સિદ્ધાંત

સિદ્ધાંત

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "સિદ્ધાંત" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૩૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, એક પ્રશ્ન કરીએ.” ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું જે, “હે મહારાજ ! પૂછો” પછી શ્રીજીમહારાજ ઘણીકવાર સુધી વિચારીને બોલ્યા જે, “આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચવિષય વિના રહી શકે નહિ, તે જેમ એ વિમુખ જીવને પંચવિષય છે તેમ હરિજનને પણ પંચવિષય છે પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે ? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે અને ભગવાનનાં ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનનાં અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચડ્યાં એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી અને નારદ-સનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેણે પણ એવા પંચવિષય વિના રહેવાતું નથી, તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મુકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિ સમે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે પણ પોતપોતાનાં સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતાં નથી, તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા, કીર્તન શ્રવણાદિક એવો જે ચારો, તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ, પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ-વિદેશ જાય છે પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે. એ સર્વ દ્રષ્ટાંત- સિદ્ધાંત કહ્યા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, ‘જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચવિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળમાત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથાવાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહિ ?’ અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે, ‘જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા-કીર્તનાદિકરૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી માળામાં વિરામ કરો છો ? કે બીજે જ્યાં-ત્યાં વિરામ કરો છો ? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહિ અને જેનું-તેનું ખેતર ખાઈને જ્યાં- ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો ? કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં-ત્યાં બેસીને વિરામ કરો છો ?’ એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો ?” પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા જે, “હે મહારાજ ! ભગવાનની કથા કીર્તનાદિકના વિષયી પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી.” તે વાર્તાને સાંભળીને શ્રીજીમહારાજ ઘણું પ્રસન્ન થયા.

2. ગઢડા પ્રથમ ૪૨ ( para.2)

અને તે સભાને વિષે કોઈક વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા તેને જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, “વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે, ‘વિધિનિષેધ તો મિથ્યા છે અને વિધિનિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે, અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે; અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે.’ એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે ? અને સર્વે વેદાંતીના આચાર્ય જે શંકરાચાર્ય, તેણે તો પોતાના શિષ્યને દંડ-કમંડલું ધારણ કરાવ્યા અને એમ કહ્યું જે, ‘ભગવદ્‌ગીતા ને વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને ઝાઝા ચોમાસાં થયા હોય તેનું થોડા ચોમાસાંવાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી.’ એવી રીતે જે વિધિનિષેધનું પ્રતિપાદન કર્યું, તે શું એને યથાર્થ જ્ઞાન નહિ હોય ? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિનિષેધને ખોટા કરી નાખ્યા, તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા ? માટે એ તો એમ જણાય છે જે, એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને વિધિનિષેધ શાસ્ત્રમાં ખોટા કહ્યા છે તે તો એમ કહ્યા છે, જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિષે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહિ; તો ઝાડવાં તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખ્યામાં આવે ? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહિ અને ઊંચું જુવે તો મોટી મોટી સમુદ્રની લહેર્યું ઉઠતી હોય. માટે ઊંચું પણ જળ જ જણાય, ત્યારે તે વહાણને વિષે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે, ‘એકલું જળ જ છે બીજું કાંઈ નથી.’ એ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે જે, જેને બ્રહ્મસ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે, ‘એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ, ઈશ્વર અને માયા; એ આદિક સર્વે તે મિથ્યા છે.’ અને તેના વચન શાસ્ત્રમાં લખાણાં હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિનિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રૂષા કરે ને છોકરાની શુશ્રૂષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિનિષેધ તેને ખોટા કહે છે, એવા જે આ જગતને વિષે જ્ઞાનના કથનારા છે તેને તો મહાઅધમ જાણવા ને નાસ્તિક જાણવા અને શંકરાચાર્યે તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને ‘भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते !’ એ આદિક ઘણાક વિષ્ણુના સ્તોત્ર કર્યા છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદિક જે ઘણાક દેવતા તેના સ્તોત્ર કર્યા છે. જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે એવો આશય જાણીને શંકરાચાર્યે સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે અને વળી એમ કહે છે જે, ‘જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી.’ તે મૂર્ખપણામાંથી કહે છે અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિષે જડભરત શ્રેષ્ઠ છે અને જેટલાં પુરાણમાત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિષે જડભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા ચાર પગ ને ટૂંકી પૂછડી ને માથે નાની શિંગડિયો એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામબુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામિયો. તેનું કારણ એ છે જે, શ્રીકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત્ પુરુષોત્તમ ગુણાતીત દિવ્યમૂર્તિ હતા, તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થઈયો અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા, માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્યસ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે. અને જો શ્રીકૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત અને જો ગુણાતીત પદને પામિયો તો શ્રીકૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્યમૂર્તિ જ છે અને વેદાંતી કહે છે જે, ‘સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે’ ત્યારે જેમ ગોપીઓેએ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ કરી તેમ જ સર્વે સ્ત્રીઓે પોતપોતાના ધણીને વિષે પ્રીતિ કરે છે તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓેને વિષે પ્રીતિ કરે છે તો પણ તેમને ગોપીઓેના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે, માટે જે વિધિનિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી અને જે એ વિધિનિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

3. કારિયાણી ૧૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે, તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે. અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો, તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાધ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સારાં સારાં પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે, તે જો નિષ્કામભાવે કરીને, કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિષે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિષે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે, એ બાધ છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે.”

4. કારિયાણી ૧૦ ( para.4)

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! અમારું આ લોકને વિષે તથા પરલોકને વિષે સારુ થાય તે કહો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ જે અમારો સિદ્ધાંત છે તે જ આ લોક ને પરલોકને વિષે પરમ સુખનો હેતુ છે.”

5. કારિયાણી ૧૦ ( para.5)

પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈશક તો હોય અને ત્યાગ કે તપ કરતા વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહિ, ત્યારે તેનો સાચો ઈશક જાણવો. જુવોને અમે એકવિશ વર્ષ થયા શ્રીરામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ, તેમાં અનંત ભાતનાં વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે, પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી; શા માટે જે, અમારે ત્યાગનો જ ઈશક છે. અને આ સંસારને વિષે કેટલીક રાંડો છે તે ધણી મરી ગયો હોય, તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે, અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે. અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે, અને બીજી સ્ત્રીને વાસ્તે હાયહોય કરતા ફરે છે. અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય, તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌ સૌના ઈશક જુદી જુદી જાતના છે. અને અમારો તો એ જ ઈશક છે ને એ જ સિદ્ધાંત છે જે, ‘તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામી-સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી. અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહિ.’ માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજ્યો.”

