સવિકલ્પ

સવિકલ્પ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "સવિકલ્પ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૩૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો જે, “તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો, એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી; માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ અને ઇતિહાસ તેની સાખ્યે કરીને કરો, પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ અને જો વ્યાસજીને વચને કરીને કરશો, તો અમારા માન્યામાં આવશે, કેમ જે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે.” પછી તે વેદાંતીએ ઘણીક પ્રકારની યુક્તિયો લાવીને ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજીમહારાજે તેમાં આશંકા કરી, માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએે છીએ જે, એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના બે ભેદ છે. જેમ મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ, તે જે, તે મેરુ થકી ઓરાં જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત-વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તળ તે સર્વેને પૃથક્-પૃથક્પણે દેખે છે; તેમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત તે જે તે જીવ, ઈશ્વર, માયા તથા એમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક્-પૃથક્પણે દેખે છે. અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઊભા જે પુરુષ, તે જે તે, તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વીરૂપે જ દેખે છે પણ પૃથક્ પૃથક્પણે નથી દેખતા; તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત તે જે તે જીવ, ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મરૂપે કરીને જ દેખે છે પણ પૃથક્પણે નથી દેખતા, એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે; તેની સ્થિતિને યોગે કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે ને અસત્યપણું કહેવાય છે અને સવિકલ્પ સ્થિતિવાળાનાં વચન વેદ, શાસ્ત્ર, પુરાણાદિકમાં આવે છે, તે એ સર્વેને સત્ય કહે છે; અને નિર્વિકલ્પ સ્થિતિવાળાનાં જે વચન, તે એ સર્વેને અસત્ય કહે છે, પણ કાંઈ એ સર્વે અસત્ય નથી, એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતા નથી, માટે અસત્ય કહે છે. અને વળી, જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત નથી પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ-દિવસ છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહિ, પણ બીજાને મતે તો એ સર્વે છે. અને આવી રીતે બ્રહ્મનિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાધ ન આવે ને એમ ન કરે તો પૂર્વાપર બાધ આવે. તે બાધને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચનમાત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય, તે તો મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે.” એમ કહીને બોલ્યા જે, “આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો ?” ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો જે, “હે મહારાજ ! હે પ્રભો ! હે સ્વામિન્! તમે તો પરમેશ્વર છો અને જગતના ક્લ્યાણને અર્થે પ્રગટ થયા છો, તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે; એમાં આશંકાનો માગ નથી.” એમ કહીને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો આશ્રિત થયો.

2. ગઢડા પ્રથમ ૪૦ ( para.2)

પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય જે, ‘હું નારદ, સનકાદિક ને શુકજી તે જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું અથવા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને શ્વેતમુક્ત જેવો થાઉં;’ એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ.”

3. લોયા ૧૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે, “ભગવાનનો નિશ્ચય બે પ્રકારનો છે; એક સવિકલ્પ ને બીજો નિર્વિકલ્પ. અને તે બેમાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ; એ ત્રણ પ્રકારના ભેદ છે. તે બે મળીને છ ભેદ થયા તેના લક્ષણ પૃથક્ પૃથક્ કરીને કહો.” પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ જે, ભગવાન જે તે અન્ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિષે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનનો નિશ્ચય રહે, પણ જો વધારો કરે તો ન રહે. અને મધ્યમ ભેદ તો એ જે, મનુષ્ય થકી બમણા કામાદિકને વિષે અધિક પ્રવર્તે ત્યાં સુધી પણ નિશ્ચય રહે. અને ઉત્તમ ભેદ તો એ જે, ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય, માંસ, પરસ્ત્રી, ક્રોધ, હિંસા ઈત્યાદિક ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહિ; કેમ જે, એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે, ‘ભગવાન તો સર્વના કર્તા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોક્તા છે. માટે જે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતારૂપે કરીને સર્વને વિષે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે, તો એ તો કાંઈક થોડીક એવી નીચ જેવી ક્રિયા કરી તેણે કરીને એમને કાંઈ બાધ નથી; કેમ જે, એ તો સર્વકર્તા છે.’ એવી રીતે ભગવાનને વિષે સર્વેશ્વરપણું જાણે, માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો ભગવદ્ભક્ત કહીએ.

4. લોયા ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “કેવો પુરુષ હોય તેને દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પરાભવ ન થાય ને કેવો હોય તેને થાય ? અને સાંભળ્યામાં તો એમ આવે છે જે, ‘બ્રહ્માને પણ સરસ્વતીને દેખીને મોહ થયો ને શિવજીને પણ મોહિનીને દર્શને કરીને મોહ થયો.’ માટે વિચારીને ઉત્તર કરો; કેમ જે એવા મોટાને પણ દેશકાળાદિકે કરીને પરાભવ થયો છે.” પછી તેનો ઉત્તર બ્રહ્માનંદસ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એ છે જે, નાડી પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રીનારાયણનાં ચરણારવિંદમાં રહ્યો હોય, તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશ, કાળ, સંગાદિકે કરીને પરાભવ ન થાય અને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય. અને એવી રીતે સ્થિતિ ન થઈ હોય ને દેહમાં વર્તતા હોય તો બીજા જીવને પરાભવ થાય ને એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય. અને એમ ન હોય તો, “तत्सृष्टसृष्टसृष्टेषु कोऽन्वखण्डितधीः पुमान् । ऋषिं नारायणमृते योषिन्मय्येह मायया ।।” એ શ્લોકનો અર્થ ઠીક બેસે નહિ. માટે એને વિષે રહ્યા થકા તો એક નારાયણઋષિને પરાભવ ન થાય અને બીજો તો ગમે એવો મોટો હોય ને તે જો નારાયણના ચરણારવિંદને વિષે નિમગ્ન ન રહે, તો તેને પરાભવ થાય; અને જો નિમગ્ન રહે તો ન થાય. એવી રીતે અમે અમારા અંતરમાં અચળ સિદ્ધાંત કરી રાખ્યો છે. અને તે ભાગવતમાં કહ્યું છે જે “एतदीशनमीशस्य प्रकृतिस्थोऽपि तद्गुणैः । न युज्यते सदात्मस्थैर्यथा बुद्धिस्तदाश्रया ।।” તથા ભગવાને કહ્યું છે જે, “दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।। मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ।।” એવી રીતે માયાએ કરીને નિર્લેપપણું તે એક નારાયણને જ છે અથવા તે નારાયણને નિર્વિકલ્પપણે પામ્યો હોય તેને પણ પરાભવ ન થાય અને સવિકલ્પપણે જો નારાયણને પામ્યો હોય તો તે ગમે તેવો મોટો હોય તેને પણ પરાભવ થાય.”

