ગોપી

ગોપી

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "ગોપી" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૪૨ ( para.2)

અને તે સભાને વિષે કોઈક વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા તેને જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, “વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે, ‘વિધિનિષેધ તો મિથ્યા છે અને વિધિનિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે, અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે; અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે.’ એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે ? અને સર્વે વેદાંતીના આચાર્ય જે શંકરાચાર્ય, તેણે તો પોતાના શિષ્યને દંડ-કમંડલું ધારણ કરાવ્યા અને એમ કહ્યું જે, ‘ભગવદ્‌ગીતા ને વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને ઝાઝા ચોમાસાં થયા હોય તેનું થોડા ચોમાસાંવાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી.’ એવી રીતે જે વિધિનિષેધનું પ્રતિપાદન કર્યું, તે શું એને યથાર્થ જ્ઞાન નહિ હોય ? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિનિષેધને ખોટા કરી નાખ્યા, તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા ? માટે એ તો એમ જણાય છે જે, એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને વિધિનિષેધ શાસ્ત્રમાં ખોટા કહ્યા છે તે તો એમ કહ્યા છે, જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિષે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહિ; તો ઝાડવાં તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખ્યામાં આવે ? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહિ અને ઊંચું જુવે તો મોટી મોટી સમુદ્રની લહેર્યું ઉઠતી હોય. માટે ઊંચું પણ જળ જ જણાય, ત્યારે તે વહાણને વિષે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે, ‘એકલું જળ જ છે બીજું કાંઈ નથી.’ એ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે જે, જેને બ્રહ્મસ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે, ‘એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ, ઈશ્વર અને માયા; એ આદિક સર્વે તે મિથ્યા છે.’ અને તેના વચન શાસ્ત્રમાં લખાણાં હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિનિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રૂષા કરે ને છોકરાની શુશ્રૂષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિનિષેધ તેને ખોટા કહે છે, એવા જે આ જગતને વિષે જ્ઞાનના કથનારા છે તેને તો મહાઅધમ જાણવા ને નાસ્તિક જાણવા અને શંકરાચાર્યે તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને ‘भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते !’ એ આદિક ઘણાક વિષ્ણુના સ્તોત્ર કર્યા છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદિક જે ઘણાક દેવતા તેના સ્તોત્ર કર્યા છે. જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે એવો આશય જાણીને શંકરાચાર્યે સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે અને વળી એમ કહે છે જે, ‘જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી.’ તે મૂર્ખપણામાંથી કહે છે અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિષે જડભરત શ્રેષ્ઠ છે અને જેટલાં પુરાણમાત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિષે જડભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા ચાર પગ ને ટૂંકી પૂછડી ને માથે નાની શિંગડિયો એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામબુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામિયો. તેનું કારણ એ છે જે, શ્રીકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત્ પુરુષોત્તમ ગુણાતીત દિવ્યમૂર્તિ હતા, તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થઈયો અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા, માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્યસ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે. અને જો શ્રીકૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત અને જો ગુણાતીત પદને પામિયો તો શ્રીકૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્યમૂર્તિ જ છે અને વેદાંતી કહે છે જે, ‘સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે’ ત્યારે જેમ ગોપીઓેએ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ કરી તેમ જ સર્વે સ્ત્રીઓે પોતપોતાના ધણીને વિષે પ્રીતિ કરે છે તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓેને વિષે પ્રીતિ કરે છે તો પણ તેમને ગોપીઓેના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે, માટે જે વિધિનિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી અને જે એ વિધિનિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

2. ગઢડા પ્રથમ ૫૬ ( para.5)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે’ એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તો પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઈત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે. તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં.’ એમ વિગતિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર, તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધનસિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભકતોના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘ગમે તેવો પાપી હોય ને અંતસમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ?’ એમ માહાત્મ્ય સમજે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”

3. ગઢડા પ્રથમ ૬૩ ( para.3)

પછી પરમચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે જે, ‘મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે તે નારદ, સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે અને જે બાઈઓ હરિભક્ત છે, તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રુક્મિણી, લક્ષ્મી, પાર્વતી એવી છે અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું.’ એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે, એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો.”

4. ગઢડા પ્રથમ ૭૩ ( para.5)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાનની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રીને વિષે દશ દશ પુત્ર અને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્યમતને આશર્યા હતા. તે સાંખ્યમતવાળો હોય તે દેહ, ઇન્દ્રિયો, મન એ સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે, અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે, ને તે ક્રિયાએ કરીને હર્ષ-શોકને પામે નહિ; એ મતને ભગવાન આશર્યા હતા. માટે ભગવાનને નિર્લેપ કહ્યા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્યમતને આશર્યા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્યમતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા, માટે સાંખ્યમતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિષે તો યોગકળાને આશર્યા હતા તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું, એ ઠેકાણે તો પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું. તે શ્રીમદ્‌ભાગવતમાં કપિલદેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, “સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી.’ માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી ત્યારે ગોપીઓ બોલી જે, ‘અમે યમુનાજી કેમ ઊતરીશું ?” પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને એમ કહેજ્યો જે, ‘જો શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી હોય તો અમને માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલીયો જે, ‘અમારે આડાં યમુનાજી છે, તે અમે ઘેર કેમ કરીને જઈશું ? પછી ઋષિએ કહ્યું જે, ‘કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે યમુનાજીને એમ કહ્યું જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજ્યો, એટલે યમુનાજીએ માગ દીધો પણ હવે કેમ કરીને ઘેર જઈએ ?’ પછી દુર્વાસા ઋષિ બોલ્યા જે, ‘યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો, ત્યારે ગોપીઓના મનને વિષે અતિ આશ્ચર્ય થયું પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા માટે બ્રહ્મચારી હતા અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેને વિષે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા અને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું; માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહિ અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે પણ યોગકળાએ કરીને ઊર્ધ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્યવાળા થાય છે, પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહિ અને જે સ્ત્રીનો અષ્ટપ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે, ‘વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે.’ પછી તે વીર્યને ઊર્ધ્વ રાખવાને સારુ અમે બે પ્રકારની જળબસ્તિ શીખ્યા હતા અને કુંજરક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારુ કેટલાક આસન શીખ્યા હતા અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહિ. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે, ‘શરીરમાંથી પરસેવો જ નીકળે નહિ અને ટાઢ તડકો પણ લાગે નહિ.’ પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વળ્યા સારુ બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહિ; માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય અને અતિશય પંચવિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય, તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે.”