6. લોયા ૪ ( para.3)

પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીકૃષ્ણનારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે; અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક અનંતરૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું ? અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એકસરખી છે કે જુદી જુદી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનની મૂર્તિ તો સદા એકસરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઇએ ત્યાં તેવી પોતાની ઇચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પોતે તો સદા દ્વિભુજ છે તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંઈ ચાર ભુજ, ક્યાંઈ અષ્ટભુજ, ક્યાંઈ અનંત ભુજને દેખાડે છે, તથા મત્સ્ય-કચ્છાદિકરૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એકરૂપે જ વિરાજમાન રહે છે. અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે અંતર્યામીરૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા તેણે શુકજીને સાદ કર્યો ત્યારે સ્થાવર-જંગમ સર્વે જીવમાં રહીને સાદ કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર-જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે. તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગકળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગકળાના નિધિ છે, તે એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે તેમાં શું કહેવું ? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે ? કેમ જે, કોઈક ગોડિયો હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ! ને તેની યથાર્થ ખબર પડતી નથી તો ભગવાનમાં તો સર્વ યોગકળાઓ રહી છે, તે મહા આશ્ચર્યરૂપ છે. તેને જીવ કેમ જાણી શકે ? માટે ભાગવતમાં કહ્યું છે જે, ‘આટલા ભગવાનની માયાને તર્યા છે’ અને વળી એમ કહ્યું જે, ‘કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી.’ તેણે કરીને એમ જાણવું જે, એ ભગવાનની યોગકળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું? તો જે, ‘એ ભગવાન તે કેમ એમ કરતા હશે ?’ અને ભગવાનને એમ સમજે જે, ‘એ તો સમર્થ છે તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે.’ એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય અને કલ્યાણની રીતિ તો એકસરખી છે; પણ ભજનારા જે પુરુષ તેને વિષે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ; એ ત્રણ પ્રકારના ભેદ છે ને તેમની૨ શ્રદ્ધા અનંત પ્રકારની છે, તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે અને તે ભગવાન અતિસમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યન્ત કોઈ સમર્થ થતો નથી, એ સિદ્ધાંત છે.”

7. લોયા ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “કેવો પુરુષ હોય તેને દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પરાભવ ન થાય ને કેવો હોય તેને થાય ? અને સાંભળ્યામાં તો એમ આવે છે જે, ‘બ્રહ્માને પણ સરસ્વતીને દેખીને મોહ થયો ને શિવજીને પણ મોહિનીને દર્શને કરીને મોહ થયો.’ માટે વિચારીને ઉત્તર કરો; કેમ જે એવા મોટાને પણ દેશકાળાદિકે કરીને પરાભવ થયો છે.” પછી તેનો ઉત્તર બ્રહ્માનંદસ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એ છે જે, નાડી પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રીનારાયણનાં ચરણારવિંદમાં રહ્યો હોય, તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશ, કાળ, સંગાદિકે કરીને પરાભવ ન થાય અને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય. અને એવી રીતે સ્થિતિ ન થઈ હોય ને દેહમાં વર્તતા હોય તો બીજા જીવને પરાભવ થાય ને એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય. અને એમ ન હોય તો, “तत्सृष्टसृष्टसृष्टेषु कोऽन्वखण्डितधीः पुमान् । ऋषिं नारायणमृते योषिन्मय्येह मायया ।।” એ શ્લોકનો અર્થ ઠીક બેસે નહિ. માટે એને વિષે રહ્યા થકા તો એક નારાયણઋષિને પરાભવ ન થાય અને બીજો તો ગમે એવો મોટો હોય ને તે જો નારાયણના ચરણારવિંદને વિષે નિમગ્ન ન રહે, તો તેને પરાભવ થાય; અને જો નિમગ્ન રહે તો ન થાય. એવી રીતે અમે અમારા અંતરમાં અચળ સિદ્ધાંત કરી રાખ્યો છે. અને તે ભાગવતમાં કહ્યું છે જે “एतदीशनमीशस्य प्रकृतिस्थोऽपि तद्गुणैः । न युज्यते सदात्मस्थैर्यथा बुद्धिस्तदाश्रया ।।” તથા ભગવાને કહ્યું છે જે, “दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।। मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ।।” એવી રીતે માયાએ કરીને નિર્લેપપણું તે એક નારાયણને જ છે અથવા તે નારાયણને નિર્વિકલ્પપણે પામ્યો હોય તેને પણ પરાભવ ન થાય અને સવિકલ્પપણે જો નારાયણને પામ્યો હોય તો તે ગમે તેવો મોટો હોય તેને પણ પરાભવ થાય.”

8. લોયા ૧૩ ( para.3)

અને ત્યાર પછી નિત્યાનંદસ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિકે કરીને વિપર્યયપણુ થાય અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદિકે કરીને પરાભવને ન પામે, એ તો ઠીક; પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય, તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને ‘मम साधर्म्यमागताः’ એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિષે કેમ ભેદ સમજવો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ ચંદ્રમા છે ને તારા છે, તેમાં ભેદ છે કે નહિ? જુવોને પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો ભેદ છે અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય, પણ બીજે તારે ન થાય અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે, પણ તારાએ કરીને ટળે નહિ; તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્યતા તે સર્વોપરી છે. અને જે રાજાવતે થાય તે ચાકર વતે થાય નહિ, સૂઝે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરુષોત્તમનારાયણ તે સર્વ કર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, અને ‘कर्तुमकर्तुम् अन्यथाकर्तुम्’ સમર્થ છે; તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિષે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, અને સૂઝે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા તેમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે, તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ્ થકા એકલા જ વિરાજમાન રહે; અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે, ‘મારા ધનુષથકી નીસર્યા જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને આ સર્વે જગતને ધારવાને હું સમર્થ છું;’ તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એનાં દર્શન પણ કરવા નહિ. અને એવી રીતની સમજણવાળાનાં દર્શન કરીએ, તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને તો જેને વિષે મોટ્યપ કહીએ તેને વિષે સંભવે. અને એને લઈને બ્રહ્મા, શિવ, નારદ, સનકાદિક, એ સર્વેને ભગવાન કહેવાય છે અને ઉદ્ધવજીને વિષે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિષે એ નારાયણને લઈએ, તો એમને પણ ભગવાન જેવા કહેવાય; અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી ? અને “अपरिमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगतास्तर्हि न शास्यतेति नियमो ध्रुव ! नेतरथा ।” એ વેદસ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન, વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, અને કીર્તન, નામસ્મરણ તે તાળીઓ વગાડી વગાડીને હાથની આંગળીયો ફાટી જાય એમ કરીએ છીએ તથા કથાવાર્તા રાત-દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ ? માટે ‘એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી.’ અને ‘एकमेवाद्वितीयं ब्रह्म’ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે. એમ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે.” એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી; ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.

