’ અને જો તે તે જેવો જ હોય તો તેની ઓળખાણ કેમ થાય ? માટે મનુષ્ય-મનુષ્ય સજાતિ છે તેને વિષે પણ સાદૃશ્યપણું અત્યંત છે નહિ. જુઓ ને, આ ભગો-મૂળો બે સરખા કહેવાય છે, પણ ઝાઝા દિવસ ભેગા રહીએ તો ઓળખાઇ જાય જે, ‘આ ભગો છે ને આ મૂળો છે.’ માટે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કેમ ? માટે મનુષ્ય-મનુષ્યમાં પણ અતિ સાદૃશ્યપણું નથી, તો માયિક-અમાયિકને વિષે સાદૃશ્યપણું કેમ આવે જેની ઉપમા ભગવાનને દઇએ તથા ભગવાનના ધામને દઇએ ? કાં જે, ‘એ ભગવાન છે તે ઇન્દ્રિયો-અંતઃકરણને અગોચર છે;’ એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે.”

73. પંચાળા ૪ ( para.4)

અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે, ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે. તે જ્યારે સત્યયુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવરદા હોય, ત્યારે એ ભગવાન પણ લાખ વર્ષ જ દેહ રાખે; અને તે સત્યયુગના માણસ મનોવાંછિત ભોગને ભોગવે, ત્યારે ભગવાન પણ તેમ જ ભોગને ભોગવે પણ અધિકપણે ન વર્તે. અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને દસ હજાર વર્ષની આવરદા હોય, ત્યારે ભગવાન પણ તેટલા વર્ષ દેહ રાખે. અને દ્વાપર યુગમાં હજાર વર્ષની આવરદા હોય ને દસ હજાર હાથીનું બળ માણસમાં હોય છે, ત્યારે ભગવાનનું પણ એટલું બળ ને એટલી આવરદા હોય છે. અને કળિમાં દેહ ધારણ કરે ત્યારે કળિ પ્રમાણે આયુષ્ય ને બળ તેનું ભગવાન ધારણ કરે છે. અને જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે ને બાળ, યૌવન, વૃદ્ધ અવસ્થા થાય છે ને મૃત્યુને પામે છે; તેમ જ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. અને જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઇર્ષ્યા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભય, શૂરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિક સ્વભાવ છે; તેમ તેવા જ એ સર્વે સ્વભાવ મનુષ્યદેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. તે એ મનુષ્ય સ્વરૂપ પણ ભગવાનનું સર્વ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે અને મૂળ જે દિવ્યરૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે. તે એ બેય રૂપનું જેણે યથાર્થ શ્રવણ-મનન કરીને દઢ નિશ્ચય કર્યો હોય, તેને તો કોઈ રીતે સંશય થાય નહિ; અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે. અને એ જ દિવ્યરૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે, ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તતા હોય; પણ જે બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું જે, ‘એમાં કામ છે તે બીજા મનુષ્યના જેવો નથી તથા ક્રોધ, લોભ, સ્વાદ, માન ઇત્યાદિક મનુષ્યના સ્વભાવ તે એ ભગવાનમાં છે, પણ બીજા માણસ જેવા તો નથી; એમાં કાંઇક દિવ્યભાવ છે, તે બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે; તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય કરે છે. જેમ શંકરાચાર્યે શૃંગારરસની વાર્તા જાણ્યાને અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તે રાજાના જેવા જ સર્વે શૃંગારાદિક ભાવ ને દેહની ચેષ્ટા તે હતી, પણ તે રાજાની રાણી બુદ્ધિવાળી હતી. તેણે એમ જાણ્યું જે, ‘મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો, માટે આ દેહને વિષે કોઈક બીજે જીવે પ્રવેશ કર્યો છે.’ તેમ મનુષ્યરૂપ એવા જે તે ભગવાન, તેને વિષે દિવ્યભાવ જણાય છે; તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે. ત્યારે તમે કહેશો જે, ‘કાંઇક દિવ્યભાવ જાણ્યામાં આવ્યો, તેણે કરીને મનુષ્યને ભગવાનપણાનો નિશ્ચય થયો, ત્યારે ઘણો દિવ્યભાવ જણાવે તો તો બહુ માણસને નિશ્ચય થાય.’ તો એનું તો એમ છે જે, આ સૂર્ય છે તેને સર્વ શાસ્ત્રમાં કહ્યા છે જે, ‘એ નારાયણ છે,’ ને તે એ સૂર્ય સર્વ મનુષ્યને દૃષ્ટિગોચર પણ છે ને નિત્ય એનું દર્શન મનુષ્યમાત્ર કરે છે, તો પણ એને દર્શને કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થતો જે, ‘મારું કલ્યાણ થયું;’ અને મનુષ્યપણે રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ-શુકાદિક સંત તેના દર્શન કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે જે, ‘મારું કલ્યાણ નિશ્ચય થયું.’ ને હું કૃતાર્થ થયો છું અને તે ભગવાન ને સંત, તેમાં તો કાંઇ પ્રકાશ છે નહિ, દીવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે, તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે. તથા અગ્નિ છે તે પણ સાક્ષાત્ ભગવાન છે; કાં જે ભગવાને કહ્યું છે

74. પંચાળા ૪ ( para.6)