5. સારંગપુર ૧૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે, ‘બે પ્રકારના ભગવાનના ભક્ત છે, તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બાહેર પણ ઘણો દીઠામાં આવે છે; અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિષે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી, અને પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બેય નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે. અને આત્મનિષ્ઠા ને વૈરાગ્યે યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે ? એ પ્રશ્ન છે. “ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી, તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો ? કેમ જે, એ તો દેહાભિમાની છે, માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચવિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિષે એવી પ્રીતિ નહિ રહે. તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને પ્રેમી કહીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ ગોપીઓ કાંઈ ભોળિયો નહોતી, એ તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી તો ડાહિયો હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડહાપણ હતું; અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વે યાદવમાં અતિશય ડાહ્યા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી, તે ગોપીઓની સમજણ જોઈને ગદ્ગદ્કંઠ થઈ ગયા. અને તે ઉદ્ધવજી એમ બોલ્યા જે, “ ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો, તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો.” અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. અને તમે કહેશો જે, ‘ ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી’, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે, એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે જે, ‘અમે તમારે અર્થે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી;’ અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડાં તોછડાં વચન બોલે જે, ‘જાણીએ હમણાં વિમુખ થઈ જશે.’ એવી જાતના જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે; અને ડહાપણે કરીને યુક્તિ યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવા દે નહિ અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહિ, અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. એવા જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહિ અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષ્યા, ક્રોધ કરે જ નહિ અને માન મત્સર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન, કર્મ, વચને કરીને કોઈ કાળે કરે નહિ. એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા; એવા ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો. તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહિ. અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય સહેજે એનાં હૈયામાં વર્તતા હતા. માટે એ ગોપીઓને વિષે તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના માહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. અને એવા ભક્તની રીત તો આમ છે જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહિ અને ભગવાનને વિષે એ પંચવિષયે કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહિ. અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણનાં જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહિ અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલાં તૃણ ઊગે જે પૃથ્વી જ દેખાય નહિ, તેમ જે આત્મનિષ્ઠા ને વૈરાગ્યે કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી, તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહિ રહે ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે, ‘મારે ભગવાનમાં લેશમાત્ર પ્રીતિ નથી,’ માટે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે. તે તો એમ જાણે છે જે, ‘મારા જીવાત્માને વિષે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે.’ એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે. તો પણ એની પ્રીતિના મૂળ ઊંડાં છે. તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે.”

6. કારિયાણી ૯ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,”હે મહારાજ ! જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય, તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહિ અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહિ. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા, તો એમ વર માગ્યો જે, ‘આ ગોપીઓની ચરણરજનાં અધિકારી એવા જે વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્છ; તેને વિષે હું પણ કોઈક થાંઉ.’ અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિષે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાંને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળાં કહ્યા છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, ‘હે પ્રભો ! આ જન્મને વિષે અથવા પશુ પક્ષીના જન્મને વિષે હું જે તે તમારા દાસને વિષે રહીને તમારા ચરણારવિંદને સેવું, એવું મારું મોટું ભાગ્ય થાઓ.’ માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત; તેને વિષે જે કાંઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહિ. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ, પક્ષી તથા વૃક્ષ-વેલી આદિક તેને પણ દેવ તુલ્ય જાણે, તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામસ્મરણ કરતા હોય ને તેને દેવ તુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું ? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય. અને જે માહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને તો અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પુરો સત્સંગી જાણવો.”

7. કારિયાણી ૧૧ ( para.2)

પછી શ્રીજીમહારાજને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને વિષે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિષે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહિ એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ હતી, તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો જે, ‘આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખીશું.’ પછી ચાલવા સમે શ્રીકૃષ્ણ ભગવાનનાં નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહિ, ત્યારે સર્વે ડરીને છેટે રહિયો અને અંતરમાં એમ બીનિયો જે, ‘જો આપણે ભગવાનના ગમતામાં નહિ રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઊતરી જશે.’ એમ વિચારીને કાંઈ કહી શકિયો નહિ. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ ત્રણ ગાઉ ઉપર ભગવાન હતા તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહિ, અને ગોપીઓએ એમ જાણ્યું જે, ‘ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે.’ માટે હેતનું એ જ રૂપ છે જે, ‘જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. અને જો પોતાના પ્રિયતમને પાસે રહ્યે રાજી જાણે તો પાસે રહે અને જો પોતાના પ્રિયતમને છેટે રહ્યે રાજી જાણે તો છેટે રહે; પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપે નહિ એ પ્રેમનું લક્ષણ છે. જો ગોપીઓને ભગવાનને વિષે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહિ અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું, પણ કોઈ રીતે ભગવાનનાં વચનનો ભંગ કર્યો નહિ. માટે જેને ભગવાનને વિષે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહિ. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે.”