9. પંચાળા ૧ ( para.6)

અને આવી રીતે અમારો વિચાર તે તમારા સર્વેના વિચાર કરતા અમને અધિક જણાયો છે, તે સારુ આ અમારા વિચારને અતિ દ્રઢપણે કરીને હૈયામાં સૌ રાખજ્યો અને આ વિચાર વિના તો જો રમણીય પંચવિષયમાં વૃત્તિ ચોંટી હોય તેને અતિ બળે કરીને ઉખાડે ત્યારે માંડ માંડ ઉખડે અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચ્યામાં લેશમાત્ર પ્રયાસ પડે નહિ, સહજે જ વિષયની તુચ્છતા જણાઈ જાય છે. અને આ જે વાર્તા છે તે જેને ઝાઝી બુદ્ધિ હોય ને ઝાઝા સુખના લોભને ઈચ્છે તેને સમજાય છે. જેમ કોડી કરતા પૈસામાં વધુ માલ છે ને તેથી રૂપિયામાં વધુ માલ છે; ને તેથી સોનામહોરમાં વધુ માલ છે ને તેથી ચિંતામણિમાં વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચવિષયનું સુખ છે, તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. માટે જે બુદ્ધિવાળો હોય ને જેની દૃષ્ટિ પૂગે તેને આ વિચાર હૃદયમાં ઠરે છે. અને આ વિચાર જેના હૃદયમાં દ્રઢ ઠર્યો હોય ને તે વનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે જે, ‘હું અનંત માણસ તથા રાજ્ય સમૃદ્ધિએ વિટાણો છું;’ એમ સમજે, પણ દુઃખિયો ન માને. અને ઇંન્દ્રના લોકમાં હોય તો જાણે જે, ‘વનમાં બેઠો છું’, પણ તે ઈન્દ્રના લોકના સુખે કરીને સુખિયો ન માને, તે સુખને તુચ્છ જાણે. તે સારુ આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજ્યો જે, ‘હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચવિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી.’ એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજ્યો. અને આ તો જે અમારો સિદ્ધાંત છે, તે તમને સર્વેને કહ્યો છે; માટે દ્રઢ કરીને રાખજ્યો.”

10. પંચાળા ૨ ( para.3)

એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “હવે તો કીર્તન ગાઓ.” પછી મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે વાજિંત્ર લઈને કીર્તન ગાવા લાગ્યા. તે પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો. અને એ સાંખ્ય ને યોગ એ બેયનો સિદ્ધાંત તમે કીર્તન ગાયા ત્યાં સુધી અમે વિચાર્યો છે, તે કહીએ તે સાંભળો- જે યોગવાળો છે તેને આત્યંતિક પ્રલયને વિષે જે અક્ષરધામમાં તેજોમય એવી દિવ્યરૂપ ભગવાનની મૂર્તિ રહી છે, તે ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા પ્રકૃતિપુરુષ રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા પ્રકૃતિપુરુષના કાર્ય જે ચોવિશ તત્ત્વ તે રૂપ ભગવાન ધ્યાન ધરવા યોગ્ય છે, અને તેથી ઓરા હિરણ્યગર્ભ ને તેથી ઓરા ચોવિશ તત્ત્વથી ઉપજ્યો જે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા પૃથ્વીને વિષે જે મત્સ્ય, કૂર્મ, નૃસિંહ, વરાહાદિક ભગવાનના અવતાર તથા શાલગ્રામાદિક પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે; એવું યોગવાળાનું તાત્પર્ય જણાણું. પછી સાંખ્યનો વિચાર ઉપજ્યો, ત્યારે તેણે એ આકારમાત્રનું નિરાકરણ કરી નાખ્યું અને એમ જણાણું જે, ‘એ સર્વના વિચારનો કરતલ જે જીવ છે, તે જેવો શુદ્ધ કોઈ નથી; માટે જીવનું ધ્યાન કરવું એ ઠીક છે.’ એવો જે સાંખ્યનો વિચાર તેને ટાળવાને અર્થે વળી યોગનો વિચાર થયો જે, એ પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિપુરુષાદિક સર્વેને વિષે અન્વયપણું છે; માટે એ સર્વે ભગવાન જ છે, ને દિવ્યરૂપ છે, ને સત્ય છે, ને ધ્યેય છે. અને એ વાતને દ્રઢ કરવાને અર્થે શ્રુતિ છે જે, ‘सर्वं खल्विदं ब्रह्म’, ‘नेह नानास्ति किञ्चन’ તથા ‘इदं हि विश्वं भगवानिवेतरो यतो जगत्स्थाननिरोधसंभवाः’ એવી રીતનો યોગમાર્ગ છે તેને વિષે પ્રવર્ત્યો જે મુમુક્ષુ તેને કોઈ વિઘ્ન નથી; શા માટે જે, એ માર્ગ સ્થૂળ છે ને એને વિષે પ્રત્યક્ષમૂર્તિ ભગવાનનું આલંબન છે. તે સારૂ જેવો-તેવો હોય તે પણ એ માર્ગે કરીને નિર્વિઘ્ન થકો મોક્ષને પામે છે; પણ એ માર્ગમાં એક દોષ છે જે, એ સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિપુરુષાદિકને અંશ-અંશીભાવ આવી જાય છે જે, ‘ભગવાનના અંશ પ્રકૃતિપુરુષ છે, અને તેના અંશ હિરણ્યગર્ભ, વિરાટાદિક છે.’ એવી રીતે સમજાય તો મોટો દોષ આવે, કાં જે, ભગવાન અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે, તેને વિષે ચ્યુતભાવ આવે છે ને અંશ-અંશીભાવ આવે છે. માટે એવો દોષ આવવા દેવો નહિ.

