વાસના

વાસના

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "વાસના" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧૧ ( para.2)

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! વાસનાનું શું રૂપ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ; અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ.”

2. ગઢડા પ્રથમ ૧૧ ( para.3)

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય.”

3. ગઢડા પ્રથમ ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “એક હરિજન છે તે સંસારને તજીને નીસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે, એવો એક ત્યાગી ભક્ત છે; અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે. અને વળી બીજો ગૃહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે. એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે ?” પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઓલ્યો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નીસર્યો છે, તે કેવી રીતે શ્રેષ્ઠ છે ? અને ગૃહસ્થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે, તે કેવી રીતે ન્યૂન છે ?” પછી શ્રીજીમહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું, પણ સમાધાન થયું નહિ. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! તમે ઉત્તર કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ત્યાગી હોય અને તેને સારી પેઠે ખાવા મળે અને જો કાચી મતિવાળો હોય, તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી કરતા તો ગૃહસ્થ ઘણો સારો; કેમ જે, ગૃહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે, ત્યારે તે એમ વિચાર રાખે જે, ‘રખે મારે આમાંથી બંધન થાય !’ એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો જે, ‘જેણે સંસાર મુક્યો ને પાછી સંસારની વાસના રહે જ નહિ’. અને ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે, જો ગૃહસ્થના ધર્મ સચવાય તો; પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે. અને અનંત પ્રકારના સુખ-દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડુંઅવળું ડોલવા દે નહિ, અને એમ સમજે જે, ‘સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણિ અને કલ્પવૃક્ષ મળ્યો છે; અને ધન, દોલત, દીકરા, દીકરી એ તો સર્વ સ્વપ્નતુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે.’ એમ સમજે; અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહિ, એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે. અને સૌ કરતા ભગવાનના ભક્ત થાવું એ ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે.” એમ કહીને તે ઉપર શ્રીજીમહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવરાવ્યાં.

4. ગઢડા પ્રથમ ૨૧ ( para.3)

અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે અને એ અક્ષરધામને વિષે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટિ મુક્ત રહ્યા છે. તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને પુરુષોત્તમનારાયણ તે સર્વના સ્વામી છે ને અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે માટે આપણા સત્સંગી સર્વેને તો એમજ નિશ્ચય કરવો જે, ‘આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી, ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી.’ એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય માહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય, માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા.”

5. ગઢડા પ્રથમ ૨૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે, “સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે, અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે, માટે એ બે વાનાં તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવાં, અને એ બે માં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તે તેને તેજ અતિશય દેખાણું; તે તેજને જોઇને ચીસ પાડવા માંડી ને કહ્યું જે, ‘હું બળું છું’ માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને, તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે અને અમે તે હરિભક્તને સમજાવ્યું જે, ‘તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી; ને આ લાડકીબાઇ નામ અને ભાટનો દેહ તે તું નથી અને અછેદ્ય, અભેદ્ય એવો જે આત્મા, તે તારું સ્વરૂપ છે.’ પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે, ‘ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો.’ અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે; અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિષે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે, અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે; ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિષે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે અને કડાકા અતિશય થાય છે, તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહા શૂરવીર હતા, તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહિ, માટે એમ બોલ્યા જે, ‘હે મહારાજ ! આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો.’ એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિષે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી; તે સારુ દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે; એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે અને બીજો પ્રકાર એ છે જે, ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે ? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય, અને તે ભગવાનને વિષે વૃત્તિ ક્યારે જોડાય ? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીશ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહિ અને તે વીશે કોશનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહિ; તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાય જાય છે, તેમ જ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમ જ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિષે ફેલાઈ જાય છે, તેમ જ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિયો પણ પોતપોતાના વિષયને વિષે હજારો પ્રકારે ફેલાઈ જાય છે; એવી રીતે દશે ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું ચિંતવન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે ‘હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું,’ એવું જ અભિમાન ધરે, ત્યારે એની એક વાસના થઈ જાણવી.

6. ગઢડા પ્રથમ ૨૮ ( para.2)

તે સમે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ્ વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે જે, ‘સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું’ એમ સર્વથી અધિક પોતાને જાણે, અને રાત્રિ-દિવસ પોતાના હૈયામાં મુંઝાયા કરે, અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહિ અને રાત્રિમાં સૂવે તો નિદ્રા પણ આવે નહિ, અને ક્રોધ તો ક્યારેય મટે જ નહિ અને અર્ધબળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે, ‘એ સત્સંગમાંથી પડવાનો થયો છે.’ અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહિ અને અંતે પાછો પડી જાય છે.

7. ગઢડા પ્રથમ ૨૮ ( para.3)

અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે, એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે, ‘શુભ વાસના વૃદ્ધિ પામી છે’ અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટ્યપને પામી જાય છે.” એવી રીતે શ્રીજીમહારાજ વાત કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને આસને પધાર્યા.

8. ગઢડા પ્રથમ ૩૮ ( para.2)

