મોહ

મોહ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "મોહ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૨૩ ( para.2)

પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજીમહારાજ વાત કરવા લાગ્યા જે, “વાસુદેવ માહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે; કેમ જે, ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે એ ગ્રંથમાં કહી છે. અને ભગવાનના જે ભક્ત તે બે પ્રકારના છે. તેમાં એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે, પણ તે દેહાત્મબુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરે છે. અને બીજો તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તેથી પર ને ચૈતન્યરૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે, પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાળે, ને તે પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશે યુક્ત ભાસે; એવી રીતની સ્થિતિવાળો હોય. અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે તો પણ તેને માથે વિઘ્ન છે. અને જો એવી સ્થિતિમાં શિવજી નો’તા વર્તતા તો મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા, અને એવી સ્થિતિમાં બ્રહ્મા નો’તા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા, અને એવી સ્થિતિમાં નારદજી નો’તા વર્તતા તો પરણ્યાનું મન થયું, અને ઈન્દ્ર તથા ચંદ્રાદિક તેમને જો એવી સ્થિતિ નો’તિ તો કલંક લાગ્યા. અને ભગવાનનો ભક્ત હોય પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનને વિષે પણ પ્રાકૃત ભાવ પરઠાઈ જાય છે. જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નો’તો તો રાસક્રીડા સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે સંશય થયો અને શુકજી જો એવા ભક્ત હતા તો તેને કોઈ જાતનો સંશય થયો જ નહિ. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘મારે વિષે કોઈ દોષ અડી શકે નહિ તથા તે દોષ કાંઈ બાધ કરી શકે નહિ, તો જેને ભજને કરીને હું આવો થયો એવા જે ભગવાન તેને વિષે તો કોઈ માયિક દોષ હોય જ કેમ ?’ એમ દ્રઢપણે સમજે છે. અને એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની મૂર્તિને વિષે જ્યારે વૃત્તિને રાખે છે ત્યારે તે વૃત્તિના બે વિભાગ થાય છે; તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે અને બીજી તો જે ભજનનો કરનારો તેમાં રહે છે. અને ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે તે પ્રેમે યુક્ત રહે છે, અને ભજનના કરનારામાં જે વૃત્તિ રહે છે તે તો વિચારે યુક્ત રહે છે, અને તે વૃત્તિ જે તે ભજનના કરનારાને વિષે ભગવાનના ભજન વિના બીજા જે જે ઘાટ-સંકલ્પ થાય છે તે સર્વેને ખોટા કરી નાખે છે, તથા તે ભજન કરનારામાં જે દોષ તે સર્વેને ખોટા કરી નાખે છે; એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે. અને ઘડીક તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે ને ઘડીકમાં તો ચાળા ચૂંથતો ફરે તેને તો એવી સ્થિતિ થતી નથી. જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ, પછી વળી બીજે દિવસ અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાઈ નહિ; કાં જે, આગલા દિવસનું જળ આગલે દિવસ સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસ સુકાઈ જાય. અને જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય. તેમ ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં તથા શુભ ક્રિયાને વિષે તથા અશુભ ક્રિયાને વિષે સર્વ કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા રાખતા એવી દ્રઢ સ્થિતિ થાય છે.”

2. ગઢડા પ્રથમ ૨૪ ( para.3)

પછી બ્રહ્માનંદસ્વામીએ પૂછ્યું જે, “કોઈ વિષયમાં પણ પોતાનાં ઇન્દ્રિયો તણાતાં ન હોય, ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય, ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પણ હરિભક્તમાં મોટી ખોટ્ય છે, જે પોતાનું મન સ્થિર થયું છે, ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે, તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી, જે, ‘હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિષે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે; અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ-ક્રોધાદિ સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ-સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે માટે મારું મોટું ભાગ્ય છે’. એવો વિચાર નથી કરતો ને આઠો પહોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ્ય છે. જેમ બાળકના હાથમાં ચિંતામણિ દીધો હોય તેનું તેને માહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેફ રહેતો નથી જે, ‘મારું પૂર્ણકામપણું થયું છે’ એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે, ‘આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો-તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે,’ એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

3. ગઢડા પ્રથમ ૪૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ.” ત્યારે સર્વ મુનિ તથા હરિભક્ત બોલ્યા જે, “હે મહારાજ ! કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું જે, ‘હે મહારાજ ! હે સ્વામિન્ ! હે કૃપાસિંધો ! હે શરણાગત પ્રતિપાલક! કુસંગી થકી મારી રક્ષા કરજ્યો.’ તે કુસંગી ચાર પ્રકારના છે. એક કુડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્કવેદાંતી અને ચોથા નાસ્તિક. એ ચાર પ્રકારના કુસંગી છે, તેમાં જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભ્રષ્ટ કરે અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ-માંસ ખવરાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે અને જો શુષ્કવેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભક્તિ-ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરી પરમેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે માટે ભગવાનની પાસે માગવું જે, ‘એ ચાર પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહિ.’ અને વળી એમ પ્રાર્થના કરવી જે ‘હે મહારાજ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજ્યો અને નિત્યે તમારા ભક્તનો સમાગમ દેજ્યો.’ એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી અને એ કુસંગી થકી ને અંતઃશત્રુ થકી નિરંતર ડરતા રહેવું.”

4. ગઢડા પ્રથમ ૫૬ ( para.5)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે’ એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તો પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઈત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે. તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં.’ એમ વિગતિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર, તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધનસિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભકતોના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘ગમે તેવો પાપી હોય ને અંતસમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મ મોહોલને વિષે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ?’ એમ માહાત્મ્ય સમજે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”

5. ગઢડા પ્રથમ ૫૮ ( para.4)

પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષ્યા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળ્યેભાવે રહે પણ દેહે કરીને સર્વેને નમતો રહે, તો એની ઉપર મોટા સંત રાજી થાય છે.”

6. ગઢડા પ્રથમ ૭૨ ( para.4)

અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિષે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે, ત્યારે સર્વ મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે અને જેમ મનુષ્યને વિષે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઈત્યાદિક માયિક સ્વભાવ હોય, તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે, પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્ર ગાઈને પરમ પદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ જ પ્રકૃતિપુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર-અક્ષરથી ન્યારા છે અને ભગવાનની મોટાઈ તો એવી છે જે, ‘જેના એક એક રોમનાં છિદ્રને વિષે અનંત કોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે’ એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે, ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહિ; તો મનુષ્યને તો રહે જ ક્યાંથી ? અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિષે રહ્યો છે અને સમુદ્રના જળને પીવે છે ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે. તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહિ અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ અને તે જ અગ્નિ દીવારૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે; તો પણ તે થકી જ આપણને સુખ થાય પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય. તેમ જ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય પણ જેના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે, એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહિ; માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય, તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે, પણ એમ ન સમજવું જે, ‘ભગવાન થઈને એમ શું કરતા હશે?’ અને ભગવાનનાં ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા, એ જ ભક્તનો ધર્મ છે અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે.”

