બાહ્યદૃષ્ટિ

બાહ્યદૃષ્ટિ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "બાહ્યદૃષ્ટિ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૨૦ ( para.2)

પછી સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ બોલ્યા જે, “સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ.” ત્યારે સર્વ હરિભક્તે હાથ જોડીને કહ્યું જે, “પૂછો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે?” પછી તો સર્વે વિચારી રહ્યા, પણ ઉત્તર કરી શક્યા નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે જ ઉત્તર કરીએ.” ત્યારે સર્વેએ રાજી થઈને કહ્યું જે, “હે મહારાજ ! તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુવે છે અને કુરૂપને જુવે છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુવે છે, એવા અનંત પદાર્થને જુવે છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્યદૃષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે તેમ જ શ્રોત્ર, ત્વક્, રસના, ઘ્રાણ ઈત્યાદિક સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષયસુખને ભોગવે છે ને જાણે છે; પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી, એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે.”

2. ગઢડા પ્રથમ ૪૯ ( para.3)

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનું સાધન તો અંતર્દૃષ્ટિ છે તે અંતર્દૃષ્ટિ શું ? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતર્દૃષ્ટિ છે; અને તે મૂર્તિ વિના ષટ્ચક્ર દેખાય અથવા ગોલોક, વૈકુંઠાદિક ભગવાનનાં ધામ દેખાય તો પણ તે અંતર્દૃષ્ટિ નહિ. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ અંતર્દૃષ્ટિ છે અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્યદૃષ્ટિ છે.” પછી વળી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “હવે તો બે બે જણ થઈને સામસામા પ્રશ્ન-ઉત્તર કરો,” પછી ઘણીવાર સુધી પરમહંસે પરસ્પર પ્રશ્ન-ઉત્તર કર્યા, તેને સાંભળતા થકા શ્રીજીમહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હવા.

3. સારંગપુર ૨ ( para.3)

પછી શ્રીજીમહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી જે, “વચને કરીને તો કોઈ જીવ પ્રાણીમાત્રને દુઃખવવા નહિ. અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય, તો પણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું; અને આપણા કરતા મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભોંઠા પડે એમ કરવું નહિ. મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું. અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે, ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનવું. તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહિ, પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સમાને વિષે ના પાડવી નહિ, એ તો હા જ પાડવી. અને એમ કહેવું જે, ‘હે મહારાજ! જેમ તમે કહેશો તેમ હું કરીશ.’ અને તે વચન પોતાને મનાય નહિ એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું જે, ‘હે મહારાજ ! તમે જે વચન કહ્યું તે તો ઠીક છે, પણ આટલી મને તેમાં આશંકા થાય છે.’ એ પ્રકારનું દીન થઈને વચન કહેવું, અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને આગળ કહેવું જે, ‘આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે, તે તો મને માન્યામાં આવતું નથી.’ પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગળ કહીને એ વચનનું સમાધાન કરાવે, પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમે ના પાડવી નહિ. એવી રીતની યુક્તિએ મોટાના વચનને પાછું ઠેલવું, પણ કહ્યું ને તત્કાળ ના પાડવી નહિ. એવી રીતે તો વચનને ગુણે કરીને વર્તવું. પછી તે ભક્તને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે અને તે ભક્તને પણ ભગવાનને વિષે દ્રઢ સ્નેહ થાય છે. હવે દેહને ગુણે કેમ વર્તવું ? તો પોતાના દેહમાં જો કાંઈ ઉન્મત્તપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાખવું, પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે, પણ પોતાને જાણે દેહનું જતન કરવું નહિ તથા દેહે કરીને ભગવાનની તથા ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી. એવી રીતે જ્યારે એ દેહને ગુણે કરી વર્તે ત્યારે તેને દેખીને તેની ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્નેહ થાય છે. અને એ ભક્તને પણ ભગવાનને વિષે પ્રીતિ થાય છે. હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ જે, પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહિત દૃષ્ટિને એકાગ્ર રાખીને કરવા અને પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું, ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવળી, ઊંચી નીચી દૃષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય પછી એવી ફાટેલ દૃષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી. અને એ દર્શન કરે છે તે કેવા કરે છે ? તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે. અને એવી લૌકિક દૃષ્ટિવાળો તો જેમ ખિલખોડી બોલે છે તે ભેળે પૂંછડું ઊંચું કરે છે તેવો જાણવો. શા સારુ જે, પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે, અને એવા લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહિ અને તે દિવસે દિવસે ઊતરતો જાય, તે માટે પરમેશ્વરના દર્શન કરતા કરતા આડી અવળી દૃષ્ટિ કરવી નહિ. પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિષે જેવું અંતરમાં અલૌકિકપણું હોય, તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય. ને એક દૃષ્ટિએ કરીને મૂર્તિને જોતે જવું અને દૃષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી. જેમ ધર્મપુરમાં કુશળકુંવરબાઈ હતા, તે અમારા દર્શન કરતા જતાં હતા અને દૃષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતાં; તેમ દર્શન તો મને યુક્ત દૃષ્ટિને એકાગ્ર રાખીને કરવા, પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા. અને જો પરમેશ્વરના દર્શન ભેળે બીજા દર્શન મનુષ્યના કે કૂતરા બિલાડાના કરે છે તો તેને જ્યારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય અને તે અન્ય પદાર્થ પણ ભેળે દેખાય. તે માટે પરમેશ્વરના દર્શન તો એકદૃષ્ટિએ કરવા, પણ ચપળ દૃષ્ટિએ ન કરવા. અને પરમેશ્વરના દર્શન દૃષ્ટિને નિયમમાં રાખીને કરે છે, તેને એ દર્શન નવીનનાં નવીન રહે છે, અને પરમેશ્વરે જે જે વચન કહ્યા હોય તે પણ તેને નવીનનાં નવીન રહે છે. અને લૌકિક બાહ્યદૃષ્ટિએ કરીને દર્શન કર્યા હોય તેને પરમેશ્વરના દર્શન તથા વચન એ સર્વે જૂનાં થઈ જાય છે. તે રોજ દર્શન કર્યા કરે, પણ એવાને તો જેમ ન થયા હોય તેવા ને તેવા રહે છે, તે જ્યારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહિ. બહુધારાએ યુક્ત થાય અને પરમેશ્વરને ધારે ત્યારે તે ભેળે બીજા દર્શન જે જે કર્યા છે તે પણ વગર ધાર્યાં આવીને હૈયામાં સ્ફુરે છે. તે માટે દર્શન તો એક પરમેશ્વરના જ કરવા અને એમ જે દર્શન કરે છે, તેનું મન ભજન-સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે પણ તેની બહુધારા નથી રહેતી, એક રહે છે. અને જે ચપળ દૃષ્ટિએ દર્શન કરે છે તેને હું જાણું છું અને જેના દૃષ્ટિ ને મન નિયમમાં હોય એવા જે મોટા સંત તે પણ જાણે જે, ‘આ તો લૌકિક દર્શન કરે છે.’ પછી તે લૌકિક દર્શનનો કરનારો આ સમાગમમાંથી દિવસે દિવસે ઉતરતો જાય છે. અને જેમ કોઈક કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દૃષ્ટિ પ્રોવાણી હોય તે સમે વચમાં કોઈક પશુ પક્ષી આવે, જાય કે બોલે પણ તેની તેને ખબર રહે નહિ. એવી રીતે એકાગ્ર દૃષ્ટિએ કરીને પરમેશ્વરમાં જોડાવું પણ લૌકિક દર્શન ન કરવા.”