તે સમે શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા અને પછી એમ બોલ્યા જે, “સાંભળો, વાત કરીએ છીએ જે, જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે, ‘પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી.’ એમ વર્ષોવર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી. અને એમ વિચારે નહિ ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહિ; જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના-મહિનાનું નિરંતર ચુકાવી દઈએ તો દેતા કઠણ ન પડે ને વર્ષ-દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે, તેમ નિરંતર વિચાર કરવો. અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે, જેમ ફૂલે કરીને તિલ વસાય છે, તેમ મનને ભગવાનનાં જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિષે વાસવું અને ભગવાનનાં ચરિત્રરૂપ જાળાને વિષે મનને ગૂંચવી મેલવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક શમ્યો ને બીજો કરવો, બીજો શમ્યો ને ત્રીજો કરવો, એમ ને એમ મનને નવરું રહેવા દેવું નહિ.” એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું ને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવી રીતે ભગવાનનાં જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન; તે એક દિવસનાં જો સંભારવા માંડે તો તેનો પાર ન આવે, તો સત્સંગ થયા તો દશ-પંદર વર્ષ થયા હોય તે એનો તો પાર જ ન આવે. અને તે એવી રીતે સંભારવા જે, ‘આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ ને આવી રીતે વાર્તા થઈ,’ ઈત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તેને વારંવાર સંભારવા અને જે ઝાઝું ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે, એ જેવો બીજો નથી. ત્યારે તમે કહેશો જે, ‘અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ,’ તો તે અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કહ્યા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે. અને અમે તો એમ માન્યું છે જે, મન નિર્વાસનિક જોઈએ અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃતિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહિ. અને બાહેર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય. અને જેને મનમાં વાસના હોય ને તે બાહેર સારી પેઠે નિવૃત્તિપરાયણ વર્તતો હોય તો તેનું બાહેર લોકમાં તો સારુ જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય; કેમ જે, મૂવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા અને પ્રથમ રાજ્ય મેલ્યું હતું, ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું; માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય, માટે દેહે કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ. અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે અને એવો જે ન હોય તે નાનેરો છે અને ગૃહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો ને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું ને ભગવાનનું ચિંતવન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું, તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે. અને જે પોતાના મનમાં ભૂંડા ઘાટ થતા હોય તે કહેવા, પણ ‘જેમ કૂતરાનું મુખ કૂતરો ચાંટે’ તથા ‘સર્પને ઘેર પરોણો સાપ મુખ ચાટીને વળીયો આપ’ તથા રાંડીને પાસે સુવાસિની સ્ત્રી જાય ત્યારે તે કહે જે, ‘આવ બાઈ હું જેવી તું પણ થા’ તેમ પોતાની પેઠે જેને ભૂંડા ઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવો તે તો આ દ્રષ્ટાંત દીધા એમ૨ છે; માટે ઘાટ કેને કહેવો ? તો જે ના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળિયો હોય તેની આગળ કહેવો. અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે, તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે, તે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી ન જાય ત્યાં સુધી બેઠતો-ઉઠતો, ખાતો-પીતો સર્વ ક્રિયામાં વાત કર્યા કરે અને તેના ઘાટ ટાળ્યામાં કેવી ચાડ હોય ? તો જેમ પોતાના ઘાટને ટાળ્યાની ચાડ હોય તેવી હોય, એવા આગળ ઘાટ કહેવો. અને જેની આગળ ઘાટ કહીએ ને તે આવી રીતે વાત તો ન કરે ને પોતે આળસુ હોય તો શો સમાસ થાય ? માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિષે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતના સુખથી નિર્વાસનિક થવું. અને એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે ? તો દશ ઇન્દ્રિયો ને અગિયારમું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવાં તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું. અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય ને દેહે કરીને તે વ્રત-તપ કરે તો પણ તેનું અતિશય સારુ થતું નથી. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને તે ભગવાનનું માહાત્મ્ય સમજીને પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્યે અભ્યાસ રાખવો.” એમ વાર્તા કરી.

9. ગઢડા પ્રથમ ૪૦ ( para.2)

પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય જે, ‘હું નારદ, સનકાદિક ને શુકજી તે જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું અથવા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને શ્વેતમુક્ત જેવો થાઉં;’ એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ.”

10. ગઢડા પ્રથમ ૪૪ ( para.4)

પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ તેણે પ્રશ્ન પૂછ્યું જે, “હે મહારાજ! દેહ અને દેહના સંબંધીને વિષે અહંમમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે, ‘પોતાને દેહથી પૃથક્ જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહરૂપે માને છે.’ અને એ જીવાત્માને વિષે દેહ તો કેવી રીતે વળગ્યો છે ? તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો, ત્યારે તે એમ માને જે, ‘દરજી તે મારો બાપ છે ને દરજણ તે મારી મા છે,’ એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિષે પોતાપણું માને અને તે દેહના માબાપને પોતાનાં માબાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો. અને ચોરાશી લાખ જાતમાં જે પોતાની મા, બોન, દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી, માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહંમમત્વના ઘાટ કેમ ટળશે ? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશ વાસના તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિષે સાધુપણું આવતું નથી, માટે દેહ ને દેહના સંબંધીને વિષે અહંમમત્વનો ત્યાગ કરીને અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને અને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે અને એવો સાધુ તો હું છું જે, ‘મારે વર્ણાશ્રમનું લેશમાત્ર માન નથી.’ એવી રીતે શ્રીજીમહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું અને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.

11. ગઢડા પ્રથમ ૫૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન-ઉત્તર કરીએ,” એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો હું પ્રશ્ન પૂછું છું જે, “શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે ?” પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાની છે તે તો બ્રહ્મસ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તો પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી, તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારુ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિષે મોટી ખોટ છે અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિષે દ્રઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહિ અથવા તેની આગળ દીનવચન બોલાય નહિ તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટ્યે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે જે, ‘પાણી ઘણું થશે’ અને જો ઉપરથી રણકતો હોય ને માંહી કાપે ત્યારે અગ્નિ ઝરે તો સલાટ એમ કહે જે, ‘કૂવામાં પાણી થશે તો અર્ધા કોશનું કે પા કોશનું થશે પણ વધુ નહિ થાય.’ તેમ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો કહેવાય, પણ જેવું અર્ધા કોશનું કે પા કોશનું પાણી થયું એવો મોટો થાય, પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહિ, તો એ પુરુષના હૃદયને વિષે પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણનારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે.”

12. ગઢડા પ્રથમ ૬૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વિગતિ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિષે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો જે, ‘મારે જેટલી ભગવાનને વિષે વાસના છે તેટલી જ જગતને વિષે છે કે ઓછી વધુ છે ?’ તેની પરીક્ષા કરવી. ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જે, ‘ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે.’ એવી જ રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય અને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને પંચવિષયને વિષે સમબુદ્ધિ થઈ જાય છે; ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે; તેમ જ સારુ રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ, યુવાન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે; તેમ જ સારા ને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જિતાણી. અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. અને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતાં હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે, માટે વાસના ટાળે તેજ એકાંતિક ભક્ત છે.”

13. ગઢડા પ્રથમ ૬૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું જે, “ વાસના ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચવિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય માહાત્મ્ય જાણ્યું જોઈએ જે, ‘ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું ?’ એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે. અને વળી એમ વિચાર કરે જે, ‘ભગવાનને ભજતા થકા પણ જો કોઈક ખોટ રહી જશે ને કદાપિ જો ભગવાનના ધામમાં નહિ જવાય ને ઈન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિષે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટિ ગણાં વધુ સુખ છે.’ એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્યાર પછી એને એમ જણાય છે જે, ‘મારે કોઈ કાળે વાસના હતી જ નહિ અને એ તો મને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું; પણ હું તો સદા વાસનાએ રહિત છું’, એવું ભાસે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહિ, માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે.”

