કર્તા

કર્તા

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "કર્તા" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૩૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી,” એમ કહીને પછી પોતાના સાથળને વિષે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા જે, “આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભરી આવે છે; માટે જન્મભૂમિ તથા પોતાનાં સગાં સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભરતાં હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે.” પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે પોતાને આત્મારૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ ? ને તે આત્માનું સગું કોણ? ને તે આત્માની જાત પણ કઈ ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા છે, તે સર્વનું સગપણ સરખું જાણવું અને તે સગાંનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે ચોરાશી લાખ જાતના જે માબાપ તે અજ્ઞાને કરીને વીસર્યાં છે, તેમ આ મનુષ્ય શરીરના જે માબાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગાં સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે, ‘જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે,’ અને ‘આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે’ એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતીના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહિ અને એમ જાણે જે, ‘એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા છે જ નહિ’ અને એમ જાણે જે, ‘ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી.’ એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો-તેવો હોય તો પણ એ અમને ગમે છે. અને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી; અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ-વૈરાગ્યે યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહિ. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહિ અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહિ, એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ. અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમતિવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજૂરમાં રહે છે અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનનાં ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શનતુલ્ય છે અને એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન બોલો.”

2. ગઢડા પ્રથમ ૫૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાંઈ પ્રશ્ન પૂછો.” પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “દસ ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણના છે, માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ, તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે, તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય; માટે માયિક જે અંતઃકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા, એ રીતે તમારો પ્રશ્ન છે ?” પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું જે, “એ જ પ્રશ્ન છે, તેને હે મહારાજ ! તમે પુષ્ટ કરી આપ્યો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થરૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે અને જળ તો પૃથ્વીને હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે, માટે જળની દૃષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે માટે તેજની દૃષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી એકલું તેજ જ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે માટે તે વાયુની દૃષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહિ, એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્વિકાહંકાર અને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; એ સર્વે મહત્તત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહત્તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી એકલું મહત્તત્ત્વ જ છે. અને તે મહત્તત્ત્વ પણ પ્રધાન-પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે માટે એ પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્તત્ત્વ નથી એકલી એ પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટિ પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહામાયાની દૃષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી એકલી મહામાયા જ છે અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહાપુરુષની દૃષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી એકલો મહાપુરુષ જ છે અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર, તેના એક દેશમાંથી ઊપજે છે, માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે; તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને તે સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપે થઈ જાય છે, ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે, અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તેણે કરીને નથી થતું.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

3. ગઢડા પ્રથમ ૫૨ ( para.2)

પછી તે કથામાં એમ આવ્યું જે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર; એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે, તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા ? અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સાંખ્યશાસ્ત્ર છે તે ભગવાનને પંચવિશમા કહે છે અને ચોવિશ તત્ત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા તેમ જીવ, ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, માટે એને પણ ચોવિશ તત્ત્વ ભેળા જ ગણે છે અને જીવ, ઈશ્વરે સહિત એવા જે ચોવિશ તત્ત્વ તેને ક્ષેત્ર કહે છે ને પંચવિશમા જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવીશમા કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ, ઈશ્વરને પંચવિશમા કહે છે ને ચોવિશ તત્ત્વને પૃથક્ કહે છે, ને એ તત્ત્વથી પોતાના આત્માને પૃથક્ સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંતશાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અ કર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્રશાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે, ‘એક જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન; એ ચતુર્વ્યૂહરૂપે થાય છે ને પૃથ્વીને વિષે અવતારનું ધારણ કરે છે અને તેને વિષે જે નવ પ્રકારની ભક્તિને કરે છે, તેનું કલ્યાણ થાય છે.’ એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે, તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાધ આવે જે, ‘સાંખ્ય શાસ્ત્રમાં જીવ-ઈશ્વરને તત્ત્વથી નોખા નથી કહ્યા. તે જ્યારે તત્ત્વનો નિષેધ કરીને તત્ત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પંચવિશમો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય.’ અને જો એકલે યોગશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે, તેને પરિછિન્ન સમજે પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે.’ અને જો એક વેદાંતશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘જે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે, પણ પ્રાકૃત કર ચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે.’ અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે, ‘જે ભગવાનના અવતારને વિષે ભક્તિ કહી છે તેને વિષે મનુષ્યભાવ આવે તથા એકદેશસ્થપણું સમજાઈ જાય, પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય.’ માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે, માટે એ ચારે શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની કહેવાય ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય ને ત્રણેને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય ને ચારેને મૂકીને જે પોતાની મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે બેય ભૂલા પડ્યા છે પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે.”

4. ગઢડા પ્રથમ ૫૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, ‘આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે,’ તથા આસ્તિકપણું હોય તથા ભગવાનનાં જે ઐશ્વર્ય તેને જાણે જે, ‘આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરુષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવિશ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કર્તા જાણે નહિ, એક ભગવાન પુરુષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે.’ એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે નિશ્ચય તે જ પરમેશ્વરને વિષે અસાધારણ સ્નેહનું કારણ છે.”

5. ગઢડા પ્રથમ ૬૨ ( para.8)

गांभीर्यं स्थैर्यमास्तिक्यं कीर्तिर्मानोऽनहंकृतिः ।। એ જે ઓગણચાળીશ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે, એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે, તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય તો જે, ‘ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, અને સર્વ થકી ભગવાનને જુદા જાણે, અને સર્વના નિયંતા જાણે ને સર્વના કર્તા જાણે અને એ સર્વના કર્તા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે. અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહિ, તે ગમે તેવા તરેતરેનાં શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહિ, એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય, માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. જેમ આપણાં નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે.”

