ભક્તિ

ભક્તિ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "ભક્તિ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું, અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિષે ન દેખાય તો પણ ધ્યાન કરવું; પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહિ. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે.”

2. ગઢડા પ્રથમ ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીકૃષ્ણભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય, તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે, ‘ગોલોક, વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી,’ એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિયો છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ.”

3. ગઢડા પ્રથમ ૧૧ ( para.3)

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય.”

4. ગઢડા પ્રથમ ૧૨ ( para.8)

પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યાં થકા પોતપોતાના અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હવા, તે ઈશ્વરના દેહ તે વિરાટ્, સૂત્રાત્મા અને અવ્યાકૃત અને જીવના દેહ તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. અને વિરાટ્ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપરાર્ધ કાળ પર્યન્ત આયુષ છે. અને તે વિરાટ્ પુરુષના એક દિવસને વિષે ચૌદ મન્વંતર થાય છે અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે અને જ્યારે એની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે; તેને નિમિત્ત પ્રલય કહીએ. અને જ્યારે તે વિરાટ્ પુરુષનો દ્વિપરાર્ધ કાળ પૂરો થાય છે ત્યારે, એ વિરાટ્ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે અને મહદાદિક જે ચોવિશ તત્ત્વ, પ્રધાન-પ્રકૃતિ અને પુરુષ એ સર્વે મહામાયાને વિષે લય પામે છે; તેને પ્રાકૃત પ્રલય કહીએ. અને એ મહામાયા તે અક્ષરબ્રહ્મના પ્રકાશને વિષે લય પામે છે, જેમ દિવસને વિષે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે; તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ, દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિષે વૈરાગ્ય થાય અને ભગવાનને વિષે ભક્તિ થાય છે અને જ્યારે એ સર્વ બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વે જીવ છે તે તો માયાને વિષે રહે છે અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે.”

5. ગઢડા પ્રથમ ૧૪ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રુતિમાં એમ કહ્યું છે જે, ‘अन्ते या मतिः सा गतिः’ એવી રીતે કહ્યું છે જે, ‘અંતકાળે ભગવાનને વિષે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય;’ એવો એ શ્રુતિનો અર્થ ભાસે છે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને સાક્ષાત્ ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહિ, તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થાતું નથી અને મરીને યમપુરીમાં જાય છે અને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે, અને ભગવાનનો ભક્ત હોય અને તેનું અકાળ મૃત્યુ થયું તે માટે શું તેનું અકલ્યાણ થાશે ? અને તે પાપીનું શું કલ્યાણ થાશે ? નહિ જ થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો જે, ‘જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે.’ માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે, ‘મારું કલ્યાણ તો થઈ રહ્યું છે’, તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ તેની મતિમાં તો એમ વર્તે છે જે, ‘હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહિ થાય’, તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી. એનાં દર્શન કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે, તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું ? પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે; કેમ જે, ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે, ‘દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાનાં જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહિ, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહિ; એવો હોય તે હરિનો દાસ કહેવાય.’ ને જે હરિનો દાસ હોય ને દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય.”

6. ગઢડા પ્રથમ ૧૫ ( para.2)

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે, ‘ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે;’ એમ તેના હૈયામાં હિંમત્ય રહે. અને ‘આટલું વચન મારાથી મનાશે અને આટલું નહિ મનાય’, એવું વચન તો ભૂલ્યે પણ ન કહે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે; અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે. અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ઘાટ-સંકલ્પ થાય અને તે હઠાવ્યા હઠે નહિ, તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતા ધારતા દશ વર્ષ થાય અથવા વીશ વર્ષ થાય અથવા પચીશ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહિ; કેમ જે, શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्।’ તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે. એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ.”

7. ગઢડા પ્રથમ ૧૭ ( para.2)

તે સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે, “આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે, ‘વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે.’ તે કેવી રીતે વાત કરે છે ? તો એમ કહે છે જે, ‘ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે; અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે.’ એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઈત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત્ય રહિત વાત કરશો નહિ, સદા હિંમત્ય સહિત જ વાત કરજ્યો. અને જે એવી હિંમત્ય રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો. અને એવી હિંમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો.”

8. ગઢડા પ્રથમ ૧૮ ( para.3)

અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે; તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય, તે હવેલીને વિષે કાચના તકતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાનાં કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયી જન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થેઈથેઈકાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાજતાં હોય, તે સભામાં જઈને જે જન બેસે તે સમે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. અને તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સહવર્તમાન ભગવદ્વાર્તા થાતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગ અને કુસંગને યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે તેને જો વિચારીને જુવે તો જાણ્યામાં આવે છે અને ગબરગંડને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય અને જે કાંઈક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહિ. અને સત્સંગ થયા મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેલવો અને જો ન કાઢે તો એમાંથી ઝાઝું ભૂંડું થાય. જેમ, ‘જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરત કાપી નાખે તો પંડે કુશળ રહે, ને તેનો લોભ કરે તો ઝાઝો બગાડ થાય.’ તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો; અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું, કાં જે, તમે અમારો દાખડો સફળ કર્યો. અને ભગવાનનું ધામ છે ત્યાં આપણ સર્વે ભેળા રહીશું. અને જો એમ નહિ રહો તો તમારે અને અમારે ઘણું છેટું થઈ જાશે અને ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે અને હેરાન થાશો, અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રઝળતાં રઝળતાં કોઈક કાળે પ્રગટ થાશે, ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો.

9. ગઢડા પ્રથમ ૧૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગને વિષે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી; તે માટે એ આત્મનિષ્ઠા આદિક જે ચારે ગુણ તે સિદ્ધ કરવા. શા માટે ? તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો જે, આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિષે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે, ‘માયાના ગુણે કરીને પરાભવ ન પમાય’ એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો; અને શ્રીહરિને વિષે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થાતી નથી. અને શ્રીહરિને વિષે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બેય હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચવિષયને વિષે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થાતી નથી, અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થાતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂર્લોક, ભુવર્લોક અને બ્રહ્માના ભુવન પર્યન્ત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થાતી નથી, કહેતાં બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થાતી નથી; અને આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેની સિદ્ધિ થાતી નથી, એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તેમને એક-બીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી.

10. ગઢડા પ્રથમ ૨૧ ( para.2)

પછી તે સર્વેને શ્રીજીમહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા જે, “સર્વે સાંભળો, એક વાર્તા કરીએ.” એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિષે અરુચિ તથા ભગવાનને વિષે માહાત્મ્યે સહિત એવી નિષ્કામ ભક્તિ, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા, પીતા, નાતા, ધોતા, ચાલતા, બેઠતા સર્વ ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું અને જો અંતરમાં સંકલ્પ-વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, વિષય, એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહિ અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહિ, કેમ જે આ જીવ છે તે ચોરાશી લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરીયો, જેટલી મીનડીયો, જેટલી વાનરીયો, એ આદિક જે જે ચોરાશીમાં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કઈ એણે સ્ત્રી નથી કરી ? સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમ જ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે; તેટલા માટે જેમ એ ચોરાશી લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા ચોરાશી લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમ જ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહિ અને એ દેહના સંબંધીને પોતાનાં સંબંધી માનવા નહિ; કેમ જે, ચોરાશી લાખ જાતના દેહ ધર્યાં તેનો સંબંધ રહ્યો નહિ, તો આ દેહનો સંબંધ પણ નહિ જ રહે. તે માટે દેહગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશય માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની ને પ્રાકૃત મતિવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે તેણે કરીને પશુનું પણ ક્લ્યાણ થાય છે, તો મનુષ્યનું કલ્યાણ થાય તેમા શું આશ્ચર્ય કહેવાય ? પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ.

11. ગઢડા પ્રથમ ૨૧ ( para.3)

અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે અને એ અક્ષરધામને વિષે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટિ મુક્ત રહ્યા છે. તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને પુરુષોત્તમનારાયણ તે સર્વના સ્વામી છે ને અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે માટે આપણા સત્સંગી સર્વેને તો એમજ નિશ્ચય કરવો જે, ‘આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી, ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી.’ એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય માહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય, માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા.”

12. ગઢડા પ્રથમ ૨૫ ( para.3)

અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગયોગે કરીને થાય છે. તે અષ્ટાંગયોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એ જે આઠ અંગ તેણે યુક્ત છે. અને અષ્ટાંગયોગ તે સાધનરૂપ છે ને એનું ફળ તે ભગવાનને વિષે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિષે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તેમ ભગવાનના સ્વરૂપને વિષે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી, તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો. માટે અમે કહ્યા જે આત્મનિષ્ઠા અને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવા; અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, તે જરૂર રાખવા. જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે, નાવું, ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ શૂદ્રના ઘરનું પાણી પીવે જ નહિ; તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહિ. કેમ જે, એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનું માહાત્મ્યજ્ઞાન તથા વૈરાગ્યે સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિષે પૂર્ણકામપણું સમજવું જે, ‘હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી.’ એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી. અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહિ અને પોતાને વિષે અકૃતાર્થપણું પણ માનવું નહિ. અને જો અકૃતાર્થપણું માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારાપાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહિ અને જો છકી જઈને જેમ-તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહિ.” એમ કહીને શ્રીજીમહારાજ પોતાના આસન ઉપર પધાર્યા.

13. ગઢડા પ્રથમ ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા, “જે હવે કીર્તન બોલવાં રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો.” પછી પરમહંસે કહ્યું જે, “હે મહારાજ ! બહુ સારુ, તમો વાત કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનાં રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તો એમાં મોટી ખોટ્ય છે; કેમ જે, એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમ જ ગીત-વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રીઆદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે; માટે એ ભક્તને અવિવેકી જાણવો. અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિષે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે, એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો; અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને જ સુખ માનવું. અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે. અને જેમ શબ્દ તેમ જ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે ત્યારે તે રસિક ભક્ત સાચો. તેમ જ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદ પામે ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે એ રસિક ભક્ત સાચો. તેમ જ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેણે કરીને પરમ આનંદ પામે પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે તે રસિક ભક્ત સાચો. તેમ જ ભગવાનને ચડ્યાં એવા જે તુલસી, પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીએ યુક્ત એવા અત્તર-ચંદનાદિક તેની સુગંધીને ગ્રહણ કરીને પરમ આનંદ પામે, પણ કોઈ અન્ય વિષયી જીવે દેહે અત્તર, ચંદનાદિક ચરચ્યાં હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય. એવી રીતે પંચવિષય ભગવાન સંબંધી હોય તેને વિષે અતિશય પ્રીતિવાન થાય અને જગત સંબંધી જે પંચવિષય તેને વિષે અતિશય અભાવે યુક્ત વર્તે તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગે કરીને આનંદ પામે છે તેમ જ અન્ય સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તેને યોગે કરીને જો આનંદ પામે છે, તો એ ખોટો રસિક ભક્ત છે; કેમ જે, ‘જેમ ભગવાનને વિષે આનંદને પામ્યો તેમ જ વિષયને વિષે પણ આનંદ પામ્યો.’ માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કાં જે, ભગવાન તો કાંઈ ખોટા નથી પણ એનો ભાવ ખોટો છે. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા, તેવા જ ભગવાનને પણ જાણ્યા, માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું. હવે જેમ સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચવિષયનો વિવેક કહ્યો તેમ જ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિષે સૂક્ષ્મ પંચવિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધે કરીને જેવો આનંદ પમાય તેવો ને તેવો જ જો અન્ય પંચવિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય, તો તે ભક્તનું રસિકપણું ખોટું છે, અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિષે ઊલટા અન્નની પેઠે અભાવ રહેતો હોય તો એ રસિક ભક્ત સાચો છે. અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાયા તે તો સાચા છે, પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે, માટે એની સમજણ ખોટી છે, અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે, અને જ્યારે કેવળ ભગવાનનું જ ચિંતવન રહે છે ત્યારે ચિંતવન કરતા કરતા શૂન્યભાવને પામી જાય છે ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિંડ-બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી, પછી એવા શૂન્યને વિષે ભગવાનની મૂર્તિને જોતા જોતા પ્રકાશ થઈ આવે છે અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે, માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે. અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાવો છો ત્યારે આંખ્યો મીંચીને વિચારીએ છીએ, તે આવો જ વિચાર કરીએ છીએ અને અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું નથી અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય એવો અમારો બળવાન વિચાર છે, અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે તે તમારી આગળ કહ્યું.” એમ શ્રીજીમહારાજે પોતાનું મિષ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી.

14. ગઢડા પ્રથમ ૨૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે, “પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે, જે એમ સમજતો હોય જે, ‘આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય-ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે-ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજ-વીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય છે, તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે,’ એમ સમજે; પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહિ. અને ‘પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે’ એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય જે, ‘ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાંખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક-કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે.’ તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્યભાવ રહે છે. તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે; એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવના માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહિ, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવા જે, એના નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધાર રૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખ્યો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે, ‘હું મોટો થયો છું,’ પણ એ મોટો નથી અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટ્યપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડાં હોય તે મોટો; એમ જેમ જેમ અધિક સંપત્તિ જેને હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે, ‘આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારુ છે અને આ મેડી તો ઘણી સારી છે અને આ તુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારુ છે,’ એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે, એનું કલ્યાણ થશે કે નહિ થાય ? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનુંયે થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દહાડે આવતી નથી તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી; કાં જે, એ પાત્ર થયો નથી.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા.

15. ગઢડા પ્રથમ ૨૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એના ઉપાય ચાર છે એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ, તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે ને દેશ કાળ ને સંગનું કારણ વિશેષ છે, કેમ જે, જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂડી જ થાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતર્યો ને ભડવા અથવા દારૂ-માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય, તો ક્રિયા પણ ભૂંડીજ થાય, માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘુંપાછું ખસી નીસરવું, અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચ વર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો, તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે, એ પ્રશ્નનો એ ઉત્તર છે.”

16. ગઢડા પ્રથમ ૩૧ ( para.2)

તે સમે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરીને દુઃખવે નહિ અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન, વસ્ત્ર, પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે પણ વચને કરીને કોઈને દુઃખવાય ખરું; એવી રીતના બે ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે ?” પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો નહિ અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું જે, “એનો ઉત્તર તમે કરો.” ત્યારે એ બે જણે ઉત્તર કર્યો જે, “વચને કરીને કોઈને દુઃખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે અને નિવૃત્તિને વિષે રહે છે ને કોઈને દુઃખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો અને જે ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે.”

17. ગઢડા પ્રથમ ૩૧ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનનાં વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિષે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ્ય છે, અને એવી રીતે દોષ જુવે ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ્ય દેખાય ખરી અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ્ય દેખાય ખરી. અને તે દોષને જોનારે ખોટ્ય કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહિ ? તે તો કલ્યાણકારી જ છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂઝે. જેમ શિશુપાળ એમ જ કહેતો જે, ‘પાંડવ તો વર્ણસંકર છે ને પાંચ જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે. અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે; કેમ જે, જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો ને મધના પૂડા ઉખેડયા તેણે કરીને એને મધુસૂદન કહે છે પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી, ને વર્ણસંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો તેણે કરીને શું એ ભગવાન થયો ?’ એવી રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો. પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો, માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો.”

18. ગઢડા પ્રથમ ૩૧ ( para.4)

ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું જે, ‘હે મહારાજ ! મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહિ, પણ જેવો-તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ તમે સમજો છો તેમ નાનપ્ય-મોટયપ નથી. મોટ્યપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે. અને એ બે વાનાં જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટ્યપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિષે છે. કેમ જે, આજ જે સર્વ હરિભક્ત છે. તે એમ સમજે છે જે, ‘અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ.’ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહસ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહિ અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે.”

19. ગઢડા પ્રથમ ૩૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત્ પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો? તો ‘જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય’ તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય,તે પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે જે, ‘આણે પાપ કર્યા હશે, માટે એને અન્ન-વસ્ત્ર મળતું નથી;’ તેમ જે ત્યાગી થઈને સારાં સારાં જે વસ્ત્રાદિ પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિષે પ્રીતિએ રહિત હોય, એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિષે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેય બરોબર હોય અને ‘આ પદાર્થ સારુ ને આ પદાર્થ ભૂંડું’ એવી તો સમજણ જ હોય નહિ અને એક ભગવાનને વિષે પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે.”

20. ગઢડા પ્રથમ ૩૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી,” એમ કહીને પછી પોતાના સાથળને વિષે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા જે, “આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભરી આવે છે; માટે જન્મભૂમિ તથા પોતાનાં સગાં સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભરતાં હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે.” પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે પોતાને આત્મારૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ ? ને તે આત્માનું સગું કોણ? ને તે આત્માની જાત પણ કઈ ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા છે, તે સર્વનું સગપણ સરખું જાણવું અને તે સગાંનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે ચોરાશી લાખ જાતના જે માબાપ તે અજ્ઞાને કરીને વીસર્યાં છે, તેમ આ મનુષ્ય શરીરના જે માબાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગાં સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે, ‘જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે,’ અને ‘આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે’ એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતીના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહિ અને એમ જાણે જે, ‘એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા છે જ નહિ’ અને એમ જાણે જે, ‘ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી.’ એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો-તેવો હોય તો પણ એ અમને ગમે છે. અને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી; અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ-વૈરાગ્યે યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહિ. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહિ અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહિ, એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ. અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમતિવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજૂરમાં રહે છે અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનનાં ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શનતુલ્ય છે અને એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન બોલો.”

21. ગઢડા પ્રથમ ૪૦ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભક્તિમાં ને ઉપાસનામાં તે શો ભેદ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે

22. ગઢડા પ્રથમ ૪૦ ( para.6)

એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા, તેને ભક્તિ કહીએ. અને ઉપાસના તો તેને કહીએ જે, ભગવાનના સ્વરૂપને વિષે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહિ અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે અને શાસ્ત્રને વિષે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહિ; એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ.”

23. ગઢડા પ્રથમ ૪૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા જે, “સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહિ તો નહિ સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું જે, “હે મહારાજ ! કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ, સર્વ હરિભક્તમાં હોય છે. હવે જેને ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્યાદિકરૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરવી તેને વિષે પ્રીતિએ યુક્ત વર્તે, અને તે ભક્તને ભગવાનનાં મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગબગીચા કરવા તેને વિષે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેધ ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનનાં મંદિરમાં તથા સંતની જાયગામાં લીંપવું તથા વાળવું તેને વિષે રુચિ વર્તે, અને ભગવાનની શ્રવણ-કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ-કીર્તનાદિકને વિષે અતિશય રુચિ વર્તે અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે. અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધસ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિએ યુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે, એવી પ્રકૃતિવાળો હોય. અને જેને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થમાત્ર તેને વિષે નિરંતર અરુચિ વર્તે અને અસત્યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ-કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિષે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિષે વિરોધ કરનારા જે સ્વાદું ભોજન અને સદ્વસ્ત્રાદિક પંચવિષય સંબંધી માયિક પદાર્થમાત્ર તેને પામવાને વિષે અતિશય અરુચિ વર્તે. અને જેને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિષે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિષે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહિ અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર-અલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનનાં જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિષે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર, તેને વિષે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિષે પ્રેમને દેખે તે ભક્તને વિષે જ તેને પ્રીતિ થાય અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિષે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિષે જ નિરંતર પ્રવૃત્તિ હોય. એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહિ, પણ પોતાના અંગને ઓળખે નહિ એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહિ અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય; માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો.” પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું એક સરખું અંગ હોય તે ઊઠી ઊભા થાઓ.” પછી જેનું જેનું એકસરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજીમહારાજે એ સર્વેને પાછા બેસાર્યા.

24. ગઢડા પ્રથમ ૪૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ.” ત્યારે સર્વ મુનિ તથા હરિભક્ત બોલ્યા જે, “હે મહારાજ ! કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું જે, ‘હે મહારાજ ! હે સ્વામિન્ ! હે કૃપાસિંધો ! હે શરણાગત પ્રતિપાલક! કુસંગી થકી મારી રક્ષા કરજ્યો.’ તે કુસંગી ચાર પ્રકારના છે. એક કુડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્કવેદાંતી અને ચોથા નાસ્તિક. એ ચાર પ્રકારના કુસંગી છે, તેમાં જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભ્રષ્ટ કરે અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ-માંસ ખવરાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે અને જો શુષ્કવેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભક્તિ-ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરી પરમેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે માટે ભગવાનની પાસે માગવું જે, ‘એ ચાર પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહિ.’ અને વળી એમ પ્રાર્થના કરવી જે ‘હે મહારાજ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજ્યો અને નિત્યે તમારા ભક્તનો સમાગમ દેજ્યો.’ એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી અને એ કુસંગી થકી ને અંતઃશત્રુ થકી નિરંતર ડરતા રહેવું.”

25. ગઢડા પ્રથમ ૫૨ ( para.2)

પછી તે કથામાં એમ આવ્યું જે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર; એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે, તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા ? અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સાંખ્યશાસ્ત્ર છે તે ભગવાનને પંચવિશમા કહે છે અને ચોવિશ તત્ત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા તેમ જીવ, ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, માટે એને પણ ચોવિશ તત્ત્વ ભેળા જ ગણે છે અને જીવ, ઈશ્વરે સહિત એવા જે ચોવિશ તત્ત્વ તેને ક્ષેત્ર કહે છે ને પંચવિશમા જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવીશમા કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ, ઈશ્વરને પંચવિશમા કહે છે ને ચોવિશ તત્ત્વને પૃથક્ કહે છે, ને એ તત્ત્વથી પોતાના આત્માને પૃથક્ સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંતશાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્રશાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે, ‘એક જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન; એ ચતુર્વ્યૂહરૂપે થાય છે ને પૃથ્વીને વિષે અવતારનું ધારણ કરે છે અને તેને વિષે જે નવ પ્રકારની ભક્તિને કરે છે, તેનું કલ્યાણ થાય છે.’ એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે, તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાધ આવે જે, ‘સાંખ્ય શાસ્ત્રમાં જીવ-ઈશ્વરને તત્ત્વથી નોખા નથી કહ્યા. તે જ્યારે તત્ત્વનો નિષેધ કરીને તત્ત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પંચવિશમો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય.’ અને જો એકલે યોગશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે, તેને પરિછિન્ન સમજે પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે.’ અને જો એક વેદાંતશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘જે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે, પણ પ્રાકૃત કર ચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે.’ અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે, ‘જે ભગવાનના અવતારને વિષે ભક્તિ કહી છે તેને વિષે મનુષ્યભાવ આવે તથા એકદેશસ્થપણું સમજાઈ જાય, પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય.’ માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે, માટે એ ચારે શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની કહેવાય ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય ને ત્રણેને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય ને ચારેને મૂકીને જે પોતાની મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે બેય ભૂલા પડ્યા છે પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે.”

26. ગઢડા પ્રથમ ૫૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોઈ પ્રશ્ન પૂછો, ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો. અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને તે સાધુમાં બીજા ઘણાક ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન, વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને જો અવગુણ લે નહિ, તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે.”

27. ગઢડા પ્રથમ ૫૪ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! શ્રીમદ્‌ભાગવતના એકાદશ સ્કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય ? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે, તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે “प्रसंगमजरं पाशमात्मनः कवयो विदुः । स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतम्।।” જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.”

28. ગઢડા પ્રથમ ૫૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન-ઉત્તર કરીએ,” એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો હું પ્રશ્ન પૂછું છું જે, “શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે ?” પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાની છે તે તો બ્રહ્મસ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તો પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી, તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારુ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિષે મોટી ખોટ છે અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિષે દ્રઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહિ અથવા તેની આગળ દીનવચન બોલાય નહિ તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટ્યે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે જે, ‘પાણી ઘણું થશે’ અને જો ઉપરથી રણકતો હોય ને માંહી કાપે ત્યારે અગ્નિ ઝરે તો સલાટ એમ કહે જે, ‘કૂવામાં પાણી થશે તો અર્ધા કોશનું કે પા કોશનું થશે પણ વધુ નહિ થાય.’ તેમ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો કહેવાય, પણ જેવું અર્ધા કોશનું કે પા કોશનું પાણી થયું એવો મોટો થાય, પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહિ, તો એ પુરુષના હૃદયને વિષે પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણનારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે.”

29. ગઢડા પ્રથમ ૫૬ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે તે માનને કયા ઉપાયે કરીને ટાળવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. અને અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મબુદ્ધિને જ દ્રઢ કરાવે, માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહિ, એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતર્દૃષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુવે તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે; માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહિ. અને જો માન સહિત જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પનરવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો બારવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો આઠવલું કહેવાય, તેમ એ ભક્તને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તેમ એ ત્રણે ઓછાં થતા જાય છે,

30. ગઢડા પ્રથમ ૫૬ ( para.4)

માટે માન રહિત જે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તે તો સોળવલાં સોના જેવા છે અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે પણ એના અંતરમાં ઝાઝું બળ હોય નહિ. ત્યાં દ્રષ્ટાંત છે, ‘જેમ પચાસ કોટિ યોજન પૃથ્વી તે સમુદ્ર, પર્વત અને સર્વ ભૂત પ્રાણીમાત્ર, તેનો આધાર છે, માટે ઘણી બળવાન જણાય છે; અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે જે જળને વિષે પૃથ્વી છાણાની પેઠે તરે છે અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે. અને આકાશનું તો કાંઈ બળ જણાતું નથી પણ આકાશ સર્વથી બળવાન છે કાં જે, એ ચારેનો આકાશ આધારરૂપ છે.’ તેમ માન રહિત જે એ ભક્તના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. માટે ઉપરથી તો જણાય નહિ, પણ નિર્માની ભક્ત તે સર્વથી શ્રેષ્ઠ છે અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ઘાટ સંકલ્પ હોય નહિ તેમજ સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેઠે માન રહિત વર્તવું.”

31. ગઢડા પ્રથમ ૫૬ ( para.5)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે’ એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તો પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઈત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે. તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં.’ એમ વિગતિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર, તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધનસિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભકતોના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘ગમે તેવો પાપી હોય ને અંતસમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ?’ એમ માહાત્મ્ય સમજે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”

32. ગઢડા પ્રથમ ૫૮ ( para.5)

પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિનદિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય; અને જો મોટાપુરુષને વિષે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય અને મોટાને વિષે ક્રોધી-લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય; અને જો મોટાપુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે ? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એજ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું. એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.”

33. ગઢડા પ્રથમ ૬૧ ( para.4)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારુ ભગવાન જ પ્રેરે છે જે, ‘એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે ?’ એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુવે છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. “જેમ વામનજીએ બળિરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ચૌદ લોકના બે પગલા કર્યા અને ત્રીજા પગલા સારુ તે બળિરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું તો ભગવાને એને વગર વાંકે બાંધ્યો, તો પણ ભક્તિ થકી પડ્યો નહિ. ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા. અને ભગવાને તો બળિરાજાને ક્ષણમાત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે, તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળિને દરવાજે ઊભા છે અને બળિરાજાની દૃષ્ટિ થકી પળમાત્ર પણ ભગવાન છેટે થતા નથી.” એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહેશું, અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જશે. શા માટે જે પોતે, ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે. તે જેની પોતાને વિષે અતિદ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમ ભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે, ‘ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પળ માત્ર મારાથી છેટે નહિ રહે.’ એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહિ.”

34. ગઢડા પ્રથમ ૬૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું શરીર આત્મા તથા અક્ષર છે; એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્મા ને અક્ષરને વિષે કાંઈ હેય ઉપાધિ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા ને અક્ષર પણ માયા થકી પર છે, એવા જે આત્મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે. ને વિકારવાન છે અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે, માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર જે આત્મા ને અક્ષર; તેને વિષે અત્યંત વિલક્ષણપણું જોઈએ, તે કહો કેમ વિલક્ષણપણું છે ?” પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે, આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે ? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા ને અક્ષર તેને વિષે વ્યાપક છે ને એ બેય તો વ્યાપ્ય છે, અને ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે અને ભગવાન જે તે અતિસમર્થ છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીરી છે અને એ બેય જે તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન, તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દૃશ્ય એવા જે દેહ; એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દૃશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દૃશ્યરૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય; અને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે, અને વસ્તુતાએ તો રૂપવાન જે દૃશ્ય અને અરૂપ જે આત્મા એ બેય થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે. અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દૃશ્ય એ બેયના દ્રષ્ટા છે. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે, ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિષે મનુષ્ય જેવા જણાય છે, તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના- ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. અને અનંત ઐશ્વર્યને પામે છે અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા, તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિષે વર્તે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિષે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નીસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિદ્રઢ કરીને રાખજ્યો.”