14. ગઢડા પ્રથમ ૬૧ ( para.4)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારુ ભગવાન જ પ્રેરે છે જે, ‘એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે ?’ એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુવે છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. “જેમ વામનજીએ બળિરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ચૌદ લોકના બે પગલા કર્યા અને ત્રીજા પગલા સારુ તે બળિરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું તો ભગવાને એને વગર વાંકે બાંધ્યો, તો પણ ભક્તિ થકી પડ્યો નહિ. ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા. અને ભગવાને તો બળિરાજાને ક્ષણમાત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે, તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળિને દરવાજે ઊભા છે અને બળિરાજાની દૃષ્ટિ થકી પળમાત્ર પણ ભગવાન છેટે થતા નથી.” એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહેશું, અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જશે. શા માટે જે પોતે, ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે. તે જેની પોતાને વિષે અતિદ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે, ‘ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પળ માત્ર મારાથી છેટે નહિ રહે.’ એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહિ.”

15. ગઢડા પ્રથમ ૬૭ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, ‘આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારુ છે.’ અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહિ. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિષે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ન આવે ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે, તેને વિષે દેવની૨ બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે, તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે.”

16. ગઢડા પ્રથમ ૭૩ ( para.7)

અને આ વાત સમજાય પણ તેને, જેને આત્મનિષ્ઠા હોય અને તે આત્માને વિષે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહિ, માટે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિષે વાસના રહેતી નથી અને વાસના ટળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ-દુઃખને ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે. અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે, તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્ દર્શન થાય છે ત્યારે બુઠિયો થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યાં હોય ને દાંત અતિશય અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહિ અને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહિ, તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના વિષયસુખને વિષે આનંદ થાય નહિ અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે અને વાસના ટળવી એ પણ કામ અતિશય ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે. એ સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે : તેમાં એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે અને કાં તો કોઈક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે ત્યારે કોટિ કોટિ સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિષે ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે, એટલે ઉપાસનાનો ભંગ થયો, માટે પ્રત્યક્ષ મૂર્તિને વિષે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ, તો સર્વે કામ સરે. અને અમે પણ એમ દ્રઢ નિશ્ચય કર્યો છે જે, ‘કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશમાત્ર અંતરાય રાખે નહિ તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહિ.”

17. ગઢડા પ્રથમ ૭૮ ( para.20)

પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં ને સત્સંગીમાં અતિશય હેત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રથમ તો એને સંતને વિષે અલૌકિક મતિ હોય ને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને ઝાઝો દોષ પરઠે છે. પછી એની અસદ્ વાસના થઈ જાય છે, તેણે કરીને સંતને વિષે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદ્ વાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય; અને જો અસદ્ વાસના ન ટાળે તો અંતે જતાં વિમુખ થઈ જાય છે.”

18. ગઢડા પ્રથમ ૭૮ ( para.23)

પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદ્ વાસના કેમ ટળતી નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણ્યું નથી એટલે અસદ્ વાસના ટળતી નથી.”

19. સારંગપુર ૧ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, ‘હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે.’ એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને ભગવાનનો મહિમા એમ વિચારે જે, ‘હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વેના સ્વામી જે શ્રીપુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમેષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળા કરીએ તો પણ તેના કોટિમાં ભાગની બરોબર પણ થાય નહિ. અને જે ભગવાનનું અક્ષરધામ છે, તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે. તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું ? અને વિષયસુખ તો કેવળ દુઃખરૂપ જ છે.’ એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રકટે તે વૈરાગ્યે કરીને સર્વ વિષયસુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષયસુખનો ત્યાગ કર્યો, તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ. અને એનું જ મન જિતાણું કહેવાય અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલૂડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારુ દીસે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહિ.”

20. સારંગપુર ૪ ( para.3)

અને કોઈકને એવો સંશય થાય જે, “અત્યંત નિર્વાસનિક નહિ થઈએ ને કાચા ને કાચા મરી જઈશું તો શા હવાલ થશે ?” તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહિ અને એમ સમજવું જે, ‘મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું અને અજર, અમર છું માટે હું મરું નહિ.’ એવું સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળ મતિ કરવી. અને એમ વાસના ટાળતા ટાળતા જો કાંઈક થોડી ઘણી વાસના રહી ગઈ, તો જેવા મોક્ષધર્મમાં નરક કહ્યા છે તેવા નરકની પ્રાપ્તિ થશે. તે નરકની વિગતિ જે, ભગવાનનો ભક્ત હોય તેને કાંઈ જગતની વાસના રહે તેને ઈન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય ને તે લોકને વિષે જઈને, અપચ્છરાઓ તથા વિમાન તથા મણિમય મહોલ એ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે; પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહિ અને ચોરાશીમાં પણ જાય નહિ. માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો, અને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને ને નિર્વાસનિક થઈને અંત્યે ભગવાનના ધામને પામશો; પણ વિમુખ જીવની પેઠે નરકચોરાશીને નહિ ભોગવો, એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહિ ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાન ને ભગવાનના સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો.”

21. સારંગપુર ૫ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને શ્રદ્ધા તથા હરિ ને હરિજનનાં વચનને વિષે વિશ્વાસ તથા ભગવાનને વિષે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે, તેમાં પણ જો એક માહાત્મ્ય અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ; એ ત્રણ દુબળાં હોય તો પણ મહા બળવાન થાય છે; અને માહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ દશ બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય, પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહિ, તેમ જેને માહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે. અને જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે. અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયામાં નથી, તો શમ દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે; તોય પણ નહિ જેવા જ છે. કેમ જે, અંતે નાશ પામી જશે માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે. તે માટે માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે.”

22. સારંગપુર ૬ ( para.2)

પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ જીવાત્મા જે તે જેને વિષે રહીને વિષયભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજપુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્ત્વગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિષે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા તેને વિષે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળદેહના અભિમાને સહિત થકો દસ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાનાં પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચવિષયના ભોગને ભોગવે છે, તેને સત્ત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિષે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિષે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્ય વિષય ભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠ સ્થાનકને વિષે રહી છે એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિષે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મદેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખ દુઃખરૂપ વાસનામય ભોગને ભોગવે છે, તેને રજોગુણપ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને સ્વપ્નને વિષે એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે, ત્યારે તેને સ્વપ્નને વિષે જાગ્રત અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિષે જણાણા જે વાસનામય ભોગ તેમને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિષે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષયભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિષે લીન થઈ જાય છે. અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા, તેનું પ્રધાનપુરુષરૂપ સગુણબ્રહ્મના સુખલેશને વિષે અતિશય લીનપણું થઈ જાય છે તેને તમોગુણપ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ અને એ સુષુપ્તિને વિષે કર્મ સંસ્કારે કરીને કર્તાવૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિષે સ્વપ્ન કહીએ અને જાગ્રત ને સ્વપ્નને વિષે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિષે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિષે જાગ્રત કહીએ. એવી રીતે એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ રહી છે અને એ જે અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે અને વળી તે તે અવસ્થાને વિષે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને તુર્ય પદ કહે છે, અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે. બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે.”