એવો જે અગ્નિ તેના પણ સર્વને દર્શન છે, પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી અને ભગવાનને ને સંતને દર્શને કરીને થાય છે. તેનું શું કારણ છે જે, ‘મનુષ્યને ને સૂર્ય-અગ્નિને વિજાતિપણું છે,’ માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો; કાં જે, એ અગ્નિનો સ્પર્શ કરે તો બળી મરે. તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલા મંત્રે કરીને તેડ્યા ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા, તે મનુષ્યરૂપે જેવા કુંતાજી હતા તેવા જ સૂર્ય થઇને આવ્યા ત્યારે તેના અંગસંગનું સુખ આવ્યું ને કર્ણરૂપ ગર્ભ રહ્યો; પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશે સહિત આવ્યા હોત તો કુંતાજી બળી મરત ને સ્પર્શનું સુખ પણ ન આવત. તથા સત્રાજિત યાદવ પાસે સૂર્ય આવતા તે પણ માણસ જેવા થઇને આવતા. અને જ્યારે એ સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્યા ત્યારે શું આકાશમાં નહોતા ? આકાશમાં પણ હતા ને બીજે રૂપે એના એ જ સૂર્ય કુંતાજી ને સત્રાજિત પાસે આવ્યા; અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વે એમાં છે ખરો, પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઇને આવ્યા છે. તેમ એ જે ભગવાન છે તે પોતે પોતાના દિવ્યભાવ સહિત જ જીવને જો દર્શન આપે, તો મનુષ્યને ઠીક ન પડે અને એમ જાણે જે, ‘આ તે શું ભૂત હશે કે શું હશે ? માટે એ ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા જ થઇને દર્શન આપે છે અને પોતે પોતાના ધામમાં પણ વિરાજમાન છે; ત્યારે તે મનુષ્યને દર્શનમાં, સ્પર્શમાં તથા નવ પ્રકારની ભક્તિ કર્યામાં આવે છે. અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય ને દિવ્યભાવે વર્તે, તો મનુષ્યને પોતામાં હેત થાય નહિ ને સુવાણ ન પડે. શા માટે ? તો મનુષ્ય-મનુષ્યને વિષે હેત થાય છે ને સુવાણ થાય છે, પણ પશુને ને મનુષ્યને હેત-સુવાણ્ય થતી નથી અને પશુ-પશુને પરસ્પર હેત ને સુવાણ્ય થાય છે; કેમ જે, સજાતિ-સજાતિમાં હેત થાય, પણ વિજાતિમાં થાય નહિ. તેમ ભગવાન પોતાના દિવ્યભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારુ માણસ જેવા જ ભગવાન થાય છે પણ દિવ્યભાવ જણાવતા નથી; અને દિવ્યભાવ જણાવે તો વિજાતિપણું થાય, માટે ભક્તને પોતામાં હેત ને સુવાણ્ય થાય નહિ. તે સારુ મનુષ્યરૂપે એ ભગવાન થાય છે ત્યારે પોતાનો દિવ્યભાવ છે તેને છુપાવી રાખવો તે ઉપર જ પોતાની દૃષ્ટિ રહે છે અને છુપાવતે છુપાવતે કદાચિત્ પોતે કોઈક કાર્યમાં ઉતાવળા થઇ જાય છે, ત્યારે દિવ્યભાવ જણાઈ આવે છે. અને ક્યારેક પોતે પોતાની ઇચ્છાએ કરીને પણ પોતાના કોઈ ભક્તને જણાવે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાન ભીષ્મને મારવાને ઉતાવળા થયા ત્યારે મનુષ્યભાવ ભૂલી ગયા ને પોતામાં દિવ્યભાવ આવ્યો, તેણે કરીને પોતાના ભારને પૃથ્વી સહન કરવા સમર્થ ન થઇ. તથા અર્જુનને દિવ્યભાવ દેખાડ્યો તે પોતાની ઇચ્છાએ દેખાડ્યો, પણ તે દિવ્યભાવે૧ કરીને અર્જુનને સુખ ન થયું ને બહુ વ્યાકુળ થઇ ગયા. પછી શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું મનુષ્યપણે દર્શન અર્જુનને આપ્યું, ત્યારે અર્જુનને સુખ થયું. ત્યારે કહ્યું જે- “दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन । इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ।।” માટે મનુષ્યપણે કરીને ભગવાન વર્તે તો જ જીવને સાનુકૂળ પડે, નહિ તો ન પડે. તે સારુ એ ભગવાન મનુષ્યપણે વર્તે છે ત્યારે જે આવી રીતે નથી સમજતો, તેને મનુષ્યભાવ દેખીને અવળું પડે છે. અને જો એ ભગવાન દિવ્યભાવે જ વર્તે, તો મન-વાણીને અગોચર હોય તે જીવના જાણ્યામાં આવે નહિ. માટે એ બે પ્રકારે ભગવાનને શાસ્ત્રમાં કહ્યા છે, તેવી રીતે જેણે યથાર્થ જાણ્યા હોય તેને સંશય ન થાય અને જો એમ ન સમજે તો સંશય જરૂર થાય. અને જે એમ કહે છે જે, ‘મેં ભગવાનને જાણ્યા છે ને મને નિશ્ચય છે,’ ને જો તે આ વાતને સમજ્યો નથી, તો તેનો નિશ્ચય કાચો છે. જેમ કોઈક પુરુષ શ્લોક શીખ્યો હોય તથા કીર્તન શીખ્યો હોય ને તેને પૂછીએ જે, ‘તને આ શ્લોક તથા કીર્તન આવડ્યો ?’ ત્યારે કહે જે, ‘આવડ્યો,’ ને કંઠથી મુખપાઠે કહી દેખાડે; પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક-કીર્તનને ભૂલી જાય. ત્યારે એ તે શું જે, એને જ્યારે એ શીખ્યો હતો ત્યારે જ એને એટલો આવડ્યો નહોતો; કેમ જે, શ્રવણ-મનને કરીને એનો દ્રઢ અભ્યાસ થઇને એના જીવમાં એ શ્લોક-કીર્તન ચોંટી નહોતો ગયો. અને કોઈક વાતનો બાળકપણામાં જ એવો અધ્યાસ થયો હોય છે, તો એ યુવા થાય, વૃદ્ધ થાય તો પણ તે વાતનું જ્યારે કામ પડે ત્યારે સાંભરી આવે છે. તેમ એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એના નિશ્ચયમાં કસર રહી ગઈ હતી, અને જો કસર ન રહી હોત ને આવી રીતે પ્રથમથી જ શ્રવણ કરીને ને તેનું મનન કરીને તેનો દ્રઢ અધ્યાસ એના જીવમાં થયો હોત તો એને કોઈ દિવસ સંશય થાત જ નહિ.”

75. પંચાળા ૭ ( para.3)

એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણ તેની મૂર્તિને વિષે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગભાગ સમજવો નહિ ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી; પણ તેથી કાંઇ પૃથક્ ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિષે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે ? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય જે, ‘આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકારરૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય-ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે;’ એવી જાતની જેને દ્રઢ મતિ હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્યમૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિષે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે, ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્યસ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશમાત્ર ફેર સમજતા નથી; અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા, તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તેને માયાની નિવૃત્તિ થઇ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને કદાચિત્ કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધકર્મને યોગે કરીને કાંઇ અવળું વર્તાઇ જાય, તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા-નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ને મહાત્યાગી હોય, તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે, ‘જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે,’ એવી દ્રઢ ગ્રંથી હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય, તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે, તોપણ તેને સંશય થાય નહિ. કેમ જે, એ તો એમ સમજ્યો છે જે, ‘ભગવાન તો સદા સાકાર જ છે, પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે; એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્યનિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત, તે શ્રીજીમહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દ્રઢતા કરતા હવા.

76. ગઢડા મધ્ય ૪ ( para.5)

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “એમ જાણીએ છીએ તો પણ અખંડ ચિંતવન રહેતું નથી, એનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અખંડ ચિંતવન થાય એવી શ્રદ્ધા જોઈએ અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય, ત્યારે તેટલું માહાત્મ્ય જાણ્યામાં પણ ઓછ્યપ છે અને જ્યારે માહાત્મ્ય જાણ્યામાં ઓછ્યપ છે, ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછ્યપ છે. માટે જો ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય તથા શ્રદ્ધા હોય, તો અખંડ ચિંતવન થાય. તે માહાત્મ્ય એમ જાણવું જે, ‘ભગવાન તો જેવા પ્રકૃતિપુરુષ થકી પર છે તેવા ને તેવા જ પ્રકૃતિપુરુષમાં આવ્યા છે, તો પણ પ્રતાપે યુક્ત છે અને પ્રકૃતિપુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિષે આવ્યા છે, તો પણ ભગવાન તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે, પણ ભગવાનની મૂર્તિને વિષે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી. જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે, તેને ભેળા કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે, તે સર્વે ઘણે કાળે કરીને ધૂડ્ય ભેળા ધૂડ્ય થઈ જાય અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહિ. તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી; કેમ જે, જ્યારે વિષયરૂપી ધૂડ્યનો યોગ થાય, ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તો પણ વિષયમાં એકરસ થઈ જાય અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ એને માયિક પદાર્થ બાધ કરવાને સમર્થ થાય નહિ અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહિ. એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે.’ એમ ભગવાનનું માહાત્મ્ય જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતવન થાય. અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા, તેને ભગવાને એમ કહ્યું જે, ‘હે ઉદ્ધવ! હું થકી અણુમાત્ર ન્યૂન નથી.’ તે શા માટે જે, ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું માહાત્મ્ય જાણ્યું હતું ને પંચવિષયના લીધા લેવાતા નહોતા. અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગી ખાય, તે બેય સરખું વર્તે; અને બાળક સ્ત્રી અને સોળ વર્ષની સ્ત્રી અને એંશી વર્ષની સ્ત્રી, તે સર્વમાં સરખો ભાવ વર્તે; અને જે જે સંસારમાં સારુ-નરસું પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહિ; અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહિ, એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય. અને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહિ; અને જો એવો મર્મ ન સમજાયો હોય તો ફાટી લંગોટી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહામુશ્કેલ છે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું માહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિ સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે, તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે.”

77. ગઢડા મધ્ય ૧૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્‌ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ્‌ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે અને દ્વિતીય સ્કંધમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે, ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે, પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી. કાં જે, ભગવાન થકી જ સર્વ સ્થાવર-જંગમ સૃષ્ટિ થાય છે, તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય ? જેમ આકાશ નિરાકાર છે, તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી, તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે, તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં ‘અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; એ ત્રણનો જે આધાર છે, તે ભગવાનનું સ્વરૂપ છે,’ એમ કહ્યું છે. તેની વાત કરીએ તે સાંભળો, અધ્યાત્મ જે વિરાટપુરુષના ઇન્દ્રિયો અને અધિભૂત જે તેના પંચ મહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા; એ સર્વે વિરાટને વિષે આવ્યા, તો પણ વિરાટ ઉભો ન થયો. પછી વાસુદેવ ભગવાને પુરુષરૂપે થઇને જ્યારે વિરાટપુરુષને વિષે પ્રવેશ કર્યો ત્યારે વિરાટપુરુષ ઊભા થયા. તે ભગવાન વિરાટપુરુષના જે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; તેને વિષે તદાત્મકપણે કરીને વર્તે છે અને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે. અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશસ્વરૂપે તો અરૂપ છે ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે, તે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રીકૃષ્ણ ભગવાન ને અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનું ખાંડવ વન બાળવા ગયો, ત્યારે તેજ અગ્નિ જ્વાળારૂપ થઇને સમગ્ર વનમાં વ્યાપ્યો. તેમ જ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છે, ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે. અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો અને વાત પણ એવી રીતે કરવી જે, ‘કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહિ.’ અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો, જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય. અને બીજાને પણ એવી વાત કરવી, જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય.