4. સારંગપુર ૧૦ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનનાં ધામ તેને બાહ્યદૃષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે અને આત્મદૃષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. માટે બાહ્યદૃષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે અને આત્મદૃષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય જે, ‘મારા ચૈતન્યને વિષે ભગવાન સદાય વિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે’ અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે, તો તે સંત થકી ભગવાન તથા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી. અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, ‘મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.’ ને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે અને જેને આવી સમજણ તો આવી શકે નહિ, ને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે ને તે સંત નિત્ય પાંચ ખાસડાં મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહિ, જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહિ, તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે.”

5. ગઢડા મધ્ય ૮ ( para.4)

પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું જે, ‘તમો સર્વે યજ્ઞ કરજ્યો ને તે યજ્ઞે કરીને તમારે સર્વ પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે, માટે યજ્ઞ તો જરૂર કરજ્યો.’ પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા. તેમાં જે પ્રવૃત્તિમાર્ગવાળા હતા તેને તો રાજસી, તામસી, એવા પ્રવૃત્તિમાર્ગના યજ્ઞ બતાવ્યા અને જે નિવૃત્તિમાર્ગવાળા હતા, તેને તો સાત્વિકયજ્ઞ બતાવ્યા. તે યજ્ઞ શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્‌ગીતાને વિષે પણ કહ્યા છે. માટે આપણે તો નિવૃત્તિમાર્ગવાળા છીએ તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા, પણ જેમાં પશુ મરતાં હોય એવા જે રાજસી, તામસી યજ્ઞ, તે આપણે કરવા નહિ. તે સાત્વિક યજ્ઞની રીત જે, દશ ઇન્દ્રિયો ને અગિયારમું મન; એ સર્વે જે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મઅગ્નિને વિષે હોમવાં. એનું નામ યોગયજ્ઞ કહેવાય. અને એવી રીતે હોમતાં હોમતાં જેમ યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે, તેમ જ એ યોગયજ્ઞના કરનારાના અંતરને વિષે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ જે શ્રીપુરુષોત્તમ તે પ્રકટ થઇ આવે છે; એ યોગયજ્ઞનું ફળ છે. અને અંતર્દૃષ્ટિ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાનયજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે જે, ‘અંતર્દૃષ્ટિ તે શું ?’ તો તેનો ઉત્તર એ છે જે, બાહેર અથવા માંહિલી કોરે; ભગવાનની મૂર્તિ સામી જે વૃત્તિ કરવી, એ જ અંતર્દૃષ્ટિ છે. અને તે વિના તો અંતર્દૃષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્યદૃષ્ટિ જ છે. માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનનાં કથા, કીર્તન એ આદિક જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતર્દૃષ્ટિ છે અને એ સર્વે જ્ઞાનયજ્ઞ થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદનાદિક જે કરવું તે પણ અંતર્દૃષ્ટિ છે ને જ્ઞાનયજ્ઞ છે. માટે સત્સંગીમાત્રને તો એવો અખંડ જ્ઞાનયજ્ઞ થાય છે. અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થતી, તે તો પરમેશ્વરની ઇચ્છાએ કરીને એમ રહ્યું છે; અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાઇ વતે કરીને એમ રહ્યું છે.

(કુલ: 6)