6. ગઢડા પ્રથમ ૭૩ ( para.5)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાનની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રીને વિષે દશ દશ પુત્ર અને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્યમતને આશર્યા હતા. તે સાંખ્યમતવાળો હોય તે દેહ, ઇન્દ્રિયો, મન એ સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે, અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અ કર્તા સમજે, ને તે ક્રિયાએ કરીને હર્ષ-શોકને પામે નહિ; એ મતને ભગવાન આશર્યા હતા. માટે ભગવાનને નિર્લેપ કહ્યા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્યમતને આશર્યા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્યમતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા, માટે સાંખ્યમતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિષે તો યોગકળાને આશર્યા હતા તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું, એ ઠેકાણે તો પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું. તે શ્રીમદ્‌ભાગવતમાં કપિલદેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, “સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી.’ માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી ત્યારે ગોપીઓ બોલી જે, ‘અમે યમુનાજી કેમ ઊતરીશું ?” પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને એમ કહેજ્યો જે, ‘જો શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી હોય તો અમને માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલીયો જે, ‘અમારે આડાં યમુનાજી છે, તે અમે ઘેર કેમ કરીને જઈશું ? પછી ઋષિએ કહ્યું જે, ‘કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે યમુનાજીને એમ કહ્યું જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજ્યો, એટલે યમુનાજીએ માગ દીધો પણ હવે કેમ કરીને ઘેર જઈએ ?’ પછી દુર્વાસા ઋષિ બોલ્યા જે, ‘યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો, ત્યારે ગોપીઓના મનને વિષે અતિ આશ્ચર્ય થયું પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા માટે બ્રહ્મચારી હતા અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેને વિષે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા અને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું; માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહિ અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે પણ યોગકળાએ કરીને ઊર્ધ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્યવાળા થાય છે, પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહિ અને જે સ્ત્રીનો અષ્ટપ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે, ‘વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે.’ પછી તે વીર્યને ઊર્ધ્વ રાખવાને સારુ અમે બે પ્રકારની જળબસ્તિ શીખ્યા હતા અને કુંજરક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારુ કેટલાક આસન શીખ્યા હતા અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહિ. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે, ‘શરીરમાંથી પરસેવો જ નીકળે નહિ અને ટાઢ તડકો પણ લાગે નહિ.’ પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વળ્યા સારુ બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહિ; માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય અને અતિશય પંચવિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય, તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે.”

7. સારંગપુર ૬ ( para.2)

પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ જીવાત્મા જે તે જેને વિષે રહીને વિષયભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજપુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્ત્વગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિષે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા તેને વિષે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળદેહના અભિમાને સહિત થકો દસ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાનાં પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચવિષયના ભોગને ભોગવે છે, તેને સત્ત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિષે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિષે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્ય વિષય ભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠ સ્થાનકને વિષે રહી છે એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિષે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મદેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખ દુઃખરૂપ વાસનામય ભોગને ભોગવે છે, તેને રજોગુણપ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને સ્વપ્નને વિષે એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે, ત્યારે તેને સ્વપ્નને વિષે જાગ્રત અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિષે જણાણા જે વાસનામય ભોગ તેમને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિષે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષયભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિષે લીન થઈ જાય છે. અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા, તેનું પ્રધાનપુરુષરૂપ સગુણબ્રહ્મના સુખલેશને વિષે અતિશય લીનપણું થઈ જાય છે તેને તમોગુણપ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ અને એ સુષુપ્તિને વિષે કર્મ સંસ્કારે કરીને કર્તાવૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિષે સ્વપ્ન કહીએ અને જાગ્રત ને સ્વપ્નને વિષે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિષે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિષે જાગ્રત કહીએ. એવી રીતે એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ રહી છે અને એ જે અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે અને વળી તે તે અવસ્થાને વિષે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને તુર્ય પદ કહે છે, અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે. બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે.”

8. સારંગપુર ૧૩ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે, તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને પોતાના જીવાત્માને વિષે નિશ્ચય થયો હોય, તે તો કોઈ રીતે ટળે નહિ અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય, તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રને વિષે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કર્તાપણું, અ કર્તાપણું એવી અનંત જાતની વાત છે. માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો ? એ પ્રશ્નનો ઉત્તર કરો.” પછી સર્વે મુનિ બોલ્યા જે, “શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી. માટે હે મહારાજ ! એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે. કાં જે, શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કહ્યા હોય અને સંતના પણ કહ્યા હોય, માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિષે પણ મા, બેન, દીકરી અને સ્ત્રી તેની વિગતિ રૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે, તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. કેમ જે, શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે, તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી. એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહિ. કાં જે, શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનનાં ચરિત્ર છે, માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બારણે હોય જ નહિ. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે અને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહિ.”

9. કારિયાણી ૧૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યન્ત ટાઢ-તડકાને તથા ભૂખ-તરસને સહન કરીને મહાતપ કર્યું, અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાનાં દેહ, ઇન્દ્રિયોને દમીને તપ કરે છે, માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ, તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીદ ટાળવાને ઈચ્છે ? અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ જે, ‘મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચવિષય સંબધી ભોગસુખ તે નથી જોઈતાં, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે.’ અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે, ‘પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી.’ એવી રીતે ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વ કર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહિ. અને જે જીવ ભગવાનને સર્વ કર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદ્ગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો; કાં જે, ભગવાન વિના બીજા જે કાળ, કર્માદિક તેને એ કર્તા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહિ, ને ભૂલ્યમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહિ. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિપુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રીપુરુષોત્તમનારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો.”

