પંચવર્તમાન

પંચવર્તમાન

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "પંચવર્તમાન" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૫૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોઈ પ્રશ્ન પૂછો, ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો. અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને તે સાધુમાં બીજા ઘણાક ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન, વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને જો અવગુણ લે નહિ, તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે.”

2. લોયા ૫ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે, “કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય?” પછી પરમહંસ વતે એનો ઉત્તર ન થયો, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ પંચવર્તમાન સંબંધી પોતામાં કાચ્યપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચ્યપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો ત્યારે તે નિષ્કપટ કહેવાય અને એ માંહીલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે, તેને કપટી જાણવો.”

3. લોયા ૬ ( para.14)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહિ અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તો પણ તે કરવું એવું તે શું છે ?” પછી એનો ઉત્તર પણ પોતે કર્યો જે, “અમે કોઈક વચન કહીએ ને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિષે ચિરકારી થવું કહેતાં તેમાં ઘણીક વાર લગાડવી, પણ તુરત માનવું નહિ. જેમ શ્રીકૃષ્ણભગવાને અર્જુનને કહ્યું જે, ‘અશ્વત્થામાનું માથું કાપી નાખો.’ પછી તે વચન અર્જુને ન માન્યું, તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઈએ તોપણ ન માનવું તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કહ્યા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું અને એ બે વચન ના માનીએ ને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા, પણ તેમાં રાજી ન કરવા.”

(કુલ: 3)