7. ગઢડા પ્રથમ ૭૩ ( para.4)

પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “શિવજી ઊર્ધ્વરેતા હતા પણ મોહિની રૂપને જોઈને વીર્યપાત થયો, તેમ જેના દેહમાં વીર્ય હોય અને તેને જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો યોગ થાય ત્યારે વીર્યપાત થયા વિના રહે નહિ. માટે જ્યાં સુધી દેહમાં વીર્ય હોય ત્યાં સુધી નિષ્કામી કેમ કહેવાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શિવજીને પણ એટલી યોગકળામાં ખોટ કહેવાય છે. અને જેને જાગ્રત અથવા સ્વપ્નને યોગે કરીને સ્ત્રીના સંકલ્પ થકી વીર્યપાત થાય તો તેને પાકો બ્રહ્મચારી કહેવાય નહિ. માટે આ સંસારમાં દ્રઢ બ્રહ્મચર્યવાળા તો એક નરનારાયણ ઋષિ છે અને તે નરનારાયણનો આપણને આશ્રય છે તેના પ્રતાપ થકી ધીરે ધીરે એ નરનારાયણનું ભજન કરીને આપણે પણ એ સરખા જ નિષ્કામી થઈશું અને દેહમાં જે વીર્ય રહે છે તેને બાળી નાખવાને અર્થે યોગી કેટલાક પ્રકારનું જતન કરે છે અને શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું, તે એવું સામર્થ્ય તો ભગવાનમાં જ હોય પણ બીજાથી એમ રહેવાય નહિ. માટે બીજા યોગીને તો જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો સંકલ્પ ન થાય એવું જતન કરવું.”

8. ગઢડા પ્રથમ ૭૩ ( para.6)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય તો એકલો ટકી શકે નહિ, અંતે જતા નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય, પછી એમ વિચારે જે, ‘હું તો આત્મા છું, સચ્ચિદાનંદરૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે માટે હું ક્યાં ? ને એ પિંડ-બ્રહ્માંડ ક્યાં ? અને મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર; તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે’ એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહિ. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિષે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી; તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનળ અગ્નિ તથા વિજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહિ અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહિ. અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા હશે તે જાણે છે અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણ્યામાં આવતો નથી અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે જે, ‘મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી.’ અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈ-ભાઈને મનમાં એમ સમજાવે છે જે, ‘બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ્ય નથી.’ તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે, મોટાપુરુષને વિષે જે નિર્દોષબુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે અને જે મોટાપુરુષને વિષે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિષે દોષબુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે; અને એ સત્સંગ કરે છે તોય પણ દુઃખિયો મટે નહિ. અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે જે, ‘જેટલા સંસારમાં મોહ ઉપજાવવાનાં પદાર્થ, ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે; તે કોઈમાં મહારાજને હેત નથી અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાનવાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે.’ અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તે પણ અમારા સ્વભાવને એમ ન જાણે અને છેટે રહે તે પણ એમ ન જાણે.

9. ગઢડા પ્રથમ ૭૮ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યન્ત સર્વને વિષે પૂર્વકર્મને પ્રધાન કહો છો, તે કયા શાસ્ત્રને મતે કહો છો ? તેનું કોઈ વચન ભણી દેખાડો, અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનો સંગ તેનું જ પ્રધાનપણું છે. માટે તમે કેવળ પૂર્વકર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો ને છાના નાસ્તિક છો કે શું? કેમ જે, નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી. અને નાસ્તિક તો વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસ જે ભારતાદિક તેને ખોટા જાણે છે ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને જ સાચા માને છે, માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે. અને જો પૂર્વકર્મે કરીને દેશાદિક આઠ ફરતા હોય તો મારવાડને વિષે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે, તેમને અર્થે સો હાથ ઊંડાં પાણી હતા તે ઉપરછલાં થયા નથી; અને જો પૂર્વકર્મને વશ દેશ હોય તો પુણ્યકર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ ને પાપીને અર્થે ઊંડાં ગયા જોઈએ, પણ એમ તો થતું નથી અને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળો હોય, પણ ઊંડાં પાણી ઉપજે, પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશકાળાદિક તો પૂર્વકર્મના ફેરવ્યા ફરે નહિ, તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહિ. અને ભૂંડા દેશકાળાદિક આઠ હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશ કાળાદિક આઠ તેનું સેવન કરવું. અને દેશ તો બારણે પણ સારો નરસો હોય અને પોતાનો દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય. તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિષે જીવ હોય ત્યારે શીલ, સંતોષ, દયા, ધર્મ ઈત્યાદિક જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિષે જીવ રહ્યો હોય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઈત્યાદિક ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે. અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વિગતિ એમ છે જે, જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહિ, ત્યારે તેનો સંગ થયો જાણવો. અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ઘાલીને મળે છે. પણ અંતરમાં તો તે સાથે લાખો ગાઉનું છેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય અને મન, કર્મ, વચને કરીને જે સંગ કરે તે જ સંગ કર્યો કહેવાય; માટે એવી રીતે મન, કર્મ, વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો, જેથી જીવનું કલ્યાણ થાય પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો.”

10. સારંગપુર ૧૪ ( para.3)

એવી રીતે શ્રીજીમહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા જે, “લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ,” પછી મુનિએ કહ્યું જે, “પૂછો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મહાભારતના ઉદ્યોગપર્વને વિષે સનત્સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે, ‘એક તો પ્રમાદ અને બીજો મોહ એ બેયનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે.’ માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ ને તેમાં જેને પ્રમાદને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદ ને મોહને ટાળ્યાનો ખટકો નહિ રાખતો હોય, તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે? એ પ્રશ્ન છે.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું માહાત્મ્ય અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ ઝાઝી ચિંતા રાખે નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટ્ય કેટલી છે, અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “ભગવાનનું બળ રાખે ને સાધનનું બળ ન રાખે, માટે એ વિશેષ જ છે તો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો, જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહિ, અને તેને એમ મનમાં બીક રહે જે, ‘જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારિણી જાણશે તો મારી સેવા અંગીકાર નહિ કરે એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ્ય પડશે.’ એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ્ય બતાવો છો. અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીયો દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો, એ તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે ? અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે, તો તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહિ રહે, જેમ મદિરા પીવે તથા ભાંગ્ય પીવે તો જેમ વિમુખને કેફ ચડે છે તેમ જ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય, તેમ મદિરા ને ભાંગ્યરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમ જ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો જ ફેર છે જે, ‘વિમુખને એ બે શત્રુ ટળે નહિ અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય.’ એટલો ભગવાનના ભક્તને વિશેષ છે. અને જે ગાફલાઈ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહિ.”