10. કારિયાણી ૧૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે, તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે. અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો, તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાધ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સારાં સારાં પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે, તે જો નિષ્કામભાવે કરીને, કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિષે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિષે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે, એ બાધ છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે.”

11. કારિયાણી ૧૦ ( para.5)

પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈશક તો હોય અને ત્યાગ કે તપ કરતા વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહિ, ત્યારે તેનો સાચો ઈશક જાણવો. જુવોને અમે એકવિશ વર્ષ થયા શ્રીરામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ, તેમાં અનંત ભાતનાં વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે, પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી; શા માટે જે, અમારે ત્યાગનો જ ઈશક છે. અને આ સંસારને વિષે કેટલીક રાંડો છે તે ધણી મરી ગયો હોય, તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે, અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે. અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે, અને બીજી સ્ત્રીને વાસ્તે હાયહોય કરતા ફરે છે. અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય, તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌ સૌના ઈશક જુદી જુદી જાતના છે. અને અમારો તો એ જ ઈશક છે ને એ જ સિદ્ધાંત છે જે, ‘તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામી-સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી. અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહિ.’ માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજ્યો.”

12. લોયા ૧ ( para.9)

ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અતિશય દૃઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી અતિશય અસંગી માને; અને એ દેહ-ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિષે ન માને તો પણ પંચ વર્તમાનના નિયમમાં લેશમાત્ર ફેર પડવા દે નહિ. અને પોતે બ્રહ્મસ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહિ, સ્વામી-સેવકપણે કરીને ભગવાનની દૃઢ ઉપાસના કરે. અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યૂતપણે વ્યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિષે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રીકૃષ્ણનારાયણ તે શુભ-અશુભ સર્વ ક્રિયાને કર્તા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે; અને તે ભગવાનનાં જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે, ‘આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઈત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંતકોટિ એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વના સ્વામી છે;’ એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિષે શ્રવણાદિક ભક્તિને દૃઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે. એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ.”

13. લોયા ૨ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વળી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો.” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “જે કારણ હોય તે તો કાર્યથી મોટું જોઈએ, ત્યારે વડનું બીજ તે તો નાનું છે ને તે થકી મોટો વડ કેમ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે, એ જ કારણમાં મોટાઈ છે. જેમ મૂળ પ્રકૃતિના કાર્ય એવા જે અનંત પ્રધાન તેનો મોટો વિસ્તાર છે, પણ કારણરૂપ જે મૂળ પ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે તથા પૃથ્વીનું કારણ જે ગંધ તે સૂક્ષ્મ છે અને તેનું કાર્ય જે પૃથ્વી તે મોટી છે. એમ જ આકાશ આદિક બીજા ચાર ભૂત તેનો મોટો વિસ્તાર છે અને તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે. અને જે કારણ હોય તે નાનું હોય તો પણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એવી એમાં કળા રહી છે. જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે અને માણસ જેવડો છે, અને તેનું કાર્ય જે અગ્નિની જ્વાળાઓ તે તો અતિ મોટી છે; તથા જેમ વરુણની મૂર્તિ તે તો મનુષ્ય જેવડી છે અને તેનું કાર્યરૂપ જે જળ તે તો અતિ ઝાઝું છે; અને જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્ય જેવી રથમાં બેઠી છે અને તેનું કાર્ય જે પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે; તેમ સર્વના કારણ એવા જે શ્રીપુરુષોત્તમનારાયણ શ્રીકૃષ્ણ તે તો મનુષ્ય જેવડા છે તો પણ અનંતકોટિ બ્રહ્માંડના કારણ છે. અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે જે, ‘જેનું કાર્ય આવડું મોટું છે તો તેનું કારણ તો કેવડું મોટું હશે?’ એ તો મૂર્ખની સમજણ છે. અને સર્વના કારણરૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે, તો પણ પોતાના અંગમાંથી યોગકળાએ કરીને અનંતકોટિ બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે ને પાછા પોતાને વિષે લય કરવાને સમર્થ છે. જેમ અગ્નિ, વરુણ, સૂર્ય તે પોતાના કાર્યરૂપે મોટા જણાય છે ને વળી કાર્યને પોતામાં લીન કરીને એક પોતે જ રહે છે; તેમ ભગવાનના એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે રહ્યાં છે; તે અષ્ટાવરણ ને ચૌદ લોક સૂધાં રહ્યાં છે. એવી રીતે કારણમાં અલૌકિકપણું છે ને મોટાઈપણું છે. તેને સમજુ હોય તે જાણે જે, ‘ભગવાન મનુષ્ય જેવા જણાય છે તોપણ એ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કર્તા છે ને સમર્થ છે.” એમ કહીને શ્રીજીમહારાજ શયન કરવા પધાર્યા.