78. ગઢડા મધ્ય ૧૪ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનના સ્વરૂપને વિષે જે સંત તદાત્મકપણાને પામે છે, તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય; જેમ આ લીંબડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે, ‘લીંબડો હશે કે નહિ હોય ?’ એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહિ, એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય; એને અમે તદાત્મકપણું કહીએ છીએ. ને એવું જે એ તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે, પણ કેવળ સમાધિએ કરીને નથી થતું. અને એવું જે એ તદાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ ને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિમાર્ગને વિષે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિષે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. જેમ નારદ ને સનકાદિક એ સર્વે નિવૃત્તિમાર્ગને વિષે પ્રવર્ત્યા અને સપ્તઋષિ તથા જનકાદિક રાજા, એ સર્વે પ્રવૃત્તિ માર્ગને વિષે પ્રવર્ત્યા પણ એ સર્વેને ભગવાનના નિશ્ચયે કરીને નિર્ગુણ જાણવા. અને જે નિવૃત્તિમાર્ગને વિષે પ્રવર્ત્યા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા. અને એમ જાણવું જે, ‘આ અતિશય ત્યાગી જણાય છે, પણ એને ભગવાનનો નિશ્ચય નથી; માટે એ અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે.’ અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કાંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે, તો પણ તે ભૂંડી ગતિને નહિ પામે, તે તો અંતે જાતો નિર્ગુણપણાને જ પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે સૂધો ત્યાગી રહેતો હોય ને કામ, ક્રોધ, લોભાદિકને ટાળ્યામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહિ ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો; અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો.”

79. ગઢડા મધ્ય ૨૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે, તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે, તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે, કાં ભગવાનના સંતના ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તા હર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ, તેનું જેવું માહાત્મ્ય જાણે છે, તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈએ સમજવું બાકી રહ્યું નહિ. તે આ વાર્તા એકવાર કહ્યે સમજો અથવા લાખવાર કહ્યે સમજો; આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો; પણ એ વાત સમજે જ છૂટકો છે. અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું માહાત્મ્ય છે, તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહિ. જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ અને પરાશરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડયા, તો પણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત; તેનો પરોક્ષના જેવો જો માહાત્મ્યે યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડયા નહિ. માટે સર્વ શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે.”

80. ગઢડા મધ્ય ૨૨ ( para.2)

ત્યારે શ્રીજીમહારાજ સાધુ પ્રત્યે બોલ્યા જે, “એક વાર્તા કરીએ તે સાંભળો જે, જેમ બે સેના હોય; ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેયના નિશાન સામસામા રોપ્યાં હોય, પછી બેયના મનમાં એમ હોય જે, ‘આપણું નિશાન છે, તે એનાં નિશાનને ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ.’ પણ એવો વિચાર નથી થતો જે, ‘એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકનાં માથાં પડશે ને લોહીની નદી ચાલશે.’ તેનો તો એને ભય નથી; કાં જે, શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહિ. અને જે કાયર છે તે તો ભાગ્યાના હજારો વિચાર કરે છે અને એમ પણ વિચાર કરે છે જે, ‘આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન, હથિયાર હશે તે લૂંટી લઈશું.’ અને તે બેય રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટવાનો પણ લોભ નથી; પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી, એવો જ એક સંકલ્પ છે. એ તો દ્રષ્ટાંત છે; એનું સિદ્ધાંત તો એ છે જે, નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે અને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે, તેને તો આ સંસારને વિષે માન થાઓ અથવા અપમાન થાઓ, દેહને સુખ થાઓ અથવા દુઃખ થાઓ, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી જે, ‘આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે.’ એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. એ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે, ‘આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વચમાં ક્યાંઈ લોભાવું નથી.’ અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે, તેને તો પ્રભુ ભજ્યામાં હજાર જાતના ઘાટ થાય છે જે, ‘જો કરડાં વર્તમાન થશે તો નહિ નભાય ને સુગમ વર્તમાન હશે તો નભાશે.’ અને વળી એવો પણ વિચાર કરે જે, ‘આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખિયા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું.’ એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો. અને શૂરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ-બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય.”

81. ગઢડા મધ્ય ૨૨ ( para.3)

પછી શ્રીજીમહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી જે, “અમે અમદાવાદમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા, ત્યારે હજારો માણસનો મેળો ભરાયો હતો. પછી જ્યારે શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી અને અમદાવાદના બ્રાહ્મણો ચોરાશી જમી રહ્યા; પછી અમે સાબદા થઈને ચાલી નીસર્યા, તે જેતલપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો જે, ‘જેટલાં માણસ દેખ્યાં છે ને જેટલી પ્રવૃત્તિ દેખી છે, તેને ટાળી નાખવી.’ પછી તેને વિસાર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું, તેણે કરીને શરીરે પણ માંદા થઈ ગયા. પછી ત્યાં થકી ધોળકે જઈને રાત રહ્યા અને ધોળકાના ચાલ્યા એ ને એ વિચારમાં ગામ કોઠ્યને પાસે ગણેશ ધોળકાની રાણ્યોમાં જઈને રાત રહ્યા. તે વિચાર એવો કરવા માંડ્યો જે, દેહની સ્મૃતિ ન રહી. પછી વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિને વિસારી મેલી ને જેવા અમે કાંકરીએ તળાવ ઉતર્યા નહોતા ને મેળો પણ ભરાયો નહોતો ને ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો, તેવી રીતે સર્વ ઘાટ ટાળી નાખ્યા. અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતર્દૃષ્ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા અને દેવતા સંબંધી જે ભોગ છે, તે દેખાવા માંડ્યા ને અનંત પ્રકારના વિમાન ને અનંત પ્રકારની અપછરા ને અનંત પ્રકારના વસ્ત્ર ને અનંત પ્રકારના અલંકાર તે જેમ અહીં મૃત્યુલોકને વિષે છે, તેમ જ ત્યાં દેખાવા લાગ્યા; પણ અમારા અંતરમાં તો એક ભગવાન વિના બીજું કાંઈ ગમ્યું નહિ. ને જેમ અહીંના પંચવિષય તે અમને તુચ્છ ભાસ્યા ને તેમાં અમારું મન લોભાયુ નહિ, તેમ જ દેવલોક, બ્રહ્મલોક પર્યન્ત અમારું મન ક્યાંય લોભાયું નહિ; તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા જે, ‘તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા; કેમ જે, તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી.’ પછી તેમનાં વચન સાંભળીને અમારે હૈયાને વિષે સુધી હિંમત આવી. પછી અમે મનને કહ્યું જે, તારું જેવું રૂપ છે, તેવું હું જાણું છું. જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ ઘડ્યો તો તારા ભૂકા કરી નાંખીશ. તેમ જ બુદ્ધિને કહ્યું જે, ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે. તેમ જ ચિત્તને કહ્યું જે, ભગવાન વિના બીજું ચિંતવન કર્યું તો તારા પણ ભૂકા કરી નાંખીશ તેમ જ અહંકારને કહ્યું જે, ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાંખીશ. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી તેમ જ દેવલોક બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. અને જ્યારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો. એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું.” એમ શ્રીજીમહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું ને પોતે તો સાક્ષાત્ શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે.

82. ગઢડા મધ્ય ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાનાં સગાં વહાલા હોય તેનો પણ ત્યાગ કરવો. અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહિ; જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો. અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતામાં જ અવગુણ ભાસે. અને જે બીજામાં અવગુણ જુવે અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ; તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું. અને જો ભક્તિને વિષે સહાયરૂપ થતા હોય તો તો એ ઠીક છે, એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિષે પ્રેમ પણ અતિશય હતો, પણ જ્યારે પોતામાં ગુણ માન્યો અને શ્રીકૃષ્ણભગવાનને વિષે અવગુણ માન્યો, ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી શ્રીકૃષ્ણભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી. પછી શ્રીદામાનો શાપ થયો, તેણે કરીને ગોલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો; એવા મહા મોટા લાંછનને પામ્યા. અને શ્રીદામા હતો તેણે પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠ્યો તો રાધિકાનો શાપ પામીને દૈત્ય થવું પડ્યું. અને એ ધામમાંથી તો પડવાની રીત નથી ને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી, તો પણ ભગવાને એમ જણાવ્યું જે, ‘રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય, તો બીજાની શી ગણતી?’ માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો. એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય અને તે વિના તો ઝાઝી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હઠતો જાય અને અંતે જાતાં નિશ્ચય વિમુખ થાય. અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે જે, જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવળું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે અને જેને શિખામણની વાત કહે ને અવળું લે, તો તે ઉપર હેત થતું નથી; તેમ જ ભગવાનની પણ રીત છે જે, જેને શિખામણની વાત કહે ને સવળું લે, તો તે ઉપર હેત થાય છે પણ જે અવળું લે તે ઉપર થતું નથી.”