11. સારંગપુર ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય, તો એના હૃદયને વિષે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રકટ થઈ આવે છે અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિષે શ્રદ્ધાવાન થાય, તો વૈરાગ્ય, વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેને વિષે ગમે તેટલો મેઘ વરસે, પણ તેમાં તૃણાદિક ઊગતાં ન હોય અને તે જ ખારભૂમિને વિષે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય; અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળા વડ, પીંપળા આદિક વૃક્ષનાં બીજ આવ્યા હોય તે બીજ ઊગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિષે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઊઠે એમ ન હોય, ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિષે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગતવાર્તારૂપીઓ આવીને કાંપ ભરાય. પછી તે કાંપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યાં છે તે સર્વે ઊગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે, પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહિ. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે ને કાં તો રુવે ને કાં તો કોઈક સાથે વઢે ને કાં તો ઉપવાસ કરે; એ ચાર પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે. અને એમ કરતા જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહિ ને સ્વભાવ પણ ટળે નહિ; અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બેય ટળી જાય. માટે સમજુ હોય તે જ સુખી થાય છે. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલાઈ જાય; અને વીજળીના અગ્નિનો તો થોડોક ઝબકારો થતો હોય, પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય, તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે; અને સમજીને જે વૈરાગ્ય ને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે, તે થોડી હોય તો પણ નાશ ન પામે.”

12. લોયા ૧ ( para.6)

અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ; એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે અને પછી તેવો પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈક દુષ્ટ જીવ દ્રોહ કરતા હોય તેનું કાંઈ ભૂંડું ન થાય ત્યારે તેને નિશ્ચય રહે નહિ, એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ. અને મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનનાં શુભ-અશુભ એવા મનુષ્ય ચરિત્રને દેખે ત્યારે તેમાં મોહ થાય ને નિશ્ચય રહે નહિ, તેને મધ્યમ જ્ઞાનવાળો કહીએ. અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે જે, ભગવાનને ગમે તેવી શુભ-અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ થાય નહિ ને નિશ્ચય જાય નહિ તથા જેણે પોતાને નિશ્ચય કરાવ્યો હોય ને તે જ વળી કહે જે, ‘એ ભગવાન નથી.’ ત્યારે તેને એમ જાણે જે, ‘એનું માથું ફર્યું છે.’ એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ. અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય અને મધ્યમ જ્ઞાનવાળો બે-ત્રણ જન્મે કરીને સિદ્ધ થાય અને ઉત્તમ જ્ઞાનવાળો તે જ જન્મે કરીને સિદ્ધ થાય.” એવી રીતે વાર્તા કરી.

13. લોયા ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “કેવો પુરુષ હોય તેને દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પરાભવ ન થાય ને કેવો હોય તેને થાય ? અને સાંભળ્યામાં તો એમ આવે છે જે, ‘બ્રહ્માને પણ સરસ્વતીને દેખીને મોહ થયો ને શિવજીને પણ મોહિનીને દર્શને કરીને મોહ થયો.’ માટે વિચારીને ઉત્તર કરો; કેમ જે એવા મોટાને પણ દેશકાળાદિકે કરીને પરાભવ થયો છે.” પછી તેનો ઉત્તર બ્રહ્માનંદસ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એ છે જે, નાડી પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રીનારાયણનાં ચરણારવિંદમાં રહ્યો હોય, તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશ, કાળ, સંગાદિકે કરીને પરાભવ ન થાય અને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય. અને એવી રીતે સ્થિતિ ન થઈ હોય ને દેહમાં વર્તતા હોય તો બીજા જીવને પરાભવ થાય ને એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય. અને એમ ન હોય તો, “तत्सृष्टसृष्टसृष्टेषु कोऽन्वखण्डितधीः पुमान् । ऋषिं नारायणमृते योषिन्मय्येह मायया ।।” એ શ્લોકનો અર્થ ઠીક બેસે નહિ. માટે એને વિષે રહ્યા થકા તો એક નારાયણઋષિને પરાભવ ન થાય અને બીજો તો ગમે એવો મોટો હોય ને તે જો નારાયણના ચરણારવિંદને વિષે નિમગ્ન ન રહે, તો તેને પરાભવ થાય; અને જો નિમગ્ન રહે તો ન થાય. એવી રીતે અમે અમારા અંતરમાં અચળ સિદ્ધાંત કરી રાખ્યો છે. અને તે ભાગવતમાં કહ્યું છે જે “एतदीशनमीशस्य प्रकृतिस्थोऽपि तद्गुणैः । न युज्यते सदात्मस्थैर्यथा बुद्धिस्तदाश्रया ।।” તથા ભગવાને કહ્યું છે જે, “दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।। मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ।।” એવી રીતે માયાએ કરીને નિર્લેપપણું તે એક નારાયણને જ છે અથવા તે નારાયણને નિર્વિકલ્પપણે પામ્યો હોય તેને પણ પરાભવ ન થાય અને સવિકલ્પપણે જો નારાયણને પામ્યો હોય તો તે ગમે તેવો મોટો હોય તેને પણ પરાભવ થાય.”

14. લોયા ૧૮ ( para.3)