8. લોયા ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક્ પૃથક્ રુચિ છે. તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, ‘જીવ, માયા અને પુરુષોત્તમ એ ત્રણે નિત્ય છે ને પુરૂષોત્તમ છે, તે જીવ, માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે ને સર્વે જે અવતાર તે તેના છે. એવા જે પુરુષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી.’ એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્લભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથોને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે. તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે ? અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સોંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સોંસરો ચાલ્યો આવે છે ? તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો.” ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાયું તેણે તેમ કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે, ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા હતા, તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈઓ ત્યારે પોતે ભગવાન હતા, તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો.’ ત્યાં શ્લોક છે :- “न कुर्यात्कर्हिचित्सख्यं मनसि ह्यनवस्थिते । यद्विस्रंभाच्चिराच्चीर्णं चस्कन्द तप ऐश्वरम् ।। नित्यं ददाति कामस्य छिद्रं तमनु येऽरयः। योगिनः कृतमैत्रस्य पत्युर्जायेव पुंश्चली ।।” એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગી અમને ગમે છે. તથા અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમ જેવા ગમે છે, તેવા બીજા લોક ગમતા નથી. અને એમ મનમાં રહે છે જે, શ્વેતદ્વીપને વિષે તથા બદરિકાશ્રમને વિષે જઈને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારુ લાગે, પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા. તથા ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે, એ સર્વે અવતાર નારાયણના છે, તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે અને એ ત્રણ્યે અવતાર કરતા કોટિ ઘણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે. અને એમ જાણીએ છીએ જે, ‘બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે અને એમાં અવતાર-અવતારી એવો ભેદ નથી જણાતો.’ અને બીજા જે મત્સ્ય-કચ્છાદિક ભગવાનના અવતાર છે, પણ તેમાં અમારી અતિ રુચિ નથી. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધો-ઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંતકોટિ મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્તે સહિત શ્રીનારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનને વિષે તેજનું અતિશયપણું છે, તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે, તો પણ એને વિષે રુચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિસુખ થાય છે; અમારે એવી રીતે ઉપાસના છે. અને એ ભગવાનને વિષે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે. તે સારુ અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે, કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિષે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિષે જેવું હેત હોય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક’ તથા કોઈકને પુત્રમાં, ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક.’ તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ જે, ‘એ બહુ ઠીક કરે છે.’

9. લોયા ૧૪ ( para.3)

અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જે, જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષ્યા, દંભ, કપટ ઈત્યાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય, તે સાથે જ અમારે બેઠા-ઊઠ્યાની સુવાણ થાય છે; અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાણ થાય નહિ, તેની તો ઉપેક્ષા રહે છે. અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો અને હવે તો ક્રોધ, માન ને ઈર્ષ્યા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. કાં જે, કામી હોય તે તો ગૃહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે અને જેમાં ક્રોધ, માન, ઈર્ષ્યા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જતા દેખાય છે. માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે. તે માન તે શું ? તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે, પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહિ. અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ જે, જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈતબ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે, તેને વિષે તો અમારે રુચિ નથી તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર-અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાન વિષે તો અમારે ઉપાસના છે તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિષે અમારે ભક્તિ છે તથા શુકજીના જેવો તથા જડભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે ને આત્મનિષ્ઠા છે. એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે, તે અમારી વાર્તાએ કરીને તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વાપર વિચારીને જુવે, તો જે બુદ્ધિમાન હોય તેના જાણ્યામાં આવે છે.” એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.

10. લોયા ૧૫ ( para.5)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે તે જીવને વિષે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ; એ સર્વના આશ્રયપણે રહ્યા છે. તે શ્રીકૃષ્ણભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેવરાવ્યું છે જે, ‘ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ; તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. જેમ પંચ મહાભૂત બ્રહ્માંડને વિષે રહ્યાં છે ને તેના તે જ સર્વના દેહમાં રહ્યાં છે; તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિષે રહ્યાં છે, તેમ રહ્યો છું અને જેમ એ ભૂત જીવોના દેહોમાં સામાન્યપણે રહ્યાં છે તેમ હું તમારે પાસે રહ્યો છું અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિષે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું.”

11. લોયા ૧૬ ( para.8)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! એ માન કેમ ટળે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનું માહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે; કેમ જે, જુવો ને ઉદ્ધવજી કેવા ડાહ્યા હતા ! ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહે કરીને રાજા જેવા હતા, પણ જો ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિષે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું અને એમ બોલ્યા જે, ‘એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ, લતા, તૃણ, ગુચ્છ તે માંહેલો હું કોઈક થાઉં.’ અને તુલસીદાસજીએ કહ્યું છે જે, ‘तुलसी ज्याके मुखनसे भूले निकसे राम । ताके पगकी पहेनियां मेरे तनकी चाम ।।’ એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નીસરે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવી આપે, તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામસ્મરણ, ભજન-કીર્તન, વંદન કરતા હોય ને જો ભગવાનનું માહાત્મ્ય સમજતો હોય, તો તેને આગળ શું માન રહે ? ન જ રહે. માટે માહાત્મ્ય સમજે ત્યારે માન જાય છે, પણ માહાત્મ્ય સમજ્યા વિના તો માન જતું નથી; તે સારુ જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજવું.”

12. લોયા ૧૭ ( para.6)

અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ માહાત્મ્ય સમજે જે, ‘એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત્ ઉપાસક એ સંત છે, માટે એ બહુ મોટા છે.’ જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા! પણ જો આવી રીતે ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા તો પોતાને કાંઈ ડહાપણનું માન ન રહ્યું ને ગોપીઓના ચરણની રજને પામવાને ઈચ્છ્યા અને વૃક્ષ-વેલીનો અવતાર માંગ્યો; કેમ જે, એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે, તે ભગવાનને વિષે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી. તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે ? અને તેને નમાય કેમ નહિ ? તેની આગળ તો દાસાનુદાસ થઈને રહેવાય અને પાંચ પાંચ ખાસડાં મારે તો પણ ખમે અને એમ સમજે જે, ‘મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનો હું તિરસ્કાર સહુ છું, નહિ તો પ્રારબ્ધવશ થઈને બાયડી-છોકરાના તિરસ્કાર સહેવા પડત તથા માબાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત અને પ્રારબ્ધવશ થઈને ડોડી ની ભાજી ખાવી પડત તથા મોથ્ય ખોદીને ખાવી પડત, તે કરતા આ સંતને સંગે રહીને હું નિઃસ્વાદી વર્તમાન પાળું છું.’ તે મારા મોટા ભાગ્ય છે અને પ્રારબ્ધવશ થઈને જેવા-તેવા વસ્ત્ર તથા ચીંથરાં પહેરવા પડત, તે કરતા આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું, તે એ મારા મોટા ભાગ્ય છે.’ અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી ત્યારે એ સંતનો અવગુણ લે છે, ત્યારે એને સંતની મોટ્યપ જાણ્યામાં આવી નથી, નહિ તો અવગુણ લેત નહિ. જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરસી નાંખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરસી ન નાંખી દે ને આદર કોઈ ન કરે, ત્યારે કાંઈ એને તે ઈંગ્રેજ ઉપર ધોખો થાય છે ? ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે ? લેશમાત્ર પણ થતું નથી. શા માટે જે, એ ઈંગ્રેજની મોટાઈ જાણી છે જે, ‘એ તો મુલકનો પાદશાહ છે ને હું તો કંગાલ છું,’ એવું જાણીને ધોખો થાય નહિ; તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહિ અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહિ. માટે જેને ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે અને જેને માહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહિ.”

