વચનામૃત ૫૪ : સર્વ સાધનથી સત્સંગ અધિક કહ્યો, તેનું - ગોખરનું, આત્મબુદ્ધિનું

સંવત્ ૧૮૮૦ના જ્યેષ્ઠ સુદિ ૭ સપ્તમીને દિવસ ત્રીજા પહોરને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ત્યાં ઘણી વાર સુધી તો ઘોડી ફેરવી. પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિષે મોગરાનાં પુષ્પનો હાર વિરાજમાન હતો ને પાઘને વિષે તોરો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે, ‘અષ્ટાંગયોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થઉં છું;’ એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતા સત્સંગ અધિક થયો. તે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય ?” પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ છે. જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે ને મૂછો તાણે તો પણ અભાવ આવે નહિ અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહિ; શા માટે જે, એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધિ થઈ ગઈ છે; એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે, તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે, “यस्यात्मबुद्धिः कुणपे त्रिधातुके स्वधीः कलत्रादिषु भौम इज्यधीः । यत्तीर्थबुद्धिः सलिले न कर्हिचिज्जनेष्वभिज्ञेषु स एव गोखरः ।।” એ શ્લોકને વિષે એ વાર્તા યથાર્થ કહી છે.”

।। ઇતિ વચનામૃતમ્ ગઢડા મધ્યનું ।।૫૪।।૧૮૭।।