14. લોયા ૧૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે, “ભગવાનનો નિશ્ચય બે પ્રકારનો છે; એક સવિકલ્પ ને બીજો નિર્વિકલ્પ. અને તે બેમાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ; એ ત્રણ પ્રકારના ભેદ છે. તે બે મળીને છ ભેદ થયા તેના લક્ષણ પૃથક્ પૃથક્ કરીને કહો.” પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ જે, ભગવાન જે તે અન્ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિષે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનનો નિશ્ચય રહે, પણ જો વધારો કરે તો ન રહે. અને મધ્યમ ભેદ તો એ જે, મનુષ્ય થકી બમણા કામાદિકને વિષે અધિક પ્રવર્તે ત્યાં સુધી પણ નિશ્ચય રહે. અને ઉત્તમ ભેદ તો એ જે, ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય, માંસ, પરસ્ત્રી, ક્રોધ, હિંસા ઈત્યાદિક ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહિ; કેમ જે, એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે, ‘ભગવાન તો સર્વના કર્તા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોક્તા છે. માટે જે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતારૂપે કરીને સર્વને વિષે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે, તો એ તો કાંઈક થોડીક એવી નીચ જેવી ક્રિયા કરી તેણે કરીને એમને કાંઈ બાધ નથી; કેમ જે, એ તો સર્વ કર્તા છે.’ એવી રીતે ભગવાનને વિષે સર્વેશ્વરપણું જાણે, માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો ભગવદ્ભક્ત કહીએ.

15. લોયા ૧૨ ( para.3)

અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો ? તો ભગવાનને સર્વ શુભ-અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે, સર્વ ક્રિયાને કરે છે તો પણ અ કર્તા છે; કેમ જે, એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે ? તો આકાશની પેઠે સર્વને વિષે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિષે જ થાય છે.’ એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિષે જાણે. જેમ રાસપંચાધ્યાયીમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો જે, ‘ધર્મરક્ષક ભગવાનનો અવતાર, તેણે પરદારાનો સંગ કેમ કર્યો ? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો જે, ‘શ્રીકૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે, તે જે જે શુભ-અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે.’ એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે, તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શ્વેતદ્વીપને વિષે રહ્યા જે ષટ્ ઊર્મિએ રહિત એવા નિરન્નમુક્ત, તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે, તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમનારાયણનું ધામરૂપ અક્ષર, તે રૂપ પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.”

16. લોયા ૧૩ ( para.3)

અને ત્યાર પછી નિત્યાનંદસ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિકે કરીને વિપર્યયપણુ થાય અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદિકે કરીને પરાભવને ન પામે, એ તો ઠીક; પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય, તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને ‘मम साधर्म्यमागताः’ એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિષે કેમ ભેદ સમજવો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ ચંદ્રમા છે ને તારા છે, તેમાં ભેદ છે કે નહિ? જુવોને પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો ભેદ છે અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય, પણ બીજે તારે ન થાય અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે, પણ તારાએ કરીને ટળે નહિ; તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્યતા તે સર્વોપરી છે. અને જે રાજાવતે થાય તે ચાકર વતે થાય નહિ, સૂઝે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરુષોત્તમનારાયણ તે સર્વ કર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, અને ‘कर्तुमकर्तुम् अन्यथाकर्तुम्’ સમર્થ છે; તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિષે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, અને સૂઝે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા તેમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે, તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ્ થકા એકલા જ વિરાજમાન રહે; અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે, ‘મારા ધનુષથકી નીસર્યા જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને આ સર્વે જગતને ધારવાને હું સમર્થ છું;’ તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એનાં દર્શન પણ કરવા નહિ. અને એવી રીતની સમજણવાળાનાં દર્શન કરીએ, તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને તો જેને વિષે મોટ્યપ કહીએ તેને વિષે સંભવે. અને એને લઈને બ્રહ્મા, શિવ, નારદ, સનકાદિક, એ સર્વેને ભગવાન કહેવાય છે અને ઉદ્ધવજીને વિષે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિષે એ નારાયણને લઈએ, તો એમને પણ ભગવાન જેવા કહેવાય; અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી ? અને “अपरिमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगतास्तर्हि न शास्यतेति नियमो ध्रुव ! नेतरथा ।” એ વેદસ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન, વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, અને કીર્તન, નામસ્મરણ તે તાળીઓ વગાડી વગાડીને હાથની આંગળીયો ફાટી જાય એમ કરીએ છીએ તથા કથાવાર્તા રાત-દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ ? માટે ‘એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી.’ અને ‘एकमेवाद्वितीयं ब्रह्म’ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે. એમ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે.” એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી; ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.

17. પંચાળા ૧ ( para.3)

ત્યાર પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો, પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય, તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય, તેવી જણાય આવે છે. તથા જેમ પાંચ પાંડવ, દ્રૌપદી, કુંતાજી તથા રુક્મિણી, સત્યભામા, જાંબવતી આદિક ભગવાનની પટરાણીયો તથા સાંબ જે ભગવાનનો પુત્ર ઈત્યાદિક ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યાં છે; તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમનાં રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે તથા તેમનાં વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે. તેમ પુરાણ-ભારતાદિક ગ્રંથે કરીને એમ સાંભળ્યામાં આવે છે જે, ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને સદા સાકાર છે અને જો સાકાર ન હોય તો તેને વિષે કર્તાપણું કહેવાય નહિ. અને જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે. એવા દિવ્યમૂર્તિ, પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે જે તે પ્રલયકાળે માયામાં કારણ શરીર સહિત લીન હતા જે જીવ, તેમને ઉત્પત્તિકાળે બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણને આપે છે; તે શાને અર્થે આપે છે ? તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે.