11. પંચાળા ૨ ( para.4)

અને એમ સમજવું જે, એ ભગવાન જેવા તો ભગવાન જ છે; ને બીજા જે પ્રકૃતિપુરુષાદિક છે તે તો એના ભક્ત છે અને એનું ધ્યાન કરે છે, માટે એ ભગવાન રૂપ છે. જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાન રૂપ જાણે છે, તેમ એ પ્રકૃતિપુરુષાદિક પણ ભગવાનરૂપ છે અને એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ તે જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરૂદ્ધરૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે, તે ધ્યાન કરવા યોગ્ય છે.’ એમ સમજે તો એ યોગમાર્ગ તે અતિશય નિર્વિઘ્ન છે ને શ્રેષ્ઠ છે. અને સાંખ્યવાળા છે તેમાં એ દોષ છે જે, એ સાંખ્યવાળા હોય તે એમ કહે છે જે, ‘અંતઃકરણે કરીને તથા ઇન્દ્રિયે કરીને જે જે ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વ મિથ્યા છે અને અનુભવે કરીને જે ગ્રહણ કર્યામાં આવે છે તે સત્ય છે.’ એવી રીતે આકારમાત્રને મિથ્યા કરે છે તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે તથા અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, એમના રૂપને પણ મિથ્યા કરે છે અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે; એવો એ મોટો દોષ છે. માટે એ સાંખ્યવાળા એમ સમજે તો ઠીક જે, સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિપુરુષથી જે જે ઊપજ્યું તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું.’ એવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે, નહિ તો શાસ્ત્રને ભણે-સાંભળે પણ આવડે નહિ. અને છે તો એમ જે, પ્રથમ સાંખ્યવિચારે કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે; તે કહ્યું છે જે, “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” તથા “आत्मारामाश्च मुनयो निर्ग्रंथा अप्युरुक्रमे । कुर्वन्त्यहैतुकीं भक्तिमित्थंभूतगुणो हरिः।।” “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्।।” એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે. કાં જે, એ સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે જે કાંઈ પંચ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષયભોગ છે, તેને અતિશય તુચ્છ જાણે છે; માટે એ કોઈ પદાર્થને વિષે આશ્ચર્ય પામે નહિ તથા બંધાય નહિ. અને એની પાસે કોઈ આવીને એમ કહે જે, આ પદાર્થ તો બહુ જ રૂડું છે.’ ત્યારે તેને એમ વિચારે જે, ‘ગમે તેવું સારુ હશે પણ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે ને ઇન્દ્રિયો-અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે નાશવંત છે.’ એવી એ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે. એવો જે સાંખ્યવાળો તેને યોગમાર્ગે કરીને ભગવાનની જે ઉપાસના, ધ્યાન, ભક્તિ તે કરવા; અને એમ ન કરે તો એને વિષે અતિ ન્યૂનતા કહેવાય છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે, તે અમે યથાર્થ વિચારીને કહ્યો છે. અને જે આધુનિક યોગવાળા ને સાંખ્યવાળા છે તેમણે તો એ બેય માર્ગને બગાડી નાંખ્યા છે. જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે, ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના આકાર તથા રામકૃષ્ણઆદિક અવતારના આકાર તે સર્વેને તુલ્યપણે જાણે છે. અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભેળે તીર્થ, વ્રત, પ્રતિમા, યમ, નિયમ, બ્રહ્મચર્યાદિક ધર્મ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા રામકૃષ્ણાદિક અવતાર; એ સર્વેનું ખંડન કરે છે. માટે આધુનિક જે સાંખ્યવાળા ને યોગવાળા તે બેય માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે.”

12. પંચાળા ૩ ( para.4)

અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞરૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું ? તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ; એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક્ જાણે છે જે, ‘એ મારે વિષે કોઈ દિવસ હોય નહિ. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું; અને એ ક્ષેત્ર તો અતિમલિન છે, જડ છે, નાશવંત છે.’ અને દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિષે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે, “तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ।। उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।।” એમ સમજીને ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાંખીને ભગવાનને વિષે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એનાં મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ન માનવા; વૈરી માનવા અને એનો ગુણ ન લેવો, ‘જે એ ભગવાનની ભક્તિને વિષે ઉપકાર કરે છે.’ કેમ જે; નેત્રે કરીને ભગવાનનાં દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનનાં કથા-કીર્તન કહેવાય છે તથા જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે; ઈત્યાદિક ભગવાનની ભક્તિને વિષે ઉપયોગી છે, એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો, એને તો વૈરી જ જાણવાં; કાં જે, શું જાણીએ એ ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ માનતાં થકા સ્ત્રીઆદિકના દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચ ઇન્દ્રિયોરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય, તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહિ ને વિશ્વાસ પણ કરે નહિ; અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે, તેમ જો ઇન્દ્રિયોરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટાં મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઈંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે, પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો-અંતઃકરણને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી; પણ એને વિષે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકને વિષે સુખ મનાવતે થકે જો સ્ત્રીઆદિકને વિષે કાંઈક સુખ મનાવી દે તો એનું કર્યું- કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપ થયે થકે જે ભગવાનને વિષે હેત થાય તે ઠીક છે; એમ અમારો સિદ્ધાંત છે. અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જે, ‘ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી;’ એમ ઇન્દ્રિયો-અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવાં એ પણ સમજણ ઠીક છે.”

13. ગઢડા મધ્ય ૧ ( para.8)

માટે આ વચન જે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમ સિદ્ધાંત છે જે, જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું, ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહિ અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી જે, ‘હું આત્મા છું, પણ દેહ તે હું નહિ.’ એક તો એ વિચાર દ્રઢ કરવો. અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે, તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું, ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશયપણે સમજવું. તે એમ વિચારવું જે, ‘પંચવિષય છે, તે તો ભગવાનના કર્યા થયા છે. માટે ભગવાનમાં તો એથી અતિ ઝાઝું સુખ છે. શા માટે જે, શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી જ સુખ હોય, પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી જ રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય, પણ બીજું ન હોય, તેમ જ રૂપમાં રૂપ સંબંધી જ સુખ હોય; તેમ જ રસ ને ગંધ તેમાં પણ પોતપોતા સંબંધી જ સુખ હોય, પણ એક વિષયમાં પંચવિષયનું સુખ ભેળું ન આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યાં છે, તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણકામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણકામ કરે છે. અને માયિક જે વિષયસંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે.’ એવો જે ભગવાનના સ્વરૂપના માહાત્મ્યનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. એ જે ત્રણ વિચાર કહ્યા તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહિ; જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે અને તેવી જ રીતે પશુ, પક્ષી, લાકડા, છાણા, પથરા, સુવર્ણ; એ સર્વને તુલ્યપણે જુએ, પણ સારુ પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચવિષયને વિષે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિષે ભેદ રહે નહિ, એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તે શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે, ‘समलोष्टाश्मकाञ्चनः’ એવા જેના લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્ત્વે કરીને જાણ્યું છે અને એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવો અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः’ માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વ્હાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાહ્યાને જ આવે એમ નથી, જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય અને ડાહી હોય ને તે વ્યભિચારિણી હોય. માટે ડાહ્યાભોળાનો કાંઈ મેળ નથી, એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી તે તો જાણે જે એક દિવસે જ એમ કરી લઉં ને નિર્મોહી થઉં, એમ ઉતાવળે એ કામ થતું નથી, એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથરો નાખ્યો હોય તેમાં પાણી સિંચતાં સિંચતાં દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી એને વિષે આકળા થઈને અકળાઈ જવું નહિ. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે, ‘अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ।’ માટે એમ વિચારવું જે, ‘આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતા જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે, પણ ભગવાનના ભક્ત છીએ તે નરકચોરાશીમાં તો જવું નથી.’ એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો અને જ્યાં સુધી સારા ને નરસા; એ બે વિષય તુલ્ય ન જણાય, ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધનદશામાં કહેવાય અને જ્યારે સારા-નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધદશાને પામ્યો જાણવો. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે, ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ; એ સર્વે ગ્રંથનો એ જ ગલિતાર્થ છે. આ જે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દ્રઢ કરીને રાખજ્યો.”