ત્યારે તમે કહેશો જે, ‘તે ભગવાનનું કેવું રૂપ છે ?’ તો કહીએ છીએ જે, ‘ભગવાન તો સચ્ચિદાનંદરૂપ છે ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટિ કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે અને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે. રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશય સુખસ્વરૂપ છે અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે અને આ લોક-પરલોક સંબંધી જે પંચવિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે; એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. અને તે જ ભગવાન મત્સ્ય-કચ્છ-વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા; તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત જ મત્સ્ય-કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અને જે કાર્ય નિમિત્તે જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે; “भूभारः क्षपितो येन तां तनूं विजहावजः । कण्टकं कण्टकेनैव द्वयं चापीशितुः समम् ।।” જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાનરૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો. અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાને ઈચ્છ્યા, પણ તે સિંહને કોણ મારે? પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા. ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું. પછી બેય જણે દેહ મૂક્યો. તેણે કરીને શિવ શરભેશ્વર મહાદેવ થયા અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહી શીલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્ય-કૂર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડાક મત્સ્ય-કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજ્યંતીમાળા, પીતાંબર વસ્ત્ર, કિરીટ-મુકુટ, શ્રીવત્સનું ચિહ્ન, ઈત્યાદિક ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે. અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્મસમયમાં વસુદેવ-દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અક્રૂરને ચતુર્ભુજરૂપે દર્શન જળને વિષે દીધું તથા રુક્મિણીને મૂર્ચ્છા આવી ત્યારે પણ ચતુર્ભુજરૂપે દર્શન દીધું અને અર્જુને પણ એમ કહ્યું જે, ‘तेनैव रूपेण चतुर्भुजेन सहस्त्रबाहो भव विश्वमूर्ते!’ માટે અર્જુન પણ ચતુર્ભુજરૂપ દેખતા અને યાદવાસ્થળી કરીને પીંપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર સહિત દીઠું. અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટિ કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે, તેને વિષે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. તે જેને ધ્યાન, ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે, પણ મશાલ-દીવાનું કામ પડતું નથી. અને એવો પ્રકાશ એ ભગવાનને વિષે છે ને નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે જે, ‘એવો પ્રકાશવાન હું આ ભક્તને દેખાઉં’, તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત, એ ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે, એવા પરમભાવે સહિત ભગવાનને દેખે છે. અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, “अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।।” માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમભાવને જાણ્યા વિના ભગવાનને વિષે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે, તે મનુષ્યભાવ તે શું ? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક અંતઃકરણના ભાવ છે તથા હાડ, ચામ, મળ, મૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઈત્યાદિક જે મનુષ્યભાવ તે સર્વે ભાવને ભગવાનને વિષે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે. અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્યમૂર્તિ છે ને ભગવાનને વિષે તો એ મનુષ્યભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્યભાવને ટાળીને દેવભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાનપુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિપુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યનાં વચનને સંભારીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું, ‘જે તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો.’ ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે ભગવાનને વિષે જેને દિવ્યભાવ છે તેનો પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે, ‘આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો.’ તે શું એ પ્રથમ ભગવાનને નો’તો દેખતો ? દેખતો તો હતો, પણ મનુષ્યભાવે સહિત દેખતો હતો અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે તે દિવ્યભાવ સહિત દર્શન કર્યું, ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિષે એવો દિવ્યભાવ ન સમજે ત્યારે એને વાતેવાતે ધોખો થાય ને ગુણ-અવગુણ લીધા કરે છે જે, ‘આનીકોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી.’ એવી રીતે ગુણ-અવગુણ પરઠ્યા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિષે તો મનુષ્યભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિષે પણ મનુષ્યભાવ ન પરઠવો. કાં જે, દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા-લૂલા જ રહે છે ? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે, તેને મૂકીને દિવ્યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિષે મનુષ્યભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિષે કેમ પરઠાય ? અને આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજવી છે અને સૂઝે તો સો વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છુટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી, એમ અમારી આજ્ઞા છે; તેને ભુલશો મા, જરૂર ભુલશો મા.” એમ કહીને શ્રીજીમહારાજ સર્વે હરિભક્તને ‘જય સ્વામિનારાયણ’ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે શ્રીજીમહારાજની વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત તે શ્રીજીમહારાજને સર્વ અવતારના કારણ અવતારી જાણીને દિવ્યભાવની અતિશય દ્રઢતા કરતા હવા.

15. પંચાળા ૩ ( para.3)

પછી શ્રીજીમહારાજે આજ્ઞા કરી જે, “કીર્તન ગાઓ.” પછી, ‘સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા રે’ એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા. ત્યારે વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો, અને કીર્તન ગાયા તેમાં હેત બહુ છે. તે હેતનો અમે વિચાર કર્યો જે, ‘હેત મોટી વાત છે અને હેતે કરીને ભગવાનને ભજવા એ ઠીક છે’ પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાણું જે, ‘હેત છે તે જ ભગવાનની માયા છે.’ કેમ જે, સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય, તેમાં બીજી રીતનું હેત છે; અને પુરુષ હોય ને પરસ્પર બોલે, જુવે, સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેત છે; અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય ને આલિંગન કરતો હોય, તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય ને તેની વાર્તા કરતો હોય તેને વિષે જેવું હેત થાય છે ને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષને પુરુષમાં નથી થતું; તથા સ્ત્રી હોય ને પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય, ઈત્યાદિક પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનો પ્રવાહ છે ને જે જીવને સંસૃતિ ને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેતરૂપે છે. પછી એમ વિચાર થયો જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ; એ જે પંચવિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તે તો ઠીક છે, તે માયા નથી.’ પછી વળી તેમાં પણ વિચાર થયો જે, એ પણ ઠીક નહિ; કાં જે, ભગવાનનાં રૂપ કરતા અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિષે જણાય તો ભગવાનને મૂકીને તેને વિષે હેત થઈ જાય. જેમ સોળ હજાર ને એકસો જે શ્રીકૃષ્ણભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માન્તરે અપ્સરાઓ હતી. તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો જે ‘હે મહારાજ ! અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે, પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો; માટે એવી કૃપા કરો જે, એ અમારા પતિ થાય.’ પછી બ્રહ્માએ કહ્યું જે, ‘તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે.’ ત્યારે તેમણે ઘણું તપ કર્યું. પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદમુનિ તે પણ પ્રસન્ન થયા ને વર આપ્યો જે, ‘તમારા પતિ નારાયણ થશે.’ એવી રીતે જન્માન્તરે ઘણુંક તપ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને પામી હતી, પણ જો ભગવાન કરતા સાંબને વિષે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી. માટે જેની એક મતિ રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહિ; અને જેની મતિ એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું ? તો જે ચોવિશ તત્ત્વ છે તે થકી પોતાના જીવને પૃથક્ જાણવો, ને તે જીવને વિષે ખૂંતીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિયો તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવસત્તાપણે રહ્યાં થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું ? જે દશ ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણ ને દેવતા તે સત્ત્વ ગુણની સંપત્તિ છે અને પંચભૂત ને પંચવિષય તે તમોગુણની સંપત્તિ છે; તે એ ત્રણ ગુણની સંપત્તિઓ ને ત્રણ ગુણ તેને પૃથક્ માનીને કેવળ જીવસત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવા નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું. તે કહ્યું છે જે, ‘नैर्गुण्यस्था रमन्ते स्म गुणानुकथने हरेः’ તથા “परिनिष्ठतोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।”

16. પંચાળા ૪ ( para.4)

અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે, ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે. તે જ્યારે સત્યયુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવરદા હોય, ત્યારે એ ભગવાન પણ લાખ વર્ષ જ દેહ રાખે; અને તે સત્યયુગના માણસ મનોવાંછિત ભોગને ભોગવે, ત્યારે ભગવાન પણ તેમ જ ભોગને ભોગવે પણ અધિકપણે ન વર્તે. અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને દસ હજાર વર્ષની આવરદા હોય, ત્યારે ભગવાન પણ તેટલા વર્ષ દેહ રાખે. અને દ્વાપર યુગમાં હજાર વર્ષની આવરદા હોય ને દસ હજાર હાથીનું બળ માણસમાં હોય છે, ત્યારે ભગવાનનું પણ એટલું બળ ને એટલી આવરદા હોય છે. અને કળિમાં દેહ ધારણ કરે ત્યારે કળિ પ્રમાણે આયુષ્ય ને બળ તેનું ભગવાન ધારણ કરે છે. અને જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે ને બાળ, યૌવન, વૃદ્ધ અવસ્થા થાય છે ને મૃત્યુને પામે છે; તેમ જ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. અને જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઇર્ષ્યા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભય, શૂરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિક સ્વભાવ છે; તેમ તેવા જ એ સર્વે સ્વભાવ મનુષ્યદેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. તે એ મનુષ્ય સ્વરૂપ પણ ભગવાનનું સર્વ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે અને મૂળ જે દિવ્યરૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે. તે એ બેય રૂપનું જેણે યથાર્થ શ્રવણ-મનન કરીને દઢ નિશ્ચય કર્યો હોય, તેને તો કોઈ રીતે સંશય થાય નહિ; અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે. અને એ જ દિવ્યરૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે, ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તતા હોય; પણ જે બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું જે, ‘એમાં કામ છે તે બીજા મનુષ્યના જેવો નથી તથા ક્રોધ, લોભ, સ્વાદ, માન ઇત્યાદિક મનુષ્યના સ્વભાવ તે એ ભગવાનમાં છે, પણ બીજા માણસ જેવા તો નથી; એમાં કાંઇક દિવ્યભાવ છે, તે બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે; તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય કરે છે. જેમ શંકરાચાર્યે શૃંગારરસની વાર્તા જાણ્યાને અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તે રાજાના જેવા જ સર્વે શૃંગારાદિક ભાવ ને દેહની ચેષ્ટા તે હતી, પણ તે રાજાની રાણી બુદ્ધિવાળી હતી. તેણે એમ જાણ્યું જે, ‘મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો, માટે આ દેહને વિષે કોઈક બીજે જીવે પ્રવેશ કર્યો છે.’ તેમ મનુષ્યરૂપ એવા જે તે ભગવાન, તેને વિષે દિવ્યભાવ જણાય છે; તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે. ત્યારે તમે કહેશો જે, ‘કાંઇક દિવ્યભાવ જાણ્યામાં આવ્યો, તેણે કરીને મનુષ્યને ભગવાનપણાનો નિશ્ચય થયો, ત્યારે ઘણો દિવ્યભાવ જણાવે તો તો બહુ માણસને નિશ્ચય થાય.’ તો એનું તો એમ છે જે, આ સૂર્ય છે તેને સર્વ શાસ્ત્રમાં કહ્યા છે જે, ‘એ નારાયણ છે,’ ને તે એ સૂર્ય સર્વ મનુષ્યને દૃષ્ટિગોચર પણ છે ને નિત્ય એનું દર્શન મનુષ્યમાત્ર કરે છે, તો પણ એને દર્શને કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થતો જે, ‘મારું કલ્યાણ થયું;’ અને મનુષ્યપણે રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ-શુકાદિક સંત તેના દર્શન કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે જે, ‘મારું કલ્યાણ નિશ્ચય થયું.’ ને હું કૃતાર્થ થયો છું અને તે ભગવાન ને સંત, તેમાં તો કાંઇ પ્રકાશ છે નહિ, દીવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે, તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે. તથા અગ્નિ છે તે પણ સાક્ષાત્ ભગવાન છે; કાં જે ભગવાને કહ્યું છે

17. પંચાળા ૭ ( para.3)

એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણ તેની મૂર્તિને વિષે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગભાગ સમજવો નહિ ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી; પણ તેથી કાંઇ પૃથક્ ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિષે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે ? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય જે, ‘આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકારરૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય-ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે;’ એવી જાતની જેને દ્રઢ મતિ હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્યમૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિષે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે, ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્યસ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશમાત્ર ફેર સમજતા નથી; અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા, તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તેને માયાની નિવૃત્તિ થઇ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને કદાચિત્ કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધકર્મને યોગે કરીને કાંઇ અવળું વર્તાઇ જાય, તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા-નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ને મહાત્યાગી હોય, તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે, ‘જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે,’ એવી દ્રઢ ગ્રંથી હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય, તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે, તોપણ તેને સંશય થાય નહિ. કેમ જે, એ તો એમ સમજ્યો છે જે, ‘ભગવાન તો સદા સાકાર જ છે, પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે; એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્યનિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત, તે શ્રીજીમહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દ્રઢતા કરતા હવા.

18. ગઢડા મધ્ય ૧ ( para.2)

પછી શ્રીજીમહારાજે કીર્તનિયાને કહ્યું જે, “હમણાં કીર્તન રાખો ને પ્રશ્ન - ઉત્તર કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્કાર કરીને શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! મોહનું શું રૂપ છે ? અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્યા જે, “ મોહનું રૂપ તો મનને વિષે ભ્રાંતિ જેવું થઇ જાય એ જ જણાય છે. અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે, ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે; પછી આ કરવા યોગ્ય ને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી. અને તે મોહ થયાનું કારણ તો આજ જ અમે વિચાર્યુ છે જે, આજ અર્ધ રાત હતી ત્યારે અમારે નિદ્રા ઊડી ગઈ હતી. પછી અમે ઉત્તરાદી દિશા સામું મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠો ત્યારે એમ વિચાર થયો જે, ‘આ તો ઉત્તરધ્રુવ છે પણ શાસ્ત્રમાં દક્ષિણધ્રુવ કહ્યો છે તે ક્યાં હશે ?’ પછી અમે દક્ષિણ ધ્રુવ જોયો ત્યારે તે પણ દીઠો. અને જેમ કૂવા ઉપર પાણી સિંચવાનો ફાળકો હોય તેવી રીતે બે ધ્રુવને વચ્ચે મોટો ફાળકો દીઠો ને તે ફાળકાના મેરુનાં બે ઠેબાં તે બે કોરે ધ્રુવને અડી રહ્યાં છે, જેમ લાકડાના સ્તંભ હોય ને તેમાં લોઢાની આરો ખૂંતીને રહી હોય તેમ છે. અને તે ફાળકા ઉપર જેમ સૂતરની ફેલ વીંટી હોય ને તે ફાળકા સંઘાથે જેમ પીતળની ફૂદડીઓ જડી હોય તેમ સર્વે તારા ને દેવતા ને નવગ્રહાદિક તેના જે સ્થાનક તે ફાળકાને આશરીને રહ્યાં છે તે સર્વેને જોયાં. અને પછી સૂર્ય ને ચંદ્ર તેનો ઉદય ને અસ્ત તે એક જ ઠેકાણેથી થાય છે તે પણ જોયો. પછી અંતર્દૃષ્ટિએ કરીને જોયું ત્યારે જેટલું ધ્રુવ આદિક બ્રહ્માંડમાં છે તેટલું સર્વે પિંડમાં પણ દીઠું. પછી આ દેહને વિષે જે ક્ષેત્રજ્ઞ છે, તેને પણ દીઠો પછી તે ક્ષેત્રજ્ઞમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે, તેને પણ દીઠા. તે ભગવાનને જોઇને ભગવાનના સ્વરૂપને વિષે અતિશય વૃત્તિ જોડાઇ ગઈ, પછી સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહિ. પછી તો કોઈક ભક્તજને આવીને અમારી સ્તુતિ બહુ કરી તેની દયાએ કરીને અમારે પાછું દેહમાં અવાયું.

