આસુરી

આસુરી

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "આસુરી" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૩૧ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનનાં વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિષે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ્ય છે, અને એવી રીતે દોષ જુવે ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ્ય દેખાય ખરી અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ્ય દેખાય ખરી. અને તે દોષને જોનારે ખોટ્ય કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહિ ? તે તો કલ્યાણકારી જ છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂઝે. જેમ શિશુપાળ એમ જ કહેતો જે, ‘પાંડવ તો વર્ણસંકર છે ને પાંચ જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે. અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે; કેમ જે, જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો ને મધના પૂડા ઉખેડયા તેણે કરીને એને મધુસૂદન કહે છે પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી, ને વર્ણસંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો તેણે કરીને શું એ ભગવાન થયો ?’ એવી રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો. પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો, માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો.”

2. ગઢડા પ્રથમ ૩૧ ( para.4)

ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું જે, ‘હે મહારાજ ! મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહિ, પણ જેવો-તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ તમે સમજો છો તેમ નાનપ્ય-મોટયપ નથી. મોટ્યપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે. અને એ બે વાનાં જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટ્યપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિષે છે. કેમ જે, આજ જે સર્વ હરિભક્ત છે. તે એમ સમજે છે જે, ‘અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ.’ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહસ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહિ અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે.”

3. ગઢડા પ્રથમ ૩૫ ( para.4)

ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ એ ચારવાનાં પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહિ, તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહિ અને એ ચારવાનાં માંહેલું એકે જો રાખે તો જેમ જય-વિજય ઘણાય ડાહ્યા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠલોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય, અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે અને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે.”

4. ગઢડા પ્રથમ ૬૨ ( para.9)

પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષ્યા તો દિવસે-દિવસે વધતાં જાય છે, તેનું શું કારણ હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન પાસે એક અમૃત લાવીએ અને શિંગડિયો વછનાગ લાવીએ અને દૂધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ, અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ, તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે પણ પલટાઈ જાય નહિ, તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહિ. પછી એ કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે જે, ભગવાન સર્વમાં અંતર્યામીરૂપે કરીને રહ્યા છે; તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થી જણાવે છે. માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે, ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે, જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકીને પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો પણ તેણે જો પ્રહ્લાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિંહરૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો, એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહિ. કાં જે, ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુઃખવવો નહિ અને જો અહંકારને વશ થઈને જેને તેને દુઃખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહિ. પછી ગમે તે દ્વારે પ્રકટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે, તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશમાત્ર અભિમાન રાખવું નહિ અને એક કીડી જેવા જીવને પણ દુઃખવવો નહિ એજ નિર્માની સાધુનો ધર્મ છે.”

5. ગઢડા મધ્ય ૪૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું જે, “જ્યારે કોઈક હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે જેટલા તેમાં દોષ સૂઝતા હોય એટલા ને એટલા જ સૂઝે કે કાંઈ વધુ સૂઝે ?” પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “અટકળે તો એમ જણાય છે જે, મોરે સૂઝતા એટલા ને એટલા સૂઝે છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ વાતમાં તમારી નજર પડી નહિ. એટલા ને એટલા અવગુણ સૂઝતા હોય તો અવગુણ આવ્યો, એમ કેમ કહેવાય? માટે એ તો ભૂંડા દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકને યોગે કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની જ થઈ જાય છે; તેણે કરીને અવગુણ વધુ સૂઝે છે. ત્યારે એમ જાણવું જે, ‘બુદ્ધિને વિષે ભૂંડા દેશ કાળાદિકનું દૂષણ લાગ્યું છે.’ અને અમે તો એમ જાણીએ છીએ જે, ‘જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે, તેને તો પોતાના જ અવગુણ ભાસે પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહિ.’ અને એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો. અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહિ અને બીજા જે હરિભક્ત હોય તેને વિષે જ કેવળ અવગુણ ભાસે; એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો. અને તે આસુરી જીવ સત્સંગમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય પણ જેવા કાળનેમી, રાવણ ને રાહુ હતા તે સરખો રહે, પણ એને સંતનો સંગ લાગે નહિ. માટે પાકા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂઝે પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહિ.”