35. ગઢડા પ્રથમ ૬૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ન પૂછીએ છીએ,” ત્યારે મુનિએ કહ્યું જે, “પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઓગણતેરા કાળમાં અમને એક મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્યારે એમ ભાસતું જે, અમે પુરુષોત્તમ પુરીને વિષે જઈને શ્રીજગન્નાથજીની મૂર્તિને વિષે પ્રવેશ કરીને રહ્યા છીએ અને તે મૂર્તિ તો કાષ્ઠની જણાય પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળકપટ સર્વ દેખતા. અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે, ‘શુકજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા.’ માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે, માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય, તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે તેમાં પોતે સાક્ષાત્ પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે ‘જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખી જોઈએ, અને તેમ જ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખી જોઈએ, તે તો એ ભક્ત લેશમાત્ર રાખતો નથી; અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે, ‘મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિષે હું અખંડ નિવાસ કરીને રહું છું.’ અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલફતૂર કરે છે, પણ લેશમાત્ર ભગવાનનો ડર રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નથી ? એ પ્રશ્ન છે.” ત્યારે પરમહંસ બોલ્યા જે, “જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી.”

36. ગઢડા પ્રથમ ૬૮ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થશે કે નહિ થાય ?” પછી સંત બોલ્યા જે, “એનું કલ્યાણ નહિ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિને વિષે નાસ્તિકપણું આવે અને સંતને વિષે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહિ રહે, એને તો જેનું ભજન-સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને એ ભગવાનનાં જે ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે, તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને અને કર્મે કરીને માનશે; પણ પરમેશ્વર વતે કરીને નહિ માને એવો પાકો નાસ્તિક થશે.”

37. ગઢડા પ્રથમ ૭૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” પછી સોમલે ખાચરે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બીજા સર્વે અપરાધ માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા, માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહિ. અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે, તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહિ અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે, તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટિ સૂર્ય, ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિષે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રકટ થાય છે ત્યારે જે જે તત્ત્વનો અંગીકાર કરે છે. તે સર્વે તત્ત્વ બ્રહ્મરૂપ છે, કાં જે રામ કૃષ્ણાદિક અવતારને વિષે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દશ ઇન્દ્રિયો, પંચ પ્રાણ ઈત્યાદિક સર્વે તત્ત્વ મનુષ્યની પેઠે જણાય છે, પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી, તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું.”

38. ગઢડા પ્રથમ ૭૨ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! કાલ્યને દિવસ તમે દાદાખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય ને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. અને જે ગરીબને કલપાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહિ અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે, ‘જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ.’ માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય, પણ ગરીબ માત્રને લેશમાત્ર દુઃખવવો નહિ અને જો ગરીબને દુઃખવે તો તેનું કોઈ પ્રકારે સારુ થાય નહિ અને જો ગરીબને દુઃખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે. અને તેમ જ કોઈકને માથે જુઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે; અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું પણ તેને ફજેત કરવો નહિ અને તેમ જ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મ ભંગ કરાવે તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે, તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કઈ ? તો એક તો પોતાને શરણે આવી હોય અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત-ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી, એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિષે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી.”

39. ગઢડા પ્રથમ ૭૩ ( para.7)

અને આ વાત સમજાય પણ તેને, જેને આત્મનિષ્ઠા હોય અને તે આત્માને વિષે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહિ, માટે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિષે વાસના રહેતી નથી અને વાસના ટળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ-દુઃખને ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે. અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે, તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્ દર્શન થાય છે ત્યારે બુઠિયો થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યાં હોય ને દાંત અતિશય અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહિ અને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહિ, તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના વિષયસુખને વિષે આનંદ થાય નહિ અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે અને વાસના ટળવી એ પણ કામ અતિશય ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે. એ સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે : તેમાં એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે અને કાં તો કોઈક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે ત્યારે કોટિ કોટિ સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિષે ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે, એટલે ઉપાસનાનો ભંગ થયો, માટે પ્રત્યક્ષ મૂર્તિને વિષે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ, તો સર્વે કામ સરે. અને અમે પણ એમ દ્રઢ નિશ્ચય કર્યો છે જે, ‘કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશમાત્ર અંતરાય રાખે નહિ તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહિ.”

40. ગઢડા પ્રથમ ૭૫ ( para.3)

પછી નાજે ભક્તે પ્રશ્ને પૂછ્યો જે, “ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચયવાળો હોય અને એક તો થોડા નિશ્ચયવાળો હોય અને ઉપરથી તો બેય સારા દેખાતા હોય તે બે કેમ ઓળખ્યામાં આવે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિ ને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય, તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો. અને એમાંથી જો એકેય વાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ માહાત્મ્ય વિનાનો છે અને એ ચાર વાનાં સંપૂર્ણ હોય તે માહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય જાણવો.”

41. ગઢડા પ્રથમ ૭૬ ( para.2)

તેમની આગળ શ્રીજીમહારાજે વાર્તા કરી જે, “ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહિ. અને ક્રોધ ને ઈર્ષ્યા એ બેય માનને આશરે રહે છે. અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી જે, ‘એ સત્સંગી છે.’ અને કામી તો સત્સંગમાં હોય તોય વિમુખ જેવો છે. અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ્ય ન હોય. અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ, અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યન્ત મૂંઝાય નહિ; એવો હોય તે પાકો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે ને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહિ. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે.”

42. ગઢડા પ્રથમ ૭૭ ( para.2)

અને મુનિ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરતા હતા. પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના જ્ઞાનની ઓથ્ય લઈને જે ધર્મને ખોટા કરી નાંખે તેને અસુર જાણવો. અને ભગવાનના સ્વરૂપમાં તો એવા કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે. તે શ્રીમદ્‌ભાગવતને વિષે પ્રથમ સ્કંધમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કહ્યા છે. માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંધમાં કહ્યા એવા જે સાધુના ત્રીશ લક્ષણ તે આવે છે. માટે જેમાં ત્રીશ લક્ષણ સંતના ન હોય તેને પૂરો સાધુ ન જાણવો અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ ત્રીશ લક્ષણે યુક્ત હોય, માટે આજથી જે કોઈ પંચ વર્તમાનરૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી, વચનદ્રોહી છે. અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો. અને એમ કહેવું જે, ‘તમે તો અસુરનો પક્ષ લીધો છે તે અમે નહિ માનીએ.’ એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાંખવી.”

43. ગઢડા પ્રથમ ૭૮ ( para.25)

પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનની ભક્તિ અચળ કેમ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ એ જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે ચોવિશ મૂર્તિઓ તથા વરાહાદિક જે અવતાર, એ સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અચળ રહે.”

44. સારંગપુર ૧ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, ‘હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે.’ એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને ભગવાનનો મહિમા એમ વિચારે જે, ‘હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વેના સ્વામી જે શ્રીપુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમેષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળા કરીએ તો પણ તેના કોટિમાં ભાગની બરોબર પણ થાય નહિ. અને જે ભગવાનનું અક્ષરધામ છે, તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે. તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું ? અને વિષયસુખ તો કેવળ દુઃખરૂપ જ છે.’ એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રકટે તે વૈરાગ્યે કરીને સર્વ વિષયસુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષયસુખનો ત્યાગ કર્યો, તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ. અને એનું જ મન જિતાણું કહેવાય અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલૂડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારુ દીસે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહિ.”

45. સારંગપુર ૨ ( para.3)

પછી શ્રીજીમહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી જે, “વચને કરીને તો કોઈ જીવ પ્રાણીમાત્રને દુઃખવવા નહિ. અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય, તો પણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું; અને આપણા કરતા મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભોંઠા પડે એમ કરવું નહિ. મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું. અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે, ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનવું. તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહિ, પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સમાને વિષે ના પાડવી નહિ, એ તો હા જ પાડવી. અને એમ કહેવું જે, ‘હે મહારાજ! જેમ તમે કહેશો તેમ હું કરીશ.’ અને તે વચન પોતાને મનાય નહિ એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું જે, ‘હે મહારાજ ! તમે જે વચન કહ્યું તે તો ઠીક છે, પણ આટલી મને તેમાં આશંકા થાય છે.’ એ પ્રકારનું દીન થઈને વચન કહેવું, અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને આગળ કહેવું જે, ‘આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે, તે તો મને માન્યામાં આવતું નથી.’ પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગળ કહીને એ વચનનું સમાધાન કરાવે, પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમે ના પાડવી નહિ. એવી રીતની યુક્તિએ મોટાના વચનને પાછું ઠેલવું, પણ કહ્યું ને તત્કાળ ના પાડવી નહિ. એવી રીતે તો વચનને ગુણે કરીને વર્તવું. પછી તે ભક્તને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે અને તે ભક્તને પણ ભગવાનને વિષે દ્રઢ સ્નેહ થાય છે. હવે દેહને ગુણે કેમ વર્તવું ? તો પોતાના દેહમાં જો કાંઈ ઉન્મત્તપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાખવું, પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે, પણ પોતાને જાણે દેહનું જતન કરવું નહિ તથા દેહે કરીને ભગવાનની તથા ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી. એવી રીતે જ્યારે એ દેહને ગુણે કરી વર્તે ત્યારે તેને દેખીને તેની ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્નેહ થાય છે. અને એ ભક્તને પણ ભગવાનને વિષે પ્રીતિ થાય છે. હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ જે, પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહિત દૃષ્ટિને એકાગ્ર રાખીને કરવા અને પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું, ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવળી, ઊંચી નીચી દૃષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય પછી એવી ફાટેલ દૃષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી. અને એ દર્શન કરે છે તે કેવા કરે છે ? તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે. અને એવી લૌકિક દૃષ્ટિવાળો તો જેમ ખિલખોડી બોલે છે તે ભેળે પૂંછડું ઊંચું કરે છે તેવો જાણવો. શા સારુ જે, પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે, અને એવા લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહિ અને તે દિવસે દિવસે ઊતરતો જાય, તે માટે પરમેશ્વરના દર્શન કરતા કરતા આડી અવળી દૃષ્ટિ કરવી નહિ. પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિષે જેવું અંતરમાં અલૌકિકપણું હોય, તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય. ને એક દૃષ્ટિએ કરીને મૂર્તિને જોતે જવું અને દૃષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી. જેમ ધર્મપુરમાં કુશળકુંવરબાઈ હતા, તે અમારા દર્શન કરતા જતાં હતા અને દૃષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતાં; તેમ દર્શન તો મને યુક્ત દૃષ્ટિને એકાગ્ર રાખીને કરવા, પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા. અને જો પરમેશ્વરના દર્શન ભેળે બીજા દર્શન મનુષ્યના કે કૂતરા બિલાડાના કરે છે તો તેને જ્યારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય અને તે અન્ય પદાર્થ પણ ભેળે દેખાય. તે માટે પરમેશ્વરના દર્શન તો એકદૃષ્ટિએ કરવા, પણ ચપળ દૃષ્ટિએ ન કરવા. અને પરમેશ્વરના દર્શન દૃષ્ટિને નિયમમાં રાખીને કરે છે, તેને એ દર્શન નવીનનાં નવીન રહે છે, અને પરમેશ્વરે જે જે વચન કહ્યા હોય તે પણ તેને નવીનનાં નવીન રહે છે. અને લૌકિક બાહ્યદૃષ્ટિએ કરીને દર્શન કર્યા હોય તેને પરમેશ્વરના દર્શન તથા વચન એ સર્વે જૂનાં થઈ જાય છે. તે રોજ દર્શન કર્યા કરે, પણ એવાને તો જેમ ન થયા હોય તેવા ને તેવા રહે છે, તે જ્યારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહિ. બહુધારાએ યુક્ત થાય અને પરમેશ્વરને ધારે ત્યારે તે ભેળે બીજા દર્શન જે જે કર્યા છે તે પણ વગર ધાર્યાં આવીને હૈયામાં સ્ફુરે છે. તે માટે દર્શન તો એક પરમેશ્વરના જ કરવા અને એમ જે દર્શન કરે છે, તેનું મન ભજન-સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે પણ તેની બહુધારા નથી રહેતી, એક રહે છે. અને જે ચપળ દૃષ્ટિએ દર્શન કરે છે તેને હું જાણું છું અને જેના દૃષ્ટિ ને મન નિયમમાં હોય એવા જે મોટા સંત તે પણ જાણે જે, ‘આ તો લૌકિક દર્શન કરે છે.’ પછી તે લૌકિક દર્શનનો કરનારો આ સમાગમમાંથી દિવસે દિવસે ઉતરતો જાય છે. અને જેમ કોઈક કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દૃષ્ટિ પ્રોવાણી હોય તે સમે વચમાં કોઈક પશુ પક્ષી આવે, જાય કે બોલે પણ તેની તેને ખબર રહે નહિ. એવી રીતે એકાગ્ર દૃષ્ટિએ કરીને પરમેશ્વરમાં જોડાવું પણ લૌકિક દર્શન ન કરવા.”

46. સારંગપુર ૪ ( para.3)

અને કોઈકને એવો સંશય થાય જે, “અત્યંત નિર્વાસનિક નહિ થઈએ ને કાચા ને કાચા મરી જઈશું તો શા હવાલ થશે ?” તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહિ અને એમ સમજવું જે, ‘મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું અને અજર, અમર છું માટે હું મરું નહિ.’ એવું સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળ મતિ કરવી. અને એમ વાસના ટાળતા ટાળતા જો કાંઈક થોડી ઘણી વાસના રહી ગઈ, તો જેવા મોક્ષધર્મમાં નરક કહ્યા છે તેવા નરકની પ્રાપ્તિ થશે. તે નરકની વિગતિ જે, ભગવાનનો ભક્ત હોય તેને કાંઈ જગતની વાસના રહે તેને ઈન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય ને તે લોકને વિષે જઈને, અપચ્છરાઓ તથા વિમાન તથા મણિમય મહોલ એ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે; પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહિ અને ચોરાશીમાં પણ જાય નહિ. માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો, અને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને ને નિર્વાસનિક થઈને અંત્યે ભગવાનના ધામને પામશો; પણ વિમુખ જીવની પેઠે નરકચોરાશીને નહિ ભોગવો, એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહિ ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાન ને ભગવાનના સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો.”

47. સારંગપુર ૫ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને શ્રદ્ધા તથા હરિ ને હરિજનનાં વચનને વિષે વિશ્વાસ તથા ભગવાનને વિષે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે, તેમાં પણ જો એક માહાત્મ્ય અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ; એ ત્રણ દુબળાં હોય તો પણ મહા બળવાન થાય છે; અને માહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ દશ બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય, પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહિ, તેમ જેને માહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે. અને જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે. અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયામાં નથી, તો શમ દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે; તોય પણ નહિ જેવા જ છે. કેમ જે, અંતે નાશ પામી જશે માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે. તે માટે માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે.”

48. સારંગપુર ૧૪ ( para.2)

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના ભક્ત હોય તે ભગવાનનાં ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી, એમ ભગવાને ગીતામાં કહ્યું છે; અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે ? એક તો બતાવો.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામા પડ્યા.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારુ પાડ્યા જે, ‘સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે;’ અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠધામમાં પહોંચ્યા; માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થયું, અને પડ્યો તો તે કહેવાય જે; જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્યદેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો. અને પોતાનાં કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવાં હતા, માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય, તે સારુ ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિષે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે, અને જડ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય. કેમ જે, ભગવાન તો અતિ સમર્થ છે તે જેમ કરે તેમ થાય, પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહિ. અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય તે સાધનકાળમાંથી જ પડે છે, તે તો યોગભ્રષ્ટ કહેવાય; પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો જેવા શ્વેતદ્વીપને વિષે મુક્ત છે તે સરખા છે, તે તો કોઈ કાળે પડતા નથી.”

49. સારંગપુર ૧૪ ( para.3)

એવી રીતે શ્રીજીમહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા જે, “લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ,” પછી મુનિએ કહ્યું જે, “પૂછો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મહાભારતના ઉદ્યોગપર્વને વિષે સનત્સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે, ‘એક તો પ્રમાદ અને બીજો મોહ એ બેયનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે.’ માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ ને તેમાં જેને પ્રમાદને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદ ને મોહને ટાળ્યાનો ખટકો નહિ રાખતો હોય, તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે? એ પ્રશ્ન છે.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું માહાત્મ્ય અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ ઝાઝી ચિંતા રાખે નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટ્ય કેટલી છે, અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “ભગવાનનું બળ રાખે ને સાધનનું બળ ન રાખે, માટે એ વિશેષ જ છે તો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો, જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહિ, અને તેને એમ મનમાં બીક રહે જે, ‘જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારિણી જાણશે તો મારી સેવા અંગીકાર નહિ કરે એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ્ય પડશે.’ એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ્ય બતાવો છો. અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીયો દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો, એ તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે ? અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે, તો તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહિ રહે, જેમ મદિરા પીવે તથા ભાંગ્ય પીવે તો જેમ વિમુખને કેફ ચડે છે તેમ જ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય, તેમ મદિરા ને ભાંગ્યરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમ જ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો જ ફેર છે જે, ‘વિમુખને એ બે શત્રુ ટળે નહિ અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય.’ એટલો ભગવાનના ભક્તને વિશેષ છે. અને જે ગાફલાઈ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહિ.”

50. સારંગપુર ૧૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે, ‘બે પ્રકારના ભગવાનના ભક્ત છે, તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બાહેર પણ ઘણો દીઠામાં આવે છે; અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિષે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી, અને પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બેય નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે. અને આત્મનિષ્ઠા ને વૈરાગ્યે યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે ? એ પ્રશ્ન છે. “ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી, તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો ? કેમ જે, એ તો દેહાભિમાની છે, માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચવિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિષે એવી પ્રીતિ નહિ રહે. તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને પ્રેમી કહીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગોપીઓ કાંઈ ભોળિયો નહોતી, એ તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી તો ડાહિયો હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડહાપણ હતું; અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વે યાદવમાં અતિશય ડાહ્યા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી, તે ગોપીઓની સમજણ જોઈને ગદ્ગદ્કંઠ થઈ ગયા. અને તે ઉદ્ધવજી એમ બોલ્યા જે, “ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો, તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો.” અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. અને તમે કહેશો જે, ‘ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી’, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે, એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે જે, ‘અમે તમારે અર્થે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી;’ અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડાં તોછડાં વચન બોલે જે, ‘જાણીએ હમણાં વિમુખ થઈ જશે.’ એવી જાતના જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે; અને ડહાપણે કરીને યુક્તિ યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવા દે નહિ અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહિ, અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. એવા જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહિ અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષ્યા, ક્રોધ કરે જ નહિ અને માન મત્સર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન, કર્મ, વચને કરીને કોઈ કાળે કરે નહિ. એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા; એવા ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો. તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહિ. અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય સહેજે એનાં હૈયામાં વર્તતા હતા. માટે એ ગોપીઓને વિષે તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના માહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. અને એવા ભક્તની રીત તો આમ છે જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહિ અને ભગવાનને વિષે એ પંચવિષયે કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહિ. અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણનાં જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહિ અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલાં તૃણ ઊગે જે પૃથ્વી જ દેખાય નહિ, તેમ જે આત્મનિષ્ઠા ને વૈરાગ્યે કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી, તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહિ રહે ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે, ‘મારે ભગવાનમાં લેશમાત્ર પ્રીતિ નથી,’ માટે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે. તે તો એમ જાણે છે જે, ‘મારા જીવાત્માને વિષે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે.’ એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે. તો પણ એની પ્રીતિના મૂળ ઊંડાં છે. તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે.”

51. સારંગપુર ૧૬ ( para.2)

પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘શ્રીનરનારાયણ ઋષિ જે તે બદરિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડનાં સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે.’ ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતા ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો તે શ્રીમદ્‌ભાગવતના પંચમ સ્કંધને વિષે જ છે જે, ‘એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા.’ કેવી રીતે ? તો આ ભરતખંડને વિષે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેષ જેનો એવા જે શ્રીનરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે. અને પોતાને વિષે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય એ આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિપ્રલય થાય ત્યાં સુધી બદરિકાશ્રમને વિષે રહ્યા છે; અને ભરતખંડને વિષે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે. અને તે પછી તે ભક્તજનના હૃદયને વિષે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષરબ્રહ્મમય એવું તેજ તેને વિષે સાક્ષાત્ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે.”

52. સારંગપુર ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય, તો એના હૃદયને વિષે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રકટ થઈ આવે છે અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિષે શ્રદ્ધાવાન થાય, તો વૈરાગ્ય, વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેને વિષે ગમે તેટલો મેઘ વરસે, પણ તેમાં તૃણાદિક ઊગતાં ન હોય અને તે જ ખારભૂમિને વિષે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય; અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળા વડ, પીંપળા આદિક વૃક્ષનાં બીજ આવ્યા હોય તે બીજ ઊગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિષે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઊઠે એમ ન હોય, ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિષે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગતવાર્તારૂપીઓ આવીને કાંપ ભરાય. પછી તે કાંપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યાં છે તે સર્વે ઊગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે, પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહિ. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે ને કાં તો રુવે ને કાં તો કોઈક સાથે વઢે ને કાં તો ઉપવાસ કરે; એ ચાર પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે. અને એમ કરતા જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહિ ને સ્વભાવ પણ ટળે નહિ; અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બેય ટળી જાય. માટે સમજુ હોય તે જ સુખી થાય છે. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલાઈ જાય; અને વીજળીના અગ્નિનો તો થોડોક ઝબકારો થતો હોય, પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય, તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે; અને સમજીને જે વૈરાગ્ય ને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે, તે થોડી હોય તો પણ નાશ ન પામે.”

53. કારિયાણી ૧ ( para.7)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! શ્રુતિ-સ્મૃતિમાં એમ કહ્યું છે જે, ‘निरंजनः परमं साम्यमुपैति’ ।। ‘बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः’।। ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો અમે અભક્તના મન-ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન-ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે, જેમ આકાશને વિષે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમે આકાશરૂપ થઈ જાય છે, અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે; એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ; તે સર્વ ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે. કાં જે, ભગવાન પોતે દિવ્યમૂર્તિ છે, તેના ઇન્દ્રિયો, અંતઃકરણ, દેહ તેને આકારે એ ભક્તના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ થાય છે; માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે; “જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે, તેણે કરીને તે ઈયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી. ભમરી જેવી જ ભમરી થઈ જાય છે, તેમ ભગવાનનો ભક્ત પણ એ ને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે. અને આ જે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે જે, આત્મજ્ઞાને સહિત જે ભક્તિનિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિનિષ્ઠાવાળો છે તે બેયની એ ગતિ કહી છે. પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેના દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ; તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થતું; એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે.” એમ વાર્તા કરીને બોલ્યા જે, “હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈક સારાં સારાં કીર્તન બોલો.” એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા.

54. કારિયાણી ૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ન પૂછીએ છીએ.” પછી મુનિ બોલ્યા જે, “પૂછો મહારાજ !” પછી શ્રીજીમહારાજે પૂછ્યું જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે, તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી ? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે, ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે ? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થી હોય અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિષે પણ એટલું અસમર્થપણું આવે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે ? એ પ્રશ્ન છે.” પછી મોટા મોટા સંત હતા તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજીમહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે, “હે મહારાજ ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે, ભગવાનને વિષે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે, અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે અને દેહધારી છે, માટે ભગવાન પણ સ્થૂળભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે, અને પોતાની સામર્થીને છપાડીને તે ભક્ત સંગાથે પુત્રભાવે વર્તે છે અથવા સખાભાવે વર્તે છે અથવા મિત્રભાવે વર્તે છે અથવા સગાંસંબંધીને ભાવે વર્તે છે, તેણે કરીને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તને ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમીભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે, ને ધર્મનું સ્થાપન પણ કરે છે. હવે એમાં આશંકા થતી હોય તો બોલો.” પછી મુનિએ કહ્યું જે, “હે મહારાજ ! યથાર્થ ઉત્તર થયો.”

55. કારિયાણી ૬ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાન પોતાનાં ભક્ત ઉપર કયે ગુણે કરીને રાજી થતા હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા અને મત્સર; એટલાં વાનાંએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે. તેમાં પણ મત્સર છે તે સર્વ વિકારમાત્રનો આધાર છે, માટે શ્રીવ્યાસજીએ શ્રીમદ્‌ભાગવતને વિષે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે. માટે મત્સર તે સર્વ વિકારથી ઝીણો છે, અને મત્સર ટળવો તે પણ ઘણો કઠણ છે.”

56. કારિયાણી ૬ ( para.6)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “મત્સર ઊપજ્યાનો શો હેતુ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક સ્ત્રી, ધન અને સારુ સારુ ભોજન; એ ત્રણ મત્સરના હેતુ છે. અને જેને એ ત્રણ વાનાં ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે. અને જે મત્સરવાળો હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે, પણ મત્સરવાળાને એવો વિચાર ન આવે જે, ‘વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે જે, આવા ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યાં અને મહારાજને પણ ધન્ય છે જે, તરત બ્રાહ્મણને દઈ દીધા,’ એવો જે વિચાર, તે મત્સરવાળાના હૃદયમાં ન આવે. અને કોઈક લે અને કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બળી મરે. અને અમારે તો કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષ્યા એ સર્વેનો ક્યારેય હૈયામાં લેશ પણ આવતો નથી અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે, પણ પંચવિષયમાંથી એકેને વિષે લેશમાત્ર ભાવ થતો નથી. અને જેટલું કાંઈક અન્ન વસ્ત્રાદિકનું ગ્રહણ કરતા હઈશું તે તો ભક્તની ભક્તિને દેખીને કરતા હઈશું, પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. અને અમારે જે ખાવું, પીવું, ઓઢવું, પહેરવું છે તે સર્વે સંત ને સત્સંગીને અર્થે છે, અને જો એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ. અને અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ છીએ, પણ બીજો કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી. તે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિક જે હરિજન છે, તે કેટલાક વર્ષથી અમારે પાસે ને પાસે રહે છે તે જાણે છે જે, ‘મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાથે હેત સંબંધ નથી ને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે.’ એમ નિરંતર અમારે પાસેના રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે. અને અમે તો જે મન, કર્મ, વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રીકૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે. અને ભગવાનના ભક્ત વિના તો અમારે ચૌદ લોકની સંપત્તિ તે તૃણખલા જેવી છે. ને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે જ દ્રઢ પ્રીતિ હશે, તેને પણ રમણીય જે પંચવિષય તેને વિષે તો આનંદ ઊપજે જ નહિ; અને દેહને રાખ્યા સારુ તો જેવા તેવા જે શબ્દાદિક વિષય તેણે કરીને ગુજરાન કરે, પણ રમણીય વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય. અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય.”

57. કારિયાણી ૯ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,”હે મહારાજ ! જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય, તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહિ અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહિ. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા, તો એમ વર માગ્યો જે, ‘આ ગોપીઓની ચરણરજનાં અધિકારી એવા જે વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્છ; તેને વિષે હું પણ કોઈક થાંઉ.’ અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિષે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાંને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળાં કહ્યા છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, ‘હે પ્રભો ! આ જન્મને વિષે અથવા પશુ પક્ષીના જન્મને વિષે હું જે તે તમારા દાસને વિષે રહીને તમારા ચરણારવિંદને સેવું, એવું મારું મોટું ભાગ્ય થાઓ.’ માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત; તેને વિષે જે કાંઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહિ. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ, પક્ષી તથા વૃક્ષ-વેલી આદિક તેને પણ દેવ તુલ્ય જાણે, તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામસ્મરણ કરતા હોય ને તેને દેવ તુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું ? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય. અને જે માહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને તો અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પુરો સત્સંગી જાણવો.”

58. કારિયાણી ૧૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યન્ત ટાઢ-તડકાને તથા ભૂખ-તરસને સહન કરીને મહાતપ કર્યું, અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાનાં દેહ, ઇન્દ્રિયોને દમીને તપ કરે છે, માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ, તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીદ ટાળવાને ઈચ્છે ? અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ જે, ‘મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચવિષય સંબધી ભોગસુખ તે નથી જોઈતાં, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે.’ અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે, ‘પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી.’ એવી રીતે ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહિ. અને જે જીવ ભગવાનને સર્વ કર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદ્ગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો; કાં જે, ભગવાન વિના બીજા જે કાળ, કર્માદિક તેને એ કર્તા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહિ, ને ભૂલ્યમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહિ. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિપુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રીપુરુષોત્તમનારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો.”

