મોટાપુરુષ

મોટાપુરુષ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "મોટાપુરુષ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧૮ ( para.2)

પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા જે, “એક વાત કહું તે સાંભળો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે, અને તે વિના તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ અને ભારતાદિક ઇતિહાસ; તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહિ. તે વાત કહીએ તે સાંભળો જે, ‘બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય, તો તેનો અમારે ખરખરો નહિ, અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય, તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય;’ એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે, ‘ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે ?’ પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગે કરીને અંતઃકરણને ગાફલતા રહે છે જે, ‘ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી.’ એવું ગાફલપણું રહે છે એટલો જ અંતઃકરણનો વાંક છે. અને ઝાઝો વાંક તો પંચ જ્ઞાનઇન્દ્રિયોનો છે. તેની વિગતિ કહીએ છીએ જે, એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન- ભોજન પ્રત્યે જુદા-જુદા સ્વાદ છે અને જુદા-જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગ પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તોય પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહિ અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહિ, તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે, તેનો ગણતા પણ પાર આવે નહિ. તેમજ એ જીવ શ્રોત્રદ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા-જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે; જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ પીવે અથવા દારૂ પીવે એવી છે; માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન, સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા-જુદા અનંત પ્રકારના છે, તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ-દારૂના જેવો છે; માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુધબુધને ભુલાડી દે છે. તેમ જ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા-જુદા છે; તે કોઈક ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ તથા દારૂ પીધે ભૂંડું થાય છે તેમ જ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તેમ જ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે; તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવી રીતે જેમ ભૂંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે; તેમ જ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે અને વર્તમાનની આડ્યે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય; અને તેમ જ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવા; તેમ જ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે, તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી રાખી છે તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી; અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમ જ તે મોટાપુરુષને ચઢ્યું એવું જે પુષ્પ, ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે એ પંચવિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર-અસારનો વિભાગ નહિ કરે અને તે નારદ, સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું ? તે સારુ એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય-અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાશે અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે. અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે, અને જો પંચઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી.

2. ગઢડા પ્રથમ ૫૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જીવને ભજન-સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો અશુભ એવા જે દેશ, કાળ, ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. અને તે દ્રઢાવ પણ ત્રણ પ્રકારનો છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો શી વાત કહેવી ? અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય ને તેમાં પણ દ્રઢતા જેમ છે એમ ને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજબળ છે. ને ભારે પુણ્ય છે અને દેશ, કાળ, ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે; કેમ જે, દેશ, કાળ, ક્રિયા અને સંગ રૂડા છે તો પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મોટાપુરુષની સેવામાં ખબડદાર થઈને રહે તો એનાં પાપ બળીને ભસ્મ થઈ જાય અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કાંઈક સુકૃત હોય તે પણ નાશ પામે. અને મદિરાપાનની કરનારીયો જે પાતર્યો તેના ગળામાં હાથ નાંખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે જે, ‘મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહિ?,’ તેને તો મહામૂર્ખ જાણવો.”

3. ગઢડા પ્રથમ ૫૮ ( para.3)

પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “અતિશય જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.”

4. ગઢડા પ્રથમ ૫૮ ( para.5)

પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિનદિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય; અને જો મોટાપુરુષને વિષે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય અને મોટાને વિષે ક્રોધી-લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય; અને જો મોટાપુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે ? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એજ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું. એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.”

5. ગઢડા પ્રથમ ૭૩ ( para.6)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય તો એકલો ટકી શકે નહિ, અંતે જતા નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય, પછી એમ વિચારે જે, ‘હું તો આત્મા છું, સચ્ચિદાનંદરૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે માટે હું ક્યાં ? ને એ પિંડ-બ્રહ્માંડ ક્યાં ? અને મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર; તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે’ એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહિ. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિષે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી; તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનળ અગ્નિ તથા વિજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહિ અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહિ. અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા હશે તે જાણે છે અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણ્યામાં આવતો નથી અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે જે, ‘મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી.’ અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈ-ભાઈને મનમાં એમ સમજાવે છે જે, ‘બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ્ય નથી.’ તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે, મોટાપુરુષને વિષે જે નિર્દોષબુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે અને જે મોટાપુરુષને વિષે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિષે દોષબુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે; અને એ સત્સંગ કરે છે તોય પણ દુઃખિયો મટે નહિ. અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે જે, ‘જેટલા સંસારમાં મોહ ઉપજાવવાનાં પદાર્થ, ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે; તે કોઈમાં મહારાજને હેત નથી અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાનવાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે.’ અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તે પણ અમારા સ્વભાવને એમ ન જાણે અને છેટે રહે તે પણ એમ ન જાણે.

