રસિક

રસિક

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "રસિક" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા, “જે હવે કીર્તન બોલવાં રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો.” પછી પરમહંસે કહ્યું જે, “હે મહારાજ ! બહુ સારુ, તમો વાત કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનાં રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તો એમાં મોટી ખોટ્ય છે; કેમ જે, એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમ જ ગીત-વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રીઆદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે; માટે એ ભક્તને અવિવેકી જાણવો. અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિષે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે, એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો; અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને જ સુખ માનવું. અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે. અને જેમ શબ્દ તેમ જ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે ત્યારે તે રસિક ભક્ત સાચો. તેમ જ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદ પામે ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે એ રસિક ભક્ત સાચો. તેમ જ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેણે કરીને પરમ આનંદ પામે પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે તે રસિક ભક્ત સાચો. તેમ જ ભગવાનને ચડ્યાં એવા જે તુલસી, પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીએ યુક્ત એવા અત્તર-ચંદનાદિક તેની સુગંધીને ગ્રહણ કરીને પરમ આનંદ પામે, પણ કોઈ અન્ય વિષયી જીવે દેહે અત્તર, ચંદનાદિક ચરચ્યાં હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય. એવી રીતે પંચવિષય ભગવાન સંબંધી હોય તેને વિષે અતિશય પ્રીતિવાન થાય અને જગત સંબંધી જે પંચવિષય તેને વિષે અતિશય અભાવે યુક્ત વર્તે તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગે કરીને આનંદ પામે છે તેમ જ અન્ય સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તેને યોગે કરીને જો આનંદ પામે છે, તો એ ખોટો રસિક ભક્ત છે; કેમ જે, ‘જેમ ભગવાનને વિષે આનંદને પામ્યો તેમ જ વિષયને વિષે પણ આનંદ પામ્યો.’ માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કાં જે, ભગવાન તો કાંઈ ખોટા નથી પણ એનો ભાવ ખોટો છે. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા, તેવા જ ભગવાનને પણ જાણ્યા, માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું. હવે જેમ સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચવિષયનો વિવેક કહ્યો તેમ જ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિષે સૂક્ષ્મ પંચવિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધે કરીને જેવો આનંદ પમાય તેવો ને તેવો જ જો અન્ય પંચવિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય, તો તે ભક્તનું રસિકપણું ખોટું છે, અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિષે ઊલટા અન્નની પેઠે અભાવ રહેતો હોય તો એ રસિક ભક્ત સાચો છે. અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાયા તે તો સાચા છે, પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે, માટે એની સમજણ ખોટી છે, અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે, અને જ્યારે કેવળ ભગવાનનું જ ચિંતવન રહે છે ત્યારે ચિંતવન કરતા કરતા શૂન્યભાવને પામી જાય છે ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિંડ-બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી, પછી એવા શૂન્યને વિષે ભગવાનની મૂર્તિને જોતા જોતા પ્રકાશ થઈ આવે છે અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે, માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે. અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાવો છો ત્યારે આંખ્યો મીંચીને વિચારીએ છીએ, તે આવો જ વિચાર કરીએ છીએ અને અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું નથી અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય એવો અમારો બળવાન વિચાર છે, અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે તે તમારી આગળ કહ્યું.” એમ શ્રીજીમહારાજે પોતાનું મિષ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી.

2. ગઢડા પ્રથમ ૭૨ ( para.3)