59. કારિયાણી ૧૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે, તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે. અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો, તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાધ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સારાં સારાં પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે, તે જો નિષ્કામભાવે કરીને, કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિષે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિષે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે, એ બાધ છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે.”

60. કારિયાણી ૧૦ ( para.5)

પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈશક તો હોય અને ત્યાગ કે તપ કરતા વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહિ, ત્યારે તેનો સાચો ઈશક જાણવો. જુવોને અમે એકવિશ વર્ષ થયા શ્રીરામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ, તેમાં અનંત ભાતનાં વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે, પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી; શા માટે જે, અમારે ત્યાગનો જ ઈશક છે. અને આ સંસારને વિષે કેટલીક રાંડો છે તે ધણી મરી ગયો હોય, તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે, અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે. અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે, અને બીજી સ્ત્રીને વાસ્તે હાયહોય કરતા ફરે છે. અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય, તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌ સૌના ઈશક જુદી જુદી જાતના છે. અને અમારો તો એ જ ઈશક છે ને એ જ સિદ્ધાંત છે જે, ‘તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામી-સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી. અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહિ.’ માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજ્યો.”

61. લોયા ૧ ( para.9)

ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અતિશય દૃઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી અતિશય અસંગી માને; અને એ દેહ-ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિષે ન માને તો પણ પંચ વર્તમાનના નિયમમાં લેશમાત્ર ફેર પડવા દે નહિ. અને પોતે બ્રહ્મસ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહિ, સ્વામી-સેવકપણે કરીને ભગવાનની દૃઢ ઉપાસના કરે. અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યૂતપણે વ્યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિષે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રીકૃષ્ણનારાયણ તે શુભ-અશુભ સર્વ ક્રિયાને કર્તા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે; અને તે ભગવાનનાં જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે, ‘આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઈત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંતકોટિ એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વના સ્વામી છે;’ એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિષે શ્રવણાદિક ભક્તિને દૃઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે. એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ.”

62. લોયા ૪ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, “ઝીણો ભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા જે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહિ, ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે ?” એ વાત સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મુંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહિ અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. માટે મુંઝાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે.” પછી ઝીણાભાઈએ કહ્યું જે, “ભગવાન ને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ અને જ્યારે ભગવાન ને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જ જોઈએ અને હૈયામાં શોક પણ થયો જોઈએ.” પછી એ વાર્તા સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન ને સંત તે આવે ત્યારે રાજી થવું પણ શોક તો ક્યારેય પણ કરવો નહિ. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહિ. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી પણ પોતાનું ગમતું કરવા સારુ કોઈ રીતે મૂંઝાવું નહિ અને ભગવાન ક્યાંઈક જવાની આજ્ઞા કરે ને શોક કરીને મૂંઝાય; તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યાં હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાનવાર્તા કરી હોય; ઈત્યાદિક ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઈ જાય; તેણે કરીને કેવળ દુઃખિયો થકો જ જ્યાં મૂકે ત્યાં જાય. પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પળે નહિ, માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશમાત્ર મૂંઝવણ આવવા દેવી નહિ.”

63. લોયા ૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે ?” પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે ન થયો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, “એકાંતિકપણું એમાં આવે એ અતિશય દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું ? તો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય; એ ત્રણે યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ.”

64. લોયા ૬ ( para.9)

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જે સંતમાં બધા ગુણ સારા મોટા મોટા ભક્તિ-જ્ઞાનાદિક હોય, પણ તેમાં એક એવો કયો ભૂંડો દોષ હોય, જેણે કરીને તેનો સંગ ન કરીએ ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “જેને આળસ બહુ હોય ને નિદ્રા બહુ હોય ને સ્નાન-ધ્યાનાદિક જે નિયમ તેને પાળવાનું કોઈક કહે તો કહે, ‘હમણાં કરીશું, શી ઉતાવળ છે ? ધીરે ધીરે થશે.’ એમ બોલે તે સુધો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો.”

65. લોયા ૬ ( para.10)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “સૂધી સારી વાત કરતો હોય પણ તેની વાત ન સાંભળીએ, એવો એની વાણીમાં શો દોષ જાણવો?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “વાત કરવામાં પોતાને વિષે જે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, તેની જ અહંકારે કરીને પોતે સરસાઈ દેખાડે, ને બીજા સંતમાં જે જ્ઞાન, ભક્તિ આદિક ગુણ તેની કાંઈક ન્યૂનતા દેખાડે એવો જેની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી.”

66. લોયા ૭ ( para.3)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા, તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમ જ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્યે પ્રત્યક્ષ દીઠા હતા; તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે ?” ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માન્તરે કલ્યાણ થાય છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માન્તરે કલ્યાણ થાય છે, કાં જે, જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે; માટે બેયનું બીજબળ બરોબર થાય છે ને બેયનું જન્માન્તરે કલ્યાણ પણ બરોબર છે. કેમ જે, શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂઘ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સૂઘ્યા જ કહેવાય. અને જિહ્વાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે અને અંતઃકરણ-ઇન્દ્રિયો પર જે જીવસત્તા-તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો ? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિષે સ્થાવર-જંગમરૂપ જે વિશ્વ, તે સાવકાશે કરીને રહ્યું છે અને સંકર્ષણરૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્નરૂપે કરીને જગતની સ્થિતિ કરે છે તથા મત્સ્ય-કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જે, જેમાં અંતઃકરણ-ઇન્દ્રિયો નથી પૂગતાં, કેવળ અનુભવજ્ઞાને કરીને જ જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે, ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે; માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો ?” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “જે ભગવાનના સ્વરૂપને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ; એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય; એમ કહીએ છીએ.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવા જે ભગવાન તે તો શ્રીકૃષ્ણ છે. તે તો પોતે પોતાને એમ કહે છે જે, ‘यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरूषोत्तमः।।’ ‘विष्टभ्याहमिदं कुत्स्नमेकांशेन स्थितो जगत्’ ‘मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय ! । मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ।।’ ‘पश्य मे पार्थ ! रूपाणि शतशोऽथ सहस्त्रशः । नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।।’ ઈત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો- અંતઃકરણ થકી અગોચર કહે છે, માટે ભગવાનને તત્ત્વે કરીને સમજવા તે તો એમ છે જે, ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ; એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ-મૃત્યને પણ ન તરે અને કોઈક સાધને કરીને બ્રહ્મસ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, “नैष्कर्म्यमप्यच्युतभाववर्जितं न शोभते ज्ञानमलं निरञ्जनम्” તથા ગીતામાં કહ્યું છે જે, “कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः । अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ।।” અકર્મ જે જ્ઞાન તેને વિષે પણ જાણવું રહ્યું છે તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું ? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન-પુષ્પાદિક નાના પ્રકારની પૂજાસામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપથકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન-પુષ્પ, શ્રવણ-મનનાદિકે કરીને કરે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समःसर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. અને “भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ।।” એ વ્યાપ્ય એવી જડ પ્રકૃતિ છે. અને “अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ! ययेदं धार्यते जगत् ।।” એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે, તે કેવા છે? તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિષે વ્યાપક એવી જૈ ચૈતન્ય પ્રકૃતિ તે બેયના આધાર છે. જેમ આકાશ છે તે પૃથિવ્યાદિક ચાર તત્ત્વનો આધાર છે અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે તથા જળ, તેજ અને વાયુની સંકોચ-વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે અને પૃથિવ્યાદિ તત્ત્વની સંકોચ-વિકાસ અવસ્થા તે બેય આકાશને વિષે થાય છે, તેમ એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ ભગવાનની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે ને એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા તે ભગવાનને વિષે છે. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે. ત્યાં શ્રુતિયો છે-

67. લોયા ૭ ( para.5)

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે, “એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહિ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યાં હોય તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાનને વિષે જડ-ચિત્ પ્રકૃતિ રહી છે ને એ પ્રકૃતિને વિષે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે, પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી આંટી ઠાવકી છે તો કાંઈક એને અલૌકિકપણું જણાયું જોઈએ, નહિ તો જણાશે. અને નિઃસંદેહ એવી આંટી છે ને જણાતું નથી, તો એમ એ સમજે જે, ‘એ ભગવાનને વિષે તો સર્વે છે પણ મને દેખાડતા નથી, એવી જ એની ઈચ્છા છે.’ એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે; તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ; એ ત્રણે પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે. “आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ। तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।।” એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ, પુરુષ, અક્ષર તે થકી પર ને સર્વના કારણ, સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને “अहं ब्रह्मास्मि” થઈ બેસે છે ને કહે છે જે, ‘રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહરી છે,’ એવા જે બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે, તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી.”

68. લોયા ૮ ( para.10)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું; તે ક્યા વિચારે કરીને થાય છે ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, “જે ચંચળ હોય તે એમ વિચારે જે, ‘હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશની પેઠે સ્થિર છું.” એવે વિચારે કરીને ઉપશમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય અને જે શાંતને ચંચળ થવું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણવું; ને માહાત્મ્ય જાણે ત્યારે ભગવાનની નવ પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે, તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે.”

69. લોયા ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો”, ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચારને ઊપજ્યાનો હેતુ શો છે ?” પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે, “વૈરાગ્ય તો એમ ઊપજે જે, જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. તે કાળનું સ્વરૂપ તે શું ? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંબ પર્યન્ત સર્વ જીવના આયુષને જાણે અને એમ જાણીને પિંડ-બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે, ત્યારે વૈરાગ્ય ઊપજે. અને જ્ઞાન તો એમ થાય જે, જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ્ તથા ભગવદ્‌ગીતા તથા વાસુદેવમાહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઈત્યાદિક ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે, તો જ્ઞાન ઊપજે. અને ધર્મ તો એમ ઊપજે, જો યાજ્ઞવલ્ક્યસ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશરસ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઈત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે, તો ધર્મ ઊપજે ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઊપજે જે, ભગવાનની જે વિભૂતિયો છે તેને જાણે, તે કેમ જાણે ? તો ખંડ-ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિયો જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વિપાદિક ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય રૂપ જે ભગવાનની લીલા તેને માહાત્મ્યે સહિત સાંભળે તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર, તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે, તો ભગવાનને વિષે ભક્તિ ઊપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ જે સ્મૃતિયો તેનું શ્રવણ કરે તો ઊપજે, અને જ્યારે ધર્મને વિષે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય; એ ત્રણેય ઊપજે. એવી રીતે એ ચારને ઊપજ્યાના હેતુ છે.”

70. લોયા ૧૦ ( para.10)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, “હે મહારાજ! હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કાંઈક છે ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “માયા તો કેવળ દુઃખદાયી છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયામાંથી ઊપજ્યા એવા જે સત્ત્વ, રજ અને તમ; એ ત્રણ ગુણ, તેમાં જે સત્ત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે. તથા શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘सत्त्वं यद्ब्रह्मदर्शनम् ‘ તથા સત્ત્વગુણની સંપત્તિ તે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, શમ દમાદિક છે. એવી જે માયા તે કેવી રીતે દુઃખરૂપ છે ? અને વળી એકાદશસ્કંધમાં કહ્યું છે જે, “विद्याविद्ये मम तनू विद्धयुद्धव ! शरीरिणाम् । बंधमोक्षकरी आद्ये मायया मे विनिर्मिते ।।” માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે ?” પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર અમથી થાય નહિ, એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે. અને પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશય સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે, તેમ માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે ને અતિ દુઃખદાયી છે અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે અને માયાના કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા, તે સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે.”

71. લોયા ૧૦ ( para.11)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય, તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતઃકરણરૂપ માયા તે સંકલ્પ-વિકલ્પરૂપે કરીને કેમ દુઃખ આપે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય, તેને તો અંતઃકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી; અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તો તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહિ અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહિ. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે, તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણરૂપ માયા રાખે નહિ અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે; અને જેના જીવને વિષે એવા આશરામાં કાંઈ કાચ્યપ હોય, તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે. અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહિ થાય. માટે એનો ઉત્તર એ જ છે જે, “જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી.”

72. લોયા ૧૩ ( para.3)

અને ત્યાર પછી નિત્યાનંદસ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિકે કરીને વિપર્યયપણુ થાય અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદિકે કરીને પરાભવને ન પામે, એ તો ઠીક; પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય, તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને ‘मम साधर्म्यमागताः’ એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિષે કેમ ભેદ સમજવો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ ચંદ્રમા છે ને તારા છે, તેમાં ભેદ છે કે નહિ? જુવોને પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો ભેદ છે અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય, પણ બીજે તારે ન થાય અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે, પણ તારાએ કરીને ટળે નહિ; તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્યતા તે સર્વોપરી છે. અને જે રાજાવતે થાય તે ચાકર વતે થાય નહિ, સૂઝે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરુષોત્તમનારાયણ તે સર્વ કર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, અને ‘कर्तुमकर्तुम् अन्यथाकर्तुम्’ સમર્થ છે; તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિષે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, અને સૂઝે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા તેમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે, તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ્ થકા એકલા જ વિરાજમાન રહે; અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે, ‘મારા ધનુષથકી નીસર્યા જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને આ સર્વે જગતને ધારવાને હું સમર્થ છું;’ તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એનાં દર્શન પણ કરવા નહિ. અને એવી રીતની સમજણવાળાનાં દર્શન કરીએ, તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને તો જેને વિષે મોટ્યપ કહીએ તેને વિષે સંભવે. અને એને લઈને બ્રહ્મા, શિવ, નારદ, સનકાદિક, એ સર્વેને ભગવાન કહેવાય છે અને ઉદ્ધવજીને વિષે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિષે એ નારાયણને લઈએ, તો એમને પણ ભગવાન જેવા કહેવાય; અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી ? અને “अपरिमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगतास्तर्हि न शास्यतेति नियमो ध्रुव ! नेतरथा ।” એ વેદસ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન, વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, અને કીર્તન, નામસ્મરણ તે તાળીઓ વગાડી વગાડીને હાથની આંગળીયો ફાટી જાય એમ કરીએ છીએ તથા કથાવાર્તા રાત-દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ ? માટે ‘એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી.’ અને ‘एकमेवाद्वितीयं ब्रह्म’ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે. એમ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે.” એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી; ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.

73. લોયા ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક્ પૃથક્ રુચિ છે. તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, ‘જીવ, માયા અને પુરુષોત્તમ એ ત્રણે નિત્ય છે ને પુરૂષોત્તમ છે, તે જીવ, માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે ને સર્વે જે અવતાર તે તેના છે. એવા જે પુરુષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી.’ એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્લભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથોને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે. તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે ? અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સોંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સોંસરો ચાલ્યો આવે છે ? તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો.” ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાયું તેણે તેમ કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે, ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા હતા, તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈઓ ત્યારે પોતે ભગવાન હતા, તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો.’ ત્યાં શ્લોક છે :- “न कुर्यात्कर्हिचित्सख्यं मनसि ह्यनवस्थिते । यद्विस्रंभाच्चिराच्चीर्णं चस्कन्द तप ऐश्वरम् ।। नित्यं ददाति कामस्य छिद्रं तमनु येऽरयः। योगिनः कृतमैत्रस्य पत्युर्जायेव पुंश्चली ।।” એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગી અમને ગમે છે. તથા અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમ જેવા ગમે છે, તેવા બીજા લોક ગમતા નથી. અને એમ મનમાં રહે છે જે, શ્વેતદ્વીપને વિષે તથા બદરિકાશ્રમને વિષે જઈને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારુ લાગે, પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા. તથા ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે, એ સર્વે અવતાર નારાયણના છે, તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે અને એ ત્રણ્યે અવતાર કરતા કોટિ ઘણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે. અને એમ જાણીએ છીએ જે, ‘બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે અને એમાં અવતાર-અવતારી એવો ભેદ નથી જણાતો.’ અને બીજા જે મત્સ્ય-કચ્છાદિક ભગવાનના અવતાર છે, પણ તેમાં અમારી અતિ રુચિ નથી. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધો-ઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંતકોટિ મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્તે સહિત શ્રીનારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનને વિષે તેજનું અતિશયપણું છે, તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે, તો પણ એને વિષે રુચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિસુખ થાય છે; અમારે એવી રીતે ઉપાસના છે. અને એ ભગવાનને વિષે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે. તે સારુ અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે, કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિષે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિષે જેવું હેત હોય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક’ તથા કોઈકને પુત્રમાં, ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક.’ તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ જે, ‘એ બહુ ઠીક કરે છે.’

74. લોયા ૧૪ ( para.3)

અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જે, જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષ્યા, દંભ, કપટ ઈત્યાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય, તે સાથે જ અમારે બેઠા-ઊઠ્યાની સુવાણ થાય છે; અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાણ થાય નહિ, તેની તો ઉપેક્ષા રહે છે. અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો અને હવે તો ક્રોધ, માન ને ઈર્ષ્યા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. કાં જે, કામી હોય તે તો ગૃહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે અને જેમાં ક્રોધ, માન, ઈર્ષ્યા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જતા દેખાય છે. માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે. તે માન તે શું ? તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે, પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહિ. અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ જે, જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈતબ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે, તેને વિષે તો અમારે રુચિ નથી તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર-અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાન વિષે તો અમારે ઉપાસના છે તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિષે અમારે ભક્તિ છે તથા શુકજીના જેવો તથા જડભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે ને આત્મનિષ્ઠા છે. એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે, તે અમારી વાર્તાએ કરીને તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વાપર વિચારીને જુવે, તો જે બુદ્ધિમાન હોય તેના જાણ્યામાં આવે છે.” એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.

75. લોયા ૧૬ ( para.3)

ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વાસના કુંઠિત તો હોય, પણ તે મૂળમાંથી ટળી જતી નથી તેનું શું કારણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એ છે જે, આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થમાત્ર તેને વિષે અનાસક્તિરૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિકરૂપ જે ધર્મ તથા માહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ, એ ચાર વાનાં જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી.”

76. લોયા ૧૬ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે પ્રશ્ન પૂછીએ જે, મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના કહ્યા છે, તેમાં એક એવું મોટું કયું સાધન છે જેણે કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે ?” ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે થયો નહિ. પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, “ભગવાનનું માહાત્મ્ય જેમ કપિલદેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, ‘मद्भयाद्वाति वातोऽयं सूर्यस्तपति मद्भयात्’ એવી રીતે અનંત પ્રકારના માહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષમાત્ર ટળી જાય છે અને તેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ; એ ન હોય તો પણ એ સર્વે આવે છે, માટે એ સાધન સર્વમાં મોટું છે.”

77. પંચાળા ૨ ( para.4)

અને એમ સમજવું જે, એ ભગવાન જેવા તો ભગવાન જ છે; ને બીજા જે પ્રકૃતિપુરુષાદિક છે તે તો એના ભક્ત છે અને એનું ધ્યાન કરે છે, માટે એ ભગવાન રૂપ છે. જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાન રૂપ જાણે છે, તેમ એ પ્રકૃતિપુરુષાદિક પણ ભગવાનરૂપ છે અને એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ તે જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરૂદ્ધરૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે, તે ધ્યાન કરવા યોગ્ય છે.’ એમ સમજે તો એ યોગમાર્ગ તે અતિશય નિર્વિઘ્ન છે ને શ્રેષ્ઠ છે. અને સાંખ્યવાળા છે તેમાં એ દોષ છે જે, એ સાંખ્યવાળા હોય તે એમ કહે છે જે, ‘અંતઃકરણે કરીને તથા ઇન્દ્રિયે કરીને જે જે ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વ મિથ્યા છે અને અનુભવે કરીને જે ગ્રહણ કર્યામાં આવે છે તે સત્ય છે.’ એવી રીતે આકારમાત્રને મિથ્યા કરે છે તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે તથા અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, એમના રૂપને પણ મિથ્યા કરે છે અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે; એવો એ મોટો દોષ છે. માટે એ સાંખ્યવાળા એમ સમજે તો ઠીક જે, સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિપુરુષથી જે જે ઊપજ્યું તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું.’ એવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે, નહિ તો શાસ્ત્રને ભણે-સાંભળે પણ આવડે નહિ. અને છે તો એમ જે, પ્રથમ સાંખ્યવિચારે કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે; તે કહ્યું છે જે, “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” તથા “आत्मारामाश्च मुनयो निर्ग्रंथा अप्युरुक्रमे । कुर्वन्त्यहैतुकीं भक्तिमित्थंभूतगुणो हरिः।।” “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्।।” એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે. કાં જે, એ સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે જે કાંઈ પંચ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષયભોગ છે, તેને અતિશય તુચ્છ જાણે છે; માટે એ કોઈ પદાર્થને વિષે આશ્ચર્ય પામે નહિ તથા બંધાય નહિ. અને એની પાસે કોઈ આવીને એમ કહે જે, આ પદાર્થ તો બહુ જ રૂડું છે.’ ત્યારે તેને એમ વિચારે જે, ‘ગમે તેવું સારુ હશે પણ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે ને ઇન્દ્રિયો-અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે નાશવંત છે.’ એવી એ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે. એવો જે સાંખ્યવાળો તેને યોગમાર્ગે કરીને ભગવાનની જે ઉપાસના, ધ્યાન, ભક્તિ તે કરવા; અને એમ ન કરે તો એને વિષે અતિ ન્યૂનતા કહેવાય છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે, તે અમે યથાર્થ વિચારીને કહ્યો છે. અને જે આધુનિક યોગવાળા ને સાંખ્યવાળા છે તેમણે તો એ બેય માર્ગને બગાડી નાંખ્યા છે. જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે, ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના આકાર તથા રામકૃષ્ણઆદિક અવતારના આકાર તે સર્વેને તુલ્યપણે જાણે છે. અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભેળે તીર્થ, વ્રત, પ્રતિમા, યમ, નિયમ, બ્રહ્મચર્યાદિક ધર્મ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા રામકૃષ્ણાદિક અવતાર; એ સર્વેનું ખંડન કરે છે. માટે આધુનિક જે સાંખ્યવાળા ને યોગવાળા તે બેય માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે.”

78. પંચાળા ૩ ( para.4)

અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞરૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું ? તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ; એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક્ જાણે છે જે, ‘એ મારે વિષે કોઈ દિવસ હોય નહિ. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું; અને એ ક્ષેત્ર તો અતિમલિન છે, જડ છે, નાશવંત છે.’ અને દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિષે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે, “तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ।। उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।।” એમ સમજીને ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાંખીને ભગવાનને વિષે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એનાં મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ન માનવા; વૈરી માનવા અને એનો ગુણ ન લેવો, ‘જે એ ભગવાનની ભક્તિને વિષે ઉપકાર કરે છે.’ કેમ જે; નેત્રે કરીને ભગવાનનાં દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનનાં કથા-કીર્તન કહેવાય છે તથા જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે; ઈત્યાદિક ભગવાનની ભક્તિને વિષે ઉપયોગી છે, એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો, એને તો વૈરી જ જાણવાં; કાં જે, શું જાણીએ એ ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ માનતાં થકા સ્ત્રીઆદિકના દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચ ઇન્દ્રિયોરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય, તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહિ ને વિશ્વાસ પણ કરે નહિ; અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે, તેમ જો ઇન્દ્રિયોરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટાં મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઈંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે, પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો-અંતઃકરણને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી; પણ એને વિષે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકને વિષે સુખ મનાવતે થકે જો સ્ત્રીઆદિકને વિષે કાંઈક સુખ મનાવી દે તો એનું કર્યું- કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપ થયે થકે જે ભગવાનને વિષે હેત થાય તે ઠીક છે; એમ અમારો સિદ્ધાંત છે. અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જે, ‘ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી;’ એમ ઇન્દ્રિયો-અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવાં એ પણ સમજણ ઠીક છે.”

79. પંચાળા ૩ ( para.5)

ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આ જે સર્વે વિચાર તે કયા સ્થાનકે રહીને કરવો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “પોતાના હૃદયને વિષે એમ વિચાર કરે જે, ‘સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ એ હું નહિ’ અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા હું નહિ; અને પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચ કર્મઇન્દ્રિયો ને ચાર અંતઃકરણ ને એમના દેવતા એ સર્વે હું નહિ. હું તો એ સર્વેથી પૃથક્ છું ને ચૈતન્ય છું ને ભગવાનનો ભક્ત છું.’ અને ઇન્દ્રિયો-અંતઃકરણ કાંઈક ચાળા કરે તો એને કહેવું જે, ‘કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે ? ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળવો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળવો છે ? ને ગંધ લેવો છે ? અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઈશ તો તારે મારે શું છે ભાઈ ? તું કોણ ને હું કોણ ? તારે મારે લેવું દેવું નથી. તમે કરશો તે તમે ભોગવશો.’ એમ ઇન્દ્રિયો અંતઃકરણને કહીને પછી ભગવાનની પ્રાર્થના કરવી જે, ‘હે મહારાજ ! હે સ્વામિન્ ! હે ભક્તવત્સલ ! હે દયાનિધે ! આ ઇન્દ્રિયો-અંતઃકરણનો વાંક છે ને હું તો એથી નોખો છું ને એ તો મારા શત્રુ છે; માટે એ થકી મારી રક્ષા કરજ્યો.’ એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી ને પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્યરૂપ માનીને ભગવાનને વિષે હેત- ભક્તિ કરવી.”