6. સારંગપુર ૧૮ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભાદિક શત્રુ હોય નહિ અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. પછી જ્યારે યુવા અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જો જે સંતને વિષે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય, એવા સંતનો સમાગમ રાખે તો યુવા અવસ્થારૂપી સમુદ્રને તરી જાય છે; અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે, તેનું તો કારણ એ છે જે, મોટાપુરુષ હોય તેને વિષે જે જે જાતના દોષ પરઠે, તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. અને જો મોટાપુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે, મોટાપુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે અને મોટાપુરુષ તો નિર્દોષ છે, અને મને દોષ જણાણો તે તો મારી કુમતિએ કરીને જણાણો છે;’ એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે, તો તે પુરુષની મલિનતા મટી જાય છે.”

7. ગઢડા મધ્ય ૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે,”કીર્તન રાખો, હવે ભગવદ્વાર્તા કરીએ.” પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે છે જે, ‘ગંગાજીનું પાણી ને બીજું પાણી; એ બેય સરખા જણાય છે અને શાલગ્રામ ને બીજા પાણા; તે સરખા જણાય છે અને તેમ જ તુલસી ને બીજા ઝાડ; તે સરખા જણાય છે અને બ્રાહ્મણ ને શુદ્ર તે પણ સરખા જણાય છે અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન; તે બે સરખા જણાય છે અને એકાદશીને દિવસ ભૂખ્યા રહ્યા ને બીજે દિવસ ભૂખ્યા રહ્યા; એ બેય સરખા જણાય છે અને સાધુ ને અસાધુ; એ બેય સરખા જણાય છે. તે માટે આ વિધિનિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાયા તેણે શા સારુ શાસ્ત્રમાં કહ્યો હશે ? એમ દુષ્ટ મતિવાળા જે જીવ છે, તે કહે છે. માટે સર્વ સંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ જે, એ વિધિનિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કહ્યો છે, તે સાચો છે કે કલ્પિત છે ? તે પ્રશ્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો.” પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્યા જે, “વિધિનિષેધનો ભેદ સત્ય છે અને એમ ન હોય તો સ્વર્ગ-નરક કેને માથે કહેવાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નાના છે, પણ સારી દિશ ઉપર સમજે છે.” એમ કહીને શ્રીજીમહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો જે, “ મોટાપુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે, તે સર્વે સત્ય છે. ત્યાં દૃષ્ટાંત છે જે, જેમ કોઈક મોટો શાહુકાર હોય ને તે કોઈને હૂંડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી પણ રૂપિયા સાચા છે. તે જ્યારે હૂંડી જે શાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે એ હૂંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે, તેમ મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિનિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે; જેમ હૂંડીમાંથી રૂપિયા નીસરે છે તેમ. અને જે સમર્થ શાહુકારે હૂંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે, તેને મૂર્ખ જાણવો અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીક ઈત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહા પાપિષ્ઠ જાણવો. અને વળી જે નાસ્તિક મતિવાળા હોય તેને એમ સમજાય છે જે, ‘બીજા પાણામાં ને ઠાકોરજીની મૂર્તિમાં શો ફેર છે ? સર્વે પાણા એકસરખા છે, અને પરણેલી સ્ત્રી ને ન પરણેલી સ્ત્રી; તેમાં શો ફેર છે ? સર્વે સ્ત્રી સરખી છે, અને ઘરની સ્ત્રી ને મા-બેન તેમાં શો ફેર છે ? સર્વેનો સરખો જ આકાર છે, અને રામ કૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે; માટે અધિક ન્યૂનભાવ તો માણસે કલ્પીને ઊભો કર્યો છે, પણ શું કરીએ ? માણસ ભેળું રહેવું તે માણસની હાયે હા કહી જોઈએ, પણ વિધિનિષેધનો માર્ગ છે, તે ખોટો છે.’ એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે. માટે જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપીષ્ટ જાણવો ને નાસ્તિક જાણવો અને એને ચાંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહિ.”

8. ગઢડા મધ્ય ૫૧ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આત્મસત્તારૂપે રહે તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શિવ, બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહિ, એ તો નારદ જેવાના પણ ગુરુ છે; અને એ જેવા બ્રહ્મસ્વરૂપે વર્તે છે, તેવું તો બીજાને વર્તવું કઠણ છે. તો પણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન એ આઠ જો ભૂંડા થયા, તો તેને યોગે કરીને એ શિવ, બ્રહ્મા જેવાને પણ અંતરમાં અતિશય દુઃખ થયું. માટે ગમે તેવો નિર્ગુણ હોય ને આત્મસત્તારૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય, તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય. માટે મોટાપુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલા ગૃહસ્થ હરિભક્ત છે, તેમને ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું. અને જેટલી બાઈઓ હરિભક્ત છે, તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય; શા માટે જે, પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય, તેમાં કોઈ રીતે બાધ આવે એવું ન હોય, ને સુખે પળે એવું હોય, ને તેથી ઓછું-અધિક કરવા જાય, તે કરનારો જરૂર દુઃખી થાય. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે, તે જ રૂડા દેશકાળાદિકને વિષે રહ્યો છે અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો, તે જ એને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિષે વર્તે છે, તે જ આત્મસત્તારૂપે વર્તે છે.”