83. ગઢડા મધ્ય ૨૮ ( para.3)

અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે, તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. અને જેનું રૂડું થાય છે, તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે અને જેનું ભૂંડું થાય છે, તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે, ‘ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારુ નથી જાણતો.’ અને સર્વ શાસ્ત્રનું પણ એ જ સાર છે જે, ‘ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું.’ અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. અને જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે, ને ભગવાનનો રાજીપો છે, ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે; કેમ જે, જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે, તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા છે, તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારુ જન્મોજન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે, તેમ જ તમારે પણ નિશ્ચય કરવો.” પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું જે, “હે મહારાજ ! અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે.” એમ કહીને સર્વે હરિભક્ત વિનતિએ સહિત શ્રીજીમહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે ? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દમાત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે, તે સર્વેને આ વાર્તા છે, તે જીવનદોરી રૂપ છે.”

84. ગઢડા મધ્ય ૩૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ બોલતા હવા જે, “પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ. પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં ને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે, એમ જે માન્યું હોય તે કહેજ્યો.” એમ સર્વેને કહીને પછી શ્રીજીમહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી જે, “અમને તો જે પદાર્થમાં હેત જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્યમાત્ર અથવા પદાર્થમાત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ, ત્યારે સુખ થાય. અને જો ભગવાનનો ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહિ. અને અમારે વગર ઈચ્છે પણ પંચવિષય છે, તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે, તો પણ તેને અમે ઈચ્છતા નથી અને પગે કરીને ઠેલી નાંખીએ છીએ. અને જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યન્ત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે. અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ. ને જે અમારે વિષે દોષબુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડા ઘાટ થશે ને તેને દેહ મૂક્યા સમે બહુ કષ્ટ થશે. અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન રહે છે. અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારુ થાય તે સારુ હળીમળીને રહીએ છીએ. અને જે દિવસ અમારા હૈયામાં ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંઈ હેત જણાશે તો અમે એમ માનીશું જે, ‘અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા.’ પણ અમને એવો નિશ્ચય છે જે, અમે એ સ્થિતિમાંથી ડગીએ જ નહિ. એ અમે અમારું અંગ હતું તે કહ્યું. હવે તમે સૌ પોતપોતાનું અંગ હોય તે કહો.” પછી સર્વે સંતે તથા સર્વે હરિભક્તે જેવા જેના અંગ હતા તેવા કહ્યા જે, આ લોકને વિષે ને પરલોકને વિષે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે; એવી રીતે કહ્યું. તે સર્વે હરિભક્તના અંગની વિક્તિ જે, કોણેક તો ભગવાન વિના બીજે ઠેકાણે વૈરાગ્યનું કહ્યું અને કોણેક આત્મનિષ્ઠાનું કહ્યું; ને કોણેક ભગવાનને વિષે પ્રીતિનું કહ્યું ને કોણેક ધર્મમાં રહેવાનું કહ્યું, એવી રીતે બહુ પ્રકારે કહ્યું, પણ શ્રીજીમહારાજે મનમાં જે ધારી રાખ્યું હતું તે કોઈએ ન કહ્યું.”

85. ગઢડા મધ્ય ૩૩ ( para.4)

પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે, “એ નિષ્કામી વર્તમાન શે ઉપાયે કરીને અતિશય દ્રઢ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો ત્રણ પ્રકારના ઉપાય છે. જેમ હાંકનારો, બળધિયા, પૈડાં, ધૂંસરી, ઊંધ્ય, માંચડો એવા ઘણાક સામાને કરીને એક ગાડું કહેવાય છે, તેમ નિષ્કામી વ્રત દ્રઢ રાખવાની પણ ઘણીક સામગ્રી જોઈએ છીએ. તેમાં પણ ત્રણ ઉપાય છે, તે તો અતિશય મુખ્ય છે. તેમાં એક તો મનને વશ કરવું જે, મનને વિષે અખંડ એવું મનન કરવું જે, ‘હું આત્મા છું, દેહ નથી;’ ને ભગવાનની કથા શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને વિષે મનને અખંડ જોડી મેલવું, પણ ક્ષણમાત્ર મનને નવરું રહેવા દેવું નહિ. જેમ કોઈક પુરુષને ભૂત વશ થયો હતો. તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય; તેમ આ મન છે, તે પણ ભૂત જેવું છે. તે જ્યારે ભગવદ્‌ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે, ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે, પ્રાણને નિયમમાં રાખવો. તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘આહાર વિહાર યુક્ત રાખવો પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી.’ એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિષે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે, આ સત્સંગને વિષે જેને જેને જે જે નિયમ કહ્યા છે, તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે એ ત્રણ ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ થાય છે. અને એને વિષે એમ ન જાણવું જે, ‘એવી રીતે રાખવું ઘણું કઠણ છે.’ કેમ જે, જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહિ. અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારુ તેનો ત્યાગ કરે, ત્યારે જ એ પાકો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે ? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથરો હોય છે તેને વિષે નિત્યે પાણીને સિંચવું, તેણે કરીને નરમ દોરડી છે, તે પણ કાપા પાડે છે; તેમ જે સાધુ જ છે ને તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે, તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે ? એ તો નિશ્ચય નાશ પામશે. માટે જેને નિષ્કામ વ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે ત્રણ ઉપાય તે દ્રઢ કરીને રાખવા.”

86. ગઢડા મધ્ય ૩૫ ( para.4)

અને વળી ભગવાનની મૂર્તિની ઉપાસના ને ભગવાનનાં ચરિત્ર ને ભગવાનનું નામસ્મરણ; એ ત્રણ વાનાં વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે. અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનનાં ચરિત્રને ગાતો-સાંભળતો હોય ને ભગવાનનું નામસ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવાને ઈચ્છે એવો જાણવો ને તેને ચંડાળ જેવો જાણવો. માટે એ ચાર વાનાંએ કરીને જ જીવનું કલ્યાણ જરૂર થાય છે, પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જે, જેણે કરીને કલ્યાણ થાય. અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુના જે કાવ્ય-કીર્તન તે ગાવવા ને સાંભળવા તથા ભગવાનના અવતાર-ચરિત્રે યુક્ત એવા કાવ્ય-કીર્તન બીજા કવિના હોય તો તેને પણ ગાવવા ને સાંભળવા; પણ કબીર ને અખાનાં જે કાવ્ય કીર્તન હોય તથા એ જેવા જેના જેના કાવ્ય-કીર્તન હોય તેને ગાવવા નહિ ને સાંભળવા પણ નહિ. અને તમારે સર્વેને મારે વિષે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં, તો જેમ સર્વેને કૂવામાં નાંખીને ઉપરથી પાણાની શિલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહિ, તેમ તમે પણ મારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચઢી જાઓ તો એમાં મારું શું સારુ થાય ? માટે આ વાર્તા તમારા કલ્યાણની છે, તે મેં તમને હેતે કરીને કહી છે, તે સારુ તમો સર્વે હવે આવી જ રીતે સમજીને દ્રઢપણે વર્તજ્યો.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો તમે સર્વે આ અમે વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક એક આવીને મારે પગે અડીને સમ ખાઓ ને એવી પ્રતિજ્ઞા કરો જે, ‘અમારે દ્રઢ પણે એમ જ વર્તવું છે.” પછી સર્વે પરમહંસ તથા સત્સંગી રાજી થકા ઊઠીને શ્રીજીમહારાજના ચરણકમળનો સ્પર્શ કરીને નમસ્કાર કરીને પાછા બેઠા. પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું, ત્યારે બાઈઓએ પણ છેટે ઊભી રહીને એમ વર્તવાનો નિશ્ચય કરીને સમ ખાધા. પછી શ્રીજીમહારાજ પ્રસન્ન થકા પોતાને ઉતારે પધાર્યા.