14. ગઢડા મધ્ય ૮ ( para.8)

એ શ્લોકનો અર્થ એ છે જે, ‘આ સંસારને વિષે ભગવાનના અંશ જે જીવ છે, તે તો મને સહિત જે પંચજ્ઞાનઇન્દ્રિયો તેને પંચવિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે; અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઇચ્છા હોય ત્યાં લઇ જાય છે.’ માટે આપણે સર્વે ઇન્દ્રિયોના દોર્યા દોરાતાં નથી, તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને ચાર વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અઢાર પુરાણ, ભારત, રામાયણ અને નારદપંચરાત્ર; એ આદિક સર્વ શાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે, ‘યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે, સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાનયજ્ઞ કરતા રહેજ્યો અને એમ ને એમ જ્ઞાનયજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય, એ જ જ્ઞાનયજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાનયજ્ઞ કરતા કરતા જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે, એવું થવાય ત્યારે જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો અને જ્યાં સુધી એવું ન થવાય, ત્યાં સુધી એટલું અધુરું જાણવું. અને નિરન્નમુક્ત જેવા થવાની અતિશય ઇચ્છા રાખવી, પણ શ્રદ્ધારહિત થવું નહિ અને પોતાને વિષે અપૂર્ણપણું માનવું નહિ ને ભગવાનની પ્રાપ્તિ થઇ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને ને સાવધાન થઇને જ્ઞાનયજ્ઞ કર્યા કરવો.”

15. ગઢડા મધ્ય ૧૦ ( para.6)

હવે યોગશાસ્ત્રનો મત કહીએ તે સાંભળો. યોગનો મત એમ છે જે, જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દૃષ્ટિ સ્થિર કરવી. તે દૃષ્ટિ સ્થિર કરવા સારુ ભગવાનની પ્રતિમા અથવા બીજું કાંઇ પદાર્થ હોય તેમાં પ્રથમ દૃષ્ટિને ઠરાવવી. પછી એક ને એક આકાર જોતા થકા દૃષ્ટિ સ્થિર થઇ જાય ત્યારે તે ભેળુ અંતઃકરણ પણ સ્થિર થાય છે. અને જ્યારે અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી. તેમાં ધારણ કરનાર યોગીને પ્રયાસ ન પડે, સુખે ધરાય છે. અને જો પ્રથમથી અભ્યાસ કરીને અંતઃકરણ સ્થિર ન કરે તો જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજા પણ કેટલાક ટિખળ આડાં આવીને ઊભા રહે. માટે યોગશાસ્ત્રનો એ સિદ્ધાંત છે જે, ‘પ્રથમ અભ્યાસ કરીને વૃત્તિ સ્થિર કરવી ને પછી ભગવાન સંગાથે જોડવી.’ એમ જાણવું એ યોગશાસ્ત્ર સંબંધી જ્ઞાન છે. એવી રીતે એ બે શાસ્ત્રને મતે કરીને જે સમજણ દ્રઢ કરવી, તેનું નામ જ્ઞાન છે. હવે ભક્તિની રીત તો એમ છે જે, જ્યારે સમુદ્રમંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નીસર્યા. પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઇને વિચાર કર્યો જે, ‘વરવા યોગ્ય કોણ છે ? તેને હું વરું.’ પછી જ્યાં તપાસીને જોયું ત્યાં તો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહિ ને જેમાં કાંઇક ગુણ તેમાં રૂપ નહિ. એવી રીતે ઘણાકને વિષે મોટા મોટા કલંક દીઠા. પછી દેવતા માત્ર તથા દૈત્ય માત્ર તેને કલંકના ભર્યા દેખીને સર્વ ગુણે કરીને સંપૂર્ણ અને સર્વ દોષે રહિત ને સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને જ દીઠા ત્યારે લક્ષ્મીજીને ભગવાનને વિષે દ્રઢ ભક્તિ થઇ. પછી અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાળા પહેરાવી ને ભગવાનને વર્યાં. માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા ને પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો તેનું જ નામ ભક્તિ છે.”

16. ગઢડા મધ્ય ૧૩ ( para.8)

અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધકર્મને વશ થઈને જો કોઈક નીચ ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્રાસુરની પેઠે જ્ઞાન જાય નહિ તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહિ. એવું આ જ્ઞાનનું અતિશય માહાત્મ્ય છે. અને નારદ, સનકાદિક ને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. અને આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ. અને સદ્‌ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે, ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાના બુદ્ધિબળે કરીને સદ્‌ગ્રંથોમાંથી પણ સમજાતી નથી. અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજ્યામાં આવ્યું છે તેને જો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળને વિષે દૃષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહિ; અને કોઈકને વર કે શાપ દે નહિ અને કોઈ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા; અને કોઈ ઠેકાણે નિર્ભય રહે ને કોઈ ઠેકાણે બીવે પણ ખરા; પણ તેણે કરીને પોતે કાંઈ હર્ષ શોક મનમાં લાવે નહિ. અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહિ, પણ કદાચિત્ ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહિ. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. અને એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય; જુઓને, અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈકને વઢીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, તેનું એ જ પ્રયોજન છે જે, ‘કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારુ થાય.’ માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજ્યો અને ‘જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે,’ એમ જાણજ્યો અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજ્યો જે, ‘અક્ષરરૂપ જે તેજ તેને વિષે જે મૂર્તિ છે, તેને મહારાજ દેખે છે.’ એમ જાણશો તો પણ તમારે મારે વિષે હેત રહેશે, તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્યે નવી ને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશો મા. આજ છે તેવી જ કાલ નવી રાખજ્યો અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવી ને નવી રાખજ્યો. અને જે જે ભગવાનની વાત કરો તે તે વાતને વિષે આ વાતનું બીજ લાવજ્યો, એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે, દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી, તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હવા જે, ‘જે તેજને વિષે મૂર્તિ કહી તે જ આ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે.’