13. ગઢડા મધ્ય ૧૦ ( para.5)

હવે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ જે, જ્ઞાનનિરૂપણને વિષે બે શાસ્ત્ર છે; એક સાંખ્યશાસ્ત્ર ને બીજું યોગશાસ્ત્ર. તેમાં સાંખ્યશાસ્ત્રનો મત એ છે જે, જેમ આકાશ જે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણુ પણ ક્યાંય ખાલી નથી તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી, તેમ પુરુષોત્તમ ભગવાન છે, તેને આકાશની પેઠે માયિક વિકાર કોઈ અડતો જ નથી. એ વાર્તા કૃષ્ણતાપિની ઉપનિષદ્‌માં કહી છે જે, જ્યારે દુર્વાસાઋષિ વૃંદાવનને વિષે આવ્યા ત્યારે શ્રીકૃષ્ણભગવાને ગોપીઓને કહ્યું જે, ‘દુર્વાસા ભૂખ્યા છે, માટે સર્વે થાળ લઇને જાઓ.’ પછી ગોપીઓએ પૂછ્યું જે, ‘આડાં યમુનાજી છે, તે કેમ ઉતરાશે ?’ ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને તમે એમ કહેજો જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજ્યો.’ પછી ગોપીઓએ હસતી હસતી યમુનાજીને કાંઠે જઇને એમ કહ્યું, ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. પછી ગોપીઓએ ઋષિને જમાડતાં તે ઋષિ સર્વના થાળ જમી રહ્યા. પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે ઘેર કેમ કરીને જઈએ ? આડાં યમુનાજી છે.’ ત્યારે તે ઋષિએ પૂછ્યુ જે, ‘આવ્યા ત્યારે કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘શ્રીકૃષ્ણે એમ કહ્યું હતું જે, અમે સદા બાળબ્રહ્મચારી હોઇએ તો યમુનાજીને કહેજો જે માર્ગ દેજો. પછી યમુનાજીએ માર્ગ દીધો તે તમારી પાસે આવ્યા છીએ.’ તે વાત સાંભળીને ઋષિ બોલ્યા જે, ‘હવે યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજ્યો.’ પછી ગોપીઓએ હસતી હસતી જઇને એમ કહ્યું ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. ત્યારે ગોપીઓ સર્વે એ બે વાત જોઇને અતિશય આશ્ચર્ય પામી. માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેઠે નિર્લેપ છે અને સર્વે ક્રિયાઓને કર્તા થકા ભગવાન અકર્તા છે અને સર્વના સંગી થકા પણ અત્યંત અસંગી છે, એવી રીતે સાંખ્યશાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપપણે કરીને કહે છે એવું સમજવું, એ સાંખ્યને મતે જ્ઞાન છે.

14. ગઢડા મધ્ય ૧૦ ( para.7)

એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ; એને વિષે પરમેશ્વરને વિષે પ્રીતિ થવાનું કેને વિષે અધિક દૈવત આવ્યું ? તે સમજાણું નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભક્તિને વિષે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી અને ભક્તિ તો અતિ દુર્લભ છે. તે ભક્તિવાળાનાં લક્ષણ આવા હોય છે જે, જ્યારે જીવોના કલ્યાણ અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિષે વિચરે છે, ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માયિક જેવા હોય, તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે દેવકીવસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોવર્ધન તોળ્યો તથા કાળીયનાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યો તથા અક્રૂરજીને યમુનાના જળને વિષે દર્શન દીધું તથા મલ્લ, હસ્તિ, કંસાદિ દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. તેમ જ રામાવતારને વિષે ધનુષ ભાંગ્યું તથા રાવણાદિક દુષ્ટને મારીને સર્વ દેવતાનું કષ્ટ નિવારણ કર્યું, ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનનાં દિવ્ય ચરિત્ર કહેવાય. અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતાં રોતાં ઘેલા જેવા થઇ ગયા તથા કૃષ્ણાવતારમાં કાળયવનની આગળ ભાગ્યા તથા જરાસંઘની આગળ હાર્યા ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઇ વસ્યા ઇત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિષે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે જે, “जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ।।” એ શ્લોકનો એમ અર્થ છે જે, ‘હે અર્જુન ! મારા જન્મ ને કર્મ તે દિવ્ય છે, તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે.’ માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત ને અભક્ત બેયને દિવ્ય જણાય, પણ જ્યારે મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિષે જેને દિવ્યપણું જ જણાય પણ કોઈ રીતે ભગવાનનાં તે ચરિત્રમાં અભાવ આવે નહિ, એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય; અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. અને એ શ્લોકમાં કહ્યું જે ફળ તે આવા ભક્તને જ થાય છે. અને જેમ ગોપીઓ ભગવાનનાં ભક્ત હતા તે કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધો જ નહિ અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી, એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી શુકજીએ ભગવાનનું સમર્થપણું દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેઠે દિવ્ય જાણે પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહિ, એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે. અને એક બે જન્મને સુકૃતે કરીને એવી ભક્તિ ન આવે એ તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે, ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે. અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થકી અધિક છે અને જેના હૃદયને વિષે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિષે પ્રીતિમાં શું બાકી છે ? કાંઇ બાકી નથી.”