87. ગઢડા મધ્ય ૩૯ ( para.4)

એવી રીતે વાર્તા કરીને પાછા દાદાખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી, નારાયણ ધૂન્ય, સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજીમહારાજે મોટેરા મોટેરા પરમહંસને પૂછ્યું જે, “અમે પંચમસ્કંધ તથા દશમસ્કંધનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજ્યામાં આવ્યું હોય તે કહો” ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ જે, રહસ્ય તે શું? તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને હા પાડે, પણ તેને કોઈ રીતે સંશય ન રહે જે, ‘એ વાર્તા એમ નહિ હોય.’ એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ બે ગ્રંથમાં દશમસ્કંધનું તો એ રહસ્ય છે જે, ઉપનિષદ્-વેદાંત ને શ્રુતિસ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિઃસ્વરૂપ કહ્યા છે, જ્ઞાનરૂપ કહ્યા છે, તત્ત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે અને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરબ્રહ્મ પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે, તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણવાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે, ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણભગવાનને જ કહ્યા છે, પણ શ્રીકૃષ્ણભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું; તથા સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા તે પણ શ્રીકૃષ્ણભગવાન જ છે, એમ કહ્યું છે. અને પંચમસ્કંધને વિષે તો એ શ્રીકૃષ્ણભગવાનનું માહાત્મ્ય કહ્યું છે. તથા એ શ્રીકૃષ્ણભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે ને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે, એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિષે જે રહે તે અતિશય મોટ્યપને પામે ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે, એમ કહ્યું છે. અને એ જ જે શ્રીકૃષ્ણવાસુદેવ તેણે વસુદેવ-દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજરૂપે અદ્‌ભૂત બાળક થકા દર્શન દીધું, એ અનાદિ વાસુદેવરૂપ છે. અને એ શ્રીકૃષ્ણભગવાન ધર્મ, અર્થ, કામને વિષે વર્ત્યા છે; તે ધર્મ, અર્થ, કામ સારુ જે જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનનાં જન્મ, કર્મ ને મૂર્તિ એ સર્વે દિવ્યસ્વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રીકૃષ્ણ તે જ સર્વોપરી છે, એવી રીતે એ બે ગ્રંથનું રહસ્ય છે. અને જે શુકજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રીકૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના-ભક્તિ કરવી ને દશમમાં કહ્યા છે જે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવા ને સાંભળવા, તે શુકજીએ જ કહ્યું છે જે, “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।” અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખવી. અને જો ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ હશે ને કદાચિત્ એ જીવ કાંઈક પાપ કરશે, તો પણ એનો ઉદ્ધાર થશે; કેમ જે, પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત્ તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે ? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખીને એની દ્રઢ ઉપાસના કરવી, એમ અમે તમને સર્વેને કહીએ છીએ. તે આ વાર્તાને સર્વે દ્રઢ કરીને રાખજ્યો.” એવી રીતે શ્રીજીમહારાજ સર્વેને શિક્ષાનાં વચન કહીને ભોજન કરવા સારુ પધાર્યા.

88. ગઢડા મધ્ય ૪૭ ( para.3)

અને વળી સંતને કોઈ સારુ પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચવિષયનો લાલચી હોય, એ બે તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ; કેમ જે, આ સભા તો જેવી બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે, તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે ? અને પંચવિષય છે, તે તો પૂર્વે દેવ-મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે, તો પણ હજી લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી; તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહિ. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહિ, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહિ. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહિ. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે,’શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે’ માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતાં મરવું નહિ અને ‘આ દેહમાંથી નીસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે,’ એવી વાસના રાખવી. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી-ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું; તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે, ‘માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ,’ એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક, ઈન્દ્રલોકના ભોગનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું. એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું માહાત્મ્ય જાણ્યું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્મ્ય જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું માહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી; એમ અરસપરસ માહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત્ય રાખવી.”

89. ગઢડા મધ્ય ૫૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ચાર વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે, ‘ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે.’ અને ભગવાનના જે સાધુ છે, તે તો ભવ-બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું, જેવું હેત સ્ત્રી ઉપર છે, કે પુત્ર ઉપર છે, કે માબાપ ને ભાઈ ઉપર છે, તેવું હેત રાખવું; તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અને પોતાનાં જે સ્ત્રી-પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળાં હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી; અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેણે લગારેક કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહિ. એવી જેની વૃત્તિ છે, તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે, તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહિ. ત્યારે એનું કલ્યાણ પણ થાય નહિ. અને સંતનો મહિમા તો પ્રથમ કહ્યો એવો મોટો છે. તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે, ‘મારું કલ્યાણ થશે કે નહિ થાય ?’ તેનું શું કારણ છે ? તો એ જીવને પૂર્વજન્મને વિષે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી, ને તેમની સેવા પણ તેણે કરી નથી; એને તો આ જન્મમાં જ નવો આદર છે, તે આગલ્યા જન્મમાં ફળશે. અને જેને પૂર્વ જન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે, તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહિ અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહિ; અને કામ, ક્રોધ, લોભ સંબંધી ઘાટ તો કદાચિત્ રહે પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહિ, તે કોઈકને વચને કરીને ન મટે એમાં શું કહેવું ? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે, તો પણ ડગમગાટ થાય નહિ. અને તેની દ્રઢતા તો જેવી નાથભક્તની છે, કે જેવી વિષ્ણુદાસની હતી, કે જેવી હિમરાજ શાહની હતી, કે જેવી કાશીદાસને છે, કે જેવી ભાલચંદ્ર શેઠને હતી, કે જેવી દામોદરને છે; એવી દ્રઢતા હોય ત્યારે જાણવું જે, આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે.”

90. ગઢડા મધ્ય ૬૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્સંગી કહેવાય. તે ત્રણ વાનાં તે કયા ? તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યાં હોય, તે પોતાના શિર સાટે દ્રઢ કરીને પાળે પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય, તે અતિશય દ્રઢપણે હોય પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહિ ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહિ; એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. અને ત્રીજો પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો, તે જેમ માબાપ દીકરા-દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે; તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. અને હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય, ત્યારે બીજાને એમ જણાય જે, ‘એ મોટેરો સત્સંગી છે.’ પણ મોટેરાની તો એમ પરીક્ષા છે જે, ગૃહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે. અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે જે, ‘તું પરમહંસ થા.’ તો તે તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણ હોય, તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ-પરદેશમાં જાય ને ત્યાં કનક-કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહિ અને પોતાના જે જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે, તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય.

91. ગઢડા મધ્ય ૬૬ ( para.8)

પછી શ્રીજીમહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછતા હવા જે, “ભગવાનને યથાર્થ જાણ્યા હોય ને ભગવાન તો કાંઈ ચમત્કાર ન દેખાડતા હોય ને બીજા જે જંત્ર મંત્રવાળા હોય તે તો પરચો દેખાડતા હોય, તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી કાંઈ ડગે કે ન ડગે ?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “હે મહારાજ ! જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે ક્યાંઈ પ્રતીતિ આવે જ નહિ અને જો બીજે ઠેકાણે પ્રતીતિ આવી તો તેને ભગવાનનો નિશ્ચય જ નથી. એ તો ગુણબુદ્ધિવાળો હરિભક્ત કહેવાય, પણ યથાર્થ ભગવાનનો ભક્ત ન કહેવાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ જ એનો ઉત્તર છે.”

92. વરતાલ ૧ ( para.5)

એ શ્લોકનો એમ અર્થ છે જે, ‘વિશ્વના સર્ગ-વિસર્ગાદિક જે નવ લક્ષણ, તેણે કરીને જાણ્યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, તેને વિષે જે મુમુક્ષુની અચળમતિ થઈ; જેમ આ આંબાનું વૃક્ષ છે તે એક વાર દ્રઢ કરીને જાણ્યું. પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિષે ભ્રાંતિ ન થાય જે, ‘આંબાનું વૃક્ષ હશે કે નહિ હોય?’ તેમ જેને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે ને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ-વિકલ્પ રહેતા હોય જે, ‘બ્રહ્મપુરને વિષે કેવું ભગવાનનું સ્વરૂપ હશે ? અને શ્વેતદ્વીપ ને વૈકુંઠને વિષે કેવું ભગવાનનું સ્વરૂપ હશે? અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે ?’ એવી જાતના સંકલ્પ-વિકલ્પ કર્યા કરે, પણ પ્રકટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને. અને એવાને જો દૈવ ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ-વિકલ્પ મટે નહિ અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાને ઇચ્છે પણ મનના વિકલ્પ મટે નહિ, એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે ને સમાધિ ન હોય તોય સવિકલ્પ છે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે, અથવા નથી તો પણ તેને સદા નિર્વિકલ્પ સમાધિ જ છે.”