18. ગઢડા મધ્ય ૧૦ ( para.5)

હવે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ જે, જ્ઞાનનિરૂપણને વિષે બે શાસ્ત્ર છે; એક સાંખ્યશાસ્ત્ર ને બીજું યોગશાસ્ત્ર. તેમાં સાંખ્યશાસ્ત્રનો મત એ છે જે, જેમ આકાશ જે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણુ પણ ક્યાંય ખાલી નથી તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી, તેમ પુરુષોત્તમ ભગવાન છે, તેને આકાશની પેઠે માયિક વિકાર કોઈ અડતો જ નથી. એ વાર્તા કૃષ્ણતાપિની ઉપનિષદ્‌માં કહી છે જે, જ્યારે દુર્વાસાઋષિ વૃંદાવનને વિષે આવ્યા ત્યારે શ્રીકૃષ્ણભગવાને ગોપીઓને કહ્યું જે, ‘દુર્વાસા ભૂખ્યા છે, માટે સર્વે થાળ લઇને જાઓ.’ પછી ગોપીઓએ પૂછ્યું જે, ‘આડાં યમુનાજી છે, તે કેમ ઉતરાશે ?’ ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને તમે એમ કહેજો જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજ્યો.’ પછી ગોપીઓએ હસતી હસતી યમુનાજીને કાંઠે જઇને એમ કહ્યું, ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. પછી ગોપીઓએ ઋષિને જમાડતાં તે ઋષિ સર્વના થાળ જમી રહ્યા. પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે ઘેર કેમ કરીને જઈએ ? આડાં યમુનાજી છે.’ ત્યારે તે ઋષિએ પૂછ્યુ જે, ‘આવ્યા ત્યારે કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘શ્રીકૃષ્ણે એમ કહ્યું હતું જે, અમે સદા બાળબ્રહ્મચારી હોઇએ તો યમુનાજીને કહેજો જે માર્ગ દેજો. પછી યમુનાજીએ માર્ગ દીધો તે તમારી પાસે આવ્યા છીએ.’ તે વાત સાંભળીને ઋષિ બોલ્યા જે, ‘હવે યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજ્યો.’ પછી ગોપીઓએ હસતી હસતી જઇને એમ કહ્યું ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. ત્યારે ગોપીઓ સર્વે એ બે વાત જોઇને અતિશય આશ્ચર્ય પામી. માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેઠે નિર્લેપ છે અને સર્વે ક્રિયાઓને કર્તા થકા ભગવાન અ કર્તા છે અને સર્વના સંગી થકા પણ અત્યંત અસંગી છે, એવી રીતે સાંખ્યશાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપપણે કરીને કહે છે એવું સમજવું, એ સાંખ્યને મતે જ્ઞાન છે.

19. ગઢડા મધ્ય ૨૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે, તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે, તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે, કાં ભગવાનના સંતના ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તા હર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ, તેનું જેવું માહાત્મ્ય જાણે છે, તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈએ સમજવું બાકી રહ્યું નહિ. તે આ વાર્તા એકવાર કહ્યે સમજો અથવા લાખવાર કહ્યે સમજો; આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો; પણ એ વાત સમજે જ છૂટકો છે. અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું માહાત્મ્ય છે, તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહિ. જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ અને પરાશરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડયા, તો પણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત; તેનો પરોક્ષના જેવો જો માહાત્મ્યે યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડયા નહિ. માટે સર્વ શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે.”

20. ગઢડા મધ્ય ૨૧ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, જીવને સ્વપ્ન અવસ્થાને વિષે જે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે, તે એ સૃષ્ટિ રૂપે તે જીવ પોતે થાય છે કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિષે એ સૃષ્ટિને સૃજે છે ? અને જેમ જીવને છે તેમ જ સર્વ બ્રહ્માદિક ઈશ્વર છે, તેને પણ સ્વપ્ન સૃષ્ટિ છે; તે પોતે એ સૃષ્ટિ રૂપે થાય છે કે પોતે સંકલ્પે કરીને સૃજે છે? કે એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્નની સૃષ્ટિને સૃજે આપે છે ? એ પ્રશ્નનો ઉત્તર કરો.” પછી જેવી જેની બુદ્ધિ તેવું તેણે કહ્યું પણ કોઈથી યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્નસૃષ્ટિને સૃજતા નથી અને પોતે પણ સ્વપ્નસૃષ્ટિ રૂપે થતા નથી; એ તો એ જીવ-ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મફળપ્રદાતા છે તે એ જીવ-ઈશ્વરનાં કર્મને અનુસારે કરીને એ સ્વપ્નસૃષ્ટિને સૃજે છે. એ સ્વપ્નસૃષ્ટિને વિષે જે અસ્થિરપણું છે ને ભ્રાંતપણું છે, તે તો દેશને યોગે કરીને પ્રવર્તે છે; કેમ જે, કંઠ દેશ છે તે એવો જ છે જે, એ સ્થળમાં અનંત ભાતની એવી સૃષ્ટિ દેખાઈ આવે. જેમ કાચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાઈ આવે; તેમ કંઠ દેશને યોગે કરીને એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે. અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું જ સમજે, અને કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું જ સમજે, અને કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું જ સમજે, અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે; અને મૂર્ખ હોય તે તો જે કોઈ એક વાત સમજાઈ ગઈ તેને જ મુખ્ય જાણે. જો કાળની વાત સમજાણી હોય તો કાળને મુખ્ય જાણે, અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે, અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે, પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતા ન આવડે; અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય, તે ઠેકાણે તેનું જ પ્રધાનપણું લે. અને પરમેશ્વર છે તે તો દેશ, કાળ, કર્મ, માયા એ સર્વના પ્રેરક છે અને પોતાની ઈચ્છાએ કરીને દેશકાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે, પણ સર્વે પરમેશ્વરને આધારે છે. જેમ શિશુમા ચક્ર છે, તે ધ્રુવમંડળને આધારે છે અને જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે, તેમાં દીવાન હોય તથા વજીર હોય; તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે પણ ન ચાલવા દે ત્યારે એક અણુમાત્ર પણ ન ચાલે; તેમ દેશ, કાળ, કર્મ, માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે પણ પરમેશ્વરના ગમતા બહાર અણુમાત્ર પણ ન ચાલે. માટે સર્વ કર્તા તે પરમેશ્વર જ છે.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દરબારમાં પધારતા હવા.