17. ગઢડા મધ્ય ૨૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે, તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે, તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે, કાં ભગવાનના સંતના ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તા હર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ, તેનું જેવું માહાત્મ્ય જાણે છે, તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈએ સમજવું બાકી રહ્યું નહિ. તે આ વાર્તા એકવાર કહ્યે સમજો અથવા લાખવાર કહ્યે સમજો; આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો; પણ એ વાત સમજે જ છૂટકો છે. અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું માહાત્મ્ય છે, તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહિ. જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ અને પરાશરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડયા, તો પણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત; તેનો પરોક્ષના જેવો જો માહાત્મ્યે યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડયા નહિ. માટે સર્વ શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે.”

18. ગઢડા મધ્ય ૨૨ ( para.2)

ત્યારે શ્રીજીમહારાજ સાધુ પ્રત્યે બોલ્યા જે, “એક વાર્તા કરીએ તે સાંભળો જે, જેમ બે સેના હોય; ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેયના નિશાન સામસામા રોપ્યાં હોય, પછી બેયના મનમાં એમ હોય જે, ‘આપણું નિશાન છે, તે એનાં નિશાનને ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ.’ પણ એવો વિચાર નથી થતો જે, ‘એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકનાં માથાં પડશે ને લોહીની નદી ચાલશે.’ તેનો તો એને ભય નથી; કાં જે, શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહિ. અને જે કાયર છે તે તો ભાગ્યાના હજારો વિચાર કરે છે અને એમ પણ વિચાર કરે છે જે, ‘આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન, હથિયાર હશે તે લૂંટી લઈશું.’ અને તે બેય રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટવાનો પણ લોભ નથી; પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી, એવો જ એક સંકલ્પ છે. એ તો દ્રષ્ટાંત છે; એનું સિદ્ધાંત તો એ છે જે, નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે અને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે, તેને તો આ સંસારને વિષે માન થાઓ અથવા અપમાન થાઓ, દેહને સુખ થાઓ અથવા દુઃખ થાઓ, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી જે, ‘આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે.’ એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. એ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે, ‘આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વચમાં ક્યાંઈ લોભાવું નથી.’ અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે, તેને તો પ્રભુ ભજ્યામાં હજાર જાતના ઘાટ થાય છે જે, ‘જો કરડાં વર્તમાન થશે તો નહિ નભાય ને સુગમ વર્તમાન હશે તો નભાશે.’ અને વળી એવો પણ વિચાર કરે જે, ‘આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખિયા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું.’ એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો. અને શૂરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ-બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય.”

19. ગઢડા મધ્ય ૨૭ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પ્રથમ આવરણ થઈ જાય એવી કાચ્યપ રહે છે, તે શાને યોગે રહે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશકાળાદિક જે આઠ છે, તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે, તેવું જ એક એકમાં છે. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત-દુષ્કૃત થાય તો વેદ, શાસ્ત્ર ને પુરાણ તેને વિષે વિધિનિષેધના ભેદ કહ્યા છે જે, ‘આ કરવું ને આ ન કરવું’ તે સર્વ ખોટું થઈ જાય; તે એ મોટાના કરેલાં શાસ્ત્ર તો ખોટા થાય જ નહિ. અને જય વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ, કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહ્લાદને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહિ અને જો સનકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય, જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે. અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહિ અને જો કોઈ ઉપર મલિન ઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઈ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુઃખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે, ‘ભગવાન સર્વાંતર્યામી છે, તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે. માટે જેને અમે દુઃખવ્યો તેના જ અંતરમાં વિરાજમાન હશે, ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો.’ એમ જાણીને તેને પગે લાગીને તેને કાંઈક જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ અને વળી અમે વિચારીને જોયું જે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહિ; ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે, તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવના કલ્યાણ થશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખ્યે પણ કેમ ઠીક પડે ? એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યા જોઈએ, તુલસી લાવ્યા જોઈએ, ભાજીતરકારી લાવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ. માટે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મૂઠી વાળીને બેસી રહે, તેણે ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિએ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય, એટલે પછવાડેથી અંધપરંપરા ચાલે. તે સારુ અમે મંદિર કરાવ્યા છે; તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારુ કરાવ્યા છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહિ. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી, એ અમારો સિદ્ધાંત છે.”

20. ગઢડા મધ્ય ૨૮ ( para.3)

અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે, તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. અને જેનું રૂડું થાય છે, તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે અને જેનું ભૂંડું થાય છે, તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે, ‘ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારુ નથી જાણતો.’ અને સર્વ શાસ્ત્રનું પણ એ જ સાર છે જે, ‘ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું.’ અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. અને જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે, ને ભગવાનનો રાજીપો છે, ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે; કેમ જે, જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે, તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા છે, તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારુ જન્મોજન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે, તેમ જ તમારે પણ નિશ્ચય કરવો.” પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું જે, “હે મહારાજ ! અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે.” એમ કહીને સર્વે હરિભક્ત વિનતિએ સહિત શ્રીજીમહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે ? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દમાત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે, તે સર્વેને આ વાર્તા છે, તે જીવનદોરી રૂપ છે.”

21. ગઢડા મધ્ય ૪૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, પ્રશ્ન-ઉત્તર કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે પૂછ્યુ જે, “જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય અને તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્યસમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિષે પ્રીતિ તો હોય.” ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યુ જે, “સત્તારૂપે રહ્યો એવો જે ભક્ત, તેને ભગવાનને વિષે પ્રીતિ છે, તે આત્માને સજાતિ છે કે વિજાતિ છે ?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એ પ્રીતિ તો આત્માને સજાતિ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્લભાચાર્ય એમણે આત્મારૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી, એ પ્રીતિને બ્રહ્મસ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મસ્વરૂપ છે, એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે.”