15. ગઢડા મધ્ય ૧૭ ( para.7)

અને આ સંસારમાં પણ એવી રીત છે જે, જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેનો બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહિ. જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારુ પતિનો દોષ ગ્રહણ કરતી નથી તથા બીજા પણ ગૃહસ્થો હોય તે પોતાના ભાઈ, ભત્રીજા, દીકરા ઈત્યાદિક જે સંબંધી તેને વિષે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા; તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય જે, ‘ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મૂકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે,’ એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહિ. જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું, ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો જે, ‘ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો ?’ પણ શુકજીને લેશમાત્ર સંશય થયો નહિ. અને જે ગોપીઓ સંગે ભગવાને વિહાર કર્યો, તે ગોપીઓને પણ સંશય ન થયો જે, ‘ભગવાન હોય તો આમ કેમ કરે ?’ એવો કોઈ રીતે સંશય થયો નહિ. અને જ્યારે ભગવાન કુબ્જાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા, તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહિ. અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા, ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો અને સામું ગોપીઓનું માહાત્મ્ય અતિશય સમજ્યા. માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય ને તે અતિશય શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહિ. અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે માહાત્મ્ય તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે; પછી શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિષે દ્રઢ મતિ હોય તે જ ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણે અને દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા. અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિષે દ્રઢ મતિ પણ કરી શકે નહિ અને દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહિ અને હરિજનનું માહાત્મ્ય પણ જાણે નહિ. માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને માહાત્મ્ય પણ તે જ જાણે. જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય માહાત્મ્ય જાણ્યું, તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું માહાત્મ્ય જાણ્યું.

16. ગઢડા મધ્ય ૧૯ ( para.3)

લિખાવિતં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજના, સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી બાઈ-ભાઈ નારાયણ વાંચજ્યો. બીજું, અમારી આજ્ઞા એમ છે જે, શ્રીકૃષ્ણનારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન, તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય, અહિંસાદિક ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત ભક્તિ; એ ચાર ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવમનુષ્યાદિકને વિષે થાય છે. તે અવતારને વિષે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી. જેમ સીતાજીને શ્રીરામચંદ્રને વિષે નિર્દોષપણે નિષ્ઠા હતી, તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને નવ પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રીકૃષ્ણનારાયણના અવતાર પૃથ્વીને વિષે પ્રકટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુલસી આદિક સામગ્રી વતે કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિષે સીતા ને રુક્મિણીના જેવી ભક્તિ કરવી. અને તે ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું, જે સાધુ સિદ્ધગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. અને સર્વેને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિષે દ્રઢપણે વર્તવું. બીજું, આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ, તેના જેવી ભક્તિ થશે. અને આ અમારા વચનને જે નહિ માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. સંવત્ ૧૮૭૮ના માગશર વદિ ૧૪ ને દિવસ લખ્યો છે.” એવી રીતે કાગળ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો.

17. ગઢડા મધ્ય ૬૨ ( para.4)

એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા હવા જે, “અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે, જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે શુકજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું. એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરી રાખીએ છીએ અને એ ત્રણ અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ ત્રણ અંગવાળાનાં જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે, એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ત્રણ ગુણ, પંચવિષય એ આદિક જે માયાનું ટોળું તે છે. અને એ બેના મધ્યને વિષે જે વિચાર રહે, તે વિચાર જ્ઞાનસ્વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિષે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે, તેમ સ્થિર થઈને રહે છે. ને તે વિચાર દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; એમને આત્મા સંગાથે એક થવા દેતો નથી અને તે વિચાર પણ આત્મા સંગાથે એક થતો નથી. અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે. અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય, ત્યારે વરતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે. ને પછી આ ગઢડા જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે. અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે. ને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે, તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે. ને પછી ઇન્દ્રિયોની ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિષે લીન થઈ જાય છે, ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. અને એ વિચાર છે, તે જ્યારે આ જીવ સંગાથે મળે છે, ત્યારે તે જીવના હૃદયને વિષે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે ને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે. અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે, ‘હું આત્મા છું અને મારે વિષે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે.’ અને એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે.

18. ગઢડા મધ્ય ૬૨ ( para.5)

અને પતિવ્રતાનું જે અંગ છે તે તો વ્રજની ગોપીઓના જેવું જોઈએ. જેમ ગોપીઓએ જે દિવસ થકી શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરણારવિંદનો સ્પર્શ કર્યો તે દિવસ થકી જેટલાં સંસાર સંબંધી જે સુખ તે સર્વે ઝેર જેવા થઈ ગયા; તેમ જેને પતિવ્રતાના અંગની ભક્તિ હોય તે ગમે તો ઈન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય તથા દેવતા જેવો હોય તથા કોઈક રાજા હોય ને તેને જ્યારે દેખે, ત્યારે જેમ સડેલ કૂતરાને દેખે અથવા વિષ્ટાને દેખે ત્યારે અતિશય ગ્લાનિ પામીને દૃષ્ટિ પાછી ખેંચી લે છે; તેમ દૃષ્ટિ પાછી ખેંચાઈ જાય, તે ઉત્તમ પતિવ્રતાની રીતિ છે. તે માટે જેની એક ભગવાનને વિષે જ પતિભાવે કરીને વૃત્તિ જોડાણી છે તેનું બીજા કોઈ પુરુષને દેખીને મન રાજી થાય જ નહિ.