6. વરતાલ ૭ ( para.2)

અને હરિભક્ત પરસ્પર ભગવદ્‌વાર્તા કરતા હતા તેમાં એવો પ્રસંગ નીસર્યો જે, દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે. તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય ને આસુરી હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે. ત્યારે ચીમનરાવજીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દૈવી થાય કે ન થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ આસુરી જીવ તો દૈવી ન જ થાય. કેમ જે, એ તો જન્મથી જ આસુરભાવે યુક્ત છે. અને જો કોઈક રીતે કરીને આસુરી જીવ સત્સંગમાં આવી પડ્યો તો પણ આસુરભાવ તો ટળે નહિ. પછી સત્સંગમાં રહ્યો થકો જ જ્યારે શરીરને મૂકે ત્યારે બ્રહ્મને વિષે લીન થાય ને વળી પાછો નીકળે. એમ અનંત વાર બ્રહ્મમાં લીન થાય ને પાછો નીસરે ત્યારે એનો આસુરભાવ છે તે નાશ પામે, પણ તે વિના તો આસુરભાવ નાશ પામે નહિ.”

7. વરતાલ ૧૧ ( para.3)

એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જીવ તો અવિનાશી કહ્યો છે, તેનો નાશ તે કેમ જાણવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પર્વતનું કે બીજું એવું જ જે કોઈક જડ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહિ, એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો. અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહિ. કેમ જે, માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષ્યા, ને દ્રોહ એનો આધાર છે અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાનના ભક્તને જો બિવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. અને અમારો તો એ સ્વભાવ છે જે, બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે, તે તો અમને દીઠો જ ગમે નહિ અને આ લોકમાં ને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજે બે પદ ગવરાવ્યાં જે, “મારા હરજી શું હેત ન દીસે રે તેને ઘેર શીદ જઈએ.” એક તો એ અને બીજું જે, “મારા વહાલાજી શું વહાલપ દીસે રે તેનો સંગ કેમ તજીએ.” અને પછી એ બે પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરીને એમ કહ્યું જે, “એ બે પદમાં વાર્તા છે તેને નિત્ય ગાઈને સંભારી રાખવી.”

8. વરતાલ ૧૫ ( para.2)

તે સમામાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! દૈવી ને આસુરી; એ બે પ્રકારના જીવ છે. તે અનાદિ કાળના છે કે કોઈક યોગે કરીને થયા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે પ્રથમ તો પ્રલયકાળે માયાને વિષે લીન થયા હતા; પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે તે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઊપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવી ને આસુરીને સંગે કરીને દૈવી ને આસુરી થાય છે અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુરભાવને વિષે ને દૈવીભાવને વિષે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા. તેણે સત્પુરુષ એવા જે સનકાદિક, તેનો દ્રોહ કર્યો ત્યારે અસુરભાવને પામી ગયા અને પ્રહ્લાદજી દૈત્ય હતા તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો, તો પરમ ભાગવત સંત કહેવાયા. માટે મોટાપુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે અને જે ઉપર મોટાપુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે; પણ બીજું દૈવી- આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહિ, અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું.”

9. ગઢડા અંત્ય ૧૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જે, “જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહિ જે, ‘હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું.’ એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહિ. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈ રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય, તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે, તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહિ, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહિ. અને અનંત બ્રહ્મહત્યા કરી હોય, ને અનંત બાળહત્યા કરી હોય, ને અનંત સ્ત્રીહત્યા કરી હોય, ને અનંત ગૌહત્યા કરી હોય, ને અનંત ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કહ્યા છે. પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કહ્યો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે અને જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટિ કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાંખે, પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે જે, ‘જીવનો નાશ કેમ થતો હશે ?’ તો ત્યાં દૃષ્ટાંત-જેમ હીજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવળ વૃંદલ કહેવાય. તેમ જે ભગવાન ને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય જે, ‘કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી જ શકે નહિ.’ માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહિ. અને વળી પોતાના દેહના જે સગાંસંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહિ. જેમ દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાનાં દેહના જે સગાં સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાળ પડી છે, માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહના જે સગાં સંબંધી હોય તે સાથે હેત રાખવું નહિ. એમ સંસારમાંથી નિસ્પૃહ થઈને ભગવાનનાં ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહિ અને આ જે વાત તે કરામત જેવી છે.” એમ કહીને શ્રીજીમહારાજે વાર્તાની સમાપ્તિ કરી.