19. ગઢડા મધ્ય ૧ ( para.3)

પછી અમારા હૃદયમાં વિચાર થયો જે, ‘અમારે જે સમાધિમાંથી નીસરાયું તે તો દયાએ કરીને નીસરાયું, પણ બીજાને સમાધિમાંથી નીસરાતું હશે તેનું શું કારણ હશે ? પછી અમને એમ જણાયું જે, ‘એને કાંઇક વિષયમાં આસક્તિ રહે છે, તેણે કરીને પાછું નીકળાય છે.’ અને મોહનું જે કારણ, તે પણ પંચવિષય જ છે. તે વિષય પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ; એ ત્રણ પ્રકારના છે. તેમાં જ્યારે ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને તેમાંથી કોઈ અંતરાય કરનારો આવે, ત્યારે તે ઉપર ક્રોધ થાય; પછી ક્રોધ થકી મોહ થાય છે. અને સામાન્યપણે તો શ્રોત્રને ને શબ્દને સદા સંબંધ છે, અને ત્વચાને ને સ્પર્શને સદા સંબંધ છે. એવી રીતે પંચ જ્ઞાનઇન્દ્રિયોને પંચવિષયનો સંબંધ છે. માટે જે પદાર્થને સામાન્યપણે જોયું હોય ને તે પદાર્થમાંથી વૃત્તિને તોડીને ભગવાનના સ્વરૂપમાં રાખવી હોય તો તેમાં કાંઇ દાખડો પડે નહિ, સહજે જ તે રૂપ વિષયમાંથી વૃત્તિ તૂટીને ભગવાનના સ્વરૂપમાં રહે. અને જો સ્ત્રીઆદિકનું અતિશય રમણીય રૂપ દીઠામાં આવી ગયું હોય ને તેમાં વૃત્તિ જોડાણી હોય ને પછી જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા જાય તો રહે નહિ અને ચિત્ત પણ એક ઠેકાણે રહે નહિ, માટે જ્યાં સુધી રમણીય પંચવિષયમાં ચિત્ત લોભાય છે, ત્યાં સુધી મોહ ટળે નહિ અને જ્યારે એને ગમતો વિષય હોય ને તેમાં ચિત્ત તણાતું હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય પણ તેનું વચન મનાય નહિ. એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ તે ભગવાને ગીતામાં કહ્યું છે જે

20. ગઢડા મધ્ય ૧ ( para.8)

માટે આ વચન જે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમસિદ્ધાંત છે જે, જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું, ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહિ અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી જે, ‘હું આત્મા છું, પણ દેહ તે હું નહિ.’ એક તો એ વિચાર દ્રઢ કરવો. અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે, તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું, ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશયપણે સમજવું. તે એમ વિચારવું જે, ‘પંચવિષય છે, તે તો ભગવાનના કર્યા થયા છે. માટે ભગવાનમાં તો એથી અતિ ઝાઝું સુખ છે. શા માટે જે, શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી જ સુખ હોય, પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી જ રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય, પણ બીજું ન હોય, તેમ જ રૂપમાં રૂપ સંબંધી જ સુખ હોય; તેમ જ રસ ને ગંધ તેમાં પણ પોતપોતા સંબંધી જ સુખ હોય, પણ એક વિષયમાં પંચવિષયનું સુખ ભેળું ન આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યાં છે, તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણકામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણકામ કરે છે. અને માયિક જે વિષયસંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે.’ એવો જે ભગવાનના સ્વરૂપના માહાત્મ્યનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. એ જે ત્રણ વિચાર કહ્યા તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહિ; જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે અને તેવી જ રીતે પશુ, પક્ષી, લાકડા, છાણા, પથરા, સુવર્ણ; એ સર્વને તુલ્યપણે જુએ, પણ સારુ પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચવિષયને વિષે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિષે ભેદ રહે નહિ, એવું જેને વર્તે તેને નિર્ મોહી કહીએ. તે શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે, ‘समलोष्टाश्मकाञ्चनः’ એવા જેના લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્ત્વે કરીને જાણ્યું છે અને એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવો અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः’ માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વ્હાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાહ્યાને જ આવે એમ નથી, જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય અને ડાહી હોય ને તે વ્યભિચારિણી હોય. માટે ડાહ્યાભોળાનો કાંઈ મેળ નથી, એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી તે તો જાણે જે એક દિવસે જ એમ કરી લઉં ને નિર્ મોહી થઉં, એમ ઉતાવળે એ કામ થતું નથી, એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથરો નાખ્યો હોય તેમાં પાણી સિંચતાં સિંચતાં દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી એને વિષે આકળા થઈને અકળાઈ જવું નહિ. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે, ‘अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ।’ માટે એમ વિચારવું જે, ‘આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતા જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે, પણ ભગવાનના ભક્ત છીએ તે નરકચોરાશીમાં તો જવું નથી.’ એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો અને જ્યાં સુધી સારા ને નરસા; એ બે વિષય તુલ્ય ન જણાય, ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધનદશામાં કહેવાય અને જ્યારે સારા-નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધદશાને પામ્યો જાણવો. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે, ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ; એ સર્વે ગ્રંથનો એ જ ગલિતાર્થ છે. આ જે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દ્રઢ કરીને રાખજ્યો.”