80. પંચાળા ૪ ( para.6)

એવો જે અગ્નિ તેના પણ સર્વને દર્શન છે, પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી અને ભગવાનને ને સંતને દર્શને કરીને થાય છે. તેનું શું કારણ છે જે, ‘મનુષ્યને ને સૂર્ય-અગ્નિને વિજાતિપણું છે,’ માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો; કાં જે, એ અગ્નિનો સ્પર્શ કરે તો બળી મરે. તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલા મંત્રે કરીને તેડ્યા ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા, તે મનુષ્યરૂપે જેવા કુંતાજી હતા તેવા જ સૂર્ય થઇને આવ્યા ત્યારે તેના અંગસંગનું સુખ આવ્યું ને કર્ણરૂપ ગર્ભ રહ્યો; પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશે સહિત આવ્યા હોત તો કુંતાજી બળી મરત ને સ્પર્શનું સુખ પણ ન આવત. તથા સત્રાજિત યાદવ પાસે સૂર્ય આવતા તે પણ માણસ જેવા થઇને આવતા. અને જ્યારે એ સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્યા ત્યારે શું આકાશમાં નહોતા ? આકાશમાં પણ હતા ને બીજે રૂપે એના એ જ સૂર્ય કુંતાજી ને સત્રાજિત પાસે આવ્યા; અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વે એમાં છે ખરો, પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઇને આવ્યા છે. તેમ એ જે ભગવાન છે તે પોતે પોતાના દિવ્યભાવ સહિત જ જીવને જો દર્શન આપે, તો મનુષ્યને ઠીક ન પડે અને એમ જાણે જે, ‘આ તે શું ભૂત હશે કે શું હશે ? માટે એ ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા જ થઇને દર્શન આપે છે અને પોતે પોતાના ધામમાં પણ વિરાજમાન છે; ત્યારે તે મનુષ્યને દર્શનમાં, સ્પર્શમાં તથા નવ પ્રકારની ભક્તિ કર્યામાં આવે છે. અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય ને દિવ્યભાવે વર્તે, તો મનુષ્યને પોતામાં હેત થાય નહિ ને સુવાણ ન પડે. શા માટે ? તો મનુષ્ય-મનુષ્યને વિષે હેત થાય છે ને સુવાણ થાય છે, પણ પશુને ને મનુષ્યને હેત-સુવાણ્ય થતી નથી અને પશુ-પશુને પરસ્પર હેત ને સુવાણ્ય થાય છે; કેમ જે, સજાતિ-સજાતિમાં હેત થાય, પણ વિજાતિમાં થાય નહિ. તેમ ભગવાન પોતાના દિવ્યભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારુ માણસ જેવા જ ભગવાન થાય છે પણ દિવ્યભાવ જણાવતા નથી; અને દિવ્યભાવ જણાવે તો વિજાતિપણું થાય, માટે ભક્તને પોતામાં હેત ને સુવાણ્ય થાય નહિ. તે સારુ મનુષ્યરૂપે એ ભગવાન થાય છે ત્યારે પોતાનો દિવ્યભાવ છે તેને છુપાવી રાખવો તે ઉપર જ પોતાની દૃષ્ટિ રહે છે અને છુપાવતે છુપાવતે કદાચિત્ પોતે કોઈક કાર્યમાં ઉતાવળા થઇ જાય છે, ત્યારે દિવ્યભાવ જણાઈ આવે છે. અને ક્યારેક પોતે પોતાની ઇચ્છાએ કરીને પણ પોતાના કોઈ ભક્તને જણાવે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાન ભીષ્મને મારવાને ઉતાવળા થયા ત્યારે મનુષ્યભાવ ભૂલી ગયા ને પોતામાં દિવ્યભાવ આવ્યો, તેણે કરીને પોતાના ભારને પૃથ્વી સહન કરવા સમર્થ ન થઇ. તથા અર્જુનને દિવ્યભાવ દેખાડ્યો તે પોતાની ઇચ્છાએ દેખાડ્યો, પણ તે દિવ્યભાવે૧ કરીને અર્જુનને સુખ ન થયું ને બહુ વ્યાકુળ થઇ ગયા. પછી શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું મનુષ્યપણે દર્શન અર્જુનને આપ્યું, ત્યારે અર્જુનને સુખ થયું. ત્યારે કહ્યું જે- “दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन । इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ।।” માટે મનુષ્યપણે કરીને ભગવાન વર્તે તો જ જીવને સાનુકૂળ પડે, નહિ તો ન પડે. તે સારુ એ ભગવાન મનુષ્યપણે વર્તે છે ત્યારે જે આવી રીતે નથી સમજતો, તેને મનુષ્યભાવ દેખીને અવળું પડે છે. અને જો એ ભગવાન દિવ્યભાવે જ વર્તે, તો મન-વાણીને અગોચર હોય તે જીવના જાણ્યામાં આવે નહિ. માટે એ બે પ્રકારે ભગવાનને શાસ્ત્રમાં કહ્યા છે, તેવી રીતે જેણે યથાર્થ જાણ્યા હોય તેને સંશય ન થાય અને જો એમ ન સમજે તો સંશય જરૂર થાય. અને જે એમ કહે છે જે, ‘મેં ભગવાનને જાણ્યા છે ને મને નિશ્ચય છે,’ ને જો તે આ વાતને સમજ્યો નથી, તો તેનો નિશ્ચય કાચો છે. જેમ કોઈક પુરુષ શ્લોક શીખ્યો હોય તથા કીર્તન શીખ્યો હોય ને તેને પૂછીએ જે, ‘તને આ શ્લોક તથા કીર્તન આવડ્યો ?’ ત્યારે કહે જે, ‘આવડ્યો,’ ને કંઠથી મુખપાઠે કહી દેખાડે; પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક-કીર્તનને ભૂલી જાય. ત્યારે એ તે શું જે, એને જ્યારે એ શીખ્યો હતો ત્યારે જ એને એટલો આવડ્યો નહોતો; કેમ જે, શ્રવણ-મનને કરીને એનો દ્રઢ અભ્યાસ થઇને એના જીવમાં એ શ્લોક-કીર્તન ચોંટી નહોતો ગયો. અને કોઈક વાતનો બાળકપણામાં જ એવો અધ્યાસ થયો હોય છે, તો એ યુવા થાય, વૃદ્ધ થાય તો પણ તે વાતનું જ્યારે કામ પડે ત્યારે સાંભરી આવે છે. તેમ એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એના નિશ્ચયમાં કસર રહી ગઈ હતી, અને જો કસર ન રહી હોત ને આવી રીતે પ્રથમથી જ શ્રવણ કરીને ને તેનું મનન કરીને તેનો દ્રઢ અધ્યાસ એના જીવમાં થયો હોત તો એને કોઈ દિવસ સંશય થાત જ નહિ.”

81. પંચાળા ૭ ( para.3)

એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણ તેની મૂર્તિને વિષે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગભાગ સમજવો નહિ ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી; પણ તેથી કાંઇ પૃથક્ ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિષે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે ? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય જે, ‘આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકારરૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય-ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે;’ એવી જાતની જેને દ્રઢ મતિ હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્યમૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિષે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે, ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્યસ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશમાત્ર ફેર સમજતા નથી; અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા, તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તેને માયાની નિવૃત્તિ થઇ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને કદાચિત્ કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધકર્મને યોગે કરીને કાંઇ અવળું વર્તાઇ જાય, તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા-નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ને મહાત્યાગી હોય, તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે, ‘જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે,’ એવી દ્રઢ ગ્રંથી હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય, તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે, તોપણ તેને સંશય થાય નહિ. કેમ જે, એ તો એમ સમજ્યો છે જે, ‘ભગવાન તો સદા સાકાર જ છે, પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે; એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્યનિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત, તે શ્રીજીમહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દ્રઢતા કરતા હવા.

82. ગઢડા મધ્ય ૧ ( para.8)

માટે આ વચન જે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમસિદ્ધાંત છે જે, જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું, ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહિ અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી જે, ‘હું આત્મા છું, પણ દેહ તે હું નહિ.’ એક તો એ વિચાર દ્રઢ કરવો. અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે, તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું, ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશયપણે સમજવું. તે એમ વિચારવું જે, ‘પંચવિષય છે, તે તો ભગવાનના કર્યા થયા છે. માટે ભગવાનમાં તો એથી અતિ ઝાઝું સુખ છે. શા માટે જે, શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી જ સુખ હોય, પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી જ રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય, પણ બીજું ન હોય, તેમ જ રૂપમાં રૂપ સંબંધી જ સુખ હોય; તેમ જ રસ ને ગંધ તેમાં પણ પોતપોતા સંબંધી જ સુખ હોય, પણ એક વિષયમાં પંચવિષયનું સુખ ભેળું ન આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યાં છે, તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણકામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણકામ કરે છે. અને માયિક જે વિષયસંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે.’ એવો જે ભગવાનના સ્વરૂપના માહાત્મ્યનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. એ જે ત્રણ વિચાર કહ્યા તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહિ; જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે અને તેવી જ રીતે પશુ, પક્ષી, લાકડા, છાણા, પથરા, સુવર્ણ; એ સર્વને તુલ્યપણે જુએ, પણ સારુ પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચવિષયને વિષે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિષે ભેદ રહે નહિ, એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તે શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે, ‘समलोष्टाश्मकाञ्चनः’ એવા જેના લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્ત્વે કરીને જાણ્યું છે અને એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવો અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः’ માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વ્હાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાહ્યાને જ આવે એમ નથી, જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય અને ડાહી હોય ને તે વ્યભિચારિણી હોય. માટે ડાહ્યાભોળાનો કાંઈ મેળ નથી, એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી તે તો જાણે જે એક દિવસે જ એમ કરી લઉં ને નિર્મોહી થઉં, એમ ઉતાવળે એ કામ થતું નથી, એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથરો નાખ્યો હોય તેમાં પાણી સિંચતાં સિંચતાં દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી એને વિષે આકળા થઈને અકળાઈ જવું નહિ. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે, ‘अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ।’ માટે એમ વિચારવું જે, ‘આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતા જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે, પણ ભગવાનના ભક્ત છીએ તે નરકચોરાશીમાં તો જવું નથી.’ એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો અને જ્યાં સુધી સારા ને નરસા; એ બે વિષય તુલ્ય ન જણાય, ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધનદશામાં કહેવાય અને જ્યારે સારા-નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધદશાને પામ્યો જાણવો. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે, ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ; એ સર્વે ગ્રંથનો એ જ ગલિતાર્થ છે. આ જે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દ્રઢ કરીને રાખજ્યો.”

83. ગઢડા મધ્ય ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા જે, “મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડ્યાના બે ઉપાય છે; તે કહીએ છીએ જે, એક તો રસિકમાર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન, એ બે મોટ્યપ પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે. અને મોટા આચાર્ય થયા તેમણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણાને થયો છે અને સારુ તો કોઈકનું થયું છે. કાં જે, રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ; તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અગોઅંગનું વર્ણન થાય, ત્યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે ? અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે જે, સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય. અને રાધિકાજી, લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહિ અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય; માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયે પ્રકારે મોહ ન થાય ? એ તો થાય જ. અને લેશમાત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો. માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે. અને બ્રહ્મજ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે જે, ‘જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિપુરુષરૂપે થાય છે અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મા, વિષ્ણુ, શિવરૂપે થાય છે ને પછી તે જ બ્રહ્મ સ્થાવર-જંગમરૂપે થાય છે અને તે સ્થાવર-જંગમરૂપ જે આકાર તેને વિષે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે.’ એવી રીતે બ્રહ્મજ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે, ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો. માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મજ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય, એ મોટું વિઘ્ન છે. કાં જે, સમજી સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું, માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો. અને એ બે માર્ગ છે, તે કલ્યાણના છે અને એ બેમાં વિઘ્ન પણ અતિ મોટા છે. માટે જે ક્લ્યાણને ઈચ્છતો હોય તેને કેમ કરવું ? એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કરો.” પછી સર્વે પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો.

84. ગઢડા મધ્ય ૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન ગાવવા રહેવા દ્યો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ.” પછી પરમહંસે કહ્યું જે, “સારુ મહારાજ !” પછી શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે, “શાસ્ત્રમાં કહ્યા એવા ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપત્કાળ આવે જે, ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ત્યારે કેને રાખવો ને કેનો ત્યાગ કરવો ?” પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “જો ભગવાન ભક્તિ રાખ્યે રાજી હોય તો ભક્તિ રાખવી અને જો ધર્મ રાખ્યે રાજી હોય તો ધર્મ રાખવો.”

85. ગઢડા મધ્ય ૧૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્‌ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ્‌ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે અને દ્વિતીય સ્કંધમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે, ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે, પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી. કાં જે, ભગવાન થકી જ સર્વ સ્થાવર-જંગમ સૃષ્ટિ થાય છે, તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય ? જેમ આકાશ નિરાકાર છે, તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી, તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે, તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં ‘અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; એ ત્રણનો જે આધાર છે, તે ભગવાનનું સ્વરૂપ છે,’ એમ કહ્યું છે. તેની વાત કરીએ તે સાંભળો, અધ્યાત્મ જે વિરાટપુરુષના ઇન્દ્રિયો અને અધિભૂત જે તેના પંચ મહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા; એ સર્વે વિરાટને વિષે આવ્યા, તો પણ વિરાટ ઉભો ન થયો. પછી વાસુદેવ ભગવાને પુરુષરૂપે થઇને જ્યારે વિરાટપુરુષને વિષે પ્રવેશ કર્યો ત્યારે વિરાટપુરુષ ઊભા થયા. તે ભગવાન વિરાટપુરુષના જે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; તેને વિષે તદાત્મકપણે કરીને વર્તે છે અને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે. અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશસ્વરૂપે તો અરૂપ છે ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે, તે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રીકૃષ્ણ ભગવાન ને અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનું ખાંડવ વન બાળવા ગયો, ત્યારે તેજ અગ્નિ જ્વાળારૂપ થઇને સમગ્ર વનમાં વ્યાપ્યો. તેમ જ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છે, ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે. અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો અને વાત પણ એવી રીતે કરવી જે, ‘કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહિ.’ અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો, જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય. અને બીજાને પણ એવી વાત કરવી, જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય.

86. ગઢડા મધ્ય ૧૦ ( para.4)

પછી શ્રીજીમહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી. પછી અચિંત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે, “જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ; એ ત્રણને વિષે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે ?” પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ અને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેનું રૂપ જુદું જુદું કહીએ જે, જીવમાત્રનો એવો સ્વભાવ છે જે, ‘સારુ પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહજે જ પ્રીતિ ટળી જાય છે.’ માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિષે જે સુખ છે, તેની આગળ જે આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે અને અચળ સુખ તો ભગવાનના ધામને વિષે જ છે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલુ માયાથકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. જેમ ત્રાંબાનો પૈસો કોઈક પુરુષના હાથમાં હોય, તેને જ્યારે તે પૈસા માટે સોનામહોર કોઈ આપે ત્યારે ત્રાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે, એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દૃષ્ટિ પહોંચે; ત્યારે જેટલું માયિક સુખ છે, તે સર્વ થકી વૈરાગ્ય પામે છે અને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે; એ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું છે.

87. ગઢડા મધ્ય ૧૦ ( para.6)

હવે યોગશાસ્ત્રનો મત કહીએ તે સાંભળો. યોગનો મત એમ છે જે, જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દૃષ્ટિ સ્થિર કરવી. તે દૃષ્ટિ સ્થિર કરવા સારુ ભગવાનની પ્રતિમા અથવા બીજું કાંઇ પદાર્થ હોય તેમાં પ્રથમ દૃષ્ટિને ઠરાવવી. પછી એક ને એક આકાર જોતા થકા દૃષ્ટિ સ્થિર થઇ જાય ત્યારે તે ભેળુ અંતઃકરણ પણ સ્થિર થાય છે. અને જ્યારે અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી. તેમાં ધારણ કરનાર યોગીને પ્રયાસ ન પડે, સુખે ધરાય છે. અને જો પ્રથમથી અભ્યાસ કરીને અંતઃકરણ સ્થિર ન કરે તો જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજા પણ કેટલાક ટિખળ આડાં આવીને ઊભા રહે. માટે યોગશાસ્ત્રનો એ સિદ્ધાંત છે જે, ‘પ્રથમ અભ્યાસ કરીને વૃત્તિ સ્થિર કરવી ને પછી ભગવાન સંગાથે જોડવી.’ એમ જાણવું એ યોગશાસ્ત્ર સંબંધી જ્ઞાન છે. એવી રીતે એ બે શાસ્ત્રને મતે કરીને જે સમજણ દ્રઢ કરવી, તેનું નામ જ્ઞાન છે. હવે ભક્તિની રીત તો એમ છે જે, જ્યારે સમુદ્રમંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નીસર્યા. પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઇને વિચાર કર્યો જે, ‘વરવા યોગ્ય કોણ છે ? તેને હું વરું.’ પછી જ્યાં તપાસીને જોયું ત્યાં તો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહિ ને જેમાં કાંઇક ગુણ તેમાં રૂપ નહિ. એવી રીતે ઘણાકને વિષે મોટા મોટા કલંક દીઠા. પછી દેવતા માત્ર તથા દૈત્ય માત્ર તેને કલંકના ભર્યા દેખીને સર્વ ગુણે કરીને સંપૂર્ણ અને સર્વ દોષે રહિત ને સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને જ દીઠા ત્યારે લક્ષ્મીજીને ભગવાનને વિષે દ્રઢ ભક્તિ થઇ. પછી અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાળા પહેરાવી ને ભગવાનને વર્યાં. માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા ને પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો તેનું જ નામ ભક્તિ છે.”

88. ગઢડા મધ્ય ૧૦ ( para.7)

એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ; એને વિષે પરમેશ્વરને વિષે પ્રીતિ થવાનું કેને વિષે અધિક દૈવત આવ્યું ? તે સમજાણું નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ ભક્તિને વિષે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી અને ભક્તિ તો અતિ દુર્લભ છે. તે ભક્તિવાળાનાં લક્ષણ આવા હોય છે જે, જ્યારે જીવોના કલ્યાણ અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિષે વિચરે છે, ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માયિક જેવા હોય, તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે દેવકીવસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોવર્ધન તોળ્યો તથા કાળીયનાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યો તથા અક્રૂરજીને યમુનાના જળને વિષે દર્શન દીધું તથા મલ્લ, હસ્તિ, કંસાદિ દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. તેમ જ રામાવતારને વિષે ધનુષ ભાંગ્યું તથા રાવણાદિક દુષ્ટને મારીને સર્વ દેવતાનું કષ્ટ નિવારણ કર્યું, ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનનાં દિવ્ય ચરિત્ર કહેવાય. અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતાં રોતાં ઘેલા જેવા થઇ ગયા તથા કૃષ્ણાવતારમાં કાળયવનની આગળ ભાગ્યા તથા જરાસંઘની આગળ હાર્યા ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઇ વસ્યા ઇત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિષે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે જે, “जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ।।” એ શ્લોકનો એમ અર્થ છે જે, ‘હે અર્જુન ! મારા જન્મ ને કર્મ તે દિવ્ય છે, તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે.’ માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત ને અભક્ત બેયને દિવ્ય જણાય, પણ જ્યારે મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિષે જેને દિવ્યપણું જ જણાય પણ કોઈ રીતે ભગવાનનાં તે ચરિત્રમાં અભાવ આવે નહિ, એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય; અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. અને એ શ્લોકમાં કહ્યું જે ફળ તે આવા ભક્તને જ થાય છે. અને જેમ ગોપીઓ ભગવાનનાં ભક્ત હતા તે કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધો જ નહિ અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી, એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી શુકજીએ ભગવાનનું સમર્થપણું દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેઠે દિવ્ય જાણે પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહિ, એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે. અને એક બે જન્મને સુકૃતે કરીને એવી ભક્તિ ન આવે એ તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે, ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે. અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થકી અધિક છે અને જેના હૃદયને વિષે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિષે પ્રીતિમાં શું બાકી છે ? કાંઇ બાકી નથી.”

89. ગઢડા મધ્ય ૧૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેટલા ગ્રંથ છે, તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે, તે એ ગ્રંથોને ધર્મ, અર્થ ને કામપર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ ને કામ; તેને જ અર્થે યજ્ઞ-વ્રતાદિક શુભ કર્મ કરે છે,પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક, તેને વિષે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક ચોરાશીમાં જાય છે. માટે જે જીવ ધર્મ, અર્થ ને કામને વિષે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે, તે સર્વે સાત્ત્વિકી, રાજસી ને તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણ લોકમાં રહીને ભોગવાય છે; પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહિ. અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહિ. અને જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે, તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે, ત્યાં શ્લોક છે જે,

90. ગઢડા મધ્ય ૧૧ ( para.7)

એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે. માટે એ વાર્તા છે, તે સુધી અટપટી છે, તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે; તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે, વિમુખ જે જે ક્રિયા કરે છે, તે પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે, તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે. અને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે. માટે હરિજનની ક્રિયા છે, તે તો સર્વે નૈષ્કર્મ્યરૂપ૨ છે. ત્યાં શ્લોક ભગવદ્‌ગીતાનો છે,

91. ગઢડા મધ્ય ૧૫ ( para.3)

પછી શ્રીજીમહારાજે વળી પ્રશ્ન કર્યો જે, “ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન અને માહાત્મ્યે સહિત પરમેશ્વરની ભક્તિ; એ ચાર વાનામાંથી કોઈ કાળે પડે નહિ એવો જે હોય, તેને શે લક્ષણે કરીને ઓળખવો ?” પછી સર્વે સંતે જેને જેવું સમજાણું તેણે તેવું કહ્યું પણ તે કોઈથી યથાર્થ કહેવાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે, કોઈની છાયામાં તો દબાય જ નહિ અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોઈએ હાંસી મશ્કરી થાય નહિ અને તેને કોઈએ હળવું વેણ પણ કહેવાય નહિ; એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહિ. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય, તો પણ તેને કલ્યાણનો ખપ હોય માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહિ.”

92. ગઢડા મધ્ય ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે, તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે ? તો ‘જેને પરમેશ્વરની ભક્તિ નહિ અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્તવત્સલ છે, પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહિ.’ તે એવા તો આ સંસારમાં બે મત છે- એક તો નાસ્તિકનો ને બીજો શુષ્ક વેદાંતીનો; એ બે અતિ કુસંગ છે. અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાળે છૂટકો થાય તથા બાળહત્યા, ગૌહત્યા, સ્ત્રીહત્યા, ઈત્યાદિક જે મોટા પાપ, તેના કરનારાનો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો; પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઈ કાળે છૂટકો થાય નહિ. શા માટે જે, એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે, ‘રામચંદ્રજી ને શ્રીકૃષ્ણભગવાન એ તો રાજા હતા અને શ્રીકૃષ્ણે દૈત્ય માર્યા તથા પરસ્ત્રીના સંગ કીધા; માટે ત્રીજા નરકમાં પડ્યા છે.’ એવી રીતે અધમઉદ્ધારણ ને પતિતપાવન એવા જે શ્રીકૃષ્ણભગવાન તેને વિષે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે, તે જ્યારે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રકટે ત્યારે તે ભગવાન થાય. એવી રીતે અનંત ભગવાન માન્યા છે, પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી; જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે. માટે એ મત છે, તે વેદથી વિરુદ્ધ છે.

93. ગઢડા મધ્ય ૧૮ ( para.4)

અને સાચા જ્ઞાની જે નારદ, સનકાદિક, શુકજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન, નામ રટન અને કીર્તન તેને કરે છે; અને શ્વેતદ્વીપને વિષે જે નિરન્નમુક્ત છે, તે તો બ્રહ્મસ્વરૂપ છે અને કાળના પણ કાળ છે, તે પણ પરમેશ્વરનું ધ્યાન, નામ રટન, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે અને પોતે અક્ષરસ્વરૂપ છે, તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે; અને બદરિકાશ્રમને વિષે જે ઉદ્ધવ ને તનુઋષિ આદિક મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને એ શુષ્ક વેદાંતી તો કેવળ દેહાભિમાની જીવ છે, તો પણ ભગવાનનું ધ્યાન, સ્મરણ કે વંદન કરતા નથી. અને નારદ સનકાદિક ને શુકજી તેમની જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે, તથા શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત તેને વિષે જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે, તથા બદરિકાશ્રમવાસી જે ઋષિ તેમા જેવી સામર્થી છે ને જ્ઞાન છે, તેના કોટિમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતીને વિષે સામર્થી પણ નથી ને જ્ઞાન પણ નથી, તો પણ પરમેશ્વરના સમોવડિયા થઈને બેઠા છે. માટે એ પાકા અજ્ઞાની છે અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે અને એ તો કોટિ કોટિ કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે, તો પણ એનો છૂટકો નહિ થાય. અને એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ છે. અને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતી તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતીનો સંગ કરવો જ નહિ.”

94. ગઢડા મધ્ય ૧૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારુ તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું, તે શ્રવણમાત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ આવ્યો. કેમ જે, એ શુષ્ક વેદાંતશાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સમભાવ આવી જાય છે; એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે. અને તે શુષ્ક વેદાંતીના વચનને જે સાંભળે તેની બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જાય છે. અને અમે તો કાંઈક પ્રયોજન સારુ શુષ્ક વેદાંતની વાત સાંભળી હશે તેણે કરીને પણ હવે અમારે શોક ઘણો થાય છે.” એમ કહીને શ્રીજીમહારાજ સૂધા ઉદાસ થઈ ગયા. પછી ઘણી વાર સુધી દિલગીર થઈને પછી પોતાને હાથે નેત્રમાંથી જળ લોઈને એમ બોલ્યા જે, “ભગવદ્‌ગીતા ઉપર જે રામાનુજ ભાષ્ય છે, તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સૂતા હતા. પછી અમને સ્વપ્ન થયું જે, અમે ગોલોકમાં ગયા; ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા. તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે તે તો સ્થિર સરખા જણાયા અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે, તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે. અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય; જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે ને ગાય તેમ કીર્તન ગાય ને ડોલે. પછી અમે પણ એ ગાવતા હતા તે ભેળા જઈને મળ્યા ને કીર્તન ગાવવા લાગ્યા. તે ગાવતા ગાવતા એવો વિચાર થયો જે, ‘આવી જે પરમેશ્વરની પ્રેમ ભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે મિથ્યાજ્ઞાની થાય છે અને એમ જાણે છે જે, ‘અમે જ ભગવાન છીએ,’ તે મહાદુષ્ટ છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણનારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહિ, એવો લાવો એક કાગળ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલીએ.

95. ગઢડા મધ્ય ૧૯ ( para.3)

લિખાવિતં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજના, સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી બાઈ-ભાઈ નારાયણ વાંચજ્યો. બીજું, અમારી આજ્ઞા એમ છે જે, શ્રીકૃષ્ણનારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન, તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય, અહિંસાદિક ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત ભક્તિ; એ ચાર ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવમનુષ્યાદિકને વિષે થાય છે. તે અવતારને વિષે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી. જેમ સીતાજીને શ્રીરામચંદ્રને વિષે નિર્દોષપણે નિષ્ઠા હતી, તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને નવ પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રીકૃષ્ણનારાયણના અવતાર પૃથ્વીને વિષે પ્રકટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુલસી આદિક સામગ્રી વતે કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિષે સીતા ને રુક્મિણીના જેવી ભક્તિ કરવી. અને તે ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું, જે સાધુ સિદ્ધગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. અને સર્વેને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિષે દ્રઢપણે વર્તવું. બીજું, આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ, તેના જેવી ભક્તિ થશે. અને આ અમારા વચનને જે નહિ માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. સંવત્ ૧૮૭૮ના માગશર વદિ ૧૪ ને દિવસ લખ્યો છે.” એવી રીતે કાગળ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો.

96. ગઢડા મધ્ય ૨૨ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાસુદેવમાહાત્મ્યને વિષે એકાંતિક ભક્તના ધર્મ કહ્યા છે જે, ‘એકાંતિક ભક્ત હોય, તે પોતાનું રૂપ દેહ માને નહિ ને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય; તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહિ.’ અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે; તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે, તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. માટે તુચ્છ એવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવાં નહિ; કાં જે, એ સાધુ જ્યારે ભગવાનનાં ધામને પામે છે, ત્યારે અનંતકોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ્ય-સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય-સામર્થીને પામે છે. એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છવું નહિ. અને જેમ હાથમાં ચિંતામણિ આવી ત્યારે તે ચિંતામણિને જતન કરીને રાખવી; કેમ જે, જો હાથમાં ચિંતામણિ છે તો જે પદાર્થને ઈચ્છશે તે પદાર્થને આપશે; તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણિને ઝાલી રાખવી પણ તેને મૂકવી જ નહિ, તો એને સર્વે વાતની સિદ્ધિ થશે.”

97. ગઢડા મધ્ય ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાનાં સગાં વહાલા હોય તેનો પણ ત્યાગ કરવો. અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહિ; જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો. અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતામાં જ અવગુણ ભાસે. અને જે બીજામાં અવગુણ જુવે અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ; તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું. અને જો ભક્તિને વિષે સહાયરૂપ થતા હોય તો તો એ ઠીક છે, એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિષે પ્રેમ પણ અતિશય હતો, પણ જ્યારે પોતામાં ગુણ માન્યો અને શ્રીકૃષ્ણભગવાનને વિષે અવગુણ માન્યો, ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી શ્રીકૃષ્ણભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી. પછી શ્રીદામાનો શાપ થયો, તેણે કરીને ગોલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો; એવા મહા મોટા લાંછનને પામ્યા. અને શ્રીદામા હતો તેણે પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠ્યો તો રાધિકાનો શાપ પામીને દૈત્ય થવું પડ્યું. અને એ ધામમાંથી તો પડવાની રીત નથી ને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી, તો પણ ભગવાને એમ જણાવ્યું જે, ‘રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય, તો બીજાની શી ગણતી?’ માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો. એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય અને તે વિના તો ઝાઝી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હઠતો જાય અને અંતે જાતાં નિશ્ચય વિમુખ થાય. અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે જે, જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવળું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે અને જેને શિખામણની વાત કહે ને અવળું લે, તો તે ઉપર હેત થતું નથી; તેમ જ ભગવાનની પણ રીત છે જે, જેને શિખામણની વાત કહે ને સવળું લે, તો તે ઉપર હેત થાય છે પણ જે અવળું લે તે ઉપર થતું નથી.”

98. ગઢડા મધ્ય ૨૭ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પ્રથમ આવરણ થઈ જાય એવી કાચ્યપ રહે છે, તે શાને યોગે રહે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશકાળાદિક જે આઠ છે, તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે, તેવું જ એક એકમાં છે. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત-દુષ્કૃત થાય તો વેદ, શાસ્ત્ર ને પુરાણ તેને વિષે વિધિનિષેધના ભેદ કહ્યા છે જે, ‘આ કરવું ને આ ન કરવું’ તે સર્વ ખોટું થઈ જાય; તે એ મોટાના કરેલાં શાસ્ત્ર તો ખોટા થાય જ નહિ. અને જય વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ, કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહ્લાદને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહિ અને જો સનકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય, જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે. અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહિ અને જો કોઈ ઉપર મલિન ઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઈ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુઃખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે, ‘ભગવાન સર્વાંતર્યામી છે, તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે. માટે જેને અમે દુઃખવ્યો તેના જ અંતરમાં વિરાજમાન હશે, ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો.’ એમ જાણીને તેને પગે લાગીને તેને કાંઈક જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ અને વળી અમે વિચારીને જોયું જે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહિ; ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે, તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવના કલ્યાણ થશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખ્યે પણ કેમ ઠીક પડે ? એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યા જોઈએ, તુલસી લાવ્યા જોઈએ, ભાજીતરકારી લાવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ. માટે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મૂઠી વાળીને બેસી રહે, તેણે ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિએ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય, એટલે પછવાડેથી અંધપરંપરા ચાલે. તે સારુ અમે મંદિર કરાવ્યા છે; તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારુ કરાવ્યા છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહિ. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી, એ અમારો સિદ્ધાંત છે.”