પછી મુનિ જે તે ભગવાનના રસિક કીર્તન ગાવા લાગ્યા. તેને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે અને વિમુખ જીવ હોય અથવા કાચોપોચો હરિભક્ત હોય તે તો તે ચરિત્રને વિષે દોષ પરઠે, જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પૂછ્યું જે, “ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રગટ થયા હતા, તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો ?’ એવી રીતે દોષ લીધો અને શુકજીએ તો સમજી-વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું જે, કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશય ગર્વ થયો તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાની ગાંઠ્યની દારૂગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તેમ ભગવાને કામદેવરૂપી શત્રુને લડ્યાનો સામાન મોરથી આપ્યો, તે શું ? તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. તેમાં પણ શરદઋતુને વિષે રાત્રિમાં કામદેવનું વધુ બળ થાય તથા સ્ત્રીના રાગરંગ, વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો; તેણે કરીને કામદેવનું અતિશય બળ વધે છે. એ સર્વે સામાન શ્રીકૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઊર્ધ્વરેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહિ. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનનાં ચરિત્ર ગાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહિ ત્યારે દોષ પરઠ્યો, માટે કોઈક એમ કહે જે, ‘તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાઓ છો ?’ તો તેને એમ કહેવું જે, ‘જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનનાં રસિક ચરિત્રને વિષે દોષ પરઠીએ, તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક-વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ, માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી. શા માટે જે, પરમહંસમાત્રના ગુરુ જે શુકજી તેણે ભગવાનનાં રસિક ચરિત્ર ગાયા છે માટે અમારે પણ જરૂર ગાવવા.’

3. ગઢડા મધ્ય ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા જે, “મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડ્યાના બે ઉપાય છે; તે કહીએ છીએ જે, એક તો રસિકમાર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન, એ બે મોટ્યપ પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે. અને મોટા આચાર્ય થયા તેમણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણાને થયો છે અને સારુ તો કોઈકનું થયું છે. કાં જે, રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ; તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અગોઅંગનું વર્ણન થાય, ત્યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે ? અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે જે, સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય. અને રાધિકાજી, લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહિ અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય; માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયે પ્રકારે મોહ ન થાય ? એ તો થાય જ. અને લેશમાત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો. માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે. અને બ્રહ્મજ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે જે, ‘જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિપુરુષરૂપે થાય છે અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મા, વિષ્ણુ, શિવરૂપે થાય છે ને પછી તે જ બ્રહ્મ સ્થાવર-જંગમરૂપે થાય છે અને તે સ્થાવર-જંગમરૂપ જે આકાર તેને વિષે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે.’ એવી રીતે બ્રહ્મજ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે, ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો. માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મજ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય, એ મોટું વિઘ્ન છે. કાં જે, સમજી સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું, માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો. અને એ બે માર્ગ છે, તે કલ્યાણના છે અને એ બેમાં વિઘ્ન પણ અતિ મોટા છે. માટે જે ક્લ્યાણને ઈચ્છતો હોય તેને કેમ કરવું ? એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કરો.” પછી સર્વે પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો.

4. ગઢડા મધ્ય ૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એ છે જે, જેમ પોતાની માતા હોય અથવા બેન હોય તથા દીકરી હોય તે ઘણી રૂપવાન હોય તો પણ તેને દેખીને મનને વિષે વિકાર થતો નથી, તેમ જ તેની સાથે બોલે છે, સ્પર્શ કરે છે તો પણ મનને વિષે લેશમાત્ર વિકાર થતો નથી; એવી રીતે ભગવાનના ભક્ત જે બાઈઓ હોય તેને વિષે મા, બેન ને દીકરી તેની બુદ્ધિ રહે તો કોઈ રીતે વિકાર થાય નહિ અને રસિકમાર્ગે કરીને ભગવાનને ભજીને અભયપદને પામે. અને જ્યારે એમ ન સમજે અને કોઈ મોટા ભગવાનનાં ભક્ત બાઈઓ હોય તેને દેખીને અવળું સમજે, ત્યારે એને મોટો દોષ લાગે. અને જે અન્ય સ્ત્રીને દેખવે કરીને દોષ લાગ્યો હોય તે તો ભગવાનના ભક્તને દર્શને કરીને ટળે છે. અને ભગવાનના ભક્તને જોઈને જે દોષ લાગ્યો હોય, તેને ટાળ્યાનો ઉપાય શાસ્ત્રમાં કહ્યો જ નથી. તેમ જ ભગવાનનો ભક્ત જે પુરુષ હોય, તેને દેખીને જે સ્ત્રી અવળું સમજે તેને પણ એ પાપ થકી કોઈ કાળે છુટાય નહિ. ત્યાં શ્લોક છે જે,