23. કારિયાણી ૭ ( para.3)

પછી એવી રીતે શ્રીજીમહારાજની વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું જે, “હે મહારાજ ! જે ગૃહસ્થને એવી રીતે ન વર્તાય તેના શા હાલ થશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસનામાત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે. અને જે એવો બળિયો ન હોય તેને તો સત્સંગની ધર્મમર્યાદામાં રહેવું અને સંત ને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું જે, ‘ભગવાન તો અધમઉદ્ધારણ ને પતિતપાવન છે, તે મને સાક્ષાત્ મળ્યા છે.” પછી એવા શ્રીજીમહારાજના વચન સાંભળીને સર્વે હરિજન અતિશય રાજી થયા.

24. લોયા ૧૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો,” એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો જે, “જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે ?” પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચારે કરીને પણ નીસરે નહિ અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહિ અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે, પણ વિષયમાં આસક્ત થાય નહિ અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિષે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા-નરસા જે વિષય તે બેય સમાનપણે જણાય અને પોતે ગુણાતીતપણે વર્તે.”

25. લોયા ૧૬ ( para.3)

ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ વાસના કુંઠિત તો હોય, પણ તે મૂળમાંથી ટળી જતી નથી તેનું શું કારણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એ છે જે, આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થમાત્ર તેને વિષે અનાસક્તિરૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિકરૂપ જે ધર્મ તથા માહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ, એ ચાર વાનાં જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી.”

26. ગઢડા મધ્ય ૨૨ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાસુદેવમાહાત્મ્યને વિષે એકાંતિક ભક્તના ધર્મ કહ્યા છે જે, ‘એકાંતિક ભક્ત હોય, તે પોતાનું રૂપ દેહ માને નહિ ને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય; તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહિ.’ અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે; તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે, તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. માટે તુચ્છ એવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવાં નહિ; કાં જે, એ સાધુ જ્યારે ભગવાનનાં ધામને પામે છે, ત્યારે અનંતકોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ્ય-સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય-સામર્થીને પામે છે. એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છવું નહિ. અને જેમ હાથમાં ચિંતામણિ આવી ત્યારે તે ચિંતામણિને જતન કરીને રાખવી; કેમ જે, જો હાથમાં ચિંતામણિ છે તો જે પદાર્થને ઈચ્છશે તે પદાર્થને આપશે; તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણિને ઝાલી રાખવી પણ તેને મૂકવી જ નહિ, તો એને સર્વે વાતની સિદ્ધિ થશે.”

27. ગઢડા મધ્ય ૨૫ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને કહ્યું જે, “સાંભળો, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ જે, એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહે કરીને તો સર્વ વર્તમાન દૃઢ રાખે છે. ને અંતરમાં તો વિષય ભોગવવાની વાસના અતિશય તીખી છે, તો પણ દેહે કરીને તો ભ્રષ્ટ થતો નથી, એવો તો ત્યાગી છે. અને બીજો ભક્ત છે તે તો ગૃહસ્થાશ્રમી છે ને તેને તો દેહે કરીને ધન-સ્ત્રીનો પ્રસંગ છે ને અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે. એ બેય જણા જ્યારે દેહ મૂકશે ત્યારે એ બેય શી ગતિને પામશે ? એ બેય તે સરખી ગતિને પામશે? કે અધિક-ન્યૂન થશે ? એ બેયનો વિક્તિએ કરીને જુદો જુદો ઉત્તર આપો.” પછી ગોપાળાનંદસ્વામી બોલ્યા જે, “એ ત્યાગી જ્યારે દેહ મૂકશે ત્યારે એને વિષય ભોગવવાની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન મૃત્યુલોકને વિષે અથવા દેવલોકને વિષે મોટો ગૃહસ્થ કરશે અને અતિશય વિષયભોગ પ્રાપ્ત થશે. તે જેવા ભગવદ્‌ગીતામાં યોગભ્રષ્ટને ભોગ કહ્યા છે, તેવા ભોગને દેવલોકમાં ભોગવશે. અને એ ગૃહસ્થ હરિભક્ત છે, તે તો દેહ મૂકશે ત્યારે નિર્વાસનિક છે. માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાનનાં ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. અને પ્રથમ કહ્યો જે ત્યાગી તે તો વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને ને મનમાં પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે. પછી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જશે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઠીક કહ્યું; એનો ઉત્તર એ જ છે.”

28. ગઢડા મધ્ય ૨૫ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી દ્રઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઈચ્છા હોય, તો તે શો ઉપાય કરે ત્યારે ટળે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણમાત્ર પણ રહેવાય નહિ, તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે.”

29. ગઢડા મધ્ય ૨૭ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પ્રથમ આવરણ થઈ જાય એવી કાચ્યપ રહે છે, તે શાને યોગે રહે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશકાળાદિક જે આઠ છે, તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે, તેવું જ એક એકમાં છે. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત-દુષ્કૃત થાય તો વેદ, શાસ્ત્ર ને પુરાણ તેને વિષે વિધિનિષેધના ભેદ કહ્યા છે જે, ‘આ કરવું ને આ ન કરવું’ તે સર્વ ખોટું થઈ જાય; તે એ મોટાના કરેલાં શાસ્ત્ર તો ખોટા થાય જ નહિ. અને જય વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ, કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહ્લાદને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહિ અને જો સનકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય, જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે. અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહિ અને જો કોઈ ઉપર મલિન ઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઈ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુઃખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે, ‘ભગવાન સર્વાંતર્યામી છે, તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે. માટે જેને અમે દુઃખવ્યો તેના જ અંતરમાં વિરાજમાન હશે, ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો.’ એમ જાણીને તેને પગે લાગીને તેને કાંઈક જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ અને વળી અમે વિચારીને જોયું જે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહિ; ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે, તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવના કલ્યાણ થશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખ્યે પણ કેમ ઠીક પડે ? એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યા જોઈએ, તુલસી લાવ્યા જોઈએ, ભાજીતરકારી લાવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ. માટે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મૂઠી વાળીને બેસી રહે, તેણે ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિએ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય, એટલે પછવાડેથી અંધપરંપરા ચાલે. તે સારુ અમે મંદિર કરાવ્યા છે; તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારુ કરાવ્યા છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહિ. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી, એ અમારો સિદ્ધાંત છે.”

30. ગઢડા મધ્ય ૪૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે સર્વ મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી, એ તમે સર્વે મારા કહેવાઓ છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહિ અને તમે કાંઇક ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહિ. માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સૂધા સાવધાન રહેજ્યો; જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહિ. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્દ્રિયો, દશ પ્રાણ, ચાર અંતઃકરણ, પંચ ભૂત, પંચ વિષય અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી; ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદરિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન્નમુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાંખવી છે, પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજ્યો.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા.