93. વરતાલ ૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાંકડા વાંકડા પ્રશ્ન કરો જે, જેણે કરીને સૌની આળસ ઊડી જાય.” એમ કહીને પોતે આથમણી કોરે ઉસીકું કરીને પડખાભર થયા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया । मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते।।” એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું છે જે, ‘જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા, તેને તરે છે.’ ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તેને માયા વિના બીજું કોણ કરતું હશે ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ પોઢ્યા હતા, તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા હવા જે, “માયાના જે ત્રણ ગુણ છે તેમાં તમોગુણના તો પંચભૂત ને પંચમાત્રા છે; અને રજોગુણના દશ ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ છે, અને સત્ત્વગુણના મન ને ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા છે. તે જે જે ભક્ત થઈ ગયા છે તે સર્વેમાં એ ત્રણ ગુણના કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે સર્વ હતા. માટે એનો એમ ઉત્તર છે જે, પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા જે, ‘એ ભગવાનના સ્વરૂપને વિષે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને એ ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે થકી પર છે.’ એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા; તે પોતપોતાની ક્રિયાને વિષે પ્રવર્તે છે તો પણ એ માયાને તર્યો કહેવાય. કેમ જે એ માયાનું કાર્ય પોતાને વિષે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રકટ પ્રમાણ શ્રીવાસુદેવ ભગવાન તેને તો એ માયાના ગુણથી પર સમજે છે, માટે એને પણ માયાથી પર જ જાણવો. અને બ્રહ્માદિક દેવ ને વસિષ્ઠ, પરાશર, વિશ્વામિત્રાદિક ઋષિ; એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે, તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ? ને માયાને તર્યા ન કહેવાય ? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે. અને એમ જો ઉત્તર ન કરીએ, તો એ પ્રશ્નનું સમાધાન થાય નહિ, માટે એ જ ઉત્તર છે.”

94. વરતાલ ૫ ( para.4)

પછી નાજે ભક્તે પૂછ્યું જે, “જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોલ્યામાં તો નક્કી હરિભક્ત હોય તેના જેવું જ નિશ્ચયનું બળ દેખાડતો હોય, તે શી રીતે કરીને કળ્યામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે. પછી જેને થોડો નિશ્ચય હોય તે કચવાઈને સત્સંગના ભીડામાંથી માગ દઈને એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે, પણ હરિભક્તની ભીંસણમાં રહેવાય નહિ. માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ; એ ત્રણ પ્રકારનો છે અને તેણે કરીને ભક્ત પણ ત્રણ પ્રકારના છે.”

95. વરતાલ ૧૨ ( para.2)

અને તે સમે શ્રીજીમહારાજ અંતર્દૃષ્ટિ કરીને બહુ વાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે હરિભક્તની સભા સામું કરુણાકટાક્ષે કરી જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે, તે સર્વે સાવધાન થઈને સાંભળો જે, અનંત કોટિ સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે શ્રીપુરુષોત્તમ ભગવાન સદા દિવ્યમૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે; ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સત્સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે, તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિષે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે, તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યોત૨ જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો, અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. અને તે જ ભક્તને જો ક્યારેક અસત્ દેશ, અસત્ કાળ, અસત્ સંગ અને અસત્ શાસ્ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનનાં ચરિત્રને વિષે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો, પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ્ય હોય તે એ જીવને ઝાઝી નડતી નથી; પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષનાં મૂળ કપાણાં ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય, તેમ જેને ભગવાનને વિષે કોઈ રીતે દોષબુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહિ. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય જે, ‘શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહિ થાય ? અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ, કે રાજા થઈશ, કે ભૂત થઈશ ?’ જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. અને જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું ક્લ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે.’ માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિષે કૃતાર્થપણું માનવું, એ વાત સર્વે ખબડદાર થઈને રાખજ્યો.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા,’ એ માહાત્મ્યનું કીર્તન ગાવો. પછી તે કીર્તન ગાયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં ક્હ્યું છે જે, “अहो अमी देववरामरार्चितं पादाम्बुजं ते सुमनःफलार्हणम्। नमन्त्युपादाय शिखाभिरात्मनस्तमोपहत्यै तरुजन्म यत्कृतम् ।।” એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું. અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો, તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહિ. જેમ રાજા હોય તે નપુંસક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહિ; અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહિ. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા, ભાગવત જેવા સદ્‌ગ્રંથ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થતું અને વળી જેમ દૂધ ને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી, પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય. તેમ માહાત્મ્ય સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા, ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી, એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે.”

96. ગઢડા અંત્ય ૫ ( para.9)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે, તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહિ, અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય. એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ બેય ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ, ક્રોધ, લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય અને જો તે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાઝ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહિ. તેને આત્મનિષ્ઠા, વૈરાગ્ય જો થોડાં હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. શા માટે જે, પ્રથમ કહ્યો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિષે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે; માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષે અતિશય પ્રીતિએ યુક્ત થાય છે.”

97. ગઢડા અંત્ય ૧૪ ( para.12)

પછી આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “મનમાં તો એમ નિશ્ચય છે જે, દેહ પર્યન્ત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે; તો પણ એમ જાણીએ છીએ જે, પરમેશ્વરને ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મૂંઝાય પણ નહિ; તથા વાંક વિના પણ પરમેશ્વર ને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે; ત્યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે. અને ત્રીજો પ્રકાર એ છે જે, જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશમાત્ર ફેર પડે તો અતિશય દુઃખાઈ જાય ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે. અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુઃખાય ને ત્રાસ પામે. ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે જે, ‘આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહિ.”

98. ગઢડા અંત્ય ૨૧ ( para.4)

અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ એ અતિશય દૃઢ નહિ હોય તે તો અંતે જાતાં ઢીલો પડ્યા વિના નહિ જ રહે. જેમ મીણે પાયેલ દોરો હોય અને તે શિયાળામાં ને ચોમાસામાં તો અક્કડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય. તેમ અહીંયા હરિભક્તને સર્વે પ્રકારે સુખ રહે ને સત્સંગમાં પણ સન્માન થતું રહે, તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે સૂધાં આકરાં જણાય; પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ને દેહે કરીને પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલાં થઈ જાય. તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની મેળે મનમાં ઓશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હઠી જાય છે. પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દૃઢપણે કરવો, પણ દેહ તથા દેહના સંબંધી તે સંગાથે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહિ. જેમ સોનાનો દોરો કર્યો હોય તે છયે ઋતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહિ, તેમ જેનો દૃઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હઠે નહિ. એવા જે દૃઢ સત્સંગી વૈષ્ણવ છે, તે જ અમારે સગાંવહાલા છે ને તે જ અમારી નાત છે ને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે ને શ્રીકૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, એમ અમારો નિશ્ચય છે. અને તમારે પણ તેમ જ નિશ્ચય રાખ્યો જોઈએ. શા માટે જે, તમે સર્વે અમારે આશ્રિત થયા છો માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ. ને મિત્ર પણ તેને જ જાણવો જે, ‘પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે.’ એ જ મિત્રનું લક્ષણ છે, તે સમજી રાખજ્યો.”

99. ગઢડા અંત્ય ૨૪ ( para.5)

અને વળી જે હરિભક્તને વિષે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ જે, “દાદાખાચરને વિશ્વાસનું અંગ, અને રાજબાઈને ત્યાગનું અંગ, અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ. અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ, અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી, તથા અમારો વિશ્વાસ એ અંગ. અને સોમલા ખાચરને સદા એકરે’ણીપણું એ અંગ અને ચૈતન્યાનંદસ્વામીને એમ જે, ‘કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વતે વર્તાય તો ઠીક,’ એ અંગ. અને સ્વયંપ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા માહાત્મ્ય એ અંગ, અને ઠાકોર ઝીણાભાઈને એમ જે, ‘ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહિ !’ એવું અંગ, અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહિ એવું અંગ.” એવી રીતે ઘણાક મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેના અંગ કહ્યા.”

