વચનામૃત ૫ : માહાત્મ્યે યુક્ત ભક્તિનું

સંવત્ ૧૮૮૩ના ભાદરવા સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદીતકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિષે મોગરાનાં પુષ્પના હાર પહેર્યા હતા અને પાઘને વિષે મોગરાનાં પુષ્પના તોરા વિરાજમાન હતા ને હાથને વિષે મોગરાનાં પુષ્પના ગજરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયમાં શ્રીજીમહારાજે કહ્યું જે, “કોઈક પ્રશ્ન પૂછો.” પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ન થાય; એવી તે કઈ ભક્તિ છે ? અને જે ભક્તિમાં કાંઈક વિઘ્ન થાય છે તે કઈ જાતની ભક્તિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તૃતીયસ્કંધમાં કપિલગીતાને વિષે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્યે કહ્યું છે જે-

“यन्नामधेयश्रवणानुकीर्तनाद्यत्प्रह्वणाद्यत्स्मरणादपि क्वचित् ।

श्वादोऽपि सद्यः सवनाय कल्पते कथं पुनस्ते भगवन्नु दर्शनात् ।।

अहो बत श्वपचोऽतो गरीयान् यज्जिह्वाग्रे वर्तते नाम तुभ्यम् ।

तेपुस्तपस्ते जुहुवुः सस्नुरार्या ब्रह्मानूचुर्नाम गृणन्ति ये ते ।।”

એ બે શ્લોકે કરીને જેવું ભગવાનનું માહાત્મ્ય કહ્યું છે તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્યે પોતાનું માહાત્મ્ય કહ્યું છે જે, “मद्भयाद्वाति वातोऽयं सूर्यस्तपति मद्भयात् । वर्षतीन्द्रो दहत्यग्निर्मृत्युश्चरति मद्भयात्।।” એવી રીતે માહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્ન આવે નહિ અને માહાત્મ્ય જાણ્યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિઘ્ન આવે છે.

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “માહાત્મ્ય યુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શુક, સનકાદિક જેવા જે મોટાપુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી માહાત્મ્યે સહવર્તમાન એવી જે ભક્તિ, તે જીવના હૃદયમાં ઉદય થાય છે.”

પછી શુકમુનિએ પૂછ્યું જે, “એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે, તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહિ, અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય. એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ બેય ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ, ક્રોધ, લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય અને જો તે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાઝ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહિ. તેને આત્મનિષ્ઠા, વૈરાગ્ય જો થોડાં હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. શા માટે જે, પ્રથમ કહ્યો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિષે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે; માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષે અતિશય પ્રીતિએ યુક્ત થાય છે.”

।। ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ।।૫।।૨૨૮।।