31. ગઢડા મધ્ય ૪૭ ( para.3)

અને વળી સંતને કોઈ સારુ પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચવિષયનો લાલચી હોય, એ બે તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ; કેમ જે, આ સભા તો જેવી બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે, તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે ? અને પંચવિષય છે, તે તો પૂર્વે દેવ-મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે, તો પણ હજી લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી; તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહિ. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહિ, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહિ. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહિ. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે,’શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે’ માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતાં મરવું નહિ અને ‘આ દેહમાંથી નીસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે,’ એવી વાસના રાખવી. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી-ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું; તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે, ‘માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ,’ એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક, ઈન્દ્રલોકના ભોગનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું. એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું માહાત્મ્ય જાણ્યું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્મ્ય જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું માહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી; એમ અરસપરસ માહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત્ય રાખવી.”

32. ગઢડા મધ્ય ૪૮ ( para.2)

અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીયો જે, ‘વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ’ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બહુ સારાં કીર્તન ગાયા; આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે, ‘આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ.’ અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહિ. અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. અને જેવા શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે, તેવો જ એ પણ નિરન્નમુક્ત થઈ રહ્યો છે. અને દેહક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે, તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી; અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન કરતે થકે દેહ પડશે, તેને કોટિ કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરવું.

33. ગઢડા મધ્ય ૪૮ ( para.3)

અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતવન થઈ ન શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેણે યુક્ત એવા જે આ સાધુ તેને મધ્યે પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે, ‘આ દેહને મૂકશું પછી કોઈ રીતનું જન્મ થવાનું નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે, જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો,’ એમ જ ઈચ્છીએ છીએ. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતવન થતું હોય તે તો કાળ, કર્મ ને માયાના પાશ થકી મુકાયો છે; અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના માબાપ પણ કૃતાર્થ થયા જાણવાં. અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતવન કરે છે તે તો અતિશય ભૂલ્યો જાણવો. અને સ્ત્રી, પુત્ર ને ધનાદિક પદાર્થ તે તો જે જે યોનિમાં જાય છે, તે સર્વેમાં મળે છે; પણ આવા બ્રહ્મવેત્તા સંતનો સંગ ને શ્રીવાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતવન તે તો અતિશય દુર્લભ છે. માટે જેમ વિષયી જનને પંચવિષયનું ચિંતવન અંતઃકરણમાં થયા કરે છે; તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતવન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વે હરિભક્તમાં મુખિયો છે. અને એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ; એ પંચવિષય હોય, તો પણ ભગવાન સંબંધી જ હોય; અને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાને ઈચ્છે અને ત્વચા તે ભગવાનનો સ્પર્શ કરવા ઈચ્છે અને નેત્ર તે ભગવાન ને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે અને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઈચ્છે અને નાસિકા તે ભગવાનને ચડ્યાં જે પુષ્પ તુલસી તેના સુગંધને ઈચ્છે, પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહિ. એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય.”

34. ગઢડા મધ્ય ૫૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જે, જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે, અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિષે બળી જાય છે, અને જેમ શૂરો રણને વિષે ટુક ટુક થઈ જાય છે; તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ, તેને વિષે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને તે તેજોમય એવું જે અક્ષરબ્રહ્મ, તેને વિષે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી; એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂંફવાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ, ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એ સર્વેને કાંઈકે જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિષે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી; એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ, તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી, અને કર્મ પણ નાશ કરી શક્યા નથી, અને માયા પણ પોતાને વિષે લીન કરી શકી નથી, અને હવે તો ભગવાન મળ્યા છે, માટે કાળ, કર્મ, માયાનો શો ભાર છે ? એમ જાણીને એવી હિંમત બાંધી છે જે, ‘હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિષે પ્રીતિ રાખવી નથી.’ અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. શા માટે જે, જેને મારા જેવો અંતરનો દ્રઢાવ હોય તે સાથે જ અમારે બને છે. અને જેના હૃદયમાં જગતનાં સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહિ. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે, તે કહ્યું.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી.

35. ગઢડા મધ્ય ૫૫ ( para.2)

પછી તે મુનિ કીર્તનભક્તિ કરી રહ્યા, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું; તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો. તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે, તેવી વાર્તા કહીએ છીએ તે સાંભળો જે, જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવમંદિર હોય ત્યાં દર્શને જવું, કથાવાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું; એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મૂકીને નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહિ અને વનમાં જ રહેવું ગમતું. અને બીક તો લેશમાત્ર લાગતી જ નહિ અને વનને વિષે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઈત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહિ; એવી રીતે મહાવનને વિષે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિષે ફરતા ફરતા શ્રીરામાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી શ્રીરામાનંદ સ્વામી જ્યારે અંતર્ધાન થયા તે કેડે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી. પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મુવા ટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સહુને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે; તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયિક પદાર્થમાત્ર છે, તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વિક્તિ નથી જણાતી જે, ‘આ સારુ પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે.’ જેટલાં માયિક પદાર્થમાત્ર છે, તે તો સર્વે એક સરખા જણાય છે. જેમ કાખના મુવાળા છે, તેમાં સારો કયો ને નરસો કયો ? તે તો સારો-નરસો સહુ એક પાડમાં છે; તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખા છે. અને કાંઈક સારુ-નરસું જે કહીએ છીએ, તે તો ભગવાનના ભક્તને સારુ લગાડવાને અર્થે કહીએ છીએ જે, આ સારુ ભોજન છે, આ સારુ વસ્ત્ર છે, આ સારુ ઘરેણું છે, આ સારુ ઘર છે, આ સારુ ઘોડું છે, આ સારાં પુષ્પ છે; તે ભક્તને સારુ લાગે તે સારુ કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે, તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરે અને વાણી તે ભગવાનના યશને જ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે; એમ ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ. જેમ કોઈક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય, અને તે રાજા સાઠ્ય-સિત્તેર વર્ષનો થાય ને પછી તેનો દીકરો મરી જાય, ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય; તેમ અમારે પણ ખાતાં-પીતાં, ઘોડે ચઢતાં, રાજી-કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે.