21. ગઢડા મધ્ય ૩૧ ( para.4)

ત્યારે શુકમુનિએ પૂછ્યું જે, “પુરુષોત્તમ વાસુદેવ છે, તે પુરુષરૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે. માટે પુરુષરૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કહ્યા છે, ત્યારે પુરુષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ આ જીવને વિષે ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિષે ભેદ છે. અને વળી જેમ ઈશ્વરને વિષે ને પુરુષને વિષે ભેદ છે, તેમ પુરુષ ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એવો ઘણો ભેદ છે. ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે. અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણાક છે, તે જે તે વાસુદેવનાં ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે. એવી રીતે પુરુષોત્તમ, પુરુષ, ઈશ્વર, જીવ અને માયા એ પાંચ ભેદ અનાદિ છે. તે એવી રીતે વાર્તા અમે ઘણીકવાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ્ય બેસારતા નથી એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી ને ઠાવકી ઘેડ્ય બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહિ. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજ્યો ને લખજ્યો.” એવી રીતે આ વાર્તા શ્રીજીમહારાજે કરી છે, તે લખી છે.

22. ગઢડા મધ્ય ૩૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહિ, એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે, તે કહીએ જે, એક તો અમારે એમ વર્તે છે જે, પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે, તેનો દેહે કરીને સૂઝે એટલો યોગ થાય, તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સૂઝે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતર્દૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાનાં અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મસ્વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે વર્તાય. અને ત્રીજો એમ જે, ચૈતન્યરૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે, તેમાં સદા સાકારમૂર્તિ એવા શ્રીકૃષ્ણવાસુદેવ વિરાજમાન છે. ને તે સાકાર થકા જ સર્વના કર્તા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી; એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા ને સાંભળ્યા, તો પણ એ પ્રતીતિ ટળી નહિ. અને ચોથો એમ જે, જે કોઈ બાઈ-ભાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણ્યામાં આવે જે, ‘આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે; પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી.’ તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ્ય પણ ન થાય; ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ્ય થાય. એ ચાર ગુણ અમારે વિષે સ્વાભાવિકપણે રહ્યા છે, તે કહ્યા; અને હવે તમે સર્વે કહો.” પછી જે મોટેરા પરમહંસ તથા મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કહી દેખાડ્યો.

23. ગઢડા મધ્ય ૩૯ ( para.4)

એવી રીતે વાર્તા કરીને પાછા દાદાખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી, નારાયણ ધૂન્ય, સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજીમહારાજે મોટેરા મોટેરા પરમહંસને પૂછ્યું જે, “અમે પંચમસ્કંધ તથા દશમસ્કંધનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજ્યામાં આવ્યું હોય તે કહો” ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ જે, રહસ્ય તે શું? તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને હા પાડે, પણ તેને કોઈ રીતે સંશય ન રહે જે, ‘એ વાર્તા એમ નહિ હોય.’ એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ બે ગ્રંથમાં દશમસ્કંધનું તો એ રહસ્ય છે જે, ઉપનિષદ્-વેદાંત ને શ્રુતિસ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિઃસ્વરૂપ કહ્યા છે, જ્ઞાનરૂપ કહ્યા છે, તત્ત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે અને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરબ્રહ્મ પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે, તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણવાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે, ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણભગવાનને જ કહ્યા છે, પણ શ્રીકૃષ્ણભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું; તથા સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા તે પણ શ્રીકૃષ્ણભગવાન જ છે, એમ કહ્યું છે. અને પંચમસ્કંધને વિષે તો એ શ્રીકૃષ્ણભગવાનનું માહાત્મ્ય કહ્યું છે. તથા એ શ્રીકૃષ્ણભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે ને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે, એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિષે જે રહે તે અતિશય મોટ્યપને પામે ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે, એમ કહ્યું છે. અને એ જ જે શ્રીકૃષ્ણવાસુદેવ તેણે વસુદેવ-દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજરૂપે અદ્‌ભૂત બાળક થકા દર્શન દીધું, એ અનાદિ વાસુદેવરૂપ છે. અને એ શ્રીકૃષ્ણભગવાન ધર્મ, અર્થ, કામને વિષે વર્ત્યા છે; તે ધર્મ, અર્થ, કામ સારુ જે જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનનાં જન્મ, કર્મ ને મૂર્તિ એ સર્વે દિવ્યસ્વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રીકૃષ્ણ તે જ સર્વોપરી છે, એવી રીતે એ બે ગ્રંથનું રહસ્ય છે. અને જે શુકજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રીકૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના-ભક્તિ કરવી ને દશમમાં કહ્યા છે જે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવા ને સાંભળવા, તે શુકજીએ જ કહ્યું છે જે, “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।” અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખવી. અને જો ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ હશે ને કદાચિત્ એ જીવ કાંઈક પાપ કરશે, તો પણ એનો ઉદ્ધાર થશે; કેમ જે, પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત્ તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે ? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખીને એની દ્રઢ ઉપાસના કરવી, એમ અમે તમને સર્વેને કહીએ છીએ. તે આ વાર્તાને સર્વે દ્રઢ કરીને રાખજ્યો.” એવી રીતે શ્રીજીમહારાજ સર્વેને શિક્ષાનાં વચન કહીને ભોજન કરવા સારુ પધાર્યા.

