ભજનાનંદ

ભજનાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "ભજનાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. કારિયાણી ૧ ( para.6)

ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! આ શ્રુતિમાં એમ કેમ કહ્યું છે જે “यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह । ?” ત્યારે શ્રીજીમહારાજ પ્રસન્ન થકા બોલ્યા જે, “એનું એમ છે જે, જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી અને જળ આકાશને વિષે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું અને તેજ આકાશને વિષે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું અને વાયુ આકાશને વિષે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો, એમ૬ મન વાણી ભગવાનને નથી પામતા.”

2. કારિયાણી ૩ ( para.3)

ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક કે શરીરને દમે તે ઠીક ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઈએ અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ. તેમાં શરીરના દોષ તે શું ? જે, શિશ્ન ઇન્દ્રિય વારંવાર જાગ્રત થાય તથા તેમાં ચેળ થાય તથા ઠેકડો ભરવો તથા ઘડી એકમાં સર્વને જોઈ વળવું તથા ઘડી એકમાં ઘણાક પ્રકારના ગંધ સૂંઘી લેવા તથા વિશ પચીશ ગાઉની મજલ કરવી, તથા બળે કરીને કોઈકને મળીને તેના હાડકાં ભાંગી નાખવાં તથા સ્વપ્નમાં વીર્યપાત થાય; ઈત્યાદિક જે દોષ છે તે સર્વે દેહના દોષ છે, પણ મનના નથી. તે એ શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય તોય પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ; તે રહ્યા કરે તે મનના દોષ જાણવા. એમ મનના ને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમવે કરીને ટાળવા અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા, તેને વિચારે કરીને ટાળવા જે, ‘હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું.’ એવી રીતે શરીરનું દમન ને વિચાર, એ બે જેને હોય તે મોટો સાધુ છે. અને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહિ તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહિ, માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે. અને શરીરનું દમન ને વિચાર એ બે વાનાં તો ગૃહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યાં જોઈએ, ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યાં જ જોઈએ.”

3. કારિયાણી ૪ ( para.2)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “માહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું, જે “આ દેહને વિષે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે ?” પછી ભજનાનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બુદ્ધિ છે તે આ દેહને વિષે નખશિખા પર્યન્ત વ્યાપીને રહી છે. તે બુદ્ધિ જે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એકકાળાવછિન્ન જાણે છે. તે બુદ્ધિને વિષે જીવ વ્યાપીને રહ્યો છે, તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું. અને તે જીવને વિષે સાક્ષી રહ્યા છે, માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાયું.”

4. લોયા ૧ ( para.5)

અને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! કનિષ્ઠ વૈરાગ્ય ને મધ્યમ વૈરાગ્ય ને ઉત્તમ વૈરાગ્ય; એ ત્રણ પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કનિષ્ઠ વૈરાગ્યવાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કહ્યા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે, પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં એનું ચિત્ત ચોંટી જાય અને એનું ઠેકાણું ન રહે, તેને કનિષ્ઠ વૈરાગ્યવાળો કહીએ. અને જે મધ્યમ વૈરાગ્યવાળો હોય તે તો કદાચિત્ જો સ્ત્રીને ઉઘાડી થકી દેખી જાય તોય પણ જેમ પશુને ઉઘાડા દેખીને ક્ષોભ થતો નથી તેમ તેના મનમાં ક્ષોભ ન થાય ને તે સ્ત્રીના અંગમાં ચિત્ત ચોંટી જાય નહિ, તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને જે ઉત્તમ વૈરાગ્યવાળો હોય તેને તો જો કદાચિત્ એકાંતમાં સ્ત્રીઆદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહિ, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ.”

5. લોયા ૧ ( para.6)

અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ; એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે અને પછી તેવો પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈક દુષ્ટ જીવ દ્રોહ કરતા હોય તેનું કાંઈ ભૂંડું ન થાય ત્યારે તેને નિશ્ચય રહે નહિ, એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ. અને મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનનાં શુભ-અશુભ એવા મનુષ્ય ચરિત્રને દેખે ત્યારે તેમાં મોહ થાય ને નિશ્ચય રહે નહિ, તેને મધ્યમ જ્ઞાનવાળો કહીએ. અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે જે, ભગવાનને ગમે તેવી શુભ-અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ થાય નહિ ને નિશ્ચય જાય નહિ તથા જેણે પોતાને નિશ્ચય કરાવ્યો હોય ને તે જ વળી કહે જે, ‘એ ભગવાન નથી.’ ત્યારે તેને એમ જાણે જે, ‘એનું માથું ફર્યું છે.’ એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ. અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય અને મધ્યમ જ્ઞાનવાળો બે-ત્રણ જન્મે કરીને સિદ્ધ થાય અને ઉત્તમ જ્ઞાનવાળો તે જ જન્મે કરીને સિદ્ધ થાય.” એવી રીતે વાર્તા કરી.

6. ગઢડા મધ્ય ૬૩ ( para.1)

સંવત્ ૧૮૮૧ના માગશર વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ્ ભાગવતનો પાઠ કરતા હતા ને પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

(કુલ: 7)