9. ગઢડા મધ્ય ૫૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રને વિષે જે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે, ‘જ્યારે હૃદયને વિષે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહિ.’ માટે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે. અને વળી જીવમાત્રને પોતાના ડહાપણનું અતિશય માન હોય, પણ એમ વિચારે નહિ જે, ‘મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે ? કે લાંબો છે કે ટુંકો છે ?’ એની કાંઈ ખબર નથી તો પણ મોટાપુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિષે પણ ખોટ્ય કાઢે અને એમ સમજે જે, ‘આ મોટાપુરુષ છે અથવા ભગવાન છે, પણ આટલું ઠીક કરતા નથી.’ એમ ખોટ્ય કાઢે છે, પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે, ‘એ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડને વિષે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે. અને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે ને લક્ષ્મીના પતિ છે અને અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે; અને શેષ, શારદા ને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી અને નિગમ પણ જેના મહિમાને ‘નેતિ નેતિ’ કહે છે. માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિષે ને તે ભગવાનની જે સમજણ તેને વિષે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો. અને ભગવાન ને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે ? માટે પોતાની મૂર્ખાઈએ કરીને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે અને એ ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દૃષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે.”

10. વરતાલ ૩ ( para.5)

ત્યારે બ્રહ્માનંદસ્વામીએ પૂછ્યું જે, “એવી અસાધારણ ભક્તિ શે ઉપાયે કરીને આવે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ મોટાપુરુષની સેવા થકી આવે છે. તે મોટાપુરુષ પણ ચાર પ્રકારના છે. એક તો દીવા જેવા ને બીજા મશાલ જેવા ને ત્રીજા વીજળી જેવા ને ચોથા વડવાનળ અગ્નિ જેવા; તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય. ને મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય. ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય. અને વડવાનળ અગ્નિ જેવા હોય, તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાવ્યો ઓલાતો નથી અને સમુદ્રના જળને પીને મૂળદ્વારે કાઢી નાખે છે તે પાણી મીઠું થાય છે, તેને મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે, તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે. તેમ એવા જે મોટાપુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવી રીતે એ ચાર પ્રકારના જે મોટાપુરુષ કહ્યા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટાપુરુષ છે, તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન, કર્મ, વચને કરે તો તે જીવના હૃદયમાં માહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અગ્નિ જેવા તો સાધનદશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે અને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધદશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું.”

11. વરતાલ ૧૧ ( para.5)

પછી શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “બ્રહ્મસ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો ત્રણ શરીર ને ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય અને ચૌદે ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિષે એકે માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહિ. અને જ્યારે એને મોટાપુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટાપુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મસ્વરૂપને વિષે સ્થિતિ પણ ન થાય ને આત્માને વિષે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો, તે વિરોધ ટળે તે ઉપાય કહો.” પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે, પૃથ્વીને વિષે જે ભગવાનનો અવતાર, તેને મળેલા જે સંત, તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય, ત્યારે એ સત્પુરુષને વિષે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહિ. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહિ; અને તેના વચન પણ સત્ય મનાય, એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.”

12. વરતાલ ૧૫ ( para.2)

તે સમામાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! દૈવી ને આસુરી; એ બે પ્રકારના જીવ છે. તે અનાદિ કાળના છે કે કોઈક યોગે કરીને થયા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે પ્રથમ તો પ્રલયકાળે માયાને વિષે લીન થયા હતા; પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે તે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઊપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવી ને આસુરીને સંગે કરીને દૈવી ને આસુરી થાય છે અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુરભાવને વિષે ને દૈવીભાવને વિષે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા. તેણે સત્પુરુષ એવા જે સનકાદિક, તેનો દ્રોહ કર્યો ત્યારે અસુરભાવને પામી ગયા અને પ્રહ્લાદજી દૈત્ય હતા તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો, તો પરમ ભાગવત સંત કહેવાયા. માટે મોટાપુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે અને જે ઉપર મોટાપુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે; પણ બીજું દૈવી-આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહિ, અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું.”

13. ગઢડા અંત્ય ૫ ( para.8)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “માહાત્મ્ય યુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શુક, સનકાદિક જેવા જે મોટાપુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી માહાત્મ્યે સહવર્તમાન એવી જે ભક્તિ, તે જીવના હૃદયમાં ઉદય થાય છે.”

(કુલ: 27)