36. ગઢડા મધ્ય ૬૨ ( para.4)

એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા હવા જે, “અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે, જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે શુકજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું. એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરી રાખીએ છીએ અને એ ત્રણ અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ ત્રણ અંગવાળાનાં જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે, એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ત્રણ ગુણ, પંચવિષય એ આદિક જે માયાનું ટોળું તે છે. અને એ બેના મધ્યને વિષે જે વિચાર રહે, તે વિચાર જ્ઞાનસ્વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિષે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે, તેમ સ્થિર થઈને રહે છે. ને તે વિચાર દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; એમને આત્મા સંગાથે એક થવા દેતો નથી અને તે વિચાર પણ આત્મા સંગાથે એક થતો નથી. અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે. અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય, ત્યારે વરતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે. ને પછી આ ગઢડા જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે. અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે. ને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે, તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે. ને પછી ઇન્દ્રિયોની ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિષે લીન થઈ જાય છે, ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. અને એ વિચાર છે, તે જ્યારે આ જીવ સંગાથે મળે છે, ત્યારે તે જીવના હૃદયને વિષે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે ને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે. અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે, ‘હું આત્મા છું અને મારે વિષે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે.’ અને એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે.

37. ગઢડા મધ્ય ૬૨ ( para.7)

અને વળી આ જીવનો તો એવો સ્વભાવ દેખાય છે જે, ‘જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે.’ એવી રીતે એ જીવનો અવળો સ્વભાવ જણાય છે. માટે જે ભગવાનના દ્રઢ આશ્રિત હોય તેને તો એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને ને પોતાના મનનું ગમતું સર્વે મૂકીને ભગવાનને ભજવા અને ભગવાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે જ ઠીક છે. અને જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય, તેને તો આત્મનિષ્ઠા જ વિચારે કરીને દ્રઢ કરવી. કેમ જે, જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ ને કાં તો ભગવાનને વિષે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ. અને એ બે અંગમાંથી જેને એકે અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને રહેવું, તો જ સત્સંગી રહેવાય; નહિ તો સત્સંગ થકી બહાર પડી જવાય.

38. વરતાલ ૧૯ ( para.2)

પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્યદેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ; એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ રાખવી ઘટે નહિ. શા માટે જે, ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે અને જે નરકના કીડા છે તે તો નરકને વિષે પરમ સુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચવિષયના સુખને ઈચ્છવું નહિ. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથને કરે તે સર્વે સત્ય થાય છે. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઈચ્છે છે એ જ એનો મોટો અવિવેક છે. તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને તો ચૌદ લોકના જે ભોગસુખ છે તેને કાકવિષ્ટા તુલ્ય જાણ્યા જોઈએ અને મન-કર્મ-વચને કરીને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે જ દ્રઢ પ્રીતિ કરી જોઈએ. અને એમ સમજ્યું જોઈએ જે, ‘જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત્ ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય, તો તે પણ ઈન્દ્રપદવીને પામે, કાં બ્રહ્મલોકને પામે પણ પ્રાકૃત જીવની પેઠે નરકચોરાશીમાં તો જાય જ નહિ. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવ્યામાં જ કેમ આવે ?’ માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી.”

39. અમદાવાદ ૧ ( para.2)

તે સભામાં શ્રીજીમહારાજ અંતર સામી દૃષ્ટિ કરીને વિરાજમાન હતા. પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સામું જોયું. પછી એમ બોલ્યા જે, “અમારે એક ધ્યાનનાં અંગની વાર્તા કરવી છે, તે વાર્તા મોક્ષધર્મને વિષે પણ કહી છે. અને જે મોટા મોટા એ ધ્યાને કરીને સિદ્ધદશાને પામ્યા છે તે પણ અમે ઘણાક દીઠા છે ને અમારા પણ અનુભવમાં એમ વર્તે છે જે, અનંત પ્રકારના ધ્યાન છે, પણ જે આ વાત કહેવી છે તેની બરોબર બીજું કોઈ ધ્યાન થાય નહિ, જેમ કોઈ ચમત્કારી મંત્ર હોય અથવા ચમત્કારી ઔષધિ હોય, તેમાં સ્વાભાવિક જ ચમત્કાર રહ્યો છે, તેમ જે આ ધ્યાન અમારે કહેવું છે તે ધ્યાનમાં પણ એવો સ્વાભાવિક જ ચમત્કાર છે જે, તત્કાળ સિદ્ધદશાને પામી જાય. હવે તે વાર્તા કરીએ છીએ, એ જે ધ્યાનનો કરનારો છે તેને જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું ને ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું. એવી રીતે ધ્યાન કરતા કરતા સૂર્ય ને ચંદ્રમા જેવા આકાશમાં છે તેવા ને તેવા જ નેત્રમાં દેખાવા માંડે, ત્યારે જમણું નેત્ર છે તે તપવા માંડે ને ડાબું નેત્ર છે તે ઠરવા માંડે, ત્યારે સૂર્યની ધારણા ડાબા નેત્રમાં કરવી ને ચંદ્રની ધારણા જમણા નેત્રમાં કરવી. એવી રીતે ધારણા કરીને પછી સૂર્યને ને ચંદ્રને અંતર્દૃષ્ટિ કરીને હૃદયાકાશમાં જોયા કરવા અને જોનારો જે પોતાનો જીવ તેના રૂપને પણ દેખવું અને દેખનારો જે જીવાત્મા તેને વિષે પરમાત્માનું ધ્યાન કરવું. પછી તેનું જે વાસનાલિંગ દેહ છે, તે જેમ રેંટનો ફાળકો ફરે તેમ આકાશને વિષે ફરતું જણાય. પછી એવી રીતે ધ્યાન કરતા થકા ભગવાનનું જે વિશ્વરૂપ છે તેનું દર્શન તેને થાય છે, ને તે રૂપને વિષે ચૌદે લોકની રચના છે તે દેખાઈ આવે છે. અને તે સ્વરૂપ અતિશય મોટું પણ નથી દેખાતું. જેમ વટપત્રશાયી ભગવાન એક વડના પત્રમાં નાના બાળક થઈને પોઢ્યા હતા અને તે જ ભગવાનના ઉદરને વિષે માર્કંડેય ઋષિએ સમગ્ર બ્રહ્માંડ દીઠું. એવી રીતે ભગવાનનું ધ્યાન કરતા થકા જેટલાં કાંઈ શાસ્ત્રમાં પદાર્થ કહ્યા છે, તે સર્વે એની દૃષ્ટિમાં આવે છે, ત્યારે એના જીવાત્માને વિષે જે કાંઈક નાસ્તિક ભાગ રહ્યો હોય તે મટી જાય છે અને તેનો જીવ અતિ બળિયો થાય છે, અને જે જે શાસ્ત્રમાં કહ્યું છે, તે સર્વે સત્ય છે. એવી એને દ્રઢ પ્રતીતિ આવે છે અને અણિમાદિક અષ્ટ સિદ્ધિઓ તે પણ એ ધ્યાનના કરનારાને આવીને હાજર થાય છે અને જ્યાં લગણ સૂર્યની ને ચંદ્રની કિરણ પહોંચતી હોય ત્યાં લગી તેની દૃષ્ટિ પહોંચે એવી અનંત સિદ્ધિઓ પ્રકટે છે, પણ પરમેશ્વરનો ભક્ત છે માટે કોઈ સિદ્ધિઓને ગ્રહણ કરતો નથી, કેવળ પરમેશ્વરનું જ ધ્યાન કરે છે, ત્યારે એ ધ્યાનનો કરનારો નારદ, સનકાદિક, શુકજીના સરખી સિદ્ધદશાને પામે છે. માટે અનંત પ્રકારના ધ્યાન છે, પણ તત્કાળ સિદ્ધદશાને પમાડે એવું તો એ જ ધ્યાન છે.”