5. ગઢડા મધ્ય ૩ ( para.6)

એ શ્લોકનો અર્થ એ છે જે, ‘બીજે ઠેકાણે પાપ કર્યું હોય તે તો ભગવાન કે ભગવાનના ભક્ત પાસે ગયે છૂટે અને ભગવાન ને ભગવાનના ભક્ત પાસે જઈને જે પાપ કરે તે તો તીર્થક્ષેત્રનું પાપ છે, તે વજ્રલેપ થાય છે.’ માટે જેને રસિક માર્ગે કરીને ભગવાનને ભજવા હોય તેને તો જેવી રીતે અમે વાત કરી તેવી રીતે નિર્દોષ બુદ્ધિ રાખવી.

6. ગઢડા મધ્ય ૬૪ ( para.4)

એવા જે શ્રીકૃષ્ણભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે જે, બીજા અવતારને વિષે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે અને શ્રીકૃષ્ણભગવાનને વિષે તો સર્વે કળાઓ છે. માટે એ શ્રીકૃષ્ણભગવાન તો રસિક પણ છે, ને ત્યાગી પણ છે, ને જ્ઞાની પણ છે, ને રાજાધિરાજ પણ છે, ને કાયર પણ છે, ને શૂરવીર પણ છે, ને અતિશય કૃપાળુ પણ છે, ને યોગકળાને વિષે પ્રવીણ છે, ને અતિશય બળિયા પણ છે, ને અતિશય છળિયા પણ છે, માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રીકૃષ્ણભગવાન જ છે. અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંતકોટિ બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની સો વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય, તેણે કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી. માટે પ્રલયકાળમાં શા સારુ કલ્યાણ કર્યું જોઈએ ? સર્વે બ્રહ્માંડ વસે જ છે તો ! એવી રીતે એ પ્રશ્નનું સમાધાન છે.” એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજીમહારાજે કરી. તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે, એ જ જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે.

7. ગઢડા અંત્ય ૨૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નરસિંહ મહેતા તો સખીભાવે શ્રીકૃષ્ણ ભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નરસિંહ મહેતા, ગોપીઓ ને નારદ-સનકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી, એ તો એક પ્રકાર જ છે. અને દેહ તો પુરુષનો ને સ્ત્રીનો બેય માયિક છે ને નાશવંત છે; અને ભજનનો કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી, એ તો સત્તામાત્ર ચૈતન્ય છે. તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમ જ જો ધન, સ્ત્રી આદિક પદાર્થમાં પ્રીતિ થઈ જાય, તો એ ભગવાનનો દૃઢ ભક્ત કહેવાય નહિ. અને પરમેશ્વરનો ભક્ત થઈને ભક્તિ કરતા થકા જે પાપ કરે છે ને સત્સંગમાં જ કુવાસના બાંધે છે, તે પાપ તો એને વજ્રલેપ થાય છે. અને કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાયું હોય તો તેનું વધુ પાપ છે. માટે જેને ભગવાનમાં દૃઢ પ્રીતિ કરવી હોય તેને તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહિ. શા માટે જે, સત્સંગી હરિજન છે તે તો જેવા પોતાનાં મા, બેન કે દીકરી હોય તેવા છે. અને આ સંસારને વિષે અતિશય જે પાપી હોય તે પોતાના ગોત્રની સ્ત્રીઓને વિષે કુદૃષ્ટિ રાખે છે; માટે જે હરિજનને વિષે કુદૃષ્ટિ રાખે તે અતિશય પાપી છે ને તેનો કોઈ કાળે છૂટકો થાય નહિ. માટે જેને રસિક ભક્ત થવું હોય તેને આવી જાતનું પાપ તેનો ત્યાગ કરીને પછી રસિક ભક્ત થવું.

(કુલ: 29)