99. ગઢડા મધ્ય ૨૮ ( para.2)

પછી દવે પ્રાગજીએ કહ્યું જે, “શ્રીમદ્ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ ભાગવત તો સારુ જ છે, પણ સ્કંદપુરાણને વિષે શ્રીવાસુદેવમાહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી; કાં જે, એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાલ્મીકિ રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે. અને રઘુનાથજીને વિષે શરણાગતવત્સલપણું તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય, તો તેનો તત્કાળ ત્યાગ કરી દે; જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્યો, તો અતિ વહાલા હતા પણ તત્કાળ ત્યાગ કરી દીધો.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારી પ્રકૃતિ તો એવી નથી; અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરુષમાત્રને વિષે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી અને સીતાજી ને દ્રૌપદી, એવી કોઈ સ્ત્રીમાત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે, તે કહીએ છીએ જે, અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું, તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ થાય નહિ. અને જે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે, ‘થોડીક વાતમાં કુરાજી પણ ન થઉં, ને થોડીક વાતમાં રાજી પણ ન થઉં’ અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું, ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા-સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે, તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે જે, ‘જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું.’ એ જ મારે વિષે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટ્યપ શોભે નહિ.

100. ગઢડા મધ્ય ૩૨ ( para.3)

અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મસ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે; ને એણે કરીને જ એ જીવ છે, તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે. અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ તે તો ભગવાનની ભક્તિનાં સહાયરૂપ ઉપકરણ છે, પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી. અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તોપણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે, એટલો ધર્માદિક થકી ભક્તિને વિષે વિશેષ છે. તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિષે કોઈ વિઘ્ન થતું નથી અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાદિકે કરીને ભક્તિને વિષે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી. અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ જો ભૂંડા દેશ, કાળ, ક્રિયા ને સંગ છે, તેને વિષે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય, તેનું પણ અંતર ડોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે. માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ, રૂડી ક્રિયા તેને વિષે સદા પ્રવર્તવું, પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો જ નહિ.”

101. ગઢડા મધ્ય ૩૩ ( para.4)

પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે, “એ નિષ્કામી વર્તમાન શે ઉપાયે કરીને અતિશય દ્રઢ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો ત્રણ પ્રકારના ઉપાય છે. જેમ હાંકનારો, બળધિયા, પૈડાં, ધૂંસરી, ઊંધ્ય, માંચડો એવા ઘણાક સામાને કરીને એક ગાડું કહેવાય છે, તેમ નિષ્કામી વ્રત દ્રઢ રાખવાની પણ ઘણીક સામગ્રી જોઈએ છીએ. તેમાં પણ ત્રણ ઉપાય છે, તે તો અતિશય મુખ્ય છે. તેમાં એક તો મનને વશ કરવું જે, મનને વિષે અખંડ એવું મનન કરવું જે, ‘હું આત્મા છું, દેહ નથી;’ ને ભગવાનની કથા શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને વિષે મનને અખંડ જોડી મેલવું, પણ ક્ષણમાત્ર મનને નવરું રહેવા દેવું નહિ. જેમ કોઈક પુરુષને ભૂત વશ થયો હતો. તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય; તેમ આ મન છે, તે પણ ભૂત જેવું છે. તે જ્યારે ભગવદ્‌ ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે, ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે, પ્રાણને નિયમમાં રાખવો. તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘આહાર વિહાર યુક્ત રાખવો પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી.’ એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિષે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે, આ સત્સંગને વિષે જેને જેને જે જે નિયમ કહ્યા છે, તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે એ ત્રણ ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ થાય છે. અને એને વિષે એમ ન જાણવું જે, ‘એવી રીતે રાખવું ઘણું કઠણ છે.’ કેમ જે, જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહિ. અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારુ તેનો ત્યાગ કરે, ત્યારે જ એ પાકો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે ? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથરો હોય છે તેને વિષે નિત્યે પાણીને સિંચવું, તેણે કરીને નરમ દોરડી છે, તે પણ કાપા પાડે છે; તેમ જે સાધુ જ છે ને તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે, તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે ? એ તો નિશ્ચય નાશ પામશે. માટે જેને નિષ્કામ વ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે ત્રણ ઉપાય તે દ્રઢ કરીને રાખવા.”

102. ગઢડા મધ્ય ૩૫ ( para.2)

પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા જે, “આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહિ. ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે. ને તે વિચાર કરીને જે નિર્ધાર કર્યો છે, તે કહું છું જે, હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત્ દેખતો ને હમણે પણ દેખું છું. તે આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે. ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિષે મને આત્માનું ક્ષણમાત્ર પણ વિસ્મરણ થતું નથી. પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે; એવું આત્મદર્શન તો પૂર્વના ઘણાક જન્મના સત્સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને થાય છે અને બીજો તો એ આત્માનો વિચાર સો વર્ષ પર્યન્ત કરે તો પણ આત્માનું દર્શન થાય નહિ. એ તો ક્યારે થાય ? તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી; અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે, એવી તો આશા કોઈને રાખવી નહિ. અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનનાં ચરિત્ર ગાવવા-સાંભળવા ને ભગવાનનું નામસ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એ તો જેમ વા’ણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે. અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું, તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ, તેમાં તો એટલું જ પ્રયોજન છે જે, ‘જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિષે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિષે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિષે કોઈ વિધ્ન ન થાય.’ એટલું જ પ્રયોજન છે, પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય, એમ તો માનવું નહિ.

103. ગઢડા મધ્ય ૩૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સંસારી જીવ છે, તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર-મંત્ર, નાટક-ચેટકમાં ક્યાંઈ પ્રતીતિ આવે જ નહિ. અને જે હરિભક્ત હોય ને જંત્ર-મંત્રમાં પ્રતીતિ કરે, તે સત્સંગી હોય તે પણ અર્ધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહિ. યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માંચો ભક્ત હતા. તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા, તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહિ અને પોતે બાળબ્રહ્મચારી રહ્યા. અને કોઈક કીમિયાવાળો પોતાને ઘેર આવીને ઊતર્યો હતો, તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું ને પછી એ ભક્તને કહ્યું જે, ‘તમે સદાવ્રતી છો, માટે તમને આ બુટી બતાવીને રૂપું કરતા શીખવું.’ પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું જે, ‘અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી.’ પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક ભક્ત હોય, તેને એક તો આત્મનિષ્ઠા હોય, ને બીજો વૈરાગ્ય હોય, ને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય, ને ચોથી શ્રીકૃષ્ણભગવાનને વિષે અત્યંત ભક્તિ હોય. અને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રીકૃષ્ણભગવાનને વિષે પ્રવેશ થાય છે. અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ થાય છે; પણ એકાંતિક થયા વિના શ્રીકૃષ્ણવાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો જે, જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, ને જેમ ઘણીક દોલતવાળો હોય ને તે વાંઝિયો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો હોય તેને વિષે તેનો પ્રવેશ જાણવો; પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો. એ તો જેનો જેને વિષે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિષે હેત ઉપજે નહિ ને એક તેની જ રટના લાગી રહે, ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય.”

104. ગઢડા મધ્ય ૩૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહિ, એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે, તે કહીએ જે, એક તો અમારે એમ વર્તે છે જે, પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે, તેનો દેહે કરીને સૂઝે એટલો યોગ થાય, તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સૂઝે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતર્દૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાનાં અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મસ્વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે વર્તાય. અને ત્રીજો એમ જે, ચૈતન્યરૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે, તેમાં સદા સાકારમૂર્તિ એવા શ્રીકૃષ્ણવાસુદેવ વિરાજમાન છે. ને તે સાકાર થકા જ સર્વના કર્તા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી; એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા ને સાંભળ્યા, તો પણ એ પ્રતીતિ ટળી નહિ. અને ચોથો એમ જે, જે કોઈ બાઈ-ભાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણ્યામાં આવે જે, ‘આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે; પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી.’ તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ્ય પણ ન થાય; ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ્ય થાય. એ ચાર ગુણ અમારે વિષે સ્વાભાવિકપણે રહ્યા છે, તે કહ્યા; અને હવે તમે સર્વે કહો.” પછી જે મોટેરા પરમહંસ તથા મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કહી દેખાડ્યો.

105. ગઢડા મધ્ય ૩૯ ( para.4)

એવી રીતે વાર્તા કરીને પાછા દાદાખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી, નારાયણ ધૂન્ય, સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજીમહારાજે મોટેરા મોટેરા પરમહંસને પૂછ્યું જે, “અમે પંચમસ્કંધ તથા દશમસ્કંધનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજ્યામાં આવ્યું હોય તે કહો” ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ જે, રહસ્ય તે શું? તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને હા પાડે, પણ તેને કોઈ રીતે સંશય ન રહે જે, ‘એ વાર્તા એમ નહિ હોય.’ એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ બે ગ્રંથમાં દશમસ્કંધનું તો એ રહસ્ય છે જે, ઉપનિષદ્-વેદાંત ને શ્રુતિસ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિઃસ્વરૂપ કહ્યા છે, જ્ઞાનરૂપ કહ્યા છે, તત્ત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે અને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરબ્રહ્મ પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે, તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણવાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે, ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણભગવાનને જ કહ્યા છે, પણ શ્રીકૃષ્ણભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું; તથા સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા તે પણ શ્રીકૃષ્ણભગવાન જ છે, એમ કહ્યું છે. અને પંચમસ્કંધને વિષે તો એ શ્રીકૃષ્ણભગવાનનું માહાત્મ્ય કહ્યું છે. તથા એ શ્રીકૃષ્ણભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે ને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે, એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિષે જે રહે તે અતિશય મોટ્યપને પામે ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે, એમ કહ્યું છે. અને એ જ જે શ્રીકૃષ્ણવાસુદેવ તેણે વસુદેવ-દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજરૂપે અદ્‌ભૂત બાળક થકા દર્શન દીધું, એ અનાદિ વાસુદેવરૂપ છે. અને એ શ્રીકૃષ્ણભગવાન ધર્મ, અર્થ, કામને વિષે વર્ત્યા છે; તે ધર્મ, અર્થ, કામ સારુ જે જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનનાં જન્મ, કર્મ ને મૂર્તિ એ સર્વે દિવ્યસ્વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રીકૃષ્ણ તે જ સર્વોપરી છે, એવી રીતે એ બે ગ્રંથનું રહસ્ય છે. અને જે શુકજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રીકૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના- ભક્તિ કરવી ને દશમમાં કહ્યા છે જે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવા ને સાંભળવા, તે શુકજીએ જ કહ્યું છે જે, “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।” અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખવી. અને જો ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ હશે ને કદાચિત્ એ જીવ કાંઈક પાપ કરશે, તો પણ એનો ઉદ્ધાર થશે; કેમ જે, પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત્ તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે ? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખીને એની દ્રઢ ઉપાસના કરવી, એમ અમે તમને સર્વેને કહીએ છીએ. તે આ વાર્તાને સર્વે દ્રઢ કરીને રાખજ્યો.” એવી રીતે શ્રીજીમહારાજ સર્વેને શિક્ષાનાં વચન કહીને ભોજન કરવા સારુ પધાર્યા.

106. ગઢડા મધ્ય ૪૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા જે, “જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી; તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારુ ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે, ‘જેમાં પોતાને માન જડે તે જ કરવું સારુ લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ.’ અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે, ‘મારા જ મોઢાનું લોહી છે, તેમાં હું સ્વાદ માનું છું.’ તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે જે સાધન કરે છે, તે માનને વશ થઈને કરે છે; પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી અને ભગવાનની ભક્તિ કરે છે, તેમાં પણ માનનો સ્વાદ આવે છે, ત્યારે કરે છે; પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મીયાંજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી.” પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી જે, ‘कनक तज्यो कामिनी तज्यो, तज्यो धातुको संग । तुलसी लघु भोजन करी, जीवे मानके रंग ।।’ એ સાખીને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે, તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો.”

107. ગઢડા મધ્ય ૪૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે સર્વ મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી, એ તમે સર્વે મારા કહેવાઓ છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહિ અને તમે કાંઇક ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહિ. માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સૂધા સાવધાન રહેજ્યો; જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહિ. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્દ્રિયો, દશ પ્રાણ, ચાર અંતઃકરણ, પંચ ભૂત, પંચ વિષય અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી; ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદરિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન્નમુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાંખવી છે, પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજ્યો.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા.

108. ગઢડા મધ્ય ૪૭ ( para.3)

અને વળી સંતને કોઈ સારુ પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચવિષયનો લાલચી હોય, એ બે તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ; કેમ જે, આ સભા તો જેવી બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે, તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે ? અને પંચવિષય છે, તે તો પૂર્વે દેવ-મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે, તો પણ હજી લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી; તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહિ. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહિ, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહિ. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહિ. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે,’શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે’ માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતાં મરવું નહિ અને ‘આ દેહમાંથી નીસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે,’ એવી વાસના રાખવી. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી-ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું; તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે, ‘માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ,’ એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક, ઈન્દ્રલોકના ભોગનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું. એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું માહાત્મ્ય જાણ્યું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્મ્ય જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું માહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી; એમ અરસપરસ માહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત્ય રાખવી.”

109. ગઢડા મધ્ય ૪૮ ( para.3)

અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતવન થઈ ન શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેણે યુક્ત એવા જે આ સાધુ તેને મધ્યે પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે, ‘આ દેહને મૂકશું પછી કોઈ રીતનું જન્મ થવાનું નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે, જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો,’ એમ જ ઈચ્છીએ છીએ. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતવન થતું હોય તે તો કાળ, કર્મ ને માયાના પાશ થકી મુકાયો છે; અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના માબાપ પણ કૃતાર્થ થયા જાણવાં. અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતવન કરે છે તે તો અતિશય ભૂલ્યો જાણવો. અને સ્ત્રી, પુત્ર ને ધનાદિક પદાર્થ તે તો જે જે યોનિમાં જાય છે, તે સર્વેમાં મળે છે; પણ આવા બ્રહ્મવેત્તા સંતનો સંગ ને શ્રીવાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતવન તે તો અતિશય દુર્લભ છે. માટે જેમ વિષયી જનને પંચવિષયનું ચિંતવન અંતઃકરણમાં થયા કરે છે; તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતવન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વે હરિભક્તમાં મુખિયો છે. અને એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ; એ પંચવિષય હોય, તો પણ ભગવાન સંબંધી જ હોય; અને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાને ઈચ્છે અને ત્વચા તે ભગવાનનો સ્પર્શ કરવા ઈચ્છે અને નેત્ર તે ભગવાન ને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે અને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઈચ્છે અને નાસિકા તે ભગવાનને ચડ્યાં જે પુષ્પ તુલસી તેના સુગંધને ઈચ્છે, પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહિ. એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય.”

110. ગઢડા મધ્ય ૫૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જે, જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે, અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિષે બળી જાય છે, અને જેમ શૂરો રણને વિષે ટુક ટુક થઈ જાય છે; તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ, તેને વિષે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને તે તેજોમય એવું જે અક્ષરબ્રહ્મ, તેને વિષે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી; એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂંફવાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ, ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એ સર્વેને કાંઈકે જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિષે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી; એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ, તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી, અને કર્મ પણ નાશ કરી શક્યા નથી, અને માયા પણ પોતાને વિષે લીન કરી શકી નથી, અને હવે તો ભગવાન મળ્યા છે, માટે કાળ, કર્મ, માયાનો શો ભાર છે ? એમ જાણીને એવી હિંમત બાંધી છે જે, ‘હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિષે પ્રીતિ રાખવી નથી.’ અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. શા માટે જે, જેને મારા જેવો અંતરનો દ્રઢાવ હોય તે સાથે જ અમારે બને છે. અને જેના હૃદયમાં જગતનાં સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહિ. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે, તે કહ્યું.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી.

111. ગઢડા મધ્ય ૫૨ ( para.2)

અને પોતાની આગળ મુનિમંડળ ઝાંઝ-મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. તે જ્યારે કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, હવે વાર્તા કરીએ તે સાંભળો જે, આ સંસારને વિષે ગૃહસ્થાશ્રમી ને ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે. તે જે ગૃહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણરૂપ હોય અને જે ત્યાગીને શોભા હોય તે ગૃહસ્થને દૂષણરૂપ હોય; તેને બુદ્ધિમાન હોય તે જાણે, પણ બીજો જાણી શકે નહિ. માટે તેની વિક્તિ કહીએ છીએ જે, જે ગૃહસ્થાશ્રમી છે તેને ધન-દોલત, હાથી-ઘોડા, ગાય-ભેંસ, મેડી-હવેલી, સ્ત્રી-છોકરા, ભારે ભારે વસ્ત્ર-આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે; અને એ જ જે સર્વે પદાર્થ તે જે ત્યાગી હોય તેને દોષરૂપ છે. અને ત્યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉઘાડું એક કૌપીનભર રહેવું, માથામાં ટોપી ઘાલવી, દાઢી-મૂછ મૂંડાવી નંખાવવી, ભગવા વસ્ત્ર રાખવા, અને કોઈ ગાળો દે ને કોઈ ધૂળ નાખે તે અપમાનને સહન કરવું, એ જ ત્યાગીને પરમ શોભારૂપ છે. અને એ ત્યાગીની જે શોભા તે જ ગૃહસ્થને પરમ દોષરૂપ છે. માટે આ સંસારમાંથી જે નીસર્યો ને ત્યાગી થયો તેને તો એમ વિચારવું જે, ‘હું કયા આશ્રમમાં રહ્યો છું ?’ એમ બુદ્ધિમાન હોય તેને વિચાર કરવો, પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના કોઈ ચાળે ચડી જવું નહિ. અને જે સમજુ હોય તેને કોઈક વઢીને કહે ત્યારે સામો ગુણ લે અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે તે મુંઝાઈ જાય. અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મુંઝાતા નથી, તો એમની સાથે અમારે ઘણું બને છે. અને વળી જે શ્રદ્ધાએ સહિત સેવા-ચાકરી કરે તે અમને ગમે; અને શ્રદ્ધા વિના તો કોઈ જમ્યાનું લાવે તો તે જમ્યાનું ગમે નહિ અને વસ્ત્ર લાવે તો તે વસ્ત્ર ઓઢવું ગમે નહિ અને પૂજા લાવે તો પૂજા ગમે નહિ અને શ્રદ્ધાએ કરીને કરે તે અતિશય ગમે. અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે ને તેની ઉપર ઈર્ષ્યા કરે, તો તે અમને ન ગમે. માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે.”

112. ગઢડા મધ્ય ૫૫ ( para.2)

પછી તે મુનિ કીર્તન ભક્તિ કરી રહ્યા, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું; તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો. તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે, તેવી વાર્તા કહીએ છીએ તે સાંભળો જે, જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવમંદિર હોય ત્યાં દર્શને જવું, કથાવાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું; એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મૂકીને નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહિ અને વનમાં જ રહેવું ગમતું. અને બીક તો લેશમાત્ર લાગતી જ નહિ અને વનને વિષે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઈત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહિ; એવી રીતે મહાવનને વિષે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિષે ફરતા ફરતા શ્રીરામાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી શ્રીરામાનંદ સ્વામી જ્યારે અંતર્ધાન થયા તે કેડે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી. પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મુવા ટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સહુને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે; તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયિક પદાર્થમાત્ર છે, તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વિક્તિ નથી જણાતી જે, ‘આ સારુ પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે.’ જેટલાં માયિક પદાર્થમાત્ર છે, તે તો સર્વે એક સરખા જણાય છે. જેમ કાખના મુવાળા છે, તેમાં સારો કયો ને નરસો કયો ? તે તો સારો-નરસો સહુ એક પાડમાં છે; તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખા છે. અને કાંઈક સારુ-નરસું જે કહીએ છીએ, તે તો ભગવાનના ભક્તને સારુ લગાડવાને અર્થે કહીએ છીએ જે, આ સારુ ભોજન છે, આ સારુ વસ્ત્ર છે, આ સારુ ઘરેણું છે, આ સારુ ઘર છે, આ સારુ ઘોડું છે, આ સારાં પુષ્પ છે; તે ભક્તને સારુ લાગે તે સારુ કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે, તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરે અને વાણી તે ભગવાનના યશને જ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે; એમ ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ. જેમ કોઈક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય, અને તે રાજા સાઠ્ય-સિત્તેર વર્ષનો થાય ને પછી તેનો દીકરો મરી જાય, ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય; તેમ અમારે પણ ખાતાં-પીતાં, ઘોડે ચઢતાં, રાજી-કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે.

113. ગઢડા મધ્ય ૫૬ ( para.2)

અને સાધુ દૂકડ-સરોદા લઈને કીર્તન બોલતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાયું જે, ‘ભગવાનને વિષે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે.’ પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિષે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભરી આવ્યા અને એ સર્વેના અંતઃકરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિષે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યા. પછી અમે અમારા આત્માને પણ તપાસી જોયો, ત્યારે અમારે જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહિ; શા માટે જે, કાંઈક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે, તો પણ કાંઈક એમની બુદ્ધિને વિષે ફેર પડી જાય છે. ત્યારે એમ જણાય જે, ‘અંતે પાયો કાચો દેખાય છે.’ તે સારી પેઠે જો કોઈક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે, તેનું કાંઈ ઠેકાણું રહે નહિ. માટે એ સર્વેને જોતા અમને અમારી કોરનું ઠીક ભાસે છે જે, ‘ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહિ.’ અને ભગવાનને વિષે પ્રીતિ તો તેની જ સાચી જે, ‘જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ જ ન થાય.’ અને સર્વે સદ્‌ગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે, ભગવાન છે, એ જ પરમ સુખદાયક છે ને પરમ સાર વસ્તુ છે. અને તે પ્રભુ વિના જે જે બીજા પદાર્થ છે, તે અતિશય તુચ્છ છે ને અતિ અસાર છે. અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો ઘણો જ પાયો કાચો છે. જેમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારુ જણાતું હોય, પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સુકવીએ ત્યારે સૂધું નકારું થઈ જાય ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે; તેમ જેને પંચવિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહિ. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારુ પંચવિષયનો અતિશય ત્યાગ કર્યો જોઈએ, પણ ભગવાનને વિષે જે પ્રીતિ, તેમાં વિધ્ન કરે એવું કોઈ પદાર્થ વહાલું રાખવું નહિ.”

114. ગઢડા મધ્ય ૫૭ ( para.4)

અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિષે પ્રીતિ કરે છે, તે તો અતિશય તુચ્છ બુદ્ધિવાળો છે. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે; તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિષે સુખને માનીને તુચ્છ પદાર્થને વિષે પ્રીતિને કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય, ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય, તે તો કેવળ મિનડીયો ભક્ત છે; અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહિ. અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે, ‘શૂરવીર હોય તે લડવા સમે શત્રુ સન્મુખ ચાલે પણ બીવે નહિ, તે શૂરવીર સાચો. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો અને ગાંઠે ધન હોય ને તે ખરચ્યા-વાવર્યામાં કામ ન આવ્યું, તે વૃથા છે; તેમ મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું ?’ એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે કાંઈક થોડી-ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહિ.” એમ કહીને શ્રીજીમહારાજે તુલસીદાસજીનાં ત્રણ પદ ગવરાવ્યાં. તે ત્રણ પદનાં નામ : એક તો ‘જ્યાકિ લગન રામ સોં નાહિં’ તથા બીજું ‘એહી કહ્યો સુનુ વેદ ચહું’ તથા ત્રીજું ‘જ્યાકું પ્રિય ન રામ વૈદેહી’ એ ત્રણ પદ ગવરાવીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે. તે કરતા કરતા જો કાંઈક અધુરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તો પણ મરીને નરકચોરાશીમાં જવું નથી કે કોઈ ભૂત-પ્રેત થવું નથી; સૂધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો પણ ઈન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે, પણ એથી ઉતરતો નહિ આવે. માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું.” એમ કહીને શ્રીજીમહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા તે ભેળે જમવા પધાર્યા.

115. ગઢડા મધ્ય ૬૨ ( para.5)

અને પતિવ્રતાનું જે અંગ છે તે તો વ્રજની ગોપીઓના જેવું જોઈએ. જેમ ગોપીઓએ જે દિવસ થકી શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરણારવિંદનો સ્પર્શ કર્યો તે દિવસ થકી જેટલાં સંસાર સંબંધી જે સુખ તે સર્વે ઝેર જેવા થઈ ગયા; તેમ જેને પતિવ્રતાના અંગની ભક્તિ હોય તે ગમે તો ઈન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય તથા દેવતા જેવો હોય તથા કોઈક રાજા હોય ને તેને જ્યારે દેખે, ત્યારે જેમ સડેલ કૂતરાને દેખે અથવા વિષ્ટાને દેખે ત્યારે અતિશય ગ્લાનિ પામીને દૃષ્ટિ પાછી ખેંચી લે છે; તેમ દૃષ્ટિ પાછી ખેંચાઈ જાય, તે ઉત્તમ પતિવ્રતાની રીતિ છે. તે માટે જેની એક ભગવાનને વિષે જ પતિભાવે કરીને વૃત્તિ જોડાણી છે તેનું બીજા કોઈ પુરુષને દેખીને મન રાજી થાય જ નહિ.

116. ગઢડા મધ્ય ૬૨ ( para.6)

અને ત્રીજું જેને દાસભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે, તેનું જ દર્શન ગમે અને તેની જ વાર્તા સાંભળવી ગમે ને પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે અને તેની જ પાસે રહેવું ગમે. એવો પ્રીતિવાન હોય તો પણ પોતાના ઈષ્ટદેવની સેવા સારુ ને રાજીપા સારુ રાત-દિવસ એમ ઈચ્છયા કરે જે, ‘મને મારા ઈષ્ટદેવ કાંઈક આજ્ઞા કરે તો હું અતિશય હર્ષે કરીને કરું.’ પછી પોતાના ઈષ્ટદેવ છે, તે આજ્ઞા કરે તો છેટે જઈને રહે તો પણ રાજી થકો રહે, પણ કોઈ રીતે અંતઃકરણમાં ખેદ પામે નહિ અને આજ્ઞાને વિષે જ પરમ આનંદ માને. એ દાસત્વ ભક્તિની ઉત્તમ દશા છે. એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે. અને એ ત્રણે અંગવાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પક્ષ છે અને એથી જે બહાર રહ્યા, તે તો કેવળ પામર કહેવાય. માટે એ ત્રણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કેડ્યે દેહ મૂકે તે તો ઠીક છે અને એ ત્રણમાંથી એકેય અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેને જે મરવું તે ઠીક નથી અને તે તો પાંચ દહાડા વધુ જીવે ને પોતાની અણસમજણને ટાળીને ને એ ત્રણ અંગમાંથી કોઈક એક અંગને દ્રઢ કરીને મરે, એ જ ઠીક છે.

117. ગઢડા મધ્ય ૬૩ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! દ્દૃષ્ટા ને દૃશ્ય મધ્યમાં જે વિચાર રહે છે, તે દ્રષ્ટાને ને દૃશ્યને જુદા જુદા રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો-અંતઃકરણનું જાણપણું કયું જાણવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમને તો એમ જણાય છે જે, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે. અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે. અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે, તે જીવનું જ છે; તે ઇન્દ્રિયો- અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય, તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહિ. અને જેનો જીવ નિર્બળ હોય, તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા, તે આત્માપણે રહેવું; પણ ઇન્દ્રિયો-અંતઃકરણ ભેળું ભળવું નહિ. એવી રીતે સત્તારૂપ રહેતાં થકા એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે, ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય, ને તેની સેવાને વિષે અતિશય શ્રદ્ધા હોય, ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય, તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી.

118. ગઢડા મધ્ય ૬૪ ( para.4)

એવા જે શ્રીકૃષ્ણભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે જે, બીજા અવતારને વિષે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે અને શ્રીકૃષ્ણભગવાનને વિષે તો સર્વે કળાઓ છે. માટે એ શ્રીકૃષ્ણભગવાન તો રસિક પણ છે, ને ત્યાગી પણ છે, ને જ્ઞાની પણ છે, ને રાજાધિરાજ પણ છે, ને કાયર પણ છે, ને શૂરવીર પણ છે, ને અતિશય કૃપાળુ પણ છે, ને યોગકળાને વિષે પ્રવીણ છે, ને અતિશય બળિયા પણ છે, ને અતિશય છળિયા પણ છે, માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રીકૃષ્ણભગવાન જ છે. અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંતકોટિ બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની સો વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય, તેણે કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી. માટે પ્રલયકાળમાં શા સારુ કલ્યાણ કર્યું જોઈએ ? સર્વે બ્રહ્માંડ વસે જ છે તો ! એવી રીતે એ પ્રશ્નનું સમાધાન છે.” એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજીમહારાજે કરી. તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે, એ જ જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે.