21. ગઢડા મધ્ય ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા જે, “મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડ્યાના બે ઉપાય છે; તે કહીએ છીએ જે, એક તો રસિકમાર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન, એ બે મોટ્યપ પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે. અને મોટા આચાર્ય થયા તેમણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણાને થયો છે અને સારુ તો કોઈકનું થયું છે. કાં જે, રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ; તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અગોઅંગનું વર્ણન થાય, ત્યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે ? અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે જે, સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય. અને રાધિકાજી, લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહિ અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય; માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયે પ્રકારે મોહ ન થાય ? એ તો થાય જ. અને લેશમાત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો. માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે. અને બ્રહ્મજ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે જે, ‘જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિપુરુષરૂપે થાય છે અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મા, વિષ્ણુ, શિવરૂપે થાય છે ને પછી તે જ બ્રહ્મ સ્થાવર-જંગમરૂપે થાય છે અને તે સ્થાવર-જંગમરૂપ જે આકાર તેને વિષે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે.’ એવી રીતે બ્રહ્મજ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે, ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો. માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મજ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય, એ મોટું વિઘ્ન છે. કાં જે, સમજી સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું, માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો. અને એ બે માર્ગ છે, તે કલ્યાણના છે અને એ બેમાં વિઘ્ન પણ અતિ મોટા છે. માટે જે ક્લ્યાણને ઈચ્છતો હોય તેને કેમ કરવું ? એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કરો.” પછી સર્વે પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો.

22. ગઢડા મધ્ય ૧૦ ( para.7)

એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ; એને વિષે પરમેશ્વરને વિષે પ્રીતિ થવાનું કેને વિષે અધિક દૈવત આવ્યું ? તે સમજાણું નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભક્તિને વિષે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી અને ભક્તિ તો અતિ દુર્લભ છે. તે ભક્તિવાળાનાં લક્ષણ આવા હોય છે જે, જ્યારે જીવોના કલ્યાણ અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિષે વિચરે છે, ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માયિક જેવા હોય, તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે દેવકીવસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોવર્ધન તોળ્યો તથા કાળીયનાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યો તથા અક્રૂરજીને યમુનાના જળને વિષે દર્શન દીધું તથા મલ્લ, હસ્તિ, કંસાદિ દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. તેમ જ રામાવતારને વિષે ધનુષ ભાંગ્યું તથા રાવણાદિક દુષ્ટને મારીને સર્વ દેવતાનું કષ્ટ નિવારણ કર્યું, ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનનાં દિવ્ય ચરિત્ર કહેવાય. અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતાં રોતાં ઘેલા જેવા થઇ ગયા તથા કૃષ્ણાવતારમાં કાળયવનની આગળ ભાગ્યા તથા જરાસંઘની આગળ હાર્યા ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઇ વસ્યા ઇત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિષે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે જે, “जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ।।” એ શ્લોકનો એમ અર્થ છે જે, ‘હે અર્જુન ! મારા જન્મ ને કર્મ તે દિવ્ય છે, તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે.’ માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત ને અભક્ત બેયને દિવ્ય જણાય, પણ જ્યારે મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિષે જેને દિવ્યપણું જ જણાય પણ કોઈ રીતે ભગવાનનાં તે ચરિત્રમાં અભાવ આવે નહિ, એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય; અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. અને એ શ્લોકમાં કહ્યું જે ફળ તે આવા ભક્તને જ થાય છે. અને જેમ ગોપીઓ ભગવાનનાં ભક્ત હતા તે કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધો જ નહિ અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી, એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી શુકજીએ ભગવાનનું સમર્થપણું દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેઠે દિવ્ય જાણે પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહિ, એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે. અને એક બે જન્મને સુકૃતે કરીને એવી ભક્તિ ન આવે એ તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે, ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે. અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થકી અધિક છે અને જેના હૃદયને વિષે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિષે પ્રીતિમાં શું બાકી છે ? કાંઇ બાકી નથી.”

23. ગઢડા મધ્ય ૫૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રને વિષે જે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે, ‘જ્યારે હૃદયને વિષે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહિ.’ માટે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે. અને વળી જીવમાત્રને પોતાના ડહાપણનું અતિશય માન હોય, પણ એમ વિચારે નહિ જે, ‘મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે ? કે લાંબો છે કે ટુંકો છે ?’ એની કાંઈ ખબર નથી તો પણ મોટાપુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિષે પણ ખોટ્ય કાઢે અને એમ સમજે જે, ‘આ મોટાપુરુષ છે અથવા ભગવાન છે, પણ આટલું ઠીક કરતા નથી.’ એમ ખોટ્ય કાઢે છે, પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે, ‘એ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડને વિષે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે. અને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે ને લક્ષ્મીના પતિ છે અને અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે; અને શેષ, શારદા ને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી અને નિગમ પણ જેના મહિમાને ‘નેતિ નેતિ’ કહે છે. માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિષે ને તે ભગવાનની જે સમજણ તેને વિષે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો. અને ભગવાન ને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે ? માટે પોતાની મૂર્ખાઈએ કરીને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે અને એ ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દૃષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે.”

24. ગઢડા મધ્ય ૬૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, ભગવાનની વાર્તા કરીએ.” ત્યારે તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે, તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિઃશંક વર્તે છે. અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઈને આ સંસારને વિષે જે અખતરડાહ્યા મનુષ્ય છે તે પરમેશ્વરને વિષે દોષ પરઠે છે અને એમ જાણે જે, ‘ આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતા પણ વધુ સંસારને વિષે આસક્તિ છે.’ એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી; એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિષે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી, તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણભગવાન, તેને માયા ને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં તે શું કહેવું ? એ તો રહેવાય જ. અને આત્મનિષ્ઠાવાળા જે સંત, તેને આત્મનિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બેય હોય તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય, પણ જો તેને ભગવાનને વિષે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારાં થઈ જાય છે, તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન છે તથા વૈરાગ્ય છે, તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી જ છે. એમ જાણીને શુકદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ્ ભાગવતને ભણતા હવા અને શ્રીકૃષ્ણભગવાનને વિષે દ્રઢ ભક્તિને કરતા હવા. માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિષે ભક્તિ ન હોય તો એ એને મોટું દૂષણ છે. અને જેને ભગવાનને વિષે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય, તો જેવી ભગવાનને વિષે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિષે પણ પ્રીતિ થઈ જાય. માટે એ ભક્તિમાર્ગવાળાને પણ મોટું દૂષણ છે. અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે; માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાણું છે, તે સારુ કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ભગવાનને વિષે ભક્તિ; એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય.”