100. ગઢડા અંત્ય ૨૬ ( para.4)

પછી વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય, એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે. અને દંભ ન ગમે. તે દંભ તે શું ? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડાં હોય ને બીજા આગળ પોતાની મોટ્યપ વધાર્યા સારુ ઉપરથી તો તેને બહુ જણાવે, તે ન ગમે. અને પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે ને વળી ઘડીકમાં પાળે, એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે અને ભગવાનનો મહિમા તો ઝાઝો મોટો સમજે ને પોતાને અતિશય તુચ્છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને, તે ન ગમે. અને હવે જે ગમે તે કહીએ છીએ જે, ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે, ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા, તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દૃઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય, અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈક કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે, અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહિ, એવો જે હોય તે અમને બહુ ગમે.” એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પોતાને ઉતારે પધાર્યા.

101. ગઢડા અંત્ય ૨૭ ( para.6)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ ? તો જેમ આ સંસારમાં પ્રથમ બાળકપણામાંથી માબાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઈત્યાદિક જે જે પદાર્થનો નિશ્ચય થયો છે, તે શાસ્ત્રે કરીને થયો છે. અને શાસ્ત્ર ન સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્ત્યા છે, તેણે કરીને તેનો નિશ્ચય કર્યો છે. તેમ શાસ્ત્રે કહ્યા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઈત્યાદિક સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય; માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દૃઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ.”

102. ગઢડા અંત્ય ૨૭ ( para.7)

અને તે પછી વડોદરાવાળા નાથભક્તે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “જેને ભગવાનનો દૃઢ નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્ત તેના જે સંબંધી તેનું કલ્યાણ તે ભક્તના સંબંધે કરીને છે કે નથી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો એનાં સંબંધીને તથા એના પિત્રીને એને વિષે હેત હોય તો એનું ક્લ્યાણ થાય ને હેત ન હોય તો ન થાય. અને જો સંબંધી પણ ન હોય ને જો તેને એ ભક્તને વિષે હેત હોય તો તેનું પણ સારુ થાય. કેમ જે, એને મુવાટાણું થાય ત્યારે તે ભક્ત તેને સાંભરી આવે અને તે ભક્તની વૃત્તિ તો ભગવાન સાથે નિરંતર લાગી છે ને તે ભક્તનું તેને સ્મરણ થાય, માટે તેનું કલ્યાણ થાય છે.”

103. ગઢડા અંત્ય ૨૮ ( para.3)

પછી શ્રીજીમહારાજને સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે, તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજે ઉત્તર કર્યો જે, “એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચ્યપ રહી ગઈ છે. તે શું? તો કોઈકને સ્વાદે કરીને સારુ સારુ ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે ત્યારે તેનું અંતર પાછું પડી જાય તથા કામનો ઘાટ રહી ગયો હોય ને તેને ખોદે તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે ને કહે જે, ‘આ તારું ધન, માલ, ખેતર, વાડી તે કોઈકને આપી દે.’ ત્યારે તે વચન પાળે નહિ, તેણે કરીને પાછો પડી જાય. તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદે ને અપમાન કરે, ત્યારે તેણે કરીને પણ પાછો પડી જાય છે. એવી રીતે નિશ્ચય હોય ને જે જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય છે. અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જ એ અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહિ. અને એ અવગુણ હમણાં પણ જેમાં જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જુવે તો જણાઈ આવે જે, ‘આવી રીતને અંગે હું કાચો છું, તે જો મને પાળ્યાનું કહેશે તો હું વિમુખ થઈશ.’ એમ યથાર્થ જાણે.”

104. ગઢડા અંત્ય ૨૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછ્યો જે, “બે સત્સંગી છે, તેની અવસ્થા વિશ વિશ વર્ષની છે તથા બેયને નિશ્ચય, હેત ભક્તિ, વૈરાગ્ય, ધર્મ તે બરોબર છે. અને તેમાંથી એકને તો પ્રારબ્ધયોગે કરીને પરણીને સ્ત્રી મળી ને એકને ન મળી ને સાંખ્યયોગી રહ્યો ને એને પણ પરણ્યાની તો ઈચ્છા હતી, પણ મળી નહિ. ત્યારે એ બે જણને તીવ્ર વૈરાગ્ય તો પ્રથમથી જ ન હતો; માટે વિષયભોગમાં બેયને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે એ ગૃહસ્થ થયો, તેની થાય કે સાંખ્યયોગીની થાય ? તે કહો. અને વેદ તો એમ કહે છે જે, ‘જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સંન્યાસ કરવો. ને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષયભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થ થવું ને પછી સંન્યાસ કરવો.’ માટે વિચારીને ઉત્તર કરજ્યો ?” પછી શુકમુનિએ એનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, “એ ગૃહસ્થાશ્રમી સારો ને બીજો જે સાંખ્યોગી તે ભૂંડો. કેમ જે, એને તીવ્ર વૈરાગ્ય નથી. માટે એણે વિષયને તુચ્છ ને અસત્ય જાણ્યા નથી. તેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ દ્રઢતા નથી. તે સારુ એ સત્સંગથી બહાર જાય ને વિષયનો યોગ થાય તો બંધાય જાય ને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચ રાખે ને સત્સંગમાં આવે. અને જે ગૃહસ્થ છે તેને છ મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે. માટે મંદ વૈરાગ્યવાળાને ત્યાગ કરવો એ ઠીક નથી, ત્યાગ તો તીવ્ર વૈરાગ્યવાળાને કરવો તે ઠીક છે. અને મંદ વૈરાગ્યવાળો ત્યાગ કરે, તો એનો ત્યાગ દેહ પર્યન્ત નભે નહિ. વર્ષે, બે વર્ષે, દશ વર્ષે તેના ત્યાગમાં વિઘ્ન જરૂર પડે.”

105. ગઢડા અંત્ય ૩૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારા મનમાં આ બે વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે. તેમાં એક તો જેને એમ હોય જે, ‘એક ચૈતન્યના તેજનો રાશિ છે ને તેના મધ્યને વિષે શ્રીપુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે,’ એવો દૃઢ નિશ્ચય હોય અને તે ભગવાનની ઉપાસના, ભક્તિ કરતો હોય તે વાત ગમે; પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય, ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય ને તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે. અને બીજું એમ જે, એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચવિષયના અભાવને કરતો હોય તથા વૈરાગ્યવાન હોય ઈત્યાદિક જે જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિર્દંભપણે કરે તે ગમે. અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે જે, ‘એને શાબાશ છે જે, એ આવી રીતે વર્તે છે.’

106. ગઢડા અંત્ય ૩૦ ( para.3)

અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે, ‘આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે.’ ને સુખ-દુઃખ, રાજીપો-કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે; એવો વૈરાગ્ય કહ્યો. અને બીજું એમ જે, આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે. અને ત્રીજું એમ જે, અમારા મનમાં પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી ? અને એમ જાણું છું જે, ટળી તો ગઈ છે ત્યારે તે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે? ત્યારે રખે ન ટળી હોય ! એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. અને ચોથું એમ જે, મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત; એ જે સર્વ છે તેને પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નહિ ? અને આની વાસના ટળી છે, ને આને આની નથી ટળી. એમ સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. અને પાંચમું એમ જે, જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય ને દેહ પડી જાય. માટે એમ જાણીએ છીએ જે, ‘મનને ઉદાસી ન કરવું.’ કેમ જે, ભલા અમારે યોગે કરીને આ સર્વે બાઈ-ભાઈ, પરમહંસ રાજીપે બેઠાં ભગવદ્‌ભક્તિ કરે છે, તો એ ઠીક છે. અને ભગવદ્‌ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે જે, મરી તો સર્વને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે. એમ નિરંતર અનુસંધાન રહે છે.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ શ્રીપુરુષોત્તમનારાયણ છે.