19. ગઢડા મધ્ય ૬૪ ( para.3)

પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે, તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય ? જે આટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખડો કરે છે ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન શ્રીકૃષ્ણપુરુષોત્તમ છે, તે તો રાજાધિરાજ છે અને અખંડમૂર્તિ છે અને પોતાનું અક્ષરધામરૂપી જે તખત તેને વિષે સદા વિરાજમાન છે. અને તે અક્ષરધામને આશ્રિત અનંતકોટિ બ્રહ્માંડ રહ્યા છે. તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડાં હોય, તેમાંથી એક-બે ગામ ઉજ્જડ થયા હોય અથવા વસ્યાં હોય પણ તે તો તે રાજાની ગણતીમાં પણ ન હોય; તેમ શ્રીકૃષ્ણભગવાન તે અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે, તે બ્રહ્માંડોનો કાંઈ એક સામટો પ્રલય થતો નથી અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી. અને તે શ્રીકૃષ્ણભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથન માત્ર છે અને એ શ્રીકૃષ્ણ તો સદા અજન્મા છે. અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ છે, તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે અને વ્યતિરેકપણે તો ચાર ભૂત થકી પર છે, તેમ જ શ્રીકૃષ્ણભગવાનનું અક્ષરધામ છે. અને તે ધામને વિષે ભગવાન અખંડ વિરાજમાન રહે છે. અને તે ધામમાં રહ્યા થકા અનંતકોટિ જે બ્રહ્માંડ છે તેને વિષે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈક સિદ્ધપુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાઉ દેખે ને હજારો ગાઉની વાર્તાને સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે જ્યાં જેમ જણાવું ઘટે ત્યાં તેમ જણાય છે અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે. અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે, તે તો પોતાની યોગકળા છે. જેમ રાસમંડળને વિષે જેટલી ગોપીઓ તેટલા જ પોતે થયા. માટે એક ઠેકાણે રહ્યાં થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું યોગકળાએ કરીને વ્યાપકપણું છે; પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી. અને જે ભગવાનની યોગમાયાએ કરી પચાસ કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે, તે પ્રલય કાળને વિષે પરમાણુરૂપ થઈ જાય છે અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિષે પરમાણુમાંથી પચાસ કરોડ યોજન થાય છે. અને ચોમાસું આવે છે ત્યારે ગાજ-વીજ ને મેઘની ઘટા થઈ આવે છે. એ આદિક સર્વે આશ્ચર્ય તે ભગવાનની યોગમાયાએ કરીને થાય છે.

20. વરતાલ ૩ ( para.4)

ત્યારે શુકમુનિએ પૂછ્યું જે, “જ્યારે એક માહાત્મ્યે સહિત ભક્તિએ કરીને સંપૂર્ણ થાય, ત્યારે એક ભક્તિ જ કેમ ન કહી ને ચાર વાનાં શા સારુ કહ્યા?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અતિશય માહાત્મ્ય સહિત ભક્તિ ભગવાનને વિષે હોય તો એક ભક્તિને વિષે ત્રણે આવી જાય અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ન આવે. માટે, ‘ચાર વાનાંએ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય,’ એમ કહ્યું છે. અને એવી અસાધારણ ભક્તિ તો પૃથુરાજાને હતી, તે ભગવાને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારુ દસ હજાર કાન માગ્યા પણ બીજું કાંઈ ન માંગ્યું. અને જે ગોપીઓને રાસક્રીડામાં ન જવા દીધી તે દેહ મૂકીને શ્રીકૃષ્ણ પાસે ગઈ. એવી અસાધારણ ભક્તિ હોય તો જ્ઞાનાદિક ત્રણે એક ભક્તિમાં આવી જાય.”

21. વરતાલ ૧૮ ( para.3)

અને સર્વે જે આચાર્ય થયા છે, તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિમ્બાર્ક ન કહેવાય, વિષ્ણુસ્વામી ન કહેવાય, વલ્લભાચાર્ય ન કહેવાય; કેમ જે, એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહિ તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી. કેમ જે, વ્યાસજી તો વેદના આચાર્ય છે, ને પોતે ભગવાન છે. માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું. અને તે જે વ્યાસજી તેણે જીવના ક્લ્યાણને અર્થે વેદનો૨ વિભાગ કર્યો ને સત્તર પુરાણ કર્યા ને મહાભારત કર્યું, તો પણ તે વ્યાસજીના મનમાં એમ થયું જે, ‘જીવના કલ્યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો.’ ને તેણે કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. તે પછી સમગ્ર વેદ, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તેનું સાર એવું જે શ્રીમદ્‌ભાગવત પુરાણ તેને વ્યાસજી કરતા હવા. તે ભાગવતને વિષે સર્વ અવતાર કરતા શ્રીકૃષ્ણ ભગવાનને જ અધિકપણે કહ્યા છે ને સર્વ અવતારના ધરનારા જે છે તે જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે. અને એ શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે ગુણવિભાગના અધ્યાયમાં કહ્યું છે જે, ‘હું નિર્ગુણ છું ને મારા સંબંધને જે પામે છે તે પણ નિર્ગુણ થાય છે.’ માટે કામભાવ, દ્વેષભાવ, ભયભાવ, સંબંધભાવ, સ્નેહભાવ; એમાંથી જે જે ભાવે કરીને એ શ્રીકૃષ્ણ ભગવાનને જે જીવ આશર્યા તે નિર્ગુણ થઈ ગયા. માટે એ શ્રીકૃષ્ણ ભગવાન તે નિર્ગુણ છે. એવી રીતે વ્યાસજીએ શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા છે. અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે જે, ‘સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર, તે જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે ને બીજા જે અવતાર તે એના છે.’ અને જો એ શ્રીકૃષ્ણ ભગવાનને નિર્ગુણ નહિ કહે ને શુદ્ધ સત્ત્વાત્મક કહેશે, તો તેને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી ને તેને વિષે મોટો બાધ આવશે; કેમ જે, ગોપીઓએ શ્રીકૃષ્ણને ભગવાન ન જાણ્યા ને કામભાવે કરીને એ જ શ્રીકૃષ્ણ ભગવાનને ભજ્યા, તેણે કરીને તે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ, ત્યારે તે શ્રીકૃષ્ણ ભગવાનને શુદ્ધ સત્ત્વાત્મક કેમ કહેવાય ? માટે શ્રીકૃષ્ણ ભગવાન તો નિર્ગુણ જ છે. તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે અર્જુન પ્રત્યે કહ્યું છે જે,