25. વરતાલ ૧૭ ( para.3)

પછી શ્રીજીમહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો જે, “એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિમાર્ગવાળા છે અને તે એમ જાણે છે જે, ‘અમે આત્મા છીએ,’ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્મત્તના જેવી હોય, અને તે પુરુષને જાતિ, વર્ણ, આશ્રમ; તેનું અભિમાન હોય નહિ, ને ખાવું, પીવું, ઊઠવું, બેસવું; તે સર્વે ઘેલાના જેવું હોય, પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય. ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહિ. જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહિ. અને બીજા ત્યાગી સંત છે. તે તો નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિમાર્ગમાં વર્તે છે અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક દોષ હૃદયને વિષે પ્રવર્તે તેવી ક્રિયાને વિષે પ્રવર્તે છે, ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે એ ત્યાગીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે? અને વળી એ પ્રવૃત્તિમાર્ગમાં રહેતાં થકા કેવી રીતે નિર્વિકાર રહેવાય ? અને તમે કહેશો જે, ‘જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય.’ તે ઉપર એ આશંકા છે જે, ‘પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ્ય પીવે તો શું ગાંડો ન થાય ? જરૂર ગાંડો થાય.’ માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય ? એ પ્રશ્ન છે.” પછી નિત્યાનંદ સ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે કેવળ નિવૃત્તિધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા. અને વળી જે નિવૃત્તિધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે, તેને તો પરમેશ્વરે ક્હ્યા એવા જે નિયમ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિમાર્ગ તેને વિષે સાવધાન થઈને જોડાવું. અને એ જે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિમાર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે જે, આ તો ત્યાગી છે ને નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિમાર્ગને વિષે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહિ ને ન્યૂન પણ રહેવું નહિ, અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ; એ આદિક જે વિકાર, તેનો ત્યાગ કરીને ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાર્ગને વિષે વર્તવું, તો એને કોઈ જાતનું બંધન થાય નહિ. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતા તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે.”

26. વરતાલ ૨૦ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ જનક વિદેહી હતા તે પ્રવૃત્તિ માર્ગમાં હતા તો પણ નિર્વિકાર હતા. અને જ્યારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસિની આવી, ત્યારે જનકરાજા સુલભા પ્રત્યે બોલ્યા જે, “તું મારા ચિત્તને મોહ પમાડ્યાનું કરે છે પણ મારા ગુરુ જે પંચશિખ ઋષિ, તેની કૃપા થકી હું સાંખ્ય ને યોગ; એ બે મતને અનુસર્યો છું. માટે મારા અર્ધા શરીરને ચંદન ચર્ચે અને અર્ધું શરીર તરવારે કરીને કાપે, એ બેય મારે બરોબર છે અને આ મારી મિથિલાપુરી બળી જાય તો પણ મારું કાંઈ બળતું નથી. એમ હું પ્રવૃત્તિમાં રહ્યો થકો અસંગી ને નિર્વિકાર છું. એવી રીતે રાજા જનકે સુલભા પ્રત્યે કહ્યું અને શુકદેવજીના પણ રાજા જનક ગુરુ કહેવાયા. માટે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે જે, ‘ઈન્દ્રયોની વૃત્તિ અનુલોમપણે વર્તતી હોય અને પ્રવૃત્તિમાર્ગમાં રહ્યો હોય તો પણ જો રાજા જનકની પેઠે જેના હૃદયમાં સમજણની દ્રઢતા થઈ હોય, તો તે કોઈ રીતે વિકારને પામે નહિ.’ અને જેને જેવું જાણ્યું જોઈએ તેવું યથાર્થ જાણ્યું હોય જે, આ તે સાર છે ને આ તે અસાર છે. પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયિક આકાર છે તે સર્વે અતિશય દુઃખદાયક છે ને નાશવંત છે એમ જાણે અને પોતાને દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; તે થકી નોખો આત્મારૂપે જાણે, પછી એને કોઈ એવુ પદાર્થ નથી જે, ‘ મોહ પમાડવાને અર્થે સમર્થ થાય.’ કેમ જે, એ તો સર્વે માયિક આકારને તુચ્છ કરી જાણે છે. અને એવી રીતે જેના અંતરમાં સમજણની ઘેડ્ય બેઠી હોય ને તેના ઇન્દ્રિયો પ્રવૃત્તિમાર્ગને વિષે સર્વે અનુલોમપણે વર્તતા હોય તો પણ તે કામાદિકે કરીને ક્ષોભને ન પામે. એવો જે હરિભક્ત હોય તે ત્યાગી હોય અથવા ગૃહસ્થ હોય, પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. અને એવો જે હોય તે જ સર્વે હરિભક્તમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે. માટે ગૃહીત્યાગીનો કાંઇ મેળ નથી, જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. અને શિવ, બ્રહ્માદિકને વિષે જે ખોટ્ય કહેવાય છે તેનું તો એમ છે જે, કેટલાકને વિષે તો આવી રીતની સમજણની કસર છે ને કેટલાકને વિષે તો આવી સમજણ હોય તો પણ ભૂંડા દેશ, કાળ, સંગ, ક્રિયાદિકને યોગે કરીને તેમને કામાદિક વિકારરૂપ ખોટ્ય કહેવાણી છે. માટે આવી સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે.”

27. ગઢડા અંત્ય ૫ ( para.9)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે, તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહિ, અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય. એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ બેય ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ, ક્રોધ, લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય અને જો તે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાઝ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહિ. તેને આત્મનિષ્ઠા, વૈરાગ્ય જો થોડાં હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. શા માટે જે, પ્રથમ કહ્યો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિષે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે; માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષે અતિશય પ્રીતિએ યુક્ત થાય છે.”

28. ગઢડા અંત્ય ૨૧ ( para.3)

અને અમારો પણ મત એ છે જે, ‘ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથે હેત કરીએ તો પણ થતું નથીં.’ અને અમને એમ જણાય છે જે, ‘જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે.’ માટે અમને પણ વન, પર્વત ને જંગલ; એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી, એવો અમારો સહજ સ્વભાવ છે; તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા, અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ જે, ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહિ અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો; પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહિ. અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો ને બીજા અલ્પ દોષ હોય તે સારુ ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને ભગવાનના ભક્ત હોય તેને વાદવિવાદ કરી જીતીને રાજી થવું નહિ, એ સાથે તો હારીને જ રાજી થવું; અને જે વાદવિવાદ કરીને ભગવાનનાં ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહિ. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન-જળ પણ ભાવે નહિ. અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. શા માટે જે, આપણે તો આત્મા છીએ તે આપણે દેહ ને દેહના સંબંધી સાથે શા સારુ હેત જોઈએ ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે, પણ દેહબુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહિ શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહિ. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહિ કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહિ. શા માટે જે, આ સત્સંગ છે તે તો અલૌકિક છે અને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ, તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.

(કુલ: 64)