40. ગઢડા અંત્ય ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તનભક્તિની સમાપ્તિ કરો ને પ્રશ્ન-ઉત્તર કરીએ,” પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું જે, “હે મહારાજ! પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દૃઢ પ્રીતિ થતી નથી ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય જે, મારે તો બ્રહ્મચર્યવ્રત છે તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી તે એ બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો ચોરાશી લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે; તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે, એ જીવ બકરો થયો હશે ત્યારે હજાર બકરીઓને પોતે એકલો ભોગવતો હશે અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બૂઢિયો વાનરો ઈત્યાદિક પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિષે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકેએક એને મળી હશે. અને તેમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી; એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહિ કરે તો જે જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે. ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન-પૂજન નહિ કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહિ કર્યો જોઈએ; એ તો સહેજે જ તે સ્ત્રીઆદિકનાં સુખને પામશે. અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે તો પણ એ જીવને સ્ત્રીઆદિક જે પદાર્થ છે તેને ભોગવ્યાની તૃષ્ણા ટળતી નથી. ને સ્ત્રીઆદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે ને તેનું અતિ માહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે, તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી; એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું, તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો જે, ‘હે મહારાજ ! હે શિવજી ! મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશો મા. શા માટે જે, મનુષ્ય દેહમાં તો તાંબું ખાઈ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી. માટે હે શિવજી ! મને તો જન્મોજન્મ લંબકર્ણનો જ અવતાર દેજ્યો, જે લાજમર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ !’ એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી.”

41. ગઢડા અંત્ય ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજના ભત્રીજા જે રઘુવીરજી, તેમણે પ્રશ્ન પૂછ્યો જે, “જેવી જાગ્રત અવસ્થાને વિષે જીવની સ્થિતિ છે, તેવી સ્વપ્ન અવસ્થાને વિષે કેમ રહેતી નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવ જેવો જાગ્રત અવસ્થામાં રહે છે તેવો જ સ્વપ્ન અવસ્થાને વિષે રહે છે. કેમ જે જાગ્રત અવસ્થામાં જેવી વાસના હોય તેવી જ સ્વપ્ન અવસ્થામાં સ્ફુરે છે.”

42. ગઢડા અંત્ય ૧૮ ( para.3)

પછી નિર્લોભાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જાગ્રત અવસ્થામાં તો કોઈ દિવસ દીઠાંય ન હોય ને સાંભળ્યા પણ ન હોય તેવા તેવા પદાર્થ સ્વપ્નમાં સ્ફુરી આવે છે; તેનું શું કારણ હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ન દીઠા હોય ને ન સાંભળ્યા હોય એવા જે પદાર્થ સ્ફુરે છે, તે તો પૂર્વજન્મના જે કર્મ, તેની વાસનાએ કરીને સ્ફુરે છે.”

43. ગઢડા અંત્ય ૧૮ ( para.4)

પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! આ જીવને પૂર્વજન્મના જે કર્મ તે કર્મનું જોર ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ જીવને જ્યારે સત્પુરુષનો સંગ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વકર્મ સંબંધી જે વાસના તે જૂની થતી જાય. પછી એને જન્મમરણ ભોગવાવે એવી તે વાસના રહે નહિ. જેમ ત્રણ વર્ષની તથા ચાર વર્ષની જે જૂની ડાંગર થઈ, પછી તે જમ્યામાં તો આવે ખરી પણ વાવે તો ઊગે નહિ, તેમ પૂર્વકર્મની વાસના છે તે જીર્ણ થાય ત્યારે જન્મમરણને ભોગવાવે એવી રહે નહિ. ત્યારે કોઈક એમ પૂછશે જે, ‘ વાસના જીર્ણ થઈ કેમ જણાય ?’ ત્યાં દૃષ્ટાંત-જેમ કોઈક પુરુષો ઢાલો, તરવારો લઈને સામસામા લડાઈ કરતા હોય, તે જ્યાં સુધી સામસામા એમ ને એમ ઊભા રહે ત્યાં સુધી એ બેયનું બળ બરોબર જણાય અને જ્યારે એક જણાનો પગ પાછો હઠ્યો ત્યારે એ હાર્યો કહેવાય. તેમ ભગવાનનો જે ભક્ત હોય તેને ભગવાન સંબંધી ને વિષય સંબંધી જે સંકલ્પ તે જ્યાં સુધી તુલ્યપણે વર્તતા હોય ત્યાં સુધી એમ જાણવું જે, ‘ વાસના બળવાન છે.’ અને જ્યારે ભગવાન સંબંધી જે સંકલ્પ તે વિષય સંબંધી સંકલ્પને હઠાવી દે ત્યારે એમ જાણવું જે, ‘ વાસના જીર્ણ થઈ ગઈ છે.”

44. ગઢડા અંત્ય ૨૦ ( para.2)

પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ ! કાળ તો ભગવાનની શક્તિ છે ને કર્મ તો જીવે કર્યા હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુગત્યે શું હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવે જે પૂર્વજન્મને વિષે કર્મ કર્યા છે, તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એકરસ થઈ ગયા છે. જેમ લોઢાને વિષે અગ્નિ પ્રવેશ થઈ જાય, તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવા જે કર્મ, તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.”

45. ગઢડા અંત્ય ૨૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવા જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો; એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠાએ સહિત શ્રીકૃષ્ણભગવાનની ભક્તિ કરવી એ જ ભાસે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે અને આત્મનિષ્ઠાવાળાને પણ જો કોઈક ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે, પણ ઝાઝી વાર ટકે નહિ.”