22. વરતાલ ૧૮ ( para.6)

અને એ શ્રીકૃષ્ણ ભગવાને પોતાના જન્મ સમયમાં વસુદેવ દેવકીને પરમેશ્વરપણાની પ્રતીતિને અર્થે જે ચતુર્ભુજરૂપ દેખાડ્યું તથા બ્રહ્માને જે અનેક ચતુર્ભુજરૂપ દેખાડ્યા તથા અક્રૂરને જે શેષશાયીરૂપ દેખાડ્યું તથા અર્જુનને વિશ્વરૂપ દેખાડયું, ઈત્યાદિક રૂપને ભેદે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસનાના ભેદ કહેવા તે તો યોગ્ય છે. પણ એ શ્રીકૃષ્ણ ભગવાન વ્રજને વિષે બાલમુકુંદ કહેવાયા, મુરલીમનોહર કહેવાયા, રાધાકૃષ્ણ કહેવાયા તથા વાછડાં ચાર્યાં, ગાયો ચારી, ગોવર્ધન પર્વત ધાર્યો, ગોપીઓ સાથે રાસક્રીડા કરી તથા મથુરાપુરીમાં આવીને કંસને માર્યો, યાદવને સુખિયા કર્યા તથા સાંદીપનિ બ્રાહ્મણને ઘેર વિદ્યા ભણ્યા તથા કુબ્જા સંગાથે વિહાર કર્યો તથા દ્વારકાપુરીમાં વસ્યા ને રૃક્મિણી આદિક અષ્ટ પટરાણીઓને પરણ્યા તથા સોળ હજાર સ્ત્રીઓને પરણ્યા તથા હસ્તિનાપુરમાં રહ્યા ને પાંડવોની સર્વ કષ્ટ થકી રક્ષા કરી ને દ્રૌપદીની લાજ રાખી ને અર્જુનના સારથિ થયા; ઈત્યાદિક સ્થાનકને ભેદે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની અનેક લીલા છે; તેણે કરીને એ શ્રીકૃષ્ણ ભગવાનના દ્વિભુજ સ્વરૂપને વિષે ઉપાસના ભેદ ન કરવા, અને જે કરશે તે વચનદ્રોહી, ગુરુદ્રોહી છે. અને એ શ્રીકૃષ્ણ ભગવાનનાં આચરણ જે, ગોવાળિયાનું ઉચ્છિષ્ટ ખાધું તથા રાસરમણ કર્યું; ઇત્યાદિક અનેક પ્રકારના છે, તે આચરણ પ્રમાણે તે શ્રીકૃષ્ણ ભગવાનના ભક્તને આચરણ ન કરવું. અને એ શ્રીકૃષ્ણ ભગવાને એકાદશ સ્કંધમાં તથા ભગવદ્‌ગીતામાં તથા વાસુદેવ માહાત્મ્યમાં જેમ સાધુના લક્ષણ કહ્યા છે તથા વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તથા પોતાની ભક્તિ કર્યાનું કહ્યું છે તે પ્રમાણે વર્તવું, પણ એ શ્રીકૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું અને જે કરશે તે વિમુખ છે, અમારો સત્સંગી નથી. અને આપણા ઈષ્ટદેવ એવા જે એ શ્રીકૃષ્ણ ભગવાન તેના આચરણ પ્રમાણે જેમ ન કરવું, તેમ જ તમારો સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા એવો જે હું, તે મારા દેહના જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું અને અમારા સંપ્રદાયને વિષે જેમ જેના ધર્મ કહ્યા છે, તે જે અમારા વચન તે પ્રમાણે તમારે સર્વેને રહેવું, પણ અમારા આચરણ પ્રમાણે ન રહેવું. આ જે અમે વાર્તા કરી તેને સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી શીખી લેજ્યો ને એ પ્રમાણે સમજીને એમ જ વર્તજો ને બીજા આગળ પણ એમ જ વાર્તા કરજો.” એમ કહીને શ્રીજીમહારાજ ભોજન કરવા પધાર્યા. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ ને સત્સંગી તે એમ સમજતા હવા જે, ‘એ પરોક્ષ જે શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી અને એ જ આપણા ઈષ્ટદેવ છે ને ગુરુ પણ એ જ છે.’

23. ગઢડા અંત્ય ૧ ( para.3)

“અને વળી જે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને વિષે જ્ઞાનનું અંગ હોય, ને કાં તો હેતનું અંગ હોય. તેમાં જેને જ્ઞાનનું અંગ હોય તે તો ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજે. અને જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહિ. તે જ્ઞાનના અંગવાળા તો ઝીણોભાઈ, દેવરામ ને પ્રભાશંકર છે. એવી રીતે જે હરિભક્ત ભગવાનનું માહાત્મ્ય જાણે તેને જ્ઞાનના અંગવાળા જાણવા. અને જેવું વ્રજની ગોપીઓને ભગવાનને વિષે હેત હતું. તેવી રીતના જે હરિભક્ત હોય તેને હેતનું અંગ જાણવું. અને જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને અંતર્યામી જાણે અને એમ જાણે જે, ‘ભગવાન તે કોઈનું કહ્યું સાંભળે જ નહિ, ભગવાન તો જે ભક્તનું જેવું અંગ હોય, તેને તેવું જાણીને તેવી રીતે કહે છે, પણ કોઈની શીખામણે કરીને ચાલતા નથી.’ અને જે એમ જાણે જે ‘ભગવાન તો કોઈકના શીખવ્યા થકા મારામાં વાંક નથી તો પણ મને કહે છે,’ તેને તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ નથી. અને આ સંસારમાં પણ જે મનુષ્યને જે સંઘાથે સ્વાર્થ હોય તેનો કોઈ રીતે અવગુણ લે નહિ. શા માટે જે, એને પોતાના સ્વાર્થનું હેત છે, તો જેણે ભગવાન સાથે જન્મમરણના ભય થકી છૂટવાનો સ્વાર્થ જાણ્યો હોય, તેને કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે નહિ અને જે એમ જાણે જે, ‘ભગવાન તો કોઈકના ફેરવ્યા ફરી જાય છે,’ એમ સમજીને જે ભગવાનનો અવગુણ લે, તેને તો જ્ઞાનનું અંગ પણ નથી અને હેતનું અંગ પણ નથી.” એવી રીતે કહીને શ્રીજીમહારાજે મોટા મોટા પરમહંસને કહ્યું જે, “તમે તમારું એ બેમાંથી જે અંગ હોય તે કહો.” પછી સર્વે પરમહંસે કહ્યું જે, “અમારે તો જ્ઞાનનું અંગ છે.”