24. ગઢડા મધ્ય ૫૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રને વિષે જે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે, ‘જ્યારે હૃદયને વિષે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહિ.’ માટે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે. અને વળી જીવમાત્રને પોતાના ડહાપણનું અતિશય માન હોય, પણ એમ વિચારે નહિ જે, ‘મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે ? કે લાંબો છે કે ટુંકો છે ?’ એની કાંઈ ખબર નથી તો પણ મોટાપુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિષે પણ ખોટ્ય કાઢે અને એમ સમજે જે, ‘આ મોટાપુરુષ છે અથવા ભગવાન છે, પણ આટલું ઠીક કરતા નથી.’ એમ ખોટ્ય કાઢે છે, પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે, ‘એ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડને વિષે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે. અને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે ને લક્ષ્મીના પતિ છે અને અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે; અને શેષ, શારદા ને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી અને નિગમ પણ જેના મહિમાને ‘નેતિ નેતિ’ કહે છે. માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિષે ને તે ભગવાનની જે સમજણ તેને વિષે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો. અને ભગવાન ને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે ? માટે પોતાની મૂર્ખાઈએ કરીને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે અને એ ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દૃષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે.”

25. વરતાલ ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાંઈક પ્રશ્ન-ઉત્તર કરો,” પછી ગામ બૂવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પૂછ્યુ જે, “હે મહારાજ! ભગવાન શે પ્રકારે રાજી થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય ત્યારે કહેશો જે, દ્રોહ તે શું ? તો જે, આ સર્વ જગતના કર્તાહર્તા ભગવાન છે, તેને કર્તાહર્તા ન સમજીએ ને વિશ્વના કર્તાહર્તા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્વભાવને જાણીએ; એ તે ભગવાનનો દ્રોહ છે. કેમ જે, ભગવાન સર્વના કર્તાહર્તા છે તેનો ત્યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્વભાવ અને માયા તેને જગતનાં કર્તાહર્તા કહે છે. માટે એ ભગવાનનો અતિ દ્રોહ છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ તમે ગામના પટેલ છો, તે જે તમારી ગામમાં પટલાઈ ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય. અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને જે રાજા ન હોય તેનો હુકમ ચલાવે, તો તે પુરુષ રાજાનો દ્રોહી કહેવાય. અને વળી જેમ કોઈક એવા કાગળ લખી લખીને મેલે જે, ‘અમારો રાજા છે તે નાક-કાન વિનાનો છે અથવા હાથ પગ વિનાનો છે.’ એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય, તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય. તેમ ભગવાન છે તે કર-ચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે અને લેશમાત્ર પણ કોઈ અંગે વિકળ નથી અને સદા મૂર્તિમાન જ છે; તેને અ કર્તા કહેવા તથા અરૂપ કહેવા ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કર્તા કહેવા, એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે તેણે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી, અને તે વિના તો ચંદન-પુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે. માટે ભગવાનને જગતના કર્તાહર્તા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે.

26. વરતાલ ૬ ( para.2)

પછી ચીમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવ જ્યારે પ્રથમ પ્રલયકાળે કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે લીન હતા, પછી સૃષ્ટિસમયને વિષે એ જીવોને સ્થૂળ, સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિકરૂપ જે વિચિત્રપણું થયું, તે કર્મે કરીને થયું ? અથવા ભગવાનની ઈચ્છાએ કરીને થયું ? અને જો કર્મે કરીને થયું, એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું, એમ કહીએ તો ભગવાનને વિષે વિષમપણું ને નિર્દયપણું આવે; માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ન તમને પૂછતા આવડયો નહિ. કેમજે, જે કારણ શરીર છે તેને વિષે સ્થૂળ, સૂક્ષ્મ એ જે બે દેહ, તે બીજવૃક્ષન્યાયે કરીને રહ્યા છે, માટે એને કારણ શરીર કહે છે. અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે ને અનાદિ છે ને સંચિત કર્મે યુક્ત છે. અને જેમ બીજને ફોતરાને નિત્ય સંબંધ છે અને ભૂમિને ને ગંધને જેમ નિત્ય સંબંધ છે, તેમ જીવને ને કારણ શરીરને નિત્ય સંબંધ છે અને જેમ પૃથ્વીને વિષે બીજ રહ્યાં છે. તે વર્ષાકાળે જળના યોગને પામીને ઊગી નીસરે છે, તેમ માયાને વિષે કારણ શરીરે યુક્ત થકા રહ્યા એવા જે જીવ, તે ઉત્પત્તિકાળને વિષે ફળપ્રદાતા એવા જે પરમેશ્વર, તેની દૃષ્ટિને પામીને પોતપોતાનાં કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. અને નાસ્તિક એવા જે જૈન છે તે તો કેવળ કર્મને જ કર્તા કહે છે, પણ પરમેશ્વરને કર્મફળપ્રદાતા નથી કહેતા. તે નાસ્તિકનો મત ખોટો છે. માટે એકલું કાળનું જ બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું કર્મનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, એ તો જે સમે જેનું પ્રધાનપણું હોય તે સમે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય, પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહિ. કેમ જે, જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સત્યયુગ, તેને વિષે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા અને સર્વે બ્રાહ્મણ હતા અને મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પમાત્રે કરીને જ પુત્રની ઉત્પત્તિ થતી અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા અને જેટલાં મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું જ ભજન કરતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહિ, જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને જ્યારે દ્વાપરયુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગસંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને એવી રીતે જે સત્યયુગ, ત્રેતાયુગની રીત તે સર્વે સત્યયુગ, ત્રેતાયુગમાં ન હોય, એ તો પ્રથમ સત્યયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતી. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનપણે પ્રવર્તે, ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે. અને જ્યારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એકકાળે મરાઈ જાય છે; ત્યારે શું બધાયનું એક ભેળે શુભ કર્મ ખૂટી ગયું ? એ તો અશુભ કાળની જ અતિશય સામર્થી છે, તેણે જીવના શુભ કર્મના બળને હઠાવી દીધું. માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહિ, કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય ને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને જ સર્વ થાય છે, એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણાક મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે, ત્યારે કળિયુગને વિષે પણ સત્યયુગ થાય છે. એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય, પણ કાળનું જોર કહ્યું ન હોય. તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કેવળ કર્મને જ સર્વ કર્તા કહે છે, પણ એમ નથી જાણતા જે, એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કહ્યું નથી. અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રકટ થાય છે જે, ‘આ દેહે કરીને તો પાત્ર-કુપાત્ર જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય, તે સર્વનું કલ્યાણ કરવું છે.’ ત્યારે કાળનું ને કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહિ, ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સામર્થ્ય રહે છે. તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના, તેણે ભગવાનને ઝેર પાયું. તેને શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા તે ભગવાનને મારવા આવ્યા હતા, તેને પણ શ્રીકૃષ્ણ ભગવાન પરમપદ આપતા હવા. ને બીજા પણ જે જે ભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું.”