22. વરતાલ ૧૮ ( para.3)

અને સર્વે જે આચાર્ય થયા છે, તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિમ્બાર્ક ન કહેવાય, વિષ્ણુસ્વામી ન કહેવાય, વલ્લભાચાર્ય ન કહેવાય; કેમ જે, એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહિ તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી. કેમ જે, વ્યાસજી તો વેદના આચાર્ય છે, ને પોતે ભગવાન છે. માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું. અને તે જે વ્યાસજી તેણે જીવના ક્લ્યાણને અર્થે વેદનો૨ વિભાગ કર્યો ને સત્તર પુરાણ કર્યા ને મહાભારત કર્યું, તો પણ તે વ્યાસજીના મનમાં એમ થયું જે, ‘જીવના કલ્યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો.’ ને તેણે કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. તે પછી સમગ્ર વેદ, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તેનું સાર એવું જે શ્રીમદ્‌ભાગવત પુરાણ તેને વ્યાસજી કરતા હવા. તે ભાગવતને વિષે સર્વ અવતાર કરતા શ્રીકૃષ્ણ ભગવાનને જ અધિકપણે કહ્યા છે ને સર્વ અવતારના ધરનારા જે છે તે જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે. અને એ શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે ગુણવિભાગના અધ્યાયમાં કહ્યું છે જે, ‘હું નિર્ગુણ છું ને મારા સંબંધને જે પામે છે તે પણ નિર્ગુણ થાય છે.’ માટે કામભાવ, દ્વેષભાવ, ભયભાવ, સંબંધભાવ, સ્નેહભાવ; એમાંથી જે જે ભાવે કરીને એ શ્રીકૃષ્ણ ભગવાનને જે જીવ આશર્યા તે નિર્ગુણ થઈ ગયા. માટે એ શ્રીકૃષ્ણ ભગવાન તે નિર્ગુણ છે. એવી રીતે વ્યાસજીએ શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા છે. અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે જે, ‘સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર, તે જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે ને બીજા જે અવતાર તે એના છે.’ અને જો એ શ્રીકૃષ્ણ ભગવાનને નિર્ગુણ નહિ કહે ને શુદ્ધ સત્ત્વાત્મક કહેશે, તો તેને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી ને તેને વિષે મોટો બાધ આવશે; કેમ જે, ગોપીઓએ શ્રીકૃષ્ણને ભગવાન ન જાણ્યા ને કામભાવે કરીને એ જ શ્રીકૃષ્ણ ભગવાનને ભજ્યા, તેણે કરીને તે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ, ત્યારે તે શ્રીકૃષ્ણ ભગવાનને શુદ્ધ સત્ત્વાત્મક કેમ કહેવાય ? માટે શ્રીકૃષ્ણ ભગવાન તો નિર્ગુણ જ છે. તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે અર્જુન પ્રત્યે કહ્યું છે જે,

23. વરતાલ ૨૦ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ જનક વિદેહી હતા તે પ્રવૃત્તિ માર્ગમાં હતા તો પણ નિર્વિકાર હતા. અને જ્યારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસિની આવી, ત્યારે જનકરાજા સુલભા પ્રત્યે બોલ્યા જે, “તું મારા ચિત્તને મોહ પમાડ્યાનું કરે છે પણ મારા ગુરુ જે પંચશિખ ઋષિ, તેની કૃપા થકી હું સાંખ્ય ને યોગ; એ બે મતને અનુસર્યો છું. માટે મારા અર્ધા શરીરને ચંદન ચર્ચે અને અર્ધું શરીર તરવારે કરીને કાપે, એ બેય મારે બરોબર છે અને આ મારી મિથિલાપુરી બળી જાય તો પણ મારું કાંઈ બળતું નથી. એમ હું પ્રવૃત્તિમાં રહ્યો થકો અસંગી ને નિર્વિકાર છું. એવી રીતે રાજા જનકે સુલભા પ્રત્યે કહ્યું અને શુકદેવજીના પણ રાજા જનક ગુરુ કહેવાયા. માટે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે જે, ‘ઈન્દ્રયોની વૃત્તિ અનુલોમપણે વર્તતી હોય અને પ્રવૃત્તિમાર્ગમાં રહ્યો હોય તો પણ જો રાજા જનકની પેઠે જેના હૃદયમાં સમજણની દ્રઢતા થઈ હોય, તો તે કોઈ રીતે વિકારને પામે નહિ.’ અને જેને જેવું જાણ્યું જોઈએ તેવું યથાર્થ જાણ્યું હોય જે, આ તે સાર છે ને આ તે અસાર છે. પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયિક આકાર છે તે સર્વે અતિશય દુઃખદાયક છે ને નાશવંત છે એમ જાણે અને પોતાને દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; તે થકી નોખો આત્મારૂપે જાણે, પછી એને કોઈ એવુ પદાર્થ નથી જે, ‘મોહ પમાડવાને અર્થે સમર્થ થાય.’ કેમ જે, એ તો સર્વે માયિક આકારને તુચ્છ કરી જાણે છે. અને એવી રીતે જેના અંતરમાં સમજણની ઘેડ્ય બેઠી હોય ને તેના ઇન્દ્રિયો પ્રવૃત્તિમાર્ગને વિષે સર્વે અનુલોમપણે વર્તતા હોય તો પણ તે કામાદિકે કરીને ક્ષોભને ન પામે. એવો જે હરિભક્ત હોય તે ત્યાગી હોય અથવા ગૃહસ્થ હોય, પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. અને એવો જે હોય તે જ સર્વે હરિભક્તમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે. માટે ગૃહીત્યાગીનો કાંઇ મેળ નથી, જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. અને શિવ, બ્રહ્માદિકને વિષે જે ખોટ્ય કહેવાય છે તેનું તો એમ છે જે, કેટલાકને વિષે તો આવી રીતની સમજણની કસર છે ને કેટલાકને વિષે તો આવી સમજણ હોય તો પણ ભૂંડા દેશ, કાળ, સંગ, ક્રિયાદિકને યોગે કરીને તેમને કામાદિક વિકારરૂપ ખોટ્ય કહેવાણી છે. માટે આવી સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે.”

24. ગઢડા અંત્ય ૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે,”અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહિ; ને એમનો અભાવ આવવા દેવો નહિ અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહના સગાંસંબંધીને વહાલા રાખવા નહિ. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ, ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિષે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાને વિષે રહે છે. તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે, ‘હું રખે મરીને ભૂત પ્રેત થઉં કે રખે ઈન્દ્રલોકને જ પામું કે રખે બ્રહ્મલોકને જ પામું.’ એવી આશંકા મનમાં રાખવી નહિ. કેમ જે, જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહિ. અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિષે દ્રઢ કરીને રાખવું. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઊખડે નહિ, તેમ ભગવાનનના ચરણારવિંદને વિષે પોતાના મનને દ્રઢ રાખવું. અને એવી રીતે જે ભગવાનના ચરણારવિંદને વિષે પોતાના મનને રાખે; તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો છતે દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને સર્વે સભાને ઊઠવાની આજ્ઞા કરી.