10. ગઢડા અંત્ય ૧૪ ( para.4)

પછી અયોધ્યાપ્રસાદજીએ પૂછ્યું જે, “એકની તો બુદ્ધિ પણ ઘણી હોય ને શાસ્ત્રમાં પણ બહુ દૃષ્ટિ પૂગતી હોય, અને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય ને શાસ્ત્રમાં પણ ઝાઝું જાણતો ન હોય; અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે અને થોડી બુદ્ધિવાળો હોય તે દૃઢ થકો સત્સંગમાં રહે છે, તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સંસારને વિષે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે; તેમાં આસુરી જીવ હોય તેને ઝાઝી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય અને દૈવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય, જેમ મરચાનું બીજ હોય ને લીંબડાનું બીજ હોય ને શિંગડિયા વછનાગનું બીજ હોય, તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચ્યા કરીએ તો પણ મરચાં તે તીખા જ થાય ને લીંબડો કડવો જ થાય ને શિંગડિયો વછનાગ તે ઝેર જ થાય. શા માટે જે, એનું બીજ ભૂંડું છે. અને શેરડીને વાવીને લીંબડાના પાનનું ખાતર નાંખીને કડવું પાણી સિંચ્યા કરીએ, તો પણ શેરડીનો રસ તે મીઠો જ થાય. તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે.”

11. ગઢડા અંત્ય ૧૪ ( para.5)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “દૈવી ને આસુરી જીવ હોય તે કેમ જાણ્યામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દૈવી જીવ હોય તેને કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય તે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને હોય; પછી સારાં દેશ કાળાદિકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય. અને આસુરી જીવને જે કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહિ. અને તેને એક વાર જો કાંઈક કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહિ. અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતા સરસ હરિભક્ત જણાય, પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાંપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે, તે જ્યાં સુધી કાંપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નીસરે અને તેથી જો હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નીસરે; તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારેક છેડ્યો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ઘણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય.”

12. ગઢડા અંત્ય ૧૪ ( para.6)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! તમે કહ્યું જે, ‘ આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય, તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય.’ તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડે તો દૈવી થાય અને ભગવાનની ભક્તિ કરીને પરમ પદને પામે.”

13. ગઢડા અંત્ય ૩૯ ( para.6)

અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય ને તે જો ગમે તેવા પંચવિષય સંબંધી સુખમાં કદાચિત્ બંધાઈ ગયો હોય, તો પણ તેમાં બંધાઈ રહે નહિ, તેને તોડીને નીકળે જ રહે છે. અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ન બંધાય એમાં તે શું કહેવું ? માટે એ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો. જેમ કોઈક શૂરવીર ને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય, તેણે તેનો બાપ મારી નાંખ્યો હોય, તો તેની તેને બહુ દાઝ્ય થાય ને તે દાઝય થતી હોય ને વળી તેનો દીકરો મારી નાંખે ને વળી ભાઈને મારી નાંખે ને વળી બાયડીને લઈ જાય ને વળી માને લઈને મુસલમાનને આપે ને વળી ગામગરાસ ઝૂંટી લે; એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં દાઝ્ય થાય ને જાગ્રત, સ્વપ્નમાં સર્વકાળે એને એ વાતનો જ આલોચ રહે. તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય અને એને ગમે તેવો આપત્કાળ પડે તો તેને વિષે એની સહાય કરે. અને જેમ વિશલ્યકરણી ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રને પીવાડી, ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યા હતા તે સર્વે એની મેળે દેહથી બાહેર નીકળી ગયા. તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય, તેને ઇન્દ્રિયોને વિષયભોગની ઈચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વે નીકળી જાય. કહેતાં વિષયભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે. અને સત્સંગી પણ એને જ કહીએ; કેમ જે, સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો, તેને સત્સંગી કહીએ. અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગરગમાં પ્રવર્તી જાય અને જે આસુરી જીવ હોય ને તે સાંભળે, ત્યારે તેને તો કાનથી બાહેર જ નીકળી જાય, પણ હૃદયમાં ઊતરે નહિ. જેમ શ્વાન હોય ને તે ખીર ખાય, તે તેના પેટમાં રહે જ નહિ વમન થઈ જાય. ને ખીર જેવું કાંઈ ભોજન સરસ ન કહેવાય, તો પણ તે શ્વાનના પેટમાં રહીને રગરગમાં પ્રવર્તે નહિ, ને તે ખીરને માણસ ખાય ત્યારે તેને પેટમાં રહે ને રગરગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય. તેમ શ્વાન જેવો જે આસુરી જીવ, તેના હૃદયમાં તો આ વાત પેસે જ નહિ ને માણસ જેવો જે દૈવી જીવ, તેના હૃદયમાં ઊતરે ને રગરગમાં વ્યાપી જાય.

(કુલ: 38)