5. વરતાલ ૧ ( para.5)

એ શ્લોકનો એમ અર્થ છે જે, ‘વિશ્વના સર્ગ-વિસર્ગાદિક જે નવ લક્ષણ, તેણે કરીને જાણ્યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, તેને વિષે જે મુમુક્ષુની અચળમતિ થઈ; જેમ આ આંબાનું વૃક્ષ છે તે એક વાર દ્રઢ કરીને જાણ્યું. પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિષે ભ્રાંતિ ન થાય જે, ‘આંબાનું વૃક્ષ હશે કે નહિ હોય?’ તેમ જેને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે ને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ-વિકલ્પ રહેતા હોય જે, ‘બ્રહ્મપુરને વિષે કેવું ભગવાનનું સ્વરૂપ હશે ? અને શ્વેતદ્વીપ ને વૈકુંઠને વિષે કેવું ભગવાનનું સ્વરૂપ હશે? અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે ?’ એવી જાતના સંકલ્પ-વિકલ્પ કર્યા કરે, પણ પ્રકટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને. અને એવાને જો દૈવ ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ-વિકલ્પ મટે નહિ અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાને ઇચ્છે પણ મનના વિકલ્પ મટે નહિ, એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે ને સમાધિ ન હોય તોય સવિકલ્પ છે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે, અથવા નથી તો પણ તેને સદા નિર્વિકલ્પ સમાધિ જ છે.”

6. ગઢડા અંત્ય ૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન વૈરાગ્યે યુક્ત હોય ને વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય, તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહિ, ત્યાં સુધી બાધિતાનુવૃત્તિ રહી જાય છે. તેણે કરીને વિચારમાં એમ રહે છે જે, ‘રખે મારે મા, બાપ, સ્ત્રી, છોકરા, દ્રવ્ય, કુટુંબ, દેહ, ગેહ એમને વિષે પ્રીતિ રહી ગઈ હોય નહિ ?” એમ બીતો રહે છે. જેમ કોઈક શૂરવીર પુરુષ હોય તેણે પોતાના સર્વ શત્રુ મારી નાંખ્યા હોય તો પણ તે મરેલ શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે તથા સ્વપ્નમાં તે શત્રુને દેખે ત્યારે બી જાય છે. તેમ તે જ્ઞાની ભક્તને પણ જે જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાંખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાનુવૃત્તિએ કરીને અંતરમાં માયિક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધનકલત્રાદિક પદાર્થની કોઈક સમે સ્મૃતિ થઈ આવે છે ત્યારે મનમાં બી જવાય છે જે ‘રખે મને બંધન કરે !’ એવી રીતે જે પદાર્થ અંતરમાંથી અસત્ય કરી નાખ્યા તે પદાર્થની સ્મૃતિ થઈ આવે તેને બાધિતાનુવૃત્તિ કહીએ. તે બાધિતાનુવૃત્તિ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે ને એ પુરુષને ખાધા પીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુઃખની કશી ખબર રહેતી નથી. અને જ્યારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બારણે નીસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે તો બાધિતાનુવૃત્તિ રહે ખરી. માટે તે હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમો થાય ત્યારે બાધિતાનુવૃત્તિને યોગે કરીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને તે સમામાં જે બોલાય તે પણ બરલ્યા જેવું બોલાય અને ‘ઓય બાપ, ઓય મા’ એવા વચન પણ બોલાય. ત્યારે જે આ બાધિતાનુવૃત્તિના મર્મને ન સમજતો હોય તેના હૃદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય જે, ‘આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો ને અંતકાળે આમ કેમ બરલે છે ?’ અને જે અવગુણ લેવાય છે, તે બાધિતાનુવૃત્તિનો મર્મ જાણ્યા વિના લેવાય છે. અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય ને તે અંત સમે બોલતા ચાલતા ખબડદાર થકા દેહને મેલે છે અથવા કોઈક સિપાઈ ને રજપૂત હોય ને તેને શરીરમાં ઘા વાગે એટલે ખબડદાર થકા ને બોલતા ચાલતા મરી જાય છે. માટે ભગવાનથી વિમુખ હોય ને તે ખબડદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે? તેનો તે નરકમાં જ નિવાસ થાય છે. અને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું નામ-સ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાનુવૃત્તિને યોગે કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ એ ભગવાનનો ભક્ત ભગવાનનાં ચરણારવિંદને જ પામે છે.”

(કુલ: 11)