46. ગઢડા અંત્ય ૨૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નરસિંહ મહેતા તો સખીભાવે શ્રીકૃષ્ણ ભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નરસિંહ મહેતા, ગોપીઓ ને નારદ-સનકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી, એ તો એક પ્રકાર જ છે. અને દેહ તો પુરુષનો ને સ્ત્રીનો બેય માયિક છે ને નાશવંત છે; અને ભજનનો કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી, એ તો સત્તામાત્ર ચૈતન્ય છે. તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમ જ જો ધન, સ્ત્રી આદિક પદાર્થમાં પ્રીતિ થઈ જાય, તો એ ભગવાનનો દૃઢ ભક્ત કહેવાય નહિ. અને પરમેશ્વરનો ભક્ત થઈને ભક્તિ કરતા થકા જે પાપ કરે છે ને સત્સંગમાં જ કુ વાસના બાંધે છે, તે પાપ તો એને વજ્રલેપ થાય છે. અને કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાયું હોય તો તેનું વધુ પાપ છે. માટે જેને ભગવાનમાં દૃઢ પ્રીતિ કરવી હોય તેને તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહિ. શા માટે જે, સત્સંગી હરિજન છે તે તો જેવા પોતાનાં મા, બેન કે દીકરી હોય તેવા છે. અને આ સંસારને વિષે અતિશય જે પાપી હોય તે પોતાના ગોત્રની સ્ત્રીઓને વિષે કુદૃષ્ટિ રાખે છે; માટે જે હરિજનને વિષે કુદૃષ્ટિ રાખે તે અતિશય પાપી છે ને તેનો કોઈ કાળે છૂટકો થાય નહિ. માટે જેને રસિક ભક્ત થવું હોય તેને આવી જાતનું પાપ તેનો ત્યાગ કરીને પછી રસિક ભક્ત થવું.

47. ગઢડા અંત્ય ૩૦ ( para.3)

અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે, ‘આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે.’ ને સુખ-દુઃખ, રાજીપો-કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે; એવો વૈરાગ્ય કહ્યો. અને બીજું એમ જે, આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે. અને ત્રીજું એમ જે, અમારા મનમાં પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી ? અને એમ જાણું છું જે, ટળી તો ગઈ છે ત્યારે તે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે? ત્યારે રખે ન ટળી હોય ! એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. અને ચોથું એમ જે, મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત; એ જે સર્વ છે તેને પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નહિ ? અને આની વાસના ટળી છે, ને આને આની નથી ટળી. એમ સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. અને પાંચમું એમ જે, જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય ને દેહ પડી જાય. માટે એમ જાણીએ છીએ જે, ‘મનને ઉદાસી ન કરવું.’ કેમ જે, ભલા અમારે યોગે કરીને આ સર્વે બાઈ-ભાઈ, પરમહંસ રાજીપે બેઠાં ભગવદ્‌ભક્તિ કરે છે, તો એ ઠીક છે. અને ભગવદ્‌ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે જે, મરી તો સર્વને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે. એમ નિરંતર અનુસંધાન રહે છે.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ શ્રીપુરુષોત્તમનારાયણ છે.

48. ગઢડા અંત્ય ૩૪ ( para.2)

પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન વિના બીજા માયિક પદાર્થમાત્રને વિષે વાસના ન રહે ને એક ભગવાનને વિષે જ વાસના રહે, તેના બે સાધન જણાય છે. એક તો ભગવાનને વિષે પ્રીતિ ને બીજો જ્ઞાને સહિત વૈરાગ્ય, એ બે સાધન છે. તે એ બે સાધન તો જેને અતિશયપણે ન વર્તતા હોય ને ભગવાનનો નિશ્ચય ને વિશ્વાસ તો હોય, એવાને પણ એક ભગવાનની જ વાસના રહે, ને બીજા પદાર્થની વાસના ન રહે એવો ત્રીજો કોઈ ઉપાય છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ન ખરો ને એ બે સાધને કરીને જ એક ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરું. અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ન ટળે. માટે જીવતે દુઃખિયો વર્તે ને ભગવાનનો નિશ્ચય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે. અને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ટાળ્યાના જેમ એ બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે. તે શું ? તો જેના જેવા નિયમ કહ્યા છે તેમાં સાવધાન પણે વર્તે. તે નિયમ કયા ? તો એક તો સ્વધર્મ સંબંધી નિયમ. તે કેમ ? તો જેમ આત્મનિવેદી સાધુ-બ્રહ્મચારીના નિયમ છે, તેમ જ આત્મનિવેદી ન હોય તો પણ સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે, તથા સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ રાખે. એવી રીતે પંચવિષયના ત્યાગ સંબંધી નિયમને દૃઢપણે સાવધાન થકો પાળે, તથા ભગવાન ને ભગવાનના ભક્ત તેની દેહે કરીને પરિચર્યા કરે, તથા ભગવાનની કથા સાંભળે ઈત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે, ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે. એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય ને ભગવાનને વિષે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ને અતિશય બળિયો થઈ જાય ને એને પદાર્થમાં અશુભ વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે.”

49. ગઢડા અંત્ય ૩૫ ( para.4)

ત્યારે વળી શુકમુનિએ પૂછ્યું જે, “જેની જે પ્રકૃતિ હોય તેને ભગવાને તથા સાધુએ કોઈ દિવસ મરોડી ન હોય, ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે જે, ‘મારી પ્રકૃતિને મરોડશે ત્યારે મારું ઠીક નહિ રહે ?’ કેમ જે, પોતે જે અજમાવેલ વાર્તા ન હોય તેનો વિશ્વાસ કેમ આવે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો પોતાના મનના જે સંકલ્પ તેની સામી દૃષ્ટિ રાખે જે, ‘મારા મનમાં ભગવાન વિના બીજા પંચવિષય સંબંધી ભોગ છે તેમાં શાની વાસના બળવાન છે ? ને બળવાનપણે કયા વિષયનો સંકલ્પ થાય છે ?’ એમ વિચારે તો જેવો પોતે હોય તેમ માલુમ પડે, પણ બીજી રીતે ન પડે. અને જ્યારે એ વિચારે ત્યારે એમ વિચારે જે, ‘આ પદાર્થનો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તુ છું ને તેમાંથી જ્યારે મને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહિ રહે.’ એમ એને પોતાનો નિશ્ચય થાય. અને બળવાન પ્રકૃતિ હોય ને તદપિ જો એની પ્રકૃતિને ભગવાન તથા સાધુ કોઈ દિવસ મરોડે નહિ, તો તો એ પાર પડી જાય. ને જો મરોડે તો તો એનો ઠા રહે નહિ. અંતે અતિ મૂંઝાઈને વિમુખ થઈ જાય.”

50. ગઢડા અંત્ય ૩૮ ( para.3)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિષે બેઠા-ઊઠ્યાની વાસના તથા રસને વિષે જિહ્વાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય, એ છો વાનાં જેને હોય, તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ, સુખ તો ક્યારેય થાય જ નહિ. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા. ને નિવૃત્તિપર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી, ને દેહાભિમાને રહિત ને વૈરાગ્યે યુક્ત ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત્વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય. એવા જે ભગવદ્ ભક્ત મોટા સાધુ તે સંઘાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન, કર્મ, વચને વર્તવું. ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહિ. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠા રહે જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે.”

(કુલ: 138)