27. વરતાલ ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, સત્સંગી હોય તેને અવશ્યપણે શી શી વાર્તા જાણી જોઈએ ? કેમ જે, તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે, ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય?” એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા જે, “લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુપરંપરા જાણી જોઈએ; તે કેવી રીતે ? તો ઉદ્ધવ તે રામાનંદસ્વામી રૂપે હતા ને તે રામાનંદ સ્વામી શ્રીરંગક્ષેત્રને વિષે સ્વપ્નમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુપરંપરા જાણવી. અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી. અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવાં. તે શાસ્ત્રના નામ- ૧. વેદ, ૨. વ્યાસસૂત્ર, ૩. શ્રીમદ્‌ભાગવત પુરાણ, ૪. મહાભારતને વિષે વિષ્ણુસહસ્ત્રનામ, ૫. ભગવદ્‌ગીતા, ૬. વિદુરનીતિ, ૭. સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહિલું વાસુદેવમાહાત્મ્ય, અને ૮. યાજ્ઞવલ્ક્યસ્મૃતિ. એ જે આઠ શાસ્ત્ર તેને જાણવાં. અને ચોથા સર્વે સત્સંગીના જે જે નિયમ છે તેને જાણવા. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેને જાણવા, અને સ્થાનક, સેવક ને કાર્ય; તેને ભેદે કરીને તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે પરોક્ષરૂપ ને પ્રત્યક્ષરૂપ તેને જાણવાં. તેમાં પરોક્ષરૂપ તે કેવી રીતે ? તો માયાના તમ થકી પર એવો જે ગોલોક, તેને મધ્યે જે અક્ષરધામ, તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, તે દ્વિભુજ છે ને કોટિ કોટિ સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્યામસુંદર છે, ને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે પાર્ષદ, તેમણે સેવ્યા છે, ને અનંત કોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, તેના કર્તા છે ને મહારાજાધિરાજપણે વિરાજમાન છે. અને એવા જે એ ભગવાન તે ચતુર્ભુજરૂપને ધારે છે, અષ્ટભુજરૂપને ધારે છે, ને સહસ્ત્રભુજરૂપને પણ ધારે છે; ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન; એ જે ચતુર્વ્યૂહ ને કેશવાદિક જે ચોવિશ વ્યૂહ; એ સર્વે રૂપને ધારે છે, તથા વારાહ, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર, તેને ધારે છે, ને પોતે તો સદા દ્વિભુજ છે. અને ઉપનિષદ્ તથા સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર; એમને વિષે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું.૧

28. ગઢડા અંત્ય ૩૫ ( para.6)

પછી શુકમુનિએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા જે, (૧). “પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે, ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે. સદાય દિવ્ય સાકારમૂર્તિ સમજે. અને ગમે એટલાં પુરાણ, ઉપનિષદ્, વેદ ઈત્યાદિક ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે જે, ‘કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી, ને કાં તો એમાં કેમ કહ્યું હશે ! પણ ભગવાન તો સદા સાકાર જ છે.’ અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દૃઢ ન કહેવાય. અને સાકાર ન હોય તેને વિષે આકાશની પેઠે કર્તાપણું ન કહેવાય તથા એક દેશને વિષે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે ને સદા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે; એક તો એ લક્ષણ હોય. (૨). તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને એ ભગવાનનું જે નામસ્મરણ ને કથા-કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. (૩). તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહિ અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ ભક્તના સંગનો ત્યાગ ન કરે. અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે, તો સાધુનો અભાવ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે. એમ ને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. (૪). તથા સારુ વસ્ત્ર, સારુ ભોજન, સારુ જળ તથા જે જે કોઈ સારુ પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે જે, ‘આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક,’ અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય, એવો હોય. (૫). તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે, ‘આ તો કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહિ, ને આ તે કોણ જાણે કેવોય હશે ? એનું તો કાંઈ કળાતું નથી.” એવો ન હોય ને જેવો એ માંહી-બાહેર હોય તેને સર્વે જાણે જે, ‘આ તે આવો છે.’ એવો જે સરલ સ્વભાવવાળો હોય. (૬). અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય, એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. ૬. આવે છો લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત્ ભગવાન વિરાજમાન છે એમ જાણવું. અને એવા સાધુનો દ્રોહ કર્યો તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે.”

(કુલ: 52)