25. ગઢડા અંત્ય ૧૦ ( para.3)

એવી રીતના જે શ્રીજીમહારાજના વચન, તેને સાંભળીને તે બ્રાહ્મણ એમ બોલ્યો જે, “હે મહારાજ! તમે જે પ્રશ્ન કર્યો તે સત્ય છે, ને તમારા પ્રશ્નનો ઉત્તર કરવાને આ પૃથ્વી ઉપર કોઈ સમર્થ નથી અને મારા મનને તો તમારા સ્વરૂપની દ્રઢ પ્રતીતિ આવી છે જે, ‘તમે તો સર્વ આચાર્યના આચાર્ય છો ને ઈશ્વરના ઈશ્વર છો.’ માટે મને તમારો સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ; એ સર્વ શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે; જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર; એ સર્વે અનાદિ છે. અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે અને પૃથ્વીમાં રહ્યા જે બીજ તેને ઠેકાણે જીવ છે અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે. તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંઘાથે સંબંધ થાય છે ત્યારે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતા જે બીજ તે સર્વે ઉગી આવે છે, તેમ માયામાંથી અનાદિ કાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે, પણ નવા જીવ નથી થતા. માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે ને તે માયાને વિષે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે. પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી. એ તો અનાદિ જીવ જ છે, તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્યારે ભગવાનની માયાને તરે ને નારદ-સનકાદિકની પેઠે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે ને ભગવાનનો પાર્ષદ થાય છે. એવી રીતે અમારો સિદ્ધાંત છે.” એવી રીતના જે શ્રીજીમહારાજના વચન, તેને સાંભળીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવપણાના મતનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો સમાશ્રય કરતો હવો અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો હવો.

26. ગઢડા અંત્ય ૧૫ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજીમહારાજે કહ્યું જે, “આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી.” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! કેવી રીતે વાત કરી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાત તો એમ કરી જે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમે એનો જીવ પ્રથમ જે જે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચવિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ, ક્રોધ, લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્યો હોય, તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાયે આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂવે, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહિ ત્યાં સુધી ઘાની વેદના ટળે નહિ ને નિદ્રા પણ આવે નહિ; ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે. તેમ ભૂંડા દેશ, કાળ, સંગ અને ક્રિયા તેને યોગે કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે, તે જ્યારે નવધા ભક્તિ માંહિલી જે ભક્તિ કરતા થકા એ પંચવિષયની ઘાની પીડા ન રહે ને પંચવિષયનું સ્મરણ ન થાય એ જ એને પાટો ગોઠ્યો જાણવો અને એ જ એને ભજન- સ્મરણનું અંગ દ્રઢ જાણવું. પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામ સ્મરણ કરવું, જે કરવું તે એ પોતાના અંગમાં રહીને કરવું, તો એને અતિશય સમાસ થાય. અને જો પોતાના અંગને ઓળખે નહિ તો જેમ ઘાયલને પાટો ગોઠે નહિ ને સુખ ન થાય, તેમ એને ભજન-સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચવિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહિ. માટે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહિ, ત્યારે તે હરિભક્તને એમ જાણવું જે, ‘મારું તો એ જ અંગ છે.’ પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી, એ સિદ્ધાંત વાર્તાછે.”

27. ગઢડા અંત્ય ૨૬ ( para.3)

પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ; પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન ન કરી શકે, તે પુરુષ કેવો હોય ? તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, “આ લોકમાં જે સારુ-નરસું કર્મ કરે છે, તેનું જે સારુ-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે,’ એવી દૃઢ મતિ જેને હોય તથા લાજ હોય જે, ‘ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું ?” એવો જે હોય, તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીઆદિક તે બંધન કરી શકે નહિ. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી-ધનાદિક પદાર્થનો યોગ થાય, તો પણ એ ડગે નહિ. અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે, ‘હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું,’ એવું અંગ હોય; તથા બીજું એમ હોય જે, ‘ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે જે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે.’ એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારુ જે, ‘આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે અને એમ સમજે જે, ‘હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે.’ એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથી હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહિ. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય, તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે.”

28. ગઢડા અંત્ય ૩૬ ( para.3)

એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દાદાખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી જે, “અમે સર્વ શાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાણે ફર્યા ને તેને વિષે ઘણાક સિદ્ધ દીઠા છે.” એમ કહીને ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા જે, “હું તો એમ જાણું છું જે, ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન, તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહિ ને ઉપાસનાએ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહિ. અને ઉપાસના વિના આત્મા-બ્રહ્મને દેખવાને ઈચ્છવું તે કેમ છે ? તો, જેમ આકાશને જીભે કરીને સો વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો, ખારો સ્વાદ આવે જ નહિ, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહિ. તે ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય. અને નિર્બીજ એવા જે સાંખ્ય ને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે; પણ અમે એવો કોઈ દીઠો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી. માટે એ વાર્તા ખોટી છે.”

29. ગઢડા અંત્ય ૩૮ ( para.3)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિષે બેઠા-ઊઠ્યાની વાસના તથા રસને વિષે જિહ્વાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય, એ છો વાનાં જેને હોય, તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ, સુખ તો ક્યારેય થાય જ નહિ. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા. ને નિવૃત્તિપર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી, ને દેહાભિમાને રહિત ને વૈરાગ્યે યુક્ત ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત્વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય. એવા જે ભગવદ્ ભક્ત મોટા સાધુ તે સંઘાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન, કર્મ, વચને વર્તવું. ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહિ. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠા રહે જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે.”

30. ગઢડા અંત્ય ૩૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી જે, “ભગવાનની માયા તે કઈ છે ? તો ‘દેહને વિષે અહંબુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિષે મમત્વબુદ્ધિ’ એ જ માયા છે, તે એ માયાને ટાળવી. અને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય. અને ‘એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી’ એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહ્લાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત, તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે, ‘અહં મમત્વરૂપ માયા થકી રક્ષા કરજ્યો અને તમારે વિષે પ્રીતિ થજ્યો, અને એ માયાને તર્યા હોય ને તમારે વિષે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, તેનો સંગ થજ્યો અને એ સાધુને વિષે હેત ને મમત્વ થજ્યો.’ માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનો શ્રવણ, મનન, નિદિધ્યાસ કરવો.

(કુલ: 33)