24. ગઢડા અંત્ય ૨૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નરસિંહ મહેતા તો સખીભાવે શ્રીકૃષ્ણ ભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નરસિંહ મહેતા, ગોપીઓ ને નારદ-સનકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી, એ તો એક પ્રકાર જ છે. અને દેહ તો પુરુષનો ને સ્ત્રીનો બેય માયિક છે ને નાશવંત છે; અને ભજનનો કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી, એ તો સત્તામાત્ર ચૈતન્ય છે. તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમ જ જો ધન, સ્ત્રી આદિક પદાર્થમાં પ્રીતિ થઈ જાય, તો એ ભગવાનનો દૃઢ ભક્ત કહેવાય નહિ. અને પરમેશ્વરનો ભક્ત થઈને ભક્તિ કરતા થકા જે પાપ કરે છે ને સત્સંગમાં જ કુવાસના બાંધે છે, તે પાપ તો એને વજ્રલેપ થાય છે. અને કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાયું હોય તો તેનું વધુ પાપ છે. માટે જેને ભગવાનમાં દૃઢ પ્રીતિ કરવી હોય તેને તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહિ. શા માટે જે, સત્સંગી હરિજન છે તે તો જેવા પોતાનાં મા, બેન કે દીકરી હોય તેવા છે. અને આ સંસારને વિષે અતિશય જે પાપી હોય તે પોતાના ગોત્રની સ્ત્રીઓને વિષે કુદૃષ્ટિ રાખે છે; માટે જે હરિજનને વિષે કુદૃષ્ટિ રાખે તે અતિશય પાપી છે ને તેનો કોઈ કાળે છૂટકો થાય નહિ. માટે જેને રસિક ભક્ત થવું હોય તેને આવી જાતનું પાપ તેનો ત્યાગ કરીને પછી રસિક ભક્ત થવું.

25. ગઢડા અંત્ય ૨૪ ( para.1)

સંવત્ ૧૮૮૫ના આસો વદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

26. ગઢડા અંત્ય ૨૬ ( para.1)

સંવત્ ૧૮૮૫ના કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

27. ગઢડા અંત્ય ૨૭ ( para.1)

સંવત્ ૧૮૮૫ના કાર્તિક સુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

28. ગઢડા અંત્ય ૨૮ ( para.1)

સવત્ ૧૮૮૫ના કાર્તિક વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

29. ગઢડા અંત્ય ૨૮ ( para.4)

પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરોખાચર એ ત્રણને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં ક્યો અવગુણ છે?” ત્યારે એ ત્રણેએ કહ્યું જે, “હે મહારાજ ! માનરૂપ દોષ છે, માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈક મુંઝવણ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પૂછીએ છીએ જે, “द्युपतय एव ते न ययुरन्तमनन्ततया ।” એવી રીતે માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય ? અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે. કેમ જે, ગવર્નર સાહેબને જાણ્યો છે જે, એ સમગ્ર પૃથ્વીનો પાદશાહ છે ને બળિયો છે ને જો તેનો એક ગરીબ સરખો હમેલિયો આવ્યો હોય, તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને, ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે જે, તે રાજાએ એમ જાણ્યું છે જે, બળિયો જે ગવર્નર સાહેબ તેનો એ હમેલિયો છે’ અને જેથી જે બળિયો, તેની આગળ માન રહે નહિ, તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય-સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેને સંતની આગળ માન કેમ રહે?” પછી બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે, “હે મહારાજ! તમે ઠીક કહો છો. જો એમ માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ તે સંતની આગળ થાય જ નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જુઓને, ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાહ્યા હતા ! પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિષે હેતવાળી જે વ્રજની ગોપીઓ તેના ચરણની રજને પામ્યા સારુ વનવેલીનો અવતાર માગ્યો ! તે કહ્યું છે જે- “आसामहो चरणरेणुजुषामहं स्यां वृन्दावने किमपि गुल्मलतौषधीनाम्। या दुस्त्यजं स्वजनमार्यपथं च हित्वा भेजुर्मुकुन्दपदवीं श्रुतिभिर्विमृग्याम् ।।” તથા બ્રહ્માએ પણ કહ્યું જે, “अहो ! भाग्यमहो ! भाग्यं नन्दगोपव्रजौकसाम् । यन्मित्रं परमानंदं पूर्णं ब्रह्म सनातनम् ।।” એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું માહાત્મ્ય જાણતા હતા તો એવી રીતે બોલ્યા, તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ રહે જ નહિ ને તેની આગળ દાસાનુદાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહિ. અને એમ મનમાં થાય નહિ જે, ‘હવે તો ક્યાં સુધી ખમીએ ? આપણ તો આપણે ઘેર બેઠા થકા જ ભજન કરીશું.’ તે માટે એમ માહાત્મ્ય સમજે તો માન ટળે.” એવી રીતે વાર્તા કરી.

30. ગઢડા અંત્ય ૩૦ ( para.1)

સંવત્ ૧૮૮૫ના પોષ સુદિ ૧૫ પૂનમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

31. ગઢડા અંત્ય ૩૩ ( para.1)

સંવત્ ૧૮૮૫ના ફાગણ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

32. ગઢડા અંત્ય ૩૪ ( para.1)

સંવત્ ૧૮૮૫ના ચૈત્ર સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

33. ગઢડા અંત્ય ૩૫ ( para.1)

સંવત્ ૧૮૮૫ના ચૈત્ર સુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

34. ગઢડા અંત્ય ૩૮ ( para.1)

સંવત્ ૧૮૮૫ના વૈશાખ સુદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

(કુલ: 85)