વચનામૃત ૫ : માનીપણું ને નિર્માનીપણું ક્યાં સારુ ?

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મધ્યે ઝીણાભાઇના દરબારમાં ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કયે ઠેકાણે માન સારુ છે ને કયે ઠેકાણે સારુ નથી ? ને કયે ઠેકાણે નિર્માનીપણું સારુ છે ને કયે ઠેકાણે સારુ નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય, તેની આગળ તો માન રાખવું તે જ સારુ છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું, પણ વિમુખની આગળ નિર્માની થવું નહિ તે જ રૂડું છે. અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારુ નથી ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઇને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે.”

।। ઇતિ વચનામૃતમ્ પંચાળાનું ।।૫।।૧૩૧।।