107. ગઢડા અંત્ય ૩૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને કહ્યું જે, “विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः। એ શ્લોકનો અર્થ કરો.” ત્યારે તેમણે રામાનુજભાષ્યે સહિત અર્થ કર્યો. ત્યાર પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો અમે એમ નિશ્ચય કર્યો જે, યુવા અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુક્તાહાર-વિહારપણે રહેવું. ને આહાર ક્ષીણ થાય; ત્યારે દેહનું બળ ક્ષીણ થાય અને ત્યારે જ ઇન્દ્રિયો જીતાય, તે વિના ઇન્દ્રિયો જીતાય નહિ ને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભક્તિને વિષે રુચિ સહિત રાખે ને ભક્તિમાં પ્રીતિ રાખે, એ બે પ્રકારે એ વર્તે તો એનો સત્સંગ પાર પડે. અને એમ ન હોય તો એ જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ એનો એને ભય છે, તો બીજાની શી વાર્તા ? અને આહાર નિયમમાં કરવો તે ઘણાક ઉપવાસ ઠામુકા કરવા માંડે તેણે કરીને ન થાય, એમ તો ઝાઝી તૃષ્ણા થાય ને મૂળગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમણો વાળે; માટે એ તો ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો નિયમમાં આવે. જેમ મેઘ ઝીણી ઝીણી બુંદે વર્ષે છે પણ બહુ પાણી થાય છે, તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો. ને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે ને ભક્તિમાં પ્રીતિ હોય તો એ પાર પડે, એ નિશ્ચિત વાર્તા છે.”

108. ગઢડા અંત્ય ૩૪ ( para.2)

પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન વિના બીજા માયિક પદાર્થમાત્રને વિષે વાસના ન રહે ને એક ભગવાનને વિષે જ વાસના રહે, તેના બે સાધન જણાય છે. એક તો ભગવાનને વિષે પ્રીતિ ને બીજો જ્ઞાને સહિત વૈરાગ્ય, એ બે સાધન છે. તે એ બે સાધન તો જેને અતિશયપણે ન વર્તતા હોય ને ભગવાનનો નિશ્ચય ને વિશ્વાસ તો હોય, એવાને પણ એક ભગવાનની જ વાસના રહે, ને બીજા પદાર્થની વાસના ન રહે એવો ત્રીજો કોઈ ઉપાય છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ન ખરો ને એ બે સાધને કરીને જ એક ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરું. અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ન ટળે. માટે જીવતે દુઃખિયો વર્તે ને ભગવાનનો નિશ્ચય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે. અને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ટાળ્યાના જેમ એ બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે. તે શું ? તો જેના જેવા નિયમ કહ્યા છે તેમાં સાવધાન પણે વર્તે. તે નિયમ કયા ? તો એક તો સ્વધર્મ સંબંધી નિયમ. તે કેમ ? તો જેમ આત્મનિવેદી સાધુ-બ્રહ્મચારીના નિયમ છે, તેમ જ આત્મનિવેદી ન હોય તો પણ સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે, તથા સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ રાખે. એવી રીતે પંચવિષયના ત્યાગ સંબંધી નિયમને દૃઢપણે સાવધાન થકો પાળે, તથા ભગવાન ને ભગવાનના ભક્ત તેની દેહે કરીને પરિચર્યા કરે, તથા ભગવાનની કથા સાંભળે ઈત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે, ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે. એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય ને ભગવાનને વિષે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ને અતિશય બળિયો થઈ જાય ને એને પદાર્થમાં અશુભ વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે.”

109. ગઢડા અંત્ય ૩૫ ( para.4)

ત્યારે વળી શુકમુનિએ પૂછ્યું જે, “જેની જે પ્રકૃતિ હોય તેને ભગવાને તથા સાધુએ કોઈ દિવસ મરોડી ન હોય, ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે જે, ‘મારી પ્રકૃતિને મરોડશે ત્યારે મારું ઠીક નહિ રહે ?’ કેમ જે, પોતે જે અજમાવેલ વાર્તા ન હોય તેનો વિશ્વાસ કેમ આવે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો પોતાના મનના જે સંકલ્પ તેની સામી દૃષ્ટિ રાખે જે, ‘મારા મનમાં ભગવાન વિના બીજા પંચવિષય સંબંધી ભોગ છે તેમાં શાની વાસના બળવાન છે ? ને બળવાનપણે કયા વિષયનો સંકલ્પ થાય છે ?’ એમ વિચારે તો જેવો પોતે હોય તેમ માલુમ પડે, પણ બીજી રીતે ન પડે. અને જ્યારે એ વિચારે ત્યારે એમ વિચારે જે, ‘આ પદાર્થનો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તુ છું ને તેમાંથી જ્યારે મને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહિ રહે.’ એમ એને પોતાનો નિશ્ચય થાય. અને બળવાન પ્રકૃતિ હોય ને તદપિ જો એની પ્રકૃતિને ભગવાન તથા સાધુ કોઈ દિવસ મરોડે નહિ, તો તો એ પાર પડી જાય. ને જો મરોડે તો તો એનો ઠા રહે નહિ. અંતે અતિ મૂંઝાઈને વિમુખ થઈ જાય.”

110. ગઢડા અંત્ય ૩૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો જે, “આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે જે, જેને વિષે એ પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહિ? તે કહો. તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જે, જેણે કરીને તેમાંથી નિશ્ચય પડી જાય ? તે પણ કહો.” પછી સર્વેએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે, શ્રીપુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકારમૂર્તિ સમજવા, ને તેના જ સર્વે અવતાર છે, એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો, ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી, ને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો, એ કલ્યાણનું અસાધારણ સાધન છે. અને એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી. અને એ સાધનને વિષે મોટું વિઘ્ન એ છે જે, ‘શુષ્કવેદાંતીનો સંગ કરવો.’ અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય ? તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને, તેને વિષે હેત થાય. અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે, જેમ કોઈકે કાળમાં અન્ન આપીને જિવાડ્યો હોય તેની ઉપર હેત થાય, એવી રીતે જે જેણે ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય. તેમ તે શુષ્ક વેદાંતી તે એને એમ ગુણ દેખાડે જે, ‘આત્મા છે તેને જન્મમરણ નથી ને તે નિરાકાર છે અને તે ગમે એટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે.’ એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાંખે ત્યારે એને એ મોટું વિઘ્ન થયું. કેમ જે, ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો. માટે એ શુષ્ક વેદાંતીનો સંગ ક્યારેય ન કરવો, અને એ શુષ્ક વેદાંતી તો મહાઅજ્ઞાની છે, ને ભગવાનના ભક્તિમાર્ગમાં એવું મોટું કોઈ વિઘ્ન નથી.”

111. ગઢડા અંત્ય ૩૭ ( para.3)

હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ જે, ‘ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ, મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે, તે કોઈનો નથી. અને ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્યપણું નથી ચાલતું, એવા ભગવાન છે. ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ નથી. અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે, તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે, ને તે સર્વમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્યમૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે, ને ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે, એવું ભગવાનનું સ્વરૂપ છે. અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિષે રહ્યા થકા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિષે રહ્યા જે સર્વે જીવના સમૂહ, તેમને વિષે તેમના યથાયોગ્ય કર્મફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. અને સર્વ જીવના જીવન છે, ને એ વિના એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થતો. અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે, જેમ કોઈક સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયા બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે, તેમ ભગવાન એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગકળાને સામર્થ્યે કરીને સર્વે ક્રિયાને કરે છે. અને જેમ અગ્નિ જે તે કાષ્ઠને વિષે ને પાષાણને વિષે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે ને કાષ્ઠ પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે, તેમ ભગવાન સર્વ જીવને વિષે રહ્યા છે, તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે. અને એવી રીતના અનંત ઐશ્વર્યે યુક્ત એવા જે એ ભગવાન, તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે.’ તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય, ને તે ભગવાનની ભક્તિ કરી હોય, ને તે જ્ઞાન-ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય, તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહિ. અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિષે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વીસરી જાય નહિ. જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વીસરતું નથી તેમ. અને આ વાર્તા શા સારુ કરીએ છીએ ? તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે, પણ કદાચિત્ દેશ, કાળ, પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું ક્લ્યાણ થાય અને એને એવો દૃઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય જે, ‘મારું ક્યારેય અકલ્યાણ થશે.’ અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે ને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે. કેમ જે, કોઈક દિવસ બાહેર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય, તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારુ થાય, માટે આ વાર્તા કરી છે.”

112. ગઢડા અંત્ય ૩૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે, એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે, તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદરૂપ છે. અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન, તે જે તે, તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર, તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે. ને તમારા ઈષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન; તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.”

(કુલ: 293)