119. ગઢડા મધ્ય ૬૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, ભગવાનની વાર્તા કરીએ.” ત્યારે તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે, તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિઃશંક વર્તે છે. અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઈને આ સંસારને વિષે જે અખતરડાહ્યા મનુષ્ય છે તે પરમેશ્વરને વિષે દોષ પરઠે છે અને એમ જાણે જે, ‘ આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતા પણ વધુ સંસારને વિષે આસક્તિ છે.’ એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી; એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિષે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી, તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણભગવાન, તેને માયા ને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં તે શું કહેવું ? એ તો રહેવાય જ. અને આત્મનિષ્ઠાવાળા જે સંત, તેને આત્મનિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બેય હોય તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય, પણ જો તેને ભગવાનને વિષે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારાં થઈ જાય છે, તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન છે તથા વૈરાગ્ય છે, તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી જ છે. એમ જાણીને શુકદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ્ ભાગવતને ભણતા હવા અને શ્રીકૃષ્ણભગવાનને વિષે દ્રઢ ભક્તિને કરતા હવા. માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિષે ભક્તિ ન હોય તો એ એને મોટું દૂષણ છે. અને જેને ભગવાનને વિષે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય, તો જેવી ભગવાનને વિષે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિષે પણ પ્રીતિ થઈ જાય. માટે એ ભક્તિમાર્ગવાળાને પણ મોટું દૂષણ છે. અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે; માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાણું છે, તે સારુ કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ભગવાનને વિષે ભક્તિ; એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય.”

120. ગઢડા મધ્ય ૬૬ ( para.2)

અને પોતાની આગળ સરોદા ને દૂકડ લઈને સંતમંડળ વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે.” એમ કહીને પ્રથમ આનંદ સ્વામીને પૂછતા હવા જે, “કોઈક એવો પુરુષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે, અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેને જ દેખે. અને બીજો જે પુરુષ છે તેને તો બુદ્ધિ ઘણી છે, તો પણ પોતાના અવગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિષે ગુણનો ત્યાગ કરીને કેવળ દોષ જ દેખે છે. એનું શું કારણ હશે જે, થોડી બુદ્ધિવાળો હોય તે પણ પોતાના દોષને દેખે છે અને ઝાઝી બુદ્ધિવાળો છે, તેને પોતાના દોષ સૂઝતા નથી ? એ પ્રશ્ન છે.” પછી આનંદ સ્વામીને જેવો સૂઝ્યો તેવો ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એમ છે જે, આ જન્મે અથવા કોઈ જન્માંતરને વિષે એણે કોઈક મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, તે પાપે કરીને એની બુદ્ધિ દોષે યુક્ત છે. માટે એને હરિભક્તના દોષ સૂઝે છે ને પોતાના દોષ સૂઝતા નથી; એ જ એનો ઉત્તર છે.”

121. ગઢડા મધ્ય ૬૬ ( para.3)

એમ કહીને પછી શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા હવા જે, “ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણાક સાધને કરીને ભગવાન પમાય છે ? ત્યારે તમે એમ કહેશો જે, ‘જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ એ ચાર સાધને કરીને પમાય છે.’ તે જ્યારે એ ચાર સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે એક ભગવાનના આશ્રયે કરીને જ કલ્યાણ થાય એવા અનન્યભાવનો નિર્ધાર રહ્યો નહિ.” પછી નિત્યાનંદ સ્વામીએ બહુ પ્રકારે ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કલ્યાણ તો એક ભગવાનના આશ્રયે કરીને જ છે. પણ ભગવાન છે, તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેવ પાળે છે તથા કાળ-માયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ, તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને એ ભગવાનની આજ્ઞા છે, તે દ્રઢ કરીને માનવી; એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. તે સારુ સાધન સર્વે અતિ દ્રઢ કરીને રાખવા. એટલે એક ભગવાન વતે જ કલ્યાણ છે. અને એ સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે; એ જ એ પ્રશ્નનો ઉત્તર છે.”

122. ગઢડા મધ્ય ૬૬ ( para.5)

પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “જ્યારે ભગવાનની ભક્તિએ કરીને એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, ત્યારે એ જીવને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ માયિક ત્રણ દેહનો સંબંધ રહેતો નથી. ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને કેવી રીતના આકારે યુક્ત થકો રહે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માયિક ત્રણ દેહનો સંગ છૂટી જાય છે. પછી એ જીવ કેવળ ચૈતન્ય સત્તામાત્ર રહે છે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિક જે આઠ પ્રકારની પ્રકૃતિ, તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ, તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિષે રહે છે; એ રીતે એ પ્રશ્નનો ઉત્તર છે.”

123. ગઢડા મધ્ય ૬૬ ( para.7)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે સિદ્ધ દશાને પામે ત્યારે એ યોગી છે તે બ્રહ્મરૂપ થાય છે. તે બ્રહ્મમાં તો કોઈ જાતનું માન હોય નહિ; માટે ઉત્તર સંભવે નહિ.” પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ! એ તો કાંઈ સમજાતું નથી; માટે તમે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો એમ સમજવું જે, જ્યારે પોતાની ખોટ્ય કાઢવી હોય ત્યારે તેને મોટાઓનાં વચનની સાખ્ય લઈને કાઢવી. જેમ કોઈક વ્યવહારિક કામ હોય ને તે કામને અતિશય સિદ્ધ કરવું હોય, ત્યારે સારાં સારાં માણસની સાઈદી કરવી; તેમ અહીં પણ એ સાઈદી છે જે, શુકદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા, તો પણ અતિ પ્રીતિએ કરીનેશ્રીમદ્‌ભાગવતભણ્યા અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે. અને શૌનકાદિક અઠ્યાશી હજાર ઋષિ તે બ્રહ્મસ્વરૂપ છે, તો પણ સૂતપુરાણીના મુખ થકી ભગવાનની કથાને સાંભળે છે. એવી જાતના વચનની સાખ્ય ભક્તિની દ્રઢતાને અર્થે લેવી. અને જે ખોટ્ય પોતાના જાણ્યામાં ન આવતી હોય તેની કોરની ભગવાનને આગળ પ્રાર્થના કરવી જે, ‘હે મહારાજ! મારામાં જે જે ખોટ્ય હોય તે કૃપા કરીને નાશ કરજ્યો.’ જેમ કોઈક પુરુષને માથે કલંક આવ્યું હોય ને તે કલંક ટાળ્યાનો કોઈ સાઈદી ન હોય, ત્યારે તે લોઢાનો ગોળો રાતોચોળ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે; તેમ જે દોષ ન ઓળખાતો હોય ત્યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્તુતિ કરવી, એ તે લોઢાનો ગોળો ઝાલ્યા જેવી છે. એમ કરીને પોતાની ખોટ્યને ટાળવી; એ તમારા પ્રશ્નનો ઉત્તર છે.”

124. ગઢડા મધ્ય ૬૭ ( para.2)

તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ જે, ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં શો અંતરાય રહે છે, જેણે કરીને સ્વામી-સેવકપણાનો નાતો રહે છે ? કેમ જે, એ ભગવાનનો ભક્ત છે, તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે ને કાળ, કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે, તેવો જ થાય છે. માટે એમાં શો ભેદ રહે છે, જેણે કરીને સ્વામી-સેવકપણું રહે છે ? એ પ્રશ્ન છે.” પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે સંતે કહ્યું જે, “હે મહારાજ ! તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એમ છે જે, ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય જે, ભગવાન આટલી સામર્થીએ યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખસ્વરૂપ છે; એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થી તે એ ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થી અને ભગવાનનું સુંદરપણું ઈત્યાદિક જે પ્રતાપ, તે એ ભક્તને ભગવાનને વિષે અતિશય જણાય છે; ત્યારે એ ભક્ત એમ જાણે છે જે, ‘મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય ને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે, તો પણ ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય-અપાર દેખાય છે.’ માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે જે, ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ ને સામર્થી તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ; એ પામતા નથી અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થીએ કરીને અપાર છે. અને એ ભગવાનને ભજીને અનંતકોટિ વૈષ્ણવ ભગવાન સરખા થયા છે, તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય, તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે જે, તે સમુદ્ર તો અગાધ છે, તેમ જ ભગવાનનો મહિમા પણ અતિશય-અપાર છે; માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારુ જે જે ભગવાનના ભક્ત બ્રહ્મસ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દૃઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, તો પણ સ્વામી-સેવકપણું રહે છે; એ જ એ પ્રશ્નનો ઉત્તર છે.”

125. વરતાલ ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ; એ ચાર વાનાં જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય; અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. અને એ ચાર સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્યપણે કરીને હોય તો પણ ત્રણ જે બાકી રહ્યાં તે, તે એકના પેટામાં આવી જાય, એવું એક કયું એ ચારેમાં શ્રેષ્ઠ છે ?” ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “હે મહારાજ ! એવો તે એક ધર્મ છે, તે ધર્મ હોય તો ત્રણે વાનાં તે પુરુષમાં આવે.”

126. વરતાલ ૩ ( para.3)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય, માટે તેને શું સત્સંગમાં મોટો કરશું ?” પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ ને વૈરાગ્ય એ સામાન્યપણે હોય તો પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહિ. કેમ જે, જે ભગવાનનું માહાત્મ્ય જાણતો હોય તે તો એમ વિચારે જે, ‘ભગવાનની આજ્ઞાને વિષે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે, તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય ?’ એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે.”

127. વરતાલ ૩ ( para.4)

ત્યારે શુકમુનિએ પૂછ્યું જે, “જ્યારે એક માહાત્મ્યે સહિત ભક્તિએ કરીને સંપૂર્ણ થાય, ત્યારે એક ભક્તિ જ કેમ ન કહી ને ચાર વાનાં શા સારુ કહ્યા?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અતિશય માહાત્મ્ય સહિત ભક્તિ ભગવાનને વિષે હોય તો એક ભક્તિને વિષે ત્રણે આવી જાય અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ન આવે. માટે, ‘ચાર વાનાંએ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય,’ એમ કહ્યું છે. અને એવી અસાધારણ ભક્તિ તો પૃથુરાજાને હતી, તે ભગવાને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારુ દસ હજાર કાન માગ્યા પણ બીજું કાંઈ ન માંગ્યું. અને જે ગોપીઓને રાસક્રીડામાં ન જવા દીધી તે દેહ મૂકીને શ્રીકૃષ્ણ પાસે ગઈ. એવી અસાધારણ ભક્તિ હોય તો જ્ઞાનાદિક ત્રણે એક ભક્તિમાં આવી જાય.”

128. વરતાલ ૩ ( para.5)

ત્યારે બ્રહ્માનંદસ્વામીએ પૂછ્યું જે, “એવી અસાધારણ ભક્તિ શે ઉપાયે કરીને આવે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટાપુરુષની સેવા થકી આવે છે. તે મોટાપુરુષ પણ ચાર પ્રકારના છે. એક તો દીવા જેવા ને બીજા મશાલ જેવા ને ત્રીજા વીજળી જેવા ને ચોથા વડવાનળ અગ્નિ જેવા; તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય. ને મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય. ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય. અને વડવાનળ અગ્નિ જેવા હોય, તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાવ્યો ઓલાતો નથી અને સમુદ્રના જળને પીને મૂળદ્વારે કાઢી નાખે છે તે પાણી મીઠું થાય છે, તેને મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે, તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે. તેમ એવા જે મોટાપુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવી રીતે એ ચાર પ્રકારના જે મોટાપુરુષ કહ્યા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટાપુરુષ છે, તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન, કર્મ, વચને કરે તો તે જીવના હૃદયમાં માહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અગ્નિ જેવા તો સાધનદશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે અને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધદશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું.”

129. વરતાલ ૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ ભક્તિમાર્ગને વિષે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન તે કયું છે જે, એક સાધનને કર્યા થકી જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિષે આવી જાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ત્રીશ લક્ષણે યુક્ત એવા જે સંત, તેનો જે સંગ, તે મન-કર્મ-વચને કરીને રાખે, તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે.”

130. વરતાલ ૬ ( para.2)

પછી ચીમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવ જ્યારે પ્રથમ પ્રલયકાળે કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે લીન હતા, પછી સૃષ્ટિસમયને વિષે એ જીવોને સ્થૂળ, સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિકરૂપ જે વિચિત્રપણું થયું, તે કર્મે કરીને થયું ? અથવા ભગવાનની ઈચ્છાએ કરીને થયું ? અને જો કર્મે કરીને થયું, એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું, એમ કહીએ તો ભગવાનને વિષે વિષમપણું ને નિર્દયપણું આવે; માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ન તમને પૂછતા આવડયો નહિ. કેમજે, જે કારણ શરીર છે તેને વિષે સ્થૂળ, સૂક્ષ્મ એ જે બે દેહ, તે બીજવૃક્ષન્યાયે કરીને રહ્યા છે, માટે એને કારણ શરીર કહે છે. અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે ને અનાદિ છે ને સંચિત કર્મે યુક્ત છે. અને જેમ બીજને ફોતરાને નિત્ય સંબંધ છે અને ભૂમિને ને ગંધને જેમ નિત્ય સંબંધ છે, તેમ જીવને ને કારણ શરીરને નિત્ય સંબંધ છે અને જેમ પૃથ્વીને વિષે બીજ રહ્યાં છે. તે વર્ષાકાળે જળના યોગને પામીને ઊગી નીસરે છે, તેમ માયાને વિષે કારણ શરીરે યુક્ત થકા રહ્યા એવા જે જીવ, તે ઉત્પત્તિકાળને વિષે ફળપ્રદાતા એવા જે પરમેશ્વર, તેની દૃષ્ટિને પામીને પોતપોતાનાં કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. અને નાસ્તિક એવા જે જૈન છે તે તો કેવળ કર્મને જ કર્તા કહે છે, પણ પરમેશ્વરને કર્મફળપ્રદાતા નથી કહેતા. તે નાસ્તિકનો મત ખોટો છે. માટે એકલું કાળનું જ બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું કર્મનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, એ તો જે સમે જેનું પ્રધાનપણું હોય તે સમે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય, પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહિ. કેમ જે, જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સત્યયુગ, તેને વિષે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા અને સર્વે બ્રાહ્મણ હતા અને મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પમાત્રે કરીને જ પુત્રની ઉત્પત્તિ થતી અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા અને જેટલાં મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું જ ભજન કરતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહિ, જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને જ્યારે દ્વાપરયુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગસંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને એવી રીતે જે સત્યયુગ, ત્રેતાયુગની રીત તે સર્વે સત્યયુગ, ત્રેતાયુગમાં ન હોય, એ તો પ્રથમ સત્યયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતી. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનપણે પ્રવર્તે, ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે. અને જ્યારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એકકાળે મરાઈ જાય છે; ત્યારે શું બધાયનું એક ભેળે શુભ કર્મ ખૂટી ગયું ? એ તો અશુભ કાળની જ અતિશય સામર્થી છે, તેણે જીવના શુભ કર્મના બળને હઠાવી દીધું. માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહિ, કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય ને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને જ સર્વ થાય છે, એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણાક મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે, ત્યારે કળિયુગને વિષે પણ સત્યયુગ થાય છે. એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય, પણ કાળનું જોર કહ્યું ન હોય. તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કેવળ કર્મને જ સર્વકર્તા કહે છે, પણ એમ નથી જાણતા જે, એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કહ્યું નથી. અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રકટ થાય છે જે, ‘આ દેહે કરીને તો પાત્ર-કુપાત્ર જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય, તે સર્વનું કલ્યાણ કરવું છે.’ ત્યારે કાળનું ને કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહિ, ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સામર્થ્ય રહે છે. તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના, તેણે ભગવાનને ઝેર પાયું. તેને શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા તે ભગવાનને મારવા આવ્યા હતા, તેને પણ શ્રીકૃષ્ણ ભગવાન પરમપદ આપતા હવા. ને બીજા પણ જે જે ભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું.”

131. વરતાલ ૧૦ ( para.2)

તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઇ આવ્યા. તેણે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવનું કલ્યાણ કેમ થાય ?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “આ પૃથ્વીને વિષે રાજારરૂપ ને સાધુરૂપ; એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજારૂપે જ્યારે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો તે ઓગણચાળીશ લક્ષણે યુક્ત હોય અને જ્યારે સાધુરૂપે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો ત્રીશ પ્રકારને લક્ષણે યુક્ત હોય. અને જે રાજારૂપે ભગવાન હોય તે તો ચોસઠ પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ, દામ, ભેદ, દંડ; એ ચાર પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય તથા શૃંગાર આદિક જે નવ રસ તેણે યુક્ત હોય. અને તે ભગવાન જ્યારે સાધુરૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહિ. અને જે રાજારૂપે ભગવાન હોય તેને જો આપત્કાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે અને ચોર હોય તેને ગરદન પણ મારે અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુરૂપે ભગવાન હોય તે તો અતિશય અહિંસા પર વર્તે, તે લીલા તૃણને પણ તોડે નહિ અને કાષ્ઠની તથા ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહિ. માટે સાધુરૂપ જે ભગવાનની મૂર્તિ અને રાજારૂપ જે ભગવાનની મૂર્તિ એ બેની રીતિ એક હોય નહિ. અને શ્રીમદ્‌ભાગવતના પ્રથમ સ્કંધને વિષે પૃથ્વી ને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રીકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેના ઓગણચાળીશ લક્ષણ કહ્યા છે. અને એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાન ને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય, કપિલ આદિક ભગવાનના અવતાર તેના ત્રીશ લક્ષણ કહ્યા છે. માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તે તે લક્ષણે કરી તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો, ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી, એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિષે દ્રઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી. તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે.”

132. વરતાલ ૧૧ ( para.3)

એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જીવ તો અવિનાશી કહ્યો છે, તેનો નાશ તે કેમ જાણવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પર્વતનું કે બીજું એવું જ જે કોઈક જડ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહિ, એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો. અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહિ. કેમ જે, માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષ્યા, ને દ્રોહ એનો આધાર છે અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાનના ભક્તને જો બિવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. અને અમારો તો એ સ્વભાવ છે જે, બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે, તે તો અમને દીઠો જ ગમે નહિ અને આ લોકમાં ને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજે બે પદ ગવરાવ્યાં જે, “મારા હરજી શું હેત ન દીસે રે તેને ઘેર શીદ જઈએ.” એક તો એ અને બીજું જે, “મારા વહાલાજી શું વહાલપ દીસે રે તેનો સંગ કેમ તજીએ.” અને પછી એ બે પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરીને એમ કહ્યું જે, “એ બે પદમાં વાર્તા છે તેને નિત્ય ગાઈને સંભારી રાખવી.”

133. વરતાલ ૧૬ ( para.2)

તે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા. તેણે એમ કહ્યું જે, “હે મહારાજ ! તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટા માણસ સાથે અમારે ઝાઝું બને નહિ. શા માટે જે, એને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય, માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કાંઈક ગામ ગરાસ આપે, તેની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ જે, ગામ ગરાસ તો સુખને અર્થે ઈચ્છીએ, તે અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ, તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિષે સુખ હોય તો સ્વાયંભુવ મનુ આદિક જે મોટા મોટા રાજા, તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારુ જાય ? અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિષે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારુ મૂકે ? અને ભગવાનના ભજનના સુખ આગળ તો ચૌદલોકનું જે સુખ, તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખિયો થયો હોય તેને તો બ્રહ્માંડને વિષે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે; બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો, તે અમે તમારી આગળ કહ્યો.”

134. વરતાલ ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચકર્મ ઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારે એકસરખો વ્યવહાર છે; પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. માટે જ્ઞાનીને જિતેન્દ્રિય ક્હ્યા છે, તે કેવી રીતે જાણવા ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જિતેન્દ્રિય થાય એમ જણાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચવિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે, માટે જિતેન્દ્રિયપણું કેમ છે ?” પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “એનો ઉત્તર તો એમ છે જે, શબ્દાદિક જે પંચવિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે. અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે અને માયિક જે પંચવિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે. અને એમ જાણે ત્યારે એને પંચવિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિષે વૈરબુદ્ધિ થાય છે. પછી જે સાથે જેને વૈર થયું તેને, તેને વિષે કોઈ રીતે પ્રીતિ થાય જ નહિ. એમ સમજીને જ્યારે પંચવિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય, તે જિતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ-કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચવિષયમાં આસક્ત થાય નહિ, એવો હોય તે જિતેન્દ્રિય કહેવાય.”

135. વરતાલ ૧૭ ( para.3)

પછી શ્રીજીમહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો જે, “એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિમાર્ગવાળા છે અને તે એમ જાણે છે જે, ‘અમે આત્મા છીએ,’ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્મત્તના જેવી હોય, અને તે પુરુષને જાતિ, વર્ણ, આશ્રમ; તેનું અભિમાન હોય નહિ, ને ખાવું, પીવું, ઊઠવું, બેસવું; તે સર્વે ઘેલાના જેવું હોય, પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય. ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહિ. જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહિ. અને બીજા ત્યાગી સંત છે. તે તો નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિમાર્ગમાં વર્તે છે અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક દોષ હૃદયને વિષે પ્રવર્તે તેવી ક્રિયાને વિષે પ્રવર્તે છે, ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે એ ત્યાગીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે? અને વળી એ પ્રવૃત્તિમાર્ગમાં રહેતાં થકા કેવી રીતે નિર્વિકાર રહેવાય ? અને તમે કહેશો જે, ‘જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય.’ તે ઉપર એ આશંકા છે જે, ‘પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ્ય પીવે તો શું ગાંડો ન થાય ? જરૂર ગાંડો થાય.’ માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય ? એ પ્રશ્ન છે.” પછી નિત્યાનંદ સ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે કેવળ નિવૃત્તિધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા. અને વળી જે નિવૃત્તિધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે, તેને તો પરમેશ્વરે ક્હ્યા એવા જે નિયમ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિમાર્ગ તેને વિષે સાવધાન થઈને જોડાવું. અને એ જે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિમાર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે જે, આ તો ત્યાગી છે ને નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિમાર્ગને વિષે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહિ ને ન્યૂન પણ રહેવું નહિ, અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ; એ આદિક જે વિકાર, તેનો ત્યાગ કરીને ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાર્ગને વિષે વર્તવું, તો એને કોઈ જાતનું બંધન થાય નહિ. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતા તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે.”

136. વરતાલ ૧૮ ( para.6)

અને એ શ્રીકૃષ્ણ ભગવાને પોતાના જન્મ સમયમાં વસુદેવ દેવકીને પરમેશ્વરપણાની પ્રતીતિને અર્થે જે ચતુર્ભુજરૂપ દેખાડ્યું તથા બ્રહ્માને જે અનેક ચતુર્ભુજરૂપ દેખાડ્યા તથા અક્રૂરને જે શેષશાયીરૂપ દેખાડ્યું તથા અર્જુનને વિશ્વરૂપ દેખાડયું, ઈત્યાદિક રૂપને ભેદે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસનાના ભેદ કહેવા તે તો યોગ્ય છે. પણ એ શ્રીકૃષ્ણ ભગવાન વ્રજને વિષે બાલમુકુંદ કહેવાયા, મુરલીમનોહર કહેવાયા, રાધાકૃષ્ણ કહેવાયા તથા વાછડાં ચાર્યાં, ગાયો ચારી, ગોવર્ધન પર્વત ધાર્યો, ગોપીઓ સાથે રાસક્રીડા કરી તથા મથુરાપુરીમાં આવીને કંસને માર્યો, યાદવને સુખિયા કર્યા તથા સાંદીપનિ બ્રાહ્મણને ઘેર વિદ્યા ભણ્યા તથા કુબ્જા સંગાથે વિહાર કર્યો તથા દ્વારકાપુરીમાં વસ્યા ને રૃક્મિણી આદિક અષ્ટ પટરાણીઓને પરણ્યા તથા સોળ હજાર સ્ત્રીઓને પરણ્યા તથા હસ્તિનાપુરમાં રહ્યા ને પાંડવોની સર્વ કષ્ટ થકી રક્ષા કરી ને દ્રૌપદીની લાજ રાખી ને અર્જુનના સારથિ થયા; ઈત્યાદિક સ્થાનકને ભેદે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની અનેક લીલા છે; તેણે કરીને એ શ્રીકૃષ્ણ ભગવાનના દ્વિભુજ સ્વરૂપને વિષે ઉપાસના ભેદ ન કરવા, અને જે કરશે તે વચનદ્રોહી, ગુરુદ્રોહી છે. અને એ શ્રીકૃષ્ણ ભગવાનનાં આચરણ જે, ગોવાળિયાનું ઉચ્છિષ્ટ ખાધું તથા રાસરમણ કર્યું; ઇત્યાદિક અનેક પ્રકારના છે, તે આચરણ પ્રમાણે તે શ્રીકૃષ્ણ ભગવાનના ભક્તને આચરણ ન કરવું. અને એ શ્રીકૃષ્ણ ભગવાને એકાદશ સ્કંધમાં તથા ભગવદ્‌ગીતામાં તથા વાસુદેવ માહાત્મ્યમાં જેમ સાધુના લક્ષણ કહ્યા છે તથા વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તથા પોતાની ભક્તિ કર્યાનું કહ્યું છે તે પ્રમાણે વર્તવું, પણ એ શ્રીકૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું અને જે કરશે તે વિમુખ છે, અમારો સત્સંગી નથી. અને આપણા ઈષ્ટદેવ એવા જે એ શ્રીકૃષ્ણ ભગવાન તેના આચરણ પ્રમાણે જેમ ન કરવું, તેમ જ તમારો સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા એવો જે હું, તે મારા દેહના જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું અને અમારા સંપ્રદાયને વિષે જેમ જેના ધર્મ કહ્યા છે, તે જે અમારા વચન તે પ્રમાણે તમારે સર્વેને રહેવું, પણ અમારા આચરણ પ્રમાણે ન રહેવું. આ જે અમે વાર્તા કરી તેને સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી શીખી લેજ્યો ને એ પ્રમાણે સમજીને એમ જ વર્તજો ને બીજા આગળ પણ એમ જ વાર્તા કરજો.” એમ કહીને શ્રીજીમહારાજ ભોજન કરવા પધાર્યા. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ ને સત્સંગી તે એમ સમજતા હવા જે, ‘એ પરોક્ષ જે શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી અને એ જ આપણા ઈષ્ટદેવ છે ને ગુરુ પણ એ જ છે.’

137. ગઢડા અંત્ય ૧ ( para.2)

પછી શ્રીજીમહારાજે પરમહંસને પૂછ્યું જે, “પરમેશ્વરના ભક્તને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તોય પણ ભગવાનની ભક્તિમાં વિઘ્ન થાય નહિ, એવી શી સમજણ છે ?” પછી પરમહંસને જેવું સમજાયું તેવું કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનને ભજે તેને એક તો દ્રઢ વૈરાગ્ય જોઈએ અને બીજી આત્મનિષ્ઠા જોઈએ; તેમાં જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાનના જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે એ ભક્તની વૃત્તિઓ ચૂંથાઈ જાય, પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે, અને જેને દુઃખદાયી જાણે તે સાથે દ્વેષ કરે, એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. માટે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય; એ બેય અતિશય દ્રઢ જોઈએ. શા સારુ જે, વૈરાગ્યે કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકારમાત્ર ખોટા થઈ જાય છે અને આત્મનિષ્ઠાએ કરીને માયિક જે સુખ ને દુઃખ; તે ખોટા થઈ જાય છે. અને જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય, તેને તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય, તો પણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખશાંતિ રહે અને જ્યારે સમાધિમાંથી બહાર નીસરે, ત્યારે નારાયણદાસની પેઠે સારા પદાર્થને જોઈને ચાળા ચૂંથવા માંડે.”

138. ગઢડા અંત્ય ૧ ( para.6)

અને પોતાની આગળ સાધુ દૂકડ સરોદા બજાવીને કીર્તન ગાતા હતા. તે કીર્તન ભક્તિ જ્યારે કરી રહ્યા ત્યારે શ્રીજીમહારાજે એમ આજ્ઞા કરી જે, “અમારી લખેલી જે શિક્ષાપત્રી, તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ બાઈ-ભાઈ સર્વે તેમણે નિત્યે કરવો અને જેને ભણતા ન આવડતું હોય તેને નિત્યે શ્રવણ કરવું અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્યે શિક્ષાપત્રીની પૂજા કરવી, એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. માટે એ ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો, એમ અમારી આજ્ઞા છે.” એવી રીતની જે શ્રીજીમહારાજની આજ્ઞા તેને પાળવાનો નિયમ એ સર્વેએ ધાર્યો જે, “હે મહારાજ ! જેમ તમે કહો છો તેમ અમે સર્વે પાળશું.” તેને સાંભળીને શ્રીજીમહારાજ અતિશય પ્રસન્ન થઈને સર્વે સાધુને ને સર્વે બ્રહ્મચારીને મળતા હવા અને સર્વે સત્સંગીના હૃદયને વિષે પોતાનાં ચરણારવિંદ આપતા હવા.

139. ગઢડા અંત્ય ૫ ( para.2)

તે સમયમાં શ્રીજીમહારાજે કહ્યું જે, “કોઈક પ્રશ્ન પૂછો.” પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ન થાય; એવી તે કઈ ભક્તિ છે ? અને જે ભક્તિમાં કાંઈક વિઘ્ન થાય છે તે કઈ જાતની ભક્તિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તૃતીયસ્કંધમાં કપિલગીતાને વિષે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્યે કહ્યું છે જે-

140. ગઢડા અંત્ય ૫ ( para.7)

એ બે શ્લોકે કરીને જેવું ભગવાનનું માહાત્મ્ય કહ્યું છે તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્યે પોતાનું માહાત્મ્ય કહ્યું છે જે, “मद्भयाद्वाति वातोऽयं सूर्यस्तपति मद्भयात् । वर्षतीन्द्रो दहत्यग्निर्मृत्युश्चरति मद्भयात्।।” એવી રીતે માહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્ન આવે નહિ અને માહાત્મ્ય જાણ્યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિઘ્ન આવે છે.

141. ગઢડા અંત્ય ૫ ( para.8)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “માહાત્મ્ય યુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શુક, સનકાદિક જેવા જે મોટાપુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી માહાત્મ્યે સહવર્તમાન એવી જે ભક્તિ, તે જીવના હૃદયમાં ઉદય થાય છે.”

142. ગઢડા અંત્ય ૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપાદૃષ્ટિ કરીને બોલતા હવા જે, “ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધા ભક્તિ, તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારુ ન કરે, તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. અને ભગવાનની ભક્તિ કરતા થકા કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહિ. અને જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે, જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ્ય પડી, પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂર્ખો છે. કેમ જે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કૂવામાં પડ્ય.’ ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું ? માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમ જ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે. ને જીવ ને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે, ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારુ પોતે ઊભરાઈને અગ્નિને ઓલવી નાખે છે. એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે, તેમ જ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહિ. જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે. તે કેમ સમજાવે ? તો જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે, ‘ભગવાનની ભક્ત કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું.’ પછી તેના સર્વ અંગનું ચિંતવન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિષે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિષે પણ ખોટો ઘાટ ઘડે; ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય તો તો મનનું કહ્યું ન માને ને અતિશય દાઝ થાય, તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે નહિ. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહ્યું માને. ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવી કરાવીને કલ્યાણના માર્ગથી પાડી નાંખે. તે સારૂ કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે, તો તેને સંઘાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશય વૈર થઈ જાય છે. પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહિ. અને મન છે તે તો જીવનું મિત્ર જ છે, તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહિ. અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહિ. અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો પણ એકલા મનનો વાંક સમજવો નહિ. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશમાત્ર અડી શકે નહિ અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે.”

143. ગઢડા અંત્ય ૮ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો ભક્ત હોય તેને એવો ક્યો ઉપાય છે જે, જેણે કરીને સદા સુખી રહેવાય ?” પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય, અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય, અને જેણે એ બે સાધને કરીને સર્વ ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશય પ્રીતિ હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશય મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહિ, અને જે ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહિ, એવા જે હરિભક્તના લક્ષણ હોય તે આલોકને વિષે તથા પરલોકને વિષે સદાય સુખિયો રહે છે. અને વૈરાગ્ય ને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાનાં ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુઃખિયો રહે છે. શા માટે જે, જેણે પોતાની ઇન્દ્રિયો ન જીતી હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહિ અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. માટે સર્વ પોતાનાં ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખિયો રહે છે. અને જેણે સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તેને જ વૈરાગ્યવાન ને ધર્મવાળો જાણવો, પણ જેના ઇન્દ્રિયો વશ ન થયા હોય તેને વૈરાગ્યવાન ને ધર્મવાળો ન જાણવો. અને જે વૈરાગ્યવાન ને ધર્મવાળો હોય તેને તો સર્વ ઇન્દ્રિયો નિયમમાં હોય અને તે સદાય સુખિયો હોય.”

144. ગઢડા અંત્ય ૮ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે, જે પોતામાં દોષ હોય તેને દેખે નહિ અને ભગવાન ને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય અને તે ભગવાનના ભક્ત થકી જેને બેપરવાઈ થઈ જવાય, એ જ એને અતિશય મોટું વિઘ્ન છે.”

145. ગઢડા અંત્ય ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ હરિભક્તને કહ્યું જે, “જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વને કહીએ, તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે, પોતાના હૃદયને વિષે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. જેમ રાજાના ચાકર છે, તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થકા કોઈ ચોરચકારને રાજા પાસે જવા દેતા નથી. અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે, ‘કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાંખીએ, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહિ.’ એવી રીતે હિંમત સહિત ઢાલ, તરવાર બાંધીને ઊભા રહે છે. તેમ આ સર્વે સંત છે તે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા રહે છે અને એ જાણપણાને માંહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે અને તે ભગવાન ભેળુ પોતાના હૃદયને વિષે ધન, સ્ત્રી આદિક જે માયિક પદાર્થ તેને પેસવા દેતા નથી. અને કોઈ જોરે કરીને માયિક પદાર્થ હૃદયમાં પેસવા આવે તો તેનો નાશ કરી નાખે છે, પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઊભા રહે છે. અને હાનિ, વૃદ્ધિ, સુખ, દુઃખ, માન, અપમાન આદિક અનંત જાતના વિઘ્ન આવે, તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી. ત્યારે કોઈ આશંકા કરે જે, ‘ત્યાંથી ડગતા નથી ત્યારે દેહની ક્રિયા જે ખાનપાનાદિક તેને કેમ કરતા હશે ? તો તે દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે, જેમ પાણિયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે, ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સૂરત રાખે જે, ‘રખે કૂવામાં પડી જાઉં !’ અને બીજી વૃત્તિએ કરીને કૂવામાંથી પાણી સિંચે છે. વળી બીજું દૃષ્ટાંત-જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય, ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય ત્યાં પણ સૂરત રાખે અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સૂરત રાખે અને દોડતાં થકા વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથરો આવે ત્યાં પણ સૂરત રાખે. એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી.” એવી રીતે શ્રીજીમહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા જે, “તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વહાલા થવા દેવા નહિ. એ વાતની અતિશય સાવધાની રાખવી. અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે ચોરચકાર જઈ પૂગે, ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય. તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિષે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન, સ્ત્રી આદિક બીજા પદાર્થ પણ પેસી જાય, ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાને ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો, તેને વિષે સાવધાન થઈને રહેવુ અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહિ.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાનાં વચન કહ્યા.

146. ગઢડા અંત્ય ૧૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ન પૂછીએ જે, ઇન્દ્રિયો ને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે ને મનને જીત્યાનું જુદું સાધન છે ? એ પ્રશ્ન છે.” પછી મોટા મોટા પરમહંસ હતા તેમણે જેવું જેને ભાસ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનની માહાત્મ્યે સહિત જે નવધા ભક્તિ, તેણે કરીને મન જીતાય છે.”

147. ગઢડા અંત્ય ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો, હવે ભગવદ્ વાર્તા કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જીવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધીન છે, તેનો એક નિર્ધાર રહેતો નથી. તે ક્યારેક સાજો રહે ને ક્યારેક કર્માધીનપણે કરીને માંદો થઈ જાય, ને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીન પણ થઈ જાય, અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય. અને ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગે કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય, ત્યારે જે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કાંઈ મેળ રહે નહિ અથવા ઈંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે ક્યાંઈક પરવશ રાખ્યા અથવા પોતાના મન ને ઇન્દ્રિયો તે ઈંગ્રેજ જેવા જ છે તેણે જ પરવશ રાખ્યા. ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહિ. અને શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે જે, ‘ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે’ અને કાળ-કર્મને યોગે કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી; માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે ? એ પ્રશ્ન છે.” પછી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ ઈત્યાદિક મોટા મોટા સાધુ હતા તેમણે જેવું જેને જણાયું તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું.

148. ગઢડા અંત્ય ૧૩ ( para.4)

અને તે ભગવાન છે તે જ આ દેહના પ્રવર્તાવનારા છે. તે ગમે તો દેહને હાથીએ બેસારો ને ગમે તો બંદીખાનામાં નંખાવો અને ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે, ‘હે મહારાજ ! આ મારું દુઃખ છે તેને ટાળો.’ શા માટે જે, આપણે પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવવો છે; તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણને ગમે છે, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશમાત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે. તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ-દુઃખ આવે, તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહિ ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. અને આવી રીતની જે ભગવાનને વિષે દ્રઢ પ્રીતિ, તેણે યુક્ત એવો જે એ ભક્ત તેના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેની રક્ષાને તો એ ભગવાન પોતે જ કરે છે. અને ક્યારેક દેશકાળના વિષમપણે કરીને બાહેરથી તો તે ધર્માદિકના ભંગ જેવું જણાતું હોય, પણ તે ભક્તના અંતરમાં તો ધર્માદિકનો ભંગ થતો જ નથી.” એવી રીતે શ્રીજીમહારાજ પોતાને ઉપદેશે કરીને જે ભગવાનના અતિ દ્રઢ ભક્ત હોય તેને જેમ સમજવું ઘટે અને જેમ ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડતા હવા.

149. ગઢડા અંત્ય ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન ભક્તિની સમાપ્તિ કરો ને પ્રશ્ન-ઉત્તર કરીએ,” પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું જે, “હે મહારાજ! પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દૃઢ પ્રીતિ થતી નથી ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય જે, મારે તો બ્રહ્મચર્યવ્રત છે તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી તે એ બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો ચોરાશી લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે; તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે, એ જીવ બકરો થયો હશે ત્યારે હજાર બકરીઓને પોતે એકલો ભોગવતો હશે અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બૂઢિયો વાનરો ઈત્યાદિક પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિષે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકેએક એને મળી હશે. અને તેમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી; એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહિ કરે તો જે જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે. ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન-પૂજન નહિ કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહિ કર્યો જોઈએ; એ તો સહેજે જ તે સ્ત્રીઆદિકનાં સુખને પામશે. અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે તો પણ એ જીવને સ્ત્રીઆદિક જે પદાર્થ છે તેને ભોગવ્યાની તૃષ્ણા ટળતી નથી. ને સ્ત્રીઆદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે ને તેનું અતિ માહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે, તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી; એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું, તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો જે, ‘હે મહારાજ ! હે શિવજી ! મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશો મા. શા માટે જે, મનુષ્ય દેહમાં તો તાંબું ખાઈ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી. માટે હે શિવજી ! મને તો જન્મોજન્મ લંબકર્ણનો જ અવતાર દેજ્યો, જે લાજમર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ !’ એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી.”

150. ગઢડા અંત્ય ૧૪ ( para.6)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! તમે કહ્યું જે, ‘આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય, તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય.’ તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડે તો દૈવી થાય અને ભગવાનની ભક્તિ કરીને પરમ પદને પામે.”

151. ગઢડા અંત્ય ૧૪ ( para.7)

પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નવધા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નવધા ભક્તિમાંથી જેને જે ભક્તિએ કરીને ભગવાનમાં દૃઢ સ્નેહ થાય તે જ ભક્તિ તેને શ્રેષ્ઠ છે.”

152. ગઢડા અંત્ય ૧૪ ( para.14)

પછી શ્રીજીમહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો જે, “ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારે અતિ તીવ્રપણે કરીને વર્તતા હોય તો પણ ધર્મમાં કાંઈક સંકરપણું થાય ને વૈરાગ્યમાં કોઈક ઠેકાણે રાગ રહી જાય અને ભક્તિમાં પણ કાંઈક શિથિલપણું થઈ જાય અને જ્ઞાનમાં પણ કાંઈક દેહઆસક્તિ રહી જાય તેનું શું કારણ હશે ?” પછી ગોપાળાનંદ સ્વામીએ ને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે, એવા જે ઈશ્વરમૂર્તિ સમર્થ તેમાં જે કાંઈક કસર જેવું જણાય છે તે તો કેવળ દયાએ કરીને રહે છે; પણ બીજી કોઈ જાતની કસર નથી. અને એવા જે મોટા હોય તે બાહ્ય દૃષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જીવોને જડભરત જેવા ને શુકજી જેવા કરી મૂકે. માટે એવા અતિશય જે મોટા તેમને જે વ્યાવહારિક દૃષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “એનો ઉત્તર એ જ છે.”

153. ગઢડા અંત્ય ૧૫ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજીમહારાજે કહ્યું જે, “આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી.” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! કેવી રીતે વાત કરી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાત તો એમ કરી જે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમે એનો જીવ પ્રથમ જે જે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચવિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ, ક્રોધ, લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્યો હોય, તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાયે આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂવે, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહિ ત્યાં સુધી ઘાની વેદના ટળે નહિ ને નિદ્રા પણ આવે નહિ; ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે. તેમ ભૂંડા દેશ, કાળ, સંગ અને ક્રિયા તેને યોગે કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે, તે જ્યારે નવધા ભક્તિ માંહિલી જે ભક્તિ કરતા થકા એ પંચવિષયની ઘાની પીડા ન રહે ને પંચવિષયનું સ્મરણ ન થાય એ જ એને પાટો ગોઠ્યો જાણવો અને એ જ એને ભજન- સ્મરણનું અંગ દ્રઢ જાણવું. પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામ સ્મરણ કરવું, જે કરવું તે એ પોતાના અંગમાં રહીને કરવું, તો એને અતિશય સમાસ થાય. અને જો પોતાના અંગને ઓળખે નહિ તો જેમ ઘાયલને પાટો ગોઠે નહિ ને સુખ ન થાય, તેમ એને ભજન-સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચવિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહિ. માટે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહિ, ત્યારે તે હરિભક્તને એમ જાણવું જે, ‘મારું તો એ જ અંગ છે.’ પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી, એ સિદ્ધાંત વાર્તાછે.”

154. ગઢડા અંત્ય ૧૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મુનિમંડળ સમસ્ત તથા ગૃહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજ્યો. તે પ્રશ્ન એ છે જે, ‘ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતા કાંઈ વાર લાગે નહિ, પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય ? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય પણ ગુણવાન સંઘાથે સહેજે જ પ્રીતિ થાય ને તે ગુણને યોગે કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહિ; માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાથે પ્રીતિ જ ન થાય, એવો શો ઉપાય છે ? એ પ્રશ્ન છે.” પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર એ છે જે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય, ને કુરૂપ હોય, અથવા રોગી કે વૃદ્ધ હોય, તો પણ બીજા જે તાલેવર ને રૂપવાન અને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશમાત્ર મનમાં ગુણ આવે નહિ. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુવે અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈક પરૂણા આવ્યા હોય તો તેને અન્ન જળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્ન જળ આપે, તે તો પતિના સંબંધી જાણીને આપે; પણ પોતાના પતિના જેવી બીજા પુરુષમાત્ર સંગાથે લેશમાત્ર પ્રીતિ ન હોય. અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે. એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. તેમ જ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહિ. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહિ, કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે; અને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિષે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિષે હેત થાય જ નહિ. જેમ હનુમાનજી શ્રીરઘુનાથજીના ભક્ત છે. તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે પણ હનુમાનજીને રામચંદ્રજીને વિષે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી.

155. ગઢડા અંત્ય ૨૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવા જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો; એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠાએ સહિત શ્રીકૃષ્ણભગવાનની ભક્તિ કરવી એ જ ભાસે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે અને આત્મનિષ્ઠાવાળાને પણ જો કોઈક ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે, પણ ઝાઝી વાર ટકે નહિ.”

156. ગઢડા અંત્ય ૨૧ ( para.2)

પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામીને ને શુકમુનિને પ્રશ્ન-ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની જે ભક્તિ છે તેણે કરીને જીવ ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે. અને જે ધર્મ છે તેણે કરીને તો દેવલોકની પ્રાપ્તિ થાય છે ને તે પુણ્યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે. અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તે ધર્મના સ્થાપન કરવાને અર્થે થાય છે; પણ ભક્તિના સ્થાપનને અર્થે થતા નથી. અને જે પ્રાપ્તિ ભક્તિ વતે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી. માટે ભક્તિ સરખી ક્યે પ્રકારે ધર્મમાં મોટાઈ આવે ? એ પ્રશ્ન છે.” પછી ગોપાળાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, તે જે જે વાત કરી તેમાં ધર્મ તે ભક્તિના અંગરૂપ થઈ જાય પણ કોઈ રીતે ભક્તિ સરખું ધર્મમાં ગૌરવ આવે નહિ. પછી એ વાર્તા સાંભળીને શ્રીજીમહારાજ અતિશય હસતા હવા અને એમ બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે. માટે લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે૧, એ ધર્મ તો બે પ્રકારનો છે : એક નિવૃત્તિધર્મ છે ને બીજો પ્રવૃત્તિધર્મ છે. તે એ બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે ને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાનનાં સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહ્લાદ, અંબરીષ એ આદિક જે ભક્તજન તેનો છે; અને એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે ને તે ધર્મ અને ભક્તિ તો બે નથી, એક જ છે. અને જે ધર્મસ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે, તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે. અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે ભાગવત ધર્મ ને ભક્તિ એનું તો એકસરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એકસરખી જ છે. એવી રીતે ભક્તિની ને ધર્મની સરખી મોટાઈ છે. અને કેવળ જે વર્ણાશ્રમના ધર્મ તે તો તે થકી અતિશય દૂબળા છે ને તેનું ફળ પણ નાશવંત છે.”

157. ગઢડા અંત્ય ૨૧ ( para.3)

અને અમારો પણ મત એ છે જે, ‘ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથે હેત કરીએ તો પણ થતું નથીં.’ અને અમને એમ જણાય છે જે, ‘જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે.’ માટે અમને પણ વન, પર્વત ને જંગલ; એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી, એવો અમારો સહજ સ્વભાવ છે; તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા, અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ જે, ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહિ અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો; પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહિ. અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો ને બીજા અલ્પ દોષ હોય તે સારુ ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને ભગવાનના ભક્ત હોય તેને વાદવિવાદ કરી જીતીને રાજી થવું નહિ, એ સાથે તો હારીને જ રાજી થવું; અને જે વાદવિવાદ કરીને ભગવાનનાં ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહિ. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન-જળ પણ ભાવે નહિ. અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. શા માટે જે, આપણે તો આત્મા છીએ તે આપણે દેહ ને દેહના સંબંધી સાથે શા સારુ હેત જોઈએ ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે, પણ દેહબુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહિ શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહિ. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહિ કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહિ. શા માટે જે, આ સત્સંગ છે તે તો અલૌકિક છે અને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ, તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.

158. ગઢડા અંત્ય ૨૧ ( para.4)

અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ એ અતિશય દૃઢ નહિ હોય તે તો અંતે જાતાં ઢીલો પડ્યા વિના નહિ જ રહે. જેમ મીણે પાયેલ દોરો હોય અને તે શિયાળામાં ને ચોમાસામાં તો અક્કડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય. તેમ અહીંયા હરિભક્તને સર્વે પ્રકારે સુખ રહે ને સત્સંગમાં પણ સન્માન થતું રહે, તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે સૂધાં આકરાં જણાય; પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ને દેહે કરીને પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલાં થઈ જાય. તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની મેળે મનમાં ઓશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હઠી જાય છે. પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દૃઢપણે કરવો, પણ દેહ તથા દેહના સંબંધી તે સંગાથે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહિ. જેમ સોનાનો દોરો કર્યો હોય તે છયે ઋતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહિ, તેમ જેનો દૃઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હઠે નહિ. એવા જે દૃઢ સત્સંગી વૈષ્ણવ છે, તે જ અમારે સગાંવહાલા છે ને તે જ અમારી નાત છે ને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે ને શ્રીકૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, એમ અમારો નિશ્ચય છે. અને તમારે પણ તેમ જ નિશ્ચય રાખ્યો જોઈએ. શા માટે જે, તમે સર્વે અમારે આશ્રિત થયા છો માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ. ને મિત્ર પણ તેને જ જાણવો જે, ‘પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે.’ એ જ મિત્રનું લક્ષણ છે, તે સમજી રાખજ્યો.”

159. ગઢડા અંત્ય ૨૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “જેવું પ્રેમલક્ષણા ભક્તિએ યુક્ત આ કીર્તનને વિષે હરિજનનું અંગ કહ્યું છે, એવું તો ઝીણાભાઈનું અંગ છે તથા પર્વતભાઈ ને મૂળજી એનાં પણ એવા અંગ હતા. માટે અમે અંતરસન્મુખ દૃષ્ટિ કરીને વિચારતા હતા. અને બીજા પણ સત્સંગમાં એવા અંગવાળા હશે. અને જેને પ્રેમલક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચવિષયને વિષે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે.”

160. ગઢડા અંત્ય ૨૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નરસિંહ મહેતા તો સખીભાવે શ્રીકૃષ્ણ ભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નરસિંહ મહેતા, ગોપીઓ ને નારદ-સનકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી, એ તો એક પ્રકાર જ છે. અને દેહ તો પુરુષનો ને સ્ત્રીનો બેય માયિક છે ને નાશવંત છે; અને ભજનનો કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી, એ તો સત્તામાત્ર ચૈતન્ય છે. તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમ જ જો ધન, સ્ત્રી આદિક પદાર્થમાં પ્રીતિ થઈ જાય, તો એ ભગવાનનો દૃઢ ભક્ત કહેવાય નહિ. અને પરમેશ્વરનો ભક્ત થઈને ભક્તિ કરતા થકા જે પાપ કરે છે ને સત્સંગમાં જ કુવાસના બાંધે છે, તે પાપ તો એને વજ્રલેપ થાય છે. અને કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાયું હોય તો તેનું વધુ પાપ છે. માટે જેને ભગવાનમાં દૃઢ પ્રીતિ કરવી હોય તેને તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહિ. શા માટે જે, સત્સંગી હરિજન છે તે તો જેવા પોતાનાં મા, બેન કે દીકરી હોય તેવા છે. અને આ સંસારને વિષે અતિશય જે પાપી હોય તે પોતાના ગોત્રની સ્ત્રીઓને વિષે કુદૃષ્ટિ રાખે છે; માટે જે હરિજનને વિષે કુદૃષ્ટિ રાખે તે અતિશય પાપી છે ને તેનો કોઈ કાળે છૂટકો થાય નહિ. માટે જેને રસિક ભક્ત થવું હોય તેને આવી જાતનું પાપ તેનો ત્યાગ કરીને પછી રસિક ભક્ત થવું.

161. ગઢડા અંત્ય ૨૪ ( para.2)

પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિષે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્તિનાં જે સાધન તે શા છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, માહાત્મ્યજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિષે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિષે મિત્રભાવ રાખવો, પોતાથી ઊતરતા જે ભગવાનના ભક્ત તેમને વિષે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું; એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિષે ભગવાનની સેવાને રૂડી રીતે પામે છે.”

162. ગઢડા અંત્ય ૨૪ ( para.7)

અને વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે ? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે,’એમાં મોટા ગુણ નહિ આવે.’ અને શાસ્ત્રમાં નવ પ્રકારની ભક્તિ કહી છે તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમલક્ષણા પર્યન્ત સર્વે ભક્તિનાં અંગ એને પ્રાપ્ત થશે.” એવી રીતે વાર્તા કરી.

163. ગઢડા અંત્ય ૨૫ ( para.2)

પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી, ‘એમ સચ્છાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી જે, ‘એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય.’ એટલી ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કરીને ભગવત્પ્રસન્નતા રૂપ ફળને ઈચ્છવું. અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્ધા મુક્તિ આદિક ફળની પ્રાપ્તિ થાય.”

164. ગઢડા અંત્ય ૨૫ ( para.3)

“અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય, એમ નથી; ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. કેમ જે, ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈક કરી લાવે તો તેને ગામ આપે, તેમ ભગવાન તુરત રાજી થાય છે.”

165. ગઢડા અંત્ય ૨૫ ( para.4)

“અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય ? તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે, ઈત્યાદિક ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચમાત્ર પણ મોળો ન પડે. રતીવા સરસ થાય, તેને ખરો હરિભક્ત કહીએ.”

166. ગઢડા અંત્ય ૨૫ ( para.5)

પછી શ્રીજીમહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછાવ્યો જે, “હે મહારાજ! કયા ગુણે કરીને તમે રાજી થાઓ ને ક્યા દોષે કરીને કુરાજી થાઓ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આટલા તો વચનમાં દોષ છે. તે કયા ? તો પોતાના અંતરમાં કાંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું જે, ‘હે મહારાજ ! તમે કહો તો હું આવી રીતે વર્તું;’ પણ વારંવાર ન કહેવું જે, ‘હે મહારાજ ! હું આમ વર્તું કે આમ વર્તું, તે તમે કેમ મને કહેતા નથી ?’ તે ન ગમે. અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે ને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. અને હું કોઈની આગળ વાત કરતો હોઉં ને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. અને ભગવાનનું ધ્યાન કરવું, તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઈત્યાદિક જે જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાંખે જે, ‘ભગવાન કરાવશે તો થશે,’ તે ન ગમે. અને ‘આમ હું કરીશ’, આમ હું કરીશ. એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે. અને જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય તે તો અતિશય ન ગમે. અને બીજા વ્યાવહારિક કામ કરવા હોય તેમાં તો લાજ તથા આળસ ન હોય ને ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવવા; તેમાં લાજ રાખે ને આળસ રાખે તે ન ગમે. અને ત્યાગનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાવે તે ન ગમે. અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે, પણ પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે, તે ન ગમે. તથા કોઈક મોટા તે સભામાં બેઠા હોય ને તેને કૂણી મારીને માગ કરીને પોતે બેસે, તે ન ગમે. અને બાઈ માણસ હોય ને તે પોતાનાં અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે, તે ગમે. તથા ચાલે ત્યારે નીચી દૃષ્ટિ રાખીને ચાલે પણ ફાટી દૃષ્ટિ રાખે નહિ, તે ગમે. અને અમારા દર્શન કરતા હોય ને કોઈક બાઈ-ભાઈ આવે અથવા કૂતરું નીસરે કે ઢોર નીસરે કે કાંઈક ખડખડે, તેની સામું વારંવાર દર્શન મૂકીને જુવે, પણ એકદૃષ્ટિએ દર્શન ન કરે, તેની ઉપર તો એવી રીસ ચડે જે, ‘શું કરીએ ? સાધુ થયા, નહિ તો એનુ કાંઈક તાડન કરીએ.’ પણ તે તો થાય નહિ; કેમ જે સાધુને કોઈનું તાડન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે. અને જે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહિ, તે ન ગમે. અને માન તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું તે શું ? તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહિ. એ ત્રણ વાનાં તો અતિશય ભૂંડા છે. અને હરિભક્તને માંહોમાંહી બરોબરિયાપણું રહે, પણ એક એકનો ભાર ન આવે એ પણ અતિશય ભૂંડું છે.”

167. ગઢડા અંત્ય ૨૬ ( para.3)

પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ; પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન ન કરી શકે, તે પુરુષ કેવો હોય ? તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, “આ લોકમાં જે સારુ-નરસું કર્મ કરે છે, તેનું જે સારુ-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે,’ એવી દૃઢ મતિ જેને હોય તથા લાજ હોય જે, ‘ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું ?” એવો જે હોય, તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીઆદિક તે બંધન કરી શકે નહિ. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી-ધનાદિક પદાર્થનો યોગ થાય, તો પણ એ ડગે નહિ. અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે, ‘હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું,’ એવું અંગ હોય; તથા બીજું એમ હોય જે, ‘ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે જે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે.’ એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારુ જે, ‘આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે અને એમ સમજે જે, ‘હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે.’ એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથી હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહિ. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય, તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે.”

168. ગઢડા અંત્ય ૨૬ ( para.4)

પછી વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય, એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે. અને દંભ ન ગમે. તે દંભ તે શું ? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડાં હોય ને બીજા આગળ પોતાની મોટ્યપ વધાર્યા સારુ ઉપરથી તો તેને બહુ જણાવે, તે ન ગમે. અને પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે ને વળી ઘડીકમાં પાળે, એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે અને ભગવાનનો મહિમા તો ઝાઝો મોટો સમજે ને પોતાને અતિશય તુચ્છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને, તે ન ગમે. અને હવે જે ગમે તે કહીએ છીએ જે, ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે, ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા, તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દૃઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય, અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈક કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે, અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહિ, એવો જે હોય તે અમને બહુ ગમે.” એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પોતાને ઉતારે પધાર્યા.

169. ગઢડા અંત્ય ૨૭ ( para.3)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે, ‘ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય, તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાંખે.” તે ઉપર પોતાની વાર્તા કરી જે, “અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો પણ જો શ્રીરામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું.”

170. ગઢડા અંત્ય ૨૭ ( para.4)

“અને વળી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી, તેની એમ વિગતિ છે જે, એક તો નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય ને એક એવી આંટી પાડી હોય જે, ‘આ ઠેકાણે હું આસન કરું તો નિદ્રા આવે ને બીજે ઠેકાણે ન આવે.’ એ આદિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય, એ બેયને એક રીતની ન સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે ને તેને વિષે બહુ માલ છે, એવી રીતે માહાત્મ્યે સહિત તેની આંટી પાડવી. અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિષે તો તુચ્છપણું જાણવું ને તેને સંત મુકાવે તો મૂકી દેવી ને પ્રથમની આંટી મૂકવી નહિ. અને એ બેયને બરોબર સમજે તો એને વિષે મૂઢપણું જાણવું. જેમ બાળક હોય તેણે મૂઠીમાં બદામ ઝાલી હોય, તેને કોઈક મુકાવે તો મૂકે નહિ, ને રૂપિયાની મૂઠી વાળી હોય ને સોનામહોરની મૂઠી વાળી હોય ને તેને મુકાવે તો તેને મૂકે નહિ. ત્યારે એ બાળકે બદામ તથા રૂપિયો ને સોનામહોર તેને વિષે બરોબર માલ જાણ્યો, માટે એ બાળકને વિષે મૂઢપણું છે. અને વળી જેમ કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે જે, ‘તું મૂકી દે, નહિ તો તરવારે માથું કાપી નાંખીશ.’ ત્યારે ડાહ્યો હોય તો તેને આપી દે ને મૂર્ખ હોય તો ન આપે. તેમ એ પ્રકારની આંટીમાં ન્યૂન-અધિકપણું જાણવું. અને એમ હોય નહિ, ને બેયમાં સામાન્યપણું જાણે તો એનો આંટીદાર સ્વભાવ જાણવો ને તેને માની જાણવો. અને આંટીએ કરીને તે વર્તમાન પાળતો હોય ને જો મરણ પર્યન્ત એમ ને એમ નભે તો તો ઠીક; પણ તેનો પૂરો વિશ્વાસ ન આવે. કેમ જે, જો એને કોઈક જાતના વેણ લાગે અથવા તેનું માન ન રહે તો એવો એ રહેશે નહિ. અને જે આંટીએ કરીને વર્તમાન પાળતો હોય ને ભક્તિ કરતો હોય તે તો રાજર્ષિ કહેવાય ને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મર્ષિ કહેવાય ને તે સાધુ કહેવાય. એવી રીતે એ બેયમાં ફળનો ભેદ પણ છે.”

171. ગઢડા અંત્ય ૨૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે; એ શુષ્ક વેદાંતીને અતિ અજ્ઞાની જાણવા. અને બીજો જે એમ સમજતો હોય જે, ‘ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠલોકમાં સ્ત્રીભોગ, ખાન-પાન આદિક જે પંચવિષયના સુખ તેને પામીએ.’ પછી તે સુખની આસક્તિએ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે, ‘એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિક સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે; માટે એ સુખ પણ ખરું છે.’ પણ ભગવાનને પૂર્ણકામ ને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે. તે સારુ જ્ઞાન-વૈરાગ્યે સહિત ભગવાનની ભક્તિ કરવી. અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય જે, ‘સર્વ સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચવિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખનો કિંચિત્ લેશ છે.’ એમ ભગવાનને માહાત્મ્યે સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહિ. અને ‘એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે.’ એમ મોક્ષધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બેય પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે.”

172. ગઢડા અંત્ય ૨૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછ્યો જે, “બે સત્સંગી છે, તેની અવસ્થા વિશ વિશ વર્ષની છે તથા બેયને નિશ્ચય, હેત ભક્તિ, વૈરાગ્ય, ધર્મ તે બરોબર છે. અને તેમાંથી એકને તો પ્રારબ્ધયોગે કરીને પરણીને સ્ત્રી મળી ને એકને ન મળી ને સાંખ્યયોગી રહ્યો ને એને પણ પરણ્યાની તો ઈચ્છા હતી, પણ મળી નહિ. ત્યારે એ બે જણને તીવ્ર વૈરાગ્ય તો પ્રથમથી જ ન હતો; માટે વિષયભોગમાં બેયને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે એ ગૃહસ્થ થયો, તેની થાય કે સાંખ્યયોગીની થાય ? તે કહો. અને વેદ તો એમ કહે છે જે, ‘જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સંન્યાસ કરવો. ને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષયભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થ થવું ને પછી સંન્યાસ કરવો.’ માટે વિચારીને ઉત્તર કરજ્યો ?” પછી શુકમુનિએ એનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, “એ ગૃહસ્થાશ્રમી સારો ને બીજો જે સાંખ્યોગી તે ભૂંડો. કેમ જે, એને તીવ્ર વૈરાગ્ય નથી. માટે એણે વિષયને તુચ્છ ને અસત્ય જાણ્યા નથી. તેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ દ્રઢતા નથી. તે સારુ એ સત્સંગથી બહાર જાય ને વિષયનો યોગ થાય તો બંધાય જાય ને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચ રાખે ને સત્સંગમાં આવે. અને જે ગૃહસ્થ છે તેને છ મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે. માટે મંદ વૈરાગ્યવાળાને ત્યાગ કરવો એ ઠીક નથી, ત્યાગ તો તીવ્ર વૈરાગ્યવાળાને કરવો તે ઠીક છે. અને મંદ વૈરાગ્યવાળો ત્યાગ કરે, તો એનો ત્યાગ દેહ પર્યન્ત નભે નહિ. વર્ષે, બે વર્ષે, દશ વર્ષે તેના ત્યાગમાં વિઘ્ન જરૂર પડે.”

173. ગઢડા અંત્ય ૨૯ ( para.3)

ત્યારે શુકમુનિએ આશંકા કરી જે, “હે મહારાજ ! એ મંદ વૈરાગ્યવાળો ત્યાગી છે તે સંત થકી ભગવાનના માહાત્મ્યની વાત સાંભળે ને પછી તો તે મનમાં વિચાર કરે, તો શું એને તીવ્ર વૈરાગ્ય ન આવે? અને પ્રથમથી જ તીવ્ર વૈરાગ્ય તો કોઈકને પ્રારબ્ધ યોગે કરીને હશે; અને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે જે, આને વૈરાગ્ય ન હતો ને પછી થયો; ત્યારે એનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો એમ ઉત્તર છે જે, પોતાને વિચારે તથા કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહિ. અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચાર ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ, તેની સાથે એને અતિશય હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે, ત્યારે તો તે જુવે, સાંભળે, બોલે ઈત્યાદિક જે જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે કરે, પણ તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહિ. અને તે સંતની મરજીથી બાહેર વર્ત્યામાં તેના મનને વિષે નિરંતર ભય વર્તે જે, ‘જો હું એમની મરજી પ્રમાણે નહિ વર્તું તો એ મારી સાથે હેત નહિ રાખે.’ તે સારુ નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે. માટે જો એવું સંત સાથે હેત થયું હોય, તો વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. અને જુઓને આપણા સત્સંગમાં બાઈ-ભાઈ-પરમહંસ એ સર્વેને અમારી ઉપર હેત છે તો મોટેરી બે ત્રણ બાઈયો છે તે બરોબર બીજી સર્વે બાઈયો વર્તમાન પાળે છે. કેમ જે, એે મનમાં એમ જાણે છે જે, ‘જો અમે ખબડદાર થઈને વર્તમાન નહિ પાળીએ તો મહારાજનું હેત અમારી ઉપર નહિ રહે ને કુરાજી થશે.’ તથા પરમહંસમાં પણ એમ છે તથા બીજા જે સત્સંગી તથા બ્રહ્મચારી તથા પાળા, એ સર્વેમાં પણ એમ છે. તથા દેશદેશના હરિભક્ત બાઈ ભાઈ છેટે રહ્યાં છે તે પણ વર્તમાનમાં ખબડદાર વર્તે છે અને એમ જાણે છે જે, ‘જો આપણ સારી પેઠે નહિ વર્તીએ તો મહારાજ કુરાજી થશે.’ માટે અમારે વિષે હેતે કરીને બંધાણા થકા સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે, પણ વૈરાગ્ય તો કોઈકને થોડો હશે ને કોઈકને ઝાઝો હશે, તેનો કાંઈ મેળ છે નહિ. અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા ને તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણાં સર્વેની વૃત્તિઓ છે તેવી ન રહેત. ત્યારે તો જે તીવ્ર વૈરાગ્યવાળા હોય તે ધર્મમાં રહે તથા તેની સાથે જેણે પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય, તે ધર્મમાં રહે તથા જે સત્સંગનો યોગ રાખે ને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમ કહ્યા છે તે પ્રમાણે વર્તે, તો ધર્મમાં રહે અને એ વિના બીજાનું તો કાંઈ ઠીક રહે નહિ. માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો આ અમે કહ્યો એ જ ઉત્તર છે.”

174. ગઢડા અંત્ય ૩૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારા મનમાં આ બે વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે. તેમાં એક તો જેને એમ હોય જે, ‘એક ચૈતન્યના તેજનો રાશિ છે ને તેના મધ્યને વિષે શ્રીપુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે,’ એવો દૃઢ નિશ્ચય હોય અને તે ભગવાનની ઉપાસના, ભક્તિ કરતો હોય તે વાત ગમે; પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય, ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય ને તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે. અને બીજું એમ જે, એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચવિષયના અભાવને કરતો હોય તથા વૈરાગ્યવાન હોય ઈત્યાદિક જે જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિર્દંભપણે કરે તે ગમે. અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે જે, ‘એને શાબાશ છે જે, એ આવી રીતે વર્તે છે.’

175. ગઢડા અંત્ય ૩૦ ( para.3)

અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે, ‘આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે.’ ને સુખ-દુઃખ, રાજીપો-કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે; એવો વૈરાગ્ય કહ્યો. અને બીજું એમ જે, આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે. અને ત્રીજું એમ જે, અમારા મનમાં પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી ? અને એમ જાણું છું જે, ટળી તો ગઈ છે ત્યારે તે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે? ત્યારે રખે ન ટળી હોય ! એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. અને ચોથું એમ જે, મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત; એ જે સર્વ છે તેને પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નહિ ? અને આની વાસના ટળી છે, ને આને આની નથી ટળી. એમ સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. અને પાંચમું એમ જે, જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય ને દેહ પડી જાય. માટે એમ જાણીએ છીએ જે, ‘મનને ઉદાસી ન કરવું.’ કેમ જે, ભલા અમારે યોગે કરીને આ સર્વે બાઈ-ભાઈ, પરમહંસ રાજીપે બેઠાં ભગવદ્‌ ભક્તિ કરે છે, તો એ ઠીક છે. અને ભગવદ્‌ ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે જે, મરી તો સર્વને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે. એમ નિરંતર અનુસંધાન રહે છે.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ શ્રીપુરુષોત્તમનારાયણ છે.

176. ગઢડા અંત્ય ૩૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને કહ્યું જે, “विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः। એ શ્લોકનો અર્થ કરો.” ત્યારે તેમણે રામાનુજભાષ્યે સહિત અર્થ કર્યો. ત્યાર પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો અમે એમ નિશ્ચય કર્યો જે, યુવા અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુક્તાહાર-વિહારપણે રહેવું. ને આહાર ક્ષીણ થાય; ત્યારે દેહનું બળ ક્ષીણ થાય અને ત્યારે જ ઇન્દ્રિયો જીતાય, તે વિના ઇન્દ્રિયો જીતાય નહિ ને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભક્તિને વિષે રુચિ સહિત રાખે ને ભક્તિમાં પ્રીતિ રાખે, એ બે પ્રકારે એ વર્તે તો એનો સત્સંગ પાર પડે. અને એમ ન હોય તો એ જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ એનો એને ભય છે, તો બીજાની શી વાર્તા ? અને આહાર નિયમમાં કરવો તે ઘણાક ઉપવાસ ઠામુકા કરવા માંડે તેણે કરીને ન થાય, એમ તો ઝાઝી તૃષ્ણા થાય ને મૂળગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમણો વાળે; માટે એ તો ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો નિયમમાં આવે. જેમ મેઘ ઝીણી ઝીણી બુંદે વર્ષે છે પણ બહુ પાણી થાય છે, તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો. ને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે ને ભક્તિમાં પ્રીતિ હોય તો એ પાર પડે, એ નિશ્ચિત વાર્તા છે.”

177. ગઢડા અંત્ય ૩૨ ( para.3)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો જે સાચો ભક્ત હોય તેને ભગવાનનું માહાત્મ્ય સમજ્યાની કેવી રીત છે ? તો ‘જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ, તેને વિષે સદા સાકારમૂર્તિ થકા વિરાજમાન છે, ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, ને અલૌકિક દિવ્ય સુખમયમૂર્તિ છે ને માયાના ગુણથકી રહિત છે.’ એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને તે ભગવાન વિના જે બીજા સર્વ માયિક પદાર્થ માત્ર તેને અતિશય તુચ્છ ને નાશવંત સમજે ને એક ભગવાનને વિષે જ પ્રીતિ કરે ને નવ પ્રકારની ભક્તિને કરે. અને વળી એમ સમજે જે, ‘એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિષે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઈત્યાદિક સર્વે સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે.’ એવું જાણીને તે ભગવાને બાંધી જે ધર્મમર્યાદા તેને વિષે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે પણ તે ધર્મમર્યાદાનો ક્યારેય લોપ ન કરે. અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે ? તો ‘એવા મોટા જે ભગવાન તે તો પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે. તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે ? ભગવાન તો સમર્થ છે’. એવી રીતે માહાત્મ્યનો ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહિ. એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે. ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારેય ન કરવો. અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો જ સંગ કરવો.”

178. ગઢડા અંત્ય ૩૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ? તો જેને વિષે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે યુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્તિ, એટલાં વાનાં હોય તેને એકાંતિક ભક્ત કહીએ. અને એની ગતિ એમ કહી છે જે, ‘એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય.’ તે પ્રવેશ તે શું ? તો તેજના મંડળને વિષે દિવ્યમૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એ ભક્તને સ્નેહ હોય, તે સ્નેહે કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિષે એના મનનું નિરંતર અનુસંધાન રહે ને આસક્ત થકો વર્તે ને એવી રીતે રહ્યો થકો એ વાસુદેવ ભગવાનની સેવાને વિષે પણ બહાર થકી રહે. ‘જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયને વિષે ચિહ્નરૂપે સ્નેહના આધિક્યપણે કરીને રહ્યાં છે ને બહાર થકી સ્ત્રીરૂપે કરીને સેવામાં પણ રહ્યાં છે,’ તેમ એ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ જાણવો. અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા, કીર્તન, નામસ્મરણ ઈત્યાદિક જે દસ પ્રકારની ભક્તિ તથા ભગવાનનું માહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય, તે એવું હોય જે, ‘તે વિના કોઈ રીતે ચાલે જ નહિ.’ જેમ અફીણ આદિકનો બંધાણી હોય તેને તે વિના ચાલે નહિ ને તે અફીણ તો કડવું ઝેર છે, તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહિ. તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પણ પીવે ત્યારે ગળું બળે એવો છે તો પણ તે વિના ચાલે નહિ. તે એને ઘણાક રૂપિયા આપે તો પણ તે બંધાણથી તે વહાલા ન થાય ને ન લે. કેમ જે, એ વ્યસન એના જીવ સંગાથે જડાઈ ગયું છે. તેમ જેને ભગવદ્‌ ભક્તિ આદિક ક્રિયાનું બંધાણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહિ. ને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહિ. ને ભગવદ્‌ ભક્તિ આદિક ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એનો જ એને અતિ ઈશક હોય, એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ છે એમ જાણવું. અને તે ભગવદ્‌ભક્ત કેવો હોય ? તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ ન ઈચ્છે તો બીજાની શી વાર્તા ? એવો હોય તે ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો ને એને કોઈ પદાર્થમાં ઈશક ન હોય, અને એવો ન હોય ને ક્યારેક ભગવાનની ભક્તિમાં સુવાણ થાય ને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય ને તે ચાળે ચઢી જાય, એને તો પ્રાકૃત દેહાભિમાની કહીએ, પણ એ ભક્ત ખરો નહિ ને એનો વિશ્વાસ નહિ.”

179. ગઢડા અંત્ય ૩૩ ( para.4)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનના ભક્તને સ્ત્રી, ધન, દેહાભિમાન અને સ્વભાવ એ ચાર વાનાંમાં કાચ્યપ હોય ને તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહિ. એની ભક્તિમાં જરૂર વિઘ્ન આવે. કેમ જે, ક્યારેક એને સ્ત્રી-ધનનો યોગ થાય તો ભક્તિનો ઠા રહે નહિ ને તેમાં આસક્ત થઈ જાય. તથા દેહાધ્યાસ હોય તો જ્યારે દેહમાં રોગાદિક કષ્ટ પ્રાપ્ત થાય તથા અન્ન-વસ્ત્રાદિક ન મળે અથવા કોઈક કઠણ વર્તમાન પાળવાની આજ્ઞા થાય, ત્યારે પણ તેને ભક્તિમાં ભંગ થાય ને વિકળ થઈ જાય ને કાંઈ વિચાર ન રહે ને ચાળા ચૂંથવા લાગે. તથા કોઈક રીતનો સ્વભાવ હોય તેને સંત ટોકવા માંડે ને તે સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે, બીજી રીતે વર્તાવે, ત્યારે પણ એ મુંઝાય ને એને સંતના સમાગમમાં રહેવાય નહિ. ત્યારે ભક્તિ તે ક્યાંથી રહે ? માટે જેને દૃઢ ભક્તિ ઈચ્છવી હોય તેને એ ચાર વાનાંમાં કાચ્યપ રાખવી નહિ. ને એ ચારની કાચ્યપ હોય તો પણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી, તો વાસુદેવ ભગવાનની નિશ્ચળ ભક્તિ થાય. આ વાર્તા તે આમ જ છે પણ એમાં કોઈ સંશય નથી.”

180. ગઢડા અંત્ય ૩૪ ( para.2)

પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન વિના બીજા માયિક પદાર્થમાત્રને વિષે વાસના ન રહે ને એક ભગવાનને વિષે જ વાસના રહે, તેના બે સાધન જણાય છે. એક તો ભગવાનને વિષે પ્રીતિ ને બીજો જ્ઞાને સહિત વૈરાગ્ય, એ બે સાધન છે. તે એ બે સાધન તો જેને અતિશયપણે ન વર્તતા હોય ને ભગવાનનો નિશ્ચય ને વિશ્વાસ તો હોય, એવાને પણ એક ભગવાનની જ વાસના રહે, ને બીજા પદાર્થની વાસના ન રહે એવો ત્રીજો કોઈ ઉપાય છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ન ખરો ને એ બે સાધને કરીને જ એક ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરું. અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ન ટળે. માટે જીવતે દુઃખિયો વર્તે ને ભગવાનનો નિશ્ચય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે. અને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ટાળ્યાના જેમ એ બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે. તે શું ? તો જેના જેવા નિયમ કહ્યા છે તેમાં સાવધાન પણે વર્તે. તે નિયમ કયા ? તો એક તો સ્વધર્મ સંબંધી નિયમ. તે કેમ ? તો જેમ આત્મનિવેદી સાધુ-બ્રહ્મચારીના નિયમ છે, તેમ જ આત્મનિવેદી ન હોય તો પણ સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે, તથા સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ રાખે. એવી રીતે પંચવિષયના ત્યાગ સંબંધી નિયમને દૃઢપણે સાવધાન થકો પાળે, તથા ભગવાન ને ભગવાનના ભક્ત તેની દેહે કરીને પરિચર્યા કરે, તથા ભગવાનની કથા સાંભળે ઈત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે, ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે. એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય ને ભગવાનને વિષે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ને અતિશય બળિયો થઈ જાય ને એને પદાર્થમાં અશુભ વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે.”

181. ગઢડા અંત્ય ૩૫ ( para.5)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતા અધિક પાપ કહ્યું છે, તેનું શું કારણ છે ? તો એ સાધુના હૃદયને વિષે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે. માટે સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે. કેમ જે, સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુઃખાય છે; ત્યારે એ ભગવાનના દ્રોહનું અધિક પાપ છે. માટે સંતના દ્રોહનું સર્વ કરતા અધિક પાપ કહ્યું છે. અને કંસ, શિશુપાલ, પૂતના એ આદિક જે દૈત્ય; તેમણે ભગવાનનો દ્રોહ કર્યો ને તેનું પણ ભક્તની પેઠે ભગવાને કલ્યાણ કર્યું તેનો શો અભિપ્રાય છે ? જે, એ દૈત્યે વૈરબુદ્ધિએ કરીને પણ ભગવાનનું ચિંતવન કર્યું ત્યારે ભગવાને એમ જાણ્યું જે, ‘વૈરબુદ્ધિએ કરીને પણ એ દૈત્યે મારું ચિંતવન કર્યું ને મારા સંબંધને પામ્યા, માટે મારે એનું કલ્યાણ કરવું.’ એવી રીતે એને વિષે ભગવાનની દયાનું અધિકપણું જાણવું. અને વળી એમ જાણવું જે, ‘એ વૈરબુદ્ધિએ કરીને આશર્યા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું, તો જે ભક્ત ભક્તિએ કરીને એનો આશરો લેશે ને ભગવાનને ભક્તિએ કરીને રાજી કરશે તેનું ભગવાન કેમ કલ્યાણ નહિ કરે ? કરશે જ.’ એવી રીતે ભગવાનની દયાનું અધિકપણું જણાવીને મનુષ્યને ભગવાનની ભક્તિમાં પ્રવર્તાવવા, એવો અભિપ્રાય શાસ્ત્રના કરનારાનો છે. પણ એમ નથી જે, ‘દૈત્યની પેઠે ભગવાનનું અણગમતું કરવું. માટે ભગવાનની ઉપર વૈરભાવ રાખીને જે ભગવાનનો દ્રોહ કરે ને અણગમતું કરે, તેને તો દૈત્ય જ જાણવા. અને એ પક્ષ તો દૈત્યનો છે અને જેમ ભગવાનનું ગમતું હોય તે પ્રમાણે જ વર્તવું, ને ભક્તિ કરવી, ને ભગવાન ને ભગવાનના ભક્તને રાજી કરવા, એવો ભગવાનના ભક્તનો પક્ષ છે.”

182. ગઢડા અંત્ય ૩૫ ( para.6)

પછી શુકમુનિએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા જે, (૧). “પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે, ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે. સદાય દિવ્ય સાકારમૂર્તિ સમજે. અને ગમે એટલાં પુરાણ, ઉપનિષદ્, વેદ ઈત્યાદિક ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે જે, ‘કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી, ને કાં તો એમાં કેમ કહ્યું હશે ! પણ ભગવાન તો સદા સાકાર જ છે.’ અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દૃઢ ન કહેવાય. અને સાકાર ન હોય તેને વિષે આકાશની પેઠે કર્તાપણું ન કહેવાય તથા એક દેશને વિષે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે ને સદા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે; એક તો એ લક્ષણ હોય. (૨). તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને એ ભગવાનનું જે નામસ્મરણ ને કથા-કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. (૩). તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહિ અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ ભક્તના સંગનો ત્યાગ ન કરે. અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે, તો સાધુનો અભાવ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે. એમ ને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. (૪). તથા સારુ વસ્ત્ર, સારુ ભોજન, સારુ જળ તથા જે જે કોઈ સારુ પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે જે, ‘આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક,’ અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય, એવો હોય. (૫). તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે, ‘આ તો કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહિ, ને આ તે કોણ જાણે કેવોય હશે ? એનું તો કાંઈ કળાતું નથી.” એવો ન હોય ને જેવો એ માંહી-બાહેર હોય તેને સર્વે જાણે જે, ‘આ તે આવો છે.’ એવો જે સરલ સ્વભાવવાળો હોય. (૬). અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય, એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. ૬. આવે છો લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત્ ભગવાન વિરાજમાન છે એમ જાણવું. અને એવા સાધુનો દ્રોહ કર્યો તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે.”

183. ગઢડા અંત્ય ૩૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો જે, “આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે જે, જેને વિષે એ પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહિ? તે કહો. તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જે, જેણે કરીને તેમાંથી નિશ્ચય પડી જાય ? તે પણ કહો.” પછી સર્વેએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે, શ્રીપુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકારમૂર્તિ સમજવા, ને તેના જ સર્વે અવતાર છે, એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો, ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી, ને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો, એ કલ્યાણનું અસાધારણ સાધન છે. અને એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી. અને એ સાધનને વિષે મોટું વિઘ્ન એ છે જે, ‘શુષ્કવેદાંતીનો સંગ કરવો.’ અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય ? તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને, તેને વિષે હેત થાય. અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે, જેમ કોઈકે કાળમાં અન્ન આપીને જિવાડ્યો હોય તેની ઉપર હેત થાય, એવી રીતે જે જેણે ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય. તેમ તે શુષ્ક વેદાંતી તે એને એમ ગુણ દેખાડે જે, ‘આત્મા છે તેને જન્મમરણ નથી ને તે નિરાકાર છે અને તે ગમે એટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે.’ એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાંખે ત્યારે એને એ મોટું વિઘ્ન થયું. કેમ જે, ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો. માટે એ શુષ્ક વેદાંતીનો સંગ ક્યારેય ન કરવો, અને એ શુષ્ક વેદાંતી તો મહાઅજ્ઞાની છે, ને ભગવાનના ભક્તિમાર્ગમાં એવું મોટું કોઈ વિઘ્ન નથી.”

184. ગઢડા અંત્ય ૩૭ ( para.3)

હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ જે, ‘ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ, મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે, તે કોઈનો નથી. અને ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્યપણું નથી ચાલતું, એવા ભગવાન છે. ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ નથી. અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે, તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે, ને તે સર્વમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્યમૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે, ને ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે, એવું ભગવાનનું સ્વરૂપ છે. અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિષે રહ્યા થકા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિષે રહ્યા જે સર્વે જીવના સમૂહ, તેમને વિષે તેમના યથાયોગ્ય કર્મફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. અને સર્વ જીવના જીવન છે, ને એ વિના એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થતો. અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે, જેમ કોઈક સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયા બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે, તેમ ભગવાન એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગકળાને સામર્થ્યે કરીને સર્વે ક્રિયાને કરે છે. અને જેમ અગ્નિ જે તે કાષ્ઠને વિષે ને પાષાણને વિષે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે ને કાષ્ઠ પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે, તેમ ભગવાન સર્વ જીવને વિષે રહ્યા છે, તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે. અને એવી રીતના અનંત ઐશ્વર્યે યુક્ત એવા જે એ ભગવાન, તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે.’ તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય, ને તે ભગવાનની ભક્તિ કરી હોય, ને તે જ્ઞાન- ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય, તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહિ. અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિષે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વીસરી જાય નહિ. જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વીસરતું નથી તેમ. અને આ વાર્તા શા સારુ કરીએ છીએ ? તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે, પણ કદાચિત્ દેશ, કાળ, પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું ક્લ્યાણ થાય અને એને એવો દૃઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય જે, ‘મારું ક્યારેય અકલ્યાણ થશે.’ અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે ને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે. કેમ જે, કોઈક દિવસ બાહેર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય, તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારુ થાય, માટે આ વાર્તા કરી છે.”

185. ગઢડા અંત્ય ૩૯ ( para.5)

“અને વળી એ ભગવાનના ચરણકમળની રજને બ્રહ્મા, શિવ, લક્ષ્મીજી, રાધાજી, નારદ, શુક, સનકાદિક, નવ યોગેશ્વર એવા એવા મોટા છે, તે પણ પોતાના મસ્તક ઉપર ચઢાવે છે ને માનને મૂકીને એ ભગવાનની નિરંતર ભક્તિ કર્યા કરે છે. અને વળી એ ભગવાને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે ? ને તેમાં કેવું ડહાપણ કર્યું છે ? જે જુઓને, ‘માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે. અને માણસનાં અંગમાંથી કોઈક અંગનો ભંગ થઈ ગયો હોય ને ગમે તેવો ડાહ્યો હોય તો પણ તે અંગને તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય.’ ઈત્યાદિક અનેક કળા ભગવાનમાં રહી છે. એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણીને તથા ભગવાનને સુખમયમૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થમાં વૈરાગ્ય થાય છે ને એક ભગવાનમાં જ પ્રીતિ થાય છે.

(કુલ: 388)